પ્રથમ મુલાકાત
ભયંકર ગરમીથી ત્રસ્ત થયેલા મણીબેન પંખો ચાલુ કરીને સોફા પર બેસે છે. ત્યાં વીજ પુરવઠો ઠપ્પ થઈ જાય છે. એટલામાં વાદળોનો ગડગડાટ થવા લાગે છે. વીજળીના ચમકારા સાથે આભ ધરા પર વરસી પડે છે. પ્રથમ વરસાદથી ભીંજાયેલી માટીની મહેકથી મણીબહેન ભૂતકાળમાં સરી પડે છે. મારી અને એમની પ્રથમ મુલાકાત સમયે આવું જ વાતાવરણ હતું. આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે છે ત્યાં તેમના પતિની છબી પરનો સુખડનો હાર નીચે પડે છે અને મણીબહેન કહેવા લાગે છે, " થોભી જજો આ વરસાદી વાતાવરણ આપણે બંને સાથે માણીશું" એટલું બોલતાં જ સોફા પર ફસડાઈ પડે છે.
અલ્પા નિર્મળ "અમી"
