સીતા હજી જીવે છે
સીતા હજી જીવે છે
"તેરે દ્વાર ખડા એક જોગી... ના માંગે યે સોનાચાંદી માંગે દર્શન દેવી... તેરે દ્વાર ખડા એક જોગી.."
સરૂ રસોડામાંથી બહાર આવી. ડાઇનિંગ ટેબલ પર પડેલાં મોબાઈલમાં ઝળકતો મેસેજ અને સાથે ગીતની રીંગટોન સાંભળી હસી પડી.
"ખરી છે આજની પેઢી! નવું નવું સૂઝે છે. કેટલું જૂનું ગીત.. પણ કેટલું સુંદર!" તેણે મેસેજ જોયો.
'"બહાર ઉભો છું. દરવાજો ખોલ."
'ઓહ! આ તો મેહુલકુમાર આવી ગયા.'
"હિરલ, જલ્દી કર બેટા. તારો જોગી દ્વાર પર ઉભો છે." ખિલખિલાટ હસતાં એ દરવાજો ખોલવા ગઈ પણ અચાનક તેને શું સૂઝ્યું કે તેણે 'આઈ ડોર' માંથી નજર કરી. નજર કરતા જ તેના પગ પાણી પાણી થઈ ગયાં. 'આ.. આ..તો..' તેનું શરીર બે ડગલાં પાછળ ખસી ગયું પણ મન અને આંખ તો દરવાજે તોરણ બનીને ટીંગાઈ ગયાં.
હૃદયની ધક્..ધક્.. ધડકન પર કાબુ ન રાખી શકી સરૂ! દોડીને પોતાનાં રૂમમાં ગઈ. બારણું જોરથી બંધ કરી હાંફવા માંડી. ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી. દરેક શ્વાસમાં ભૂતકાળની યાદોનાં વિષને ટીપે ટીપે ગળે ઉતારવા લાગી. થોડીકવારમાં તો બધુંય ધૂંધળું દેખાવા માંડ્યું.. સાવ ધૂંધળું! તે દિવસની ધૂળભરી સાંજ જેવું કે 'જ્યારે ડ્રાઈવર કનુકાકાએ સજળ આંખે, ગામનાં પાદરે, પોતાને એકલી ઉતારી, કાર ઝડપથી પાછી વાળી લીધી હતી. ન કોઈ વાંક. ન કોઈ ગુનો. ના કોઈ બોલાચાલી કે ન કોઈ બચાવની દલીલ. બસ! સજા. જીવનભરની સજા. માત્ર આ એક જ સજા નહીં પરંતુ હૃદયથી પતિને ચાહવાની સજા.. ત્યાગ રૂપે મળી.'
પોતાનાં ભાગ્ય પર એક તિરસ્કારભર્યું સ્મિત નાંખી વર્તમાનની ક્ષણોમાં તે ફરી વહેવા લાગી. 'શું હિરલે ડોક્ટરને પસંદ કર્યા હશે? પણ ડોક્ટરની ઉંમર તો હિરલના પિતા જેવડી? છી..હું શું વિચારું છું! તેણે મેહુલકુમારને પસંદ તો કરી દીધાં છે તો પણ આ બુધ્ધુ મન! જે તસવીરમાંથી ફોટો કાઢી નાખી માત્ર એક ફ્રેમને જ યાદગીરી તરીકે રાખી છે.. તો હવે આ આ કાઢી નાખેલ ફોટામાંથી, જીવતો જાગતો માણસ બહાર નીકળીને ઊભો છે. શું કરું તેની સાથે? ધક્કો મારીને કાઢી મૂકું! ઘરમાંથી લાકડી કે હથિયાર લઈ તેને અહીં જ પૂરો કરી નાખું! શું કરવું એનું? શું કરું એનું?' મગજની નસ તો જાણે ફાટવા લાગી. 'અત્યાર સુધી તેં શું કર્યું સરૂ! લગ્ન બાદ તરત જ તેણે કહ્યું હતું કે, 'સરૂ, તું મને ગમે છે પરંતુ મારી માએ પેટે પાટા બાંધી, મજૂરી કરીને મને ડોક્ટર બનાવ્યો છે. મારે મન મારી માનું સુખ પહેલું. તેથી પહેલાં તારે મારી માનું મન જીતવું પડશે પછી જ તને અપનાવીશ. તેણે આંખમાં આંખ પરોવીને કહ્યું હતું કે ' મેં મારૂં જીવન માનવસેવા, પશુપક્ષીની સેવા માટે અર્પણ કરી દીધું છે. મારે સેવા માટે ઘણુંખરું બહારગામ જવાનું થાય ત્યારે તું મા સાથે એકલી જ રહેશે ને! તું મા સાથે અનુકુળ થઈ જઈશ તો આપણું જીવન મધ જેવી મધુર મીઠાશથી છલકાઈ ઉઠશે. સરૂ, માએ જીવનમાં ખૂબ દુઃખ ભોગવ્યું છે તેથી તેનો સ્વભાવ થોડો આકરો થઈ ગયો છે. તું તેને અનુકૂળ થઈ શકીશ ને! નહીં તો...!'
કંઈક યાદ આવતાં સરૂ યાને સરિતાની ગરદન ફરી ટટ્ટાર થઈ ગઈ. પોતે સુંદર, ભણેલી, ગણેલી, શિક્ષક હોવાનો ગર્વ ધરાવનારી સ્ત્રીએ સ્વમાન નેવે મૂકીને પણ સાસુમા દ્વારા ફેંકાયેલા ગરમ ગરમ દાળનાં છૂટાં વાડકાના ઘા ચૂપચાપ સહન કર્યાં. દાઝ્યા ફોલ્લાથી ફફડતા મને દરેક મહેણા, ટોણા, વેદના, યાતના, માર સહન કર્યાં..એટલા માટે કે ' તેનો પતિ જ તેનાં સ્વપ્નનો રાજકુમાર હતો. પતિ પ્રત્યેની ચાહના અગાધ હતી. માન હતું. આ પતિને જેણે જન્મ આપ્યો, જેણે ઉચ્ચ સંસ્કાર આપ્યાં, તે જનનીનું હૃદય જીતવા માંગતી હતી. સરૂ વિચારતી કે, 'જે વ્યક્તિ માની આટલી કાળજી રાખી શકે. માને આટલો પ્રેમ કરી શકે. સન્માન આપી શકે તે પોતાની પત્નીની પણ કાળજી રાખશે જ.' જોકે વિધાતાએ ખેલ કર્યો અને સરૂના જીવનનાં ગણિતમાં આ દાખલો ખોટો પડ્યો. માનાં હૂકમથી ડોક્ટરે સરૂનો ત્યાગ કર્યો. પરિત્યાગ! સ્વમાન હણાયેલી ઘાયલ સરૂએ કોઈ શબ્દ ન કીધો. એટલાં માટે જ કે 'પ્રેમને વળી સંબંધોનાં નામની શી જરૂર! હું આજીવન ચાહીશ મારા પતિને.. તે મને ચાહે કે ન ચાહે કોઈ ફરક નથી પડતો.'
"સરૂ.. સરૂમા બારણા બંધ કરીને શું કરે છે? જો દાળ બળી ગઈ અને શાક ચોંટી ગયુ. સરૂ.. સરૂમા બારણું ખોલ તો ખરી!" હિરલને બીક પેઠી. સરૂમાએ આવું વર્તન ક્યારેય નથી કર્યું.
" હું થોડી સ્વસ્થ થઈને, તૈયાર થઈને આવું.. હિરલ." સરૂએ હિરલને બંધ બારણે જ કહ્યું.
" સારું પણ જલ્દી આવજે મા..."
હિરલે કીધેલો 'મા' શબ્દ તેનાં હૃદયની આરપાર ઉતરી ગયો. અરીસાની સામે ધબ્બ કરીને બેસી પડી. ' 'મા' આ શબ્દ મને ક્યારેય અસર નથી કરી ગયો. તો આજે કેમ? સરૂ, એવું શું થયું કે 'મા' શબ્દ દઝાડી ગયો!' ફરી એ ધૂંધળી સાંજ યાદ આવી ગઈ. 'ગામને પાદરે, ધૂળમાં સાવ એકલી-અટૂલી.. તેણે થોડીવાર પાછી વળતી કારની પાછળ ઉડતી ધૂળને જોયા કર્યું અને જાણે આખાં શરીરમાંથી શક્તિ હણાઈ ગઈ. ત્રણ મહિના પહેલાં એક કુંવારી કન્યા, અગણિત સપનાઓ લઈ, નવોઢા બની સાસરે ગઈ હતી અને આજે..! આજે 'ત્યકતા' બની પાછી આવી હતી. કુંવારકા.. કન્યા.. નવોઢા.. ત્યકતા..બસ! આમાં જ તેનું સમસ્ત જીવન જીવાઈ ગયું. સંપૂર્ણ થઈ ગયું. ગામની પાદરે સાવ એકલી...તે ના રડી શકી. ના બોલી શકી. કોઈ મા-બાપને જઈને તેડી લાવ્યું અને તેણે પગ મૂક્યાં મહીયરમાં. કલ્પના પણ ન કરી હતી કોઈએ કે 'આટલી સુંદર, હોંશિયાર દીકરી ત્યકતા બની પાછી આવશે!'
પોતાનાં વાળમાં દેખાતી શ્વેત લટો પર સરિતાએ હાથ ફેરવ્યો. લાલિમા વગરનો ચહેરો અને કુવામાં પડી ગયેલી આંખોથી અરીસાની આરપાર જોયું. ફરી એ જ ધૂળની રજકણો ચહેરા પર છવાવા લાગી. છવાતી છવાતી પાંપણના કિનારેથી આંખના કુવામાં ઉતરીને ફરી બધુંય ધૂંધળું બનાવી દીધું. બંધ આંખોમાં ફરી ભૂતકાળ ખૂંચવા લાગ્યો. 'ભલે નાના ગામડાની છું પણ માબાપે સંસ્કાર તો ઉચ્ચકક્ષાના આપ્યાં છે. વડીલોને માન, આદર...' અચાનક અટકી ગઈ.
ખળખળ વહેતી સરિતાનો સાગર સાથેના સંગમ માટેનો સંઘર્ષ, તરફડાટ.. સરિતા કયા શબ્દોમાં વર્ણવે!
એક તરફ પતિ સાથેના મિલનની આશા અને બીજી તરફ સાસુમાનું મન જીતવાના અગાધ પ્રયાસ. તે કેવું વિચારતી હતી! 'શું કરું તો સાસુમાનું મન જીતી શકું? સાસુમાને કશું એટલે કશું જ નથી ગમતું. હું પણ નહીં... એવી કઈ કસોટી હશે! કઈ અગ્નિપરીક્ષા હશે કે જેમાં મારે હજી...! શું ડોક્ટરે મારી સાથે લગ્ન કરવા ખાતર જ કર્યા હશે.' ડોક્ટરનું લાગણીભર્યું મુખડું અને સ્નેહ નીતરતી આંખો યાદ આવતાં જ તેનું મન વલોવાઈ ઉઠતું. ક્યાંક પહાડો ધસી પડ્યાં હોય કે પૂર આવ્યાં હોય, બિમારી ફેલાઈ હોય કે પછી સરહદે ઘાયલ સૈનિકોની સેવા કરવાની હોય. દેશના ખૂણે ખૂણે સેવા આપનાર આ સેવામૂર્તિ સમાન ડોક્ટર પતિને તે હજી પામી શકી ન હતી. લગ્ન બાદ થોડીક ક્ષણો વાત કરવા મળી અને અર્જન્ટ કોલ આવતાં જ આ ભેખધારી નીકળી પડ્યા. તેમનાં એક પળના લાગણીભર્યા સ્પર્શે તો જન્મોજનમની સંવેદના જાગી ઉઠી હતી. કંઈક પામ્યાનો વિશેષ આનંદ મળ્યો હતો પરંતુ સાસુમા...! 'મા' એટલે વાત્સલ્યની મૂર્તિ. 'મા' એટલે લાગણી અને પ્રેમની ખળખળ વહેતી નદી... પરંતુ આટલાં આકરાં મા તેની કલ્પના બહાર હતાં છતાં પણ તે દરેક જુલ્મ સહેતી રહી, ડોક્ટરની આવવાની રાહમાં. તે ઝૂરાપો વેઠતી રહી... પણ આમ એક દિવસ અચાનક સાસુમાએ પિયરની વાટ પકડાવી, કશાય વાંકગુને! હૃદયે અજંપો એવો કે 'માને શું મોઢું બતાવીશ? શું કહીશ? તારાં સંસ્કાર લજાવ્યા? બાપુની આંખમાં આંખ નાખીને જોઈ પણ નહીં શકીશ કે દીકરીએ તેમની ખાનદાનીને લજવી!. હાય રે... ધરતી ફાટે તો તેમાં સમાઈ જાઉં પણ એવું મારું નસીબ ક્યાં! શરીરમાંથી શક્તિ જ જાણે હણાઈ ગઈ હતી. શક્તિ શું આત્મા જ હણાઈ ગયો હતો. આત્મા વિનાનાં જીવતાં શબને માવતરે તો અપનાવ્યું પરંતુ...
" શું થયું? એ તો ભસ મોઢામાંથી." ઘરમાં પગ જ મુકતાં મા બરાડી ઉઠી. "મોઢું કાળું કર્યું? ચોરી કરી કે..."
" બસ! સરૂની મા બસ! મને મારી દીકરી પર વિશ્વાસ છે. તેણે કોઈ એવું કામ નહીં કર્યું હોય કે પિયરનું નાક નીચું થાય. તમે મા છો. તમે જુઓ તો ખરા, તમારી દીકરીનાં શરીર પરના મારના ઘા, દાઝ્યા ફોલ્લા! મા થઈને તમને શરમ નથી આવતી! પોતાનાં જ અંગ પર અવિશ્વાસ કરી બેઠાં!"
મા કશું બોલી નહીં. ઘા પર હાથ ફેરવ્યો. રડતી રહી અને ચૂપ થઈ ગઈ.
ચૂપ થઈ ગઈ કાયમ માટે. એક ત્યકતાને માથે વાત્સલ્યભર્યો, હેતાળ હાથ ફેરવીને ચાલી નીકળી અનંત યાત્રાએ. હૃદયમાં અનેક દુઃખડા દબાવી, આંખોમાં અનંત યાતનાઓ લઈ ચાલી નીકળી પરમેશ્વર પાસે, પ્રાર્થના કરવા.
ભાઈ-ભાભી કશું બોલ્યાં નહીં પરંતુ તેમની એકમાત્ર દીકરી હિરલને લઈ મોટાં શહેરમાં સ્થાયી થઈ ગયાં. ત્યાં જ તેમણે હિરલને ઉચ્ચ શિક્ષણ આપી, ભણાવીને મોટી કરી.
સરિતા અને તેનાં બાપુ દૂર આંતરિયાળ ગામડાની વસ્તીમાં જતાં રહ્યાં...આદિવાસી વસ્તીમાં. સરિતાની ટ્રાન્સફર પણ સહેલાઈથી થઈ ગઈ. આંતરિયાળ ગામડામાં સ્ત્રીઓ હજી અઢારમી સદીમાં જીવતી હોય તેવું લાગતાં સરૂનુ મન વલોવાઈ ઉઠ્યું. સ્ત્રી શિક્ષણ અને વિકાસ માત્ર શહેર પૂરતો જ લાગ્યો. ગામડાની અભણ, અજ્ઞાન સ્ત્રીઓને શિક્ષણ આપવા તેણે પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું.
કુદરતનાં ખોળે ઉછરેલી આદિવાસી વસ્તીનાં એવા તે કામણ સરિતાને લાગ્યા કે સરિતા ખરેખર "સરિતા" બની ગઈ. એવું લાગતું હતું કે આદિવાસી ધરતી પર તેનાં પગલાં પડતાં જ તે જાણે લીલીછમ વનરાજી થઈ ગઈ. સરિતાના અંગે અંગમાંથી 'કાવ્ય"નાં ઝરણાં ફૂટવા માંડ્યાં. પોતાનું જીવન પ્રકૃતિને સમર્પિત કરી પ્રકૃતિમાં જ તે ખોવાઈ ગઈ. ભોળાં મનનાં આદિવાસી, તેમનું સાદગીભર્યું જીવન તેને ખૂબ આકર્ષી ઉઠ્યું. તેણે પણ સાદગીભર્યું જીવન અપનાવી લીધું. પ્રકૃતિમાં ખોવાઈને તેણે અનેક કાવ્યો લખ્યાં. એક હરણીની માફક વનમાં ઉછળતી કૂદતી, વૃક્ષને વીંટળાયેલી વેલને જોઈને, ડોક્ટરને યાદ કરી અનેક વિરહ કાવ્ય લખ્યાં. વર્ષાઋતુમાં છવાયેલાં ઘનશ્યામ મેઘ વાદળને જોઈને તેની આંખો ડોક્ટરને યાદ કરીને વરસી પડતી. તેણે કવિયત્રી બનીને લાખોની ચાહના મેળવી. એવોર્ડ્સ મેળવ્યાં. પોતાનું જીવન તો સ્ત્રીઓ અને આદિવાસી સમાજને સમર્પિત કરી જ દીધું હતું. આદિવાસી કન્યાની પ્રગતિમાં અંગત રસ લઈ તેઓમાં એક થઈ ગઈ. પોતાનું અંગત દુઃખ ભૂલી જઈ... સરિતા વહેતી રહી. સીતા સમ જીવતી રહી રામને હૃદયે રાખી.
અચાનક એક દિવસ ભાભીને કેન્સર હોવાના સમાચાર મળ્યાં. શહેરમાં જઈને પોતાની ભાભીની સેવાચાકરી કરવામાં કશીય મણા નહીં રાખી.પોતાની સખી જેવી ભાભીનાં મૃત્યુ બાદ ભાભીનાં સંસારની ધૂરા તેણે સંભાળી લીધી. તેમની દીકરી પર માતૃત્વ છલકાવતી રહી અને આજે!
"સરૂ..સરૂમા જલ્દી આવ. મોડું નહીં કરને! આજે શું થયું છે તને! "
"આવી દીકરા." સરૂએ મોઢું ધોયું. આંખે છાલક મારી, ધૂંધળાપણું ધોઈ નાખ્યું.
'સરૂ, એક વાત કહે મને. બિનશરતી પ્રેમ તારા પતિને કર્યો તો આજે તને શું થાય છે? આમ મરવા-મારવાની વાત કેમ કરે છે?' તૈયાર થતી સરિતાના પ્રતિબિંબે પ્રશ્ન પૂછ્યો.' ખોટા દંભ છોડ. ખાલી સરૂ થઈ જા. સદાય નિર્મળ, ખળખળ વહેતી સરિતા જેવી.' પ્રત્યુતર પણ પ્રતિબિંબે જ આપી દીધો.
સરૂ નીચે ઉતરી. ગ્રે કલરમાં સફેદ ફૂલવાળી સાડી પહેરી. વાળનો ઢીલો અંબોડો. માથે નાનકડી બીંદી.
સરૂ આવીને બેઠી પણ કોઈએ ધ્યાન ના આપ્યું. તેનું મન ભારે થઈ ગયું. ફરી તિરસ્કારના ભણકારા લાગ્યાં. સરૂને એવું લાગ્યું કે 'બધાં તેને અવગણી રહ્યા છે.' વર્ષો પહેલાંની ઘૃણા યાદ આવતા જ તેનું મન ખળભળી ઊઠયું. કોઈપણ વાંકગુના વગરની સજા તેને યાદ આવી ગઈ. ઊભી થઈને તે પાછી ફરવા જતી હતી ત્યાં જ મેહુલ-હિરલ આવીને પગે લાગ્યાં.
"મમ્મીજી કહું તો ચાલશે ને સરૂમા..." મેહુલે મન જીતી લીધું. તેણે કહ્યું કે, "આ મારા કાકા.. ડોક્ટર.." પણ સરૂ આશીર્વાદ આપીને પોતાનાં પ્રિય પારિજાતના છોડ પાસે ચાલી આવી, આંખોમાંથી આંસુ ખંખેરી કાઢ્યાં. પારિજાતના લીલા ખરબચડાં પાંદડા પર હાથ ફેરવ્યો અને કેસરી દાંડીવાળા સફેદ, મઘમઘતા ફૂલને સ્પર્શીને આંખો બંધ કરી દીધી.
"મને તારાં હાથની લાપસી નહીં ખવડાવે સરૂ!" ખૂબ જાણીતો, હૃદયનાં કોઈ અગમ ખૂણે સંતાયેલો અવાજ આવ્યો. તેણે ગરદન ફેરવીને જોયું તો તેનાં સાસુમા શાંતાબા.
શાંતાબાએ નજીક આવી તેનું માથું ચૂમ્યુ. "મારી સરૂ!"
સરૂની તો જાણે વાચા હણાઈ ગઈ.
" ન જાણે મને શું થઈ ગયું હતું ત્યારે? માનું મન તો મીણ જેવું નરમ હોય પણ હું તો પત્થર હૃદયની બની ગઈ હતી. તને શા માટે આટલો ત્રાસ આપ્યો! શા માટે હું આટલી ક્રુર બની તારી સાથે! શું મેં ભોગવેલ અત્યાચાર, અન્યાય, દુઃખનો બદલો તારી સાથે લીધો? તારા ગયા પછી એકાંતમાં મેં મારી જાતને ઘણું પૂછ્યું. સરૂ, સાચું કહું. તું તો નિર્દોષ હતી. તને શોધવા પ્રયત્ન કર્યાં પણ 'આખુ કુટુંબ ગામ છોડીને જતું રહ્યું છે' તેવો જવાબ મળ્યો.અરીસામાં મારા પ્રતિબિંબ સામે આજે પણ નજર નથી મેળવી શકતી કારણ કે મને મારા પર શરમ આવે છે. સરૂ, ભગવાને મને તારા જેવું વહુરૂપી અણમોલ રતન આપ્યું પણ તેને હું સાચવી ન શકી. મારાં કહેવાથી તને વનવાસ તો તારા ડોક્ટરે આપ્યો પણ તેણે પણ વનવાસ ભોગવ્યો. રામની માફક! જીવનભર તને જ ચાહી પણ મને એકેય શબ્દ ન કહ્યો. તારાં ગયા પછી ક્યારેય મારી સાથે વાત નથી કરી. માત્ર મા તરીકે સન્માન કર્યું. મને માફ.."
"મા, તમે આવું નહીં બોલો. તમે વડીલ છો. હું બાળક છું. તમને સમજી ન શકી." કહેતા સરૂ તેમને ભેટી પડી. સાસુ-વહુનું નહીં પણ જાણે મા-દીકરીનું મિલન થયું. ગંગા-જમુનાનાં જળરૂપી આંસુઓની ધારા વહી ઉઠી.
બેઉંના સુખરૂપ મિલનને જોતાં ડોક્ટર ત્યાં આવી ચઢ્યાં.
સરૂ સાનભાન ભૂલી, પતિ તરફ અનિમેષ નજરે તાકી રહી. ચહેરા પર શરમના સુંદર ગુલાબી ફૂલ ખીલી ઉઠ્યાં. હોઠ ઘણું બધું કહેવા ચાહતાં હતાં પણ ચૂપ રહ્યાં. કેટલું દુઃખ, કેટલી યાતના, વિરહની એક એક ક્ષણ, અનેક ફરિયાદો સરિતાને કહેવી હતી પણ તેનું મૌન અને રડતી, સીસકતી આંખોએ તોફાની ખારા સમુદ્રનું સ્થાન લઈ લીધું.
ડોક્ટરની મૌન આંખો પણ ઘણું બધું કહેવા તત્પર હતી. સાગરનાં મોજાં કિનારાનાં પથ્થર ઉપર માથું પછાડી પછાડીને વિરહ, સંઘર્ષ, અવ્યક્ત પ્રેમનો આક્રોશ વ્યક્ત કરે છે.. સરિતાને કયા શબ્દોમાં વર્ણવે! એમણે બે ડગલાં આગળ ચાલી હાથ લાંબા કર્યા. આંખોમાં રીસામણાં, ગુસ્સાથી વંકાયેલા હોઠ અને હૃદયની ઊર્મિને સંતાડવાની કોશિશ કરતી સરૂ સાડીના પાલવની કોરને આંગળીએ વીંટાળતી બે ડગલાં પાછળ હટી. તેનાં હૃદયમાં, મનમાં, આંખમાં હજી પણ આક્રોશ હતો.
મેહુલકુમાર, હિરલ, દાદાજી, શાંતાબા... બધાંય ધડકતા હૃદયે આ નિહાળી રહ્યાં હતાં.
"આજનાં આધુનિક યુગમાં મોબાઈલ હોવા છતાં પણ તમે એકબીજાને ક્યારેય સંદેશ પણ ના કર્યો! તમે બેઉ સામાજિક જીવનમાં આગળ પડતી વ્યક્તિઓ...પણ ક્યારે મળવાની કોશિશ પણ નહીં કરી! આ કેવો પ્રેમ છે! કેટલાં પાસે હોવા છતાં કેટલાં દૂર....!" હિરલના અનેક પ્રશ્નો સામે બેઉં મૌન હતાં.
"શું થશે હવે? શું સરિતા નહીં માને? ડોક્ટરને માફ નહીં કરે?" દરેકના મનમાં મૂંઝવતા આવાં અનેક પ્રશ્નો વચ્ચે શાંતાબા આવ્યાં અને સરિતા અને ડોક્ટરના હાથને મેળવી દીધાં.
પ્રથમ નજરે પ્રેમ કરનાર બે પ્રેમીઓના, બે આત્માઓના મિલનથી તો જાણે પ્રકૃતિ પણ હર્ષથી ચિચિયારી પાડતી હોય તેમ કોયલ, પિહૂડા, મોર જેવાં પક્ષીઓએ આનંદથી આંબાની ડાળે કલરવ કરવા માંડ્યો.
"લો.બા. આજે લાડું, લાપસી..." હિરલ રસથાળ તૈયાર કરીને લાવી.
"ના હોં! હું તો ગરમ ગરમ જલેબી જ ખાઈશ." શાંતાબાની આંખોમાં હર્ષના આંસુ હતાં.
"આ લાવ્યો વેવાણ.." કે'તા દાદાજી બજારમાં જઈને ગરમ ગરમ જલેબી લઈ આવ્યાં. વેવાણના મોઢામાં મુકતાં બોલ્યાં, "લ્યો, હવે મોઢું મીઠું કરો."
" તમે પણ મોઢું મીઠું કરો સરૂમા.." મેહુલકુમારે ગુલાબજાંબુ સરૂમાના મોઢામાં મુક્યું.
"ડોક્ટર, હવે વહુને આપણે ઘરે લઈ જઈએ.."શાંતાબાનો અવાજ ગળગળો થઈ ગયો.
"અરે! મને તો કોઈ પૂછો કે મારે સાસરે જવું છે કે નહીં! ડોક્ટરને ત્યાં જવું છે કે નહીં! કારણ કે હજી સુધી મને ડોક્ટરે કહ્યું જ નથી કે ચાલ આપણાં ઘરે." સરૂ હજી રિસાયેલી હતી.
"કહી દે ને બેટા જલ્દી.."શાંતાબાના અવાજમાં હૂકમ-હર્ષ હતો.
"હા. કાકા બોલોને જલ્દી."મેહુલકુમાર પણ હર્ષોલ્લાસમાં આવી ગયા.
દાદાજીની આંખમાં પાણી આવી ગયાં. તે તો દીકરીના બાપ હતા ને! તેમણે માત્ર ડોક્ટર સામે જોયું.
ડોક્ટર અચાનક જતા રહ્યા. કશુંય બોલ્યા વગર.
સન્નાટો છવાઈ ગયો.
સરૂ ભાંગી પડી. તે ધૂળભરી સાંજ કરતાં પણ આ સાંજ તેને અસહ્ય લાગી. મનોમંથન વમળમાં થોડીકવાર અટવાઈ. એકદમ ઊભી થઈ બધાંને નમસ્કાર કરી પોતાનાં જગત તરફ ચાલી નીકળી, આદિવાસ કન્યાઓની પ્રગતિમાં પોતાનો ફાળો આપવા.
મોટી તાસકમાં સજાવેલો રસથાળ જાણે સાવ ફીક્કો થઈ ગયો.
થોડો સમય વીત્યો અને બહારથી ઘોંઘાટ આવવાં લાગ્યો.
બહાર નીકળીને જોયું તો..
ડોક્ટર વરરાજા બની, બેન્ડવાજા સાથે દરવાજે ઊભા હતાં.
****
