વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભીંત

                “રાજુલના બાપા.... કહું છું, સાંભળો છો કે? હવે આ માટીની દિવાલ બહું ટકે એમ નથી. કાં’ક કરો નય તો તમે ને હું બેવ અયા જ દટાઈ મરીશુ. ને કોઇ કાંધ આપનારું ય ન ય મલે.” ચૂલો ફૂંકતા ફૂંકતા જ કંઇક ચિંતાના અને કંઇક ગુસ્સાના મિશ્રિત ભાવથી જીવીકાકી એમના વરને માટીના ઘરની દિવાલ સરખી કરવાની વાત કરી રહ્યા હતા. 
         
         “ હા.. રાજુલની મા. મારા ધ્યાનમાં જ છે આ વાત.. આ સાલ આ તમાકુ વેચાઇ જાય એટલે મેળ પડે.. રાજુના લગનમાં ખરચ કરયુ છે તે એ દેવું પણ ભરવું કે ન'ઇ..”
     
         “તે દેવુ તો તમારા ભાઈઓનું જ છે કે..... ઓણ સાલ જપશે નહી કે’.. એમના ઘરમાં વિવાહ આવેલ તો આપણે પોંચ પોંચ વરહ હુધી પૈસા માગેલા કે..... આ તો તઇણ તઇણ વરહા દુકાળના આવી ગયા એટલે આપણી હાલત પાતળી થૈ.. એ તો થઇ રે’શે.... પન આ ભીંત હરખી કરાવો નહી તો આ વરહે વરહાદ કાઢવો વહમો થઈ પડશે. “ 
     
             “ હા...હા. હવે તું ટાઢી પડ ને ચિંત્યા નોં કર.. હું જરા ખેતરે આંટો મારી આવુ. તમાકુ થયે બધુ ઠીક થઇ રહેશે. “ આમ જીવીકાકી ને સધિયારો આપી માવજીકાકા ખેતરે જવા નિકળ્યાં. 
       
        રાજુલપુરા ગામના માવજીકાકા ને બે મોટાભાઇ હતા. વનાભાઇ અને દાનાભાઇ. બન્ને માવજીકાકા કરતાં વધારે સુખી સંપન્ન હતાં. બન્નેના દિકરા શહેરમાં સારી નોકરી કરતાં હતાં. ને ગામમાં પણ બબ્બે મેડી વાળા પાકા ચણતરવાળા મકાનો હતાં. પરંતુ માવજીકાકાની આર્થિક હાલત પાતળી ને એમાંય ઉપરાછાપરી ખરાબ વર્ષો ને દિકરી રાજુલના લગ્નમાં વધુ ખર્ચ થવાને કારણે એક સાંધતા તેર તુટે એવી પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ. મકાનની પાછલી ભીંત માટીની બનેલી હતી જે કેટલાય વર્ષોથી અડીખમ ઉભેલી હતી. પણ વારંવારના માવઠા અને મૂશળધાર વરસાદને કારણે ક્યારે પડી જશે એનું નક્કી નહોતુ. એ ભીંત પર મકાનના પાછલા ભાગનો આધાર હતો. એ પડી જાય તો આખો પાછલો ભાગ ધસી જ પડે. મકાનનો આગલો ભાગ વનાભાઇએ પાક્કો ચણાવ્યો હતો. પણ એનો ઉપયોગ એ પોતે જ અનાજ ભરવા ને ખેતરના સાધનો મૂકવા કરતા.    
       
           સાંજ પડ્યે રાજુલપુરા ગામને ચોરે ભગત બાપાની ચારે બાજુ ગામના વડીલો થોડાક જુવાનીયા ને બેત્રણ છોકરાં બેઠા હતા. ભગતબાપા આ નિયમ જ હતો. સાંજના આવી નાના સભા ભરવાનો. ને સભામા સૌને જીવનપયોગી વાતો સમજાવવાનો. માવજીકાકા અને ભગતબાપા બાળપણના મિત્રો હતા. ભગતબાપાને પહેલેથી જ સંસાર ખારો લાગતો એટલે સંસારથી જેમ બને એમ દુર જ રહેતા. 
   
          “ તે હે.. ભગતબાપા.. મારા બાપા આજે કે'તે’લા કે’ કલયુગ આવ્યો છે. તે એનું હું હમજવું!”- લહેકો વાળી પોતાના લાંબા ફેશનવાળા પટીયાને સીધા કરતાં એ જુવાને પૂછ્યું. 
   
         “આ જ કલયુગ ભાઇ..” ભગતબાપા એ જવાબ વાળ્યો.
   
       “ના.. ના જ્યારે માનવીઓના કદ અંગુઠા જેવડા થઈ જાહેં ત્યારે કળજુગ આવશે.” એક વડીલે તાપશી પૂરી.
   
         “તે એમ કેમ માની લેવું. એવું ક્યાં લખેલુ છે?”  પોતે બીજા કરતાં ભણેલો છે એમ સાબિત કરતાં પેલો જુવાન ફરી બોલ્યો.
     
        “શાસ્તરમા”  પેલા વડીલે એ જુવાન તરફ તીરછી નજર નાંખી બોલ્યા ને ભગત સહજ મલકાયા. 
   
          ત્યાજ માવજીકાકા ત્યાથી નીકળયા. ભગતે  બેસવા આમંત્રણ આપ્યું પણ કાકાને હજું ય ભિંતની વાત મગજમાં ઘુમરાતી હતી એટલે એ ઘર બાજુ વળ્યા. 

        ઘરે વનાભાઇ અને દાનાભાઇ બન્ને હિસાબ કરવા આવેલા. એ જોઇ કાકાને ફાળ પડી. 
   
       “ઓહ... સારૂ થયું. આવી ગયાં ભાઇ.. બાકી અમારે તો મોડુ થતું હતું. લો... આ પૂરા પિસ્તાલીસ હજારનો હિસાબ... તમારે આપવાનાં નિકળે છે રાજુલ ના લગનના. હવે તમે અમારા હગા ભાઇ. ને રાજુલ ના વિવાહ. એટલે અમે શું માંગીએ. પણ ઘરમાં ય જવાબ દેવો પડે કે નઇ... છોકરો શે’રમાં રાત હુધી મહેનત કરે તા’ણ આ રૂપિયા જોવા પામીએ. તે એનું ય કંઈક વિચારવુ કે નય. દાનાભાઇએ વનાભાઇ સામે આંખ મીંચકારી કહ્યુ.
   
        “હા હું એની જ વેતરણમાં છુ... ભા...આ તમાકુ વેચાઇ જાય એટલે તમારાં રૂપિયા દૂધે ધોઇ આપી દૈશ... બસ ત્યાં લગી જપી જાવ...”  બે હાથ જોડી કાકા બોલ્યાં.
     
         “ને આ સાલ આ ખોરડાના ય ભાગ પાડી જ દઈયે. થોડા રૂપિયા ભેગા થાય એટલે ઘર ઉપર એક મેડી ખેંચી લેવી છે. “ મૂદ્દાની વાત કરતાં વનાભાઇએ કહ્યુ. 
   
        “ બાપ.. હવે ઝોંપડા માં ય ભાગ માંગશો. ખેતીના ને ઢોરના ભાગ તો પાડી દીધાં છે. તમારે બેવ ને પાકાં મકાન છે. ને હજું અમારે આ ઝુંપડી ય સરખી નથ. ને એંમાય આ રાજુલના લગન લીધાં. ને અમે નાના છીએ તે અમને આ ઝુંપડું આપી દેશો તો કાંઇ ગરીબ નહીં થઈ જાવ. બેવ ના દીકરા શહેરમા લાટ સાહેબ છે  ને અમને અહીં ખાવાના ય સાંસા છે. “ ક્યારનાય મનમાં ને મનમાં મુંજાઇ રહેલા જીવીકાકીએ લાજનો ઘૂંમટો તાણતા કહ્યુ. 
   

        “ઍ આ હું બોલ્યાં ભાભી. આ તો ખાનદાનનું ખોરડું છે બાપાનું. આમાં અમારો ભાગ તો ખરો જ ને. ભલમનસાઇ થી રેવા દઈયે છીએ કે... એટલે એમ નહીં કે તમે બાપદાદા નું ઘર જ પચાવી પાડો..આ બધુ નઇ હાલે... હા. નય તો ભાગ તો તમારે આપવો જ પડશે. આમ પચાવી પાડે નહી ચાલે. બાપા કાંઇ તમારા એકલા હાટુ ખોરડું નઇ મૂકી ગ્યા.”  દાનાભાઇએ રાતાપીળા થતા કહ્યુ.
 

       “ હાસ્તો વળી. હવે તો જેમ બને એમ વહેલા જ ભાગ પાડી દેવા પડશે. નઇ તો આ વરવહુ ભેગા થઇ મકાન પચાવી પાડતા વાર નઇ લગાડે.  ને એક તો એની છોકરીના લગન કાઢી આપવામાં પાઇ પૈસાની મદદ કરી ને હવે પાછા મકાન પણ પચાવી પાડવુ છે કેમ ?”- વનાભાઇએ વાત પૂરી કરી ને બન્ને ત્યાંથી નીકળી ગયા.
**********      ************    *************** ****************  ********** ***************
 
      મે મહિનો પૂરો થતાં જ વાદળ ઘેરાવાના ચાલુ થઇ ગયા હતા. મેહૂલો આજ આવે કાલ આવે એમ કરતો હતો. જીવી કાકી આ જ ફરી કાકાને પેલી ભીંતની યાદ અપાવી હતી.  પણ કાકાએ હું કંઇક ગોઠવણ કરૂ છુ એમ કહી પાકેલી તમાકુની  ગોઠવણ કરવા નિકળી પડ્યા હતા.  
 
     “બોલ ભાઇ આ મારા ખેતરની તમાકુ.. બોલ શું ભાવ છે.”
 
      “હવે કાકા તમારી જોડે શુ ભાવતાલ કરૂ. હેં.... પણ આ તમાકુના ચાલીસ હજારથી વધુ નઇ આલી શકુ. એક તો નબળુ બિયારણ અને એમાય માવઠામાં ખરાબ થયેલી તમાકુ.. હું યે કેટલી ખોટ ખાવ... બોલો કાકા.! 
   
        “હેં ! ખાલી ચાલીસ હજાર.. એટલા તો મારી રાજુલના લગનનો ખર્ચામાંજ.. તો પછી ...ભીંત હરખી કરાયા વન્યા ચોમાહું કેમનું કાઢીશુ. “ ફક્ત ચાલીસ હજાર જ મળશે એ જાણી માવજીકાકાના છાતીના પાટીયા જ બેસી ગયા. ને ચોમાસામાં આવનારી પરિસ્થિતી એમની ઝીણી આંખ સમક્ષ તરવરી રહી હતી. 
   

      “ભલે રાજુલના લગનનું દેવુ તો વળશે.”- આમ તમાકુનો સોદો કરી માવજીકાકા ઘરે પાછા ફર્યા. ઘરે વનાભાઇ  અને દાનાભાઇ રૂપિયા લેવા હાજર જ હતાં. 
 
     “ઠીક ત્યારે, માવજી તારી તમાકુ સારા ભાવે જ વેચાઇ છે તો હવે અમારુ દેવુ ચૂકતે કર તો અમેય છુટીએ. ને હા કાલે મેં ગામના પંચને બોલાવ્યુ છે, ખોરડાના  ભાગ કરવા. તે તુ તૈયાર રહેજે.” વનાભાઇ બોલ્યાં. 
   

       “હા...બા... હવે તો છુટકો છે.”- પોતાના સગાભાઇઓના ભાવ પારખી માવજીકાકા બોલ્યાં. 
     
    બીજા દીવસે વનાભાઇ ને દાનાભાઇ સાથે ગામના પંચને ભેગા કરી બરાબર દસના ટકોરે આવી પહોંચ્યા. પંચના માણસોને ગામમાં સારા એવા ચા-પાણી કરાવી લાલ ટામેટા જેવા કરી લાવ્યા હતા.
   
   
   “ હા તો બોલો... કેમ ભાગ પાડવા છે? “ મુખી મુચ્છ પર હાથ ફેરવતાં ફેરવતાં બોલ્યાં. “વના ! તું મોટો છે ઘરમાં. તું બોલ.”
   

     “મુખી બાપુ ! હવે આ બે તો મારાં નાના ભાઈ છે એમની જોડે થી શું લેવું. પણ આ તો બાપાની મિલકત છે એટલે નામ રાખવા હાટુ જ મને આ ઓસરી ને આગળનું આંગણું અપાવો.
   
      “ને મારે ય કાઇ જોતું નથી પણ આ ખોરડાની બાજુમા વાડો છે એ ભાગ ખાલી અપાવો.”- દાનાભાઇ ઝીણી આંખે વાડાની લગભગ અડધા વીઘા જેટલી જમીન જોઇ બોલ્યો.
 
    “ ઍ શુ બોલ્યા ભાઇ ! મારે પાછલી ભીંત નબળી છે ને આ ચોમાહું કાઢી નઈ શકે. જો ભર ચોમાહે આ ભીંત તુટી પડે તો અમે બે ધણી ધણીયાણી ક્યાં જાશુ. ને પાછલા ભાગે થી અમારે નિકળવું ક્યાં.. મોટા.. ભગવાને તમને બૌવ આલ્યુ છે ને દરીયો જેટલુ ઝાઝું આલે. પણ આ આગલો ભાગ મને આપો તો અમે બેવ જણ આ ખુણા માં પડી રૈશુ.”-  બે હાથ જોડીને ઝળઝળીયા ભરી આંખથી માવજી કાકા બોલ્યા. પંચે મકાનના ભાગ પાડવા શરૂ કર્યા. એ સમયે લાજના ઘુમટમાંથી જીવીકાકીના આંસુનો એકમાત્ર સાક્ષી પ્રભુ જ હતો. ને આખરે પંચ સાથે વનાકાકાએ અગાઉથી કરેલ સમજૂતી મુજબ ભાગ પાડ્યા. ને માવજીકાકાના હાથમાં મકાનનો પાછલો ભાગ આવ્યો. જેમાં એમને પાછળની પેલી કાચી દિવાલ મોટાભાઇઓ તરફથી ભેટ તરીકે મળી હતી. 
  *******    ************** ********** ************ ***************  
       
      ઉનાળો આજ જાવ ને કાલ જાવ કરી રહ્યો હતો. વાદળો ઘડી ભર બંધાતા ને ઘડીમાં વિખેરાઇ જતાં. સૂરજ ડુબુ ડુબુ થઈ રહ્યો હતો.ને ચાંદા ને જાણે કહેતો ના હોય કે કાલે સવારે હું થાક ઉતારી પાછો ફરું ત્યાં લગી મારા પૃથ્વીવાસીઓ નું ધ્યાન રાખજે. સંધ્યાના લાલ રંગોને ઢાંકી દેતા કાળા ડીબાંગ ઉભરાતાં વાદળો આજે રાતે કંઈક જમાવટ કરશે એવી ચાડી ખાતા હતા. દુર દુર ડુંગરા પાછળ ડૂબતાં સૂરજને ય ઢાંકી દઈ હવે ચાર મહિના અમારું જ વર્ચસ્વ છે એમ સાબિત કરી ધાક જમાવી રહ્યાં હતાં.
     
       “પણ કાકા તમારે ય તે કાકી ને તમારુ પૂરૂ તો કરવું પડશે કે નઇ. આ ખેતરના ભાગ પાડ્યા તા'ર તમે થોડું વિચાર્યુ હોત તો... એ બે ભાઈ ના હાથ માં બબ્બે વિઘા ને તમારે એક વિઘુ. . ને બૌ ઓછું હતું ઍ માટીના આજ પડું કાલ પડું ખોરડા માં ય ભાગ હોધ્ય....આવો અન્યા ચ્યાય મલકમાં જોયો તો બાપા....” જગાએ ખેતરના શેઢા ને સરખા કરતાં કહ્યું.
     
      “તે ગગા..એ તો મોટા ભાયુ..ને એમનો વસ્તાર ય મોટો એટલે કાં’ક તો હમજવું પડે ને ભાઇ. ને મારે ક્યાં દિકરો તે ભેગું કરવું પડે..” બોખા મોં માંથી ખાંસતા ખાંસતા કાકા બોલ્યા.
       
        “ભોગ તમારાં કાકા.. આમને આમ દાડા વે'શે તો તમારા હાથમાં કૈ નઈ રહે, ફરી કેતા નય કે આ ભગાઍ ચેતવ્યા નોતા..”
       
          “હશે ભાઈ હશે, ભગવાન સૌ સારું કરશે. એ તો બોલી કાકા ઘર તરફ જવા નીકળ્યા. ને ધીમીધારે વરસાદ વરસવો ચાલુ થયો. ઘરે પહોચ્યાં ત્યા લગી આખા પલળી ગયાં હતાં ને વરસાદ ય પોતાનું જોર વધારી રહ્યો હતો. પોતાને મળેલા ભાગમા ટપકતા પાણીની નીચે કૈંક વાસણ મૂકી પરાણે કાકી માટીના લીંપણને પલાળતું અટકાવવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા હતાં. મૂંગા મૂંગા કામ કરતાં હતા તો ય જાણે કહી રહ્યા હતા કે આજની રાત કેમ જાશે ! વરસાદ કહે મારૂ કામ. આકાશમાં ઉઠતા વીજળીના કડાકા ભડાકા ને એથી કાળાડીબાંગ વાદળમાં ઉભી થતી ભયની ધ્રુજારી આખા ગામને કંપાવી રહી હતી.
     
       બંને પતિ પત્નિ ખાલી આજની રાત આ વરહાદ રહી જાય માટે ભગવાનને યાદ કરી રહ્યા હતા. ઘરમાં પડેલી એક જ ગોદડીમાં લપાઇ જઈ જેમ બને એમ આ રાત વહી જાય એની ગોઠવણ કરી રહ્યા હતા. ને એક જ ઝટકામાં એ ભીંત ધસી પડી ને એની સાથે સાથે પાણીયારુ ને ઠેક ઠેકાણે થી કાકીએ વીણી વીણીને ભેગા કરેલા માળીયાથી ઢાંકેલી છત સહિત પાછલો ભાગ આ બંન્ને ડોશા ડોશી પર ધસી પડ્યો. ને એની સાથે બન્નેના જીવનની સાથે સાથે ભીંત ના કકળાટ નો અંત આવી ગયો. આકાશમાં એક મોટી ગર્જના કરતી કડાકા ભડાકા કરતી વીજળી થઇ ને એક કલાક પછી વાતાવરણ એકદમ નીરવ થઇ ગયુ. 
     
      મોં સૂંઝણુ થતા જ બધા શેરીમાં નિકળ્યા. વરસાદ બંધ રહી ગયો હતો. ક્યાં કેટલુ નુકશાન થયુ. કોના ઘરમાં પાણી પેઠુ એનો જાણે સર્વે કરતા હોય એમ એકબાજુ ટોળુ એકઠુ થયુ હતુ.  ‘ એ..... કોઇ વના કાકા ને દાનકાકા ને બોલવો કે....આ માવજીકાકા ને જીવીકાકી અહીં કાટમાળમાં જ દેવ થઈ ગ્યા.” બૂમ પડતાં જ ટોળુ એ દિશામાં ભાગ્યુ. જઇને જોયુ તો બન્નેના પાર્થિવ શરીરના લુગડા કાટમાળમાંથી ડોકીયુ કરી, ગઇ ગોઝારી રાતમાં બનેલી ઘટનાની ચાડી ખાતા હતા. આ બાજુ વનાભાઇ અને દાનાભાઇને ખબર આપવા દોડેલો જુવાનીયો હાંફતો હાંફતો પાછો આવ્યો ને ખબર આપી કે એકેય જણ ઘરે નથી.
     
        ને ઘરે ક્યાંથી હોય? વનાકાકા ખોરડામાંથી મળેલા ભાગને વેંચી દઇ આવેલા રૂપિયાથી પોતાના બીજા ઘરની ઉપર બીજો માળ ચણવા શહેરના કોન્ટ્રાક્ટરની ઓફીસમાં મસલત કરી રહ્યા હતા ને દાનાભાઇ પણ શહેરમાં દિકરાએ બનાવેલા આલીશાન મકાનને નિરખી રહ્યા હતા. 

       ટોળામાં ઉભેલા ભગતબાપા આ બધુ ફાટી આંખે જોઇ રહેલા પેલા ભણેલા જુવાનીયા તરફ જોઇ બોલી ઉઠ્યા, “ આ જ કલયુગ ભાઇ.... આ જ કલયુગ. “ 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ