એક જૂની છત્રી
સવાર સવારે કોલેજ જવાનું બહુ મોડું થઈ ગયું હતું. અને ઉપરથી વરસાદ પણ મસ્ત પડતો હતો. પણ આજ તો યુનિવર્સિટીનું ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ! શ્રી ફટાફટ છત્રી લઈને કોલેજ જવા નીકળી ગયો. મનમાં વિચારતો હતો
"આ વરસાદમાં રસ્તામાં મૃદંગ મળી જાય તો કેટલું સરસ! બન્ને સાથે એકજ છત્રીમાં કોલેજ જઈએ…"
છત્રી ખોલીને થોડા જ પગલાં ચાલ્યો હશે કે દૂરથી મૃદંગ દેખાઈ. સફેદ કુર્તા ઉપર નિલો સ્કાર્ફ, હાથમાં પુસ્તકો, અને ચહેરા પર વરસાદની ટીપાં ચમકતા. શ્રીના દિલની ધડકન વરસાદની ધબકાર સાથે તીવ્ર થઈ ગઈ.
"હાય,... તું પણ મોડી પડી છું ?" શ્રી એ થોડી કંપતી અવાજે પૂછ્યું.
મૃદંગ હસતાં બોલી, "હાં, વરસાદે જરા ટ્રાફિક જામ કરી દીધો."
શ્રી એ છત્રી થોડી ઝૂકાવી, "ચાલ, સાથે જઈએ, નહિતર તું પલળી જઈશ"
મૃદંગ થોડું ખચકાઈ , પણ પછી શરમાતા સ્મિત સાથે છત્રી નીચે આવી.
રસ્તામાં છત્રી નાની, પગલાં ધીમા, અને વાતો લાંબી થઈ ગઈ. વરસાદના ટીપાં ક્યારેક શ્રીના ખભા પર, તો ક્યારેક મૃદંગના વાળ પર પડતાં. બન્નેને કોલેજ સુધીનો રસ્તો ક્યારેય એટલો ટૂંકો લાગ્યો નહોતો. જે આજ લાગતો હતો
કોલેજ પહોંચીને મૃદંગ બોલી, "આજે વરસાદનો આભાર માનવો પડશે… નહીં તો કદાચ આપણે આમ સાથે ચાલતાં ક્યારે કોલેજ ન આવત ."
શ્રી મનમાં વિચારી રહ્યો "આજનો વરસાદ કદાચ મારી લવ સ્ટોરીનું પેહલું પેજ બની જશે…"
ફોર્મ ભરવા માટે કોલેજના ઓફિસ રૂમમાં લાંબી કતાર લાગી હતી. શ્રી અને મૃદંગ એ સાથે લાઇનમાં ઉભા થઈ ગયા.
"લાગે છે વરસાદથી બધાને મોડું થયું છે," શ્રી બોલ્યો.
મૃદંગ હસતાં બોલી, "હા, પણ ઓછામાં ઓછું તારા જેવી મોટી છત્રી તો નથી બધાની પાસે."
શ્રી એ મજાકમાં કહ્યું, "મોટી છત્રી નથી એટલે મોટી કંપની પણ નથી મળતી."
મૃદંગ શરમાયેલી આંખથી નીચે મોં કરી ગઈ, પણ હોઠ પર હળવુ સ્મિત છુપાવી ન શકી.
ફોર્મ ભરતાં ભરતાં મૃદંગની પેન કામ કરવાનું બંધ કરી દીધું
"અરે, આ પણ વરસાદના પાણીથી બગડી ગઈ ," શ્રી એ મસ્તીમાં કહ્યું અને પોતાની પેન તેને આપી
મૃદંગ એ પેન લેતાં કહ્યું, "આ પેન પછી ત્યારેજ આપીશ જ્યારે ફરી વરસાદમાં છત્રી હેઠળ ચાલવાની તક મળશે."
શ્રી એ મનમાં નક્કી કરી લીધું "હવે તો વરસાદ આવતા જ બહાર નીકળી જવાનું."
ફોર્મ ભરાઈ ગયું, પણ બહાર વરસાદ હજુ પણ ચાલુ હતો. મૃદંગ એ કહ્યું,
"લાગે છે પાછું પણ એકજ છત્રીમાં જવું પડશે…"
શ્રી ના ચહેરા પર એવી ખુશી આવી કે જાણે ફોર્મ ભરવાનું સર્ટિફિકેટ નહીં, પ્રેમનો એડમિશન લેટર મળી ગયો હોય.
વરસાદ પડ્યા પછી બે-ત્રણ દિવસ વીતી ગયા. આકાશ સાફ હતું, પણ શ્રીના દિલમાં હજી પણ એ વરસાદની છાયા અને મૃદંગની સ્મિત ગૂંજતી હતી.
એક સાંજે મૃદંગનો મેસેજ આવ્યો —
"પેન પાછી આપવી છે… ક્યાં મળી શકીશ?"
શ્રીના હોઠ પર તરત સ્મિત આવી ગયું. તેણે ટાઈપ કર્યું ,
"કોલેજની બાજુના કેફેમાં ચાલશે? ત્યાં પેન સાથે કોફી પણ પીશું..."
કેફેમાં મળ્યા ત્યારે મૃદંગે સફેદ ડ્રેસ પહેર્યો હતો, વાળ ખભા પર છૂટા, અને હાથમાં એ જ પેન.
"લે તારી પેન," એ બોલી.
શ્રી એ પેન લેતા કહ્યું, "આ તો બહાનું હતું… સાચું કારણ તો તને ફરી મળવાનું હતું."
કોફી આવી, પણ વાતોમાં સમયનો ખ્યાલ જ ન રહ્યો. મૃદંગે કોલેજ, બાળપણ, અને પોતાના સપના વિશે કહ્યું. શ્રી એ પણ પોતાના લખવાનો શોખ, અને વરસાદ પ્રત્યેનો પ્રેમ જણાવી દીધો.
એ સાંભળીને મૃદંગ હસતાં બોલી, "તો એટલે જ તું વાદળોને પ્રાર્થના કરતો હતો?"
શ્રી એ આંખ મીંચીને કહ્યું, "હા… જેથી તને ફરી છત્રી હેઠળ લાવી શકું."
કેફેમાંથી નીકળતાં, સૂર્યાસ્તની કિરણો એમના ચહેરા પર પડતા હતા . મૃદંગ ધીમે બોલી,
"શ્રી… વરસાદ હોય કે ન હોય… ક્યારેક આમ કોફી પર મળતા રહીશું ને?"
શ્રીના દિલમાં શબ્દો નહોતા, ફક્ત સ્મિત હતું ,જે હા કરતા પણ વધારે મજબૂત જવાબ હતો
કોલેજમાં ફ્રેન્ડશિપ ડેની ધામધૂમ ચાલી રહી હતી. દરેક વિદ્યાર્થીઓ રંગીન ફ્રેન્ડશિપ બેન્ડ લઈને ફરતા હતા ક્લાસરૂમના ખૂણે મૃદંગ પોતાના ગ્રુપ સાથે હસી રહી હતી, ત્યારે શ્રી અંદર આવ્યો.
એના હાથમાં ફક્ત એક જ બેન્ડ હતું , નિલા રંગનું, જેના પર સિલ્વર અક્ષરે લખેલું હતું "Forever"
શ્રી સીધો મૃદંગ પાસે ગયો.
"મારે પાસે ફક્ત એક બેન્ડ છે… અને એ ફક્ત તારા માટે છે," એ બોલ્યો.
મૃદંગ થોડી ચોંકી, "પણ તું બીજા મિત્રો ને કેમ નથી આપતો?"
શ્રી હસતાં બોલ્યો, "મિત્રો ઘણા હોઈ શકે, પણ જે વરસાદના દિવસે એકજ છત્રી હેઠળ ચાલે… એ ખાસ હોય છે."
મૃદંગે બેન્ડ હાથમાં બાંધવા દીધું, પણ એની આંખોમાં થોડી શરમ અને થોડી ખુશી હતી.
"હું પણ તારાં માટે બેન્ડ લાવી છું " એ બોલી અને પોતાની બેગમાંથી પિંક બેન્ડ કાઢ્યું, જેના પર નાનું દિલ બન્યું હતું.
"આ તો ફ્રેન્ડશિપ ડેનું છે… પણ કદાચ ક્યારેક તેનો અર્થ બદલાઈ જશે," એ મજાકમાં બોલી.
શ્રી એ સ્મિત કર્યું, પણ મનમાં વિચારતો રહ્યો "કદાચ એ દિવસ એટલો દૂર નથી."
ફ્રેન્ડશિપ ડેની બપોરે બંને કૅન્ટીનમાં સાથે બેઠા. બીજા મિત્રો મસ્તીમાં વ્યસ્ત હતા, પણ એમની નજરો ક્યારેક કોફી કપ પર અને વધારે વખત એકબીજા પર જ અટકી રહી હતી.
દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે શ્રી એ મનમાં નક્કી કરી લીધું આગામી વરસાદ એના માટે ફક્ત એક મોસમ નહીં, પણ એક જવાબ હશે.
ચોમાસુ ફરી તેજ થઈ ગયું હતું. તે દિવસે બપોરે અચાનક કાળા વાદળો છવાઈ ગયા.
શ્રી લાઈબ્રેરીમાં બેઠો હતો, પણ વરસાદના ટીપાં ખીડકી પર પડતા અવાજે એના મનમાં એક જ ચહેરો ઝળહળતો હતો ,, મૃદંગ.
એણે મોબાઈલ ઉપાડી મેસેજ કર્યો .
"બહાર વરસાદ છે… છત્રી લઈને બહાર આવ, ચાલ થોડું ચાલીએ."
થોડા સમયમાં મૃદંગ આવી ગઈ. એ વખતે એ છત્રી નહોતી લાવી, ફક્ત સ્કાર્ફ માથા પર રાખ્યો હતો.
"આજે છત્રી નથી?" શ્રી એ પૂછ્યું.
મૃદંગ હસતાં બોલી, "છત્રી વગર પણ વરસાદ માણી શકાય છે… ખાસ કરીને કોઈ ખાસ સાથે."
બન્ને રસ્તા પર ચાલતા રહ્યા. વરસાદ ક્યારેક ધીમો થતો, ક્યારેક તીવ્ર. શ્રીના મનમાં શબ્દો તોફાની લહેરો જેવી ઉછળતા હતા.
અચાનક એ અટક્યો. મૃદંગ એ ચોંકીને પૂછ્યું, "શું થયું?"
શ્રી એ ધીમેથી કહ્યું,
"મૃદંગ… પહેલીવાર આપણે વરસાદમાં મળ્યાં, પછી છત્રી હેઠળ ચાલ્યાં, પછી કોફી, બેન્ડ… અને હવે ફરી વરસાદ. મને લાગે છે, આ બધું કિસ્મત કરી રહી છે… જેથી હું તને આ કહી શકું ". મને તું ગમે છે."
મૃદંગ થોડી પળો મૌન રહી. વરસાદના ટીપાં એના ચહેરા પર સરક્યા. પછી એણે હળવેથી કહ્યું,
"શ્રી… મને પણ વરસાદ ગમે છે… અને તું પણ."
શ્રીના હોઠ પર સ્મિત આવી ગયું. એણે હાથ આગળ કર્યો, મૃદંગે એનો હાથ પકડી લીધો.
રસ્તા પર વરસાદ વરસતો રહ્યો, પણ એમના દિલમાં એ દિવસ એક નવી મોસમ લઈને આવ્યો , પ્રેમની મોસમ.
વર્ષો વીતી ગયા. કોલેજના દિવસો પૂરા થયા, નોકરી, વ્યસ્ત જીવન, નવી શહેરોની સફર… પણ કેટલાક પળો ક્યારેય જૂના નથી થતા.
એક સાંજ હતી. શ્રી પોતાના ઘરનાં બાલ્કનીમાં બેઠો ચા પી રહ્યો હતો. અંદરથી મૃદંગ આવી અને એની બાજુમાં બેસી ગઈ. બહાર આકાશમાં ફરી એકવાર કાળા વાદળો છવાઈ ગયા.
શ્રી એ હળવી મજાકમાં કહ્યું, "યાદ છે? એક વરસાદના દિવસે તું પેન પાછું આપવા આવી હતી."
મૃદંગ હસતાં બોલી, "હા… અને એ પેન તો આજે પણ તારી પાસે છે. સાચું કહું તો, પેન તો ફક્ત બહાનું હતું."
વરસાદના પહેલા ટીપાં પડવા લાગ્યા. મૃદંગે ચા કપ નીચે મૂકી અને કહ્યું, "ચાલ… આજે પણ છત્રી લઈને બહાર નીકળી જઈએ, જેમ પહેલા દિવસે ગયા હતા."
બન્ને બહાર ગયા. રસ્તા પર વરસાદ ફરી ઝરમર વરસી રહ્યો હતો.
શ્રી એ છત્રી ઝૂકાવી, મૃદંગ એ હાથ પકડી લીધો.
બન્નેના મનમાં એક જ વિચાર કેટલાક વરસાદ ક્યારેય પૂરા થતા નથી… ફક્ત અધ્યાયો બદલાય છે.
વર્ષો વીતી ગયા હોવા છતાં, એ વરસાદ, એ છત્રી, અને એ પહેલી નજરનો પ્રેમ… આજ પણ એમના દિલમાં તાજો હતો.
બન્ને જણા બહાર આવ્યા વરસાદ ચાલુ હતો પણ બન્ને ની આંખો પણ વરસતી હતી કારણકે બન્ને લગ્ન નોહતા કરી શક્યા શ્રી લગ્ન જ નહોતા કર્યા અને મૂર્દંગ નાની ઉંમર માં એક દીકરી ની માં બની ને વિધવા બની ગઈ હતી એક અકસ્માત માં એના પતિ નું મૃત્યુ થયું હતું ઘણા વર્ષો પછી એની દીકરી રોમા ને શ્રી જે કોલેજ માં પ્રોફેસર હતો ત્યાં જ એડમિશન મળ્યું હતું અને રોમા નો પણ આજ કોલેજનું ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ને ફરીથી એજ વરસાદ ની મોસમ હતી એ જેવી કોલેજ ગઈ ત્યારે અચાનક શ્રી ની નજર એના પર પડી એ એકદમ ચોકી ગયો એજ રૂપ એજ રંગ અને એજ ચેહરો એના હાથમાં પેન હતી એ નીચે પડી ગઈ રોમા એ પેન શ્રી ને આપતા બોલી સર તમારી પેન નીચે પડી ગઈ ત્યારે એ થોડો ભાનમાં આવ્યો..
શ્રીનું હૃદય ધબકારા મારતું હતું. હાથમાં પાછી મળેલી પેનનો સ્પર્શ જાણે વર્ષો પહેલાની યાદો ખોલી રહ્યો હતો.
“બેટા, તારું આખું નામ શું છે?” શ્રી એ નરમ અવાજે પૂછ્યું.
રોમા સ્મિત સાથે બોલી, “રોમા દેસાઈ… મમ્મીનું નામ મૃદંગ દેસાઈ.”
આ શબ્દો સાંભળતાં જ શ્રીના હાથે પેન કંપી ગઈ. આંખોમાં વરસાદ કરતાં પણ વધુ ભીના ટીપાં આવી ગયા.
“મૃદંગ…?” એણે ધીમેથી પોતાને જ કહ્યું.
રોમા થોડું ચોંકીને પૂછ્યું, “સર, તમને મારી મમ્મી ખબર છે?”
શ્રી એ પોતાને સંભાળતા કહ્યું, “હા… બસ એટલું સમજી લે કે તારી મમ્મી મારા કોલેજના દિવસોની એક સુંદર યાદ છે.”
રોમાની આંખોમાં કૌતુક ચમકી ગયું.
“તો તમે એ મિત્રો છો, જેના વિશે મમ્મી ક્યારેક વરસાદની વાત કરતી વખતે હસતાં બોલે છે?”
શ્રી હળવેથી હસ્યો, પણ અંદરથી લાગણીનો સમુદ્ર ઉછળતો હતો.
“શાયદ… હા.”
બહાર ફરી વરસાદ થોડો તેજ થયો. કોલેજના આંગણે વરસાદના ટીપાં પાંદડાઓ પર પડતાં હતા, જાણે ભૂતકાળના બધા અધ્યાય ફરી વાંચવા લાગ્યા હોય.
“રોમા, તારી મમ્મી પણ અહીં જ રહે છે?” શ્રી એ સંકોચથી પૂછ્યું.
“હા સર, અમે આજ શહેરમાં જ છીએ. આજે સાંજે ફ્રી છો? મમ્મી તમને મળીને ખુશ થશે.”
શ્રીના મનમાં મોસમો ફરી વળી ગયા—
પહેલો વરસાદ, એક છત્રી, કાફીનો કપ, ફ્રેન્ડશિપ બેન્ડ… અને હવે આ ક્ષણ.
એણે સ્મિત સાથે કહ્યું, “હા રોમા… આજે સાંજે મળીએ.”
એને ખબર હતી કે આ સાંજ વરસાદથી પણ વધારે ભારે હશે,કારણ કે વર્ષો પછી, એ અધૂરું પાનું કદાચ ફરી લખાઈ શકે છે.
સાંજનો સમય. આકાશમાં ફરી કાળા વાદળો છવાયા હતા. શ્રી કોલેજમાંથી સીધો જ રોમાના ઘરની તરફ ચાલ્યો. રસ્તામાં વરસાદના ટીપાં કાચની જેમ ચમકતા હતા, પણ શ્રીના મનમાં તો વર્ષોની ધૂંધ સાફ થવાની હતી.
રોમાએ દરવાજો ખોલ્યો, શ્રી ને અંદર બોલાવી લીધો.
ડ્રોઇંગરૂમમાં એક ખુરશી પર મૃદંગ બેઠી હતી,થોડી વયે બદલાયેલ ચહેરો, વાળ થોડા સફેદ, પણ આંખોમાં એજ નરમાઈ અને એજ ચમક
શ્રી એક ક્ષણ માટે અટકી ગયો. મૃદંગે નજર ઉઠાવી, અને એ ક્ષણે જાણે બન્નેના દિલમાં વર્ષો પહેલાનો વરસાદ ફરી વરસી પડ્યો.
“શ્રી…” મૃદંગના હોઠ પરથી નરમ અવાજ નીકળ્યો.
“મૃદંગ…” શ્રી બોલ્યો, પણ શબ્દો ગળામાં અટકી ગયા.
થોડી ક્ષણ મૌન રહ્યું—ફક્ત બહારના વરસાદનો અવાજ, અને બન્નેની આંખોમાં વર્ષોનું અણકહેલું.
મૃદંગે ધીમેથી પૂછ્યું, “તું… હજી પણ એ પેન રાખે છે?”
શ્રી હસ્યો, ખિસ્સામાંથી એ જૂની પેન કાઢીને બતાવી.
“આ ફક્ત પેન નથી, મૃદંગ… આ તો મારા માટે આખી કહાની છે, જે ક્યારેય પૂરી થઈ નહોતી.”
મૃદંગની આંખોમાં પાણી આવી ગયું.
“શ્રી… જીવન એ રીતે વળી ગયું કે પાછું કંઈ થઈ શક્યું નહીં. પતિને ગુમાવ્યા પછી, હું રોમા માટે જ જીવી રહી. પણ… તું હજી પણ એ વરસાદ યાદ રાખે છે?”
શ્રી બોલ્યો, “કેટલાક વરસાદ મોસમ સાથે નથી જતા… એ દિલમાં કાયમ રહે છે.”
મૃદંગ રસોડેથી ચા લઈને આવી,મૃદંગ ચા પીતો હતો અને એ અચાનક શ્રી ની બાજુમાં આવીને બેસી ગઈ પણ વાતાવરણમાં કંઈક એવું હતું કે એણે ચુપચાપ કપ ટેબલ પર મૂકી દીધો.
શ્રી એ હાથ આગળ કર્યો, “મૃદંગ…
ભલે જીવન આપણે અલગ રસ્તાઓ પર લઈ ગયું, પણ આ વરસાદે ફરી સાથે લાવ્યું છે. આજથી, હું તારા અને રોમા માટે મિત્ર રહીશ… જેમ પહેલા હતો, પણ હવે સમય ગુમાવીશ નહીં.”
મૃદંગ એ એનો હાથ પકડી લીધો.
બહાર વરસાદ થોડો ધીમો થયો, પણ અંદર એક જુની અધૂરી કહાનીને નવો અંત મળ્યો,અંત, જે પ્રેમમાં નહોતો બંધાયો, પણ સ્નેહ અને સાથમાં કાયમ માટે જીવતો રહી ગયો.
બન્ને પાછા છત્રી લઈ બહાર ગયા જ્યાં વરસાદ ની સાથે આંખો પણ વરસતી હતી
આ મુલાકાત પછી, જીવન ધીમે ધીમે નવી લયમાં વહેવાનું શરૂ થયું.
શ્રી રોમાના પ્રોફેસર હતા, પણ ક્લાસરૂમની બહાર એ રોમા માટે માર્ગદર્શક, મિત્ર અને ક્યારેક પિતાની જેમ બન્યા.
મૃદંગ અને શ્રી અઠવાડિયામાં એકાદ વાર કેફેમાં મળતા,કોફી હજુ પણ એમને ગમતી હતી, બસ વાતોના વિષય બદલાઈ ગયા હતા. હવે વાતોમાં કોલેજના દિવસોની શરારતો ઉપરાંત, રોમાના અભ્યાસ, એના સપના અને ભવિષ્યના પ્લાન આવવા લાગ્યા.
રોમા માટે શ્રી એ જ વ્યક્તિ બન્યા, જે મમ્મીની જૂની વાર્તાઓમાં વરસાદના દિવસે છત્રી નીચે ચાલતો હતો.
અને મૃદંગ માટે, શ્રી એ મિત્ર બન્યો, જે વર્ષો પછી પણ એક અધૂરા અધ્યાયને પ્રેમથી વાંચવા આવ્યો હતો,પણ એ અધ્યાયને હવે દુઃખથી નહીં, આભારથી પૂરો કરવાનું નક્કી કર્યું હતું.
દરેક વરસાદ , એમની ત્રણેયની એક “પરંપરા” બની ગઈ, વરસાદે સાથે બહાર નીકળવું.
મૃદંગ છત્રી લાવતી, શ્રી મજાકમાં એ છત્રી થોડું ઝૂકાવતો, અને રોમા હસતાં કહતી,
“તમારે બંનેને વરસાદમાં ફરવાનું હંમેશા કોઈ ને કોઈ બહાનું જોઈએ જ.”
અને ખરેખર, વરસાદ હવે એમના માટે ફક્ત પાણીની ટીપાં નહોતો,એ તો એક વચન હતો.
વચન કે ભલે સમય કે પરિસ્થિતિ કંઈ પણ બદલાય, પણ કેટલાક લોકો આપણા જીવનમાં ફરીથી આવશે… ક્યારેક એક પેન લઈને, ક્યારેક એક સ્મિત લઈને,ક્યારેક જૂની છત્રી લઈને પણ સાથે હંમેશા દિલમાં વરસાદ લઈને.
હવે તો ઘણી વાર મૃદંગ શ્રી ને ત્યાં પણ જતી હતી , એનું ઘર સરખું કરતી, રસોઈ બનાવી જમાડતી. ક્યારેક ત્રણે સાથે જ ભોજન કરતા, તો ક્યારેક ચા પીતા-પીતા લાંબી વાતોમાં ખોવાઈ જતા.
રોમા માટે શ્રી ફક્ત કોલેજના પ્રિન્સિપલ કે શિક્ષક ન હતા પણ જાણે પિતાની જેમ માર્ગદર્શક હતા. એ હકથી એના આગળ પોતાના નાના-મોટા સુખ-દુખ કહેતી, ક્યારેક તો નાની-મોટી માંગણીઓ પણ મૂકી દેતી.
મૃદંગને પણ શ્રીના ઘરમાં પોતાનુંપણું અનુભવાતું હતું ,જાણે એના પોતાના પતિનું ઘર હોય, જ્યાં કોઈ પણ ઔપચારિકતા ન હોય.
શ્રીના હૃદયમાં એક શાંતિ છવાઈ ગઈ હતી; વરસાદમાં જે પ્રેમની સુગંધ એને વર્ષો પહેલા મળી હતી, એ હવે ફરીથી જીવંત થઈ રહી હતી. સાંજના સમયે ત્રણે સાથે છત પર બેસી ભુતકાળની-ભવિષ્યની વાતો કરતા.
શ્રી વિચારતો , જીવન ને ઘણું ધકેલીયું પણ કદાચ હવે ધીમે ધીમે એ ખાલી જગ્યા પૂરી થઈ રહી છે.
એક દિવસ સાંજના સમયે, ત્રણે હંમેશની જેમ છત પર બેઠા હતા. હળવો વરસાદ વરસી રહ્યો હતો અને રોમા હસતાં હસતાં પોતાની ક્લાસની મજેદાર વાતો કરી રહી હતી. અચાનક મૃદંગનો ફોન વાગ્યો , સ્ક્રીન પર એક અજાણ્યો નંબર હતો
મૃદંગે કોલ રિસીવ કર્યો, પરંતુ એની આંખોમાં એક અજાણું આશ્ચર્ય અને થોડું ગભરાટ દેખાઈ આવ્યું.
શ્રી અને રોમાએ એકબીજાની સામે જોઈને વિચાર્યું ,“કોઈ ખાસ હશે?”
મૃદંગે ફોન રાખીને બહુ સામાન્ય રીતે વાત બદલવાનો પ્રયત્ન કર્યો, પણ એના ચહેરા પરની બેચેની છુપાઈ નહોતી રહી.
રોમાએ પૂછ્યું
"બોલ ને, કોનો ફોન હતો મમ્મી?"
મૃદંગ થોડી ક્ષણ મૌન રહી, પછી ધીમા અવાજે બોલી ,
"કોઈ હતો... જે મને કહેતો હતો કે રોમા કોઈ સત્યથી અજાણ છે … અને એ સત્ય મારા જીવનને બદલી દેશે."
શ્રીના હૃદયમાં અચાનક અશાંતિ છવાઈ ગઈ. વરસાદનાં ટીપાં હવે મીઠા નહીં, પણ જાણે કોઈ સંકેત આપતા હતા , કે આગળ કંઈક એવું બનવાનું છે જે આ સંબંધોની શાંતિ હલાવી દેશે.
"ફોન કરનાર કહેતો હતો કે શ્રી સાહેબ... રોમાની માતાને એક સમય ખૂબ પ્રેમ કરતા હતા… અને આ વાત રોમાને ખબર નથી." એ રોમાને બધું જણાવી દેશે
રોમાના ચહેરા પર હાસ્ય ગાયબ થઈ ગયું. વરસાદના ટીપાં હવે એના હૃદય પર પડતા હતા.
"મમ્મી?!" એના હોઠ પરથી અડધી તૂટી ગયેલી વાત બહાર પડી.
શ્રીને પણ આ સાંભળીને જાણે આઆંચકો લાગ્યો. આંખોમાંથી એક અચાનક ચમકતી પીડા દેખાઈ.
થોડું મૌન તૂટ્યું ત્યારે શ્રી બોલ્યો
"હા રોમા… આ સત્ય છે. વર્ષો પહેલા હું અને તારી માતા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પણ પરિસ્થિતિઓ એવી બની કે અમે અલગ થઈ ગયા… તારી માતાએ બીજા સાથે લગ્ન કર્યા… અને હું એકલો રહી ગયો."
રોમાના મનમાં મિશ્ર ભાવનાઓ ફૂંકાવા લાગી , ગુસ્સો, આંચકો, અને થોડી કૌતૂહલભરી તરસ કે એણે ક્યારેય આ વાત કેમ એની મમ્મી એ ન જણાવી?
મૃદંગ બાજુમાં બેઠી હતી, પણ એ જાણતી હતી કે આ વાત હવે રોમા અને શ્રી વચ્ચેનું અંતર વધારી શકે છે… અથવા તો વધુ ગાઢપણું પણ લાવી શકે છે.
શ્રી ધીમા અવાજે બોલ્યો ,
"રોમા, હું તારી મમ્મીને ફરીથી ક્યારેય ન મળ્યો… પણ તું અહીં આવી, એ મને એમ લાગે છે કે જીવનએ મારી ખાલી જગ્યા પૂરવા મોકલી છે."
રોમાની આંખોમાં આંસુ આવ્યા, પણ એ બોલી નહીં. વરસાદ વધી ગયો હતો… કદાચ આ વરસાદે એક જૂની પ્રેમકથા ધોઈને નવી શરૂઆતની જમીન તૈયાર કરી રહી હતી.
રાત્રે બેડ પર પડેલી રોમા છત તરફ જોયા કરતી હતી. વરસાદની ટીપાંની ટપક-ટપક એની અંદરની ઉથલપાથલને સંગીત આપી રહી હતી.
"મમ્મીએ આ વાત કેમ ન કહી? શ્રી સાહેબે પણ કેમ છુપાવી? શું આ પ્રેમ એટલો નબળો હતો કે સમય સામે ટકી ન શક્યો… કે એટલો મજબૂત કે આજ સુધી જીવંત છે?"
એના મનમાં સો સવાલો ઊભા થયા.
સવારે કોલેજમાં શ્રીને જોયા ત્યારે એણે મનમાં નક્કી કર્યું ,વાત તો કરવી જ પડશે.
લંચના સમયે, એ શ્રીના કેબિનમાં આવી.
"સર, મારે સત્ય જાણવું છે. આખું સત્ય."
શ્રીની આંખોમાં એક શાંતિ અને પીડાનું અજીબ મિશ્રણ દેખાયું.
"રોમા, તારી મમ્મી મારા જીવનનો સૌથી સુંદર અધ્યાય હતી. અમે કોલેજના દિવસોમાં મળ્યા હતા… પ્રેમ થયો… સપના જોયા. પણ એ દિવસોમાં ઘરના દબાણ, સમાજની મર્યાદાઓ… અને થોડા ગેરસમજોથી, બધું તૂટી ગયું.
એણે પરિવારની ઈચ્છા પ્રમાણે લગ્ન કરી લીધા… હું એ સમયે કંઈ કરી શક્યો નહોતો."
રોમાની આંખોમાં આંસુ આવી ગયા.
"તો પછી તમે મને એ વાત પહેલેથી કેમ ન કહી?"
શ્રી ધીમા અવાજે બોલ્યા ,
"કારણ કે હું નથી ઈચ્છતો કે તું મને કોઈ બીજે રૂપે જોવે… તું મારા માટે દીકરી જેવી છે રોમા., પણ કદાચ એ જૂની કથા તારા અને મારા સંબંધના રંગ બદલી નાંખે." તું મુદંગ ને પણ કદાચ નફરત કરવા લાગે,.
રોમાએ થોડી ક્ષણ મૌન ધાર્યું.
પછી એણે એક વાત કહી, જે શ્રીના મનને હળવું કરી ગઈ ,
"સર , ભલે એ પ્રેમનો અંત આવી ગયો હોય… પણ આજે હું જોઈ શકું છું કે એ પ્રેમે જ તમને એ માણસ બનાવ્યા છે જે આજે છો. અને એ માણસને હું સન્માનથી જ જોઉં છું."
શ્રીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
બહાર વરસાદ બંધ થઈ ગયો હતો, પણ અંદર લાગણીઓનો ઝરમર હજુ ચાલુ હતી..
રોમા હવે બધું સમજી ગઈ હતી.
મમ્મી અને શ્રી સરના જીવનમાં ક્યારેય પૂરી ન થઈ શકેલી પ્રેમકથા, અને આજે મૃદંગ સાથે શ્રી સરની લાગણી , આ બધું એના મનમાં એક ચિત્રની જેમ સ્પષ્ટ હતું.
એને સમજાતું હતું કે, મૃદંગ પણ ક્યાંક અંદરથી શ્રી માટે કંઈક અનુભવે છે, ભલે એ સ્વીકારતી ન હોય.
એક રાત્રે રોમાએ પોતાની ડાયરીમાં લખ્યું
"જો પ્રેમને જીવનમાં સ્થાન ન મળે, તો એ અધૂરો રહીને લોકોના દિલમાં કાંટા છોડી જાય છે. હું નથી ઈચ્છતી કે મમ્મી અને શ્રી સરનો પ્રેમ આખી જિંદગી અધૂરો રહે… જેમ તે વર્ષો પહેલા રહ્યો હતો."
અગલા દિવસે સવારે ચા પર રોમાએ મૃદંગ અને શ્રી બંનેને હસતાં કહ્યું ,
"સાંભળો, મેં નક્કી કર્યું છે."
બન્ને એની તરફ જોયુ .
"હું ત્યાં સુધી લગ્ન નહીં કરું, જ્યાં સુધી મારી મમ્મી અને શ્રી સર લગ્ન ન કરે."
શ્રી હસી પડ્યા, એમ લાગ્યું કે આ મજાક હશે.
"રોમા, આ વાત તું ગંભીરતાથી કહી રહી છે?"
રોમાના ચહેરા પર શાંતિભર્યો આત્મવિશ્વાસ હતો ,
"હા, સર મને ખબર છે કે તમારી અને મારી મમ્મીની વાર્તા અધૂરી રહી હતી. જો હું એને પૂર્ણ કરી શકું તો એ મારા જીવનનો સૌથી મોટો ઉપહાર હશે."
મૃદંગે ચકિત નજરે રોમાની સામે જોયું.
અંદરથી અનુભવ્યું કે રોમા સાચું કરી રહી છે… પણ આ રસ્તો સરળ નહીં હોય.
રોમાની તૈયારીમાં એક અનોખો ઉત્સાહ હતો. એ જાણતી હતી કે વાત ફક્ત લગ્નની નથી, પણ એ એક સંદેશ છે , કે પ્રેમ કોઈ પણ વયે, કોઈ પણ સ્થિતિમાં સન્માન પામવો જોઈએ.
મહોલ્લામાં વાતો થવા લાગી ..
"આજકાલની છોકરીઓ તો પાગલ થઈ ગઈ છે… માને જ પ નવો પતિ આપવાની વાત કરે છે!"
"પણ એક વાત છે, દીકરી હોવા છતાં કેટલી મોટી હિંમત નું પગલું ભર્યું છે!"
કેટલાક લોકોએ રોમાને અટકાવવાનો પ્રયત્ન કર્યો.
"બેટા, સમાજ શું કહેશે? લોકો હસશે!"
રોમાએ શાંત સ્મિત સાથે જવાબ આપ્યો
"સમાજ હસે કે રડે, મને મારી મમ્મીનું સ્મિત જોઈએ."
મૃદંગ અંદરથી લડાઈ લડી રહી હતી. એના મનમાં વર્ષો જૂના સંસ્મરણો, અધૂરી વાતો , અધૂરા સપના ફરી જીવંત થઈ રહ્યા હતા.
શ્રી પણ અસ્વસ્થ હતા ,. "આ ઉંમરે લગ્ન? લોકો મજાક ઉડાવશે…"
પણ જ્યારે એમણે રોમાની આંખોમાં તે નિષ્ઠા જોઈ, એમને લાગ્યું કે કદાચ આ જ સમય છે જે તેઓ વર્ષો સુધી ગુમાવતા રહ્યા.
રોમાએ સગાં-સંબંધીઓને મનાવ્યા, પડોશીઓ સાથે વાત કરી, અને પોતાના પૈસાથી મમ્મી માટે લાલ રંગની સાડી ખરીદી ,
"મમ્મી, આ ફક્ત સાડી નથી… આ મારી બધી પ્રાર્થનાઓનો જવાબ છે."
લગ્નના દિવસે, મંડપમાં બધા ચકિત હતા.
એક વિધવા દુલ્હનના રૂપમાં, અને એના બાજુમાં એનો જૂનો પ્રેમ ,બંનેના ચહેરા પર લાજ અને આનંદની મિશ્ર છાપ હતી.
રોમા, ફૂલોથી ભરેલી થાળી લઈને, એના હાથથી મીઠાઈ વેહચતી હતી, જાણે એ પોતાની જ વાર્તાનો સુખાંત લખી રહી હોય.
જ્યારે મંગલફેરા પૂરા થયા, રોમાએ ધીમેથી કહ્યું
"હવે મમ્મી, મારી વારી છે… હવે હું મારી વાર્તા લખી શકું છું."
અને એ ક્ષણે બધાને સમજાયું , રોમાએ ફક્ત પોતાની મમ્મી અને શ્રી સરને નહીં, પણ પ્રેમને જ જીતાડી દીધો હતો.
લગ્ન પૂરા થઈ ગયા હતા. મંડપમાં હાસ્ય, આશીર્વાદ અને ખુશીઓનું વાતાવરણ હતું. રાત્રે, બધું શાંત થતાં, મૃદંગ અને શ્રી પોતાની નવી જિંદગીના પ્રથમ પળોમાં બેઠા હતા, પણ એ પળનો પ્રથમ આભાર રોમાને આપવાનો નક્કી કર્યો.
મૃદંગે રોમાના હાથ પકડીને ધીમેથી કહ્યું —
"બેટા, તું ફક્ત મારી દીકરી નથી… તું મારી માતા બની ગઈ. તે એ સપનું પૂરું કર્યું જે હું સપનામાં પણ જોવા ડરતી હતી."
શ્રીની આંખોમાં અજાણતાં જ પાણી આવી ગયું ,
"રોમા, તું મારા માટે એ દીકરી છે જે લોહીથી નહીં, પણ દિલથી જન્મે છે."
રોમાએ સ્મિત કર્યું, પણ અંદરથી એ ક્ષણે એનું મન ગર્વ અને સંતોષથી ભરાઈ ગયું.
એણે ધીમેથી કહ્યું ,
"મને ફક્ત એટલીજ ખબર છે કે પ્રેમમાં અધૂરા રહીને જીવવું જોઈએ નહીં ."
રાત્રે પોતાના રૂમમાં જઈને, રોમાએ ડાયરી ખોલી.
એણે અંતિમ પંક્તિઓ લખી ,..
"આજે મેં શીખ્યું કે ક્યારેક આપણે પોતાનો અધ્યાય થોડો મોડો લખીએ તો ચાલે,
પણ બીજા કોઈની અધૂરી વાર્તાને પૂર્ણ કરવી , એ જ સાચો પ્રેમ છે."
ડાયરી બંધ કરી, એણે ચાંદનીમાં મંડપ તરફ જોયું, જ્યાં થોડા કલાક પહેલા એની મમ્મી અને શ્રી સાહેબે જીવનના નવા પ્રકરણની શરૂઆત કરી હતી.
રોમાના ચહેરા પર શાંતિ હતી… અને દિલમાં એક નવી વાર્તાની શરૂઆત.
બહાર ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો હતો અને એજ જૂની છત્રી બહાર આંગણા માં આવેલી દીવાલ પર ખીંટી પર લટકતી હતી...
