વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું પણ

'ધતત્તેરીકી.. આજે ય ઊઠવામાં મોડું થઈ ગયું.' તન્મયે ઊંડા શ્વાસ લીધા. પથારીમાંથી ઉભો થઈ રવેશ પાસે આવી ઉભો રહ્યો. 'ઓહ! આજે તો મારા ખાસ ભાઈબંધ મનીયાના ઘડિયા લગ્ન છે અને હું મોડો ઉઠ્યો! આવી બન્યું.' તેણે દૂર બાંધેલા માંડવા તરફ નજર ટેકવી. સુરજના કોમળ  કિરણોથી ચંદરવો ચળકી રહ્યો હતો. ઠંડી હવા, વૃક્ષોના પાંદડાને અડીને કોઈ અનોખી ધૂન વગાડી રહી હતી. 

લાપસી, વરાનું બટાકાનું શાક અને દાળ ભાતની જબરજસ્ત સોડમ તન્મયના નાકને તરબત્તર કરી ગઈ. પેટની ઉછળતી  ઊર્મિને તેણે રમાડી. 'અત્યારે તો પીઠી ચાલતી હશે પણ કોઈ દેખાતું કેમ નથી. અત્યારે તો ફળિયાની સ્ત્રીઓ પીળા કે નારંગી રંગનાં કપડાં પહેરીને, વાળમાં વેણી નાખીને પીઠીના ગીત ગાતી હોય. તો આટલું બધું શાંત કેમ! '  આંખો ચંદરવાની નીચે ઉતારી. વૃક્ષોની આસપાસ નજર ફેરવી. કોઈ નહીં! 'સાલુ કમાલ કહેવાય!' અચાનક તેણે જોયું. માંડવામાં કાળી કૂતરી તેનાં ટાબરીયાઓ સાથે બેઠી બેઠી  ગેલ કરી રહી હતી.  'ઓ માય ગોડ ! શું થયું હશે ! લગ્ન કેન્સલ તો નહીં થયા હોય !' તે લગભગ બધાં જ પગથિયા ઠેકડા મારીને હેઠે ઉતર્યો પણ શ્વાસ ચડી ગયો. ઘરનું બારણું ખોલીને બહાર જાય ત્યાં તો..

"ઊભાં રો ઘડીક.. મારાં કુંવર. હેઠા બેહો થોડાં. હાંહ લો. અબઘડી ઊઠીને આયા સે તો પેલ્લા દાતણપાણી કરો. લો તમારો સા મુકું." 

તન્મયે બા ઉપર નજર ઠેરવી.'આજે સીધાસાદા કપડામાં    રાંધણીયામાં કેમ! શું તેણે પીઠીમાં નથી જવાનું!'

" તું અહીં કેમ બા ?" તન્મયે આંખ  ચોળી.

" હું રાંધણીયામાં ન હોઉ તો ક્યાં હોઉ ? બળ્યો આ અસ્ત્રીનો અવતાર! આખો દહાડો ચૂલો જ ફૂકવાનો."

"સમજાય તેવું બોલ. બા, આજે મનીયાના લગ્ન છે. અત્યારે પીઠી છે અને તું અહીં !"

"શ..શ..શ.. ધીમે બોલને રોયા. કઉ સું. પેલ્લા દાતણપાણી કર. પસે કઉ." 

"લે.આ કર્યા.બસ! હવે કહે શું થયું."

"પેલ્લા  આ તારો સા પી."

"આ લે પીધો. બસ !" ગરમ ગરમ ચાનો ઘૂંટડો તન્મયને દઝાડી ગયો. 

 બા  રાયમીઠું લઈ તન્મયની નજર ઉતારવા માંડી.

"કહું છું. મારાં લગ્ન નથી. તું આવું નહીં કર."  બધાં શબ્દો જાણે સંગીત બની વહી ગયાં. બાએ સાંભળ્યા જ નહીં. બાએ કાળો દોરો લીધો અને મંત્ર બોલી તન્મયની ડોકમાં નાખી દીધો.

"શું છે આ બધું!"તન્મયના અવાજમાં  ગરમ ચાની અસર વર્તાઈ. 

"પુત્રની સેવા પતી ગઈ હોય તો પતિ તરફ એક ઘૂંટડો.. કમળાદેવી." કૃપાશંકરે સહેજ હોઠ ખોલ્યાં.

"હાયહાય બા ! હવારથી સાનો  તપેલો પેટમાં પધરાવી ને હજી.‌! તમે કુણ સો ! સાની કોઠી !  ભરે ભરે તો યે ખાલી!"

"મારે જાણવું છે. શું થયું છે બા. તું કહે નહીં તો હું બહાર જઈને પૂછું."

" ખબરદાર !  ટાંટિયો બાર મેલ્યો સ તો.."બાની આંખનાં ડોળાનું કદ વિશાળ થવા માંડ્યું. 

"શું થયું છે!" સાવ ઝીણી આંખ કરીને તન્મયે બાને 360 ખૂણે ફેરવી."બોલ."

"ભૂતડી સે ત્યો. કાલ રાત્યે ઈનું  ડાસુ, ઈની ગળસી ઓમ ગોળ ગોળ ફરતેથી ને આંખ તો જાણે.." 

"તારાં જેવી થઈ ગઈ હતી. નહીંને કમળાદેવી!" કૃપાશંકરના હોઠ ફરી સહેજ ખુલ્યાં. 

"સૂપ.. સૂપ રહો. આ મનીઓ ગરી મેડમ લાયો સે ન. ઈને ભૂતડી વળગી સ. ઓલી મહાણની પાસળ નદીની કોતર્યમાં રહે સે તે." 

"બા.. " એક ચિત્કાર, ધીમા અવાજે તન્મયના શરીરની બહાર આવી ગયો. ભયનાં સામ્રાજ્યે તેનાં શરીર પર સ્થાન જમાવી લીધું.

ત્યાં તો માથે, મોઢે આખોય પાલવ ઢાંકી કમુડી  ઝડપથી અંદર આવી.

" હાયહાય બા! કઉં સું. હુ થ્યું તે હાંભળો. આજ હવારે ગોરબાપાએ આશીર્વાદ દેવા નવી વઉનાં માથે હાથ મૂક્યો'તો..ને વઉનું માથું પાસળ પડી ગ્યું'ને ગોળ ગોળ ફરવા માંડીયું. મનીયાભાઈ ઈને ઊંસકીને અંદર જતાં'તા તઈ તો એક હાથ સૂટો પડી ગ્યો..રે..સૂટેલો હાથ હો ગોળ ગોળ ફરે. આ ભૂતડી તો.. "કમુડીની નજર તન્મય પર અટકતા જ જીભ સિવાઈ ગઈ. 

"તું તારું કામ કરને.. જા.. પેલ્લા વાહણ ઉટકી લે." બા એને હાથ પકડીને રાંધણીયામાં લઈ ગઈ. 

ગુસપુસ થવાં માંડી.

મન વશમાં ના રહ્યું તન્મયનુ.  બારણું ખોલી બહાર નીકળી ગયો.

 બધાં જાણે તન્મયથી આંખો ચોરાવીને ભાગવા માંડ્યાં. 

"શું થયું ગોરધનકાકા ?" તન્મયે પાડોશીનું બારણું ઠોક્યું.

"અલ્યા, રાત્રે ભૂતડી રડતી'તી. એવું રડતી'તી.. એવું રડતી'તી.. " તેમણે છાતીએ હાથ મૂકી દીધો.

તન્મય ઠેકડા મારતો મનનને ત્યાં પહોંચી ગયો.

મનનનું અસ્તવ્યસ્ત ઘર, તેની વધેલી દાઢી, વિખરેલા વાળ, સુઝેલી આંખોએ અઘટિત ઘટનાની સોડમ પ્રસરાવી દીધી.

"મનીયા.." તન્મય આગળ બોલે ત્યાં તો ગોરબાપાએ પોક જ મૂકી. "મય, આ મનીયાને સમજાવ. તેને લંડન ભણવા મોકલ્યો હતો ને..!" 

"સમજાવું છું. બાપુજી ધીરજ રાખો. બધુંય સારું થઈ જશે." 

"હવ હુ હારૂ થાય બેટા. જીવતર ધૂળ થઈ ગયું. અમો ઘૈડૈઘડપણ ચ્યો જઈહુ!" ગોરાણીમાની આંખમાંથી ગંગા-જમનાના નીર વહેવા માંડ્યા. 

"મનીયા ચાલ અંદર." તન્મય હાથ પકડીને મનનનાં  રૂમમાં આવ્યો. માથે  લાલ ઓઢણી ઓઢીને તે સ્ત્રી નીચે બેઠી હતી. તેનું મોઢું ઢંકાયેલું હતું. ચૂપચાપ બેઠી હતી.

"ભાભી.." તન્મય નજીક ગયો. બિલકુલ નજીક ગયો. પણ તે સ્ત્રીમાં કોઈ સંચાર ન થયો.

"ભાભી.." તેણે ખભે સ્પર્શ કર્યો અને અચાનક લાલ ઓઢણી ઓઢેલી સ્ત્રીનું માથું ગોળ ગોળ ફરવા માંડ્યું. ક્ષણભર તન્મયનું હૃદય ધબકવાનું ભૂલી ગયું. પરસેવાથી રેબઝેબ તન્મયના મોઢામાંથી ધ્રુજતો સ્વર નીકળ્યો."મનીયા..." હજી તે સ્ત્રીની વળી ગયેલી ડોક અને તેની ભૂરી આંખોમાં જોતો સ્તબ્ધ ઊભો હતો.

"શું છે લા...તું વાયર પર ઊભો છે. ખસ."

 તન્મયે નીચે જોયું. પગ નીચે ઈલેક્ટ્રીક વાયર હતો જેનો બીજો છેડો સ્વીચબોર્ડમાં હતો.

"લા.. આ શું માંડ્યું છે હેં ! મને કંઈક તો કહેવું હતું. ભાભીને..સોરી રોબોટને અહીં કેમ ઉઠાવી લાવ્યો? શું તું એની સાથે લગ્ન કરવાનો છે ?"

"હા પણ અને ના પણ "

"એવું કેવું!"

"મય, તને ખબર છે ને મેં લંડનમા છોકરી પસંદ કરી છે."

"હા પણ.. લગ્ન !"

"લગ્ન કરી લીધાં. સમય-સંજોગો એવાં હતાં કે કરવા પડ્યાં."

"ઓહ! ત્યાં સુધી વાત આવી ગઈ હતી."

"ના.. ના.. લા.. તું બીજાની માફક ના સમજ. મેરીના માબાપ તેને બીજી પરણાવવા માગતા હતાં, જબરદસ્તીથી."

"ત્યાં પણ આવું હોય !" 

"માણસ જાત બધે સરખી."

"હં તો.."

"લગ્ન કરી લીધાં. સાથે રહીએ છીએ. એ માસમચ્છી ખાય છે. દારૂ પીએ છે. એ બધું ત્યાં કોમન છે. બોલ વધું શું જાણવું છે?" 

"તું !" તન્મયે આંખો નચાવી.

"મયલા, એ ત્યાંની સંસ્કૃતિ છે. હું અહીંની સંસ્કૃતિ છું."

"આપણી સંસ્કૃતિ, સંસ્કાર એટલાં બધાં કાચા કે તેનાં પર બીજી સંસ્કૃતિનો રંગ તરત છવાઈ જાય!"

"ઓહ માય ગોડ! તું શું વિચારે છે ! તે મારી પત્ની છે. પત્નીએ શું પતિની સંસ્કૃતિ અપનાવવી જ જોઈએ! પતિ જે કરે તે જ પત્નીએ કરવાનું હોય! મયલા, આપણને કહ્યાગરી, આજ્ઞાંકિત પત્ની જોઈએ. નહીં ને !  આ રોબોટની જેવી. આપણે કમાન્ડ આપીએ.. હસ તો એ હસે અને.."

"તું શું કહેવા માંગે છે!" 

"હું નોનવેજને હાથ નથી લગાડતો. દારૂ નથી પીતો. ત્રણેય ટાઈમ સંધ્યા કરું છું. જનોઈ પણ ધારણ કરૂં છું. અમે બેઉ એકબીજા ઉપર નિર્ણય નથી થોપતા." 

"તો આ નાટક !"

"યાર, હું કર્મકાંડી બ્રાહ્મણનો એકનો એક દીકરો. મારા માટે મારા માતાપિતાએ કેટલું સમર્પણ કર્યું હશે! આ નાનકડા ગામમાં  મારાં માટે કેટલો વિરોધ સહન કર્યો હશે ! મેં વિચાર્યું હતું કે મેરીને લઈને સીધો તેમનાં ચરણોમાં આળોટી પડીશ પણ તેમનું હૃદય આ આઘાત નહીં ખમે તો?  કંઈ અઘટિત થઈ જાય તો ? મારે તેમનું મન દુભાવવું ન હતું એટલે આ રોબોટનો ચહેરો મેરી જેવો બનાવી અહીં લઈ આવ્યો. લગ્ન કરીને તરત જ લંડન જવું હતું અને થોડાવખત પછી મેરીને લઈને પાછા આવવાનો વિચાર હતો પણ યાર, આપણાં ગામડામાં વીજળીની બહુ મગજમારી.વળી કાળઝાળ ગરમી. બે દિવસથી 'શી'ને ચાર્જ કરવા માંગુ છું પણ થોડુંક થાય છે અને વીજળી રીસાઈ જાય છે. વળી અહીંના વાતાવરણમાં તેના પાર્ટસ પણ ફીટ થતાં નથી." 

"એટલે એની ડોક ગોળ ગોળ ફરે છે. સોરી.. ઈનું ડાસુ ગોળ ગોળ ફરે સ." 

બેઉ મિત્રો હસી પડ્યા. "હવે શું કરવું છે!" 

"હવે જ તો કોકડું ગૂંચવાયું છે.. બરાબરનું. પાસાં બધાંય ઉલટા પડ્યાં. વેદનાથી વલોવાતાં અંતરની ઝાંખી તેમનાં ચહેરા પર ઉભરાઈ આવી છે. આંખો તો જાણે શ્રાવણ-ભાદરવો. આનંદને બદલે વેદના આપે તેવો કપૂત હું પાક્યો છું. મને બહું દુઃખ થાય છે મયલા."

"કરે એ ભોગવે. હાથનાં કર્યા હૈયે વાગ્યા.ખોડો ખોદે તે પડે."

 બધી કહેવતો  મારા માથે માર. તું દોસ્ત છે કે દુશ્મન! હું હારી ગયો છું. ક્યાંયથી મન ન ધરાયું મયલા. તું કઈ રસ્તો સુઝાડ."

મનનનું મન વ્યથિત હતું. 'જો કાલે પોતાની સત્ય હકીકત જણાવે તો કદાચ ક્યારેય ફરી માબાપનું મોઢું જોઈ નહીં શકશે.'

"ઝેર તો પીધા જાણી જાણી." અધખુલ્લાં બારણામાંથી એક ધીમો અવાજ બાપુજીનો આવ્યો. 

"બાપુજી.."

"તારા બાપાની છાતી હિમાલય જેવી વિશાળ છે. ધરતીકંપની અસર બહુ ઓછી થાય છે. બેટા, આવતો રહે મારી પાસે. તેં એક વખત મને સાચું કહેવાની હિંમત કરી હોત તો આ નાટક ન કરવું પડતે" મનનની પીઠ પર પિતાનો હાથ પ્રેમથી પસરતો હતો. 

" હવે આ ભૂતડીનું શું!" ગોરાણીમાંએ આવીને રોબોટનાં મોઢાને ગોળ ફેરવ્યું. 

"ગામવાળાને સમજાવીશું. રોબોટ બતાવીશું. બીજું શું !"

"ચોળીને ચીકણું નથી કરવું. શું કોઈ બીજો ઉપાય નથી?"

"છે ને. સાપ પણ મરશે અને લાઠી પણ નહીં રહે." કૃપાશંકર બાપુ આવી ચડ્યાં." તન્મય અને મનન. મારાં નીડર બાળકો, એક રાત્રે તમે મસાણ પાછળ વહેતી નદીનાં કોતરોમાં રહ્યાં હતાં અને સવારે ઘરે આવ્યાં હતાં." 

"હેં મનીયા, આવું ક્યારે કર્યું હતું? મને કેમ ન કહ્યું." બાપુજીની આંખોમાં વધું દર્દ ઉમેરાયું.

"આજે રાત્રે  મનીયો ખભે આ ભૂતડીને લઈને  મસાણમાં જઈને અગ્નિદાહ આપી દેશે. ગામવાળાને કહેજો કે ભૂતડી આ ગામમાંથી  ગઈ."

" શું મારે એકલાએ જવાનું? " મનન  અકળાઈ ઉઠ્યો.

"તો લઠ કબીર સમ.." તન્મયે આંખો નચાવી.

રાત્રે  લાલ અબોટીયુ પહેરી, કડીયાળી ડાંગ લઈને, ખભે રોબોટને નાખી મનન નીકળ્યો.ગામમાં બધાનાં બારીબારણા સજ્જડ બંધ હતાં. બંધ બારણે બધાં જાપ કરી રહ્યાં હતાં. મસાણ પહોંચતા જ મનને તેને અગ્નિદાહ આપ્યો પણ ત્યાં જ તન્મય પાછળથી આવી પહોંચ્યો. 

"હેં મનીયા, એ રાત્રે એક કાળો પડછાયો જોયો હતો. વિસ્તરતો જતો હતો. પહેલાં જમીન પર, પછી નદી પર, પછી આકાશમાં ઊંચે ઊંચે.. તે શું હતું!  યાદ છે તને? હું તો ડરીને બેભાન થઈ ગયો હતો. તું.."

ભયનું લખલખું મનીયાનાં શરીરમાં ફરી વળ્યું. 

" હું પણ.."

******

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ