એલર્ટ
એલર્ટ
સૂરજ અસ્તાચળે ઢળી રહ્યો હતો.
વાતાવરણમાં ઘેરી ઉદાસીનતા ફરી વળી. આકાશ લાલ, ગુલાબી, પીળાં, કેસરી રંગોથી તો છવાયું પણ ઠેર ઠેર આભને આંબવા માંગતા કાળા ધુમાડા તેને ઘેરી વળવા તત્પર થઈ ગયા. છેવટે કાળા ધુમાડાની સાથે તીવ્ર ઝેરી ગંધથી આકાશ જાણે મૂરઝાવા માંડ્યું. એક ઊંડી "આહ!" ભરી સૂરજે. ન પક્ષીઓનો કલરવ. ન વૃક્ષોના પર્ણોનો ફરફરાટ. ન માનવોની નાભીમાંથી ઉઠતો "ૐ.."નો નાદ. બધુંયે... બધુંય શાંત. સ્મશાનવત્ શાંત. લાલઘૂમ સૂરજ, ધરતીના વિનાશને લાચારીથી જોતો, વલોપાત કરતો આખરે અંધારું ઓઢીને ક્ષિતિજે ઢબુરાઈ ગયો.
"Task completed" આદિએ કોમ્પ્યુટરમાં મેસેજ જોયો અને તરત જ કમાન્ડ આપ્યો,"come back"
કચ્છના સફેદ રણમાં બનાવેલા પિરામિડ આકારનાં કાચનાં અભેદ્ય ડોમમાં કેદ, નાસાના સ્પેસ એન્જિનિયર આદિએ એક ઊંડો શ્વાસ લીધો."task completed" તેણે મેસેજ ડોમમાં તરતો મૂક્યો. ડોમમાં તરતો મુકેલો મેસેજ "ડીપ" અવાજ સાથે ગાયબ થઈ ગયો. મેસેજ મળી ગયાનો ભૂરો લાંબો લીટો ફરી ઝળકી ઉઠ્યો અને વિલિન થઈ ગયો.
થોડાંક ભૂરાં પ્રવાહી સાથે તેણે એક કેપ્સુલ ગળી અને ફરી તાજો માંજો થઈ ગયો. ડોમની બહારની હલચલ નીરખવા લાગ્યો. એક રોબોટ ડોગ હાઉ..હાઉ..કરતો, કાન હલાવતો પાંજરામાં આવીને બેસી ગયો. એક રોબોટ વાનર કૂદાકૂદ કરતો ડોગ સામે ગોઠવાઈ ગયો. એક માનવ રોબોટ શિસ્તબદ્ધ ચાલતો તેઓની સામે શાંત બેસી ગયો, ફરી નવા કમાન્ડની રાહ જોતો.
આ ત્રણેય રોબોટ અવિનાશી હતાં. વળી લાખો માણસોને, પશુપંખીને, સમગ્ર પ્રકૃતિને ક્ષણિકમાં રાખ બનાવી દે તેવા ઝેરી રસાયણોથી છલોછલ હતાં. ત્રીજા વિશ્વયુદ્ધમાં હારી ગયેલા દેશોમાં બચી ગયેલાં માનવીઓનો નાશ કરવાનું પાશવી કૃત્ય આ રોબોટ દ્વારા જ પરિપૂર્ણ થઈ રહ્યું હતું.
'હવે શું બાકી રહ્યું છે? બધુંય ખતમ. માણસ, જનાવર, પશુપંખી, વૃક્ષો અને...! હાશ! Task perfectly completed.' સાવ હાડપિંજર જેવા થઈ ગયેલા આદિત્યે ક્ષણિક નિરાંત અનુભવી.
'શું મળ્યું પ્રકૃતિના વિનાશથી?' કોઈ સૂકી સંવેદનાની નસમાં જાણે લોહી ભરાવા માંડ્યું. "ક્યાંથી આ વિચાર આવ્યો!" આદિત્ય ગભરાઈ ઉઠ્યો કારણ કે તેના શરીરનું અણુંયે અણું કોઈ બીજાનાં તાબામાં હતું. તેના જ્ઞાનતંતુની દરેક નસ તે બીજી વ્યક્તિનાં જ કમાંડ ઝીલી શકતી હતી તો વળી આ વિચાર...!
"એલર્ટ " ડોમમાં મેસેજ ઝળકવા માંડ્યો.
"એલર્ટ" તે હસી પડ્યો. તેણે ચંદ્ર ઉપર દ્રષ્ટિ કરી. 'ચંદ્રગ્રહ પર આધિપત્ય જમાવીને, ત્યાં જ રહેતાં તેના બોસને આ વિચારમાં વિદ્રોહની ગંધ આવી ગઈ લાગે છે.'
"કરી કરીને શું કરશે? આમ જ વિનાશ! મારી નાખશે મને પણ! ભારતની ધરતીના છેવાડે રહેલા અંતિમ માણસને! માનવ જાતની છેલ્લી સ્મૃતિને! છેલ્લા વંશજને!' તેના શરીરમાં જાણે વિદ્રોહનો ધોધ ફાટવા માંડ્યો. ચારે તરફ નીરવ શાંતિ. સાવ એકાંત. એકાંત નહીં એકલતા! ઉજ્જડ મરુભૂમિમાં એકમાત્ર જીવતાં રહી ગયેલા માનવીની એકલતા.
આરામ ખુરશીમાં પડતું મૂકી પગ લંબાવ્યો. આંખ બંધ કરી.બધુંય યંત્રવત્! બંધ આંખોએ ત્રીજા વિશ્વયુદ્ધ પછીના વિનાશની એક એક ક્ષણને તે ખૂંદવા લાગ્યો. 'પહેલાં બે દેશ વચ્ચેનું યુદ્ધ પછી અનેક દેશો વચ્ચેનું યુદ્ધ. સત્તા અને જીત હાંસલ કરવા રઘવાયા બનેલા શાસકોનો ન્યુકિલયર બોમ્બનો ઉપયોગ અને બધું સ્વાહા!'
સ્વાહા...!
અનેક દેશો સ્વાહા!
માનવવસ્તી સ્વાહા!
પશુપંખી- મૂંગા પ્રાણીઓ તરફડીને સ્વાહા!
વહેતાં નીર સ્વાહા!
વૃક્ષો સ્વાહા!
સમસ્ત પ્રકૃતિ સ્વાહા!
માનવમાં રહેલી માનવતા સ્વાહા!
સમગ્ર ધરતી આ યુધ્ધમાં હોમાઈ 'ને રાખ થઈ ગઈ. બાકી હવે શું રહ્યું!
પૃથ્વી પર બે ત્રણ ઠેકાણે, કાચના અભેદ્ય પિરામિડમાં જીવતાં કેદ માણસો તો અધમૂઆ! સમગ્ર પૃથ્વી અને તેનાં પેટાળમાં રહેલા અમૂલ્ય ખનીજો પર આધિપત્યના ધખારા લઈ ચંદ્રના ગ્રહ પર ભાગી ગયેલા મુઠ્ઠીભર માનવીઓ...!
"એલર્ટ" ફરી મેસેજ ઝળક્યો.
"એલર્ટ" તે મનોમન બબડ્યો અને રોબોટ માનવ તરફ દૃષ્ટિ કરી, "શું ફેર છે આનામાં અને મારામાં!"
"કોઈ ફેર નથી." રોબોટ એટલે કે યંત્રમાનવ બોલી ઉઠ્યો, "તું પણ કમાન્ડ જીલવા જ સર્જાયો છે અને હું પણ! જો કે મારી તો ઉત્પત્તિ જ આ કારણ માટે થઈ છે."
એકલતાના અભેદ્ય કિલ્લાઓને ચીરીને કોઈ માનવ જેવો અવાજ આવતાં તે ઝૂમી ઉઠ્યો. તેણે તે યંત્રમાનવ સામે જોયું. તેની આંખમાં જોયું.
યંત્રમાનવે લાક્ષણિક ઢબે શરીર શિસ્તબદ્ધ હલાવ્યું. આંખ ગોળ ગોળ ફેરવી. એ પોતે પણ ધમ્ ધમ્ ચાલતો કાચની અભેદ્ય દીવાલો પાસે આવી બોલ્યો, "આદિત્ય"
મોઢા પર પહેરેલા ગેસ માસ્ક જેવા અનેક કવચ કાઢી નાખી આદિત્યે ઊંડો શ્વાસ લીધો. "આદિત્ય.." કેટલા વખતે કોઈએ આ નામ દઈ બોલાવ્યો હતો. તેણે તે યંત્ર માનવ સામે જોયું. તેમાં જ તે જીવતાં માણસની ઝલક જોવા બહાવરો બની ગયો. વાત કરવા તત્પર થઈ ગયો. ફરી તેણે યંત્ર માનવ સાથે કનેક્શન કર્યું.
"થેન્ક્સ યાર! મને કોઈકે બહું દિવસે નામથી બોલાવ્યો."
"આદિત્ય... આદિત્ય એટલે સૂરજ. બધે ઝળહળ થતો સૂરજ. બ્રહ્માંડનો એક તેજસ્વી તારલો એટલે સૂરજ... આદિત્ય."
યંત્ર માનવ ક્ષણમાં જ બધી ભાષા સમજીને તે ભાષામાં જવાબ આપે છે તે જાણવા છતાં પણ આદિ ખુશ થઈ બોલી ઉઠ્યો," યાર! મજા આવી ગઈ. તું તો મારું નામ, અર્થ બધું જ જાણે છે."
"હા આદિત્ય, તારા મનમાં ઉઠતાં વિચારોના વમળને પણ હું કનેક્ટ કરી શકું છું."
"વાઉ...! કાશ અમે જીવતાં માણસો એકબીજાના મનમાં રહેલા વિચારોને જાણી શકતા હોત તો! સમજી શકતા હોત તો..આ સંહાર...!"
"વાહ! તેં તારા હાથે માનવસંહાર કરાવ્યો તો પછી તને આમ દુઃખની લાગણી શા માટે ! તું આનો વિરોધ કે વિદ્રોહ કરી શક્યો હોત આદિત્ય!"
"વિદ્રોહ!.." તેણે ગભરાઈને ઉપર જોયું. 'કાનને ફાડી નાંખતો ધમ્મ... અવાજ !પછી શું થયું ખબર ના પડી પરંતુ આંખો ખૂલી ત્યારે હોસ્પિટલમાં બેડ પર સૂતો હતો. હૃદય ધક્ ધક્ કરતું હતું. લોહી શરીરમાં ફરતું હતું પરંતુ મગજ ! મગજને વિચિત્ર અવાજ સંભળાતા હતા અને તે પ્રમાણે શરીરનું હલનચલન થતું હતું. ઓહ માય ગોડ! ખોળિયું પોતાનું પરંતુ કાબુ બીજાનો. અસ્તિત્વ હોવા છતાં તે અસ્તિત્વવિહીન હતો.' પોતાના શરીર પર થયેલા ઓપરેશનના ઘાને જોતો તે ફરી સચેત થઈ ગયો.
"એલર્ટ" મેસેજ વારંવાર તેજ લિસોટા કરતો ગાયબ થઈ જતો હતો.
આદિ સ્વસ્થ થયો. ધીરે ધીરે ફરી તેણે અવળચંડા મગજનો કાબુ બોસને સોંપી દીધો.
"Rest and sleep" કમાંડ આવ્યો અને તેણે ફરી આરામ ખુરશીમાં પડતું મૂકી આંખો બંધ કરી પરંતુ સુષુપ્ત મને ફરી અવળચંડાઈ કરી. મને કાબુ ગુમાવ્યો. ગાઢ નિદ્રામાં તેનો મીઠો મીઠો ભૂતકાળ સળવળ કરી શરીરની નસે નસમાં વહેવા લાગ્યો. ઊંડા ઉતરી ગયેલા પેટમાં પેલી જૂની જર્જરીત ભૂખ ઊભી થઈને, આંતરડા ચીરીને બહાર આવવા તરફડિયા મારવા લાગી. મીઠાં પાણીની .. ગળાની નીચે ગટ્ક...ગટ્ક.. ઉતરીને શરીરની રગેરગની શાંત કરતી હતી તે તરસ ઊભી થઈ ઊંડા કૂવાને ઉલેચવા લાગી. નાભીમાંથી ઉઠતો શ્વાસ કોઈક મીઠી સુવાસિત સુગંધ માટે આમતેમ ફેલાઈને કંઈક શોધવા લાગ્યો.
"શું શોધે છે! ક્યાં વિહરે છે!" યંત્ર માનવનો અસ્પષ્ટ અવાજ તેના ઉંઘતા કાનને ઢંઢોળતો જગાડવા માંડ્યો.
અનાયાસે ગાઢ નિદ્રામાંથી ચીસ પાડીને આદિ ઉભો થઈ ગયો. શરીરે રેબઝેબ...એના અંતરમાંથી પોકાર ઉઠ્યો, "મા..."
"એ વળી શું!" ફરી યંત્રમાનવનો અવાજ.
આંખો ખોલી તેણે યંત્રમાનવ તરફ જોયું. અભેદ્ય દીવાલોને તોડીને તે યંત્રમાનવને ગળે લગાડવાનું મન થઈ ગયું. એક ધક્ ધક્ કરતા હૃદયને સ્પર્શવાનું મન થઈ ગયું. એક માનવ શરીરને આલિંગન કરતાં... તેમાંથી મળતો મીઠાં પ્રેમનો ગળચટ્ટક આવકારો સ્પર્શવાનું, અનુભવવાનું મન થઈ ગયું પરંતુ...આ તો રોબોટ!
"મૂંઝાઈશ નહીં. કહે તો ખરો તને શું થાય છે! તારા વિશે કહે. તને કોણે બનાવ્યો. કોણે જન્મ આપ્યો. યુ નો, અમને તો માનવે બનાવ્યા.કાળકોટડી જેવા કારખાનામાં ઉત્પન્ન થયા પણ તું...!"
"એલર્ટ" ફરી પિરામિડની અભેદ્ય દીવાલો પર મેસેજ ઝળક્યો.
'લાગે છે કે કાલ સવારે ઉગતાં સૂરજની લાલીમાને હું નહીં નીહાળી શકીશ. આ મારી માતૃભૂમિ પર કદાચ છેલ્લા શ્વાસ...! પણ તે ક્ષણ પહેલા હું ફરી બેઘડી જીવી લઉં. મારી રીતે! આ યંત્રમાનવ સાથે થોડી મનની વાત કરી લઉં.'
આદિત્યે યંત્રમાનવ સાથે ડીપ કનેક્શન કર્યું.
"મારું સર્જન ઈશ્વરે કર્યું." તેણે બે હાથ ઉપર કર્યા. આંગળી ચીંધી બોલ્યો,"જેણે સમગ્ર બ્રહ્માંડ સર્જ્યું છે. આ બ્રહ્માંડનો નાનો અમથો અણુ એટલે પૃથ્વી અને તેનાં પરનું મારું ગામડું...મારું સ્વર્ગ કરતાંય રૂડું ગામડું. મને જન્મ આપનાર મધથીય મીઠી મારી મા અને બાપુ." આદિત્યના અસ્તિત્વના કણકણ વેરાઈને ભૂતકાળમાં ખરી પડ્યા. સાવ સૂકાઈ ગયેલા શરીરમાં લાગણીઓ રૂપી લોહી ઉભરાવા માંડ્યું. સૂકાઈ ગયેલી સંવેદનાને લીલીછમ કૂંપળો ફૂટવા લાગી. ઊંડી ઉતરી ગયેલી સુકી આંખોમાં રાતા રાતા કમળ ખીલી ઉઠ્યા.
"એલર્ટ" મેસેજ ઝળકતા અને વિલિન થતાં રહ્યાં પણ તે તો હવે ક્ષણને જીરવીને, તેમાં પ્રફુલ્લિત મને જીવવા મક્કમ બની ગયો.
"ન્યુયોર્ક જેવાં મોટાં મોટાં મકાનો, વિમાન, એશોઆરામ, એસી જેવા ભૌતિક સાધનો તો કંઈ નહીં પરંતુ માટીના કાચા મકાનમાં અદ્ભુત ઠંડક મેળવીને પ્રકૃતિમય જીવન જીવતું મારું ગામડું...નેનપુર. સૂરજનું પહેલું કિરણ ઝળહળતું ધરતી પર પડે અને મારું નેનપુર સુવર્ણ સમ ઝળકતુ થઈ જાય. ઝળહળી ઊઠે વહેતી નદીના નીર. નદીની પેલે પાર ડુંગરા અને ઘનઘોર જંગલ. ઝળહળી ઉઠે ઋષિ સમ તપસ્યા કરતાં ડુંગરા, ઝળહળી ઉઠે વૃક્ષ વૃક્ષ અને પર્ણ... પર્ણ. આખીય પ્રકૃતિ જાણે આળસ મરડીને ઊભી થાય. નદીની આ પાર મારું નેનપુર. સૂરજની સાથે નેનપુર હંધુય ઉઠી જાય હો કે...! શિવજીની દેરીએ આરતીની ઝીણી ઝીણી ઘંટડી વાગે'ને એ ઝીણી ઘંટડી જેવો મીઠો રણકાર રસોડાના વાસણમાં વાગવા માંડે. શિરામણ કરીને, ખભે હળ મૂકીને, બળદોને ડચકારા મારતાં બાપુ, સહું ખેડૂતો ખેતરે જાય. ધરતીની માટીને પ્રથમ વંદન કરી, ક્ષમા માંગીને, અવનવા ગીતો લલકારતા ખેતર ખેડવાનું ચાલુ કરે. ગામની સ્ત્રીઓ કૂવેથી મીઠું પાણી ખેંચીને બેડલાં ભરે. એકબીજા સાથે વાતો કરતી, મીઠા અવાજે ગોવિંદના ભજનો ગાતી, ઘરે આવી પાણીયારૂ ઝળકાવે. અમારે તો દરેકના ઘરે ગાય અને ભેસ ગમાણે બાંધ્યા જ હોય. તેને ઘાસ અને પાણી નીરીને મારી માવડી દૂધ દોહે. કાચી માટીના મકાન ઉપર તો મોર આવીને કળા કરીને, ટહુકા કરી અમને ઉઠાડે. ચકલી ચી..ચી.. કરીને, કોયલ, પોપટ, પિહુડા જેવા અનેક પક્ષીઓ ગીત ગાતા આંગણે ઊભેલા લીમડાની ડાળીએ બેસે. મારી માવડી પહેલા તેમને ચણ નાખે. માથે હાથ ફેરવી ખૂબ વહાલો કરી મા મને ઉઠાડે. નવડાવે. રોટલા અને દૂધ ખવડાવે પણ હું તો પહેલો રોટલો આંગણે ઉભેલા મારા મોતિયાને, મારા વહાલા કૂતરાને જ આપું. મન ભરીને તેના કુરકુરીયા રમાડું. મા ખીજાતી રહે પણ હું તો મસ્ત રહું. ખભે દફતર ભેરવીને ભાઈબંધો સાથે નિશાળ જતા પહેલા ગામને પાદરે આવેલા તળાવમાં ધુબાકા મારીએ. મારા ભાઈબંધો મનીયો, ચંદુડિયો, પેલી શામળી મીનુડી જે સદાય બિલાડીના બચ્ચાને હાથમાં લઈને ફરતી." એક ઊંડી "આહ!" આદિત્યે ભરી અને આંખમાં પાણી આવી ગયા.
"નિશાળમાં મનુ માસ્તર અમને ભણાવે. ન આવડે તો સોટી મારે હાથમાં...." આદિત્યે બે હાથની હથેળી યંત્ર માનવને બતાવી." જો, હજી પણ હાથમાં ચચરે છે... તે યાદ આવતાં."
"અહા...!
"પછી રિસેસનો ઘંટ. ટન.. ટન.. ટન.. ચીચીયારી... આનંદની, ખુશીની. બધાંનાં ડબ્બા સાથે ખુલતાં. રોટલા, મરચાં, ડુંગળી, સુખડી, મોહનથાળ, કંસાર, મરચાના ભજીયા...અહા..! " શુષ્ક હોઠો પર આદિએ જીભ ફેરવી, "અને નળમાંથી આવતાં મીઠા મધ જેવા પાણીને ગટ્ક ગટ્ક ગળે ઉતારીને સતુડીયા રમીએ. સંતાકૂકડી રમીએ. નિશાળમાંથી ભાગીને ફરી બધાં ભાઈબંધો તળાવની પાળે આવેલા વટવૃક્ષની વડવાઈએ હીંચકે ઝૂલીએ. આજ અમારો હીંચકો...આકાશ સુધીની સફર કરાવતો હીંચકો. બહુ મજા આવતી દોસ્ત! જ્યારે ખેતરોમાં લીલોછમ પાક લહેરાતો હોય ત્યારે મીઠી મીઠી સોડમ હૈયાની આરપાર ઉતરી જાય. ખેતરે બાપુ પાસે જઈએ ત્યારે રસ્તે આવતા આંબાની ડાળે ઝૂલતી કેસર જેવી મધમીઠી કેરીઓ ચોરીછુપીથી ખાઈએ. ઓલી મીનુડીને તો ખાટી આંબલી ભાવે. તેના માટે અમારા ભાઈબંધોમાં હરીફાઈ જામતી. 'કોણ વધારે આંબલી તોડે.'." ખડખડાટ હસી પડ્યો આદિત્ય. તેના શરીરમાં જાણે ગામડાની લીલીછમ ધરતીની માટીનું કણેકણ શૈશવ બનીને મ્હોરી ઉઠ્યું. " ખેતરમાં આવેલા આંબાના ઝાડની છાયામાં પાથરેલા પાટ ઉપર બાપુને ભેટીને જ્યારે સૂઈ જાઉં ત્યારે મીઠી હવાની ઠંડી લહેરખી મને રમાડીને સુંવાળી પરીકથા સંભળાવતી હોય તેવું લાગે. ગોધુલીએ જ્યારે મંદિરમાં આરતીની ઝાલર વાગે ત્યારે પેટમાં પ્રસાદના સાકર-સિંગદાણા ખાવાની ભૂખ ઉઘડે. માબાપુ કહેતા, 'ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું ય ન હાલે. આ ઈશ્વરને પ્રથમ પ્રણામ કર.' આ ભગવાન સામે નતમસ્તક થઈ પ્રાર્થના કરીએ. ઘરે આવીને પણ સુતાં પહેલા પ્રાર્થના કરીએ."
"કોને! શા માટે!"
"ઈશ્વરને. અમારા સર્જનહાર ભગવાનને. અમે આભાર માનીએ કે તે અમને જીવન આપ્યું. પેટ ભરીને જમવાનુ આપ્યું.અમૃત જેવું મીઠું પાણી પીવા આપ્યું. સુંદર પ્રકૃતિ માણવા આપી. સુખ આપ્યું. શાંતિ આપી. ગામનાં ભોળાં અને મિલનસાર માનવી બનવાનો અને એવાં જ કપટ વિનાના, વિશાળ હૃદયના માનવીઓ વચ્ચે જીવવાનો અવસર આપ્યો. "
"પછી..."
"મોટા થયા'ને પછી તો નદીની પેલે પાર ડુંગરા પર આવેલા જંગલમાં રખડવા જઈએ."
એ વળી શું!"
"જંગલ! તે જંગલ નથી જોયું! ગામની સીમા પૂરી થાય અને ડુંગરા પર વૃક્ષોનું ટોળું એકબીજાને અડીને ઊભું રહે. પશુપંખી અને નદી નિર્ભયતાથી ત્યાં જીવે. અમને માણસોને ત્યાં જતા ડર લાગે કારણ કે ત્યાં વાઘ, સિંહ જેવા માનવભક્ષી પશુઓ રહેતા હોય."
"પણ આ માનવો જેટલા ખૂંખાર તો નહીં હોય ને! બધાને જ ખાઈ જાય!" અચાનક યંત્ર માનવ બોલી ઉઠ્યો.
હબક્ ખાઈ ગયો આદિત્ય! સાચી વાત હતી યંત્ર માનવની. માણસ જેટલો ખૂંખાર તો કોઈ જ નહીં. પોતાની સુખ, સુવિધા માટે મૂંગા પશુપંખીને મારવા, વૃક્ષો કાપવા અને છેવટે સત્તાના આધિપત્ય માટે માનવ સંહાર! એ ધ્રુજી ઉઠ્યો." હું માનવ મટીને પશુ થઈ ગયો. ના...ના. પશુ તો માત્ર ભૂખ માટે જ સંહાર કરે પણ હું તો તેથી ય બદતર!"
"શું થયું!"
" મોટો થઈને નાસા જોઈન્ટ કર્યું. હું તો બ્રહ્માંડમાં રહેલા ગ્રહોના માનવી સાથે વાતો કરવા ગયો હતો પણ મેં શું કર્યું? અવનવા ગ્રહો વિશેનું જ્ઞાન અને બ્રહ્માંડના રહસ્યો શોધતાં શોધતાં હું ક્યાં ભટકી ગયો! બ્રહ્માંડ ઉત્પન્ન કરનાર ઈશ્વરના સર્જનનો જ મેં મારા હાથે નાશ કર્યો! મેં જ પ્રકૃતિનો અને માનવનો સંહાર કર્યો. હવે હું ઈશ્વર પાસે કઈ રીતે...!"
"આટલા સુંદર અને અદ્ભુત તારા ઈશ્વર. તને સર્જનાર. તને અદ્ભુત કમાન્ડ આપનાર. એ જ તને કંઈક મારગ સુઝાડશે."
"હા હા ને હા.. " આદિત્યનો આંતરિક વલોપાત તેના સમગ્ર અસ્તિત્વમાં છવાઈ ગયો.પોતાના હાથથી જ પોતાના દેહને પ્રહાર કરતો હૈયાફાટ રૂદન કરવા લાગ્યો.
" દોસ્ત! તું નહીં માને પણ ભલે હું અમેરિકામાં હતો પરંતુ મારા હૃદયના એક ખૂણે મારી લીલુડી ધરતી.. મારું ગામડું અકબંધ હતું. મારી લીલુડી ધરતીની માટીની સોડમ સદાય મારા અસ્તિત્વમાં મહેંકતી રહેતી. આંખો સામે ભલે વિમાન ઉડતા હોય પરંતુ મારા મનનાં અલિપ્ત જગતમાં તો ડચકારા મારતું મારું બળદ ગાડું સદાય રમતું. જમવાની થાળીમાં ભલે પીઝા અને બર્ગર હોય પરંતુ મન તો માનાં હાથનાં રોટલા અને મરચા માટે સદાય તરસતું રહેતું. મારે ત્યાં જવું છે. દોસ્ત! નથી જોઈતી ધન સંપત્તિ, ડોલર કે પ્રતિષ્ઠા. મારે એ જ લીલુડી ધરતી પર જવું છે. જીવવું છે ત્યાં જ. મારે મંદિરમાં જઈને ઈશ્વર પાસે માફી માગવી છે. પશ્ચાતાપ કરવો છે. મને મારા કર્મની જે પણ કોઈ સજા હોય તે... તે મને મંજુર છે પણ એકવાર માત્ર એકવાર મારે ગામડે..." આદિત્યના શરીરના રોમેરોમમાં જાણે લીલુડી ધરતીનો સાદ ગુંજવા લાગ્યો અને તેના આત્માને પણ જાગ્રત કરી દીધો.
અજીબ લાગ્યું યંત્ર માનવને. આદિત્યનો તરફડાટ જોઈને તેના નિર્જીવ શરીરમાં પણ ઝણઝણાટી થઈ આવી. કંઈક વિચારીને તે બોલી ઉઠ્યો, "સાંભળ આદિત્ય, અહીંથી થોડે દૂર.. તું કહે છે ને તેવું મંદિર છે. તેમાં માનવો કદાચ હજી જીવિત હોય તેવું લાગે છે. મંદિરમાં ઝાલરો હજી વાગે છે.. તું ત્યાં જઈ તારા ઈશ્વર પાસે માફી માંગ.. કદાચ..."
"મંદિર! કઈ રીતે? આવા ભયાનક ઝેરી રસાયણથી તો..."
"તું કહે છે ને ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું ય ન હાલે! ખબર નહીં કઈ રીતે... પરંતુ તે ધરતી પર અમે ખૂબ બોમ્બમારો કર્યો પરંતુ એકેય બોમ્બ ફૂટ્યો નહીં. ઝેરી રસાયણ છોડ્યા, તેના ધુમાડામાં ઘડીક મંદિર આખેઆખું ગાયબ થયું પરંતુ ફરી... અરે આ શું કરે છે તું!"
"આભાર દોસ્ત. મારા હૃદયમાં ફરી આસ્થા અને અખૂટ શ્રદ્ધાનો દીપક પ્રગટાવવા માટે. એ મંદિર વિશે હું જાણું છું. ભૂતકાળમાં પણ તે મંદિર પાસે ઘણાંય બોમ્બ નાખવામાં આવ્યાં હતાં વિનાશ માટે... પરંતુ તે ધરતી અને મંદિરને કશી જ અસર થઈ ન હતી. આસ્થાના પ્રતીક સમું તે મંદિર હજીય અડગ ઊભું છે. એ જાણીને તો હું ગદગદ..!.
"એલર્ટ " મેસેજ સાથે હવે સાયરન પણ વાગવા માંડી.
"એલર્ટ! તો હવે તું થા " આદિત્યે તિરસ્કારથી ચંદ્રગ્રહ સામે જોયું. સત્તાના લાલચુ, પાશવી કૃત્ય કરનાર બોસને ઉદ્દેશીને બોલ્યો," તું ગમે ત્યાં છુપાઈશ પણ કર્મ તને નહીં છોડે. તારાં માથે કાળ ભમે છે. તારો સર્વનાશ...!"
તે જ ક્ષણે પિરામિડની અભેદ્ય દિવાલમાં તિરાડ પડી અને....
****
