ભારે કરી
સાંજનો સમય હતો. ધીમો શિળો પવન વાઇ રહ્યો હતો. હરહંમેશની જેમ પીપળાના ઝાડની ફરતે બનાવેલ ચોતરા પર ગામગપાટા મંડળી બેઠી હતી; ઝાડ પરથી સુકું પાન ખરે તો તેનોય અવાજ સંભળાય એટલા ચુપ. એવે ટાણે આખાબોલા તરીકે પંકાયેલા કરશનભાનું આવવાનું થયું. રોજ શાકબજાર જેવો કોલાહલ સંભળાતો ત્યાં આજ સાવ શાંન્તિ જોઇ આવતા જ પુછ્યું :
"આજ મંડળીને એરૂ કાં હુંઘી ગ્યો..!? કાં બધા આજ ચુપ સો..!?"
કરશનભાના સવાલથી મંડળીમાં જાણે જાન આવી ગઈ હોય તેમ ધીમો ગણગણાટ ચાલુ થઈ ગયો સાથે સાથે થોડો સળવળાટ પણ.
કરશનભાએ પાછો ડચકારો દીધો, "હું થિયુ? કોઇ મોઢામાંથી ભસહે કેં..?"
કરશનભાના ડચકારાથી જોરુભાએ વાતની કમાન હાથમાં લીધી. ખોંખારો ખાઈને ખૂબ મહત્વની વાત કરવાની હોય તેમ હાથ પર હાથ રાખી વાતની શરુઆત કરી.
"વાત ઇમ સે કે નાલ્લા પોયરા તો મસ્તિ કરે એ વાત હમજી હકાય પણ અવે તો આ મોટેરા હો આ મમતે ચયળા સે તે જોઇ જીવ ગુંગરાય સે. આ નવી પેઢીનું હું થાહે કાંઈ હમજાતું નથ."
જોરુભાની વાત સાંભળી કરશનભાનો પિત્તો ગયો. હાથનો ઇશારો જોરુભા તરફ તાકતા બોલ્યો, :
"જોરુભા, આમ ના'તો ના'તો કાં મૂતરે! હિધે હિધો મૂતર ને તો કાંય હમજ હો પડે."
કરશનભાની વાતથી જોરુભા થોડા ખચકાઈ ગયા ને મોઢું નીચુ ઘાલી ગયા. જ્યારે આજુ બાજુ બેઠેલી મંડળીમાં હળવું હાસ્યનું મોજુ ફરી વળયુ. આજુ બાજુમાં બેઠેલા 10-12 જણાને ગુસપુસ કરતા જોઇ પાછો કરશનભા રોષે ભરાયો.
"તમારી માના માટીના પૂતો, તમારે તો કાંઈ ભહવું નથી ને જે કે'ય એની પર ઓહવું સે..!? હાહરા કઈ માટીના બઇના સે એજ હમજાતું નથ."
કરશનભાના ઠપકાએ ધારી અસર કરી એ સાથેજ વાતાવરણમાં પાછો સૂનકાર વ્યાપી ગયો. હવે કરશનભાએ જોરુભાને પાછા બાનમાં લીધા.
"જોરુ, તું જ કે.. હાહરા અઇયાં તો કોઇના તલમાં તેલ જેવું લાગતું નથ."
જોરુભાએ દ્રષ્ટિ ઊંચી કરી સૌ પર આછડતી નજર કરી ફરીવાર વાતનો દોર હાથમાં લિધો.
"કરશન, આ મોટા પોઈરાઓએ મળીને ઓલા સગનાના લાલિયાને મારી નાય્ખો."
કરશનભાને વાતમાં કંઈક ઊંડુ રહસ્ય રહેલું જણાતા વધું જાણવાની જીજ્ઞાસાથી બોલી ઉઠ્યા,
"હું વાત કરે સે જોરુ..!? આ કેમનું થિયુ..!? કાંઈ વાતનો ફોડ પાડ, કાંઈ હમજાઈ એવું બોલ." એમ કહેતા કહેતા તેઓ મંડળીમાં જોરુભાની બાજુમાં બેઠેલા ભાઈને ખસેડતા બોલ્યા.
"જગલા, ખહ તો, મારે જોરુની બાજુમાં બેહવુ સે."
જગલાના ખસતા તેઓ જોરુભાની બાજુમાંની બેઠક પર ગોઠવાયા.
"હાં તો જોરુ, વાત હું સે બોલ? મારે પુરી વાતનો તાગ મેળવવો સે."
કરશનભાની પરમિશન મળતા જોરુભામાં જાણે વિજળીનો સંચાર થયો. તેઓ પુરા જોશ સાથે વાત કહેવા તરફ વળયા.
"વાત જાણે એમ બયની ઉતી કે, આ લોઠકડા(18 થી 20ની ઉમરના છોકરાઓ) નોકરી હું કરતા થીયા હારા બધા ઉડવા જ લાયગા. અવે તો બધા કમાય ને હવહવની જિંદગી જીવે. પય્ણા હો ની એટલે આત હો સુટા. આ સગનાનો લાલિયો, જેન્તીનો ભરતો, ચિમનનો પકો, નારણનો માવજી ને બીજા ગામના થોડાક. આ લોકો શે'રની હોસ્પીટલમાં હારે જ કામ કરવા જાય. ખાસ ભયણા ની મલે એટલે હારુ કામ તો ક્યાથી મલે? ઝાડું-પોતા ને એવુ કરે. બારેદાળની નોકરી. રજા તો ઓય ની પણ બધા જ્યારે મલે ત્યારે ફાંકા મારતા બેઠા હોય. અવે આ બધામાંથી સગનાનો લાલિયો એક દાડે વાતે ચઇળો કે ભૂત જેવુ કાંઇ ઓય ની. ચિમનનો પકો કેય કે ઓય. પસી હું, વાતમાંથી વાત વધી પયળી ને શરતુ લાયગી કે લાલિયો જો ઍમ કે'તો ઓય કે ભૂત જેવુ કાય ઓય ની તો ઍણે સાબિત કરવું કે રાત-મધરાત કેથે બી જાય એને બીક નો લાગે.
પકો કેય કે તો પસી લાયગી શરત, હોસ્પીટલના મુર્દાઘરમાં રાતના બાર વાગે તારે જાવાનું ને જેટલા બી મુર્દા પઇળા હોય એ બધાના આતમાં એક એક પેડો મૂકી આવવાનો. બોલ સે મંજૂર?
શરત આમ તો વિચિત્ર ઉતી પણ લાલિયો હો ઇંમતની તોપ તે એણે હો મારી બેહાળી. હાંજે એ તો ગીયો મુર્દાઘરમાં ને બધા મુર્દા ગણી કાયળા. ટોટલ વિહ. એટલે એ તો કંદોઇને તાંથી આવતી વેળા પેડા લેય આઇવો. વિહ રાઈખા ને બાકીના ખાઈ ગ્યો.
રાતના હાળા અગ્યાર થીયાને ઘરથી લાલિયો તો નિકયળો. બરાબર બાર વાગે એ તો મુર્દાઘરમાં ગુય્હો. મુર્દાની ઉપરનું કપળુ ઉસુ કરે ને આતમાં પેડો મુકે. એમ કરતા કરતા વિહ મુર્દાને પેડો અપાઇ ગીયો તાં તો એક મુર્દુ બચી પઇડુ. લાલિયો તો પાસો ફરવા જાય તાં તો કપળુ ઉસુ કરીને એકવિહમુ મુર્દુ બોય્લુ,:
"મને..!?"
"પસી!?" કરશનભા વાતમાં ઓતપ્રોત થતા બોલી ઉઠ્યા.
જોરુભા બોલ્યા, : "પસી હું, લાલિયાના ધબકારા તો તાં જ બંધ થેઇ ગીયા."
"આ બધી વાતની તને કેમની ખબર્ય પડી?" કરશનભા ઉલટ તપાસ કરી રહ્યા.
જોરુભા બોલ્યા, : "ચિમનનો પકો લાલિયાને ગભરાવવા હાટૂ ઍકવિહમાં મુર્દા તરીકે તા જાઈને પેલ્લા જ હૂઈ ગેયલો. આ તો જેન્તીના ભરતાએ મને જણાય્વુ તા'ર ખબર પડી."
પુરી વાત સાંભળી કરશનભા બોલી ઉઠ્યા, : "આ મૂઆ નખ્ખોદિયાઓએ તો ભારે કરી."
