દંશ
દંશ
કોયલના ટહુકે ભોર થયાની ચાડી ખાધી પરંતુ સૂરજ જાણે હજીય વાદળોની પાછળ છૂપાયો હતો.
મયુર પણ ટહુકાર કરી કરીને પ્રભાતને તેના રંગબેરંગી મોરપીંછમાં ઝીલવા પ્રયત્ન કરતો હતો પરંતુ...
રવજીની આંખો પર હજી સપનાનો ભાર હતો. આંખોના પોપચાં સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા હતા; નથી જ ખુલવું. ઠંડી હવાની મીઠી લહેરખી આવી અને મોઢા પર ધાબળો ઓઢી રવજીએ ફરી રાતનો અંધકાર આંખે આંજવાનો પ્રયત્ન કર્યો. આ આંખોના અંધકારની પેલી પાર સ્વપ્નની દુનિયામાં તેને કંઈક ગમતીલું જોવાનો આભાસ થયો.'પાણીયારે ઊભી પરણેતર, ગોરી ગોરી ચામડીથી મઢેલો તેનો અનુપમ દેહ. લાંબો લટકતો ચોટલો ને નીચે બાંધેલું ફુમતું આમતેમ લટકા કરી તેની પાતળી કમરને નજાકતથી અડતું હતું. પાયલની ઝીણી ઝીણી ઘૂઘરી તેની ગોરી ચટ્ટાક પાનીને સ્પર્શીને મીઠી મીઠી ધૂન ગાતી હતી. હાથમાં પહેરેલી કાચની ખનકતી ચુડીઓ પેલાં લાલ ચુડલા સાથે સ્પર્શીને નવું ગીત ગાતી હતી. ચેહરા પર ઓઢેલી લાજની ઓઢણી વારેઘડી સરકીને કંઈક કહેવા માગતી હતી. રવજી હિચકે બેસીને પરણેતરની પીઠ નિહાળી રહ્યો હતો. ગટક્... ગટક્... ગટક્ નજરોથી તે પરણેતરને પી રહ્યો હતો પણ તેની તરસ તો ઊંડા કૂવા જેવી..! અચાનક પરણેતરે પાછળ જોયું. તેની ધારદાર તેજ નજરો રવજી સાથે મળી ને જાણે ઝેરીલી નાગણે દંશ!'
"આહ..." વેદના ભરી ચીસ નાખી, માથેથી ધાબળો ફેંકીને રવજી સટ્ટાક કરતો ઊભો થઈ ગયો. તેનો દેહ, તેનું હૃદય, તેનું મન સળગતું હતું ધારદાર, વિષેલી નજરોથી. તે સળગીને દાઝી ગયો હતો. રગેરગને દઝાડતો છૂપો દંશ!
તે ધ્રુજવા લાગ્યો. શરીરના ઊંડે ઊંડેથી એક તરસ ઘેરી વળી. એક... એક અનન્ય વણછીપી તરસ... કોઈને મળીને મન હળવું કરવાની, ભીતર ઉલેચીને વેદના ઠાલવવાની અને...!
આખી રાત ખેતરે પાણી વાળીને ચોકી કરતો રવજી, પરોઢિયે ઢોલિયે આડો પડ્યો તો ને મળસ્કાનું સ્વપ્ન તેના અંતરને ઝંઝોળી ગયું.
"કાં રવજી ખેતરે! તારે તો.. તો.." કાનજીની ટકોર તો મીઠી હતી પણ રવજીને તો જાણે કોઈએ સણસણતુ ઝેરી તીર છોડ્યું ને હૃદયને આરપાર કરી લોહીલુહાણ કરી ગયું.
"કાં રવજી, ઘેર નથ્ જાવું. પરોઢિયું થ્યું લાલા." બાપુના મીઠા અવાજે રવજીના હૈયડે થોડીક ટાઢક વળી. પણ શરીર આંખુય સળગતું હતું. એવું લાગતું હતું કે નસેનસમાં પેલી નજરોનું ઝેર વ્યાપીને સળગાવતું હતું. દઝાડતું હતું.
"હુ થ્યું લાલા! ઘેર નથ્ જાવું! તારી માડી રાહ જુવ સ. જા ઘેર જા. વહુએ શિરામણ..." બાપુએ માથે હાથ ફેરવ્યો." રવજી, આ આંખ્યો લાલઘૂમ સ. શરીર દઝાય સ. જા ઘેર જા. હું આવી ગયો."
પગમાં તો જાણે મણમણનો ભાર આવી પડ્યો રવજીને. પગલું ઘેર જવા ઉપડતું જ નહોતું તોય બાપુનો આદેશ ઝીલીને ઘેર તરફ પ્રયાણ કર્યું. માથે પાઘડી ને ખેસ નાખી, જોડા પગમાં નાખ્યાં પણ તેય ડંખવા લાગ્યા. સહુને "રામ રામ" કરતો રવજી ઘરે પહોંચ્યો તો ખરો પણ જાણે!
દાતણ-પાણી આંગણાના ઢોલિયે મૂકી પરણેતર રસોડામાં નીસરી ગઈ. ફરી ગરમ પાણીની ડોલ સાથે કપડા મૂકી મૂગીમંતર આંખો નીચે ઢાળી, ચહેરો પાલવ હેઠળ સેરવી અંદર નીસરી ગઈ. ગરમ પાણીનો રેલો શરીરે પડતાં રવજી ફરી દાઝવા લાગ્યો. પરણેતરની આ અવગણના, આ ઘૃણા પાણીમાં ભળીને તેના અંગેઅંગને દઝાડતી હતી. વગર ગુને ફાંસીના માંચડે ચઢેલો રવજી હવે મુક્ત થવા તરફડિયા મારતો હતો.
ઊભો થઈ, કપડાં પહેરી રાંધણીયામાં માડી બેઠી હતી ત્યાં ગયો. માડીના ચરણસ્પર્શ કરી સીધો ઓરડાની ભીતરે પ્રવેશી ગયો. અંદરથી આગળો વાસીને બાહ્ય જગતથી જાણે અલિપ્ત થઈ ગયો. ઢોલિયાની સજાવેલી ચાદર કાઢીને ફેંકી દીધી. ગાદલા પર સળગતા શરીરને નાખ્યું અને અંતરના ઓરડામાં ઘુમવા માંડ્યો. પરણેતરનો એક એક શબ્દ કાળજે ઘા કરીને તેના મનોમસ્તિષ્કને છિન્ન ભિન્ન કરતો હતો. લગ્નની પહેલી જ રાતે તેણે કહ્યું હતું કે "રવજી, હું તો તારા ભાઈબંધ માધવની અનામત સુ. મારા હૈયડાની હારે મારું અંગેઅંગ ઈને દઈ દીધું સ. મારી રગેરગ માધવ નામ જપે બીજું કાંઈ ન ખપે.હમજ્યો રવજી! ઈ આવહે તાણે ઈની હારે જ લગનના કોલ લીધા ય સ ન દીધા ય સ.આ રાધલીનો દેહ ન આત્મા ઈનો...જ..મારા માધવના જ સ. મારા માવતરે હઠે ભરાઈને તારી હારે ફેરા તો ફરાવીયા પણ આ રાધલીના દેહને કોઈ પરાયું અડે ઈન પેહલા વિષ ઘોળવું હારૂ લાગહે. રવજી, હું આ ભવમાં તો તારી નહીં થાવું પણ ભવેભવમાં તારી ના થાવું. મારે તો માધવ ઈ જ મારો જનમોજનમનો... ભવેભવનો હંગાથી. મારા દેહનો ન આત્માનો."
કોડભર્યા રવજીએ બધી જ ઈચ્છાઓ, અરમાનો, હૃદયનાં ખૂણામાં દફનાવી દીધા. તે ઘડી ને આજે..
"રવજી, મારા દીકરા, આમ ઓરડે આગળો કાં વાસ્યો ! રાતનો ભૂખ્યો શિરામણ તો કરી લે." માડી દરવાજો ખટખટાવા માંડી. આખરે તો રવજી માડીનો જાયો, માડીનો વહાલો, માડીના અંતર આત્માનો બાદશાહ હતો ને! દીકરાનું ખાલી પેટ તો માડીના પેટની આંતરડી કકળાવી મૂકે. "રવજી, ઉઠને દીકરા." માડીનો અવાજ ગદગદ્ થવા માંડ્યો. "ઉઠ. તને મારા હમ. એક કોળિયો તો ભર બટા. આજ માડીથી રૂઠ્યો સ કાં ! માડીના અવાજમાં રૂદન ભળ્યું હતું.
રવજીના અંતરના ઓરડાને તો ભારેખમ તાળું લાગ્યું હતું. માડીના એક એક શબ્દ તેના કાળજાને કંપાવી રહ્યા હતા. તેને ય મન હતું માડીના ખોળામાં માથું મૂકીને ધ્રુસ્કેને ધ્રુસ્કે રડે પરંતુ આ શરીરની સાથે આખુંય આયખું સળગતું હતું. આ ભયાનક સળગતી જ્વાળાઓથી તેનું શરીર એવું દાઝતું હતું કે ઊભા થવાની હામ પણ રહી ન હતી.
"ઉઠને રવજી. મારા હમ. ઉઠને વહાલા." માડીએ હવે જીદ પકડી હતી. દરવાજો ધમધમ પછડાતો હતો. માડીના રડતા હૃદય સાથે તેના રુદને પણ માઝા મૂકી હતી. વેદનાથી વલખતો અવાજ ચારે બાજુ પાંખ ફેલાવી પ્રસરી રહ્યો હતો. પરણેતર તો ઊભી ઊભી કાંપતી હતી. તેના પાલવ હેઠે છુપાયેલા ચહેરા પર અવનવા રંગો છવાઈને વિખરતા હતા.
માડીએ એક નજર પરણેતર પર નાખીને જાણે બધું ય માપી લીધું હોય તેમ તેમનો રુદનથી ઘેરાયેલો સ્વર ગુંગળાઈને બહાર આવ્યો "આઘી મર." ફરી બેવ હાથે બારણું ઠોકવા માંડ્યા." મારા રવજી રે... બટા બહાર આવ. તારા હૈયડાની વેદના હું હમજી ગઈ સ. બધુંય ઠીક થાહે. મારા બટા બહાર આવ."
અંતરના ઓરડાનો ઘેરો અંધકાર રવજીની રગેરગમાં ફેલાવવા લાગ્યો. વેદનાના આળોટતા સાપ તેને અંગે અંગમાં દંશી રહ્યા હતા. તેને વેદના પરણેતરને નહીં પામવા કરતાં ભાઈબંધની અનામતને સ્પર્શવાની હતી. ફેરા ફરતી વેળાએ કરેલો સ્પર્શ, સેંથામાં સિંદુર ભરતા અનાયસે થયેલો સ્પર્શ...મનમાને મનમાં મૂંઝાતો તે અસ્પષ્ટ અવાજે બોલી રહ્યો હતો," ઈ પહેલા કીધું હોત તો હંધાયને હમજાવવા તે ખમતીધર હતો. માધવ તો મારો બાળપણનો ગોઠિયો, ઈને હંધુય કીધું 'તું પણ સોડીનું નામ, ગામ ન'તુ કીધું. કાલ કહીશ... કાલ કહીશ કહેતા સરહદે દુશ્મનોને હણવા વહી ગયો પણ માધવા રે... તારી આ અનામત મારી પરણેતર? માધવા બહુ ભૂંડું કરી ગ્યો તું. આ આખુંય આયખું ઝહેર થઈ ગ્યું માધવા. માધવા ઈક વાત કરવી સ તુને. તારી પરણેતરને હાથ નથ લગાડ્યો. ઈનો દેહ, ઈનો આત્મા પવિત્ર સ. તું જલ્દી આય ને સ્વીકારી લે ઈને એટલે આ વેદના મને છોડે નકર ઈ વેદના તો મારા પ્રાણ...! મારી પરણેતર ઈ તારી રાધલી... ગંગા જેવી પવિત્ર સ મારા ભાઇબંધ. જલ્દી..." હોઠેથી અસ્પષ્ટ ઉચ્ચાર કરતો રવજી ઘેરા અંધકારમાં ઉતરતો ગયો ઊંડા ઘેરા અંધકારમાં... બ્રહ્માંડના ગુહ્ય તમસ્માં !
બારણું આખરે તૂટ્યું. માડી, બાપુ બધાય અંદર આવ્યાં અને જુએ તો રવજીના વિષ વ્યાપેલા લીલાકચ્ચ દેહના કપાળે બે ટપકા હતા... "દંશ" ના.
******
