કારમા ધા
કરુણ રસ આધારીત વાર્તા
શીર્ષક:- કારમા ઘા
લેખક- વિજય પરમાર 'વીર'
ભુપેન્દ્રભાઈ જીવનસંધ્યાએ એકલતા અનુભવી રહ્યાં હતા. જીવનને ઘણું ખુશ રાખવાની તેમની કોશિશ જાણે કારગત નીવડી ના હોય એમ લાગી રહ્યું હતું. જીવનમાં એક પછી એક પડેલા કારમા ઘા તેમને હચમચાવી રહ્યાં હતા.
ભુપેન્દ્રભાઈ તેમના પરિવાર સાથે ખુશ હતા પરંતુ આ ખુશી કુદરતથી જોવાતું ના હોય એમ એક પછી એક બનેલ ઘટનાઓ તેમને તોડી રહી હતી.
ભુપેન્દ્રભાઈ તેમના જીવનને યાદ કરતા ભૂતકાળમાં સરી પડ્યા. નાની ઉંમરમાં સવિતાબેન સાથે લગ્ન કરી તેમણે જીવનની શરૂઆત કરી હતી. પોતે ડૉક્ટર હતા. તેમણે આજીવન લોકોને સામાન્ય દરે દવા આપી સેવા કરવાનું નક્કી કર્યું હતું. આ કામ માટે સવિતાબેન પણ તૈયાર હતા.
સમય વિતવા લાગ્યો. તેમનું લગ્નજીવન સુખેથી પસાર થવા લાગ્યું. લગ્નજીવનના ફળસ્વરૂપે એક દીકરો ને બે દીકરીઓ તેમને મળી. ભુપેન્દ્રભાઈ અને સવિતાબેન તેમના ફાલેલા પરિવારને જોઈ ખુશ થતા હતા. તે દર રવિવારે બાળકોને ફરવા લઈ જતા હતા. તેમને આનંદ કરાવતા. ભુપેન્દ્રભાઈ સવિતાબેન માટે ઘણીવાર ભેટ લાવી તેમને ખુશ કરતા. ભુપેન્દ્રભાઈનો સ્વભાવ પહેલેથી સેવાભાવી હતો. તે કોઈનું દુઃખ જોઈ શકતા નહોતા. ઘણીવાર તેઓ ગરીબ દર્દી પાસેથી ફી પણ લેતા નહીં. તેમને મફત સારવાર કરતા.
આવા જ ગુણોનું સિંચન તેમણે પોતાના સંતાનોમાં કર્યું. તેઓ ઘણીવાર તેમના સંતાનોને બીજાની તકલીફો વિશે વાત કરી તેમને મદદ કરવાનું શીખવાતા.
ભુપેન્દ્રભાઈની મહેનતથી સંતાનોને સારી એવી નોકરી પણ મળી આ તેમની સેવાનું ફળ હતું. સંતાનોની સફળતા જોઈ ભુપેન્દ્રભાઈની છાતી ફૂલી નહોતી સમાતી. દરેક સંતાનો તેમના ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા હતા. તેમની પ્રગતિ જોઈ ભુપેન્દ્રભાઈનો હરખ નહોતો સમાતો.
ભુપેન્દ્રભાઈનો આ હરખ જાણે કુદરતને ના ગમ્યો હોય એમ એક દિવસ તેમનો દિકરો ગાડી લઈને મંદિરેથી ઘરે આવી રહ્યો હતો ત્યારે એક ગોઝારા અકસ્માતમાં તેનું મૃત્યુ થયું. આ કારમા ઘાથી ભુપેન્દ્રભાઈ અને સવિતાબેન તૂટી ગયા. ભુપેન્દ્રભાઈ તો થોડા દિવસ પછી સ્વસ્થ થઈ ગયા પરંતુ સવિતાબેન એકના એક દીકરાના મૃત્યુના આઘાતને સહન કરી શક્યા નહીં. તેમનો જીવ બળવા લાગ્યો. ભુપેન્દ્રભાઈ તેમને ઘણીવાર સમજાવતા.
"જાવા દે ને! સવિતા, ભગવાને આપેલો ને ભગવાને લઈ લીધો. હવે તું એને ભુલી જા."
સવિતાબેન આ વાત સ્વીકારવા તૈયાર નહોતા અને એ ભૂલી પણ કેમના શકે? એક માતાના દુઃખને પુરુષ શું જાણી શકે? જેણે નવ મહિના પોતાના પેટમાં દીકરાને રાખીને પોષણ આપ્યું હોય એને જીવતા જીવ મરેલો જોવો એ એક માતા ઝીરવી ના શકે.
સવિતાબેન તેમના દીકરાના મૃત્યુને ઝીરવી ના શક્યા. એક દિવસ વહેલી સવારે એ પણ આ દુનિયાને છોડી દીકરા પાસે ચાલ્યા ગયા. ભુપેન્દ્રભાઈને ઘડપણમાં જેનો સહારો હોય એવા તેમના પત્ની તેમને આ દુઃખ સહન કરવા એકલા મૂકીને ચાલ્યા ગયા હતા. ભુપેન્દ્રભાઈ સવિતાબેનના મૃત્યુ સમયે મન મૂકીને રડયા. એક જ વર્ષમાં બે સ્વજનો ગુમાવવાનો વસવસો એમને કોરી ખાતો હતો. ભુપેન્દ્રભાઈને સહારો હવે તેમની બે દીકરીઓ જ હતી. તેમની આ દીકરીઓ ખૂબ હોંશિયાર હતી. તેઓ પિતાની જવાબદારી લેવા તૈયાર થઈ ગયા. દીકરીઓ કહેવા લાગી,
"પપ્પા, અમે તમારી સાથે જ છીએ. અમે તમને સંભાળીશું."
પિતાને ખબર હતી આ દીકરીઓ તો પારકી થાપણ કહેવાય એક દિવસ એ પણ પોતાના ઘરે ચાલી જશે.
બંને દીકરીઓ સારી એવી નોકરી કરતી હતી. નાની દીકરીને તો નોકરી માટે પિતાથી દૂર રહેવું પડયું પરંતુ તેમની મોટી દીકરી તેમની સાથે જ રહેવા લાગી. પિતાજીની દરેક વાતે કાળજી રાખવા લાગી.
ભુપેન્દ્રભાઈ હવે એકલા પડ્યા. તેમણે આ એકલતા ભર્યા જીવનમાં પુસ્તકોને પોતાના મિત્ર બનાવી દીધા. ભુપેન્દ્રભાઈ દરરોજ નવું પુસ્તક લઈ વાંચવા બેસી જાય. ઘણીવાર વાંચતા વાંચતા તે ખોવાઈ જાય. આમ વાંચી વાંચીને તેમને પણ લખવાની ઈચ્છા થઈ.
તેમનું મન બે આઘાત સહન કરી ચૂક્યું હતું. ઘા પડેલા મનમાં કેટલા વિચારો ઉભરાતા હોય. આ વિચારોને ભુપેન્દ્રભાઈએ કાગળ પર ઉતાર્યા.
આમ, ભુપેન્દ્રભાઈ નવાં નવાં પુસ્તકો વાંચતા અને નવું નવું સર્જન કરવા લાગ્યા. આ સમય દરમિયાન ભુપેન્દ્રભાઈને સાહિત્યના ગ્રૂપોનો પરિચય થયો. તેમનું મન સાહિત્ય સર્જન કરવામાં રચ્યું પચ્યું રહેવા લાગ્યું. તેમનું મન આમ પ્રવૃત રહેવા લાગ્યું. આ જોઈ શૌર્યા ખુશ થઈ. તેમણે ભુપેન્દ્રભાઈને પ્રોત્સાહન આપ્યું. શૌર્યાને સાહિત્યમાં રસ નહોતો પરંતુ પિતાને પ્રોત્સાહન આપવા તે તેમની સાથે રહેવા લાગી.
ભુપેન્દ્રભાઈ અવારનવાર સાહિત્ય ગ્રૂપોના સ્નેહમિલનમાં જવા લાગ્યા ત્યાં તેમને નવા મિત્રો મળ્યાં. આમ જીવનથી હતાશ ભુપેન્દ્રભાઈને સાહિત્યના મિત્રોનો પરિવાર મળ્યો. તેમનો સમય આ ગ્રૂપના મિત્રો સાથે સાહિત્યલક્ષી ગોષ્ઠી કરવામાં વ્યતિત થવા લાગ્યો.
તેમણે પોતાની કલમથી ટૂંકીવાર્તાઓ અને કવિતાઓનું સર્જન કર્યું. સાહિત્યના ગ્રૂપોમાં તેમનું માન ભર્યું સ્થાન હતું. તેમનો પડ્યો બોલ લોકો ઝીલતા હતા. તેમના પ્રયાસો દરેક સાહિત્યકારને આગળ લાવવાના હતા. તેઓ બને એટલી દરેકને મદદ કરતા. તેમની સાથે ચર્ચાઓ કરતા. આમ સાહિત્યને પ્રેમ કરતા થયા ત્યારથી તેમનું જીવન બદલાઈ ગયું.
તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું. તે પોતાની પત્ની અને દીકરાના મૃત્યુને ભૂલી ગયા. તેમનું જીવન જાણે સાહિત્ય માટે બન્યું હોય એમ વ્યતિત થવા લાગ્યું. તેઓ ઘીમે ઘીમે પોતાના દુઃખમાંથી બહાર નીકળવા લાગ્યા. તેમના ચહેરા પર હાસ્ય પાછું આવવા લાગ્યું.
હવે ભુપેન્દ્રભાઈ પોતાની કલમ દ્વારા બીજાના જીવનને પ્રકાશ આપવાનું વિચારતા હતા. ઉત્તમ લેખકોના પુસ્તકો વસાવી પુસ્તકોનું વાંચન કરતા હતા. સાહિત્યની કોઈ પ્રવૃતિ ચાલતી હોય તો તેમાં પોતાનું અનુદાન આપતા. પિતાજીની આ પ્રવૃતિ જોઈ શૌર્યા પણ તેમને પ્રોત્સાહિત કરતી. તેમની પ્રવૃતિઓના વખાણ કરતી.
ભુપેન્દ્રભાઈ શૌર્યાને કહેતા, " જો બેટા! કદી ના સાથ છોડે એવા મિત્રો મળ્યા છે." આમ કહી તે પુસ્તક બતાવતા.
શૌર્યા તેમના પિતાને કહેતી,"હા, પપ્પા, આ મિત્ર કોઈનો સાથ ક્યારેય છોડતા નથી. તમે જીવનમાં સાચા મિત્રો પસંદ કર્યા છે."
"હા, બેટા, તું અને પુસ્તકો જ મારો સહારો અને પરિવાર છે."
ઘણીવાર ભુપેન્દ્રભાઈ અને શૌર્યા બંને સાહિત્યની પ્રવૃત્તિમાં જોડાતા. પિતાજીની આ પ્રવૃત્તિથી શૌર્યા ખુશ થતી. ભુપેન્દ્રભાઈને પુસ્તકોનો સાથ મળવાથી તે સાહિત્યના સંમેલનોમાં જવા લાગ્યા ત્યાં તેમને જુદાં જુદાં લેખકોનો ભેટો થયો. આમ જીવનની એકલતાને તેમણે સાહિત્યિક મેળાવડામાં ફેરવી નાખી.
ભુપેન્દ્રભાઈને આવી સાહિત્યની પ્રવૃત્તિમાં રચ્યાં પચ્યાં રહેતા જોઈ શૌર્યાબેન મનોમન ભગવાનનો આભાર માનતા.
ભુપેન્દ્રભાઈની તબિયત પણ હવે સારી રહેતી હતી. તેમના વિચારો બદલાવા લાગ્યા હતા. તેમણે જીવનમાં એવા એવા કારમા ઘા ઝીલ્યા હતા તે આ પુસ્તકોએ તેમને ભુલાવી દીધા હતા. તેમના ચહેરા પરથી તેમણે જીવનમાં આટલા કારમા ઘા સહન કર્યા હશે એ પારખી નહોતું શકાતું.
તે બીજા માટે પ્રેરણાસ્ત્રોત બની રહેતા. શૌર્યાબેનને આ માટે ગર્વ થતો. ભુપેન્દ્રભાઈની વેદના, તેમનું દુઃખ બધું તેમના શબ્દોમાં વ્યતિત થઈ જાતું. આથી તેઓ હળવાફૂલ રહી શકતા. તેઓ કહેતા જો મન ભરેલું ન હોય તો દુઃખનો ભાર ન લાગે.
શૌર્યાબેન કહેતા, " પિતાજી, તમે દુઃખને હરાવી દીધું હોં!"
"હા, બેટા તારો સાથ અને આ પુસ્તકોએ આપેલી તાકાતથી હું જીવનમાં જીતી ગયો."
આમ, ભુપેન્દ્રભાઈ પોતાના જીવનના પડકારો ઝીલી જીવનને પાછું અડીખમ બેઠું કરી જીવવા લાગ્યા.
કુદરત પણ આવા જીવનના લડવૈયાઓની કસોટી લેવાનું છોડતી નથી એક પછી એક કારમા ઘા આપ્યા જ કરે છે ને આવા લોકો આ કારમા ઘા સહન કરી પાછા બેઠાં થઈ જતા હોય છે.
શૌર્યાબેન ભુપેન્દ્રભાઈનો સહારો અને તાકાત હતા. હંમેશા પિતાજીની સાથે રહેતા અને તેમની સંભાળ રાખતા. આ સહારો કુદરતને ન ગમ્યો. એક દિવસ શૌર્યાબેન ચક્કર ખાઈને પડયાને તેમને માથામાં ઈજા થતા તેમનું મૃત્યુ થયું.
ઘરે કોઈ હતું નહીં એટલે સમયસર કોઈ તેમને દવાખાને લઈ જઈ શક્યું નહીં. ભુપેન્દ્રભાઈ આ સમયે બગીચામાં મિત્રો સાથે ચાલવા ગયા હતા. તેમણે અંદર આવી ને જોયું તો શૌર્યાબેન જમીન પર પડ્યા હતા. તે શૌર્યા બૂમ પાડી તેમની પાસે દોડી ગયા.
એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી પણ તેમના પ્રયત્નો વ્યર્થ રહ્યાં. શૌર્યાબેન તો ક્યારના આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. ભુપેન્દ્રભાઈ તેમની વ્હાલસોયી દીકરીને બચાવી ના શક્યા.
ભુપેન્દ્રભાઈના જીવનમાં આ ત્રીજો કારમો ઘા હતો. પોતાની જુવાન જોધ દીકરીનું મૃત્યુ કયો બાપ સહન કરી શકે? જે હાથે કન્યાદાન કરવાનું હોય એ હાથ તેની ચિતાને દાહ કેમનો આપી શકે? પહેલા પુત્રને પોતાના હાથે અગ્નિદાહ આપ્યો ને પછી પોતાની દીકરીને અગ્નિદાહ આપવો આવું ભાગ્ય તો ક્યા અભાગ્યા બાપના નસીબમાં લખ્યું હશે. એ વિચારથી તેમનું હ્રદય દ્રવી ઉઠતું. તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેમણે રડતી આંખે તેમને દીકરીની ચિતાને અગ્નિદાહ આપ્યો. તે તેની સળગતી ચિતાને જોઈ રડવા લાગ્યા. દીકરીની સળગતી ચિતામાં જાણે તેમનો સહારો, તેમનું સર્વસ્વ જાણે સળગી રહ્યું હોય એમ તેમને લાગતું હતું. દીકરીના અંતિમ સંસ્કારમાં લોકોનો મેળાવડો હતો છતાં તે આ દુનિયામાં એકલા હતા. તેમની એકલતા તેમને ખબર હતી. બે ઘડીના દિલાસા પછીનો ખાલીપો તેમણે એકલાયે જ સહન કરવાનો હતો તે એ જાણતા હતા. શૌર્યા તેમના ઘડપણમાં તેમનો સહારાની લાકડી હતી જે તૂટી ગઈ હતી ને તેના સ્થાને બીજી ન આવી શકે એ હકીકતથી તેઓ સભાન હતા. વિધિની આવી નક્કર હકીકતનો સ્વીકારવા કરવા સિવાય એમની પાસે કોઈ રસ્તો નહોતો. તેમની નાની દીકરી હતી પણ તે તેની નોકરી છોડીને તેમની સાથે રહી શકે તેમ નહોતી. ભુપેન્દ્રભાઈ આ શહેર છોડીને તેમની પાસે જવા ઈચ્છતા નહોતા.
ભુપેન્દ્રભાઈ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પહેલા એકનો એક દીકરો પછી તેના આઘાતમાં તેમની પત્ની અને હવે તેમની દીકરી તેમને આ જીવનમાં એકલા મૂકીને ચાલી ગઈ હતી.
એકની એક વેદના ફરી પાછી તેમના જીવનમાં આવી જતી હતી. ભુપેન્દ્રભાઈ આનાથી ભાંગી પડ્યા. તે ભગવાનની મૂર્તિ સમક્ષ જઈ રડવા લાગ્યા, "ભગવાન તું કયા જનમનો બદલો મારી સાથે લઈ રહ્યો છે તેની ખબર પડતી નથી."
ભુપેન્દ્રભાઈ નિરાશ વદને રડતા રહ્યા. હવે તેમની સાથે રહેનાર કોઈ હતું નહીં, તેમને સમયસર બધું તૈયાર કરી આપનાર કોઈ હતું નહીં. ભુપેન્દ્રભાઈએ શૌર્યાની બધી વિધિ પતાવ્યા પછી પોતાનું લેખન કાર્ય શરૂ કર્યું. શરૂઆતમાં તેઓ કંઈ લખી શક્યા નહીં. કેટલુંય લખેલું અધુરું છોડી પાછા બેસી રહેતા. ક્યારેક શૌર્યાના ફોટાને જોયા કરતા. તેણે દીકરી થઈને મા જેવી કાળજી રાખી હતી તે યાદ કર્યા કરતા. તેમણે વિચાર્યું જો આમ જ ચાલ્યા કરશે તો આ જીવન હું જીવી નહીં શકું. તેમણે જુદાં જુદાં સ્થળોનો પ્રવાસ ચાલુ કર્યો. પ્રવાસ દરમિયાન તેમને નવા નવા લોકોનો પરિચય થયો. તેમને લોકોના દુઃખ, દર્દ જોવા મળ્યાં. ભુપેન્દ્રભાઈ દયાળુ સ્વભાવના હતા. તેમણે તેમને મદદરૂપ થવા તેમને કામ શોધી આપ્યું. તેમને આર્થિક સહાય કરી. તેમણે લોકોના જીવનનું બારીકાઈથી અવલોકન કરી તેમને તેમની વાર્તાઓમાં વણી લીધા. તેમણે તેમના લેખોમાં લોકોની સમસ્યાઓ બતાવી. સમાજના તાદ્શ ચિત્રને તેમણે રજૂ કરતી નવલકથાનું લેખન કર્યું. જે સાહિત્યક્ષેત્રે શ્રેષ્ઠ સાબિત થઈ.
તેમના લેખો, તેમની વાર્તાઓ દ્વારા સમાજના તૂટી ગયેલા લોકોને બળ મળ્યું. તેમણે નક્કી કર્યું કે મારા જેવા કારમા ઘા ઝીલેલા લોકોને પોતાની કલમથી રાહત આપશે.
લેખનકાર્ય ઉપરાંત તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા અને વૃદ્ધાશ્રમ, અનાથઆશ્રમ તથા સમાજમાં તરછોડાયેલા વર્ગ માટે કામ કર્યું. તેમના કામની નોંધ લેવાઈ તેમને તેમના આ ભગીરથી કાર્ય માટે પદ્મશ્રી એવોર્ડ મળ્યો.
આમ, ભુપેન્દ્રભાઈએ જીવનમાં ઘણા કારમા ઘા ઝીલ્યા પરંતુ પોતાના કાર્ય અને કલમથી લોકોના આવા કારમા ઘાને રુઝવવાનું કામ કર્યું.
