વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઈશ્વર ઈચ્છા સર્વોપરી

અચાનક નીંદર ઊડી ગઈ.. ગોરબાપાની. 

પરસેવે રેબઝેબ ગોરબાપા ઉપર ચાલતા પંખાને જોઈ રહ્યા. ખટ.‌.ખટ.. ખટ.. અવાજ સાથે પાંખિયા એકબીજાને પકડવા નિરર્થક પ્રયાસ કરી રહ્યાં હતાં. વાતાવરણમાં શીતળતા ફેલાવવા પ્રયાસ કરી રહ્યાં હતાં પરંતુ...

પડખું ફરીને ઊભા થયા ગોરબાપા. ઝભ્ભો આખોય ભીનો અને ઝભ્ભામાં સંતાયેલું હૃદય ધક.‌. ધક.‌. ધક.. આયખાના  દહાડા પુરા કરવા દોડી રહ્યું હતું.

ચોટલી પર તેમનો હાથ ગયો અને તેને છોડી ફરી વાળી. પાસે પડેલા ગમછાથી મોઢું લુછ્યું. હજીય બંધ ઓરડાની ઉષ્ણતા તેમને અકળાવી રહી હતી.

ધીરે રહીને બારણું ખોલ્યું. વાડામાં આવેલ વિશાળ લીમડાનાં વૃક્ષ પર નજર નાખી. ફર..ફર. પાંદડા હાલી રહ્યાં હતાં. ડાળીઓ ઝૂકી ઝૂકીને તેમને બોલાવી રહી હતી. જાણે કહેતી હોય.." ગોરબાપા.. ઘડીક આવોને. થોડી વાતો કરીએ." 

આથમતાં સૂરજનાં ઝળહળ તેજવાળા ગોરબાપા, લીમડા હેઠે ચણેલા ઓટલે બેઠા. 'હાશ ! કંઇક ઠંડક થઈ.' તેમની નજર અચાનક આકાશમાં પડી. ચંદ્રમાં આજે સોળે કળાએ ખીલ્યાં હતાં. તેમની તેજોમય ચાંદની એક અનોખી ટાઢક વરસાવી રહી હતી. 

'આજે ..આજે પૂનમ. ના..ના.. પૂનમ તો ખરી જ.. પણ આજે તો શરદ પૂનમ. શરદ પૂનમની રઢિયાળી રાત.' વિચારતા ગોરબાપા સ્વગત બોલી ઉઠ્યા, 'મૃદુલા ગોરાણી, તમને વળાવ્યાને તો વર્ષો થઈ ગયાં.' જાણે વર્ષોનું સરવૈયું કાઢતાં હોય તેમ ચંદ્રમાં સામે જોયું. 'ગોરાણી, તે રાત્રે.. તે રાત્રે આમ જ..આમ જ બેઠાં હતાં. લીમડા તળે ઠંડી હવા ખાતાં..

***

"હુ છે ! આમ અડધી રાતે ! ઘરડાં થયાં તોય હખણા નથી રહેતાં." જોરદાર ધબ્બો મારતાં ગોરાણી બોલી ઉઠ્યાં.

"ઓહ..! ગોરાણી, આ કપડાં ધોકાવી ધોકાવીને તમારાં હાથ પણ ધોકા જેવાં થઈ ગયાં છે. વાગે છે." 

"ઓહો ને કંઈ..!  દહ દહ લાડું ઝાપટી જાઓ છો તો આ ધબ્બો ખમવાની ય.."

"ગોરાણી મુદ્દાની વાત. છોકરો સારો છે. વીણાફોઈના  દીકરાની દીકરીનો દિયર. મારું બેટું.. બહુ લાંબુ સગુ હો.!" 

"હા અને એ છોકરો.." 

"એ છોકરો ઉજળો, દેખાવડો છે. ભણે છે.આપણાં ગોળનો છે."

"ખબર છે મને.. પણ છોડીઓ કહેતી હતી. કોઈ હીરો જેકી કે જેકો..કોણ જાણે એવો લાગે છે પણ.."


"આપણી આત્મજા માટે.."

"આવાં અઘરાં શબ્દો કથામાં કહેવાના સમજ્યા !  આપણી છોડીને એ છોકરો દીઠોયે નથી ગમતો. એની હારે જ કોલેજમાં ભણે છે."

"એમ..! મને આ વાતની ખબર ન હતી."

"તો હવે જાણો. રૂપા કહેતી હતી હતી, એ ગાંડીયો આંખો ફાડી ફાડીને જોયા કરે છે‌. ટોટડીયો છે બાઘો.."

"ટોટડીયો એટલે ? ગોરાણી સોપારી ખાઈ ખાઈને  તમારી જીભે હવે શબ્દો અપભ્રંશ થવાં માંડ્યા છે. ટોટડીયો નહીં તોતડીયો..તોતડો..મૃદુલા બરાબર બોલો."

"અત્યારે કથા કરવાની છે !"  ગોરાણીએ જોરથી ધબ્બો માર્યો." ના કહી દેજો. છોકરો નથી ગમતો." 

'હાશ ! બહુ સારું થયું. તેની કુંડળીમાં  કાળસર્પયોગ છે. ભવિષ્યમાં સંતાન પ્રાપ્તિના સુખમાં વિઘ્ન આવે એવું છે."

"લો. એટલી વારમાં કુંડળી ખોલીને બેસી ગયાં ! પોથીને ઉઘાડો છો શા માટે ? " ગોરાણીએ ધબ્બો મારવા માટે હાથ ઉગામ્યો. 

"મૃદુલા,  કંઈક મૃદુ બનો." 

"સારું. હવે મને ઊંઘ આવે છે. હું જાઉં." 

 મૃદુલા ગોરાણી ઉઠ્યાં પણ ગોરબાપાએ હાથ પકડી લીધો." બેસો ઘડીક." ગોરબાપાની આંખોમાં જાણે કળી ન શકાય તેવું દર્દ હતું.

"શું થયું તમને ?"

"ગોરાણી.. ગોરાણી."

"લાજ રાખો હવે. કોઈ જોશે તો શું કહેશે ?" 

ગોરાણી ચાલ્યાં ગયાં પણ ગોરબાપાના મનમાં એક અજીબ અજંપો છોડતાં ગયાં. તેમનું મન, હૃદય, આંખો બધુંય ગોરાણી માટે તરફડવા લાગ્યું.એકદમ..

તે સવારે બધાં ઉઠ્યાં..પણ ગોરાણી ના ઉઠ્યાં.

***

વહી ગયેલી વાતોને વાગોળતા ગોરબાપાની આંખમાં આંસુ આવી ગયા.ગમછાથી ભીની ભીની આંખો લુછતા ઉપર જોયું. ચંદ્રમા જાણે  મૃદુલા ગોરાણી હોય તેમ તેને ઉદ્દેશીને બોલવા લાગ્યા. સ્વગત...

"ગોરાણી, કોણ જાણે કેમ ! તમને વળાવ્યા  પછી આપણી રૂપલીના માંગા આવતાં બંધ થઈ ગયાં. એ ખૂબ ભણી. બી.એ. કર્યું. એમ.એ. કર્યું. ખૂબ ભણી પણ ન્યાતમાંથી એકેય માંગુ ના આવ્યું. તેનાં લગ્નની ઉંમર હવે થઈ ગઈ હતી. અરે  ! પછી તો બીજવરના માંગા આવવા માંડ્યા. બહું ખરાબ દહાડા ગયાં ગોરાણી.. પરણવા લાયક યુવાન છોકરી કુંવારી ઘરે બેઠી હોય.. એ વાતથી જ હૃદય ફાટતું હતું. તે દિવસે..તો.. ન ધારેલું થયું.  તે દિવસે ફરી તમારાં પેલા ટોટડીયાનું  માંગુ આવ્યું. હું બધું જાણતો હોવા છતાં કશું ન કરી શકયો. કઈ રીતે કહું ગોરાણી઼ ! મારી દીકરીને મેં અંધારા કુવામાં મારા હાથે જ ધકેલી દીધી. લગ્ન રોકવાનાં મારા લાખ પ્રયત્નો છતાં લગ્ન એ ટોટડીયા  સાથે જ થયાં. ગોરાણી, મારું હૃદય ફાટફાટ થતું હતું. હું બધુ જાણવા છતાં પણ મારી દીકરીને દુઃખના દરિયામાં નાંખી રહ્યો હતો અને તેમ છતાં હું કશું કરી શકું તેમ ન હતો.. ઈશ્વર ઈચ્છા સર્વોપરી ગોરાણી. શું કહું તમને ! જમાઈની કુંડળીનો કાળસર્પયોગ દરરોજ રાત્રે મને સાપની જેમ  ફેણ કાઢીને ડંખ દેતો હતો પણ આજે ફોન આવ્યો કે 'બાપા, મને સારાં દહાડા રહ્યાં છે. ડોક્ટર પાસે ચેકઅપ કરાવવાં જાઉં છું.' ગોરાણી, હું બહુ ખુશ છું આજે. જ્યોતિષી અંગેની ટીપ્પણી મારી ખોટી પડી. તો પણ બહુ ખુશ છું. મારા જ્યોતિષના ઊંડા  જ્ઞાન પાસે પ્રભુની ઈચ્છા જ જીતી ગઈ.. ગોરાણી ખરેખર ઈશ્વર ઈચ્છા જ સર્વોપરી." 

ચંદ્રમા સાથે મન હળવું કરતાં..ઠંડી હવાની લહેરો માણતાં ગોરબાપા ઓટલે જ સુઈ ગયા. પ્રાતઃ આંખ ખૂલી. આંખો ખોલીને જોયું તો સુરજદાદાની સવારી આવું આવું કરતી હતી. પ્રભાતે ખીલેલા રંગો જોઈને દીકરીનાં શુભ સમાચાર યાદ આવી ગયાં. તેમનું હૃદય પણ રંગબેરંગી આશાની કિરણોથી ખીલી ઉઠ્યું. 

"ઈશ્વર ઈચ્છા સર્વોપરી.." કહેતા આનંદમાં ઉઠ્યા. સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ પૂજામાં બેઠા. કંઈક યાદ આવ્યું. હરી સ્મરણ કરતા ફરી ઊભા થયા. રસોડામાં જઈને મઘમઘતી, ઘીગોળથી લસલસતી સુખડી બનાવી. આજે કંઈક કેટલાય ઉમંગથી પૂજા કરી, સુખડી ધરાવી.

 અચાનક ઝાપો ખખડ્યો. 'કોણ હશે ?' મનમાં પ્રશ્ન થયો. 'હશે. કોઈ જોશ બતાવવા આવ્યું હશે. થોડીક વાર બેસશે.' બે હાથ જોડી આંખ બંધ કરી ગોરબાપા ફરી હરી સ્મરણમાં લીન થઈ ગયા. 

આગંતુક વ્યક્તિ ઘરનું બારણું ખોલીને ઝડપથી અંદર આવી.

ગોરબાપાના હૈયે ન કળાય એવો ધ્રાસકો  પડ્યો. 'કોણ હશે ?' વિચારતા ભગવાનને પગે લાગીને ઊભા થઈ ગયા. હાથમાં સુખડીની તાસક લઈને બહાર આવતા જ હતા અને તેમની દીકરી "બાપા.." કહેતા ધસી આવી. બાપાને વળગી પડી. 

"મારી દીકરી..આ તો હર્ષના આંસુ.. બેટા જો. તારી માની તસવીર. કેટલી ખુશ છે ! લે. આ સુખડી. મોઢું મીઠું કર." પણ દીકરી રૂપા તો બાપાની વિશાળ છાતીમાં વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવાં માંડી. દીકરીને માથે હાથ ફેરવતા ગોરબાપા વિચારવા લાગ્યા, 'આ આંસુ હર્ષના નથી.' દીકરીનું મોઢું ઊંચું કર્યું. દીકરીની લાલ આંખો રડી રડીને સુઝી ગઈ હતી. તેનાં હરેક આંસુ વેદના ટપકાવતાં હતાં. 

ગોરબાપાનું હૃદય સખત આંચકો ખાઈ ગયુ. છાતીમાં ભીંસ વધવા લાગી.

"શું થયું રૂપા.. કહે મને." 

રડતાં રડતાં રૂપા બોલી ઉઠી,"બાપા, નાળમાં ગર્ભ રહ્યો હતો.. તેથી... અને હવે હું ક્યારેય મા નહીં .."

ફરી રડવાં લાગી. 

થોડીકવાર તો ગોરબાપાની આંખો સ્થિર થઈ ગઈ. તેમનાં હૃદયે આંચકો ખમી લીધો.  કંઈક સ્વસ્થ થયા. દીકરીનું મન હળવું થવાં દીધું. તેને રડવા દીધી. પછી તેનું મોઢું હાથમાં લઇ બોલ્યા," રૂપા, સ્ત્રી જ્યારે જન્મે છે ને ત્યારે જ માનું હૃદય લઈને જન્મે છે.  સ્ત્રી માત્ર પોતાનાં ગર્ભમાં બાળકને ઉછેરીને મા નથી બનતી પણ નાની હોય ત્યારે ઢીંગલા ઢીંગલીને માતૃપ્રેમ આપે છે પછી નાના ભાઈ બહેનોને. મોટી થતાં મા જેવી જ કાળજી લે છે.. મા-બાપની, સાસરે સાસુ-સસરાની નણંદ-દિયરની.પતિની... અને અંતે પોતાના બાળકોની. અરે ! વૃદ્ધ થાય ત્યાર પછી પણ પોતાનાં પૌત્ર-પૌત્રીને દાદીમા બની પ્રેમ વરસાવતી રહે છે. બેટાં, આંસુ લૂછી કાઢો. જે ક્ષણે તે બાળક ગુમાવ્યું, તે જ  ક્ષણે કોઈ બાળકે પણ  પોતાની માતા ગુમાવી હશે. એવાં બાળકને અપનાવો..અને તમારો માતૃપ્રેમ છલકાવતાં રહો.. બેટાં.. જેમ તમારી માએ તમારાં પર છલકાવ્યું છે. "

રૂપાનું સમગ્ર અસ્તિત્વ જાણે સ્તબ્ધ થઈ ગયું.

વાડાનો વિશાળ લીમડો, વહેતી ઠંડી હવા, ઝાંપો, બારણા,પંખો,ખાટલો, ખુરશી, રસોડાનાં વાસણ.. બધુંય મૌન.. સ્તબ્ધ થઈ ગયું.

જોકે સુખડના હાર નીચેની બે આંખો હજી પણ અગાધ પ્રેમ....

*****

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ