વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવલી

જીવલી

કૈંક ભીનું ભીનું લાગ્યું છાતીમાં. 

આંખ તો નહીં પણ હૈયું મૃગજળ સમા અશ્રુસરોવરથી છલકાઈ ઉઠ્યું. ભીતરમાં લાગેલી આગને પેટની ભૂંડી ભૂખ બળતામાં ઘી હોમીને વધારે બાળવા લાગી. ખાલી ઠામ 'ને દેવતા વગરનો ઠરેલો ચૂલો તેના...

"જીવલી... લાય કૈક દે ખાવાને" લથડીયા ખાતો, દારૂ પીધેલો તેનો ધણી દેવભા બોલતા બોલતા બારણે ફસડાઈ પડ્યો. રોવું આવ્યું જીવલીને પણ આંસુડાં ય ખૂટી ગ્યા. છણકો કરી, હાથમાં ખાલી વાટકો લઇ, સ્વાભિમાનને ઠેબે મારી, ભૂંડી  ભૂખ ઠારવા ભીખ માંગવા નીકળી પડી...રડતી કકળતી. "કૈંક હોય તો આલોને બાપા... વધ્યું ઘટ્યું... ચાર દીથી કાંઈ ખાધું નથ્"

મોટા મોટા મહેલ જેવાં મકાનોમાંથી તો કાંઈ મળ્યું નહીં સિવાય કે ગાળો! આખરે મજુરવાસમાંથી થોડાં રોટલાના કટકા મળ્યા. બે ઘડી પોતાના દેહ પર અને બે ઘડી રોટલાનાં કટકા સામે જોયું. થોડું હસી અને ઝૂંપડીએ આવી દેવભાના મોઢામાં બે કટકા નાખ્યાં. પોતે માટલાનું ઠંડુ પાણી ગટક ગટક ગળે ઉતારી પેટની ભૂખને ઠારી‌. ભોંય પર આડી પડી. "કાલ હવાર તો કોઈકના વાહણ ઉટકીને ખાવું સ. આમ ભીખ માંગીને તો  આતમડો ઊંડું ઊંડું રુંવે સ જીવલી... પણ વાહણ ઉટકવાનું કામ પણ ચ્યાં કોઈ આલે સે! મજૂરવાહમાં જ જવા 'ને ત્યાં કામ..‌" મોડી રાતે નિદ્રાદેવીએ પોતાની આગોશમાં તેને સમાવી લીધી.

"જીવલી ઓ જીવલી... લે ઉઠ. લે, તારા હાટું સા મેલ્યો" દારૂના નશા વગરનો ધણી દેવભા તેને દેવતા જેવો લાગ્યો. અરે! લાગ્યો નહીં.એ તો દેવતા જ હતો.

"લ્યે ઉઠ. તારા દેવતા હામુ આમ એકટક જોઈને નજર લગાડીશ મા" દેવભા હસી પડ્યા અને તેમણે નાજુકાઈથી જીવલીને ઊભી કરી. હાથમાં રહેલું વાત્સલ્યનું સરોવર છલકાવતા એણે જીવલીના માથે હાથ ફેરવ્યો અને ઝડપથી નજર ફેરવી ભીની આંખોના આંસુડાં સંતાડી દીધાં.

"તારો સા ક્યાં સ!"

"પીધો."

"ખા મારા હમ"

"સાવ ગોંડી સ તું. જો આ સાની પોટલી. બે સા લાયો તો.લે હવ હોઠે માંડ."

એક ઘુંટ જીવલીએ ગળા નીચે ઉતર્યો 'ને સૂકી ધરતીને બે અમીછાંટણા વરસાદના મળી ગયા હોય તેવું લાગ્યું.

"હારૂ લાગસ હવે!"

"હોવ "

"લે.તાણ. કામે જાઉં. જીવલી, કોણ જાણ માલિકનાં હૃદયે રામજી વસ્યાં! આજ ઈના ભાઈબંધ હારે વાત કરીન ઈનો બંગલો હાસવવા કીધું સ. ઈક ઓરડીમાં રહેવાનું સ ન બંગલા ભેગો બગીસોય હાસવવાનો. ગમહે 'ને ! પગાર હો મસમોટો સ મારી રાણી." ખિસ્સામાં રહેલું પરચુરણ જીવલીને હાથમાં આપી ઝૂંપડીનું બારણું આડું ઠેલીને એ જતો રહ્યો.

સાલ્લાના છેડે પરચુરણની પોટલી બાંધી જીવલી પણ કામ શોધવા નીકળી પડી.

રખડતી રખડતી મજુરવાસના પાકાં મકાનનાં ઓટલે શાંતિથી સૂતેલાં કુતરા પાસે આવીને બેઠી. કુતરું થોડું ઘુરક્યું પણ પછી કંઈક સમજીને શાંત થઈ ગયું. જીવલી થોડી હામ એકઠી કરી બારણું ખખડાવવા જાય ત્યાં તો બારણું ખોલી માલીકણ કૂતરાને રોટલા નાખવા બહાર આવી.

બે આંખોમાં કાકલુદી અને બે આંખોમાં કરુણા ક્યાંય સુધી નીતરતી રહી. હોઠે આવેલા શબ્દો પણ જાણે વહી ગયા આ આંખોની વાત્યુમાં.

"આય અંદર આય માવડી." માલિકણે અંદર બોલાવી થાળી ભરીને રોટલા, શાક આપ્યાં.

"બુન, કૈંક કામ દે ને. આ મફત.. ભીખ તો આતમડે ખુસે સે." 

કરુણા નીતરતી આંખમાં અશ્રુસરોવર છલકાયું. "કામ...તો.. લે આ થોડા વાસણ ઉટકી દે."

"હું હંધુય કામ કરા. બુન તું કે તો ખરી.!"

આંગણું ચોખ્ખું ચણાક કરી જીવલી વાસણ ઉટકવા બેઠી. સૂરજ થોડો હરખાઈને ઉપરથી જોવા માથે ચડ્યો.

"ક્યાંથી આવી સ માવડી... આ હાથ  વાહણ ઉટકવા તો નથ્ય..!"

"હં." જીવલીએ ઉપર જોયું. " ઢુકડે સે ઈ ગામડેથી."

"કમ્. ગામડે તો બહુ હારું!"

"હોવ...પણ આ ઉપરવાળો લગીરે ટાઢો પડવા નથ્ દેતો."

"એવું હુ થ્યું!" છાશનો પ્યાલો તેણે જીવલીને ધર્યો.

"કાં માવઠું, કાં પુર નહીં તો લગીરે છાંટો નહીં મેઘલાનો.."

"ઓ માડી રે....ઘેર  જમીન સ  ને!

"હોવ હંધુય ઈમનુ ઈમ સ."

"તો! માંડીને વાત કરને માવડી."તેની આંખોમાં કરુણા સાથે પ્રેમ પણ ભળી ગયો. જીભલડીએ  મણ સાકર ખાધી હોય એમ તેના શબ્દે શબ્દે મીઠું મધ ઝરવા માંડ્યું.

થોડી ખમચાઈ જીવલી, 'આ અજાણ્યા જણને હૃદયનાં ખૂણે ખળભળતો વેદનાનો  સાગર કઈ રીતે ઠાલવુ!'

"ચાલ્યા કરે બુન. એક દી હારો તો બીજો દી...! રામ રાખે ઈમ રહીએ. હે મારા રામજી, લ્યે, તારા વાહણ ઉટકાઈ ગયાં. હવે કંઈ કામ હોય તો આલ."

"થોડું બટકું તો ભર માવડી." તેણે થાળી મૂકી.

"બીજું કંઈ કામ હોય તો આલને બુન!" થાળીને પગે લાગી તે બોલી ઉઠી, "ઈવડા અમથા કામમાં આ તો બહુ કહેવાય."

"ઈમ હમજને તારી દીકરીના ન્યા આવી સ. થોડું ખાને માવડી"

"હાય મા! અમ્  ગામડાના માણહોને દીકરીના ઘેરનું પાણી ય નો ખપે." જીવલીએ આંખો ઉંચી કરી તે ચહેરાની આરપાર ઝાંકવાનો પ્રયત્ન કર્યો.

"ગામડે હંધુંય હારુ સ ન માવડી!" માલિકણે ઘરનાં મોટાં ડબ્બા ઉટકવા આપ્યાં. ઘરમાંથી વીણી વીણીને વાસણ લાવી ખડકલો કર્યો.

આમલી પલાળીને જીવલીએ પિત્તળના વાસણ ઉટકવા માંડ્યા... ચકચકાટ!  પણ હૃદયની વાત તો તેણે ઠંડી છાશ પીને ઠારી દીધી.

" કાં મારાથી કંઈ ભૂલ થઈ સ માવડી. તું ખાને.! આંખોમાં આંસુ લાવી માલિકણ બોલી ઉઠી.

તેની આંખોમાં અપાર મમતા જોઈ જીવલીનો વેદનાનો સાગર ખળભળી ઊઠયો. મોજાં ઉંચે ઉંચે ઉછાળવા લાગ્યાં. 'ઈને ચેવી રીતે કહું ક મારા ધણી વગર કોળિયો ગળે ના ઉતરે.  ન પાસું ઈમણે કાંઈ ખાધું નથ્. ઈ ય મારા વના મોઢામાં કોળિયો ય ના મૂકે.'

"ઘેર તો બહુ હારું સ બુન! એય મજા! ત્રૈણ વીઘું જમીન સ. બળદો સ. ગાયભેસ સ.બે મેડીનુ પાકું મકાન સ પણ આ મેઘલો! બહુ હતાવે સ. માવઠું, પૂર, દુષ્કાળ.. અમ્ ખેડૂતોને બચાડા બનાવી દીધાં સ. ઊભે ઊભો પાક આ માવઠું ગરી જાય સ તો વળી નદીના પૂર હંધુંય પેટમાં લઈને વહી જાય. હુ કરીએ! દેવા ચરીને બીજ વાવીએ. ધરતીમાત બિચાડી‌ તો છાતી ફાડીને પાક આપે પણ આ મેઘલો!" કેટલાંય દીથી જીવલીના મનનો ભરેલો  અગ્નિ ભડભડ કરતો આગ ઓકવા લાગ્યો. " મારે વસ્તાર નહીં. દેર મારા દીકરા જેવો અને દેરાણી તો એથીય  રૂડી. ઈને વસ્તારમાં દીકરો ન દીકરી. ઈમને હો ભણાવવા શેરમાં મોકલવા સ. ડોક્ટર બનાવવા સ. બુન, દેવું ચરીને બીજ લાયા. ખાતર લાયા. પણ આ મેહુલો! હંધુય રાક્ખહની પેટે ખાઈ જાય સ.ઘર ગીરવે મૈલ્યુ. ખેતરમાં ઝૂંપડી બાંધીને રહ્યાં પણ દર ફેરે  આ મેહુલિયો‌!  પૈહૌ, જણસ હો બહુ પણ મારા દેવભા, ધણીનો હાથ હાવ ખુલ્લો સ. માબાપ વનાની દીકરીયુંને ભણાવે સ.પરણાવે સ. કોઈની તકલીફ ઈનાથી ન જોવાય. દેવું કરીને, જણહ વેસીને પણ ઈને પૈહા આલે. મારો ધણી દેવ જેવો સ. નામ હો દેવભા.

"હોહો.."

"હાસુ કહું બુન. આજ મારી લીલુડી ધરતી સાદ દેતી હોય ઈવુ લાગ સ. ગામડું બહુ યાદ આયુ. આ તારા નૈણમા જોઉં સુ ન પાદરે સલકતી નદી યાદ આવ સ. એય...! અમ્ હંધીય બાયું ધબાધબ કપડાં ધોકાઈએ, નાના બસાળ ઊંસેથી ધુબાકા મારે, પાણીમાં તરે, હાથોહાથ અમ્ હંધીય બાયું ધમાચકડી ચરતા નદીમાં નહાઈએ. મીઠું પાણી કૂવેથી લાઈએ તાણ છમછમ કરતાં ઝાંઝર, હાથે ખણણણ કરતાં ક ચૂડલા'ન લાલ પીળી ઓઢણી ઓઢી મીઠા અવાજે ગરબા ઘુમતા...! પ્હો ફાટ્ય'ન હંધાય ખેડૂત ખેતરે જાય તાણ ભજનો ગાતાં બળદગાડુ ઈવું હંકારે ક કામ પડતાં મેલીને ઈમની હાથે જાવાનું મન થાય. કેવું હારૂ લાગ હેં!  ઠંડી ઠંડી 'ન મીઠી મીઠી હવા, ઓલા પંખીઓ ઈક ડાળ પરથી ઊડી બીજી ડાળે જઈ'ન હંતાકૂકડી રમે, સૂરજદાદા પધરામણી કર'ન ઈની હાથે ધરતીની માટીય સોડમ કરતી ગાવા લાગે.ઓલુ ધરતીની છાતી ફાટીને ઊગેલું કૂણું કૂણું ઘાંસ હો કેવું નરૃત્ય કરે! સૂરજદાદા માથે ચઢે તાણ ધણીને ભાત દેવા નીહરતી ધણીયાણીના મ્હોં પર પિયુ મિલનની..." જીવલીના મોઢા ઉપર શરમનો શેરડો ફરી ઉઠ્યો. "ગામ ભેગું થઈન વાવણી હો કર'ન લણણી હો કર. હોળી, હોય ક દિવાળી ગામના હૌ હાથે જ કરે. લગન હોય કે મરણ હંધાય પ્રસંગ હૌ મળી'ન કરે. ડેલીએથી કોઈ ભૂખ્યું ન જાય. માંગોણોને સેવટે લોટ'ન ગોળ દઈએ. હાંજુકડે ગામને પાદરે વડીલો બેહૈ'ન હારી સલાહ આલે. ન્યા રમતા બસાળનુ ધ્યાન રાખ'ન હાથે ગાયભેંસુનુ હો ધ્યાન રાખે. ના કોઈ સિંતા...ન દુઃખ...મારૂ ગામડું તો સવરગ સ...ભલે મેડીનું મકાન ગ્યુ પણ ઝૂંપડીમાં એક રહોડે રોટલા 'ન મરચાં બહુ મીઠાં લાગતાં 'તા. દેર મારો માવડી કહીને બોલાવે તો ઈવું લાગે ક જાણે પૂરવજનમનો દીકરો દેર બનીને આયો સે. દેરાણી રૂડી મારા પગ દબાવે ત્યારે.... જીવલી સાચેસાચ રડી પડી. 

"લે માવડી પાણી." 

પાણી ધીરે-ધીરે ગળે ઉતારતા જીવલીની આંખો ફરી નીતરવા લાગી." બુન,ખાવાને અનાજ ખૂટી પડ્યું. દેવું મોટું થૈ ગ્યું. દેર દેરાણી શેરમાં નોકરી જાવાનું કેતા'તા 'ને અમ્ ના પાડી. અમ્ જૂઠું બોલ્યાં. હાવ જૂઠું કે 'અમ્ ચારધામ યાત્રાએ જઈન આઈયે પસે તમે શેરમાં જજો.' "

"હવ હુ થહે!

"થોડાં દિ થીયા ઓઈ આયાન. શેરના સેવાડે કાસી, ગંધાતી ઝૂંપડીમાં દાડા કાઢીઅ સ બુન. દેવભા કામે ગ્યાતા પણ પગાર ના આલ્યૌ. ચાર દીથી અન્નના દાણાં ન પેટને વેર થ્યુ ગ્યું સ. ઈમા તો કાલ ઈ છાંટોપાણી કરન આયાતા. ઈ બોલતા નથ્ય પણ ઈમને કાળજું કોરી ખાય સ. અમ્ રહ્યાં ગામડાનાં માણહ. મફતનુ લેતા ય આતમા આભડે. અરે! માડી. કાલ હું મૂઈ ભીખ માંગવા નેકરીતી...બે કટકા રોટલા હારું... તાણ એવું થાય કે ધરતી ફાટ ન હું ઈમાં હમાઈ જાઉં." જીવલીના શરીરનું રુવેરુવુ આક્રંદ કરવાં લાગ્યું.

"ધીરજ રાખ માવડી. હૌ હારા વાના થાહે. ગામડાના માણહ હાવ ભોળા 'ન ભોળાંના તો ભગવાન હોય."

" હાસુ કે સ તું બુન. મારા રામજી રે..! મિલમાલિકના હૈયડે રામ‌ વસ્યા ન ઈમના કોક ભાઈબંધ અમ્મેરિકા રહ સ ને ઈનો બંગલો 'ને મોટોમસ બગીસો હાસવવાનું કામ દેવાના છે. આજ ઝૂંપડી ખાલી કરહુ 'ને ન્યા ઓરડીમાં રેવા જાશું. પગાર હો મોટો દેવાનાં સ. દેરને પેલ્લા મોકલાઈશું. હંધુય પાસું લૈ લેહુ...જે ગીરવે મૂક્યું સ ઈ."

"થોડી બાજરી 'ને ડાંગર, ગોળના ઢેફા લેતી જા માવડી. તે બૌ કામ કર્યું."

"ના...રે બુન. અમ્ તો ગામડાના માણહ. લીલુડી ધરતીના બસાળ,  મહેનત કરીને ખાનારા... અમને  વધારાનું કાંઈ ન ખપે. આજ કામ કર્યું તે રોટલા-હાક લીધાં. હું અને દેવભા હાથે કોળિયા ભરહુ."

"જીવકોરબા, સોડીન ન્યાથી ખાલી પેટ ના જવાય. મારું માવતર ભૂખ્યું રે તો મારી આંતરડી ય કકળે. માવડી!"

"ચેવુ હારું સ મારૂં નામ! પણ જોન બુન. આ દેવભા મને"જીવલી" કૈ સે. નથ્ ગમતું મને." અચાનક કંઈક વિચાર આવતા એક ઝાટકે જીવલીએ ઊંચું જોયું. બરાબર જોયુ. આંખના વેદનાના પડળો પાલવડે લુછી ધારી ધારીને જોયું.

"પણ હે બુન,તન મારા નામની ખબર ચેમની પડી. તું..."

"માવડી, હું લછમી. ગામ સેવાડે વાહમાં રહેતી, માબાપ વનાની અનાથ સોડી.  પિતા હમાન દેવભાએ શેરની સ્કૂલમાં ભણાવી'ન પસે પૈણાવી. માવડી તું ચેવી થઈ ગઈ સો!  ઓળખાઈ ના ઈવી. ચ્યાં ઠાઠમાઠથી રહેતી માવડી ન ચ્યોં આજની માવડી...!"

" હેં...! અરે! રામજી! મેં તો કોઈ દી તન નથ્ય દીઠી. બળ્યું હું ભૂલકણી મૂઈ સ પણ ઈ તો સે જ ઈવા. મને આવું કોઈ દિ ના કે...પણ હવ તો તું હાસેહાસ દીકરી થઈ. લછ્મી બટા, હવ તો દીકરીના ઘેરનું કાંઈ ન ખપે." પોતાના પાલવના છેડે બાંધેલી પરચુરણની પોટલી તેણે ખોલી અને બધુંય પરચુરણ લક્ષ્મીના હાથમાં મુકતા બોલી ઉઠી.." દીકરી તો લછ્મીનો અવતાર! તું હાસોહાસ લછ્મી સો. તારાં પગલે ઈમને હારા પગારની નોકરી મળી 'ન રેવાન ઘેર. સુખી થાજે બટા."

ભરેલી થાળીને પગે લાગી, લક્ષ્મી પર અંતરના ઉંડાણમાંથી છલોછલ આશીર્વાદ વરસાવી, ગામડાની લીલુડી ધરતીની સંસ્કૃતિને હૈયે અકબંધ રાખી, ભલીભોળી, દિલેર જીવલીએ...

****




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ