વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સરકતી કેડી પર આળોટતાં અંધારાં

પ્લોટ ૧

મર્ડર એટ કેમ્પીંગ સાઈટ


સરકતી કેડી પર આળોટતાં અંધારાં 


  

"મુન્નીબાઈ નામ હૈ મેરા. ઈકબાર જો મેરી અંખિયનસે અંખિયન મિલા લે તો સમજો.‌." શરીરનો એક સુંદર વળાંક લઈ ભીના  હોઠ પર આંગળી મૂકી, આંખોથી જ ઈશારો કર્યો. "ઘાયલ "

"અબે ચલ.. ચલ.. બહોત ભાવ મત ખા. ગાડીમેં બૈઠ જલ્દી." અનવરે મુન્નીબાઈને હળવો ધક્કો માર્યો. 

"અબે હઠ રે.. મેં ખુદ બૈઠુંગી." અનારકલી ડ્રેસની ચુનરી હાથમાં લઈ, કમરેથી એક ઠેહેકો મારી તે અંદર બેઠી.રૂપેરી ખલતામાંથી પાન કાઢી ગલોફામાં ઠુસ્યું.

"મુન્નીબાઈ  ઈકબાર મહેફિલમૈ કોઈ ગીત છેડ દે ઔર ઉસકે ઘુંઘરુ જબ ઝમીન પર થીરકને લગે તો આસમાન મેં ઉસકી ગુંજ સુનાઈ દેતી હૈ..પાકિઝાકી મીનાકુમારી યાદ જાતી હૈ મેરે દિવાનો કો."

"ઔર.." એક ઘેઘુર, ગંભીર, કરડાકી ભર્યો અવાજ પાછળથી આવ્યો.

સહસા મુન્નીબાઈએ પાછળ જોયું. કાળાકાચથી ઢંકાયેલી જગ્યાની પાછળ કોઈક બેઠું હતું, જેની ધારદાર નજર મુન્નીબાઈને આરપાર થઈ રહી હતી. 

"એ..એ.. કોન હૈ! સામને તો આ! છુપ્પૈ છૂપ્પૈ અંખિયા મત લડા. મુન્નીબાઈ સે ડરતાં હે ક્યા!" 

"ખામોશ.." ખામોશી છવાઈ ગઈ.  

મુન્નીબાઈની જીભ ફરી કાતરની માફક ચાલું થઈ કટ.. કટ.. "કહાં લે જા રહે હો મુન્નીબાઈકો!"

"શાદી કા મામલા હૈ." ફરીદ, મુન્નીબાઈ સાથે આંખ નચાવતો બોલી ઉઠ્યો. 

"જબ શાદી હોનેવાલી હૈ તો મુઝે કબાબમે  હડ્ડી બનાનૈ કો કાયકુ લે જા રહે હો મિંયા.." મોઢામાં ફરી બનારસી પાન મુકતાં,નયન નચાવતા  મુન્નીબાઈ બોલી.

ગાડીમાં બધાં જ તરફ દૃષ્ટિ કરી ફરીદે, મુન્નીબાઈ સામે નૈણ નચાવ્યાં. હસ્યો.

"હાય..મા..મેં મર જાવા."

"ખામોશ... મીનુ" 

એકાએક મુન્નીબાઈ પર વીજળી પડી હોય તેમ તે ધ્રુજી ઉઠી. થોડી ઝંખવાઈ ગઈ. તોય મન મનાવવા લાગી. 'મુન્નીબાઈ બોલ્યાં હશે મીનુ નહીં. અહીં મીનુ  કહેવાવાળું કોણ છે!  અરે ! અહીં તો શું.. જિંદગીમાં પણ કોણ છે!' 

"કિસી કો ખુશ કરને કી જરૂરત નહીં." કરડાકીભર્યા અવાજનાં દરેક શબ્દમાં હુકમનું ગંભીર્ય હતું. 

"તો ફિર મુજે ક્યુ લે જાતે હો!" મુન્નીબાઈની જીભડી હજી સળવળ કરી હતી.

"બતા દેંગે. ચૂપચાપ બેઠો." ફરી કરડાકીભર્યો અવાજ. 

"ઠીક હૈ મિંયા. તુમ જલ્દી ગાડી ચલાવો." મુન્નીબાઈએ અનવર સામે આંખ મિચકારી.

અનવર જાણે ગોથું ખાઈ ગયો. સામેનાં વળાંકમાં જ ગાડી લઈ લીધી. 

ગાડીમાં સન્નાટાએ સામ્રાજ્ય જમાવી દીધું. 

મુન્નીબાઈએ બારીનો કાચ સહેજ નીચે ઉતાર્યો અને ઠંડી હવા અંદર ધસી આવી.  ઓઢણી સાવ સરકી ગઈ.  વાંકડિયા વાળ તેનાં ચહેરાને મીઠો-મધૂરો સ્પર્શ કરવાં લાગ્યાં. દોડતી ગાડી સાથે લીલાંછમ વૃક્ષો પણ દોડવા માંડ્યાં. એક ઘટાદાર વૃક્ષ પર અતિતનું નાનું ચકલું બેઠું હતું. એકદમ ઊડીને મુન્નીબાઈનાં છાતીનાં પોલાણમાં ભરાઈ ગયું. મુન્નીબાઈ સંકોચાઈ ગઈ..'જાણે  પરકાયા પ્રવેશ! ' તેનાં હાવભવ બદલાઈ ગયાં. તેણે વાળને કસીને બાંધી દીધાં. ચુનરીથી શરીર ઢાંકી, માથે ઓઢી લીધી. નયનોમાં ફરી લજ્જાનાં કાજળે સ્થાન લઈ લીધું. ઘેરાં ભૂરાં આસમાનમાં નજર કરી.  દૂર દૂર પહોંચી ગઈ તે અતિતમાં.

***

"મીનળ"

"જી પિતાજી"

"સૂર્યદેવતાને જળ ચઢાવ્યું!"

"જી પિતાજી"

"વાહ! ચલો શિવજીનો અભિષેક કરવા." 

નાચતી-કૂદતી, ઝાંઝર ઝમકાવતી મીનળ, પિતાજી સાથે આંગણામાં શિવમંદિરમાં પહોંચી અને અભિષેક કર્યો.

"ૐ ત્ર્યંબકમ્ યજામહે સુગંધિમ્ પુષ્ટિ વર્ધનમ્ 

ઊર્વા રુકમિવ બંધનાત્ મૃત્યુ મોક્ષિય મામૃતાત ||"

"તમે આવી ભક્તિ અને પંડિતાઈ શીખવાડ્યા કરશો તો મીનુ રસોઈ ક્યારે શીખશે! મીનુ આખરે એક સ્ત્રી છે. ડગલે ને પગલે  અંકુશમાં રહેતાં શીખવું પડશે. નહીં તો..  જમાનો કેટલો ખરાબ છે!" માતા રસોઈ કરતાં બોલી ઉઠ્યાં.

"મારે તેને દેવી ગાર્ગીની માફક દરેક વિદ્યામાં વિદ્વાન અને નિર્ભય બનાવવી છે અને બનશે જ. આમ ડરાવ નહીં. મીનુ, ક્યારેય તને ડર લાગે તો તું"ૐ નમઃ શિવાય" બોલજે‌. બધાંય ડર  દૂર થઈ જશે બેટા."

  ભૂરાં સ્વચ્છ આકાશમાં વાદળો ઉમટવા લાગ્યાં. ધરતી પર હેત વરસાવી, કોરાં થઈ ફરી સમુદ્રને પામવાં વાદળો દોડી ગયાં. ઠંડીની ઋતુ આવી અને ગઈ. પાનખર પૂરી થઈ અને વસંત આવી. 

મીનળનાં અંગેઅંગમાં વસંત મ્હોરી આવી. સંસ્કૃત હોય કે અંગ્રેજી. દરેક ભાષામાં તથા દરેક કળામાં પારંગત થવા કમર કસવા લાગી સાથે કથક પણ શીખવા લાગી. નાની સગીર  મીનળ, દૂર આકાશમાં વાદળો સાથે પરી બની ઉડવાની અને ઝરમર વરસતાં વરસાદ સાથે તાલ મિલાવી, નૃત્ય કરવાની મહેચ્છા રાખતી. તબલાવાદન કરતો કિશોર એકીટશે તેને જોયા કરતો ત્યારે મીઠી મુંઝવણ તે અનુભવતી. 

એક દિવસ ગીચ જંગલમાં ઔષધી લેવાં ગયેલ મીનળ પાછી આવી જ નહીં.

***

"આ ગયાં અપના ઇલાકા." અનવર બોલ્યો અને ગાડી એક ઝાટકે ઉભી રહી.

મુન્નીબાઈએ ધરતી પર પગ મૂક્યો અને જાણે ધરતીકંપ થયો તેનાં હૃદય પર. "ઓહ આ.તો.. " મુખ પર આવતાં-જતાં ભાવને સંયમમાં રાખી તે ઊભી રહી. દૂર ખળખળ વહેતી ગીરાનદીનો અવાજ તેનાં કર્ણપટલને ચીરી હૃદયમાં શૂળ ભોંકતો હતો.

ગાડીમાંથી બધાં જ ઉતર્યા.

" આ મીનુને, દીકરી માનસીની બાજુમાં રૂમ આપજો. તેને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખજો." 

મુન્નીબાઈની કોમળ ગરદન તે અવાજ તરફ વળી. "કોણ હશે આ! મને મીનુ કહે છે અને પોતાની દીકરી સાથે મને રાખે છે!" તેણે તે વ્યક્તિનો ચહેરો જોવાં પ્રયત્ન કર્યો પણ તે આગળ વધી ચૂક્યો હતો.

ગાઢ જંગલમાં તારલિયાં ભરેલું આભ ચમકવા માંડ્યું. સુમ સુમ કરતી ઠંડી હવા જંગલના સન્નાટામાં તન્હાઈનું સંગીત છેડી રહી હતી. સ્નાન કરીને નીતરતાં વાળે મુન્નીબાઈ ઝરુખે આવી ઊભી રહી. ઘોર સન્નાટામાં નીતરતાં વાળમાંથી ટપ.. ટપ નાદ ગુંજી રહ્યો હતો. અચાનક નીચે ઊભેલી પુરુષ આકૃતિએ ઉપર જોયું.

"આંસુ હશે કે.." તે પુરુષે જરાં ખોંખારો ખાધો. ત્યાં જ ફરીદે આવીને કહ્યું, " ભૈયા. કોલેજની યુવક-યુવતીઓનું ટોળું ગીરાનદીને કિનારે આવેલાં આપણાં રિસોર્ટમાં આવી ગયું છે. માનસી અને બનેવીલાલ પણ તેઓની સાથે છે." તે પુરુષનાં ગળામાંથી  કંઈક અવાજ નીકળ્યો પણ તેનું ધ્યાન તો ઉપરથી પડતાં ટપ.. ટપ નાદ સાથે સુંવાળા અવાજે છેડાયેલા સૂર તરફ અટક્યું હતું," એ દિલે નાદાન.. આરઝૂ ક્યાં હૈ..ઝૂસ્તુઝૂ ક્યાં હૈ..."

સવારનાં કોમળ કિરણો, ડાંગની તપખિરીયા  કેડીઓને વધું ચળકાવી રહ્યાં હતાં. પાંદડામાંથી ચળાઈને આવતાં સૂર્યનાં કિરણો એક અદભુત નઝારો ઉત્પન્ન કરતાં હતાં. ત્યાં જ કોલેજના યુવક-યુવતીઓનું ટોળું  આનંદની ચીચીયારીઓ કરતું રિસોર્ટ પર ઉતરી પડ્યું.

"અરે યાર!  ડાંગનાં જંગલમાં પણ કેમ્પિંગ કરવાં જેવું છે. અહીં રિસોર્ટમાં રહીને તો 'નદી કિનારે મીન પ્યાસી' જેવું લાગે." તે યુવકનો બોલ પડ્યો ત્યાં તો બીજાં બધાંય કેમ્પિંગ માટે તૈયાર થઈ ગયાં. 

" ત્યાં ગાઢ જંગલમાં આદિવાસી અને માણસખાઉં જનાવર, સાપ, વીંછી છે. ના.. બાબા નથી જવું." યુવતીઓનાં  ચહેરા ઉપર અજાણ્યો ભય છવાઈ ગયો.

"અરે! એમાં ગભરાવાનું શું! બહું ઊંડે નહીં જઈએ અને આમેય આ જંગલ પર રાજ તો મારાં સાળા રુદ્રદેવનું જ છે." કહેતાં મુંજાલ ખડખડાટ હસી પડ્યો. સામે ઊભેલી માનસી સામે મીઠું હસી, આંખ ઝીણી કરીને બોલ્યો," કેવી રહી મારી ટ્રીક! આપણી જ કોલેજના દોસ્તોનો સાથ અને તારી સાથે એકાંત માણવાની તક!"

"ટ્રીક નહીં, ષડયંત્ર કહે મુંજાલ. પપ્પાને ખબર પડશે તો.." 

"તો શું! શું કરશે હા!  અબઘડી જ લગ્ન."

ફરી એક હાસ્યનો ઘૂઘવતો અવાજ અને બધાંય ફ્રેશ થઈને નીકળી ગયાં, પૂરી તૈયારી સાથે.

યુવાની એટલે  સાહસિકતા, મસ્તી, મજાક, તોફાન.. બધાંય તેને માણતાં આગળ જંગલમાં વધી રહ્યાં હતાં. નદીકિનારે તંબુ બનાવી, થોડાં લાકડાં એકઠાં કરી, આગ પ્રગટાવી.પહાડોની સરકતી કેડી પર આળોટતાં અંધારા અને જંગલની રાત્રીની બિહામણી ક્ષણો, ગીતો ગાઈને, એકબીજાની ટીખળ કરતાં પસાર કરતાં હતાં ત્યાં જ ચિત્ર-વિચિત્ર, બિહામણાં અવાજથી જંગલ ભરાઈ ગયું. યુવતીઓનાં હૃદય ડરથી ધડકી ઊઠ્યાં." નથી રહેવું. ચાલો પાછા વળીએ."

"અમે છીએ ને.. કંઈ નહીં થાય."હૈયાધારણ તો મળી પણ સવાર પડતાં જ રિસોર્ટમાં પાછાં જવાનું નક્કી કર્યું.

સુંદર સોનેરી સવારનું સૌંદર્ય પણ યુવતીઓને આકર્ષી નહીં શક્યું. "હવે અમે આગળ નહીં આવીએ."

"આ તો હજી શરૂઆત હતી. હજી ઊંડા જંગલમાં જવાની ખૂબ જ મજા છે."

"ના. હવે નહીં." ઘણાં યુવક-યુવતીઓ રિસોર્ટમાં પાછાં ફર્યા સિવાય કે મદન, મુંજાલ,  વિરાજ, કંદર્પ, માનસી, અમી, ધારા. ગીરાનદીને કિનારે, પેલે પાર આવેલાં ગાઢ, વાંસના અડાબીડ જંગલમાં તેઓ મોજ માણવા નીકળી ગયાં.

ડાંગનાં વાંસનાં વૃક્ષો સૂર્યને ક્યારે ગળી ગયાં ખબર જ ના પડી. સર્પાકારે સરકતી તપખિરીયા  કેડી પર ગાઢ અંધકાર આળોટવાની તૈયારીમાં હતું અને યુવતીઓ ચીસ પાડી ઉઠી."પાછાં કઈ રીતે જશું! આ તો રાત્રિનાં ઓળા છવાવા માંડ્યાં."

" અરે! અહીં જ મોજ  કરીએ." ફટાફટ તંબુ તણાવા લાગ્યાં. કેમ્પફાયર પ્રગટી ઉઠ્યો. અંતાક્ષરીની છોળો ઉડી પણ પછી! સતત ભયનાં ઓથાર નીચે દરેક સળવળવા માંડ્યાં. 

નિશાચર પ્રાણીનાં અવાજ, ઘુવડનું ઘૂ..ઘૂ.., શિયાળની લોળી, હૈયાને ધડકાવી દેતાં આદિવાસી હાકોટા, સૂકાં પાંદડાં કચરવાનો અવાજ.. સાંભળતા જ  યુવતીઓ ધ્રુજી ઉઠી. 

"અહીં નથી રહેવું. ચલો પાછા વળીએ. કશુંક થશે તો!"

 "અરે!  અમે છીએ ને!" મુંજાલ બીજાં યુવકોનો સાથ લઈ બોલી ઉઠ્યો. 

ઉન્માદ આંખોએ પ્રેમલાપ છેડ્યો. એકબીજામાં ઓગળી જવાં તત્પર થઈ ઉઠ્યાં.

મુંજાલ-માનસી એકાંત માણવાં તંબુ તરફ વળ્યાં. નદીકિનારે ખળખળ વહેતું ઠંડુ પાણી રોમાંચ જગાડી રહ્યું હતું ત્યાં તો સફેદ વસ્ત્રમાં સજ્જ યુવતીએ માનસીનો હાથ પકડી લીધો. માનસી તેનાં ચહેરાને ઓળખવા પ્રયત્ન કરે ત્યાં તો ફરી ભયાનક અવાજો ઉઠવા લાગ્યાં.

"અહીં શું નહીં થાય! બધું જ થાય." મદન તેની નશીલી આંખો માનસી પર નાંખીને,હાથમાં બોટલ નચાવતો તેની નજીક સર્યો.

 અંગેઅંગ ધ્રુજી ઉઠ્યું માનસીનું. મદન પ્રત્યે પહેલેથી ચીડ હતી અને આજે..

 "એય મદન, સંભાળીને બોલ નહીં તો.." મુંજાલ આક્રોશથી તપી ઉઠ્યો.

"અરે યાર! મજા કરવાં આવ્યાં છીએ કે તલવાર તાણવા!"

થોડીકવાર સન્નાટો છવાઈ ગયો. ફરી અવાજ ઉઠ્યો. "ઘમ્મર.. ઘમ્મર.‌. દૂર વહેતી ગીરાનાં નીર નીચેથી ઊઠીને ઉપર આભને આંબવા મથતો અવાજ અને એ અવાજ સાથે નજદીક આવતાં, હાકોટા કરીને નૃત્ય કરતાં આદિવાસીઓનો અવાજ. "

"નથી રહેવું અહીં. અબઘડી ચાલ્યાં જઈએ." માનસી, અમી અને ધારા ચીસ પાડી બોલી ઉઠ્યાં.

ભયથી થથરતા દરેકનાં જીવ તાળવે ચોંટ્યા હતાં. નશામાં ચૂર મદન, માનસીની નજીક સર્યો. સળગાવેલાં મોટાં લાકડાની આગનાં તણખા પણ  ઊંચે ઉડી રહ્યાં હતાં. એક અજાણ્યો ભય દરેક યુવતીઓનાં શરીરમાં સોંસરવો ઉતરી ગયો. 

"એય મદન દૂર રહે." માનસી ચીસ પાડી ઉઠી. ઘડીકમાં તો મુંજાલ અને મદન સામસામે, મારામારી પર આવી ગયાં.

"મદન પ્લીઝ!" માનસી બોલતી રહી. મદન નજીક આવતો જ રહ્યો. એ જ ટાણે ધડાકો થયો. એકાએક કેમ્પફાયરની આગ બુઝાઈ ગઈ. એક તીણી ચીસ આવી. આભમાં ચમકારો થયો. તેજોમય..આંખ અંજાઈ જાય તેવો પછી સફેદ ધુમાડો છવાઈ ગયો. માત્ર શ્વાસ ઝડપથી લેવાનાં અવાજો આવ્યાં અને પછી તો  સન્નાટાનું સામ્રાજ્ય છવાઈ ગયું. જાણે ગહેરી નિંદ્રામાં સરી પડ્યાં હોય તેમ બધાંય..

વહેલી સવારે મુંજાલે આંખો ખોલી. હજી તેનાં માથામાં ધમધમ થતું હતું. ચક્કર આવી રહ્યાં હતાં. ધીમાં અવાજે તે બોલ્યો," માનસી.. માનસી.." ફરી આંખો બંધ થઈ ગઈ. 'શું થયું છે! શરીર કેમ સાથ નથી આપતું! આ મદનીયાએ.." તેણે એકદમ ઝાટકો મારી આંખો ખોલી. હતી એટલી શક્તિ ભેગી કરી, ઉભો થયો. 

"માનસી.." તેની ચીસ  આખાયે ગાઢ જંગલમાં ફરી વળી.  સામે ખળખળ વહેતી ગીરાના નીર પણ એક ક્ષણ થંભી ગયાં.  પક્ષીઓ કલબલાટ કરતાં એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર ઉડવા લાગ્યાં. ઉપર ચીચિયારા મારતી સમડી કંઈક અનિષ્ટ થયાનો સંકેત આપી રહી હતી.

"માનસી.." મુજાલે ફરી ચીસ પાડી. શરીર ઢસડતો પાસે ગયો, "લોહીથી લથબથ માનસી" તેણે આજુબાજુ જોયું. તેનાં દોસ્તો જાણે ગહેરી નિંદ્રામાં ચત્તાપાટ  પડ્યાં હતાં. કોઈ યુવતી ઝાડ પાસે..

"પપ્પાજી.." તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો પણ નેટવર્ક! તેણે ઈમરજન્સી 100નંબર ડાયલ કર્યો. તરત જ આવવા મેસેજ મોકલ્યો. તેનાં હાથ-પગ ધ્રુજવા લાગ્યાં. સવારે પણ આછું અંધારું હતું. સૂર્યને રોકીને વાંસનાં વૃક્ષો અડીખમ ઊભાં હતાં. "માનસી.." મુંજાલે   ફરી ચીસ પાડી અને માથામાં ભયંકર સણકો ઉપાડ્યો તે બેભાન થઈ ગયો.

**

"ઇન્સ્પેક્ટર સાહેબ, આ જગ્યાએથી અંદર જવું મુશ્કેલ છે. આ આદિવાસી ઇલાકો છે. અહીં જવું એટલે મૃત્યુને સામેથી આમંત્રણ આપવું સમજ્યાં!" હવાલદાર  હરિકાકા આંખો ઝીણી કરીને બોલ્યાં.

"એક મિનિટ હરીકાકા, આપણે ઊંડા જંગલમાં તો નહીં જઈએ પરંતુ અહીંની વિધિ તો પહેલાં પતાવીએ. આ બેભાન બધાંય યુવક અને યુવતીઓને પાસેનાં રિસોર્ટમાં નજરકેદ કરો‌. બધાનાં મોબાઈલ જપ્ત કરી લો.આ ઘાયલ યુવકને રિસોર્ટમાં જ સારવાર આપો અને નદી કિનારાની પાસે જ.. આ યુવતી કોણ છે! લોહીથી લથબથ યુવતી અને ઝાડ પાસે હાથમાં પિસ્તોલ લઈને બેઠેલી યુવતી..! આ તીર અને ભાલા..!

ફોરેન્સિક લેબોરેટરીની ટીમ તેમજ એમ્બ્યુલન્સમાંથી પણ ટીમ આવીને તેમનાં કાર્યોમાં પ્રવૃત્ત થઈ. 

"ઘાયલ યુવતી તો મૃત્યુ પામી લાગે છે. આ બીજી યુવતીનાં શ્વાસ ચાલું છે. કદાચ બેહોશ થઈ ગઈ છે પણ આ રીતે ! માથામાંથી લોહી નીકળી રહ્યું છે ને હાથમાં પીસ્તોલ. ઇન્સ્પેક્ટર રાઘવ, આટલાં બધાં માનવ પગલાં.. તીર..ભાલા..નક્કી આદિવાસીઓએ જ હત્યા ! એમના ઇલાકામાં આવનાર અજાણ્યાઓને તેઓ જીવતાં પાછાં જવાં જ નથી દેતાં."ફોરેન્સિક લેબોરેટરીનાં ડોક્ટર મયંકની આંખોમાં ભય છવાઈ ગયો. 

બેહોશ યુવતીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયાં.

**

ટીવી અને મોબાઈલ  પર  લાઈવ ન્યુઝ આવી રહ્યાં હતાં. 

"મર્ડર એટ કેમ્પિંગ સાઇટ"

" આહવા કોલેજના યુવક-યુવતીઓનું એક ગ્રુપ કેમ્પિંગ માટે જંગલમાં વહેતી ગીરા નદીનાં કિનારે ગયું હતું અને રાત્રી દરમિયાન તેમાંની એક યુવતીનું મર્ડર થયું છે. લોહીથી લથબથ  આ યુવતીનું નામ માનસી જાણવામાં આવ્યું  છે. જે જંગલનાં પ્રસિદ્ધ વેપારી રુદ્રદેવની બહેન છે. માનસીની લાશ પાસે સફેદ વસ્ત્રમાં સજ્જ યુવતીનાં હાથમાં નાની પિસ્તોલ મળી આવી છે. તે યુવતીને પણ માથાના ભાગે કંઈક બોથડ પદાર્થથી હુમલો થયો છે. આ યુવતી કોણ છે તે હજી જાણવામાં આવ્યું નથી. પોલીસ કાર્યવાહી કરી રહી છે."

"હજી આપણે અહીં ખોડાયા છીએ અને મારું હારું આ વાત ટીવી સુધી કેમની પહોંચી!  નક્કી આપણાંમાં કંઈક કોઈ ફૂટલો છે સર! સર..આપણે કશું કરવાની જરૂર નથી. આ રુદ્રદેવની બહેન છે. આઈ મીન હતી. એ જ બધું ફોડશે. જે રીતે આપણને વહેલી સવારે ફોન કરીને જેણે માહિતી આપી તે રીતે."

"હરીકાકા, ક્યારેક દેખાય છે તે બધું જ સત્ય નથી હોતું. આ યુવતીનાં હાથમાં પિસ્તોલ, માથામાંથી લોહી..કંઈક ગરબડ છે અને આદિવાસી...મારું મન ના કહે છે."

"ફરી પાછું મન!  સાહેબ, થોડીકવાર મનને બાજું પર મૂકી દો. પુરાવાઓ જુઓ. ડિસ્ટન્સ જુઓ. બધું જ મળી ગયું છે. ખૂની પણ અને પુરાવા પણ. હાશ! બહુ મગજમારી નહીં કરવી પડે. આ યુવતીને ભાનમાં લાવીશું અને પોપટની માફક 'મીઠું મીઠું' બોલવાં માંડશે. સાહેબ, બીજી એક વાત. અહીંનાં ખૂંખાર આદિવાસી પણ..આ..આ.."

"શાંત.. શાંત થાવ હરિકાકા. જે કેસ સાવ સાદો-સીધો દેખાય એ જ બહુ પેચીદો હોય છે."

"રાઘવ બેટા, તને આટલેથી મોટો કર્યો છે. મને ખબર છે ને.." 

"બસ! કાકા મારાં. ફુલણજી કાગડાની વાત ખબર છે ને એક હતો કાગડો. તેના મોઢામાં.."

"બસ બાપલીયા! નહીં બોલું. તમ તમારે કરો જે કરવું હોય તે. હું તો આ.." કહેતાં હરિકાકાએ ફાયર પાસે બેસી બીડી સળગાવી.

" આ લાકડાં તો મોટાં છે સાહેબ. એકાએક આગ બુઝાવી નાંખવામાં આવી છે. અહીં આવી જુઓ." 

**

ગીરાનદીને કિનારે ગાઢ જંગલમાં હલચલ મચી ગઈ. ખાખી વરદીવાળા પોલીસ, પોલીસની જીપ, એમ્બ્યુલન્સને..  પશુપક્ષી એ રીતે જોવાં લાગ્યાં કે જાણે જંગલમાં નવું વિચિત્ર પ્રાણી ન આવ્યું હોય!  ઉછળકૂદ કરતાં વાંદરાં ઝાડ પર, ડાળીની આડશ લઈ ખૂબ ધ્યાનથી જોતાં જોતાં પૂંછડી હલાવતાં હતાં.

"સાહેબ, અહીંના વાંદરાં ય ખતરનાક છે. તેમનાં ડાચાં તો જુઓ..!" 

"હરિકાકા પ્લીઝ!"

"હો સર!  હરીકાકા સેલ્યુટ મારીને ઊભાં રહી ગયાં. ત્યાં તો એક વાંદરો, હરિકાકાની ટોપી અને મોઢામાંથી બીડી લઈને ભાગી ગયો. હસાહસ થઈ ઉઠી પણ હરિકાકા ધ્રુજવા લાગ્યાં.

***

"હા.બોલવા માંડો." ઇન્સ્પેક્ટર રાઘવે રિસોર્ટમાં, ખુરશીમાં સ્થાન લઈ ડંડો ગોળ ઘુમાવ્યો. 

"વીરુ..સોરી વિરાજ જોશી.આ કંદર્પ કાયસ્થ, આ.."

"બધાંને  પુછીશું. તું બોલવા માંડ. રાત્રે શું થયું!"

"કંઈ નહીં." 

"એટલે..?"

આઈ મીન અમે આહવા કોલેજનું ગ્રુપ વીસેક યુવક અને યુવતીઓ.." 

"તો અહીં આટલા જ..!"

"ઊંડા જંગલમાં અમે  સાત યુવક-યુવતીઓ જ ગયાં.બીજા રિસોર્ટમાં પાછાં વળ્યાં."

" કોણ ! "

"મદન, મુંજાલ, હું વિરાજ, કદર્પ, માનસી, અમી, ધારા."

"બધાં જ લફરાંવાળા!" હરિકાકા વચ્ચે બોલ્યાં.

"હા..ના.. ના." 

"સીધું, સાચું બોલ." 

"માનસી મુંજાલનાં લગ્ન થવાનાં છે. હું અને ધારા.." 

"બસ. મદન એકલો..!"

"હા.. ના.. ના.. હા." 

રાઘવે ડંડો ગોળ ઘુમાવ્યો.

"મદન, માનસીનો દીવાનો છે. તે માનસીને ગમે તે રીતે પોતાની કરવા માંગે છે. મદન ગુંડા જેવો ખુંખાર છે‌.  રાતે.."

"હા. બોલ. અટકી કેમ ગયો!" 

"રાતે મદન અને મુંજાલ વચ્ચે મારામારી થઈ હતી." 

"તમે ક્યાં હતાં! "

" અમે કેમ્પફાયર પાસે જ હતાં. મુંજાલ, માનસીનો હાથ પકડીને તંબુ તરફ ગયો અને મદન પાછળ ગયો‌. બોલાચાલી થઈ પછી મારામારી.." 

"તમે રોકી નહીં?"

અમે ઊભાં થવા ગયાં પણ ત્યારે  એક ધડાકો સંભળાયો. એકાએક ફાયરનાં લાકડાં બુઝાઈ ગયાં. તદ્દન અંધારું છવાઈ ગયું. એ જ ટાણે એક તીણી ચીસ આવી. ચમકારો થયો.. આંખ અંજાઈ જાય તેવો. પછી સફેદ ધૂમાડો છવાઈ ગયો. આંખમાં કંઈક ઘેન જેવું લાગ્યું અને ત્યાં જ પડી ગયાં પછી કશીય ખબર નથી.

"ફોન કોણે કર્યો ?'

"નથી ખબર." 

"મી કહુક કઉં ઇન્સ્પેક્ટર સાબ" રૂદ્રદેવ હાથ જોડતાં આવ્યાં. તદ્દન સાદા,સીધા,સરળ, વિખરાયેલાં વાળ, રડતી આંખો અને અવાજમાં કરુણા સાથે વેદના વહી રહી હતી. 

"તમે!"

"માનસીનો ભાઈ. રુદ્રદેવ. વેપારી સુ." 

"શેનો વેપાર...આ ગાઢ જંગલમાં?"

"હાગી લાકડાં ને વાંહ.ટોપલી.."

" તમે અહીં રિસોર્ટમાં કેમ?" 

"આ અમારી માલિકીનો સે."

"તમને ખબર હતી કોલેજનું ગ્રુપ અહીં આવવાનું છે!" 

"હા."

" ગાઢ જંગલમાં જવાનાં છે!"

"ના."

"કેવાં ભાઈ છો તમે? બહેનને આમ..!" 

મુંઝાલ ને માનસીનાં લગન લેવાનાં સે." 

"ફોન કોણે કર્યો ? ક્યાં છે?"

"  ..  મદન ગાયબ સે." 

" વિરાજ તે કહ્યું નહીં!" 

" બેભાન થઈ ગયાં પછી અમને કશી ખબર નથી." 

"ઓહ! ! મદને, મુંજાલને સખત માર્યો. માનસીને પણ‌ મારી જંગલમાં ભાગી ગયો પણ પેલી યુવતીનાં હાથમાં પિસ્તોલ હતી તે! " અચાનક મોબાઇલમાં યુવતીનો ફોટો  વિરાજને બતાવ્યો." આ કોણ છે?"

"નથી ખબર. આ અમારી સાથે ન હતી."

"એટલે કે ગાઢ જંગલમાં નથી આવી પણ ગ્રુપમાં તો આવી હતી ને!"

" આ યુવતી અમારાં ગ્રુપમાં નથી આવી. અમે જાણતા નથી." 

"તો આ યુવતી કોણ છે?"

"મી બોલું. આ સોકરી.." રુદ્રદેવ બોલવા જતાં હતાં ત્યાં જ એક વ્યક્તિએ આવીને કહ્યું," સર, મુંજાલને ભાન આવી ગયું છે. પેલી યુવતી હોસ્પિટલમાં સિરીયસ છે."

***

" મુંજાલ... તારું નામ. તું માનસીને ખૂબ પ્રેમ કરે છે. લગ્ન થવાનાં છે નહીં! ફોન તે કર્યો?"

"હા. હા. સગાઈ અહીં રિસોર્ટમાં જ. આ પિકનિક પછી રિંગસેરેમની રાખી છે." મુંજાલના ચહેરા પર આનંદનાં ભાવ છવાઈ ગયાં.

"માથામાં ખૂબ વાગ્યું લાગે છે. દુઃખે છે નહીં!" ઇન્સ્પેક્ટર રાઘવના કરડાકીભર્યા અવાજમાં સંવેદના ભળી. 

જવાબમાં તે માત્ર હસ્યો. તેનો હાથ માથાં પર ગયો પણ સાથે  દુઃખદ ઉહુકારો! તેનાં હાથપગમાં પણ પાટા હતાં.કદાચ ખૂબ વાગ્યું હતું અને લોહી નીકળ્યું હતું. 

"કોની સાથે આટલી ઝપાઝપી! ગાઢ જંગલમાં પ્રેયસી સાથે એકાંત માણવા ગયાં હતાં કે..!"

"ઇરાદો તો એ જ હતો પણ પેલા મદનીયાએ માનસીને ખૂબ પજવી. તેનાં કપડાં .."

"પછી? અટ્ક્યો કેમ? પિસ્તોલ કોની પાસે હતી?"

"મારી પાસે.મદન પાસે." 

"તારી પીસ્તોલ ક્યાં છે?"

તેણે ગજવા ફંફોસ્યા પણ..

"તેની પીસ્તોલ આપણી પાસે છે.  પુરાવા તરીકે લઈ લીધી છે." 

"એટલે તે મદનને ગોળી મારી." 

"કશું બરાબર યાદ નથી. એકાએક કેમ્પફાયરની આગ બુઝાઈ ગઈ.અંધારું છવાઈ ગયું. તીણી ચીસ..ચમકારો થયો ઝળહળતો.. પછી સફેદ ધુમાડો છવાઈ ગયો. આંખમાં ગાઢ નિંદ્રા જેવું લાગ્યું પછી નથી ખબર."

"બકવાસ."

"સર, અમી, ધારા, કંદર્પ અને ફરીદે પણ આવું જ જણાવ્યું છે."

"મદન ગાયબ છે. માનસી..! આ ફરીદને તો!

"માનસી કેમ છે! તેને ભાન આવ્યું? મદન.!"

"તેં બેભાન થતાં પહેલાં ગોળી ચલાવી હતી કે નહીં યાદ કર." અવાજમાં કરડાકી સાથે  ડંડો ગોળ ઘૂમવા લાગ્યો.

"મેં પિસ્તોલ કાઢી હતી. ગોળી પણ ચલાવી પણ એકાએક અંધારું થયું પછી ચીસ.. ચમકારો..ધૂમાડો.." મુંજાલનો અવાજ ધીમો પડી ગયો.

"બધું યાદ આવી જશે. હરીકાકા." 

"મુંજાલ હજી અસ્વસ્થ છે.બેભાન થઈ ગયો છે જુઓ, થોડો સમય આપો." ડોક્ટર બોલ્યાં .

"સમય! શું સમય! આ મીડિયાવાળા તો જુઓ. રજેરજ કહી રહ્યાં છે. જો થોડાં વખતમાં ખૂનીને  નહીં પકડીએ તો...ઉમંગ સર સસ્પેન્ડ કરી દેશે." 

***

આહવા પોલીસ ચોકીમાં અડધી રાત્રે મીટીંગ ભરાઈ. આહવાના નકશામાં ઇન્સ્પેક્ટર રાઘવ ડૂબી ગયાં. ગીરાનદીની આસપાસનું જંગલ, ઊંચા વૃક્ષો અને અમુક હદ પછી રસ્તા પણ નહીં. માત્ર જંગલ. ઘેરું, ગાઢ.

"સાહેબ, ડૂબી ગયાં કે ખોવાઈ ગયાં !"

"આ ગીરા.."

" આ ચા. નટુકાકા ગરમ ગરમ મસાલેદાર ચા લઈને આવ્યાં છે."

"કાકા, તમે અત્યારે! અડધી રાત્રે!"

"હો. હેવા." નટુકાકા ધીમું હસ્યાં. 

"કાકા, આ ઉંમરે આરામ કરતા હોવ તો. ક્યાં છે તમારો ઝીણીયો!"

"હૂઈ ગ્યો સ.આખોય દાડો કામ કરે સ."

"હં.‌." ગરમ  ચાનો ઘૂંટડો ગળામાં ઉતરતાં જ મગજમાં કંઈક ચમકારો થયો. "આ રસ્તે મદન ભાગ્યો  હશે."

"ઝીવતો ની રેહે." 

ઝીણી આંખમાં કરડકી ભરી રાઘવે. "કાકા, તમે.." 

"ઝંગલમાં વાઘ, વરુ, ફણીધર રે સે સાબ. અટાણ હુધી તો ખેલ ખલાહ."

"હં.."ઇન્સ્પેક્ટર રાઘવના મોઢાં પર વધુ કરડાકી છવાઈ. 

"સોકરાઓ કેતા'તા તી ટીવીમાં મીં હાંભળુ. સમકારો, હફેદ ધુમાડો, ઈ તો.. અડધી રાતે ઓલા ગીરાધોધમાંથી હરી પડતું પાણી વિકરાળ થઈ ઝાય સ. પાણી ઊંસે આકાહમાં ઉડે સ, સમકારો થાય.. ઝળહળ તેજ .. એ ટાણે આદિવાહી ઉન્માદમાં આવી ઝઈ હાકોટા કરતાં નૃત્ય કરે ન પસે ધોધ ભેળાં ભૂહકા મારી બલિએ સઢી ઝાંય."

"નટુકાકા..!" 

"સાહેબ, નટુકાકા જંગલનો ભોમિયો છે.અહીં જંગલનો આદિવાસી, રહેવાસી છે. તે ખોટું ના કહે. શાંત થાવ. લો બીજી ચા." 

"હરીકાકા શું તમે પણ!  વહેલી સવારે જંગલમાં રવાનાં થઈશું." 

"ઝીવતા ની રેહો ." 

"નટુકાકા.‌."  ઇન્સ્પેક્ટર રાઘવે રાડ પાડી. 

"ફોડ પાડીને કહો નટુકાકા." હરીકાકા શાંત રહીને બોલ્યાં પરંતુ નટુકાકાએ કીટલી, કપ, રકાબી લીધાં અને પાછાં વળવા ફર્યા.  હરિકાકા બોલ્યાં પણ ખરાં. "ઊભાં રહો. કહેતા જાવ નટુકાકા." 

નટુકાકા ચાલવા લાગ્યાં. "મી સા લેતો આવું. બીઝી ચા. સાબ થોડાં ટાઢા થાય"

"સાહેબ પ્લીઝ! શાંત થાવ.  ઊંડા જંગલમાં  કદાચ કોઈ જતું જ નથી. ઊંડા જંગલમાં રહેતી આદિ જાતિ.. હજીયે ત્યાં તીરકામઠાંનું રાજ ચાલે છે. વાઘ, વરુ કરતાં પણ ખતરનાક. સાંભળ્યું છે જીવતાં માણસો શે..! આ દુનિયાથી દૂર તેઓ ગાઢ જંગલમાં, પોતાની દુનિયામાં જીવે છે અને આ દુનિયાનો માણસ ભૂલથી ત્યાં જાય તો..!"

"હરિકાકા, ખૂનીને શોધ્યાં વગર પહેલેથી જ હાથ ધોઈ નાખું. આ નિર્દોષ, ભોળાં આદિવાસી પર આળ નાખીને! મારું મન ના કહે છે." 

"ફરી પાછું મન! મદનીયાને મારી નાખવા મુંજાલે ગોળી ચલાવી. માનસી મરી ગઈ. મુંજાલને કેદ. કેસ ક્લોઝડ."

"તો પછી મદન ક્યાં ગયો! જંગલ ગળી ગયું! પિસ્તોલ યુવતીનાં હાથમાં કઈ રીતે આવી! તે યુવતી કોણ! આ રુદ્રદેવ દેખાય છે  સીધોસાદો.ભલોભોળો. કેટલાં વિવેકથી, નરમાશથી વાતો કરતો હતો. કદાચ આ હત્યા.."

"કોઈ ભાઈ પોતાની સગી બહેનને મારે! શું તમે પણ સાહેબ!"

"કદાચ આ તેની સગી બહેન ના હોય અથવા તો તે એવું કંઈક જાણી ગઈ હોય કે.." 

"ભોળી  સોકરીઓ ગાયબ થઈ ઝાય સ. ઝંગલમાં ઝાય પસે ઝંગલ ગળી ઝાય સ."એક પોલીસ કર્મચારી નજીક આવી બોલી ઉઠ્યો.

પ્રશ્નાર્થ ભરી આંખે હરિકાકાએ તેની સામું જોયું. રાતનાં બે ના ટકોરા થયાં.

"ઊંડે ઊંડે ઝંગલમાં હાધુમાતમા રે સ. ગુફામાં, ઝાડની બખોલમાં, હાવ લુગડા વના!  કોણ ઝાણ હુ ખાઈને જીવે સે! સાબ આ હફેદ ધુમાડો, પેલો સમકારો એ બધું.." 

"આજનાં વિજ્ઞાનની હરણફાળમાં આ ધુમાડો, ચમકારો બધું સામાન્ય છે."

"સાબ, બઉ વરહો પેલ્લા માદેવની  દેરીમાં પૂઝારી ને તેની વઉ, સોકરી રેતા તા." આંખ ઝીણી કરી નકશામાં નજર કરી તેણે ત્યાં આંગળી મૂકી. "આ દેરીમાં. તેની સોકરી પણ બઉ હુશિયાર. કે'સે  પૂઝારીએ સોકરીને ઈગરેજી, દેવની ભાહા, ગાયન,નાસવાનું..હંધુંય હીખવાયડુતું. એક દાડો તે સોકરી ઝંગલમાં ઝઈ પસી આવી જ ની. સોકરી ઝયાં પસી મા ગાંડી થઈ ઝઈ. મરી ઝઈ. પૂઝારીય બાવરો થઈ ઝયો. પસે ઝંગલમાં ઝયો. ઝંગલ તેને ગળી ઝયું. પસે તેને ઝોયો નથી પણ કોકવાર દેરીની આહપાહ  લાંબી દાઢીવાળો, લુગડા વનાનો હાધુમાતમા ચીહો પાડતો આવે સે, એવી ચીહો ક હાંઝા ગગડી ઝાય." 

" શું કહેવા માંગે છે! મારું તો માથું ભમી ગયું." 

"કડી બેહે સ ક આ સોકરી.."

"પણ કોઈ  બાપ સગી દીકરીને મારે!" ઇન્સ્પેક્ટર રાઘવ બોલી ઉઠ્યાં.

"સાહેબ,એક લાશ મળી. જનાવરે ફાડી નાખેલી." એક બાતમીદારે આવીને માહિતી આપી.

 ફરી ઇન્સ્પેક્ટર રાઘવે નકશા પર ધ્યાન કેન્દ્રિત કર્યું."હરિકાકા, લાશ કોની છે, ઓળખાણ કરાવી લો. ડોક્ટર મયંકને બોલાવીને તરત જ રિપોર્ટ તૈયાર કરવાનું કહો. થોડીક પોલીસ હથિયાર સાથે બોલાવી લો. અત્યારે ચાર થયાં છે. પાંચના ટકોરે જંગલમાં રવાના.'

"પણ સાહેબ મોત ભમે છે તમારાં માથે. આવાં ગાઢ જંગલમાં જે જીવતું ગયું છે તે પાછું નથી આવ્યું. તમે.." 

'કોઈપણ કાર્ય સદભાવનાથી કરીએ તો ભગવાન પણ સાથ આપે અને આ તો  સાધુ, ભોળાં આદિવાસીઓ..કાળાં માથાનાં માનવી. હરિહરના ભક્ત. બધાયના આશીર્વાદ મળશે. પછી આંખ બંધ કરી બોલ્યાં," કંઈક વધારે મોટું થવાનું છે તો તેને પહેલેથી જ રોકીએ. આ ભોળા-ભલા નિર્દોષ આદિવાસી આપણને કંઈ નહીં કરે કદાચ મદદ કરશે. ભલે તેઓ આપણી ભાષા નહી જાણે પણ આંખની ભાષા અને સાથે સાથે માનવતાની ભાષા તો બધાંય સમજે. ચાલો."

હજી સૂર્યનાં આગમનનાં વધામણાં ડાંગની ધરતીએ જીલ્યાં ન હતાં. ધરતી તો હજી પોતાની આંખો બંધ કરી યોગનિંદ્રામાં તલ્લીન હતી. સાવ સીધાસાદા વેશમાં ઇન્સ્પેક્ટર રાઘવ તૈયાર થયાં અને તેમની પોલીસ ટુકડી સાથે જીપમાં ડાંગની ધરતીનો અણદીઠેલો ખોળો ખૂંદવા નીકળી પડ્યાં.

જીપ મૂંગે મોંઢે આગળ વધી રહી હતી પરંતુ તેની ઘરઘરાટીથી  જંગલનાં પક્ષીઓ સફાળા જાગ્યાં હોય તેમ ઉડવા લાગ્યાં. ચીચીયારીઓ કરવાં લાગ્યાં. ધીમી  ગતિએ જંગલમાં જીપ પ્રવેશી ચૂકી હતી પરંતુ  આગળ જવાં રસ્તા જ ન હતાં.  ઠેરઠેર, ગીચોગીચ જંગલમાં માથોડા ઘાંસ અને વનસ્પતિ ફૂટી નીકળી હતી. હવે જીપ આગળ જઈ શકે તેમ હતી જ નહીં. જીપ તો શું પગપાળા પણ જઈ શકાય તેવું ન હતું.

ખૂબ જ ચુપકીદીથી તેમણે પગલાં પાછાં લીધાં. 

આખી પોલીસ ટીમ લીલા તોરણે પાછી ફરી.

પોલીસ ચોકીમાં જઈને ઇન્સ્પેક્ટર રાઘવે મનોમંથનમાં આખી સાંજ પસાર કરી. 'પેલી યુવતી જો ભાનમાં આવી જાય તો સાચો  ચિતાર  ખબર પડે. ઘટનાસ્થળે પડેલાં તીર અને ભાલા.. શું ખરેખર આદિવાસીઓએ જ આ.. ! આ ફરીદ પણ જુઠ્ઠું બોલતો હોય તેવું લાગે છે.  કદાચ મદને માનસીને મારી નાખી હોય અને નાસી છૂટ્યો હોય! આ મદન મળી જાય તો પણ ઘણું જાણી શકાય.  મુંજાલે ગોળી ચલાવી.. મદન મરી ગયો હોય અને મદનની લાશ સગેવગે કરી, મદન ગાયબ થઈ ગયાનું નાટક પણ હોઈ શકે.. પણ..તો પછી માનસીને કોણે મારી...અને આ બધું કરનાર કોણ! આ લોકો તો કેમ્પિંગ માટે આવ્યાં હતાં કે કોઈક બીજો જ ઇરાદો હતો! નક્કી આ કાવતરાં પાછળ કોઈક મોટો હાથ છે !' ઉપર ખુલ્લાં આકાશમાં જોઈ તેમણે પ્રાર્થના કરી," હે મહાદેવ !  રસ્તો બતાવો." 

ઇન્સ્પેક્ટર રાઘવ સરકતી કેડી પર આળોટતાં અંધારામાં એકલાં જ જંગલમાં જવાં માટે તૈયાર થઈ ગયા.

ઘોર અંધારી રાત, ધરતીનો અણદીઠેલો, અજાણ્યો ખૂણો. સાવચેતીથી પગલાં ભરતાં ઇન્સ્પેક્ટર રાઘવ ઊંડા જંગલમાં પ્રવેશ્યાં. સૂકાં પાંદડા કચરવાનો અવાજ તેમનાં પોતાનાં જ હૃદયને ધડકાવી દેતો હતો. અસીમ જંગલમાં ફેલાયેલી નીરવ શાંતિમાં ક્યારેક નિશાચર પશુઓનાં, પક્ષીઓનાં અવાજો ખલેલ પહોંચાડતાં ધ્રુજાવી દેતાં હતાં. અચાનક એમનાં પગ અટક્યાં. દૂર મહાદેવનું મંદિર દેખાયું. અડધી રાત વીતી હતી. સ્મશાન જેવી શાંતિમાં અવાવરું મહાદેવનું મંદિર તેમને પોતાની નજીક બોલાવતું હોય તેવું લાગ્યું. ધડકતાં હૈયે મંદિર સુધી પહોંચી ગયાં. રાક્ષસી કરોળિયાનાં જાળાં, ગમેતેમ ઉગેલી વનસ્પતિની વેલો અને પીપળાનાં વૃક્ષનાં પ્રચંડ ડાળખાંઓએ મંદિરને ઢાંકી દીધું હતું. 'જાણે શિવલિંગને સુરક્ષિત કરી દીધું હતું.' ધીમે રહીને કમરેથી ખોસેલી કટારી કાઢી તેમણે  ડાળખાં અને વેલાઓ કાપ્યા. જમીન ઉપર વીંછી અને ફણીધરો આળોટતાં હતાં. એક અવાવરું કુવો નજીક જ હતો.તેમને શિવજી પર જલાભિષેક કરવાની  અંત:સ્ફૂરણા થઈ. તેમણે સાથે લાવેલ બેગમાથી રેશમી અબોટીયું કાઢીને પહેર્યું. ખભે માત્ર જનોઇ અને નગ્ન પગલાં ભરી કુવા તરફ ગયાં. કુવામાં જોવાની કોશિશ કરી. પરંતુ ત્યાં જ ઘમ્મર.. ઘમ્મર વલોણાનાં અવાજ કરતું, ગીરાનું નીર આકાશને આંબતુ દેખાયું. થોડીવારમાં તો ઝળહળતો તેજ ચમકારો થયો અને સફેદ ધુમાડો છવાવા માંડ્યો. આદિવાસીઓનાં નૃત્યનાં હાકોટા સંભળાવવા માંડ્યાં. કુદરતનાં કરિશ્માને તેમણે હૃદયથી વંદન કર્યું. કોણ જાણે કેમ કૂવામાંથી પાણી લેવાનું તેમણે માંડી વાળ્યું અને નગ્ન પગે મંદિરમાં પગ મુક્યો. ગર્ભગૃહ તરફ આગળ વધ્યાં. અંદર જે દ્રશ્ય જોયું તે જોઈને તાજ્જુબ થઈ ગયાં. "શિવલિંગ પર જાણે હમણાં જ પૂજા થઈ હોય તેમ બીલીપત્ર અને ફૂલો પડ્યાં હતાં. કેવડાનો ધૂપ મઘમઘાટ કરતો પ્રગટાવેલ દીપની સાથે જ પ્રજ્વલિત હતો." ફરી વખત તેમનું હૃદય ધડકી ઉઠ્યું. "ૐ નમઃ શિવાય"ના જાપ તેમણે ચાલું કર્યા. એક ડગલું આગળ વધવા જાય ત્યાં તો વીંછીએ તેમનાં પગે ડંખ માર્યો. અસહ્ય વેદનાથી તેઓ તડપી ઉઠ્યાં. આંખો ઘેરાવા લાગી તો પણ તેઓ આગળ વધ્યાં. હજી આગળ વધે ત્યાં જ.

"હા..હા..હા.." અટ્ટહાસ્ય સંભળાયું. ઘેરાતી આંખે કંઈક જોવાનો પ્રયત્ન કરે ત્યાં તો.. તેમની સામે જ એક અત્યંત વૃદ્ધ સાધુમહાત્મા, કૃશ, દિગંબર સ્વરૂપમાં, લાંબા શ્વેત કેશધારી, દાઢીના શ્વેત વાળ તો જાણે ઘૂંટણ સમા, મોટી મોટી વિકરાળ આંખ, કરચલીથી લબડતો ચહેરો પણ તેજોમય.. રૂબરૂ થયાં. ઇન્સ્પેક્ટર રાઘવને જાણે સાક્ષાત..! તેમનું હૃદય ધક ધક..! ડર્યા વિના ઇન્સ્પેક્ટર રાઘવે તેમની આંખોમાં જોવાનો પ્રયત્ન કર્યો. વિકરાળ આંખોમાંથી કરુણા અને વેદના ટપકતી હતી. સાધુમહાત્માનો કરચલીવાળો, ધ્રુજતો હાથ ઇન્સ્પેક્ટર રાઘવના ખભે પડ્યો. ઇન્સ્પેક્ટર રાઘવ ધ્રુજી ઉઠ્યાં. સાધુમહાત્મા કંઈક બોલવાં માંગતા હતાં, મોઢામાંથી મ..મ જેવાં શબ્દો ઉચ્ચારાયા. વેદનાથી ઘૂંટાતા શબ્દો.. સાથે બીજા શબ્દો પણ ઉચ્ચારાયાં. હજી  ઇન્સ્પેક્ટર રાઘવ કંઈક સમજે તે પહેલાં જ તેમનું શરીર ઢળી પડ્યું. તેમની ખુલ્લી આંખ, ઇન્સ્પેક્ટર રાઘવને કશુંક કહેવા તરફડી રહી હતી અને સ્થીર થઈ ગઈ. ડંખની વેદનાથી તરફડતા ઇન્સ્પેક્ટર રાઘવે બૂમ પાડી. "હરિકાકા.."

હરીકાકા, ડોક્ટર મયંક સાથે તરત જ આવી ગયાં.પ્લાન મુજબ તેઓ પાસેની ગીચ ઝાડીમાં છુપાયાં હતાં. ડોક્ટર મયંકે તરત જ ડંખ ઉપર કાપો મૂકી ઝેરી લોહી વહાવી દીધું. ઇન્જેક્શન આપી પાટો બાંધી દીધો.

"રાઘવ બેટા. હવે શું કરવું છે! અહીં આવીને તને શું મળ્યું!"લાગણીથી તરબતર હરીકાકા, દીકરાં જેવાં  ઇન્સ્પેક્ટર રાઘવ પર વરસી પડ્યાં.

"મને જે મળ્યું તે હું જીવનભર ક્યારેય નહીં ભૂલી શકું. આ પવિત્ર, વૃદ્ધ દેહને અગ્નિસંસ્કાર અહીં જ આપી દઈએ અને આ ઘટના અંગે મૌન. થોડીક વારમાં તો સાધુમહાત્માનો દેહ પંચતત્વોમાં મળી ગયો. ઇન્સ્પેક્ટર રાઘવ, હરીકાકા અને ડોક્ટર મયંક પોલીસ ચોકીએ જ પાછાં ફર્યાં. ઇન્સ્પેક્ટર રાઘવ પેલાં સાધુમહાત્મા દ્વારા ઉચ્ચારાયેલા શબ્દોની કડી મેળવવા બેઠાં અને અચાનક ચમકારો થયો તેમનાં મગજમાં. 

પોલીસ ચોકીમાં બેઠાં બેઠાં જ તેમણે એરેસ્ટ વોરંટ તૈયાર કરાવી, ચુનંદા પોલીસની ટુકડીને રિસોર્ટમાં મોકલી દીધાં.

***

"રુદ્રદેવ, તમે કબુલાત કરશો કે પછી અમે કંઈક ઉપાય કરીએ." ડંડો ગોળ ઘુમાવતાં ઇન્સ્પેક્ટર રાઘવ બોલી ઉઠ્યાં." હરિકાકા, આપણા વીઆઈપી રૂમમાં એમની સારસંભાળ કરો."

નચિંત થઈ ખુરશીમાં આરામથી ઇન્સ્પેક્ટર રાઘવ બેઠા. ચાની રાહ જોતાં. 

ત્યાં જ નટુકાકા ગરમ ચા લઈને પોલીસ ચોકીમાં પ્રવેશ્યાં.

"વાહ! કાકા તમારાં હાથની ચાને જ યાદ કરતો હતો."

 આનંદમાં આવીને, ખુરશીમાંથી ઊભાં થઈ તે નટુકાકાને ભેટ્યાં. નટુકાકા પણ ખુશ થઈ ગયાં.

"સાબ, તમારાં ઝેવું તો કોઈ ની મળીયુ. લો ગરમ મહાલેદાર સા"

ઇન્સ્પેક્ટર રાઘવે નટુકાકાને  કસીને આલિંગનમાં લીધાં હતાં. 

"સાબ, હવે તો મીને સોડો."

અચાનક ઇન્સ્પેક્ટર રાઘવે રાડ પાડી. "હરિકાકા"

ચાર-પાંચ પોલીસ આવી ગયાં પરંતુ હવે નટુકાકાએ ઇન્સ્પેક્ટર રાઘવ ઉપર ભીંસ વધારી. રાડ પાડીને બોલ્યાં," મી કેયલુ ને ઝીવતો ની રેહે." તેમણે ઇન્સ્પેક્ટર રાઘવ ઉપર  કટારીથી ઘા કરવાં માંડ્યાં. તો પણ ઇન્સ્પેક્ટર રાઘવે તેમને છોડ્યા જ નહીં.

પૂરી તૈયારી સાથે પોલીસ ટીમે આવીને તરત જ નટુકાકાને જંજીરોમાં જકડી દીધાં.

"બોલવા માંડ" લોહીથી લથબથ ઇન્સ્પેક્ટર રાઘવ ઝનૂનથી બોલ્યાં પરંતુ પડછંદ નટુકાકા બધાંને હંફાવતા હતાં, કશું જ બોલતા ન હતાં.

કસ્ટડી રૂમમાં પૂરેપૂરી રીતે તેમની સરભરા કરવામાં આવી. તેમની ચીસથી આખુંય જંગલ ખળભળી ઊઠયું. આખરે જીભ ખોલી.

"ઝંગલમાંથી ગુમ કરી બોઉ સોકરી વેસી પણ મીનુ હુશિયાર નીકળી. તીએ મારાં  વિહે સાબને કાગળ લખેલો તી  મીના હાથમાં ઝ આવી ઝયો.તેનું કાહળ કાઢવાં હારૂ જ ઊંડા ઝંગલમાં લાયવો'તો. મી ઝ દેવતામાં ઓહડ નાંખલો ને હંધાય હૂઈ ઝીયા. મદને મારી સોકરી પર નઝર ... મારી સોકરી પર!" તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. "તેણે મારી સોકરીનાં લૂગડાં ફાડી ને..." રાક્ષસ જેવાં નટુકાકાની આંખમાં આંસુ આવી ગયા. તે જોરથી થૂંક્યા, "ઈને  મારી નાયખો મીએ ઝ. લાહ ઝંગલમાં ફેંકી. મીનુને ગોળી મારી પણ  માથે  લહરકો કરીને ઝઈ. પસી મોટો પથ્થરો લૈને માથે માયરો. તોય ઈ રા..ઝીવતી સ. તેને હાલ  ઝેર પાઈ ન આયવો સુ. હવ જીવતી ની રેહે. બોલ.."

"રુદ્રદેવ કોણ છે અને ભાલા અને તીર ક્યાંથી આવ્યાં?"

"મીંના નોકરનો સોકરો. ઓસી બુદ્ધિનો.. મી જ તીને પાળી-પોહીને મોટો કરીયો સ.હંધાંય ધંધા તીનાં નામે ઝ. ભાલા ને તીર ને મીનુના હાથમાં પિસ્તોલ..."ઇન્સ્પેક્ટર રાઘવ સામે આંખ વિકરાળ કરી બોલ્યો, "ઊંધો પાડવા."

"વાહ! પણ મુંજાલ ..!"

"માનસીને મુંઝાલ ગમતીલો. લગન લેવા'તા.  મારાં ધંધાની તેને ખબર ની."

"પરંતુ મુંજાલે ગોળી ચલાવી એ હકીકત છે અને માનસીનું ખૂન?"

 "મુંજાલે ચલાવેલી ગોળી  માનસીને લાગી. મુંજાલની પિસ્તોલ તપાસતાં એ ગોળી અને માનસીનાં શરીરમાંથી મળેલી ગોળી એક જ છે. આ રહ્યાં રિપોર્ટસ." ડોક્ટર મયંક રિપોર્ટસ લઈને આવી ચડ્યાં પણ ઇન્સ્પેક્ટર બેભાન થઈ ચૂક્યાં હતાં.

**

ટીવી  પર લાઈવ ન્યુઝ  આવી રહ્યાં હતાં. 

"મર્ડર એટ કેમ્પિંગ સાઈટ"

"બે દિવસ પહેલાં ગીરા નદીને કિનારે આવેલાં ઊંડા જંગલમાં માનસી નામની યુવતીનું ખૂન થયું હતું. પોલીસ તે ખૂનીને શોધવામાં સફળ થઈ છે. જંગલમાં દાણચોરી અને ભોળી આદિવાસી કન્યાઓને ગુમ કરી વેચતો, મીનળ ઉર્ફે મુન્નીબાઈ નામની યુવતીની હત્યા કરનારો, જઘન્ય કૃત્ય કરનારો પકડાઈ ચૂક્યો છે અને હવાલાતની હવા ખાઈ રહ્યો છે. તેઓને આગળ કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ખૂનીઓને  પકડનાર ઝાંબાઝ પોલીસ ઓફિસર આ ખૂની સાથેની ઝપાઝપીમાં શહીદ થઈ ગયાં છે."

"અરે ! લાઈવ ન્યુઝ બંધ કરો જલ્દી. ઝાંબાઝ ઓફિસર ઇન્સ્પેક્ટર રાઘવના શ્વાસ હજી ચાલી રહ્યાં છે. તબિયત સુધારા પર છે."

***









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ