ગોવાળીયો
આજે બે દાળા વહી ગ્યા સુરજદદાએ દર્શન દીધાને. બે દી મેઘરાજા હૈયુ મેલીને વરસ્યા. અષાઢી વરસાદના નીર હજી મારે ફુલળે નીતરે છે. અંજવાળુ થતાની સાથે, જ્યાં નજર કરુ ત્યાં સુધી જાણે મેઘરાજાએ ધરતીમાંની સાળી માં મોતી ટાંક્યા હોય એમ વરસાદના ટીપાં લીલી ચાદર ઉપર જેગમગે છે. પાહે જમુનાનો ખળ-ખળ અવાજ એવો મધુર, જાણે સાક્ષાત સરસ્વતીમાંની વીણા જ સાંભળી લ્યો. પવનની ઠંડી લેરોમાં પંખીડાનો કલરવ સ્વર્ગનેય ભુલાવનારો છે. ગોવર્ધન પર્વત તો જાણે પોતાના મુળીયા વધારવામાં જ પોરવાયેલો છે. આઘેક મીટ માંડતા એક ગામ આળસ મરળીને મીઠી ઊંઘમાંથી જાગી રહ્યુ છે. મંદિરની ઝાલરો છેક આયા, સીમ સુધી સંભળાય છે. કોઈ મધુરા સાદે પ્રભાતિયાં લલકારી રહ્યુ છે,
"વેણલા રે વાયા કાનુડા, વેણલા રે વાયા...,
જાગો રે જશોમાંના જાયા, વેણલા વાયા..."
આવી સુરીલી ગોકુળની સવારમાં ગોવાલણોના વલોણાંના રણકાર આખી સીમ ગજવે.
અષાઢ ગાજેને વાદળ વાઝે,વરસે ધીમી ધારા અને મારા અંગના રોમ-રોમમાં અમૃત સમી ઉતરે, જાણે મારામાં નવો જીવ ફુટ્યો. મારા પાન, ફુલ ને ડાળીઓ સોળે કળાએ ખીલી ઉઠે અને હું પણ ધરતીની જેમ લીલા રંગમાં રંગાઈ જાવ.
આવી રળિયામણી અષાઢી પ્રભાત, તોય મારી મીટ તો ગામડે ભણી જાતી શેરી બાજુ જ મંડાયેલી છે. બે દાળા થઈ ગયા ગુંવાતીઓને આવ્યે, આજેય નહિ આવે કે શું?
'અમો એકલા અટુલા આજ,
ઉભા જમુના ઘાટ... ,
જોતા એની વાટ,
નટખટ શામળાની છે આ વાત. '
એટલામાં જ સામેથી ઘંટડીઓ વગાડતી ને માથું ધુણાવતી ગાયું નુ ધણ હાલ્યુ આવે છે. આઘેક જોતા જ જેની વાટ હતી એના દર્શન થાય છે.
નાનકળી પીળી ધોતીમાં, એક હાથમાં લાકડી ને બીજે હાથે વાંસળી, માથે મોરનું પીછું ચઢાવી,ટેઢી ચાલે ગાયુંને હોંકારા દેતો શ્યામવર્ણી છોકરો હાલ્યો આવે છે.
"ચટક-મટકતી ચાલ, એના ગુલાબી છે ગાલ,
વાકળીયા છે વાળ જેના ખંભે ખેસ રૂમાલ.
પીળી પીતાંબર ધોતડી, ને રાઠોડી છે મોજડી,
હીરા મઢેલો હાર હેમનો, આવી જોડી ક્યાંથી જડી?!"
એક નાનકડો ગોવાળીયો, ન જાણે એવું તો શું છે એનામાં, કે એને જોઈને જમુનાનું પાણી એવા ઉછાળા ભરે જાણે એને એક નજર જોવા જ આ મારગે હાલ્યુ જાય છે.પશુ-પક્ષીઓ માં આનંદ છવાઈ જાય. એની એક નજરે કરમાયેલુ ફુલે પણ ખીલી ઊઠે. અને આ મીઠુંડાનો અવાજ તો જાણે મધ બનીને કાનમાં રેડાય.
ઘણી વખત એવુ લાગે કે આ કોઈ છલીયો તો નથીને, જેને જોવે એનું મન મોહી લે અને એટલામાં એની હારે મીટ માંડાઈ જાય, એની ચંચળ ભુરી આંખો એવા ભાન ભુલાવે કે, વૈશાખની ભરબપોરે જેમ પાંદડામાંથે પડેલુ ટીપુ પળવારમાં વરાળ બનીને ઉડી જાય એમ મારા બધા જ વીચારો પળવારમાં વીસરાઈ જાય. પછી થાય કે આ નાનો છોકરો છલીયો કેમ નો હોય શકે, અને મારી હારે છલાવો કરી શું મળવાનું એને ફૂલડાં ને પાંદડા! એ તો એમેય લઈ શકે.
એને જોઈને જ હું એવો ખીલી ઊઠું જાણે એ જ મારી ઊર્જાનો કુવો. મુજ અબોલમાં એવા બોલ પરોવી દે કે બોલ્યા વિના'ય અમે ઘણી વાતો કરી લઈએ. જો બપોરો કરવા એ મારી છાયામાં બેસે તો હું બે ગજ ફુલાઈ જાવ મારા ભાઈ-બંધુઓ સામે.
આ ગોવાળીયો કાયમ ગુંવાતીઓ હારે જમુનાને કાંઠે ગાયુ ચરાવવા આવે. એની ગાવલડીઓ'ય એવી જબરી, એવી રાતીચોળ કે એક કોષ આઘેથી પણ વરતાય જાય. આખાય ધણમાં નોખી તરી આવે. આ મીઠુંડાના એક સાદે તો ધોળતી આવે.
ગોવાળીયાની જેટલી વાત કરું એટલી ઓછી છે. વાંસળી વગાડે ત્યારે તો એવું લાગે જાણે દેવતા એને સાંભળવા સ્વર્ગ મુકીને ધરતી પર પધાર્યા હોય. એટલો મનમોહક કે બધાના મન મોહી લે. પણ આનું મન મોહનારી તો એક જ.
આજે પણ આવીને સામે કિનારે નજરુ માંડીને બેઠો છે. સામેથી છોડીયોની હસી-ઠીંઠોલીનો અવાજ નજીક આવતો જણાય છે. આ અવાજ સાંભળતા જ ગોવાળીયો એમ ઊભો થઈ જાય છે, જાણે આના માટે જ જમુના કાંઠે આવતો હોય. ત્યાં સામી બાજુથી પનિહારીઓનું ટોળું આવતુ વરતાંયુ. આ બાજુના ગામની છોળીઓ કાયમ સામે કાંઠે પાણી ભરવા આવે અને એમાં એક એવી અજોડ દિવ્ય કન્યા. જો પ્રેમ, કરુણા અને દયા કોઈ માણસનું રૂપ લે તો આ છોડી જેવુ જ દેખાય.
" છેલ-છબીલી, રંગ રસીલી, ગામઠી નમણી નાર,
સખીયો સંગ કરે ઠીંઠોલી, હૈયે હેમનો હાર...,
કદમ ઝાડે, યમુના તીરે, સખીયો મળી ચાર,
મૃગ નયની, સોનલવર્ણી, રૂપનો નહીં પાર... "
રૂપથી નીતરતી, રેશમી ઘાઘરો ને લીલી કચક જેવી ચુંદળી એના કેળથી'ય હેઠા પળતા કાળી નાગણી જેવા મખમલી વાળથી વારે-વારે સરકી પડે છે. નખથી શીખ સુધી ઘરેણાંથી લદાયેલી, જાણે ઘરેણાં એની પરંતુ એ ઘરેણાંની શોભા વધારે છે. પાણી પીવે તો ગળામાં સોંસરવું દેખાય એટલો ઉઘડેલો રંગ. જાણે યૌવન કાયામાં રમી રહ્યું હોય. જેને અડે એ નાનપણ છોડી યૌવન ધારણ કરે એવી રૂપની દેવી. કાયમ મુખ પર રહેતું નાનકડું હાસ્ય અને સ્થિર, પ્રેમથી ભરેલી આંખો. એના ચરણ માત્રના દર્શનથી જાણે મોક્ષ પ્રાપ્ત કરી ગૌલોકમાં સ્થાન મળે એવી દૈવિકતા ધરાવતી કન્યા.
એની નજરો પણ કદાચ ગોવાળીયાને જ ગોતતી હતી. ગોવાળીયાની ચંચળ આંખો, આ પદમણીની સ્થિર આંખને મળતા જ જાણે કામદેવનું એક જ બાણ બેયના હૈયામાંથી સોંસરવું નીકળી ગયું હોય એમ પ્રેમનો મેહુલીયો વરસવાં માંડ્યો.ચારેય કોરથી એક જ શબ્દ મારા કાનમાં પડે, 'રાધા-કૃષ્ણ..... રાધા-કૃષ્ણ...... '
જોયને એવું લાગે જાણે,ભોળા ને પાર્વતીની બેલડી. જાણે બેય ભવેભવના સંગાથી.
સીમમાં વાગોળતી ગાયુંથી માંડીને સુતેલા ગોવર્ધન સુધી, પોતાનામાં મગન રેતા જમુનાજીથી લઈને ફુલડે ભણભણતા ભમરા સુધી એક્કે એકના મોંઢે રાધા-કૃષ્ણ નું જ નામ સંભળાય.
કાયમ બેય મારા છાંયડે બેસી કલાકો વાતો કરે. એમના મિશ્રી જેવા મધુર અવાજો આખી સીમને જીવતી કરે. આમના સંગાથ હારે સમય પાણીનાં રેલાની જેમ વહી જાય.
દીવસો પાંપણનાં પલકારે જાય છે.ધરતીમાંએ ભીંજાયેલી લીલી ચુંદળી ઓઢી છે. અષાઢ વિત્યોને શ્રાવણ મારે પાંદળે પાણીનાં મોતીડા વેરે છે. ખેડુતોએ ધરતી ખેડી ધોળું સોનું કાઢ્યું છે. ખેતરની કોરે આવેલા વડલાની વડવાઈયે નાનકળી છોડીઓ જુલતી જાય છે ને ગાતી જાય છે,
"ભઈલો મારો ડાહ્યલો રે...,
જાણે ગોકુળ ગોવાળીયા માયલો રે,
ગાયોનાં ધણ સામટા રે...,
વીણે વેરેલું સોનું ગામઠા રે... "
ને એમાં સુર પુરાવતી ગોવાળીયાની વાંસળી. આવું આહલાદક દ્રશ્ય જોઈને જાણે જમુનાજી મંદ- મંદ હસી રહી છે. ગોવાળીયાની વાંસળી સાંભળી, પાસે બેઠેલી દિવ્ય કન્યા નજરો ઢાળી જાણે મંત્રમુગ્ધ બનીને બેઠી છે. એવું લાગે જાણે બધાયને છાયા આપનારનો હું, ને મારો વિસામો એમના ચરણોમાં છે.
આમ જ સુખ માં દિવસો વિતતા જાય છે. શ્રાવણ વરસી ને હાલતો થયો. આષો આવ્યો ને મેહ નાસ્યો ગોવાડિયા ની માય માં અડધો આષો તો દિવસના એક પ્રહરની જેમ હાલ્યો ગયો અને આવી એ મધરાત.
આષો શુક્લ પક્ષની ચતુરદર્શીની એ મધરાત, એટલે 'શરદપુનમ ની રાત.'
રાતના બે પ્રહર ભાગ્યા છે.ચંદ્રમાં સોળેય કળાએ ખીલીને ધરતી પર અમૃત જેવો પ્રકાશ છાંટી રહ્યો છે. નદીના પાણી શાંત હતા જાણે જમનાજી પોઢી ગયા હોય.સીમ આખા દીના હલસાના લીધે થાકીને ઘસઘસાટ સૂઈ ગઈ છે. ચારેય બાજુ શાંતિ જ શાંતિ છે.શીતળ પવનની લેહરો મારા પાંદડાને કાનમાં કંઈક વાત કરતી વહી જાય છે. આવી મધરાતે કાનમાં વાંસળીના મધુર સૂર પડે છે. આ મધુર સંગીત રાતલળીમાં ખૂટતી ખામી ભારે છે.
આ વાંસળીના સૂર વચ્ચે ઝાંઝરીના જણકાર સંભળાયા.જાણે આખા ગામની બાયો એકહારે નીકળી પડી હોય. અવાજ વેરા જતા વધતો જતો હતો. બીજી બાજુ વસળીના સૂર પણ નજીક આવતા હતા. મેં ગામ સામે મીટ માંડી તો બાયો ચંદ્રના અજવાળામાં મને ચાલી આવતી દેખાયી. સોળે સણગાર સજેલી જાણે નવેલી પરણેત મંત્રમુગ્ધ બનેલી પોતાના ભરથારના દર્શન કરવા વ્યાકુળ હોય.
અરે આ તો ગામની ગોપીઓ છે. એમની હારે દિવ્ય કન્યા પણ હાલી આવે છે.એવું લાગે જાણે ભગવાને રૂપનો ભરેલો ઘડૂલો બધી ગોપીયો ઉપર જ ઢોળી દીધો હોય.
બીજી કોર નજર કરતા ગોવાળિયો દેખાયો. ધોળા કેળીયામાં ખંભે ખેસને નાખીને, કેળે કંદોરો, કાનમાં કોંકરવા ને માથે મજાની ભરેલી પાઘળી એ પાઘળીમાં વચ્ચે ટેઢુ મોરનું પીછળું. રૂપ તો એવું એની પાસે કામદેવ પણ જાંખા પડે.
ગોવાળિયો વાંસળી વગાડે ને ગોપીઓ મંત્રમુગ્ધ બનીને સાંભળે.જોત જોતામાં તો ગોપીઓ ભાનભૂલી રાસ રમવા લાગી.
"શરદ પૂનમની રાત,
ચાંદ ચડ્યો આકાશ....,
સરખેસરખી સાહેલિયું,
અમે રમવા આવી રાસ....."
કાનુડો વાંસડી વગાડે છે ને ગોપીઑ રાસ રમતી જાય છે ને ગાતી જાય છે.
'આશા ભરેલ અમે આવ્યા, મારા વ્હાલે રમાડ્યાં રાસ રે....,આશા ભરેલા અમે આવ્યા રે....’
એકાએક જાણે આખું સીમ જાગી ગયું. પશુ-પક્ષીઓ બધાય રાસ જોવા ઉમટી પડ્યા. નદીના પાણી સાદ પુરાવતા હોય એમ ઉછળવા લાગ્યા. ચંદ્રમાં પોતે ધરતી પર આવી ગયા હોય એટલે પ્રકાશ વધી ગયો આકાશમાં દેવી-દેવતાઓન પ્રગટ થઈ ગયા. જાત-જાતના વાજીત્રો વાગવા માંડ્યા. આકાશમાં અપ્સરાઓ નૃત્ય કરવા લાગી.આખું સીમ જાણે એક દિવ્ય ઘટનાનું સાક્ષી બની રહ્યું હતું.
ગોપીઓ તો બસ મગ્ન થઇ રાસ રમતી હતી.એમની જાંજરીના જણકાર બંગળીના અવાજના પડઘા દૂર-દૂર સુધી પડતાં હતા. લગભગ આખા ગામની ગોપીઓ હાલી નીકળી હસે અને જેટલી ગોપીઓ એટલા જ ગોવાળિયાના રૂપ. દરેક ગોપી સાથે ગોવાળિયો રાસ રમતો દેખાતો હતો. આ દ્રશ્ય અકલ્પનીય હતું. તેજ એટલું કે મારી આંખો પર ક્ષણભર માટે અંધાપો છવાઈ ગયો.
આ ગોવાળિયો કોઈ સાધારણ મનુષ્ય તો ન હોય શકે,ગામના ગોવાળિયાઓ જ્યારે મારા છાયડે બપોરો કરવા બેસે ત્યારે આ નાનકડા કાનુડાની ભગવાનનો અવતાર હોવાની વાતો કરતાં કોઈ કહે 'આ તો ભગવાનનો અવતાર છે', તો કોઈ કહે 'કંસને મારવા જ જનમ્યો છે.' તો કોઈ ‘ના આતો આપણો લાડકો નાનકડો કાનો છે.’કહીને વાત ટાળતું.
આજે આ દ્રશ્ય જોય ને મને પણ લાગે છે કે આ ભગવાનનો અવતાર જ હોવો જોઈએ.
શું આજ સુધી મારા ખોળા માં ભગવાન પોતે રમ્યા..?!!!
જેની એક જલક જોવા ઋષિમુનિઓને વર્ષો સુધી કઠોળ તપ કરવા પડે એને જોઈને જ મારી સવાર થતી હતી!!!
આ રાસના દર્શન કરાવીને તો ગોવાળીયાએ મને પાવન કરી દીધો. ભલે આ ભગવાનનો અવતાર રહ્યો મારે મન તો કાયમ મારો ગોવાળિયો જ રેશે.
આ વાત ને સમય વીતી ગયો પણ કોઇ’દી કોઈને આની વાત કરતાં ન જાણ્યા.
એક વહેલી સવારે, અંધારી રાતલડીને ચીરતી એક કીરણ ફુટી પડી છે. તારલાઓ કાળી ચાદર સંકેલવાની તૈયારીમાં છે, ત્યાં ઘોડલાનાં પગનો અવાજ આઘેરેક સીમથી પહેલાં પ્રહરની શાંતિને ચીરતો સોસરવો કાનમાં સંભળાય છે. એક કોર અંધારી ચાદર સંકેલાય છે અને બીજી કોર પગલાનો અવાજ વધતો જાય છે.
સૂરજની આળસ મરડતી કિરણોની વચ્ચે જાંખુ-જાંખુ, એક રથ ધોળી આવતું હતું. એક ઘરડો જણ ઘોડા ની લગામ બરાબર કસીને પકડી રથ પર બિરાજેલો છે. દેખાવે તો કોઈ મોટો સામંત જણાય છે.ચહેરા પર કરચલિયોની જાળ અને મૂછ પર એક લટ ધોળી, તોય એનું તેજ સદીયારામાં પણ આંખને આંબી દે એવું છે. અને આ બધાથીએ ચઢતી એની પાઘડી. કસુંબી રંગનું કેડિયું ને એને મળતી આવતી આટિયાળી પાઘડી. પણ એની ઘરડી આંખોમાં એક વેદના હતી.એના વિશે વધારે કઈક જાણું એના પેલા તો રથ સરસરાટી કરતું મારી પાંહેથી નીકળી ગયું. વાહે ધૂળ ઉડાળતું ગામમાં પેસી ગયું.
સુરજદાદા થાકીને કિરણો સંકેલવાની તૈયારીમાં છે. યમુનાના પાણીનો ખડખડાટ ધીમો પડી ગયો છે. આજનો’દી કાળિયા નાગની જેમ કરડવા દોડતો’તો. આખો’દી ન તો પેલો ગોવાળિયો આવ્યો ને ન તો દિવ્ય કન્યાના કોઈ એંધાણ આવ્યા. રથવાળો'ય પાછો વળ્યો નથી.
.
સુરજદાદા થાકીને કિરણો સંકેલવાની તૈયારીમાં છે. યમુનાના પાણીનો ખડખડાટ ધીમો પડી ગયો છે. આજનો’દી કાળિયા નાગની જેમ કરડવા દોડતો’તો. આખો’દી ન તો પેલો ગોવાળિયો આવ્યો ને ન તો દિવ્ય કન્યાના કોઈ એંધાણ આવ્યા. રથવાળોય પાછો વળ્યો નથી.
એટલાકમાં જ રણજણતો રથ ગામ કોરથી હાલ્યો આવે છે. થોડોક મોકરો આવતા એના પર ઘરડો જણ વરતાય છે ને વાહે બધા રોકકળ કરતાં હાલ્યા આવે છે. મારી પાહે આવીને એક ઓળખીતો અવાજ આવે છે. “કાકા જરાક રથ રોકજો ને..” ગોવાળિયો?!!!
અરે આ શું? આ ગોવાળિયો ઘરડા માણસ હારે કયા જાય છે?!!
કૂદકો મારીને એ રથ થી ઉતરે છે અને જાણે છેલ્લી વાર જોતો હોય એમ ગામ સામે મીટ માંડે છે. કાંઈ જ જાણવા ન છતાં પણ જાણે મારા જીવન નો ધ્યેય મારાથી છુટતો હોય એવા અપાર દુખની લહેર મારા હદયને ચીરી નાખે છે.
્આજે પણ યાદ છે એ ગોવાળિયાનો એ છેલ્લો સ્પર્શ ..
રોજ સવારની પેલી કિરણ હારે આશા જાગે કે આજે એની જલક દેખાશે અને સાંજની છેલ્લી કિરણે એ આશા પણ સંકેલાય જાય.
