વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શિશિર શું કરતો હશે?

શિશિર શું કરતો હશે?


'છી.. છી.. છી.. હવે  આ ઉંમરે આવો વિચાર!  હવે તો થોડીક સુધર અમી! માથે બધાંય ધોળાં આવી ગયાં. આંખે મોતિયો પણ આવી ગયો. હાથ,પગ, શરીર પર બધે જ વૃદ્ધત્વ પાંગરી ગયું છે અને તોય તને આવો વિચાર! સાવ આવો!' અમીએ પોતાનાં મનને ટપાર્યુ અને બારી બંધ કરવા ગઈ. 

"ઓહ!" અનેરું દ્રશ્ય હતું બહાર. આકાશમાંથી જાણે રૂની વર્ષા થતી હોય તેમ ઝીણો ઝીણો સફેદ બરફ વરસી રહ્યો હતો. દેવદારના વૃક્ષની ડાળીઓ ઝીલાય એટલો બરફ ઝીલી પછી નીચે ખંખેરી દેતી હતી. ધરતીની માટીને તો જાણે નવો જન્મ થયો હતો. સાવ તરત જન્મેલાં બાળક જેવો.. સફેદ ઝાંયવાળો. કડકડતી, ઠંડી હવાનું મોજુ આવ્યું અને આખી બારી ધ્રુજી ઉઠી અમીની માફક. અમી માટે આ નવું ન હતું. દર વર્ષે તે અને તિમિર અહીં સીમલામાં બરફવર્ષાની મોજ માણવા આવી જતાં હતાં.  દર વખતે સીમલાનાં નવાં વિસ્તારમાં, નવી હોટલમાં જ રહેતાં.

આટલાં વર્ષોથી આવતાં હતાં અને આજે..આજે! આજે એકદમ મનમાં વિચાર આવ્યો." શિશિર શું કરતો હશે!" 

'ફરી શિશિર નામ બોલી! એક ભારતીય પત્ની થઈને જુનાં પ્રેમીનું(?) નામ ફરી હૈયામાં સળવળ થયું! શરમ નથી આવતી તને! તિમિર તરફથી તને સંપૂર્ણ સુખ મળ્યું. ખૂબ સુખ મળ્યું. બાળકો પણ મીઠાં-મધુરા. ભણીગણીને વિદેશ સ્થાયી થયાં પણ દરરોજ એકવાર તો વીડિયોકોલ કરીને વાત કરી જ લેતાં હતાં "મમ્મી કેમ છે?" 

તો પછી! 

હોટલની રૂમમાં બર્ફીલુ એકાંત વેરાઈને પડ્યું હતું. આ એકાંતનું એક નાનું સરખું પિંડલુ લઈને અમીને રમાડવાનું મન થઈ ગયું હતું. તે બારણું ખોલીને બહાર નીકળી. સુમસુમ કરતો પવન અમીના અંગેઅંગમાં શીતલહેર વરસાવી ગયો. તેણે  પહેરેલાં ગરમ કપડાં પર ધીમો ધીમો, પોચો પોચો, રૂ જેવો બરફ પડી રહ્યો હતો. દેવદારના વૃક્ષ નીચે જઈને તે  બરફ ઝીલવા બેઠી. નાનાં બાળકની માફક.  

ફરી યાદોએ તેનાં અંતરમન પર ટકોરા માર્યા. 'શિશિર શું કરતો હશે!"

"ઓહ!" ફરી યાદ આવી. 'કેમ યાદ આવી! તિમિર કહેતો હતો,"જો કોઈ આપણને હૃદયથી સાંભરે તો આપણાં હૃદયમાં પણ તેનાં ટકોરા જરૂરથી જીલાય છે." તો શું શિશિર મને યાદ કરતો હશે. '

શિશિર. શિશિર અમીનો પહેલો ક્રશ હતો. તે દીવાની હતી શિશિરની. તે જ્યારે ગાતો, "ઓહ!" તેનો અવાજ  અમીના હૃદયને સ્પર્શી,  મન-મસ્તિકનો કબજો લઈ લેતો હતો. કયું ગીત ગાતો હતો..હં..હં.. હા. યાદ આવ્યું." છું કર મેરે મન કો..કિયા તુને ક્યાં ઇશારા..બદલા યે મોસમ.. લગે પ્યારાં..જગ સારા.." 

એક દિવસ ખબર પડી કે શિશિર તો અમી માટે જ  માટે જ ગાતો હતો. 'યાર! કેવું લાગ્યું હતું તે દિવસે! કોઈ પોતાને ચાહે છે દિલથી઼.. એ વાત, એ ક્ષણ જ આપણને કેટલી અભિભૂત કરી દે છે નહીં! મારાં રોમેરોમાં  ઉત્તેજિત વમળો સર્જાયા હતાં .શિશિર.. બસ! મનમાં, મગજમાં અને હોઠો ઉપર એક જ નામ શિશિર...  શિશિર શું કરતો હશે!'

સાંજ ઢળી પડી.આકાશમાં ખિલેલા ચંદ્રે હવે કૌમુદી વરસાવવા માંડી અને કૌમુદી સાથે પોચો પોચો બરફ. સફેદ.. સફેદ રૂની પૂણી જેવો. 

ટાઢમાં થરથરતી અમી ત્યાં જ ઊભી રહી. દૂર દૂર પહાડો તો જાણે સફેદ રંગમાં પરિવર્તિત થઈ ગયાં હતાં. બરફનું તોફાન વધતું જતું હતું પરંતુ તે તો ત્યાં જ ખોડાઈ ગઈ..પ્રકૃતિનું નવલું રૂપ નિહાળતી. અચાનક દૂર દૂરથી જાણે કોઈ ગાઈ રહ્યું હોય તેવો આભાસ થયો," આજા તેરા આંચલ યે.. પ્યારસે મેં ભર દુ..ખુશીયા જહાં ભર કી... તું હી મેરા જીવન.. તું હી જીને કા સહારા.." અમીએ કાન બંધ કરી દીધાં. આ ભ્રમણા તો બહું થઈ.

'શિશિર પ્રત્યેનો તેનો પ્રેમ માત્ર આકર્ષણ હતું કે પોતે પ્રેમ કર્યો હતો!' ફરી વિચારવા લાગી. 'તિમિર એકદિવસ જ્યારે જોવાં આવ્યો ત્યારે.. ત્યારે શું થયું હતું બોલને!' મને અમીને ફરી ટપાર્યુ.

'શું તને શિશિર જેવું જ આકર્ષણ થયું હતું! ના..ના આકર્ષણ નહીં પરંતુ તિમિરના ગયા પછી જાણે હૃદયનો એક ખૂણો ખાલી થઈ ગયો હતો. તિમિર માટે તે ટળવળવા લાગી હતી. ભૂખ, તરસ, નિંદ્રા બધું જ તિમિરે છીનવી લીધું હતું અને જ્યારે લગ્નમંડપમાં હસ્તમેળાપ વખતે તિમિરે પોતાનો હાથ તેનાં હાથમાં લઈને પ્રેમથી થપથપાવ્યો ત્યારે તો એવું લાગ્યું હતું કે.. આખી દુનિયાની ખુશી તેનાં પાલવમાં સમાઈ ગઈ.. પછી તો તિમિર-અમી એક થઈ ગયાં હતાં '

'થઈ ગયાં હતાં? ના..ના‌. હજુ એક જ છે. તો પછી શિશિરની યાદ.. એ તો અમસ્તી જ આવી. યુવાનીનાં પહેલાં પગથિયાંનું આકર્ષણ.'

' અમી, એ આકર્ષણને શિશિર, પ્રેમ તો સમજી બેઠો નહીં હોય ને!  શિશિર શું કરતો હશે!' ફરી..ફરી મન અવળચંડુ થયું.

 ટાઢી રાતમાં અમી ઠરતી જતી હતી. તેને તો જાણે  હજીયે શિશિર ગાતો હોય તેવું લાગ્યું. 'પોતે પણ કેવી ગાંડી.. તે દિવસે બેસુરા અવાજે કેવું ગીત ગાયું હતું. જોકે માત્ર ગાવા ખાતર જ ગયું હતું.. "હમે તુમસે પ્યાર કિતના.. હમ નહિ જાનતે.. મગર જી નહી સકતે તુમ્હારે બિના઼" અને આ શિશિર, પાગલે એકલાએ જ તાળી પાડી હતી. પોતે કેવું શરમાઈ હતી!'

 અમીએ ધીમે રહીને એ જ ગીત ગણગણ્યું .. "હમે તુમસે પ્યાર કિતના યે હમ નહિ જાનતે.." અને અચાનક એક તાજાં ગુલાબનું ખીલેલું ફૂલ તેની નજીક આવ્યું. લાલચટ્ટક, તાજુ ખીલેલું ગુલાબનું ફૂલ તેણે તરત જ હાથમાં તો લીધું પણ પછી એકદમ ચીસ નાંખી. આસપાસ કોઈ ન હતું. ચારેબાજુ બરફ અને એકાંત રાત્રી. અમીના ધબકારા વધી ગયાં. તે દોડીને અંદર ગઈ. બારણું બંધ કર્યું પણ હૃદય તો જોરથી ધડકવા લાગ્યું અને તેને લીધે તે પરસેવાથી નીતરવા લાગી.'આ ગુલાબ કઈ રીતે..' હજી તેના હાથમાં હતું. તેણે ફેંકી દીધું. એ જ વખતે બારણું જોરથી ખખડ્યું. "ઠક.ઠક.ઠક.. કોણ હશે આટલી રાત્રે!" તેનાં શરીરે બે ડગલા ચાલવાની પણ ના  કહી દીધી. શરીર હજી ધ્રુજતું હતું. ઠંડીથી નહીં પણ ભયથી ધ્રુજતું હતું. ફરીથી બારણું  કોઈએ જોરથી ખટખટાવ્યુ.  બૂમ આવી." અમી.. અમી.."

અમીમાં હામ નહીં રહી. એવું લાગ્યું કે તે ઢળી પડશે.અચાનક બારણાની લેચકી ગોળ ફરી.બારણું ખુલ્યું. અમીએ જોરથી ચીસ પાડી અને સોફા પર ઢળી પડી.

" અમી.. અમી ઊઠ" અમીએ ભય ભરેલી આંખો ખોલી. હજી કાનમાં તમરાં ગીત ગાતાં હતાં અને તેનાં શબ્દો હતાં," તું જો કહે જીવનભર.. તેરે લિયે મે ગાઉં..."

"તિમિર.." અમી ચીસ પાડીને તિમિરને વળગી પડી.

 "ઘરે જવું છે. હોટલ બદલવી છે." તિમિરે, છાતીને વળગીને ધ્રુજતી અમીના શ્વેત કેશમાં આંગળી પરોવતા કહ્યું.

 અમીએ ધીરે રહીને હા કહી.

"અમી, એક વાત કહું!"

"હં"

"નીચે ક્લબમાં ડ્રીકસ પાર્ટી હતી. આટલાં વર્ષોમાં આ ક્લબમાં શિશિર નામનો ગાયક કલાકાર હતો અને આજે બપોરે  જ તે... તેનાં માનમાં તેનું સૌથી મનગમતું ગીત આજે ક્લબમાં મુકાયું હતું." 

"ઓહ! તો આ ભ્રમણાં ન હતી. ક્લબમાં ગીત ગવાતું હતું." અમી  બોલી ઊઠી.

"આ શિશિર તો પેલો જ છે ને! કોલેજવાળો, તારી પાછળ પાગલ!" 

"ખબર નહીં પણ અહીં આવતાં જ મનમાં એક પ્રશ્ન થયો. શિશિર શું કરતો હશે!"

"અમી, કદાચ એ જ શિશિર હતો. દિલ્હીથી અહીં આવ્યો હતો. કહે છે કે કોલેજમાં એક છોકરીને એ પ્રેમ કરી બેઠો હતો અને.. અરે! અમી, આ ગુલાબનું તાજું, ખીલેલું ફૂલ અહીં ક્યાંથી! આ મોસમમાં..!

અમીના આંખોનાં ડોળા જાણે વિસ્તાર પામી ગયાં. તેણે કશું બોલવા હોઠ ફફડાવ્યા પણ..

*****

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ