વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શશશશ...આજની રાત

શશશશ....આજની રાત (વિષય..૩ રહસ્ય-રોમાંચ)

 

લીલીછમ ચાદર ઓઢી ડાંગનાં ડુંગરા ઝૂમતા હતાં. ક્યાંક ગીરાની મદમસ્ત,મલકતી ચાલનો ખળખળ અવાજ. ક્યાંક ગીરાધોધનો અવાજ.ક્યાંક પક્ષીઓનાં ફફડાટ,કયાંક મીઠો કલરવ. 

 

 ક્યાંક ફેલાયેલી  અસીમ નીરવતા.

 

ડાંગનાં ગીચ જંગલને ચીરીને જતી તપખીરીયા રંગની કેડી, સુમસામ રસ્તા પર એકલતાને વળગીને પગલાં માંડતી હતી.

 

  ડુંગરને વળગીને,સાપોલીયાની માફક સરકતી, શાંત..ગંભીર.. ગીરાનદીને કિનારે, તપખીરીયા રંગની  કેડી ખોવાઈ જતી હતી, ત્યાં ઈંટમાટીનું બનાવેલું વિશાળ મકાન દશ્યમાન થતું હતું. 

 

કુદરતનાં સાનિધ્યમાં ઉછરેલું  એ મકાન. 

 

પાછળ જંગલની સરહદ અને આગળ આછીપાતળી માનવ વસ્તીથી ઘેરાયેલું મકાન.

 

 ચારેકોર ઊંચા-ઊંચા વાંસના વૃક્ષો અને ફેલાયેલી  લાંબી,એકચક્રી નિરવ શાંતિનું સામ્રાજ્ય.

 

 આ શાંતિમાં ભંગ ત્યારે જ પડતો જ્યારે આ મકાનમાં એટલે કે શારદા વનવાસી નિવાસી શાળા સંકુલમાં ઘંટ વાગતો.

 

 ટન.. ટન.. ટન.. ટન.

 

 ક્ષણિક  શાંતિ ડહોળાઈ જતી. પક્ષી ઉડાઉડ કરી મૂકતાં.

 

 ટન.. ટન.. ટન.. ઘંટના અવાજનાં પડઘાં ચારેકોર ફેલાઈને પરત આવતાં પરંતુ આજે..!

 

  આજે એક તીણી ચીસ આવી હતી. તે ચીસ જંગલમાં બધે ફેલાઈને હૃદય ધ્રુજાવી દેતી હતી.ચીસનું પગેરું  આમ તો નિવાસી શાળાનાં ઓરડા નંબર ત્રણમાં જ ઘુમરાતું હતું. 

 

એક નાજુક,નમણી,થોડી શામળી આદિવાસી કન્યા અરુણા, ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. આજે પરીક્ષાનો છેલ્લો દહાડો હતો. આખીરાત અરુણા અને તેની સાથે રહેતી મીતાએ તૈયારી કરી હતી. સવારે ચાર વાગ્યે તેઓએ ઘડીક આંખ બંધ કરી ને છ વાગ્યે તો તેઓ ઉઠી ગયાં.ફરી તૈયારી કરવાં લાગ્યાં. અરુણા નાહીધોઈને તૈયાર થઈ ગઈ. મીતા નહાવા ગઈ. 

 

મીતાને નહાતાં વાર લાગી.

 

"અલી..મીતલી.. ઓ મીતલી.. ચાલની કેટલી વાર?" અરુણાએ  બાથરૂમનું બારણું ઠોક્યું. પછી બહાર વંરડામાં આવી. બે,ત્રણ સફેદ ફૂલ તોડ્યાં અને રૂમમાં રાખેલ સરસ્વતીમાનાં ફોટાને ચડાવ્યાં.હજી મીતા બહાર નહીં આવી.

 

" ઓ મીતલી.. કેટલું નાવાની! ચાલની બહાર નીકળની..!" ફરી  બારણે ટકોરાં માર્યા.

 

 તેણે કંપાસ તૈયાર કર્યો. પેન્સિલ, પેન, રબર.. બધું બરાબર મૂક્યું. અચાનક તેનું ધ્યાન ગયું. ટેબલ પાસે મીતલીનાં સ્લીપર પડ્યાં હતાં..વાંકાચૂકાં. તેનાં ટેબલ પર પુસ્તકો, પેન.. અસ્તવ્યસ્ત હતાં. પથારીમાં શાળાએ જવાનાં કપડાં પડ્યાં હતાં અને...

 

" ઓય.. પેપરનો ટાઈમ હો થવાં આયવો. નીકળની હવે ...! અરૂણાએ જોરથી બારણું ઠોક્યું.

 

અચાનક ઘંટનો અવાજ આવ્યો.

 

" ટન..ટન..ટન.. "

 

જંગલ ચીરીને આવતો અવાજ  આજે અરુણાને ધ્રુજાવી ગયો.

 

" કેમ?"ખબર નહીં પડી પણ તે એકદમ ચીસ પાડી ઉઠી. 

 

"  મીતલી શાળાનો ઘંટ હો વાગી ગયો.પેપરનો ટાઈમ  હો થઈ ગયો.અલી ઓય..મીતલી બહાર નીકળની હવે..!" તેણે બાથરૂમનું બારણું જોરથી ખખડાવ્યું. ધક્કો માર્યો.

 

"ઓ...મા..." તેની આંખનાં ડોળા જાણે ફાટી ગયાં.હૈયાની ભીતરમાં ડર સળવળવા માંડ્યો. પેટમાં કંઈક ચૂંથાવા માંડ્યું. તેણે ભયાનક ચીસ નાખી.

 

"મીતલી....મીતલી..." તે ઓરડાની બહાર આવી.ગભરૂં મૃગલી સમાન, આકુળવ્યાકુળ,આંખો આમતેમ ઘુમાવતી, ..ધક.. ધક.. કરતાં હૃદયે  વરંડામાં આવી. અચાનક તેનો પગ રેતી પર પડ્યો.રેતી નીચે જમીનમાં ધસવા લાગી. જમીન ધસવા  લાગી. એક ઊંડા ખાડામાં ધસતી અરુણાએ  ઝાડ પકડી લીધું.

 

 ફરી ચીસ પાડી."મીતલી...મીતલી..." 

 

" હુ થયું અરુણી ? " વોચમેન, હથેળીમાં માવો ઘસતો નજીક આવ્યો.

 

"કાકા.. મીતલી..." તેણે પોતાનાં ઓરડાં તરફ આંગળી ચીંધી.

 

"હુ થયું? " વોચમેન  માથાં પર ઝળુંબતો હોય  તેવું લાગ્યું.તેની મોટીમોટી લાલ આંખો, ઉભાં કાંટાળા થોર જેવાં લાલ વાળ અને  લાંબા,લાલ દાંત, ધ્રુજતાં હાથ જોઈને તે ફરી ચીસ પાડી ઉઠી. 

 

રામભાઈ,લક્ષ્મીબેન, મનુભાઈ શાળાનાં શિક્ષકો ત્યાં આવી  પહોંચ્યાં. 

 

" હુ થયું? " બધાંની આંખોમાં ડરથી ભીંજાયેલો સવાલ સળવળતો હતો.

 

અચાનક બનેલી ઘટનાથી આહત્ થયેલી અરૂણાની વાચા જાણે હણાઈ ગઈ. તેની મૌન, વ્યથિત આંખોએ ઓરડાં તરફ નજર નાંખી.. બધાં અંદર ગયાં. કશું જ ન હતું. ડરામણું કશું અંદર ન હતું.

 

" અલી અરૂણી, હપનું ઝોયું? વાઘની ત્રાડ હાંભળી? ડાકણ ઝોઈ?" રામભાઈ માસ્તરે અરૂણાને  શાંતિથી પૂછ્યું.

 

મોટાંમોટા ડોળા કાઢતી લક્ષ્મીબેન,તેનાં લાંબા-લાંબા નખવાળાં હાથ લંબાવીને અરૂણીને સ્પર્શવા જતી હતી ત્યાં જ..

 

" તેને પાણી આપો.બેહાડો જરાં.. "

 

"આવ અરુણી.એધે(અહીં) આવ." ગૃહમાતા શકુંતલાબેને આવીને અરુણીને બાથમાં લઈ લીધી. પીઠ પર હાથ ફેરવવાં લાગ્યાં.

 

" હુ થયું બેટા ? હેઠી પડ.." 

 

 

મા જેવો હૂંફાળાં પ્રેમનો સ્પર્શ પામી,અરુણા શાંત થઈ ગઈ. થોડું પાણી પીધું.

 

" બેન..બેન.."અરૂણા કશું બોલવા ગઈ પણ શકુંતલાબેને મોઢાં પર આંગળી મૂકી દીધી.

 

" પેલ્લાં થોડી હેઠી પડ.થોડો હાંહ લે. પેપરનો ટાઈમ થયો સે. પેલ્લાં તે પતાવો. ચાલો હંધાંય.."

 

" પણ બેન, મીતલી..."

 

" પસી વાત કરીએ." થોડાં કડક અવાજે અરુણાની સામે જોયું.

 

 મહાપરાણે ઢસડાંતી અરુણા પેપર આપવાં બેઠી. તેની બાજુની ખાલી સીટ જોઈજોઈને તે વ્યથિત થઈ જતી હતી. "મીતલી.. મીતલી.."  દુઃખી મનની એક દરદભરી ટીસ તેનાં કૂણાં હૈયા પર કરવત ફેરવતી હતી.

 

" આખાય વરહની મહેનત પર પાણી ની ફેરવ અરુણી. ધ્યાન આપ. બરાબર લખ. પરીક્ષા પતહે પસી હંધી વાતો થહે. અત્યારે તારી હાથે બીઝી પચ્ચા પોયરીઓનાં ભવિષ્યનો હવાલ સે. હમજી !"

 

નીચું મોઢું જોઈ અરુણાએ લખવાં માંડ્યું પણ જીવ તો વારેઘડીએ...

 

**

" એધે(અહીં)આવ અરૂણી." શકુંતલાબેને પરીક્ષા પતતાં જ  પોતાની ઓફિસમાં બોલાવી. 

 

" હવે કે." 

 

 કરૂણાના અવતાર સમા ગૃહમાતા શકુંતલાબેનને જોઈ અરુણા ગદગદ્ થઈ ગઈ.

 

" આજે હવારે મીતલી નાવા ગઈ.. પણ પસી પેપરનો ટાઈમ હો થયો તો હો નાઈને  બહાર ની આવી.. પસી.."

 

" બેન, મી આવું ?" રૂપાએ ઓફિસમાં આવવાની રજા માંગી. 

 

ખુબ મધ,મીઠાં અવાજે શકુંતલાબેને કહ્યું."  આવ..એધે આવ બેટા.."

 

 અરુણી રૂપાને જોઈને થરથરી ગઈ. તેનાં ઊંધા પગ, હાડકાંપાંસળાં દેખાતું સૂકલકડી શરીર, લાંબા હાથ અને નખ, મોઢું એક બાજુથી ખવાયેલું, બહાર નીકળી ગયેલાં આંખના ડોળાં, બહાર નીકળેલાં મોટામોટા દાંત અને ગુંચળાવાળા રાક્ષસી વાળ.'આ તો ડાકણ સે ઝીવતીઝાગતી!'

 

 "બેન, પેપર તો હારું ગયું. બઉ હારું ગયું.પસે મને ડોક્ટરનું ભણવા  કારે મોકલહો?  રૂપા શકુંતલાબેનને જાણે આજીજી કરી રહી હતી.

 

" એકદમ હારા માર્ક આવહે તો જ." શકુંતલાબેને ઉભાં થઈને તેનાં માથે હાથ ફેરવ્યો.

 

 અચાનક અરુણા ઊભી થઈ. દોડી ગઈ.અરુણા પોતાના રૂમમાં નહીં જતાં બાજુની રૂમમાં જતી રહી અને બીજી સખીઓ  પાસે પોક મૂકીને રડી પડી.

 

"અલી હુ થયું? કંઈક તો કે. તારાં રૂમમાં હો જઈ આયવા. કહુ ની મલે. "સુમીત્રા અરુણાનું શરીર ઝંઝોળતા પૂછી બેઠી.

 

"હુમલી..મીતલી..." 

 

"હવારથી મીતલી.. મીતલી.. કરે સે પણ હુ થયું તે ની કેતી. આગળ બોલની.!"

 

"મીતલી નાવા ગેઈલી..."

 

"હાડીહત્તર વાર તું બોલી. હવે આગળ બોલની.."

 

"મીતલી નાવા ગઈલી પસી.."અરુણા અટકી. 

 

બધી સખીઓએ મોઢું ફેરવી લીધું. 

 

"અલી, આની તો પીન સોંટી ગેઈલી સે.."

 

"મીતલી નાવા ગેઇલી બાથરૂમમાં.. પસી બારણું બોઉ ધધડાયવું તો હો બહાર ની આવી."

 

"એટલે..એટલે..?"

 

"એટલે હુ?"

 

"બાથરૂમમાંથી મીતલી બહાર ની આવી." અરુણા ફરી બોલી.

 

"હાય.. હાય.. હુ વાત કરે! એવું તે હોય !અલી મીતલી બહાર ગેઈલી અહે."

 

"મી હાસુ બોલું સુ."

 

"હાય.. હાય..!  

 

હાય..હાય..આ બાથરૂમ મીતલીને કેવી રીતે ખાય ?"

 

સુમિત્રા, ગીતા, વાલી, પુષ્પા, રમીલા બધી છોકરીઓ હેબતાઈ ગઈ. ચુપ થઈ ગઈ. પોતાનાં હાથ લંબાવ્યા. બધાંએ એકબીજાનાં હાથમાં આંગળીઓ પરોવી, મજબૂત અંકોડા બનાવી દીધાં.

 

" હકુંતલાબેનને કીધું?"

 

"અડધું..ત્યાં તો ડાકણ આવી.."

 

"આ ડાકણ જ અહે. મીતલીને ખાઈ ગેઈ અહે.. આખેઆખી..ભચડભચડ!"

 

 થોડીવાર કોઈ કશું બોલી ના શક્યું. સહમી ગયા.. ડરથી કે પછી..!

 

થોડીકવારમાં તો બારણે ટકોરાં થયાં.

 

"આ પોયરીઓ બારણાં બંધ કરીને ભેગી થઈને હુ કરે સે? "શકુંતલાબેને અંદર આવી ખુરશીમાં જગ્યા લીધી.

 

"અરુણી, ચાલ કે. આખી વાત કે"

 

"બેન, મિતલી હવારે નાવા ગેઈલી.. પસી.."

 

"આગળ બોલ."

 

"બહાર ની આવી.

 

"હુ કે સે?"

 

"બાથરૂમની બહાર ની આવી." તે ચીસ પાડીને રડવા માંડી. ધ્રુજવાં લાગી.

 

શકુંતલાબેન પણ સહમી ગયાં.રડુંરડું થઈ ગયાં.

 

 આવી ઘટના તેમની અને તેમની શાળાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડે તેવી હતી.

 

"મીં તપાહ કરૂં. ઊંડી તપાહ કરૂં."

 

"બેન, પોલીહડાને બોલાવી લો ને!"સુમલીએ ધીરે રહીને મમરો મુક્યો.

 

"સૂપ્પ! પેલ્લાં મીને ઝોવા દે. આઝે કોઈ બાર ની નીકળહે. હાચવીને અંદર બેહી રહેઝો."

 

બધી છોકરીઓએ એકબીજાની સામે જોયું. મૌન આંખો સહમી ગઈ. એક વણદેખ્યો,ભયાનક ડર વળગી પડ્યો.

 

"અલી.. ભૂખ લાગી સ."ગીતલી બોલી.

 

"સૂપ્પ..સૂપ્પ!"સુમલી બોલી.

 

"હવારનું કંઈ  ની ખાધું અલી..મી તો ખાવાની." ગીતા ઉભી થઈ ગઈ.

 

નાસ્તાનો ડબ્બો ખોલ્યો. બધાંએ થોડું ખાધું.

 

 અરુણા ધીમે રહીને બહાર આવી. એ જેવી બહાર આવી,પોતાનાં રૂમમાં ઝાંકવા ગઈ કે જોરથી બારણું બંધ થઈ ગયું. બારી પણ.

તે ફરી થરથરી ગઈ. દોડીને સુમિત્રા પાસે બેસી ગઈ.

 

"કોઈ આયવુ સ."

 

"સૂપ્પ.. અવાજ આવે સે."

 

"અલી, રાવણાભાઇ હાથે હકુંતલાબેન અંદર ગેયલા અહે.. કઈ હોધતા અહે.પણ અરુણી.. તું હુ કામ ગેઈલી. મરવા!"

 

"મોબાઈલ લેવાં. મારી માને ફોન કરૂંને."

 

" અલી..તારી પાહે મોબાઇલ સે?"

 

"હઅ.." માત્ર ટૂંકો જવાબ  અરુણીએ આપ્યો, છોકરીઓ ફરી એકબીજાને ભેગી થઈ બેસી ગઈ." રામ.. રામ.. રામ.." 

 

"અલી, ધીમો કંઇ અવાજ આવે સે.ઝો.."

 

ફરી બારણે ટકોરાં થયાં. શકુંતલાબેને ધીમે રહીને સાદ આપ્યો. "પોયરીઓ હાચવીને રેઝો. ઓફિહમાં ઝાઉં સુ" શકુંતલાબેનની સાથે રાવણાભાઈ પણ ડંગોરો ખખડાવતાં જતાં રહ્યાં.

 

સાંજ ઢળી ચૂકી હતી. આછું અંધારું પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યું હતું. કચડ..કચડ.. પાંદડાં કચડાવતો ધીમો અવાજ બહારથી આવ્યો. બારણાં પાસે ઉભો રહ્યો.

 

  હૃદય.. હમણાં બહાર આવી જશે.

 

ધક..ધક..ધક..

 

છોકરીઓએ  ફરી હાથનાં આંગળાના અંકોડા ભેરવી દીધાં "રામ.. રામ..રામ.." જપવા લાગી.

 

"ઠક..ઠક.."બારણે ટકોરા પડ્યાં.

 

  દરેકની આંખ સામે સવાલ નાચવા માંડ્યો." કોણ અહે..?મીતલી..?મીતલીનું ભૂત?"

 

 ગળે શોષ પડવા માંડ્યો.હાથપગ ધ્રુજવાં લાગ્યાં." બારણું નથી ખોલવાનું." બધી જ આંખોએ મૌન હુકમ છોડ્યો.

 

" ઠક્ ..ઠક્..."

 

 કોઈ ઊભું નહીં થયું.

 

" અલી,હુમલી.. બારણું ખોલ. મીં સુ." એક ધીમો અવાજ આવ્યો.

 

બધાંની આંખનાં  ડોળા જાણે ફાટી ગયાં."આ તો..આ તો.."

 

આવનારીએ કળથી બારણું ખોલ્યું અને બારણાની વચ્ચોવચ્ચ ખોડાઈ ગઈ.

 

"ડાકણ.." અરુણી ધ્રુજવા લાગી. બધી છોકરીઓ ગભરાઈ ઉઠી હતી. જાણે.. હમણાં ડરની મારી બેભાન થઈ જશે!

 

"સૂપ્પ!" તેણે બારણું આસ્તેથી બંધ કર્યું.

 

" મીં ડાકણ ની. ઝીવતીઝાગતી પોયરી સુ. તમારા ઝેવી. મારું નામ રૂપા સે."

 

"અહીં હુ કરવા આવી ..?"અરુણી હિંમતથી બોલી.

 

"હાસુ.. કે.. તું  ઝ મીતલીને ખાઈ ગેઈ ને?"

 

"મીતલીને એકલીને ની.. પેલી શાંતલી, મીરલી.. હંધીને.. !" સુમલી હિંમત કરીને બોલવાં માંડી.

 

"હુ કે સે અલી! આ બધી પોયરીઓ કાં ગેઈ ?મીને તો ખબર જ ની!" 

 

અરુણીના સવાલથી છોકરીઓ સહેમી ગઈ.

 

અરુણીની આંખ પહોળી થઈ ગઈ." આ ડાકણ આટલી બધી પોયરીઓને ખાઈ ગેઈ! કેવી રીતે?"

 

પગ ઢસડતી-ઢસડતી ડાકણ એટલે કે રૂપા તેમની નજીક આવીને બેઠી." કેમ, રૂપાળાં ડાસા હોય ઈ ઝ ઈસ્ત્રી(સ્ત્રી) હોય? હાંભળો, મારું હૈયું પણ તમારાં ઝેવું  ઝ ધડકે સે.  મીં પણ ઈસ્ત્રી સુ. મારું નામ રૂપા સે."

 

"રૂપા..!"

 

"હા. રૂપા. મીં પેદા થેઈ ત્યારે મીંના પગ ઊંધા આયવાતા.'ઊંધા પગ ડાકણના કે ભૂતના ઝ હોય ને..'એવું હમજીને મારાં માવતરે ઝંગલની ઝૂંપડીમાં મીંને ફેંકી દીધી..ડાકણ માનીને. તે રાત્રે માણહખાવ વાઘ આયવોતો.મીંને મોઢેથી ઝાલી ઝંગલમાં લઈ ઝવાં લાગ્યો.'ઉંવા..ઉંવા..ઉંવા.." મીંના હતત રુદનથી ઝંગલ હો રડવા લાયગુંતું. અચાનક એક હનનન..કરતું તીર આયવું અને વાઘને લાગીયું. વાઘે મીંને હેઠે મૂકી.ત્યાં તો બીજું તીર આયવું ને તે ઘાયલ થીયો. મરી ગીયો.એ તીર ચલાવનાર  મીંના નવાં માવતરે  મીંને હૈયે  લગાડી. મોટી કરી અને ભણાવી." 

 

"પણ તું તો બઉં હારું બોલે સે. વાર્તા હારી કરે સે."

 

"કેઉં ને.. મીંને ભણાવી. બોલતાં હીખવાડ્યું.હાચુકલા શહેરી ઝેવું."

 

"હા..લે..! આ તો બઉ હારું થીયું.મીને હો બોલતાં હીખવાડને અલી."

 

"હા,પસી. પેલ્લાં  મીતલીની વાત કરીએ. તમારાં કોની પાહે મોબાઇલ સ? તેનાં માવતરને ઝાણ તો કરીએ."

 

"અલી, હકુંતલાબેને ના કેયલી સે."

 

"તેથી હુ થ્યું. તે તેની રીતે તપાહ કરે. આપણે આપણી રીતે તપાહ કરીએ."

 

"હેં અલી,તને બીક નથી લાગતી?"

 

"મારાંથી હંધાં બીએ સે તો પસે મીને કેવી બીક ?"એક દર્દીલું હાસ્ય રૂપાનાં મોઢાં ઉપર છવાઈ ગયું.

 

"તાણ હુ કરીએ?"

 

"મોબાઈલ.."

 

"મારી પાહે સે પણ ઓરડીમાં સ. ઓરડી બંધ સ."

 

"મારી હાથે  સાલો.પાસળ. ઓરડીની પાસળ."

 

"બીક લાગે સે. મીં ની આવું."બધી જ છોકરીઓ એક અવાજે બોલી ઉઠી.

 

"મીં સુ ને.. આવી મોટી ડાકણ!" રૂપા પગ ઢસડતી  ચાલવાં લાગી.

 

" અલી, વાઘ આવહે તો!"

 

 રૂપાનાં મોટાં-મોટાં ડોળા છોકરીઓ તરફ ફર્યા.

 

" ઓ.. મા.. આ તો હાસેહાસી ડાકણ સે. આપણને ખાઈ ઝાહે તો?"

 

" ખાઈ ઝવા દે. મીં તો સાલી." અરુણા હિંમતભેર ઉભી થઈ પાછળ ગઈ. બધી છોકરીઓ ચૂપચાપ ઊભી થઈ.પાછળ જવાં લાગી.

 

"શશશશ્.. આઝની રાત આપણાં હંધાયની બઉં ભારે સે. હાચવીને.. ની તો..!" રૂપાએ બધાં સામે જોયું.

 

" ઝે થવાનું હોય તે થાય.પેલી શાંતલી, મીરલી, મીતલીની માફક આપણે હો મરી જઈહુ.. પણ હોધી તો કાઢીએ આપણી પોયરીઓને કોણ ખાઈ ઝાય સ!" અરુણા હિંમતભેર બોલી.

 

અરુણાની ઓરડી છેલ્લી. બાથરૂમની દિવાલ તેમજ બારી, જંગલ તરફ પડતી હતી. ભયાનક જંગલ તરફ. રૂપા ધીરેધીરે પાછળ  તરફ ગઈ.

 

" અલી અરુણી, અધે આવ." તેણે  કળથી બારી ખોલી. 

 

"અંદર ઝા. મોબાઈલ લઈ આવ." 

 

એક ધ્રુજારી અને ભયનું લખલખું અરુણાના શરીરમાંથી પસાર થઈ ગયું. ધીરેરહીને અંદર ગઈ. નાની લાઈટ ચાલું હતી. પોતાનાં કપડાં નીચે  સંતાડેલો મોબાઇલ લઇને બારીમાંથી  કૂદી. 'ધબાક' કરતો જોરથી અવાજ આવ્યો.

 

" કોણ સ?" એક ઘોઘરો અવાજ આવ્યો. 

 

"કોણ સ ?" ફરીથી જોરથી અવાજ આવ્યો. તેનાં પડઘાથી જંગલ આખું ધ્રુજી ઉઠ્યું.

 

"શશશશ્.. સૂપ!" રૂપાએ મોઢે આંગળી મૂકી. બધી છોકરીઓ ગીચ ઝાડી પાછળ સંતાઈ ગઈ. 

 

"કોણ અહે?" તીણો અવાજ આવ્યો.

 

"અલી,આ તો લછ્મીબેન..!"

 

"હાયહાય..આ લછ્મીબેન તો હાવ હાસી ડાકણ નીકળી.." 

 

"શશશશ્..અવાજ ની."

 

થોડીવાર રહીને રૂપાએ એક લાકડું  જોરથી ભીંત તરફ ફેંક્યું.

 

 ફરી અવાજ આવ્યો.

 

" કોણ સે.. હામે આવ..!" બાથરૂમની ઓરડીની પાછલી ભીંત ખૂલી. એક કદાવર રાક્ષસ જેવી લાગતી વ્યક્તિ બહાર આવી.

 

" ઓ.. મા.. આ તો રા.." અરુણીએ, સુમીનું મોઢું દાબી દીધું."સૂપ્પ!"

 

પાંદડાં કચડતાં ભારે પગલાં નજીક આવી રહ્યાં. 

 

અચાનક છોકરીઓ દોડી જંગલ તરફ ગઈ અને વિશાળ ઝાડી પાછળ છુપાઈ ગઈ.

 

"હામે આવ.." એ કદાવર પગલાંનો માલિક જોરથી ચિલ્લાયો.ઝડપથી જંગલ તરફ આવવાં લાગ્યો. તે ટાણે જ જંગલમાં વાઘની ત્રાડ સંભળાઈ. હિંમતવાળી આદિવાસી કન્યાઓ ચૂપ રહી.ઝંઝાવતનો સામનો કરવાં સજ્જ થઈ ગઈ.

 

થોડીક ત્રાડ..થોડાંક  ઉતાવળાં શ્વાસ..ચીસ..

 

 થોડીકવાર પછી નીરવ શાંતિ છવાઈ ગઈ.

 

"અલી,હુ થ્યુ અહે?"

 

 " ઝે થવાનું હોય તે થાય. હુમલી,મીને મોબાઇલ  આપ."

 

"પણ અલી..સાપરૂં પકડાહે ?"

 

" સાપરૂં નહીં. નેટવર્ક."રૂપા બોલી. તેણે કોઈ નંબર ડાયલ કર્યો અને વાત કરી.

 

 "અલી,રૂપા કેટલી હોશિયાર સ. હંધુંય આવડે સ."પુષ્પા ધીરેરહીને બોલી.

 

  "સૂપ્પ! અવાજ ની.લે હુમલી, મીતલીના માવતરને ઝાણ કરી દે.હાથેહાથે તારાં હોવ."

 

" પણ..અલી.."

 

"સૂપ્પ!  બોલ ની.કારની પટરપટર  કરે સે, બાઝી બગડી ઝહે."

 

 બધી છોકરીઓ હાથનાં અંકોડા ભેરવી ભેગી થઈ ગઈ.ફરી શાળાનાં મકાન તરફ આગળ વધવાં લાગી.

 

 જંગલ તરફ આવેલાં  વિશાળ વૃક્ષ તરફની ભીંત, કીચુડ.. કીચુડ..અવાજ સાથે બારણાની માફક ખૂલી. 

 

"અલી.. આ..તો.. જીવતો સે"

 

"બોલ ની. ખબર પડી જહે. મરી જહુ હંધાયે."

 

 ભીંતમાંથી પેલો કદાવર રાક્ષસ હાથમાં કંઈક મોટી, ભારે, લાંબી ચીજ લઈને નીકળ્યો.પાછળ શાલ ઓઢેલી જાડી વ્યક્તિ બહાર નીકળી. જંગલ તરફ ચાલવાં માંડ્યાં.

 

આકાશ કાળાં વાદળોથી ઘેરાઈને ઝીણાંઝીણાં આંસુડાં પાડવાં માંડ્યું.

 

 જંગલમાં એક ઝૂંપડી પાસે મોટો ચોક હતો. ચોકમાં યજ્ઞ માટે વેદી બનાવેલી હતી.તે વેદીમાંથી ધૂમાડો ઓકતા,ઠઠવાયેલાં અગ્નિ પાસે ભુવાએ  ધીરેધીરે ધુણવાની શરૂઆત કરી હતી. હાથમાં કંકુથી રંગેલો મોટો છરો તૈયાર હતો.

 

  પેલો કદાવર માણસ ઝૂંપડીમાં ગયો અને બીજી બે ભારે ચીજ લઈને આવ્યો.

 

" અલી.. આ..તો.."

 

"સૂપ્પ! મીં કઉં સુ સૂપ્પ."રૂપાનાં ડોળા જાણે બહાર આવી ગયાં. તે ચીસ પાડીને બોલી ઉઠી. થરથર કાંપવા લાગી.પોતાના રાક્ષસી વાળમાં હાથ નાખ્યાં અને જોરથી અટ્ટહાસ્ય કર્યું.

 

"આ તો ત્રણ જ કન્યાઓ થઈ. આપણે તો નવ કન્યાઓ જોઈએ." શાલ ઓઢેલી વ્યક્તિ બોલી ઉઠી.

 

" મીં લાવી સુ." રૂપા  આગળ આવી બોલી.

 

"મીં હંધીય પોયરીઓને લેતી આવી સું. હુમલી, ગીતલી, વાલી,  પુષ્પી,રમલી.. આ રહી."

 

અચાનક વાતાવરણ બદલાયું. કાળાં ભમ્મર વાદળાં વચ્ચે લાંબી વીજળીનો લીસોટો...ગડગડ.. ભયાનક અવાજ કરી ડરાવા લાગ્યો. 

 

મોઢું રંગેલી એક આદિવાસી સ્ત્રી આગળ આવી. દરેક છોકરીઓને કંકુના ચાંલ્લાં  કર્યા. ગલગોટાનો હાર પહેરાવ્યો. હવામાં ગુલાલ ઉડાડ્યો.વાતાવરણને ઘેન ચઢવા માંડ્યું. બધી છોકરીઓ જાણે જડ બની ગઈ.

 

"પણ તોય આઠ નાળિયેર થયાં.નવમું ક્યાં?" 

 

"આ..તો.. આ.તો .."  અર્ધબેભાન સુમલી ચીસ પાડી ઉઠી. 

 

"આ ઝ સે મીંના નવાં માવતર."રૂપાએ અટ્ટહાસ્ય કર્યું.

 

ભૂવો ધૂણવા લાગ્યો." અધૂરી બલિ.. " 

 

  નવમું નાળિયેર!મા.. મી પોતે...  પોતે ઝ નવમું નાળિયેર!

 

" રૂપા..." આદિવાસી સ્ત્રી ચીસ પાડી ઉઠી.

 

"હુ બોલે સે તું ..ભાન સ તને ? તને મારી નાખું? તારો ભોગ સડાવું ?મારી દીકરીનો..?"

 

" માઇ, આ હંધીય તારી ઝ દીકરીઓ સે અને આ ભોગ સઢાવવાથી મીં રૂપાળી ની થાઉં.હમઝ.આ ભોગ સડાવવાથી તો મી હાસોહાસ ડાકણ બની ઝવાની.માઈ, તું ભણેલી સે. આ ભુવાની વાતોમાં કમની આવી ગઈ? હંધીય પોયરીઓનાં ડોકા વધેરીને,તેનાં લોહીથી મીંને નવડાવી, ભોગ આપહે તો મી રૂપાળી થઈ ઝવાં? આવું કમની વિસારે સે? માને દીકરીનો ભોગ સડાવે તો મા ખુશ થહે?ઝો ઉપર ઝો.(આકાશમાં ચમકતી વીજળી તરફ આંગળી ચીંધી) દેવીમાની આંખમાંથી ક્રોધનો અગ્નિ ઝરે સે. માને તો પ્રેમ ઝોઈએ.હંતાનોની કુશળતા ઝોઈએ.એક મા થઈને આ ઝગતઝનની માનુ હૈયું હમઝી ન હકી?

 

" રૂપા..?" આદિવાસી સ્ત્રી આગઝરતી આંખે જોવાં લાગી.

 

" માઇ, મારે ડાકણ નથી થવું. રૂપાળી નથી થવું.ઈસ્ત્રી(સ્ત્રી) થવું સ ઈસ્ત્રી.એવી ઈસ્ત્રી કે બીઝાનું દુઃખ ઝોઈને તેનાં હૃદયમાંથી કરુણાનો ધોધ વહે"

 

"માઈ..આ તો માનવ-વધ કેવાય.એ પાપ મીં તને ની કરવાં દઉં..."

 

  કાળાં ભમ્મર વાદળાં જોરથી ગાજવા લાગ્યાં.વરસાદની તેજ ધાર  શરૂ થઈ.મોઢું રંગેલી આદિવાસી સ્ત્રીનો ચેહરો ચોખ્ખો થઈ ગયો સાથેસાથે..

 

 મન પણ.

 

 તેમની આંખમાંથી કરુણા નીતરવા લાગી. બધી છોકરીઓ સામે પ્રેમથી જોયું.બે હાથ જોડ્યાં.

 

    દૂરથી જંગલની નિરવતા ચીરીને આવતી પોલીસ સાયરન તરફ સ્વેચ્છાએ શકુંતલાબેને પગ ઉપાડ્યાં.

 

****************

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ