વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કરુણ રસ આધારિત વાર્તા - છુટકારો

અવંતિકા હીંચકા પર બેઠી બેઠી ઊંડા વિચારોમાં હતી. જેમ હીંચકો હાલકડોલક થતો હતો એમ એ પણ ભૂતકાળમાં થયેલા અનુભવ અને વર્તમાનમાં પોતાના અસ્તિત્વને ન્યાય આપવા પોતાની જાતે જ જાત સાથે ઝઝુમી રહી હતી. અનેક પ્રશ્નો એના મનને ખૂબ વિચલિત કરી રહ્યા હતા. બધા જ વિચારો એક તરફ મૂકી એનું ધ્યાન એક જ પ્રશ્ન પર અટક્યું, સત્ય પ્રેમ કોને કહેવાય? ખુદને હકારાત્મકતા આપતા મનમાં જ જવાબ શોધવા લાગી હતી. પ્રેમ લગ્ન કર્યા છે તો મારું સંપૂર્ણ સમર્પણ હોવું જ જોઈએ ને! પ્રેમીની ખુશીમાં જ મારી ખુશી હોવી જોઈએ. હું મનમાં જાગતા સ્વાર્થથી કેમ વિચલિત થઈ જાઉં છું? કેમ પ્રેમથી વધુ મારો સંસારી મોહ વધી જાય છે? સમર્પણ બંને તરફથી હોવું જોઈએ તો શું મારો પતિ મને પ્રેમ નથી કરતો? જેવો પોતાના પતિનો વિચાર આવ્યો એ પ્રેમ સામે વિવશ થવા લાગી.

 

"અવંતિકા જમવામાં આજે ખીચડી બનાવજે, તારા હાથની રાંધેલ ખીચડી ખાવાની આજે ઈચ્છા છે." સાસુજીએ કરેલ ટકોરે અવંતિકાની તંદ્રા તોડી. 

 

"હા મમ્મી!" પ્રેમથી જવાબ આપતા અવંતિકા પોતાના ખુલ્લા વાળનો અંબોડો વાળતા બધી જ ઈચ્છાઓને વાળની ગાંઠમાં બાંધી એક ઊંડો શ્વાસ ભરી પોતાની ફરજ બજાવવા કિચન તરફ આગળ વધી. 

 

અવંતિકા જેમ જેમ કિચન તરફ જઈ રહી હતી તેમ તેમ એના વિચારોએ ફરી વેગ પકડ્યો. એણે દાળ-ચોખાને ધોયા અને કુકરમાં ખીચડી વઘારવા માટે તેલ નાખી કુકર ગેસ પર રાખી ગેસ ચાલુ કર્યો. એના મનનાં વિચારો આજે ક્યાં એના અંકુશમાં હતા જ? ખીચડીનું આંધણ મુકતા એના મનમાં પણ આજે સાંસારિક ખીચડી રંધાઈ રહી હતી.

 

તેલ ગરમ થતાં તેમાં રાઈ, જીરું, લવિંગ, તજ, મરી સુકામરચાં અને તમાલપત્ર નાખતા અવંતિકા ક્યારે વિચારમાં સરકી ગઈ તેનું તેને ધ્યાન જ ન રહ્યું!

 

"તમારી દીકરી અમારા ઘરની લક્ષ્મી બનવા જઈ રહી છે એના માટે તમારે હવે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. એમ સમજો તમારી દીકરી હવે અમારી જવાબદારી છે. મને તો એટલો બધો હરખ થાય છે કે મારું આયુષ્ય પંદર વર્ષ જેટલું વધી જવાનું છે. આને અમારા સદભાગ્ય જ ગણો કે, તમારી દીકરી મારા વિધુર પુત્ર અને મા વિહોણા દીકરાને સ્વીકારીને અમારા ઘરમાં પોતાનું જીવન આગળ વધારવા રાજી થઈ છે." હરેશભાઈએ મધુસુદનભાઈને અવંતિકાને પોતાની પુત્રવધુ થવાનો હરખ દર્શાવતા કહ્યું.

 

મધુસુદનભાઈની આંખમાં હરખના આંસુ આવી ગયા હતા. પોતાની પુત્રી અવંતિકાની ચિંતા જાણે હળવી થઈ ગઈ હોય એમ હરખનાં આંસુ સારી પોતે પણ ખુદ હળવા થઈ રહ્યા હતા.

 

રાઈના ફુટવાનો અવાજ આવતા જ અવંતિકાનું ધ્યાન કૂકરમાં મુકેલા વઘાર તરફ ગયું અને એમાં વિખેરાઈ ગયેલા દાણાને જોઈને એને એના એ સવપ્નો યાદ આવી ગયા જે એણે એના સુખી સંસાર માટે જોયા હતા. અવંતિકાએ વઘારમાં હિંગ અને મીઠો લીમડો નાખ્યા એ સાથે જ એને પપ્પાના શબ્દો યાદ આવ્યા, "બેટા સાસરે હંમેશા બધું જતું જ કરવાની ભાવના રાખજે! પારકાને પોતાના કરવા ખૂબ અઘરું છે. અને એમાં તારા ભાગ્યમાં આ બીજી વખતનું લગ્નજીવન છે. સમય સાથે બધું થાળે પડી જશે. બસ ધીરજ રાખજે. તારી કિંમત શરૂઆતમાં ભલે ન થાય પણ તારે કારણે જ ઘર આખું સચવાયેલું રહેશે એ વાત ભૂલતી નહીં!" 

 

અવંતિકાએ મનમાં જ પોતાની વેદનાને પચાવી અને વઘારમાં પાણી રેડ્યું. ગરમ તેલમાં પાણી પડતા છમકારો થયો અને સાસુના શબ્દ યાદ આવ્યા, "પહેલી વખતનુ છૂટું એમ જ થોડી થયું હશે! પોતાના પેટના જણેલ દીકરાને મૂકીને આવી છે! લાગણી નામે તો જરાય છાંટો નથી. નાનામોટાનું કશું ભાન નથી! મારા વીરને તો વડકા ભરીને જ બોલાવે અને આખો દિવસ એને ખીજ ખીજ કર્યા કરે છે. સાવકીમા છે ને વીરની! જેવું સાવકીમા માટે સાંભળ્યું હતું, એવું જ એ વીર સાથે કરે છે." સસરાજી એ પણ ટાપસી પુરાવતા કહ્યું, "દીકરા! તું કેવી પનોતી ઘરમાં લાવ્યો છે? કેટલી આશા હતી એની પાસે અને આ બલા આપણાને કોઈને શાંતીથી રહેવા દેતી નથી. અંદરો અંદર બધા વચ્ચે આગ લગાડવાનું જ કામ કરે છે." પોતાની સાસુ અને સસરા એમના દીકરાને કાન ભંભરણી કરવા ખુબ કડવા વેણ બોલતા હતા, જે અવંતિકા સાંભળી ગઈ હતી. આજે છમકારા સાથે એ શબ્દો ફરી એના મનમાં બળબળતા લાવાના ઉભરા સમાન ઉછાળા મારી રહ્યા હતા.

 

અવંતિકાએ ધોયેલા દાળ ચોખા કુકરમાં નાખ્યા. મસાલાના ડબ્બામાંથી માપસર હળદર નાખીને જેવું એ મીઠું નાખે છે, એના પતિના બોલાયેલા શબ્દો એના માનસપટલ પર કબ્જો લઈ લે છે. "હવે તારે ક્યા ઘરની કોઈ વધારે જવાબદારી લેવી પડે છે? ઘરના કંકાસના હિસાબે તો વીરને હોસ્ટેલમાં મૂકી દીધો. હું પણ મોટે ભાગે બહાર જ રહું છું. તારે તો ખાલી મારા બીમાર અને ઘરડા માતા-પિતાની રસોઈ જ કરવાની હોય છે. આનાથી વિશેષ બીજી શું શાંતિ હોય! તારા નસીબમાં જ સુખ લખ્યું નથી આથી જ તું ભોગવી શકતી નથી." પોતાના પતિના આ શબ્દો જખ્મ ઉપર મીઠું ભભરાવવાનું કામ કરી ગયા હતા. કાપો તો લોહી ન નીકળે એટલી હદે એ પોતાના પતિના મુખે આવી વાત સાંભળી હતપ્રભ થઈ ગઈ હતી. 

 

કુકરમાં ઉકળતા પાણીના પરપોટાના અવાજના લીધે અવંતિકા વિચારોને હડસેલીને કુકર બંધ કરવા લાગી હતી.

 

જેવું કુકરને બંધ કર્યું કે ફરી અવંતિકા પોતાની જિંદગીને પણ એક પિંજરામાં કેદ પંખીની જેમ અનુભવવા લાગી. અવંતિકાના પપ્પાએ એને ખૂબ ભણાવી હતી, અને પોતાના પગભર થઈ શકે એવી સરસ ડિગ્રીઓ પણ અપાવી હતી, પરંતુ અવંતિકાના ભાગ્યમાં બહારની ખુલ્લી હવા જ ન હતી. અવંતિકા પોતાના પગભર થઈને સ્વમાન અને કોઈ જ ખોટા બંધન વગર જીવવા ઇચ્છતી હતી. પતિના સ્વભાવના લીધે એકલા ઉંબરાની બહાર પણ નીકળવાની એને છૂટ નહોતી. જ્યારે પણ ઘરની બહાર નીકળવાનું હોય ત્યારે પતિની સાથે જ બહાર નીકળી શકતી હતી. ખૂબ જ સંકુચિત વિચારધારા અને શંકાશીલ સ્વભાવનો એનો પતિ એને ક્યાંય બહાર જવા દેતો નહીં. ક્યારેક તો પચ્ચીસ દિવસ પણ થઈ જાય એને ઘરની બહાર પગ જ ન મૂક્યા હોય!

 

કુકરની પહેલી સીટી વાગતાની સાથે અવંતિકાની આંખ આજ વરસી પડી. પોતે ખુબ ભણેલી અને એટલી તો નામના ધરાવતી હતી કે, બીજી વખત લગ્ન કરવા માટે પણ ઘણાં યુવકોની વાત એના માટે આવતી હતી. પણ અવંતિકાએ એક એવા યુવક સાથે લગ્ન કર્યા જે ઘરમાં માની જરૂર હતી. એ એક બાળકને માની લાગણી આપી શકે અને પોતાના પહેલા લગ્નથી થયેલા બાળકને જે પ્રેમ ન આપી શકી અને એનું માતૃત્વ અધૂરું રહી ગયું એને પૂરું કરી શકે. પણ.. અવંતિકાની લાગણીને સમજી શકે એવી આ ઘરના કોઈ જ લોકોને સારી સમજણ નહોતી. 

 

કૂકરની બીજી સીટી વાગી અને અવંતિકાએ પોતાની જાતને સંભાળી ગેસને ધીમી આંચ પર કર્યો અને ફરી હીંચકે ખુદને સાચવતી બેઠી. "કુદરત તો મારું મન અને મારું ચરિત્ર જાણે જ છે ને! મારે મારા કર્મો જે ફળ સ્વરૂપે ભોગવવાના છે એ હું ભોગવી રહી છું. જો આપણે ફક્ત એક વખત જ જન્મ આપનાર માવતરની આબરૂ માટે બધું જતું કરી શકીએ તો આ કુદરત તો અનેક જન્મો આપનાર આપણી સૌથી મોટી માવતર કહેવાય! એ વાત થોડી ભુલાય?

 

મનમાં ઘૂંટાતો તોફાન મચાવતો બળાપો એક ભયંકર ચીસરૂપે અવંતિકાએ પોતાના મનના એક ખૂણામાં જ દબાવી દીધો. મનનો બળાપો મનમાં જ સમાવી દીધો.

"શું કુદરત તને સ્પર્શે છે?"આવું અમસ્તું જ મન થયું એને પૂછવાનું ઈશને. કુદરતને પણ એની વેદના સ્પર્શતી હોય એમ અચાનક જોરદાર વાતાવરણમાં બદલાવ આવ્યો. અને ત્યાં જ એ વાદળ વરસ્યું.. ગાજવીજ અને જોરદાર પવન સાથે વીજળીના ચમકારાએ સમગ્ર ધરા પર પોતાનું તેજ પાથર્યું. એ ઝડપથી બારણામાંથી આવતી વરસાદની વાછટ રોકવા ઉભી થઈ, પવનનું જોર અત્યંત હોવાથી બારણું બંધ કરવા એ અસમર્થ રહી, એ પલળી ગઈ અને પાંપણથી જે આંસુઓ છુપાવી રાખ્યા હતા વરસતી વાદળી સંગ ભળીને મનમુકીને પોતાનું દર્દ વહાવી રહ્યા. જખ્મ આપનાર પોતાનાઓ જ છે. મારા વ્યક્તિત્વને અને મારી લાગણીને કોઈ સમજી શકતું નથી. હું સાચી છું છતાં એના પુરાવા મને મળતા નથી. જૂઠનો ફેલાવો એટલો મોટા વિસ્તારે ઝડપથી ફેલાયો છે એ જૂઠને જૂઠ છે એવા પુરાવા કેમ ભેગા કરવા? દુનિયામાં કોનો વિશ્વાસ હવે હું કરું? પ્રભુ તારા પરની શ્રદ્ધા અને કર્મને જ પ્રાધાન્ય રાખી ધીરજ અને વિશ્વાસ સાથે હસતા મોઢે બધા જ કષ્ટ સ્વીકારી આ જન્મનું કર્મ કરી આવતા જન્મમાટે ઉત્તમ કર્મનું ભાથું બાંધવું એજ યોગ્ય! એણે આંખના આંસુ લૂછ્યાં.

 

કૂકરની ત્રીજી સીટી પણ થઈ અને હવે ખીચડી રંધાઇ ગઈ હતી, સાથોસાથ અવંતિકાની સાંસારિક ખીચડી પણ! 

 

હંમેશની જેમ આજ પણ મનના બધા જ ભાવને દૂર કરી પ્રેમથી સાસુમાને જમવાનો આવકાર આપતા બોલી, "ચાલો મમ્મી જમવા!" 

 

સાસુમા અને સસરાજી બંને જમવાના ટેબલ પર ગોઠવાઈ ગયા, અવંતિકા એમને પ્રેમથી થાળી પીરસવા જ જઈ રહી હતી ત્યાં સસરાજી છણકો કરતા બોલ્યા, "આ ખીચડી તો સાવ માંદા માણસ ખાઈ એવી લોચા જેવી છે. કંઇ દમ નથી! કંઇ રાંધવામાં ઠેકાણું નથી. ખીચડી જોઈને જ મારી ભૂખ મરી ગઈ છે, મારે જમવું નથી. છાશના ગ્લાસમાં ચડિયાતું મીઠું નાખાતા બબડી રહ્યા."

 

"તમે સહેજ ચાખી તો જોવ! ખૂબ સરસ બની છે." સહેજ આવંતિકનો પક્ષ લેતા સાસુમા બોલ્યા.

 

"તું તારે જમી લે શાંતિથી, તને તો એણે કંઈક પીવડાવી જ દીધું છે. પનોતી છે એ આ ઘરની! ઘરની શાંતિ હણી લીધી છે. આવી છે ત્યારથી બે ટક સરખો રોટલો ખાવાનો નસીબમાં નથી. ઘરના બધા વચ્ચે એ આગ જ લગાડવાનું કામ કરે છે." હરેશભાઈ પોતાના મગજ પર અંકુશ રાખ્યા વગર જે મનમાં આવે એ બોલતા એમના રૂમમાં જતા રહ્યા.

 

સસરાજીનો ઠપકો ખાધા બાદ સાસુમા પણ અકળાયા, પોતાના વર ને તો તેઓ કંઈ કહી શક્યા નહી આથી એ વાતનો બધો જ ગુસ્સો અનુરાધા પર ઠાલવવા લાગ્યા, "આટલી બધી ખીચડી શું રાંધી? બગાડ કરવાનો અન્નનો? માપનું રાંધતા હોવ તો!!!" 

 

અવંતિકા એ બંનેનો ગુસ્સો મનના ખૂણે દબાવી ચૂપચાપ જમવા લાગી. આગ મનમાં ખૂબ ભભૂકી રહી હતી અને આંખના વહેતા આંસુ એમાં છમકારો કરી રહ્યા. કોઈ એવું ન્હોતું જે ભીતરની વેદનાને ભાખી શકે. અન્નનો એક એક કોળિયો એ ગળેથી માંડ ઉતારી રહી હતી. ખુદ સાથે કરેલ વચન નિભાવતા પપ્પાના કહેલ શબ્દોની ગુંજમાં એ ખોવાઈ ગઈ.

 

"જો દીકરા કરેલ કર્મ તારું ક્યારેય એળે નહી જાય. કુદરત પર શ્રદ્ધા રાખજે એક દિવસ બધું સારું થઈ જશે! તું જે ઈચ્છે છે એ તને અવશ્ય મળશે!" પપ્પાના શબ્દો યાદ આવતા જ અવંતિકા મનમાં જ બોલી, "છુટકારો.  જીવનથી, દરેક સંબંધથી, દરેક ફરજથી... બસ હવે ફક્ત છુટકારો જ જોઈએ છે!"

 

 

હંમેશા બધું જ બદલાઈ જશે એ રાહમાં આયખું વિત્યું,

હે પ્રભુ! લઈ લે તારા શરણમાં કૃપા કરી આપી દે મૃત્યુ.

 

 

અવંતિકા આખું રસોડું સાફ કરી પોતું કર્યા બાદ બહાર દોરી પર પોતું સૂકવવા ગઈ અને અચાનક વરસાદના લીધે આંગણું ભીનું હોવાથી એનો પગ લપસ્યો, ધડામ અવાજ સાથે એ પડી. માથામાં જીવલેહ ઘા વાગ્યો અને મોં માંથી ફક્ત એક જ સાદ નીકળ્યો "હે રામ!!"

 

- સમાપ્ત

 

- ફાલ્ગુની દોસ્ત 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ