આદિશિવાની લાગણીભીની પ્રણયકહાની
આદિશિવાની લાગણીભીની પ્રણયકહાની.
"શિવાની...શિવા..." તેણે ચીસ પાડી. ગગનને ચીરતી, નાભિના ચક્રને વીધતી, અંતરને છિન્નભિન્ન કરી દેતી ચીસ બાવરા આદિશના અસ્તિત્વમાંથી નીકળી. તે જ ક્ષણે ભયાનક તોફાન શરૂ થયું. વરસાદ સાથે શિખર પરથી બરફ ધસી પડ્યો... આદિશને લઈને.
"શિવા.." તેણે ફરીથી ચીસ પાડી. એવું લાગ્યું કે આકાશ ધ્રુજી ઉઠ્યું. ધરતી ધ્રુજી ઉઠી અને હાલકડોલક થવા માંડી.
"ક્યાં સુધી આમ ભટક્યા કરીશ?" બરફથી ઢંકાયેલા પહાડ પરનાં ઉત્તુંગ શિખર ઉપર સુસ્વાટાભર્યા પવનમાં, તોફાનમાં, ચીંથરેહાલ કપડામાં, પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમતા આદિશના કાનમાં આ પ્રશ્ન, આભમાં ઊંચે ઊડતું, કર્કશ અવાજ કરતું બાજ પક્ષી પૂછી બેઠું. ઉપર બરફ વરસાવતું આભ અને નીચે ધસતી ધરતી! પોતાની સામે મોત નાચતું હોય તેવો આભાસ થતાં બાવરો આદિશ ખડખડાટ હસી પડ્યો. "ભટકીશ.. ભટકીશ... નિરંતર ભટકતો રહીશ. જ્યાં સુધી મને મારી શિવાની નહીં મળે."
એક ઊંડી ખીણમાં, ગીચ જંગલ ઝાડીમાં આદિશનો કૃશ દેહ પટકાયો.
લોહી લુહાણ શરીરે, વેદનાથી પીડાતો આદિશનો દેહ તડપી ઉઠ્યો. બાવરો આદિશ તોય ખડખડાટ હસવા માંડ્યો." આ મૃત્યુ પણ હાથ તાળી દઈને જતું રહે છે. એનો અર્થ એ કે મને શિવાની મળશે. જલ્દી જ મળશે."
"શિવાની.. શિવા.." બોલતો આદિશ ઉઠ્યો. વનવન સૂતેલાં વૃક્ષોને, જંગલી જનાવરોને, પક્ષીઓને, ખળખળ વહેતાં પાણીને સાદ પાડીને પૂછવા લાગ્યો," મારી શિવાને જોઈ છે તમે?"
***
બરફના પહાડોમાંથી ચળાઈને આવતાં કૂણાં કૂણાં તડકામાં ખળખળ વહેતી યમુનાનું શ્યામ જળ અદ્ભૂત, અલૌકિક લાગતું હતું. પથ્થર પરથી પડીને નૃત્ય કરતું જળ સપાટ ભાગમાં આવતાં એક અદ્ભૂત ત્રિભંગ સ્વરૂપ પ્રાપ્ત કરતું હતું. ક્યાંક કૂણાં તડકાનું પ્રતિબિંબ ઝીલતાં જળની કિનારી જાણે હાથનાં કંકણ હોય તેમ ઝગારા મારતું હતું. આ અલૌકિક જળને નિહાળતાં રુદ્રગીરીના ખભા પર કંઈક સ્પર્શ થતાં તે એકદમ ચમક્યો. તેનાં કાને અવાજ અથડાયો." રુદ્ર"
"જી ગુરુજી." તે સહસા બોલી ઉઠ્યો.
"તું કોણ છે?"
'હું.. હું કોણ છું?" વારંવાર એણે પોતાની જાતને આ પ્રશ્નથી નવડાવી દીધો. ખળખળ વહેતી યમુનાના જળ પરથી દ્રષ્ટિ ઉઠાવી તેણે આસપાસ જોયું. તેનાં વિસ્ફારિત નયનો ગુરુજીને સદેહે જોવા અધીરા થઈ ગયા. આખરે ઊંડો શ્વાસ લીધો. આંખ બંધ કરી મનને અંતરનાં ઊંડાણની ગર્તામાં ધકેલ્યું.
"હું એટલે આ શરીર.. એક રાખની પોટલી." તેના હોઠ સ્વગત બોલી ઊઠ્યાં પરંતુ તેનું મન, તેની આંખો હજી યમુનાનું સૌંદર્ય પાન કરી રહી હતી.
"હજી કાચો છે. રુદ્ર આગળ વધ. સાધુ તો ચાલતા ભલાં. " એક ઘેઘૂર અવાજ તેને ઘેરી વળ્યો અને તે ફરી ભૌતિક દુનિયામાં આવી ચઢ્યો. તેના પગલાં આગળ વધતા જ હતા અને એક જીવતા દેહના ઊંડા ઊંડા શ્વાસનો રવ તેના કર્ણને છેદી ગયો. તે ફરી ઉભો રહ્યો. આસપાસ નજર કરી.' કોણ હોઈ શકે? આવા એકાંત, નીરવ, અડાબીડ જંગલની ગીચ ઝાડીમાં તો કોઈક જંગલી જનાવર જ હોઈ શકે.' કોઈપણ જાતનાં ભયને સ્પર્શયા વગર તે અવાજની દિશામાં આગળ વધ્યો. થોડાંક ઝાડી ઝાંખરાં પસાર કરતા તે એકદમ જ અટક્યો. તેના પગ પાસે જ એક જીવતો દેહ ઊંડા શ્વાસ ભરી કંઈક બોલી રહ્યો હતો. રુદ્રગીરીએ નીચા વળી તેનો હાથ ઉઠાવ્યો. ત્યાં તો તે દેહ બોલી ઉઠ્યો," મારી શિવાને જોઈ છે તમે?"
"મારી શિવાને જોઈ છે તમે?" ફરી એ દેહે રટણ કર્યું. રુદ્રગીરી હસી પડ્યો.' કેવું છે માનવમન! દેહ મરણ પથારીએ પડ્યો છે. દેહની નસનસ તૂટે છે. તો ય આ દેહ પ્રભુસ્મરણ કરવાને બદલે મોહ, માયામાં જ અટવાયો છે.' તે મોટેથી બોલ્યો," આટલાં હૃદયથી તું ભગવાનને બોલાવે તો ભગવાન પણ મળી જાય. તુચ્છ માનવી!"
" મારી શિવા જ મારો ભગવાન છે. તેનો પ્રેમ જ મારું અસ્તિત્વ છે. મારી શિવા જ મારો આત્મા છે. આ મારો આત્મા ક્યાંક ખોવાઈ ગયો છે. તેને જ શોધું છું. મારી શિવાને જોઈ છે તમે?"
"વાહ! ભાનમાં છે." રુદ્રગીરીએ બાવરા આદિશનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. 'પ્રેમની આટલી ઉત્કટ લાગણી! પ્રેમની આટલી અદ્ભુત ઊંચાઈ! શરીરની વાસના, મોહ, માયાથી ઉપર આ એક અદ્ભૂત પ્રેમને જોઈને રુદ્રગીરીને આશ્ચર્ય થયું.' કોણ હશે આ! આ દેહની વેદનાથી કણસતી પીડાને આરપાર કરીને, જેનાં લોહીમાં પ્રેમ નામનું તત્વ ભ્રમણ કરી રહ્યું છે. કોણ હશે આ માનવી.. જેણે પ્રેમ નામનો અલૌકિક, અદ્ભુત રસ પીધો છે!' રુદ્રગીરીએ તેની કૃશ કાયાને ખભે નાખી.
માનવ વસ્તીમાં આવી રુદ્રગીરીએ હોસ્પિટલમાં ડોક્ટરને એ દેહ સોંપ્યો. હજી એ દેહમાં ગરમાવો હતો. પ્રેમ નામનું તત્વ એ દેહને જીવાડી રહ્યું હતું.
આ અદ્દભૂત પ્રેમને પ્રણામ કરી તે સાધુ ચાલતો થયો. પોતાનાં ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા.
"હેલો... યંગમેન.." ડોક્ટર હરિએ, બાવરાને ઉઠાડવાની કોશિશ કરી. તેમણે સ્ટેથોસ્કોપ કાનમાં નાખી હૃદયની ધડકન તપાસી. ધક્...ધક્...ઝડપથી ચાલી રહી હતી હૃદયની ગતિ. તેમણે બધુંય તપાસ્યું. પગનાં છાલામાંથી નીકળતું લોહી કે શરીરે વળગેલાં ઝાડી ઝાંખરાના કાંટામાંથી દદડતું લોહી. અશક્ત શરીર, ચીથરેહાલ કપડાં, ઘાસ જેવી વધી ગયેલી દાઢી, ઝાંખરા જેવા ઊભા વાળ જોઈને આશ્ચર્ય થયું. કેવી રીતે જીવિત છે આ વ્યક્તિ! તેમણે વોર્ડબોયને બોલાવ્યો. હુંફાળા પાણીથી સ્નાન કરાવ્યું. દાઢી અને વાળ સાફ કરાવ્યાં. સારા કપડાં પહેરાવ્યા અને પથારીમાં સુવાડ્યો. હજી અભાન અવસ્થામાં જ હતો આ બાવરો.
ડોક્ટર હરિ તેનું મોઢું જોઈ રહ્યા. નાકનકશે સુંદર, ગૌરવર્ણ ત્વચા અને એક અદભુત ચળકાટ, તેજ હતું તેનાં ચહેરા પર. માનવસહજ જિજ્ઞાસા સંતોષવા તેમણે ફોટો પાડી ગુગલ પર સર્ચ કરવા માંડ્યું.' કોણ હશે આ?' પોતાનાં whatsapp ગ્રુપમાં પણ ફોટો મુક્યો. મિત્રોને પણ વિનંતી કરી.
ફરી આવીને એ વ્યક્તિને તપાસ્યો.થોડીક દવા મિશ્ર કરી બોટલ ચડાવી. ત્યાં તો મોબાઈલ પર ધડાધડ મેસેજ આવવાં લાગ્યાં. ઘણા મેસેજ વાંચતા તો આંખો ચકાચોંધ થઈ ગઈ. "ઓહ માય ગોડ! આ પોતે ડોક્ટર! ડોકટર આદિશ..."
ત્યાં તો ફોનની રીંગ આપોઆપ ગુંજી ઉઠી. અજાણ્યો વિદેશી નંબર જોઈને ડોક્ટર હરિએ ફોન રીસીવ ના કર્યો. સતત તે નંબર પરથી ફોન આવતાં કુતૂહલવશ ફોન રિસીવ કર્યો.
"ઓય... હરિ, હું તારો બાળપણનો લંગોટીયો મિત્ર સની. ફોન કેમ નથી ઉપાડતો?"
"આ અજાણ્યો નંબર!"
"યાર... લંડનમાં છું. નવો ફોન નંબર છે. સાંભળ. તે જે ફોટો મૂક્યો છે ને તે ડોક્ટર આદિશ, સુરતનાં પ્રખ્યાત ન્યુરોસર્જન છે, વળી સાહિત્યમાં ઉંડો રસ ધરાવે છે. ગઝલ લખે છે. અફલાતુન ગઝલ! હૃદય સોંસરવી ઉતરી જાય તેવી! 'આદિશિવા' ના ઉપનામથી..! તું સર્ચ કરીશ તો બધુંય મળી જશે."
" મને તેમનાં વિશે જણાવ. આ આવી હાલતમાં કેમ?"
"અરે યાર! તેની પત્નીનું નામ શિવાની હતું. લવમેરેજ હતાં. શિવાની અદ્ભૂત નૃત્યકાર હતી.એકવખત શિવાનીના નૃત્ય કાર્યક્રમમાં ડોકટર આદિશે શિવાનીને જોઈ 'ને પહેલી નજરમાં જ પ્રણયનાં અંકુર આદિશની મનોભૂમિમાં ફૂટી નીકળ્યાં. પછી તો હોલ ખાલી થયાં પછી પણ આદિશ બાવરો બની તેને જોયાં કરતો.રાહ જોતો એક ઝલકની.એકવાર આદિશ શિવાનીના કાર્યક્રમમાં જઈ ન શક્યો. તે દિવસે શિવાની નૃત્ય ન કરી શકી.બાવરી બની પહોંચી ગઈ ડોક્ટર આદિશની હોસ્પિટલમાં. પછી તો એય..શરણાઈ ગુંજી ઉઠી.
" આ હતી એટલે? છૂટાછેડા!"
"ના યાર. બેઉ એકબીજાને બહું જ બહુ પ્રેમ કરતાં હતાં. તે યુગલને જોતાં જ મનમાં થઈ આવે કે 'ધે મેઈડ ફોર ઈચ અધર.' પ્રસન્ન દાંપત્યજીવન હતું. ડોક્ટર આદિશની 'પાગલ પ્રેમી' ગઝલ વાંચશે તો ખબર પડશે કે..."
"પણ આખરે થયું શું? કેમ આવી હાલત થઈ? સાવ ગાંડા જેવી હાલતમાં છે અત્યારે. જબરો માનસિક આઘાત લાગ્યો છે!"
"થયું હતું એવું ને કે... અરે યાર! ઇન્ડિયાથી મમ્મીનો ફોન આવે છે. પછી વાત કરું."
ડોક્ટર હરિ સાથે બેઠેલાં ડોક્ટર નેહાને, એક દર્દીમાં આટલો બધો ઇન્ટરેસ્ટ લેવા માટે ડોક્ટર હરિ માટે આશ્ચર્ય થયું. તેઓ ચૂપ ના રહી શક્યા,"ડોક્ટર હરિ, આ માનસિક આઘાતવાળો દર્દી છે. કદાચ એવી જ સિચ્યુએશન ક્રિએટ કરીએ કે જ્યારે આઘાત લાગ્યો ત્યારે હતી તો કદાચ ફેર પડે. તેની આખી કેસ હિસ્ટ્રી જાણવી ખૂબ જરૂરી છે."
"સર.. સર.." વોર્ડબોય ગભરાયેલો, હાંફળો ફાફળો ડોક્ટર હરિની ચેમ્બરમાં આવ્યો. "સર, પેલો ગાંડો ગાયબ થઈ ગયો છે. પથારીમાં નથી. હોસ્પિટલમાં પણ નથી. ચોકીદારને પૂછ્યું તો કહેતો હતો, 'મારી શિવાનીને જોઈ છે તમે?' ચોકીદારે ના કહી તો ચાલ્યો ગયો."
"પણ ચોકીદાર તેને ઓળખી ન શક્યો! આમ સાવ બેદરકાર...!"
" તેને સ્વચ્છ કર્યા પછી તો આખો લુક જ બદલાઈ ગયો હતો. ચોકીદાર ના જ ઓળખી શકે ને!"
"આટલામાં જ ક્યાંક હશે. શોધો."
"આસપાસ બાઈક લઈને શોધવા ગયો હતો પણ ક્યાંય નથી દેખાતો. જાણે પહાડમાં ઓગળી ગયો! "વોર્ડ બોયની આંખોમાં દુઃખનો સમુદ્ર છલકાતો હતો.
"વેલ, કંઈક કરીએ."
***
હિમાલયની કેડીઓ ઉપર, કેદારનાથ જવાના રસ્તે માનવ વણઝાર લાકડીના ટેકે "ઓમ નમઃ શિવાય" ના નાદ કરતી ચાલી રહી હતી. એક નાકનક્શે સુંદર દેખાતો વૃદ્ધ તેઓની પાછળ નીચું ઘાલીને ચાલતો હતો. તરસ લાગે ત્યારે મંદાકિનીનું ખળખળ વહેતું સ્વચ્છ નીર પી લેતો હતો. થોડીકવાર મંદાકિનીનાં પાણીમાં જોયા કરતો પછી ચીસ પાડીને પૂછતો, "મારી શિવાને જોઈ છે તમે?" જવાબ ન મળે તો પાણીમાં મુક્કા મારતો. યાત્રિકોએ ફેંકેલા ખોરાકના ખાલી પડીકામાંથી રહ્યુંસહ્યુ ખાતો. પડીકાના કાગળ ચાટતો. થોડા દિવસમાં તો ફરી ચહેરા પર દાઢી ગમેતેમ ઉગી ગઈ. વાળ ઝાડી ઝાંખરાં જેવાં થઈ ગયાં. કપડા ઠેર ઠેર ફાટી ગયા. આ ગાંડાની દયા આવતા યાત્રીકો કઈંક ખાવાનું આપતાં. કોઈ ધાબળો ઓઢાડતા પણ આ તો બાવરો.. ફરી ઠેર ઠેર, વનવન ભટકવા લાગ્યો... શિવાનીને શોધવા. પોતાનાં પ્રેમરૂપી આત્માને શોધવાં.
ચારે બાજુ ઊંચા ઊંચા પહાડો. પહાડો પર ક્યાંક બરફ છવાયો હતો, ક્યાંક લીલાછમ વૃક્ષો હઠયોગીની માફક ઊભા રહી તપ કરતાં હતાં. ઉપર વિશાળ નીલ ગગન અને નીચે મંદાકિનીનું ભૂરું, સ્વચ્છ પાણી. કુદરતે મન મૂકીને, છૂટાં હાથે સૌંદર્યતાને અહીં વેરી હતી. ક્યાંક ધોધ વહેતાં તો ઝરણાં ફીણ ઉડાડતાં છમછમ નાચતાં હતાં. આ છમછમ અવાજ સાંભળી આદિશ દોડ્યો. નાનકડાં ઝરણાં પાસે ઊભા રહીને પ્રેમથી તેને પૂછ્યું, "શિવાનીએ તને છમછમ કરીને નાચતા શીખવાડ્યું છે ને હેં! મને કહે મારી શિવાને જોઈ છે તે? હેં ..બોલને.. બોલને.." જાણે વિરહની પરાકાષ્ઠા આવી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહે તે પહેલાં જ આકાશમાં કાળા ઘનઘોર વાદળો છવાઈ ગયાં અને મન મૂકીને મેઘલો વરસવા લાગ્યો. આદિશ ઉપર જોઈને બોલ્યો," મારી શિવાને જોઈ છે તમે?" અચાનક કંઈક યાદ આવતાં તે બોલ્યો,"તે દિવસે તું આમ જ વરસતો હતો ને!" આદિશ દોડવા લાગ્યો. જંગલમાં આવેલ એક મોટા વૃક્ષ પર વીંટળાયેલી વેલને જોઈને ઉભો રહી ગયો. ભીનાં ભીનાં વિશાળ વૃક્ષને, વેલ સુરક્ષિત રીતે વીંટળાઈને સૂતી હતી. આદિશ બાવરો પોચી જમીન પર ઉગેલા લીલાછમ ઘાસ પર બેસીને તેના પર હાથ ફેરવવા લાગ્યો. તેણે માથું ધૂણાવ્યું." તે દિવસે આમ જ..." તેની આંખો બંધ થઈ ગઈ. "શિવાની મારી પ્રિયતમા.. મારી વ્હાલી પત્ની..." બોલતાં બોલતાં ભૂતકાળની વેદનાનાં અનંત સાગરમાં ખોવાઈ ગયો.
***
સતત વરસાદને લીધે બગીચામાં પોચું પોચું ઘાસ ઉગી નીકળ્યું હતું. વરસાદમાં નહાઈને તો વૃક્ષોનાં પર્ણો પણ લીલાછમ થઈને પ્રસન્નપણે નૃત્ય કરી રહ્યાં હતાં. ચંપા અને મોગરાના સફેદ ફૂલો ખરી પડી જમીન પર સફેદ ચાદર બિછાવી દીધી હતી. કુદરતનું મનમોહના સ્વરૂપ જોઈ શિવાની પારદર્શક લીલી બાંધણી પહેરી, કમરે પાલવ વીંટાળી, પગમાં ઝાંઝર પહેરી નાચી રહી હતી. તેની અંગભંગીનીમાં કંઈક એવું તત્વ હતું કે આદિશનું મન આકર્ષાઈને તેને જોવા લાગ્યું. તે પાસે ગયો અને વરસતાં વરસાદમાં, પોતાની જ ગઝલનાં શબ્દોથી શિવાનીને ભીંજાવવા લાગ્યો.
" ઓ મારા પ્રિય ગઝલકાર, આજે તારાં શબ્દો નહીં પરંતુ કોઈ મનને લોભાવે તેવું, પ્રકૃતિ સાથે એકરૂપ થઈ જવાય તેવું સુંદર ક્લાસિકલ ગીત ગા. આજે તો ભવભવની પ્રીત હૈયડે જગાડવી છે. એક નહીં પણ સાતેય જનમની પ્રીત તારી સાથે કરવી છે. બસ! તારી સાથે રહી આમ જ મન મૂકીને નાચવું છે. જીવવું છે. ફરી કદાચ હું હોઉં કે ના હોઉં..." વરસાદમાં મન મૂકીને નાચતી નટખટ શિવાની આજે આદિશના પ્રેમમાં તરબોળ થઈ જવા માગતી હતી. શિવાનીએ નાચતાં નાચતાં પાણીનાં ખાબોચિયામાં પગ પછાડ્યો. પાણીની છાલક આદિશને લાગી, તે સાથે જ આદિશ તનમનથી ભીંજાઈ ગયો. તેનાં શરીરમાં એક મીઠો અગ્નિ પ્રજવલિત થઈ ગયો. બેસુરા અવાજમાં તેણે ક્લાસિકલ ગીત છેડ્યું. તે પોતે પણ બે હાથ પહોળાં કરીને નાચવા લાગ્યો.
" કૂહુ..કૂહુ.. બોલે કોયલિયા..
કાહે... ઘટામે બીજલી ચમકી..
હો સકતા હૈ મેઘરાજને બાદલિયા કા શ્યામ શ્યામ મુખ ચૂમ લીયા હો.."
બેસુરા અવાજમાં ગવાતા ગીતને સાંભળી શિવાની ખીલખિલાટ હસવા માંડી. અચાનક આદિશે શિવાનીને કમરેથી ખેંચી. વિશાળ વૃક્ષને વીંટળાયેલી વેલની માફક પોતાનાં શરીરની આસપાસ વીંટાળી દીધી. બેઉ તનમન એક થઈ ગયાં. શિવાનીએ એક ઊંહકારો કર્યો પરંતુ ભાન ભૂલેલા બેઉ તનમન એકબીજામાં એવા ઓગળી ગયાં હતાં કે 'શું થયું?' તેનું ભાન જ ન રહ્યું. થોડો વખત વીંટળાયેલા રહ્યાં ત્યાં તો શિવાનીના હોઠમાંથી ફીણ નીકળવા માંડ્યું. શરીર લીલું પડવા માંડ્યું. થોડીવારમાં તો શિવાનીનું બેજાન શરીર આદિશની હાથમાં રહી ગયું. "શિવાની.. મારી શિવા.." આદિશે ગગનભેદી ચીસ નાંખી. તે જ ક્ષણે વરસતા વરસાદમાં આકાશમાં વીજળી ગડગડાટ કરતી ત્રાટકી. એક લાંબો, લીલો.. કાળોતરો સાપ સરરર્ કરતો સરકી ગયો. આદિશ બાવરો થઈ ગયો. તેના હૈયામાં જાણે વીજળી પડી! તે ઘાસ ઉપર જ બેભાન થઈ ગયો."
***
હર્ષિલ ગામ ચારેતરફ પહાડોથી ઘેરાયેલું, દેવદારના વૃક્ષોથી છવાયેલાં ગાઢ જંગલ વચ્ચે ખળખળ નદી, ઝરણાં વચ્ચે થોડી પહાડી માનવવસ્તી ધરાવતું હતું. પહાડોનું સૌંદર્ય તો અદ્દભુત હતું જ પરંતુ અહીંના લોકો પણ દેવ જેવું સૌંદર્ય ધરાવતા હતાં. અહીંની કન્યાઓ દેવકન્યા જેવી લાવણ્યમયી, સુંદર લાગતી હતી. અહીંની સુંદર, સુવર્ણમયી સવારમાં નીલા, શંપા, મધુ, ગૌરી, શીલું જેવી સહેલીઓનું ટોળું બકરી ચરાવવા નીકળી પડ્યું હતું.
" અલી ઓ..ય શંપા, ગૌરી આગળ એકલી ના જા. ગાઢ જંગલ છે. જંગલી જનાવરોની સાથે બે પગા ભયંકર પશુ જેવાં માણસો પણ હોય છે." સહેલીઓ છમછમ નાચતી, કૂદીને આગળ વધતી, ષોડશી કન્યાઓ શંપા,ગૌરીને રોકી રહ્યાં હતાં. ઘૂંટણ સુધીનો ઘમ્મરીયાળો રંગબેરંગી ઘાઘરો અને એવો જ કમર સુધીનો કબજો, માથે ફુમતાવાળું ઓઢણું, હાથમાં સફેદ અને લાલ કંકણ, પગમાં ઝાંઝર ઝમકાવતી, કાનમાં ભારેખમ ઝૂમખાં, કપાળે હાલકડોલક કરતું મોટું મોતી ભરેલું ઝુમખું, નયનો નચાવતી ગૌરી બોલી ઉઠી, "આ તો રોજનું થયું. પહાડી માણસોને વળી ભય કેવો! ચાલ આગળ જઈએ. ક્યાંક લાકડા મળી જશે સાથે થોડાં ફૂલ પણ... મધ મળશે તો ખાઈને મજા કરીશું."
"શંપા,ગૌરી રોકાઈ જાઓ." દૂરથી મુખીબાપુનો ગંભીર, ઘેઘૂર અવાજ તેમનાં કાને પડ્યો.
બધી સહેલીઓ રોકાઈ ગઈ... મુખીબાપુનાં હુકમથી નહીં પરંતુ ઘાસ પર સૂતેલાં બેભાન માણસને જોઈને! એક અજાણ્યા ભયથી ડરીને, બેબાકળી થઇ ગભરાઈને ચીસ પાડી ઉઠી. મુખીબાપુ નજીક આવ્યા અને તે વ્યક્તિને જોવા લાગ્યા.
"કોઈ પરદેશી બાવરો લાગે છે. જીવે છે હજી." આંખોમાંથી કરુણા છલકાવતા મુખીબાપુ બોલ્યા અને તે કૃશ, વૃદ્ધ દેહને ખભે નાંખી ગામનાં શિવાલયના ઓટલે સુવાડ્યો. વૈદ્યને બોલાવીને વનસ્પતિ સૂંઘાડી. પગમાં થોડું તેલ ઘસ્યું. મોઢામાં થોડીક ઔષધી રેડી. થોડીક વાર રહીને તે વૃદ્ધ ભાનમાં આવ્યો. ભાનમાં આવતાં જ તે બોલી ઉઠ્યો, "મારી શિવાને જોઈ છે તમે?"
અજાણી વ્યક્તિ, અજાણી ભાષા... પહાડની નિખાલસ વ્યક્તિઓને તે ના સમજાયું. તેમણે માત્ર થોડું મોઢું હલાવ્યું. પહેલાં હકારમાં અને પછી નકારમાં. શિવાલયમાં તેને શરણ આપી સહું રોજિંદા કામોમાં વ્યસ્ત થયાં.
ભાનમાં આવેલ તે વ્યક્તિ, આખો દિવસ બાવરો બની પહાડોને જોતો, મંદિરમાં જઈ શિવલિંગ પાસે અસ્ટમપસ્ટમ બોલતો, મોટેથી રડતો, બહાર આવી ગોળગોળ ફરતો, વૃક્ષોનાં પાંદડાં તોડી જનાવરની માફક ચાવતો છેવટે ઓટલા પર સૂઈ ગયો.
સાંજની વેળા થઈ. પૂજારીજી રુદ્રગીરી આવ્યા અને શિવાલયમાં આરતી ચાલુ થઈ. મંદિરની આરતીની ઘંટડીનો મીઠો રવ, તે વ્યક્તિ એટલે કે આદિશને થોડીક શાંતિ આપી ગયો. પૂજારી રુદ્રગીરી દ્વારા ઉચ્ચારાતાં સંસ્કૃતનાં શ્લોકો તેનાં હૈયે ટાઢક આપતાં હતા. શ્લોકના શબ્દો આદિશના કાનમાં અમૃત રેડી રહ્યા હતા. તેને એવું લાગ્યું કે 'ખરેખર જ શિવજી તેને પીડામાંથી મુક્ત કરશે જ.' આદિશના તનમનમાં પરિવર્તન આવવા લાગ્યું.
રાત્રે મંદિરના પૂજારીજી અને આદિશ એકલાં પડ્યાં.
"અરે! તુચ્છ માનવ, બાવરા.. આખરે શિવજીની શરણમાં આવી ગયો ખરો!" રુદ્રગીરી આદિશની ખૂબ જ નજીક આવતા બોલી ઉઠ્યાં.
આદિશ વિચારમાં પડી ગયો. પોતાના હાલ જોવા લાગ્યો. વધેલી દાઢી, રૂક્ષ વાળ, નંખાઈ ગયેલો ચહેરો, ઉંડી ઉતરી ગયેલી આંખો, ફાટેલા કપડાં, વધી ગયેલા નખ અને ધ્રુજતુ વૃદ્ધ શરીર... 'આ હું છું?' તેણે કશુંક યાદ કરવાની કોશિશ કરી. 'શિવાનીના શરીરને લાલ ઓઢણી ઓઢાડીને લઈ જતાં માણસો.. રામરામ.. ' બોલાતાં શબ્દો સિવાય તેને કશું યાદ ના આવ્યું. ' મારી શિવાની હજી જીવે છે. શા માટે શિવાનીને તે લોકો લઈ જતાં હતાં? પોતે રોકી ન શક્યો. કેમ?' એ ફરી ઉંડી ગર્તામાં ઓગળવા માંડ્યો. ફરી પાછું ધૂંધળું દેખાવા માંડ્યું. અચાનક તેણે પૂજારીજીને પૂછ્યું, "હું ક્યાં છું? મારું શરીર આવું કેમ છે? આ કયું વર્ષ ચાલે છે?"
" 2025" રુદ્રગીરીએ જવાબ તો આપ્યો પણ તેમની આંખો આ બાવરાની આરપાર થવા માંડી.
"ઓહ માય ગોડ! વીસ વર્ષ! વીસ વર્ષ હું ક્યાં હતો? ક્યાં ક્યાં ભટક્યો શિવાનીને શોધવા? તે મૃત્યુ પામી છે પણ મારું મન સ્વીકારી નથી શકતું. તે જીવે છે. હા જીવે છે. અહીં જ આસપાસ છે. તમે મારી શિવાનીને જોઈ છે?"
"વધુ નહીં વિચાર. સૃષ્ટિ પાસે તમે સાચાં હૃદયથી કંઈ પણ માંગો તો સૃષ્ટિ આપણા સુધી તે કોઈપણ સ્વરૂપે પહોંચાડે જ છે પણ આપણે તેને ઓળખી કે પારખી નથી શકતા. શિવજીની શરણમાં આવ્યો છે તો બધું કુશળ થશે જ. રુદ્રગીરીએ માથે હાથ ફેરવ્યો. આદિશને એક અનોખી શાતા મળી.. ભવભવની.
'મૃત્યુ પામેલ તે કદી પાછાં આવતાં હશે? અશક્ય છે. હે શિવજી! આ બાવરાને સદબુદ્ધિ આપો. એ પ્રેમને જ ભગવાન માને છે. પોતાનાં પ્રેમને ગુમાવવાનું દુઃખ તમારાથી વધું કોણ જાણી શકે શિવજી! અશક્યને શક્ય કરનાર હે ભોળાનાથ! આ બાવરાનો ઉદ્ધાર કરો.' રુદ્રગીરીએ રાત્રિની આરતી ઉતારતાં, ભગવાનને ભોજનનો થાળ ધરાવતાં, શુદ્ધ હૃદયે ભગવાનને વિનંતી કરી રહ્યાં હતાં તે જ વખતે ગૌરી, શંપા હાથમાં ભોજનની થાળી લઈ આદિશને આપવા તેની પાસે ગઈ.
આદિશની આંખો તેને જોતાં જ વિહ્વળ થઈ ગઈ. તેનું હૈયું હાથમાં ના રહ્યું. તેની વાચા જાણે હણાઈ ગઈ! તેણે માથું ધૂણાવવા માંડ્યું.
આદિશને જોતાં જ ગૌરીના હૃદયમાં પણ ઉથલપાથલ મચી ગઈ. આંખમાં ઘેન જેવું લાગ્યું. ધૂંધળું દેખાવા માંડ્યું. અચાનક તે ધરતી પર ચત્તાપાટ પડી ગઈ. શરીર લીલું પડવા માંડ્યું. કણસવા લાગી વેદનાથી. ધરતી પર આળોટતા તે આદિશની નજીક... અર્ધબિડેલી ઘેનભરી આંખોએ તેણે આદિશની આંખોમાં આંખ નાંખી. તેનાં હોઠ ઉપર "આદિશ...આદિ..." નામ આવ્યું અને તરત જ તેની ડોક ઢળી પડી. બાવરા આદિશની જાણે આંખો ફાટી ગઈ! અંતરઆત્મા વલોવાઈને એક ચીસ એની કૃશકાયામાંથી બહાર ફંગોળાઈ.
"શિવાની..."
મેઘલો ધોધમાર વરસી પડ્યો.ગડગડાટ કરતી વિજળી ત્રાટકી. તે જ ક્ષણે એક લાંબો, લીલો, કાળોતરો સાપ સરરર્ કરતો સરકી ગયો.
"શિવાની..." બાવરો આદિશ માથું પછાડવા લાગ્યો, છાતીમાં જોરજોરથી મુક્કા મારવા માંડ્યો, વાળ ખેંચવા લાગ્યો, લાંબા હાથ કરી ઘડીક શિવજી સામે જોઈને ઘડીક શિવાની જેવાં જ ગૌરીના મૃતદેહને જોઈને વિલાપ કરવા માંડ્યો.
વિલાપ કરતું મુખીબાપુનું કુટુંબ અને તેમની સાથે ગામનું ટોળું આવ્યું ત્યારે આદિશ, ગૌરીનો મૃતદેહ હૈયડે વળગાડીને હૈયાફાટ રૂદન કરતો હતો.
"મારી ગૌરીના દેહને અભડાવ્યો બાવરા?" મુખીબાપુ આદિશને અણીયાળી લાકડીથી પ્રહાર કરવા માંડયાં.ટોળું પત્થર મારવા માંડ્યું.
શિવાનીના દેહને પોતાના દેહ સાથે જકડી, લોહીલુહાણ આદિશ મંદિરની પછીતના ભાગે ભાગ્યો.જેવો બહાર નીકળ્યો કે મેઘલો મૂશળધાર વરસી પડ્યો તે સાથે જ ગગનને ચીરતી,ધરતીમાં સમાવા તત્પર વીજળી ગડગડાટ ગર્જનાથી ત્રાટકી 'ને "આદિશિવા"...!
****
