અઘોરી બાવો
"હે... એલી સાંભળ્યું છે જ્યારથી ઓલો અઘોરી બાવો અહીં રહેવા આવ્યો છે ત્યાંથી સ્મશાનમાં સિટી વાગે છે."
"હા... મૂઈ બધાં ગામમાં વાતું તો કરે છે કે આ બાવો કાંઈક ભેદી લાગે છે..."
"એક કામ કરીએ," હું અને તું આજ સ્મશાનમાં જઈને છુપાઈ જઇએ અને આ ભેદી બાવાને પકડી પાડીએ..."
"ના.. ના... એલી સ્મશાનનું નામ સાંભળી મારાં તો ટાંટિયા ધ્રૂજે છે. મારે નથી આવું ભઈ...છો મૂઓ વગાડતો...વગાડવા દે...આફેડો સરપંચ એને હાંકશે..."
"હા પણ, આ રાતના છોરા સૂતા નથી એનું શું?"
"હાલ...આજ તો સરપંચ પાસે જઈ ને આનો નિવેડો કાઢીએ..."
"આપણા બેના જવાથી શું દી વળશે? ગામના બધા જેનટસ ભેગા હાલે તો વાત બને..."
"હા તારી વાત તો હાચી હો."
"આ જેનટસ શું સાથ આપશે? ભેગા હાલવામાં?"
"એમને ક્યાં જાગવું પડે છે એ તો એયને મસ્ત મજાના નસકોરાં બોલાવતા હોય છે એક તો એનાથી પણ ત્રાસ વછૂટે છે...... લોઇ તો માયુંના પીવાઈ છે..."
"હાલ...હાલ..."આનો નિવેડો કાઢવો જ રહ્યો..."
થાળી વગાડતી વગાડતી બેય જણી નિકળી પડે છે.
"હાંભળો...હાંભળો... આ અઘોરી બાવો જ્યારથી આપણા ગામમાં આવ્યો છે ત્યારની સિટી વાગે છે. એના માટે થઈને આપણે સરપંચ પાસે જવું પડશે. બોલો...કોણ કોણ આવવા તૈયાર છે?"
એક પછી એક ગામની બધી મહિલા જોડાય જાય છે.
બધી ભેગી મળીને સરપંચ પાસે જાય છે અને કહે છે," ઓલા અઘોરી બાવાને ગામમાંથી હાંકો... જ્યારનો મૂઓ ગામમાં આવ્યો છે ત્યારની નીંદરું હરામ થઈ ગઈ છે..."
સરપંચ, " બહેનો સાંભળો..."
"સો વાતની એક વાત તમે એ બાવાને અહીંથી હાંકો છો કે નહીં?"
અરે માતાજીઓ વાત સાંભળો, "ઈ બાવો નથી આપણા ગામનો ચોકીદાર બનાવ્યો છે આપણા બાજુના ગામમાં ચોરી થઈ હતી તે દિવસથી અમે ગામની રખેવાળી માટે એ ચોકીદાર રાખ્યો છે."
"હા તો આમ કંઈ અડધી રાતે સિટી થોડી મરાતી હશે?!
અહીં છોરા બીકના માયરા સૂતા નથી..."
"હા પણ...એ એટલા માટે સિટી મારે છે કે કોઈ ચોર ગામમાં આવવાની હિંમત ના કરે..."
"હા પણ...ભાઈ એમને કેતા હોય તો થોડી ધીમી વગાડે..."
બહેનો, "સિટી કોઈ દી ધીમી વાગે!?"
સરપંચ, "ચોકીદાર..."
ચોકીદાર સિટી વગાડતો આવે છે...
બહેનો અંદરોઅંદર વાતો કરે છે કે " લે આ મૂઓ તો દીના ય સિટી પાડે છે...
અલ્પા નિર્મળ"અમી"
