સહેલી
(શાંત રસ)
સૂચિ, ગીતા , અને, અવની આ ત્રણ પ્રથમ વખત પોતાના બાળકો ને સ્કૂલ ટિફિન આપવા આવ્યા ત્યારે મળ્યા હતા ત્યારે ફક્ત સામાન્ય બોલચાલ ને કેમ છો ને ક્યાં રહો છો ને કોણ શું કરે છે આટલી જ વાતો કરીને અલગ પડ્યા.
પછીતો આ રોજનો ક્રમ બની ગયો. ત્રણે રીસેસમાં બાળકો ને ટિફિન આપવા માટે આવે અને વાતો કરે. પહેલા જે વાતો ફક્ત દસ મિનિટમાં પૂરી થઈ જતી એ હવે કલાક સુધી ચાલવા લાગી, બાળકો રીસેસ પતે એટલે કલાસ માં જતા રહ્યા હોય પણ એ લોકો સ્કૂલ ની બહાર બગીચો હતો ત્યાં બેસીને વાતો કરતા હોય. એવું લાગે કે એ લોકો ટિફિન આપવા નહીં પણ વાતો કરવા જ ભેગા થતા હોય. 
એક દિવસ સૂચિ મોડી ટિફિન આપવા પોહચી. એ પહોંચીને જોવે છે તો એના બન્ને બાળકો અવની અને ગીતા ના બાળકો જોડે એમના ટિફિન માં જમતા હોય છે . જેવી એ પહોંચે છે તરતજ ગીતા અને અવની થોડા પ્રેમ ભરેલા ગુસ્સા સાથે પૂછે છે " કેમ આટલું મોડું થયું અમને તો ચીંતા થઈ ગઈ."
" હા આજ મોડુ થઈ ગયું ઘરે અચાનક મેહમાન આવી ગયા તો ચા નાસ્તો બનાવી ને ફટાફટ આવી "હાંફતા હાંફતા સૂચીએ ટિફિન ખોલ્યું અને એમાંથી સરસ મજાની દાળ, ભાત, બટાકાનું શાક, અને ગરમ રોટલી ની સુવાસ ચારે બાજુ ફેલાઈ ગઈ. હવે તો એવું થઈ ગયું હતું કે બધાના બાળકો એકબીજાના ટિફિનમાંથી જમતા હતા અને આમ બધાને અલગ અલગ પ્રકારનું જમવાનું મળતું એટલે જાણે રોજ નાની પિકનિક જેવું થઈ જતું. ત્રણે સખીઓ હવે પોતાના અંગત જીવનમાં બનતી સુખ દુઃખની વાતો કરતા હતા.
આજ અવની થોડી ચિંતામાં હતી. બાળકો જમીને ગયા એટલે તરતજ ગીતા બોલી " કેમ અવની આજ ચિંતામાં છે ? બધું બરાબર તો છે ને?
અવની ઊંડો શ્વાસ લઇ બોલી
“શું કહું? રમેશે ધંધામાં ઘણું નુકસાન કર્યું છે. અને હવે તો એ જુગારની ચપેટમાં આવી ગયો છે.”
સૂચિ અને ગીતા બન્ને ચોંકી જાય છે
“જુગાર?”.
“હા, પહેલા તો એ ફક્ત મિત્રો સાથે સમય પસાર કરવા જતો, પછી ધીમે ધીમે પૈસા લગાવવા લાગ્યો. શરુઆતમાં થોડા રૂપિયાં જીતતો, પણ હવે વધુ લાલચ થતા ઘરનું સોનું અને દુકાન ગીરવે મૂકી બેઠો.”
સૂચિના આંખોમાં ચિંતા અને ગુસ્સો બન્ને હતા
“પણ તું બોલતી કેમ નથી એને?
અવની ની આંખો ભીની થઈ ગઈ.
“બોલું તો હું છું, રોજ રાતે ઝગડો બી થાય છે. પણ એ મને સાંભળતો જ નથી. કહે છે ‘હું બધું પાછું જીતીને લાવીશ.’ પણ દરરોજ હારતો જાય છે…”
ગીતાએ એના ખભા પર હાથ મૂક્યો
“અવની , તું એકલી નથી અમે છીએ તારી જોડે . કંઈક તો રસ્તો કાઢશું.”
સૂચિ બોલી
“ સૌથી પહેલા તો એને જુગારથી દૂર રાખવા તારેજ કઈ કરવું પડશે . અને જો એ તૈયાર ન થાય, તો તારે મિતનો વિચાર કરવો પડશે.”
અવની ધીમેથી બોલી
“હા, પણ એ ગુસ્સે થઈ જાય છે, કહે છે કે હું એની વાતો લોકોને કરું છું અને એને ખરાબ ચીતરું છું . એનો મને ડર લાગે છે.”
ગીતા બોલી
“ડરવાનું નહીં.અમે તને એકલી નહીં મૂકીએ. આવતી કાલે હું અને સૂચિ તારા ઘરે આવીશું. એકવાર શાંતિથી વાત કરીએ રમેશ સાથે.”
અવનીને થોડી રાહત થઈ બન્નેની વાત સાંભળીને.
એ સમયે સ્કૂલનો બેલ વાગ્યો, બાળકોના અવાજોથી બગીચો ગૂંજી ઉઠ્યો. ત્રણેના ચહેરા પર ગંભીરતા હોવા છતાં એક એકતાનો ભાવ હતો જાણે આ ત્રિપુટીની મિત્રતા હવે સાચી કસોટી પરથી પસાર થવા જઈ રહી હતી.
બીજા દિવસે સૂચિ, ગીતા અને અવની બાળકોને ટિફિન આપવા માટે આવે છે પણ અવની નો ચેહરો જોઈને જ ખ્યાલ આવી જાય છે કે વાત વધુ આગળ વધી ગઈ છે પણ જ્યાં સુધી બાળકો જમીને કલાસ માં જતા રહે નહિ ત્યાં સુધી વાત કરવાનો કોઈ અર્થ નથી, થોડીવારે બાળકોને જમાડી કલાસમાં મોકલ્યા પછી તરતજ અવની બોલી " અમારે હવે ઘર વેચીને પણ દેવું ભરવું પડશે"
આટલું બોલી એ રડી પડી! 
સૂચિ અને ગીતા પણ રડવા જેવા થઈ ગયા
" તો પછી હવે આગળ શુ કરીશ તું "
અવની થોડીવાર પછી ખાલી એટલું બોલી " થોડો સમય ભાડે રહીશું પછી ગામ છોડી શહેર જઈશું ત્યાં કઈ કરશે રમેશ"
એમના ત્રણની જેમ એમના બાળકો પણ એકબીજા સાથે ખૂબ હળીમળી ગયા હતા અને હવે અચાનક આવું બનશે એવો વિચાર પણ કર્યો નહોતો.
ભગ્ન હૃદયે સહુ ઘરે જતા રહ્યા.
ઘરે આવ્યા પછી ગીતા એ સૂચીને કોલ કર્યો" સૂચિ હવે શું કરશું અવની ને કઈ રીતે મદદ કરી શકીએ ?"
" જો ગીતા આ વાત એવી છે કે આપણે એને હિંમત આપી શકીએ બાકી તો કઈ થાય નહીં"
સૂચિ એટલું બોલીને ચિંતામાં ફોન મૂકી દીધો.
ઘરનું કામ તો બધું પતી ગયી હતું પણ સતત એને અવનીના જ વિચાર આવતા હતા.
તે દિવસે સૂચિને ઊંઘ જ ન આવી. વારંવાર અવનીના આંસુ ભરેલો ચેહરો એના મનમાં તરતો હતો . સવારે ઉઠીને એ ગીતા ને મેસેજ કરે છે
"આજે થોડા વહેલી નીકળી જઈએ, અવની પાસે જઈએ."
ગીતા તરતજ હા પાડે છે.
બન્ને બપોરે અવનીના ઘરે પહોંચે છે. દરવાજો ખૂલેલો હતો. અંદર આગલા રૂમમાં થોડા બોક્સ અને અડધા પેક કરેલા કપડાં, ફાઈલના કાગળો, અને જમીન પર બેઠેલી અવની ને જોઈ , એના હાથમાં મીતનો ફોટો હતો.
“અવની…” ગીતા ધીમેથી બોલી .
અવનીના ચહેરા પર થાક અને ઉદાસીનતા સ્પષ્ટ હતી.
“ઘર વેચી દીધું?” સૂચિએ ધીમેથી પૂછ્યું.
“હા… ગઈકાલે જ એજન્ટ આવ્યો હતો. અડધી રકમ મળી ગઈ છે. બાકી બે દિવસમાં મળી જશે,” અવની બોલી.
“પણ રમેશ ક્યાં છે?”
“સવારથી ગયો છે કહે છે ‘એક છેલ્લી વાર પ્રયાસ કરું છું બધું પાછું જીતી લઈશ’…”
અવનીના મો પર નિરાશા હતી.
ગીતા અને સૂચિએ એકબીજા તરફ જોયું.
“અવની, હવે તો કાંઈ કર. એને રોક નહિ તો બધું ખોવાઈ જશે , ઘર તો ગયું, હવે તું તારો અને તારા દીકરાનો વિચાર કર એ ફરીથી હારીને આવશે તો ક્યાંથી એ દેવું ભરીશ? હવે તો તારી પાસે કઈ છેજ નહીં ” સૂચિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.
“પણ હું શું કરું,,? એ મારું કશું માનતો નથી અને અત્યારે ગામ છોડું તો મીતની સ્કૂલ, મિત્રો … બધું છૂટી જશે…”
અવની બોલતી હતી અને એના શબ્દો સાથે આંખના આંસુ પણ વહી રહ્યા હતા.
ગીતા એની બાજુમાં આવી ને બેસી
“ગામમાં મારી કાકીની સોસાયટીમાં ભાડાનું ખાલી મકાન છે. તું ત્યાં જઈ શકીશ, મીત માટે સ્કૂલ પણ નજીક છે. હું વાત કરી દઈશ.”
અવનીએ આશ્ચર્યથી બન્નેને સામે જોયું ,
“તમે મારી માટે એટલું બધું કરશો ?”
સૂચિ સ્મિત સાથે બોલી
“આપણે ત્રણ જણા ટિફિનમાં એકબીજાનું જમવાનું વહેંચતા હતાં ને? એ ફક્ત જમવાનું નહોતું, એ સંબંધ પણ હતો હવે તારું દુઃખ પણ અમારું છે.”
થોડો સમય શાંતિ છવાઈ ગઈ પછી અવનીએ માથું હલાવ્યું ,
“બરાબર. હું આવતી કાલે ત્યાં જઈને જોઈ આવું.”
બે દિવસ પછી
અવની, ગીતા અને સૂચિ સાથે ગામમાં સોસાયટી જોવા જાય છે. ત્યાં એક નાનું પણ સ્વચ્છ ઘર હતું હવા ઉજાસ વાળું બાલ્કનીમાંથી સ્કૂલ દેખાતી હતી. મીતને એ જગ્યા ગમી ગઈ.
“મમ્મી, અહીં તો સરસ બગીચો પણ છે!” એ બોલી ઉઠ્યો.
અવનીએ પહેલી વાર હળવું સ્મિત કર્યું.
ગીતા બોલી “આ જગ્યા એ તારી નવી શરૂઆત છે. ભૂતકાળને અહી છોડીને આગળ વધ.”
આ તરફ રમેશ
તે રાત્રે પણ જુગાર રમવા ગયો હતો. સતત હાર પછી એના હાથ કંપી રહ્યા હતા. ત્યાં બેઠેલા એક જૂના મિત્રે એને કહ્યું
“રમેશ, તું બહુ મોટી ભૂલ કરે છે હવે બસ કર . તારા પરિવારને યાદ કર, તારી પત્ની , તારો દીકરો…”
એ ક્ષણે રમેશને અવનીનો ચહેરો યાદ આવ્યો, મીતના નિર્દોષ પ્રશ્નો યાદ આવ્યા
“પપ્પા, તમે મોડા કેમ આવો છો?”
એ ટેબલ પરથી ઊઠ્યો. બહાર અંધારું હતું, પણ એના મનમાં પહેલી વાર પ્રકાશની રેખા ઉગી હતી.
બીજા દિવસે સવારે
અવની નવું ઘર સાફ કરી રહી હતી ત્યારે દરવાજો ખખડયો . સામે રમેશ ઊભો હતો થાકેલો, આંખોમાં પસ્તાવો અને હાથમાં નાનો થેલો.
“અવની… હું પાછો આવ્યો છું. બધું સમાપ્ત થઈ ગયું છે એ જીવન પણ, એ મિત્રો પણ અને મારી ખરાબ આદત પણ ... ફક્ત એક વિનંતી છે… મને એક તક આપજે.”
અવની થોડીવાર ચૂપ રહી. પછી કહ્યું
“રમેશ, હવે તું ખરેખર બદલાય ગયો હોય તો જ બધું સારું બની શકે. આ ઘર નવું છે તો આપણે નવી શરૂઆત કરીએ .”
રમેશે માથું ઝુકાવ્યું, એની આંખોમાં આંસુ હતા.
ગીતા અને સૂચિ ત્યાં અવની ને મળવા આવ્યા હતા અને બાલ્કનીમાંથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા .
બન્નેના ચહેરા પર શાંતિ હતી ,જાણે મિત્રતા, વિશ્વાસ અને સ્ત્રીની હિંમત ફરીથી એક ઘર બચાવી લાવી હોય.
છ મહિનાં વીતી ગયા હતા. સમય એ ઘણું બધું બદલાઈ ગયું હતું.
સ્કૂલના બગીચામાં ફરી એ જ ત્રણ ચહેરા સૂચિ, ગીતા અને અવની બેઠેલા હતા.
બધું જાણે ફરી એ જ રીતે શરૂ થયું હોય, પણ હવે એ લોકોની વાતોમાં એક નવી શાંતિ, સમજણ અને અનુભવોનો સૌમ્ય સ્પર્શ હતો.
સૂચિ હસતાં બોલી
“યાદ છે, એ દિવસો જ્યારે આપણે ફક્ત ટિફિન માટે આવતાં હતાં? હવે તો ટિફિન નહીં, એકબીજાને જોવા માટે મન ખેંચાય છે.”
ગીતા બોલી
“હા! અને અવનિ, તારા ચહેરા પર હવે તો એ જુની ચિંતા જ નથી દેખાતી.”
અવની ધીમે હસીને બોલી
“હવે બધું ધીમે ધીમે સ્થિર થઈ રહ્યું છે. રમેશ હવે નવો ધંધો શરુ કર્યો છે નાની કેફે ખોલી છે. આ વખતે હું પણ એની સાથે છું. અને હવે એ જુગારનું નામ પણ લેતો નથી.”
સૂચિએ આનંદથી હાથ તાળી મારી
“વાહ! આ તો ખૂબ જ સારું. જો મનમાં ઈચ્છા હોય તો ક્યારેય પણ શરૂઆત કરી શકાય, એનો જીવંત પુરાવો તું છે, અવની.”
ગીતા પણ બોલી
“અને એ શરૂઆત પાછળ તારી હિંમત છે. અમે તો ફક્ત તારા બાજુમાં ઊભા રહ્યા.”
અવનીની આંખો થોડી ભીની થઈ.
“હિંમત તો તમારાથી જ મળી હતી. ક્યારેક લાગે છે કે મિત્રતા એ પણ ઈશ્વરનો આશીર્વાદ જ છે , જે સમયે એ આપણી સાથે હોય, એ સમયે કોઈ મુશ્કેલી મોટી લાગતી નથી.”
ત્રણેયની આંખોમાં કૃતજ્ઞતા હતી અને સામે રીસેસની બેલ વાગી.
બાળકોના અવાજોથી બગીચો ફરી જીવંત બની ગયો. આસ્થા, હાર્દિક, મીત અને શ્રીજીત હસતા દોડતા આવ્યા.
મીત બોલ્યો
“મમ્મી, આજે હું મારા બધાં મિત્રો ને પપ્પાના કેફે પર લઈ જઈ શકું ને?”
અવની હસીને બોલી
“હા, પણ પહેલા સ્કૂલ પૂરી થવા દે!”
સૂચિએ નરમ અવાજમાં કહ્યું
“જોયું , કઈ રીતે જીવન ફરીથી પોતાના નવા રંગ લઈ આવે છે… જ્યારે વિશ્વાસ અને પ્રેમ સાથે હોય ત્યારે.”
ગીતા બોલી
“હા, વિશ્વાસ અને ચિંતા વચ્ચેની લડાઈમાં અંતે જીત પ્રેમની જ થાય છે.”
ત્રણેના ચહેરા પર હળવું સ્મિત ફેલાયું.
બાળકોના હાસ્ય અને બગીચાની ઠંડી હવામાં એ સ્મિત પ્રસરી ગયુ
જાણે જીવન ફરીથી એક નવી પાનખર છોડીને વસંત તરફ વધી રહ્યું હોય
સાંજે સાંજે સૂચિ અને ગીતા ક્યારેક કેફે પર જતા. નાની પણ સુંદર જગ્યા હતી બારણાં પર રંગીન કાચ, ટેબલ પર તાજા ફૂલ અને દિવાલ પર એક ફ્રેમમાં લખેલું
“નવો દિવસ, નવી શરૂઆત.”
રમેશ હવે ખૂબ મહેનતુ બન્યો હતો. ચહેરા પર પસ્તાવો, અને આંખોમાં બદલાવની ઈચ્છા સ્પષ્ટ દેખાતી.
એ ગ્રાહકોને હસીને સર્વિસ કરતો, અને ક્યારેક અવનીને ચા લાવી આપતો ,એક પ્રકારનું મૌન ક્ષમાયાચન.
એક દિવસ કેફેમાં ત્રણે બેઠા હતા. ગીતા બોલી
“રમેશ બહુ બદલાઈ ગયો છે અવની. તું પણ હવે થોડી ખુલીને જીવી લે. ભૂતકાળની ચિંતા હવે છોડ.”
અવનીએ હાસ્ય સાથે કહ્યું
“હા, પણ મન તો સમય લે છે ને ગીતા. ડર લાગે છે કે ફરી એ જૂની છાયા પાછી ન આવી જાય.”
સૂચિ બોલી
“જો બાજુમાં સારા લોકો હોય, ત્યારે અંધકાર પાછો આવી શકે જ નહીં. આપણી મિત્રતા એ તારી ઢાલ છે.”
એમણે હસતાં હસતાં ચા પીધી ,પણ એ હાસ્યની પાછળ હજી જીવનનો એક અજાણ્યો વળાંક રાહ જોઈ રહ્યો હતો…
થોડા દિવસ પછી…
અવની કેફેમાં એકલી હતી. રમેશ ક્યાંક બહાર જતો રહ્યો હતો સપ્લાયર સાથે.
એ સમયે એક અજાણ્યો માણસ આવ્યો , કપડાં સાદા પણ બોલવામાં ઘમંડ હતો
“રમેશ અહીં છે?”
અવની બોલી “હા, પણ એ હાલ બહાર ગયા છે. કંઈ કામ હતું?”
એ માણસ હસ્યો, પણ એ હાસ્યમાં એક ધમકી હતી.
“કહજે, એ ભાઈને યાદ કરાવજે જૂના એકાઉન્ટનો હિસાબ હજી બાકી છે.”
અવનીના ચહેરા પરથી રંગ ઊડી ગયો.
“પણ એને તો હવે બધું બંધ કરી દીધું છે…”
“હું એ જાણતો નથી. એના નામે હજી બે લાખ બાકી છે ,નહિ તો ખબર છે ને શું થાય છે?”
એ માણસે ખીસ્સામાંથી નોટબુક કાઢી, ટેબલ પર ફટકારી અને ચાલ્યો ગયો.
અવનીના હાથ કંપવા લાગ્યા. આંખોમાં ફરી એ જ ચિંતાનો ઓછાયો દેખાયો ,એની આખી દુનિયા ફરી એકવાર ધ્રુજવા લાગી .
એ રાતે એણે સૂચિને ફોન કર્યો ,
“સૂચિ… ફરી એ જુના લોકો આવ્યા હતા. કહે છે રમેશના નામે દેવું બાકી છે. હવે શું કરું?”
સૂચિ બોલી
“તારે ડરવાની જરૂર નથી આવતી કાલે સવારે હું અને ગીતા આવીશું. આ વખતે જો ખરેખર કંઈ છુપાવ્યું હોય રમેશે, તો એને બોલવું પડશે.”
અગલા દિવસે
ત્રણે કેફેમાં બેઠા હતા. અવની ચૂપ, ગીતાના ચહેરા પર ગુસ્સો, અને સૂચિ ખૂબ શાંત.
થોડા સમયમાં રમેશ આવ્યો. એણે ત્રણેયના ચહેરા જોયા, અને વાતનો અર્થ સમજી ગયો.
“હું જાણું છું… એ લોકો આવ્યા હતા. પણ સત્ય એ છે કે , જૂના સમયનું થોડું દેવું બાકી છે. પણ હું ચૂકવવા માટે પ્રયાસ કરી રહ્યો છું.”
ગીતા તીવ્ર સ્વરે બોલી
“રમેશ, તું ફરી એ જ રસ્તે નહિ જાય, એ ખાતરી આપી શકે છે?”
રમેશ ધીમે બોલ્યો
“હા, હવે હું કોઈ ખોટા રસ્તો નથી. હું ખોટા રસ્તે પાછો જઈ પણ ન શકું , કારણ કે હવે મારી પાસે ખોવા જેવું છે ઘણું બધું છે, મારો પરિવાર.
અવનીની આંખોમાં આંસુ આવી ગયા.
સૂચિએ પ્રેમથી કહ્યું
“જુઓ, મિત્રતા હોય કે દાંપત્ય, બંનેને સાચવવા માટે સત્ય સ્વીકારવું એ પહેલું પગલું છે.”
રમેશ માથું ઝુકાવી બોલ્યો
“આ વખતે હું પાછો એ રસ્તે નહિ જાઉં .”
એ ક્ષણથી એ ત્રણેય સહેલીઓએ નક્કી કર્યું કે હવે તેઓ ફક્ત વાતોની નહીં, એકબીજાના જીવનની પણ ભાગીદાર બનશે ,
કોઈની મુશ્કેલીમાં, કોઈની નવી શરૂઆતમાં, અને કોઈના સપનામાં.
સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો હતો
રમેશનું કેફે હવે સ્થિર થતું હતું, ગ્રાહકો વધતા હતા, અને અવની પણ ધંધામાં જોડાઈ ગઈ હતી.
સવારે મિતને સ્કૂલ મુક્યા પછી એ સીધી કેફે જતી. કેશ કાઉન્ટર સંભાળતી, સપ્લાય ઓર્ડર લખતી, અને ક્યારેક નવી વાનગીઓના વિચારો આપતી.
ધીરે ધીરે કેફેનું નામ પડ્યું
“મિત-આશા કેફે”
દીકરા ના નામ પરથી રાખેલું એ કેફે , જે હવે સૌના દિલમાં જગ્યા બનાવી ચૂક્યું હતું.
એક દિવસ સૂચિ અને ગીતા ત્યાં આવ્યા.
અવની કાઉન્ટર પાછળ હિસાબ કરી રહી હતી. ચહેરા પર હવે ચિંતા નહોતી , ફક્ત શાંતિ અને આત્મવિશ્વાસ.
ગીતા બોલી
“વાહ! હવે તો તું ખરેખર અવનીબેન એન્ટરપ્રાઇઝીસ લાગે છે!”
અવની હસીને બોલી
“એ દિવસો ગયા ગીતા જ્યારે હું ફક્ત ઘર અને ચિંતા વચ્ચે જીવતી હતી. હવે સમજાયું છે કે સ્ત્રી જો ઇચ્છે તો ઘર પણ સંભાળી શકે અને સપનાને પણ ઉડાન આપી શકે.”
સૂચિ બોલી
“તું સાચે ઉદાહરણ બની ગઈ છે, અવની. તારા જીવનની વાર્તા બીજી અનેક સ્ત્રીઓને હિંમત આપશે.”
અવની બોલી
“હિંમત તો તમે બન્નેમાંથી જ શીખી. જો એ દિવસોમાં તમે મારી બાજુમાં ન હોત તો કદાચ આજે હું અહીં હોત જ નહીં.”
થોડા મહિના પછી
કેફે એટલું ફેમસ થઈ ગયું કે નજીકની કોલેજના વિદ્યાર્થીઓ, ઓફિસના લોકો ત્યાં આવવા લાગ્યા.
અવનીએ નક્કી કર્યું , હવે એ એક નવી શાખા ખોલશે, અને આ વખતે એના નામે.
રમેશ એ વિચાર સાંભળીને આશ્ચર્યથી બોલ્યો ,
“તું ખુદની શાખા ખોલીશ?”
અવની શાંત પણ દૃઢ અવાજમાં બોલી ,
“હા રમેશ. આ મારી ઇચ્છા છે. હું ફક્ત તારી સાથી નથી, હું પણ આ કેફેની સ્થાપક છું. અને હવે મારી પણ ઓળખાણ બનવી જોઈએ.”
રમેશે સ્મિત સાથે કહ્યું
“તારામાં જે હિંમત છે એ જોઈને હું ગર્વ અનુભવું છું. "
અવનીના ચહેરા પર હળવું સ્મિત ફેલાયું.
એણે બારણાંમાંથી બહાર જોયું , બગીચામાં બાળકો હસતા રમતા હતા.
એ દ્રશ્ય જાણે કહેતું હતું
જ્યારે એક સ્ત્રી પોતાના પગ પર ઊભી રહે છે, ત્યારે આખું કુટુંબ મજબૂત બની જાય છે.
છ મહિનાં પછી નવી શાખાનું ઉદ્ઘાટન કરાયું
બેનર પર લખેલું હતું “અવની કેફે ... સ્ત્રીશક્તિની નવી ઉડાન...”
ઉદ્ઘાટન કરવા માટે સૂચિ અને ગીતા હાજર હતાં. ત્રણે એકબીજાને ગળે વળગ્યા
બધાની આંખોમાં ખુશીના આંસુ હતાં.
ગીતા બોલી
“જુઓ, અમારાં ટિફિનની નાની શરૂઆત ક્યાં સુધી આવી પહોંચી! એ દિવસોની દાળ-ભાતની સુવાસ હવે સફળતાની સુવાસ બની ગઈ છે.”
સૂચિ બોલી
“હા, અને આ સફર એ સાબિત કરે છે કે સંબંધ, મિત્રતા અને સ્ત્રીની હિંમત ત્રણેય મળીને ચમત્કાર સર્જી શકે છે.”
એ દિવસથી “અવની કેફે” માત્ર ચા-કોફી પીવાનું સ્થળ નહીં, પણ અનેક સ્ત્રીઓ માટે પ્રેરણાનો ચાનો કપ બની ગયું
જે ત્યાં બેસે, એના મનમાં એક જ વિચાર આવે
“હું પણ કરી શકું.”
દરેક સાંજે કેફેની એક ખૂણે નાની બેઠક થતી કેટલીક ગૃહિણીઓ, કેટલીક કોલેજની યુવતીઓ, અને કેટલીક એવી સ્ત્રીઓ કે જેમના ચહેરા પર હજી પણ જીવનની લડાઈઓની રેખાઓ હતી.
અવની એ બધાને કેહતી
“જીવન એ ચાની જેમ છે પાણી ગરમ કરવું પડે, તાપ સહન કરવો પડે, પછી જ સુગંધ ફેલાય.”
આ રીતે “અવની કેફે” હવે એક પ્રકારનું ‘સ્ત્રી સહાય કેન્દ્ર’ બની ગયું.
અવનીએ દર અઠવાડિયે એક સત્ર શરૂ કર્યું
“આપણી વાત” જ્યાં સ્ત્રીઓ ખુલીને પોતાની વાત કહેતી, એકબીજાની મદદ કરતું સમૂહ બની ગયું.
એક દિવસ એક યુવતી, નિધિ, કેફેમાં આવી.
એની આંખોમાં ડર હતો.
એ ધીમેથી બોલી
“બેન, હું પણ કંઈક કરવું માંગુ છું . પરંતુ મારા પતિ કહે છે કે સ્ત્રી ધંધો કરે એ શોભે નહીં.”
અવનીએ એની તરફ જોયું, એમાં પોતાના ભૂતકાળની ઝાંખી જોઈ.
“નિધિ, દુનિયા એ તારા વિચાર મુજબ બદલાતી નથી, પણ તું જો હિંમત બતાવે તો દુનિયા બદલાઈ જાય.”
નિધિ એના શબ્દો સાંભળી બોલી
“તમે મદદ કરશો મને?”
અવની બોલી
“હું નહીં, અમે કરીશું. અહીં દરેક સ્ત્રી ,અને મારી સહેલીઓ એકબીજાની સાથી છીએ .”
આ તરફ…
રમેશ હવે અવની નો સૌથી મોટો સહયોગી બની ગયો હતો.
કેફે ની નવી શાખા હવે સારી ચાલતી હતી.અને બધું દેવું પણ ભરાઈ ગયું હતું
એક દિવસ એ બોલ્યો
“અવની, તું જે કામ કરી રહી છે એ માત્ર ધંધો નથી ,એ સમાજનું પરિવર્તન છે.”
અવની હસીને બોલી
“આ બધું તો તમારા વિશ્વાસથી શક્ય બન્યું. પહેલાં હું તમારી ખોટી આદતો સામે લડી, હવે દુનિયાની ખોટી માન્યતાઓ સામે લડી રહી છું.”
રમેશના ચહેરા પર ગર્વ દેખાતો હતો
“હું તારા નામે નવી શાખા ખોલવા માગું છું ખાસ સ્ત્રીઓ માટે. જ્યાં ફક્ત મહિલાઓ જ કામ કરે.”
અવની થોડી આશ્ચર્ય માં પડી ગઈ
“તમે ખરેખર એવું વિચારો છો?”
“હા. હવે સમય આવી ગયો છે કે તારી ઉડાનને પાંખો આપું.
છ મહિનાં પછી “અવની કેફે ,મહિલા ઉદ્યોગ કેન્દ્ર”
ઉદ્ઘાટનનો દિવસ હતો.
ત્રણેય સહેલીઓ સૂચિ, ગીતા અને અવની એકબીજાને જોઈ હસ્યાં.
બધા ખુશ હતા.
અવનીએ મંચ પર બોલતાં કહ્યું
“આ સફર ફક્ત મારી નથી. એ દરેક સ્ત્રીની છે, કે જેને પોતાનો અધિકાર ગુમાવ્યો છે .
હું એ બધાને કહેવા માગું છું
ભલે દુનિયા તમને ચુપ કરાવવાનો પ્રયાસ કરે,
પણ તમારું સપનું કદી ચુપ ન કરશો.
કારણ કે જ્યારે એક સ્ત્રી ઊભી થાય છે, ત્યારે આખો સમાજ ઊભો થાય છે.”
તાળીઓના ગડગડાટ વચ્ચે એ બોલતી રહી,
પણ એની આંખોમાં હળવી આંસુઓની ચમક હતી
જાણે સ્વયં ઈશ્વર પણ એની હિંમતને આશીર્વાદ આપી રહ્યો હોય.
તે દિવસે ત્રણે સહેલીઓ બગીચામાં બેઠી હતી,
હાથમાં ચાનો કપ, આંખોમાં તૃપ્તિ અને મનમાં એ જ વિચાર
“જિંદગી એ દાળ-ભાત જેવી સાદી હોય શકે,
પણ હિંમત એમાં મસાલો નાખે તો એ સ્વાદીષ્ટ રસોઈ બને શકે .”
બાળકો હસતા રમતા હતા, પવન હળવો વહેતો હતો.
અવનીએ આકાશ તરફ જોઈને ધીમેથી કહ્યું ,
“હવે લાગે છે, સાચે જ હું ‘અવની’ બની ગઈ છું ,એટલે કે, ધરતી જેવી સ્થિર અને જીવન આપનારી.”
