હૈયાના હેત
કાંતા આજ છ મહિનાથી હાહરેથી થી ઘરે પાછી આવી હતી અને અત્યારે ખેતરે દાડી કરી ગુજરાન ચલાવતી હતી. એનો ઘરવાળો વિન્દુ, લગ્ન થયાં ને બીજા જ દહાડે એવું બોલીને ઊભો રહ્યો કે એને આ લગ્ન મજબૂરીથી કર્યા છે, બાકી એનું મન તો એની રેવલી સાથે બચપણથી બંધાયું છે. “તું તારે તારા ઘરે હાલી નીકળ,” એમ નિર્લજ્જાઈથી કહી દીધું.
આટલું સાંભળતા જ કાંતાના પગ નીચેની ધરતી ખસી ગઈ. કાલે જે નળિયાના નેવાં નીચે બેઠા એણે જે સપના જોયા હતા, એ આમ ભાંગી જશે એ તો એણે વિચાર્યું જ નહોતું. પણ જેવી વિધાતાની મરજી! એ ધૂળિયા રસ્તે હાલતી હાલતી પોતાના ઘરે પોગી ગઈ. વચ્ચે આવતા ખેતરો ને ઝાડવા જાણે એની ઉપર હસતા હોય એવું લાગતું. ગઈ કાલે જે મોરલા ગહેકતા હતા એ આજે કાનમાં વાગતા હતા, કોયલની કુહૂ જાણે એનું હૈયું ચીરી નાખતી હોય એવી પીડા આપતી હતી.
ઘર પોગતાં જ આંગણાની ધૂળ પણ અજાણી લાગી. માએ પૂછ્યું, “દીકરી, આમ અચાનક?” તો કાંતાના હોઠ સૂકાઈ ગયા, આંખમાં ભરાયેલું પાણી વહી પડ્યું. બોલવા જાય તો ગળે ગાંઠ પડી જાય.
ગામની બાઈઓ વાડા પાસે ઊભી ઊભી કાણાં બોલતી, “લગ્ન ને કેટલાં દહાડા થયા? આ તો પાછી આવી ગઈ!”
કાંતાનું હૈયું કાચ જેવું થઈ ગયું, જેનો ટૂકડો થઈને અંદર જ ચુભતો ગયો
સવાર પડે તો એ ખેતરે દાડી કરવા નીકળી જાય. તપતો તડકો માથા પર ધગધગે, પણ એના મનનો તાપ એથી પણ મોટો. હાથમાં બીજ લઈને કાંતા વાવણી કરે, ને દરેક બીજ સાથે જાણે પોતાનું દુઃખ માટીમાં દાટી દેવાનો પ્રયત્ન કરે.
પાછળથી પવન ફૂંકાય, તો એને લાગે કે વિન્દુનો અવાજ હશે, પણ ફરી વળે તો ખાલી વેરણ ખેતર.
રાત પડે ત્યારે છાપરામાં પડેલી ખાટલા પર આકાશના તારાં ગણે. દરેક તારો જાણે એને પૂછે, “તારા સપના ક્યા ગયા?”
કાંતા મનમાં જ બોલી ઊઠે, “મારા ભાગે તો રાત જ લખાયેલી હતી રે, સવાર તો કોઈ બીજાની થઈ ગઈ.”
છતાં પણ એ ગામડાની દીકરી હતી. આંખમાં આંસુ હોય તો પણ હાથે કામ બંધ ન કરે.
ધીમે ધીમે એણે નક્કી કરી લીધું “જે મને ના પોસે, એને માટે હું કેમ રડી બેસું? મારી મહેનત જ મારો સાથ છે.”
ધૂળિયા રસ્તે જે દિવસે એ પરત ફરી હતી, એ દિવસે એની અંદરની નાદાન છોકરી મરી ગઈ;
અને આજે ખેતરમાં પરસેવો પાડતી કાંતા એક મજબૂત બાઈ બની ઊભી રહી.
એક દહાડે એ ખેતરે કામ કરતી હતી ને એને શંભુ મળ્યો. માનો તો જાણે ભગવાને જ મોકલ્યો હોય એમ. ઊંચો કાદવિયો, સાવ સાદો પહેરવેશ, આંખમાં કરુણા. શંભુએ પહેલી જ વારે પૂછ્યું,
“કાંતા, તને તડકો બહુ લાગે છે, જરા આ બાવળિયાની છાંયે ઊભી રહે.”
એ દિવસથી શંભુ જાણે એની ચિંતા રાખવા લાગ્યો. પાણી ભરેલું લોટું આગળ ધરી દે, ભારે ગાંઠ હોય તો કહી દે, “આ હું ઉઠાવી દઉં.”
ગામમાં તો વાતો થતી, પણ શંભુના મનમાં કાંતા માટે સચ્ચાઈ જ હતી. એને કાંતા ગમવા લાગી હતી. અને કાંતાનું મન પણ ધીમે ધીમે શંભુ હારે મળી ગયું.
રોજ સવાર પડે, કાંતા દાડી પર આવે તો શંભુ પહેલેથી ખેતરમાં હાજર.
“આવી ગઈ?” એમ મલકાતો પૂછે.
કાંતાના ચહેરા પર સ્મિત ફૂટી પડે.
કાંતા ઘરેથી ભાત બાંધી લાવે. લીમડાની છાયા હેઠ બન્ને બેસી ભાતનું શિરામણ કરે. વચ્ચે મરચાં ને ડુંગળી, ક્યારેક છાશનો લોટકો.
શંભુ મજાકમાં કહે, “તારા હાથનો ભાત હોય તો સૂકું રોટલું પણ મીઠાઈ લાગે.”
કાંતા શરમાઈ જાય, “હવે બહુ બોલશો નહીં, કોઈ સાંભળી લે તો?”
પવન લીમડાના પાંદડાં હલાવે, જાણે એમની વાતમાં તાલ આપે. દૂર ગાય ઘાસ ચરે, ને આકાશમાં વાદળિયું તરતું રહે.
કુદરતની વચ્ચે કામ કરતાં કરતાં હૈયાના હેતની રમતું રમાય. ક્યારેક બન્ને નિસ્તબ્ધ રહી જાય, પણ એ નિસ્તબ્ધતામાં પણ ઘણું બધું કહી દે.
એક સાંજે વરસાદના ટપકાં પડવા લાગ્યા. બન્ને ખેતરની ઝૂંપડીમાં દોડી ગયા.
શંભુએ કાંતાને ઓઢણી આપીને કહ્યું, “તારે હવે એકલી નહીં રહેવું પડે. જો તું હા કરે તો હું તારા હાથ પકડી આખી જિંદગી ચાલવા તૈયાર છું.”
કાંતાની આંખમાં પાણી આવી ગયું, પણ આ વખતનું પાણી દુઃખનું નહોતું ,એમાં આશાનો દીપક ઝળહળાટ હતો.
એ ધીમેથી બોલી, “મારા ભાગે સવાર ફરીથી આવશે કે નહીં એ ખબર નહોતી, પણ તું મળ્યો ને લાગ્યું કે ભગવાને મને ભુલ્યા નથી.”
ગામડાની માટીમાં ફરી એક નવો અંકુર ફૂટ્યો.
ધૂળિયા રસ્તે જે કાંતા તૂટીને પરત આવી હતી, એ જ કાંતા હવે લીમડાની છાયા હેઠળ પોતાના નવા સપનાઓ વણી રહી હતી.
પણ હાય રે! એક સાંજ લીમડાની છાયા હેઠ બેસી હતી ને અચાનક કાંતાના મનમાં વીજળી કડાકા મારે એમ વિચાર આવ્યો
“અરે રે! હું તો છાંડેલી ગણાઉં છું... વિન્દુ હારે મારો કાયદેસર છૂટો ક્યાં થયો છે?”
હાથમાંનો ભાતનો ગ્રાસ અડધો જ રહી ગયો. ચહેરો ફિક્કો પડી ગયો. શંભુએ પૂછ્યું,
“શું થયું કાંતા? તું આમ એકદમ ચૂપ શા માટે પડી ગઈ?”
કાંતાની આંખ ભીની થઈ ગઈ. એ ધીમે ધીમે બોલી,
“શંભુ, તું મને જેટલી સારી સમજે છે ને, એટલી હું નિર્દોષ નથી રે... હું તો પરણેલી છું. વિન્દુએ મને પેહલે દહાડે જ કાઢી મૂકી, પણ કાયદેસર છૂટાછેડા તો થયા જ નથી. ગામમાં તો હું ‘છાંડેલી’ કહીને જ ઓળખાઉં છું.”
શંભુ થોડો સમય મૂંગો રહી ગયો. પવન પણ જાણે અટકી ગયો હોય એમ શાંતિ છવાઈ ગઈ.
કાંતા ફરી બોલી,
“મને તારી હારે હસવું ગમે છે, તારી ચિંતા ગમે છે... પણ હું તને પાપમાં ન નાખું. મારી કિસ્મત ફૂટેલી છે શંભુ. તું સારો છે, તારા માથે ડાઘ ન આવે.”
એવું કહીને કાંતા ઊભી થઈ જવા લાગી.
શંભુએ હળવેથી એનો હાથ પકડી લીધો,
“એ કાંતા, ભાગ્યે લખ્યું હોય તો શું? મનનું લખાણ મોટું હોય છે. તું કોઈની છાંડેલી નથી, તું તો દગો ખાધેલી છે. દોષ તારો નથી.”
કાંતાની આંખમાંથી ધોધમાર આંસુ વહી પડ્યા.
“પણ ગામ શું કહેશે? લોકો તો વાતો કરે જ છે.”
શંભુ દ્રઢ અવાજે બોલ્યો,
“ગામ કાલે કંઈક બીજું બોલશે. લોકોના મોઢા બંધ કરવાના હોય તો સચ્ચાઈથી જીવવું પડે. જો તું તૈયાર હોય, તો હું તારા માટે કાયદેસર રીતે બધું સમુસુતરું કરી દઈશ. પંચ પાસે જઈએ, વાત કરી લઈએ. તારું છૂટુ કરાવી લઈએ. તને સન્માનથી ઘેર લાવીશ.”
કાંતા આશ્ચર્યથી એને જોતિ રહી ગઈ.
“ખરેખર? તું મારી જેવી માટે એટલું બધું કરશે?”
શંભુ હસ્યો,
“તારી જેવી માટે નહીં, કાંતા… મારી કાંતા માટે.”
લીમડા એના પાંદડાં ફરી સરસરવા લાગ્યાં. દૂર ક્યાંક કોયલ બોલી , આ વખત એ અવાજ ચીરો ન નાખતો, પણ આશા જગાવતો લાગ્યો.
કાંતાના મનમાં હજી ડર હતો, પણ સાથે હિંમત પણ જન્મી ગઈ.
જે છોકરી ક્યારેક ધૂળિયા રસ્તે રડી રડીને પરત આવી હતી, એ જ કાંતા આજે પોતાના હક માટે ઊભી થવાની તૈયારીમાં હતી.
ખેતરની માટીમાં હવે ફક્ત દુઃખનો વાસ નહોતો,
એમાં નવી શરૂઆતની સુગંધ પણ ભળી ગઈ હતી.
બીજા દહાડે સવારે ગામ વચાળે મંદીરની પાહે ઓટલા પર પંચ ભેગું થયું. વડીલોના ચહેરા પર ગંભીરતા, હાથમાં લાકડી, બાજુમાં પીતળનો લોટકો. ગામના લોકો પણ ટોળે વળી ઊભા , કોઈ કાણું બોલે, કોઈ ચૂપચાપ જુએ.
કાંતા અને શંભુ બન્ને પંચ સામે ઊભા. કાંતાનું હૈયું ધબકે, પણ આંખમાં ડર કરતાં વધારે સચ્ચાઈ.
પંચના મુખિયા બોલ્યા,
“હા બેટા, કહો શું વાત છે? ગામ આગળ વાત ખૂલીને કહેજો.”
કાંતાએ ઓઢણી થોડી મજબૂત પકડી ને ધીમે ધીમે બધી વાત માંડી.
“મારા લગ્ન વિન્દુ હારે થયા, પણ બીજા જ દહાડે એમણે મને કાઢી મૂકી. ત્યારથી હું માવતરે રહી દાડી કરી ગુજરાન ચલાવું છું. કાયદેસર છૂટો થયો નથી. હવે હું મારૂ જીવન સન્માનથી જીવવા માગું છું.”
શંભુએ પણ માથું ઝુકાવીને કહ્યું,
“પંચદેવ, હું કાંતાને સન્માનથી ઘર લાવવા તૈયાર છું. પણ પહેલું એનુ કાયદેસર છૂટુ થાય એ જરૂરી છે. તમારો સહકાર જોઈએ.”
પંચે બાજુના ગામમાં માણસ દોડી મોકલ્યો. બપોર સુધીમાં વિન્દુ પણ આવી પહોંચ્યો. સાથે બે-ચાર લોકો પણ. ચહેરા પર ગર્વ, આંખમાં થોડી અણગમો.
પંચે પૂછ્યું,
“વિન્દુ, આ બાઈ તારી ઘરવાળી છે. તું એને શા માટે છોડીને બેસી ગયો?”
વિન્દુ બેધડક બોલ્યો,
“મારું મન તો રેવલી હારે હતું. મજબૂરીમાં આ લગ્ન કર્યા. મને કાંતા ન જ જોઈએ.”
ગામમાં સનાટો છવાઈ ગયો.
પંચના એક વડીલે કડક અવાજે કહ્યું,
“લગ્ન રમકડું નથી. બાઈના જીવન સાથે આમ ખેલાય નહીં. જો તારે કાંતા ન જોઈએ તો કાયદેસર રીતે છૂટાછેડા આપી દે. લખાણ કરી દઈએ.”
વિન્દુ થોડો અકળાયો, પણ અંતે બોલ્યો,
“હા, મને છૂટું કરવું છે.”
ઓટલા પર જ કાગળ-કલમ મંગાવાઈ. ગામના લખાણ જાણતા ભાઈએ લખાણ તૈયાર કર્યું.
વિન્દુએ અંગૂઠો ચોપડ્યો. કાંતાએ પણ હાથ કંપતો હોવા છતાં હિંમતથી સહી કરી.
પંચે જાહેરાત કરી,
“આજથી કાંતા અને વિન્દુનો સંબંધ પૂર્યો. હવે કાંતા પોતાના મન મુજબ જીવન જીવી શકે.”
કાંતાની આંખમાંથી આંસુ વહી પડ્યા , પણ આ વખતના આંસુ હારના નહોતા, મુક્તિના હતા.
શંભુએ દૂરથી જ માથું ઝુકાવીને પંચનો આભાર માન્યો.
ગામના લોકો ધીમે ધીમે છૂટા પડ્યા. કોઈ કહે, “બાઈએ હિંમત બતાવી.” કોઈ બોલે, “આજકાલની છોકરીઓ પણ હક માગવા લાગી.”
લીમડાની નીચે ઊભેલી કાંતાએ આકાશ તરફ જોયું.
જે આકાશે કદી એની પીડા જોઈ હતી, એ જ આકાશ આજે સાક્ષી બન્યું ,
એક બાઈએ પોતાના જીવનનો વાળો પોતે ફેરવી નાખ્યો.
અને શંભુ ધીમેથી બાજુમાં આવીને બોલ્યો,
“હવે ડર કાંઈનો નથી કાંતા... હવે સવાર સાચે જ આપણી છે.”
બીજી સવારે ગામનું આકાશ જાણે ખાસ ઝગમગી ઊઠ્યું. સૂરજ પણ ધીમે ધીમે લાલીમા છાંટતો ઊગ્યો. કાંતા અને શંભુ વહેલી સવારેજ મંદીર પોહચી ગયા. સાથે થોડા સગાંવહાલાં , કાંતાની માઁ, માવતરનાં બે મામા, શંભુનો કાકા અને બે મિત્ર.
મંદીરની ઘંટ વાગી .. ટનનન…
પૂજારીએ ભગવાન આગળ દીવો પ્રગટાવ્યો. હળવી અગરબત્તીની સુગંધ ફેલાઈ
શંભુએ કાંતાને ફૂલહાર પહેરાવ્યા. કાંતાના હાથ કંપતા હતા, પણ આંખમાં આ વખત શરમ સાથે આનંદ ઝળકતો. કાંતાએ પણ શંભુના ગળામાં હાર મૂકી દીધો. સગાંઓએ તાળી પાડી, “જય હો!” બોલાયું.
કાંતા મનમાં બોલી ઊઠી
“જીવન તો એની હારે જ જીવાય જ્યાં હૈયાનો હેત હોય. બાકી વેંઢારવું હોય તો જીવવું પણ નકામું.”
આજ જાણે કુદરત પણ એમની સાથે ખુશ હતી. ખેતરોમાં લીલોતરી ઝળહળી રહી હતી. વાડીઓમાં ચકલી ચહકતી હતી. મોરલો દૂરથી પાંખ ફેલાવીને નાચતો દેખાયો.
લીમડાની પાંદડીઓ સરસરી બોલતી , જાણે આશીર્વાદ આપે.
ગામડાની ગલીઓમાં વાત ફેલાઈ ગઈ,
“કાંતા ને શંભુએ મંદીરે ફૂલહાર કરી લીધા.”
કોઈ હર્ષથી બોલે, “સારું થયું, બાઈને સાચો સાથ મળ્યો.”
કોઈ થોડું વાંકડું મોઢું કરે, પણ આજે કાંતાને કોઈની પરવા નહોતી.
શંભુએ ધીમેથી કહ્યું,
“હવે તું એકલી નથી. તારા દુઃખમાં પણ હું, ને સુખમાં પણ હું.”
કાંતાએ હળવું સ્મિત આપ્યું,
“મને હવે કાંઈનો ડર નથી. મારું ઘર હવે જ્યાં તું.”
સાંજે બન્ને ખેતરની વાટ પરથી ઘરે જતા હતા. એ જ ધૂળિયો રસ્તો, જે ક્યારેક કાંતાને રડતો જોઈ ગયો હતો, આજે એના પગ નીચે ખુશીથી ધૂળ ઉડાડતો લાગતો.
આકાશમાં લાલ સૂરજ ઢળી રહ્યો હતો, પણ કાંતાના જીવનમાં તો નવી સવાર ઉગી હતી.
ખેતર ની માટીમાં ફરી એક વાર સાબિત થયું ,
જ્યાં સાચો પ્રેમ હોય ને હિંમત હોય,
ત્યાં ભાગ્ય પણ એક દિવસ માથું ઝૂકાવી દે છે.
બીજા દિવસથી બન્ને જોડે દડિયા કરવા જવા લાગ્યા.
કાંતા ને માથે ભાતનો ટોપલો, શંભુને ખભે કોદાળી.
જાણે સારસની બેલડી . બન્ને ગણગણતા ને ગીત ગાતા હાલ્યા જાય.
ધૂળિયો રસ્તો પણ આજ મીઠો લાગતો.
પવન હળવો ફૂંકાય, ને કાંતાની ઓઢણી આકાશ સાથે રમે.
શંભુ મજાકમાં કહે, “અરે ધીમે હાલ, નહીંતર મોરલો પણ પાછળ રહી જાય!”
કાંતા હસી પડે, “મોરને શું ? એ તો આપણી ખુશી જોઈને નાચે છે.”
બન્ને ગાતાં જાય ..
"મારા ગામને પાદર એક ઝૂંપડી,
ને આંગણે નાચે મોર, કે મને વહાલું મારું ઝૂંપડું...."
ધૂળિયા રસ્તે ચાલતા બે દિલ,
હવે જીવનનો હારમાળો ગૂંથી રહ્યા છે.
આમને આમ એક વરહ વીતી ગયું.
દિવસે દડિયા, રાતે સપના , બન્ને જણે પૈસા પૈસા ભેગા કર્યા.
પરસેવાના ટીપાં બચાવી ને આખરે એક નાનકડું ખેતર ખરીદી લીધું.
જ્યારે લખાણ હાથમાં આવ્યું ને ખેતર એમના નામે થયું, ત્યારે કાંતાની આંખ ભીની થઈ ગઈ.
“અપડું પોતાનું ખેતર રે શંભુ… હવે કોઈ કાઢી મૂકે એવો ડર નહીં.”
શંભુએ હસીને કહ્યું, “હવે તો આ માટી પણ તને ઓળખે છે કાંતા.”
ખેતર વચાળે બન્નેએ મળીને નાનકડું મકાન બાંધ્યું.
કાદવ ગૂંધીને દિવાલ ઊભી કરી, ઉપર વાસ નું છાપરૂ
આંગણે તુલસી રોપી, બાજુમાં બે કૂંડા , એકમાં મોગરો, એકમાં ગુલાબ.
દરવાજા આગળ કાંતા રોજ સવાર રંગોળી પૂરે.
સાંજે કામથી પરત ફરે, તો બન્ને આંગણે ખાટલા નાખી બેસી જાય.
કાંતા રોટલી શેકે, શંભુ બાજુમાં લાકડા ગોઠવે.
ભોજન વખતે ક્યારેક કાંતા શંભુને કોળિયો ભરી દે,
“લે તારા સમ.”
શંભુ હસીને પાછો એને ખવડાવે,
“હવે મારા સમ.”
બન્ને વચ્ચે હાસ્યના ફૂવારા ઉડે.
ધન-દોલત બહુ નહોતી, પણ મનની શાંતિ ભરપૂર હતી.
વરસાદ પડે તો છાપરાં પર ટપટપ અવાજ થાય.
કાંતા બારણેથી બહાર જોયે ને બોલી ઊઠે,
“જુઓ શંભુ, આપણું ખેતર કેવું લીલું થઈ ગયું!”
શંભુ ગર્વથી કહે,
“આ તો તારા હાથનું વાવેતર છે, ને મારા પરસેવાનું પાણી.”
ગામના લોકો હવે ઉદાહરણ આપે,
“જુઓ કાંતા ને શંભુ , હિંમત હોય તો ભાગ્ય પણ વળગી પડે.”
ક્યારેક રાતે તારાં ભરેલા આકાશ નીચે બન્ને હાથમાં હાથ નાખી બેઠા રહે.
કાંતા મનમાં વિચારે ,
જે જીવન કદી વેરણ લાગતું હતું, એ જ જીવન આજે સુગંધથી ભરી ગયું.
માટીના એ નાનકડા મકાનમાં
ફક્ત દીવાલો નહોતી,
એમાં વિશ્વાસ, સન્માન અને સાચો પ્રેમ વસતો હતો.
અને ધૂળિયા રસ્તે ચાલતી એ છોકરી ,
હવે પોતાના ખેતરની રાણી બની,
હાસ્યના ફૂલોથી ઘર આંગણું મહેકાવતી હતી.આજ તો છે સાચા હૈયાના હેત , જેની હિંમત ને હૂંફથી કાંતા અને શંભુ જીવન જીવી રહ્યા છે
