ચીસ
ચીસ
છેલ્લી રાત.
આજે છેલ્લી રાત હતી.
બરફનાં પહાડો વચ્ચે સળગતાં હૃદયની છેલ્લી રાત હતી.
નાનીશી જાનકી હજી અસમંજસમાં હતી.
લાકડાની કોતરણીવાળા પોતાનાં વિશાળ ઘરમાં હજી પણ નાચતી-કુદતી ઝાંઝર ઝમકાવતી હતી. તેનાં માસુમ હૃદયને તો કશોય અણસાર ન હતો.. આ હિજરતનો.
"જાનકી.. જાનકી... " માએ બૂમ પાડી.
તોફાની જાનકી દોડી ગઈ. ઘરની પાછળ.
પાછળ મંદિર હતું. થોડાં વૃક્ષો પણ હતાં. મંદિરમાં મહાદેવજીનું લિંગ વિરાજમાન હતું. ઘરનાં વાડાના થોડાં પગથિયાં ઉતરીએ એટલે ઝેલમનું નીર ખળખળ વહેતું જોવા મળે.
જાનકી થોડીકવાર પીપળાનાં ઝાડ પાછળ સંતાઈ ગઈ. બીજી બૂમ નહીં આવી એટલે નચિંત થઈ. તાંબાના કળશિયામાં ઝેલમનું પવિત્ર નીર ભર્યું અને મહાદેવજીને જલ અભિષેક કર્યો. આંખ બંધ કરી "ઓમ નમઃ શિવાય " નો જાપ કરવા લાગી.
"જાનકી.. જાનકી.." બાબુજીનો અવાજ સાંભળયો. "ક્યાં છે બેટા ! ચાલ જલ્દી.."
મન તો ન હતું માનતું જાનકીનું પણ તે ઊભી થઈ. ફરી ફરી મહાદેવજીને પગે લાગી. આભમાં જોયું. જાણે ફટાકડાં ફૂટતાં હોય તેવું આભમાં કંઈક ફટફટ થતું હતું. ધડાકા થતાં હતાં.
જોરથી એક મોટો ધડાકો થયો. તીવ્ર ચીસો આવી. પીપળાનાં વૃક્ષનાં બધાંય પક્ષી ચીસાચીસ કરી એક સાથે ઉડવા માંડ્યાં.
નાનીશી જાનકી સ્તબ્ધ થઈ ગઈ. 'શું થયું હશે ?'
"જાનકી.. જાનકી.. જલ્દી ચાલ઼.." માએ રડતાં રડતાં બૂમ પાડી.
સ્તબ્ધ જાનકીનું મન વલોવાઈ ઉઠ્યું. 'ક્યાં જવાનું ? કઈ જગ્યાએ જવાનું ? શું પાછાં આવવાનું ? પાછી બધી બહેનપણીઓ મળશે ? ફરી રમવા મળશે ?'
"જાનકી.. જાનકી.." નામની ચીસો આવવાં માંડી. જાનકી ખરેખર ગભરાઈ ગઈ. થરથર ધ્રુજવા લાગી. ઉપર આકાશમાં અગનજ્વાળા ભડકતી હતી. જીવતાં સળગતાં માણસોની ચીચીયારી તેનાં નાજુક હૃદયને ધ્રુજાવી દેતી હતી.
"ચાલ.. ચાલ.. કહું છું જલ્દી ચાલ."માએ આવીને તેને રીતસર ઘસડી.
'મા કેમ આવું કરે છે ? ક્યાં જવાનું છે ?' તે રડવા લાગી. રડતાં રડતાં તેણે જોયું.' માએ કપડાંની પોટલી કમરે બાંધી હતી. ગળે પણ થેલો લબડાવ્યો હતો. માથે પણ પોટલું હતું.'શું હશે ! મા આવું વર્તન કેમ કરતી હશે ! ' ફરી તેનાં નાનાશા મનમાં અનેક પ્રશ્ન ઉઠ્યાં.
ત્યાં તો બાબુજી આવી ચઢ્યાં. તેમણે પણ હાથમાં પોટલું લીધું હતું. રડીરડીને આંખો સૂજી ગઈ હતી. લાલઘૂમ આંખો અને તરડાયેલા અવાજે તે તાડુકી ઉઠ્યાં.
"ચાલો જલ્દી.. નહીં તો આ લોકો જીવતા નહીં છોડે.."
ઘરની બહાર મોટું ટોળું ભેગું થયું હતું. બધીય પાડોશી સ્ત્રીઓ હાથમાં પોટલાં લઈને, બાળકોને હાથ ખેંચીને લઈ જતી હતી. પુરુષો સૌથી પાછળ ચાલતા હતા. તેમનાં હાથમાં પણ પોટલા અને લાકડી જેવું કંઈક હતું અને આંખોમાં..
માથી પણ વધું વહાલી માતૃભૂમિને છોડવાનું દુઃખ હતું. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયાં ત્યારે પછી સ્વતંત્રાના સુંદર, ગુલાબી સ્વપનોથી મન ઝૂમી ઉઠ્યું હતું પણ પછી.. લાચારી હતી. ભય હતો. તેમનાં આંસુ બહાર આવવા મથી રહ્યાં હતાં. ચીસ.. ચીસ પાડીને રડવું હતું. આતંકવાદ, અત્યાચાર સામે માથું ઊંચકવું હતું. પરંતુ..
સળગતાં મકાનોમાં ભુજાતા જીવતાં માણસોની હૃદયદ્રાવક ચીસથી વાતાવરણ વધુ ભયજનક બની ગયું હતું. આ આગની જ્વાળાઓ આકાશને આંબતી હતી અને હૃદયને વીંધી નાખતો ચિત્કાર એકએક હૃદયને ધ્રુજાવી દેતો હતો. બરફના ઉત્તુંગ શિખરો..પહાડો પણ આ ચીસ સહન કરી શકતાં ન હતાં. ધડામ.. ધડામ.. પહાડો ગબડતાં હતાં. ધરતીને મળીને આ વિનાશને રોકવા આતુર થઈ ઉઠ્યાં હતાં. તો ઝેલમનું નીર તોફાને ચડ્યું હતું. તેમાં ઉઠતું તોફાન માત્ર નીરનું જ ન હતું. પરંતુ કાશ્મીરી પંડિતોની આંખમાંથી વહેતાં દર્દના આંસુઓ વહીને નદીમાં ભળતા જ ભયાનક તોફાને ચડ્યું હતું.
મા, બાબુજીનો હાથ પકડી ધ્રુજતી જાનકી ચાલવા લાગી.
અચાનક કંઈક યાદ આવ્યું. તેણે માનો હાથ છોડાવ્યો. દોડી. ભાગી. હાંફતી હાંફતી ઘરમાં આવી અને ઢીંગલી શોધવાં માંડી.
"ઢીંગલી.. ઢીંગલી.." કરતી તેણે માએ ગળામાં પહેરાવેલી, થોડાંક ઘરેણા, પૈસા અને ખાવાનાની પોટલી પણ ફેંકી દીધી. અચાનક તેણે જોયું. ઢીંગલી તો આરામથી નાનકડાં ઝૂલામાં સુતી હતી. તેણે ઢીંગલીને તેડી લીધી. સાથે તેનાં અવનવાં સુંદર કપડાં પણ લઈને મા-બાબુજી પાસે જવા દોડવા માંડી.
ઝડપથી દોડી. તેનાં નાનાશા પગ ઝાંઝરી ઝમકાવતા, ઉછળકૂદ કરતાં દોડવા માંડ્યાં. ઢીંગલી મળ્યાનો ઉત્સાહ તેની રગેરગમાં વ્યાપી ગયો હતો.
"જાનકી.. જાનકી.." કરતી મા અંદર આવી. એજ ટાણે એક સળગતી મશાલ ઘર પર પડી. લાકડાનાં ઘરે તરત જ આગ પકડી લીધી અને જાનકીની મા..
જતી વેળાએ બાબુજીએ પાછું જોયું. જાનકીની મા ઉપર સળગતું લાકડું..તેનો ભુજાતો દેહ જોઈને સ્તબ્ધ થઈ ગયા. સ્થિર થઈ ગયા. ત્યાં તો નાનકડી જાનકી હાથમાં ઢીંગલીને લઈને બહાર આવી અને તે સાથે જ તેનાં માથા ઉપર પણ સળગતું લાકડું ..
"જાનકી..."શબ્દ ચીસ બનીને બહાર આવે તે પહેલાં જ તેમનાં ગળામાં ગૂંગળાઈ ગયો. આંખો જાણે ફાટી ગઈ. ન મૃત્યુ પામ્યા, ન બેભાન થયા પણ જડ બનીને ઘુટણીયે બેસી પડ્યા. જીવતી લાશ જેવા.
ટોળામાં દોડતા શંભુરાયે જતાં જતાં પાછું વળીને જોયું. શિવાનંદ એટલે કે જાનકીના બાબુજીના જડ થયેલાં શરીરને જોયું અને પાછા આવ્યા.
" શિવાનંદજી.. શિવાનંદજી.. મહાદેવજીએ તમારી લાજ રાખી. જાનકી અને ભાભીજીને તેમની પાસે બોલાવી લીધાં પણ મારે તો મારી દીકરી અને વહુને પેલાં લોકો ઉઠાવી ગયાં. શું થશે તેઓનું... મારી વહુ તો બેજીવવાળી છે." શંભુરાય બે હાથથી પોતાની છાતી પર મુક્કા મારવા માંડ્યા. તેમનાં એકએક શબ્દ વેદનાથી ટપકતાં લોહીમાં ભીંજાઈને તરફડતા હતાં.તેમને ચીસ પાડીને રડવું હતું પરંતુ ગળામાં ગુંગળાઇ ગયેલી ચીસ..
