વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કરૂણા

 આઈસ્ક્રીમ સ્પર્ધા 2025

કરૂણા 

અંધારી રાત્રે આકાશમાં ઝબૂકતાં તારલીયાં અને અફાટ સમુદ્રનાં ખારાં નીર વચ્ચે જાણે મૈત્રી જામી હોય તેમ સમુદ્રનાં નીર ક્યારેક ધીમે તો ક્યારેક  ઘૂઘવાટ કરતાં વાતો કરી રહ્યાં હતાં. ઝબૂક..ઝબૂક થતાં તારલીયા પણ સમુદ્રનું સાનિધ્ય ઝંખતા હોય તેમ આભલેથી થોડું હેઠે આવવાં પ્રયત્ન કરી રહ્યાં હતાં.

આ ઘૂઘવતાં દરિયાકિનારે, માછીમારની વસ્તીમાં એક નાનાં અમથાં માટીનાં ઝૂંપડામાં રડારોળ ચાલી રહી હતી. એ ઝૂંપડી ધમાની. આ ધમાની વહુ કમળીને છેલ્લાં દહાડા જતા હતા અને આજે એકદમ વીણ ઉપડી હતી.

મધરાતે તો નાનું અમથું ઝૂંપડું હર્ષોલ્લાસથી ઉભરાઈ ગયું. "ઉંવા..ઉંવા.." કરતું તાજું જન્મેલું બાળક લઈને દાયણ આવી અને ધમાને કીધું, "લે ધમા, ટારા ઘેર ટો લછમીજી  આયીવા." ધમાની રગેરગમાં આનંદ છવાઈ ગયો. તેને બે દીકરાં તો હતાં પણ એક દીકરીની આશા હતી અને ભગવાને પરિપૂર્ણ કરી. દીકરીનું "ઉંવા..ઉંવા.." નું  રુદન ધમાને કંઈક અલગ લાગતું હતું. 'હુ પોયરી સ એટલે.. એટલે આટલું મીઠ્ઠું લાગટું  ઓહે!' દીકરીનું રુદન તો ધમાનાં આત્માને સ્પર્શવા લાગ્યું. તેણે બે હાથ પહોળાં કર્યા, "રે..માડી.. આવડી ઝરાક અમઠી  ઝૂંપડીમાં આવડો મોટો વહાલનો દરિયો!' તેણે છાતી સરસી ચાંપી દીધી. 

ધમાની વહુ કમળી તો ઘડીક ધમા સામે જોઈ, વ્યંગમાં બોલી, "બબ્બે ડીકરાં આયવા પન કમ આવો વાલો નહોટો કર્યો!"

ધમો હસી પડ્યો પરંતુ સાચે જ એ વિચારવાં લાગ્યો કે 'ડીકરીનાં આગમનથી મનમાં કંઈક  ઝુડુ લાયગાં કર સ. હુ ઓહે આ! ડરિયાડેવ કર ટે ખરું.'

 સવારે તે ઉઠ્યો. ખભે માછલીની જાળ નાંખી, કાંટો તૈયાર કર્યો પણ હાથ ધ્રુજવા લાગ્યાં.

"બાપુ, બોઉ ભૂખ લાગી સ" કે'તો નાનકો મરઘીનું નાનું બચ્ચું લઈ આવ્યો. નાનું બચ્ચું આક્રંદ કરતું હતું. નાનાં અમથાં મરઘીનાં બચ્ચાનું આક્રંદ સાંભળી ધમાનું મગજ ફાટવા લાગ્યું. ઘડીકવાર પહેલાનું દીકરીનું રુદન યાદ આવી ગયું. હાથમાં લીધેલો છરો પડી ગયો. 'ના.. ના.‌ મી આને ની મારી હકા.'

"અલ્યાં નાનકા, ઈને ઈની મા પાહે સોડી આવ. હાભળે સ!" 

બે નહીં, છ આંખો અચરજથી ધમાને નિહાળી રહી હતી. 'એક ઘાએ મરઘીનાં બે કટકા કરનારાં ધમાને આઝ હુ થ્યું સ!'

કમળીએ ઠાલાં  ઠોક્યાં. "ખાહો હુ  ને આ ભૂખ્યાં ડાંહ ઝેવાં પોયરાઓને ખવડાવવો હુ!" તેણે ગુસ્સો કર્યો.  બાળકોની ભૂખથી લાચાર આંખો કમળીથી સહન ન થઈ. તેનીય આંતરડી કકળવા લાગી.

"નથ માસલી લેવાં ઝટા, નથ મરઘી મારવા ડેટા. આવ હાધુવેડા આપન માસીમાર ઝાટને ની પાલવે. હમજ્યાં! આ સોકરાઓના ડાચાં ઝુઓ. ભૂખથી ટળવળ થ્ય સ." 

"મી હુ કરું! મન આવ કમ થાય સ! આ લોહી ક માસલીનો ટરફડાટ સહન નથ થટો. રે..માડી..સહન નથ થટો."

સવારમાં જ પાડોશી દીકરીનું મોં જોવાં આવ્યાં અને થાળી ભરીને માછલીનું શાક અને મરઘી બનાવીને લાવ્યાં. કમળી અને નાનાં બાળકોની આંખો તો જોઈને જ ધરાઈ ગઈ પણ.. ધમો!

ઉલટી-ઉબકા કરતો બહાર નીકળ્યો. ફરી-ફરી મગજ ફાટવા લાગ્યું. દીકરીનાં રુદનની સાથોસાથ મરઘી અને માછલાનું રુદન તેનાં અંતરઆત્માને છિન્નભિન્ન કરવાં લાગ્યું. થાળીમાં સજેલી માછલી જોઈને તેને 'પોતાની બાળકી તેલમાં તરફડતી લાગી અને મરઘી જોઈને એવું લાગતું હતું કે બાળકીનાં બે કટકા કરી તેનો...'

સહન નહીં થયું તેનાથી. તે બહાર નીકળી ગયો. આંસુ વહાવવા લાગ્યો, 'રે..માડી, મન હુ  થય સ. આઝ હુધી આખીય ઝિદગી આઝ કયરું સ ને હવ મન એકડમ અનગમો, ઘૃના કમ થય સ!' ઝડપથી ઘરે આવ્યો અને  થાળી બહાર ફેંકવા જાય તો ત્યાં તો કમળી બોલી ઉઠી, " રોટલા-હાક ખવડાવવાં હય ટો લઈન આવો. પસ ઈને બહાર ફેંકજો."  પાડોશી સામે જોઈને બોલી, "આ નાનકાનાં બાપુને હુ  થય સ! કોન ઝાને આ ડીકરીનાં ઝનમ પસ ટો હાવ બડલાઈ ગયાં સ. ઝાને કાંથી કરુનાનો ધોધ લઈને આવી સ આ કાલમુખી!" 

"કરુણાનો ધોધ"  શબ્દ સાંભળતાં જ ધમાનું મન પ્રફુલિત થઈ ઉઠ્યું. "મારી ડીકરીનું નામ આઝથી કરુના! ઈના આગમને ટો મારાં હૃદયમાં કરુના ઝગાડ દીધ. મૂંગા ઝીવ હારુ કરુના. મૂંગા ઝીવ હારુ સહાનુભૂટિ. ઈમને ય દુઃખ થાય સ ટેવી લાગની મારામાં ઝનમી. કમળી, ટારી વાટ હાવ હાસી. આ પોયરીએ ટો કરુના ઝનમાવી મારાં અંટરમાં. ઈને ટો હવે કરુના ઝ કહવાની." કહેતાં તેણે માસુમ નાની બાળકીને હૈયે લગાડી. 

" હારું. ટો ખાહો હુ ન ખવડાવહો હુ! આ પોયરા ભૂખ્યાં સ. ઝોયા. ભૂખથી ટળવડટી આંખો લાસારી ટપકાવે સ." 

"એક દિ  ભૂખ્યા રેહે ટો મરી ની ઝાય. મી અબઘડી રોટલા-હાકની વ્યવસ્થા કર સ." ધમો નીકળી ગયો. 

દરરોજની માફક પગ આપોઆપ મચ્છીબજાર તરફ વળી ગયાં. માછલાંની પ્રસરેલી ગંધથી ફરી ધમો વ્યાકુળ થઈ ગયો. તે બહાર નીકળવાં જતો હતો અને વેપારીએ રોક્યો.

" ધમા, આઝ ખાલી હાથ ક્યમ!  ટુ  ટો હારામાં હારી માસલી લાવે સ ન! ઝલ્ડી લાવ. આઝે ટો બઉ હારો દાડો  ઉયગો સ. ઊંસા ભાવે માસલી ખરીડાય સ. ઝો ટો બાર. મોટાં મોટાં હેઠીયા ગાડીયું લઈને લેવા આયવા સ."

ધમાને કહેવાનું મન થયું. 'હવ આ માસલી નથ્  પકડવી. ઈના ટરફડાટથી મારું હૈયું નીસોવાઈ ઝાય સ. બોઉ દુઃખ થય સ..' પણ તે બોલ્યાં વગર બહાર નીકળતો હતો અને તેનો ભાઈબંધ, તેનાં હાથમાં  માછલી પકડાવતા બોલી ઉઠ્યો,

"ધમા, ઈમને ઈમ કાં ઝાંય સ. આ ઘેર લેટો ઝા. ટારી વઉ ન પોયરાઓને ખવડાવઝે. કાલ ઝ હુવાવડ થઈ સ. ઝો ટો, આઝ ડરિયાડેવે કેવી મોટી માસલી દીધ સ. ટુ લેટો ઝા." તેણે ધમાનાં હાથમાં મોટી માછલી પધરાવી. ખૂબ સુંદર ગુલાબી અને વાદળી ઝાંયવાળી. ગળે સોનેરી ભાત. આંખ તો જાણે આરપાર દેખાય એવી. 'ઓહ!..માડી રે.. આ ટો કરુણા સ. મારી વાલી પોયરી.' કરતાં તેણે અંગે લગાડી. ભાઈબંધ ખુશ થઈ ગયો.

 "ગમીને અલ્યાં." તેણે ધમાની પીઠ પર ધબ્બો માર્યો. ધબ્બો ખમતાં જ ધમો આ દુનિયામાં આવી ગયો. તેનાં હાથ ધ્રુજવા લાગ્યાં. તેને એવું લાગ્યું કે 'તેનાં હાથમાં  મડદું હતું. માછલીનું નહીં.. કરુણાનું. ' માછલી હાથમાંથી નીચે નાંખી, મોટી પોક મુકતો બહાર નીકળી ગયો‌.  રડવા માંડ્યો. અનરાધાર આંસુઓની વર્ષા તેની આંખમાંથી વહી રહી હતી. "અરરર..માડી! આઝ હુધ કેટલીય પોયરીઓ.. કરુનાની મી હટ્યા કરી સ!" 

દરિયાનો ઘૂઘવતો  અવાજ તેનાં મનમાં પડઘાવા લાગ્યો. જાણે સાદ પાડવાં લાગ્યો. "જાગ" 

ક્યારે સૂરજ માથે આવ્યો તેને ભાન જ ના રહ્યું. તેનાં ઉદરમાં ય ભૂખ વતાવવા લાગી. રોટલાનો લોટ અને શાકભાજી લઈ તે ઘરે આવ્યો. કાચી સુવાવડી કમળી ધણીનું મન પારખી ગઈ. કશુંય બોલ્યાં વગર રોટલા  ઘડી દીધાં.  મસાલાદાર શાક બનાવ્યું. નાની અમથી  ઝૂંપડીમાં  રોટલા અને મઘમઘતાં શાકની સુવાસ ફેલાઈ ગઈ. બાળકોએ પ્રશ્નાર્થ ભરી આંખે મા સામે જોયું.

" હવથી આ ઝ ખાવાનું સ. હમજ્યા!"

કરુણાને ખોળે લઈ થોડી વહાલથી ચૂમી ભરી ધમો બોલી ઉઠ્યો. " મારાં આટ્માને નવો મારગ બટાવવા બડલ ટારો આભાર મારી ડીકરી."

જમીને તરત તે કામે નીકળી ગયો. 'હવથી માસલા ની પકડુ. બંધ.બસ! મહેનટ કરવી સ.' તે લાકડા કાપી હોડી બનાવવા લાગી ગયો. સમય મળે તો દૂર દૂર ગામડામાં ખેતરોમાં મજૂરી કરવાં લાગ્યો. 

કમાનાર એક અને ખાનાર ચાર! આછીપાતળી મજૂરીમાં શું પેટ ભરાતું હશે! તે પણ ચાર જણાનું!

ધમાનાં પાડોશીઓ હસતાં પણ ખરાં."અલા, ધમો ટો ભગટ માણહ થય ગય સ.. પણ ખાહે હુ! ટે  ટો ભૂખ્યો રેહે પન પોયરા હુ ખાહે. ટેમાંય પેલું નાનું અમથું પોયરુ! " બધાંએ કંઈકને કંઈક આપી જવાની તત્પરતા બતાવી પણ ધમાનું આખુંય ઘર હવે શુદ્ધ શાકાહારી.

તેમાં વળી એક મેઘલી રાતે મેઘલો ભરપૂર થયો. ખૂબ વરસ્યો. અનરાધાર વરસ્યો. કાળા ઘનઘોર વાદળે તો સૂરજદાદાને પણ સંતાડી દીધાં. દરિયો ઉન્માદી બની ગયો. તેનાં મોજાં તો એ ઉછળે.. જાણે આભને આંબે! આ ઉન્માદમાં દરિયાદેવે હદ તોડી. કિનારો તોડી વસ્તીમાં આવી ગયાં. માછીમારોની માટીનાં ઝૂંપડાં પાણીમાં વહી ગયાં. કેટલાંય જીવતાં-જાગતાં  માણસ, પશું, પંખી.. બધાંને દરિયો ગળી ગયો.  બે દહાડે પાણી ઉતરતાં જ વિનાશક દ્રશ્યો દેખાવા લાગ્યાં. ઠેર ઠેર રઝળતાં પશું અને માનવદેહના ફુગાયેલાં શબ. પૂરનાં પાણીથી બચી ગયેલી ઘરવખરી અને તેની સાથે બચેલા માણસો. 

રાત્રે સ્મશાનવત્ છવાયેલાં ભેંકાર સન્નાટામાં આજુબાજુનાં ગામનાં શિકારી કુતરાં, રઝળતાં દેહને ચીરવા આવી ચડ્યાં. તેમણે ગજાવેલી ચીસોથી તો બચી ગયેલાં માણસોનાં હૈયાં હચમચી ઉઠ્યાં. ઉપરથી ગીધડા અને નીચે ભૂખ્યાં વરુ જેવાં શિકારી કુતરાં. 

થાંભલે વળગીને બેઠેલો ધમો અને છાતીએ બાંધેલી કરૂણા ધ્રુજતાં હતાં. ભીના ભીના અને ઠંડીથી ઠીકરાઈ ગયાં હતાં. વરસાદનું પાણી પીને  જીવી ગયેલાં બેઉ જણા આમ તો અધમૂવા જ થઈ ગયાં હતાં. ધમાનું  કુટુંબ તણાઈ ગયું હતું સિવાય કે નાની અમથી કરુણા. 

ધમો અને થોડાં બચેલા માણસોએ ધીરે ધીરે થોડાં મડદાને અગ્નિદાહ આપ્યો. સેવાભાવી સંસ્થાઓ આવી અને ઘરવખરીની મદદ કરી ગઈ‌. વળી તે રાત્રે પાડોશમાં રહેતાં અને બચી ગયેલાં રમેશે થોડી માછલી પકડી અને રાંધી પણ ધમો તો ભૂખ્યો જ રહ્યો.

એક તરફ મૂંગા, અબોલ પશુઓનાં  સડતા મૃતદેહ અને બીજી બાજું મૃત માનવદેહ સડીને ગંધાતા.. બધાંનો ખડકલો કરી અગ્નિદાહ આપતી  વખતે ધમલાને અરેરાટી થઈ આવી. 'હુ પહુદેહ ને માણહદેહ એક ઝ હરખા! ટો આ માણહ બીઝાને આટલો કમ પીડટો અહે! મરઘા, બટકા, બકરાં, માસલા, ભૂંડડા.. ન મારીન કમ ખાટો અહે! હુ ટેને દુઃખ ની થટુ અહે! ભગવાને ખાવાં હારૂ ધાન ડીધાં સ ટે ઓસા પડટા અહે કે ઝીભડીનો સટાકો..! આ મૂંગા પહુઓ મરટી  વખટે રડે, પીડાય, વલખાં મારે..ટે આ માણહથી કમનું ઝોવાટું અહે! હુ માણહ, માણહ મટીને પથરો બની ગ્યો અહે! મરેલાં પહુઓ ટો ઝમીનમાં ડટાય પન આ ઝીવટાં માણહ ટો પહુને મારીન ખાય ટે કબર ઝેવાં પેટ થઈ ગ્યાં અહે! રે..માડી..આ માણહે ટો હાહાકાર મસાવ્યો સ. હે ડરિયાડેવ કંઈ કરને..આમ હુ ઝોયા કર સ! આ ઝીવટાં પન પથ્થર ઝેવાં માણહમાં થોડીક કરુના આપને.!'

'કરુણા' શબ્દ યાદ આવતાં જ તેને દીકરી યાદ આવી ગઈ. થોડે દૂર નીકળી ગયેલો ધમો દોડતો દોડતો દીકરી પાસે ગયો. જુવે તો દીકરી ઠંડીગાર. 

"રે..માડી. આ હુ થ્યું! મારામાં કરુના ઝગાડનાર મારી કરુનાને ઝ ટે ટારી પાહે લઈ લીધ. ટને શરમ ની આવી‌. હવ મી કોનાં હારૂ ઝીવા! " ધમો છાતી  ફૂટતો, પોક મૂકીને રડવા લાગ્યો. તેને સાંત્વના આપનાર પણ કોણ હતું! ઉન્માદથી ભાન  ભૂલેલો દરિયો  ઘણુંખરું બધાંને જ ગળી ગયો હતો. જે બચ્યાં હતાં તેની હાલત ધમા જેવી જ હતી. 

 રાત્રે ફરી ભયંકર સન્નાટો છવાયો. ઘુઘવતાં દરિયાનો અવાજ અને કડકડતી ઠંડીનો ચમકારો, વિનાશમાંથી બચેલાં જીવો ઉપર કુહાડીનો ઘા કરવાં માંડ્યાં. તેઓ પોતાનું અસ્તિત્વ  બચાવવાં માટે  તરફડિયાં મારવાં લાગ્યાં. 

ધમાનાં ખોળામાં નિર્જીવ લાકડું બની ગયેલી તેની વહાલી દિકરી કરુણાનો મૃતદેહ પડ્યો હતો. તે વિસ્ફારિત નેત્રે કરુણાને જોઈ જ રહ્યો હતો  ત્યાં શિકારી કુતરાં એકદમ નજીક આવી ચઢ્યાં. એક ઝાટકે કરુણાને મોઢામાં ઝાલી દોડવા માંડ્યાં. ધમાએ  ચીસાચીસ કરી પરંતુ બીજાં શિકારી કુતરાએ ધમા ઉપર તરાપ મારવા કૂદકો માર્યો. તે જ વખતે ધમાને પોતાની આંખ સામે મૃત્યુ નહીં પણ 'પોતે મારી નાંખેલા માછલાં અને મરઘાં નૃત્ય કરતાં દેખાયાં.' લાચાર ધમાને પોતે કરેલી જીવહત્યાઓ યાદ આવી ગઈ.  'રે.. માડી. રે.. ડરિયાડેવ, મારાં કરમની હજા મળી પન આ રીટે! મી  બીઝાનાં પોયરાઓને મારીયા ને ટે મારાં પોયરાઓને. પેટનાં પોયરાઓ મરવાથી હુ દુઃખ  થ્ય સ તે આઝ ખબર પડી.' 

ધમો કાઠો થયો. કંઈક વિચાર કર્યો અને પથ્થર બની ગયેલાં માણસોમાં કરુણાની અહાલેક જગાડવાં  નીકળી પડ્યો.

*****



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ