વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાચું સુખ



હેમા ખૂબ જ આધુનિક વિચારો ધરાવતી સ્ત્રી હતી,એવું તે પોતે માનતી હતી.

સવાર પડે એટલે થોડું ઘણું ઘરનું કામ કરી લેવું અને પછી મોબાઇલ હાથમાં લઈને બેસી જવું એ એની રોજિંદી ટેવ બની ગઈ હતી. બાળકો શું કરે છે, તેમનો અભ્યાસ કેવો ચાલે છે, પતિને સમયસર જમવાનું મળ્યું કે નહીં,આ બધી બાબતો હવે એની પ્રાથમિકતામાં રહી જ નહોતી.

ક્યારેક તો રસોઈ બનાવવાનો પણ કંટાળો આવે એટલે સીધું ઝોમેટો પરથી જમવાનું મંગાવી લેતી.

શોપિંગ તો જાણે એનો શોખ નહીં, જીવનનો એક ભાગ બની ગયું હતું. ઓનલાઈન ઓર્ડર કર્યા વગર એને દિવસ અધૂરો લાગતો. ફરવાનો તો એટલો બધો શોખ કે બાળકોની સ્કૂલ ચાલુ હોય તોય બહેનપણીઓ સાથે મેક માય ટ્રિપ પર નવા નવા સ્થળોના પ્લાન બનાવતી રહેતી.

એનો પતિ ભાવેશ આખો દિવસ કામધંધા માટે બહાર રહેતો. ઘરમાં સાસુ-સસરા પણ નહોતાં એટલે હેમાને કોઈ રોકટોક કરનાર નહોતું. એને મળેલી આ સ્વતંત્રતા ધીમે ધીમે સ્વચ્છંદતામાં ફેરવાઈ ગઈ હતી.

ઘરમાં ન વ્યવસ્થા હતી, ન સ્વચ્છતા.

હા, એક વસ્તુ ખૂબ વ્યવસ્થિત હતી,હેમાનું ઈન્સ્ટાગ્રામ!

રોજ નવી રીલ બનાવવી, ફોટા પાડવા, સ્ટેટસ મૂકવા અને પછી આખો દિવસ કેટલી લાઈક આવી, કેટલી કોમેન્ટ આવી એ જોવામાં પસાર કરવો. જાણે પોતાની ખુશી પણ હવે બીજાની કોમેન્ટ પર આધારિત થઈ ગઈ હતી.

પોતાને કોઈ ખલેલ ન પહોંચે એટલે તેણે પોતાના કુમળાં બાળકોના હાથમાં પણ મોબાઇલ પકડાવી દીધો હતો.

બાળકો શાંત એટલે હેમા શાંત!

પરંતુ એ શાંતિના પડદા પાછળ આખું ઘર ધીમે ધીમે ખાલી થઈ રહ્યું હતું.

સગાંસંબંધીઓ આવે તો ઘરે જમવાનું બનાવવાનો પ્રશ્ન જ નહોતો. સીધા હોટલમાં લઈ જવાના. તહેવાર આવે તો ફરસાણ અને મીઠાઈ ઓનલાઈન મંગાવવાની. ઘરની સફાઈ કરવી હોય તો અર્બન કંપનીમાંથી માણસ બોલાવી લેવાનો.

નાના-મોટા કામ પણ પોતે કરવા નહીં.

હેમાનું જીવન હવે ત્રણ જ શબ્દોમાં સમાઈ ગયું હતું,શોપિંગ, ફરવું અને મોબાઇલ.

આડોશપાડોશ પણ ધીમે ધીમે એનાથી દૂર થવા લાગ્યા. કોઈને ઘરે આવવું ગમતું નહીં અને હેમાને કોઈ સાથે બેસીને વાત કરવાનો સમય નહોતો.

એને લાગતું હતું કે તે ખૂબ સુખી છે.

પણ જીવનને દેખાડવાથી સુખી થવાતું નથી.

ધીમે ધીમે એની અસર દેખાવા લાગી.

એક સમયની સુંદર અને પાતળી હેમા બેડોળ થવા લાગી. સતત મોબાઇલ અને બેસાડુ જીવનશૈલીના કારણે શરીર પણ સાથ આપવા લાગ્યું નહીં.

એના તેજસ્વી બાળકો અભ્યાસમાં પાછળ પડવા લાગ્યા. મોબાઇલ એમનો સૌથી મોટો સાથી બની ગયો હતો.

ભાવેશ પણ હવે હેમાથી દૂર થવા લાગ્યો. ઘરમાં વાતચીત નહોતી, લાગણી નહોતી, એકબીજા માટે સમય નહોતો. કામના બહાને તે વધુ ને વધુ ટૂર પર રહેવા લાગ્યો.

હેમા જે દુનિયાને ઓનલાઈન ખૂબ સુંદર દેખાડતી હતી, એની વાસ્તવિક દુનિયા અંદરથી ખંડેર બની રહી હતી.

સંબંધો ઓછા થયા.

મિત્રો દૂર થયા.

સગાંઓ દૂર થયા.

પતિ દૂર થયો.

બાળકો પણ પોતાની દુનિયામાં ખોવાઈ ગયા.

અને એક દિવસ હેમાને સમજાયું કે આટલા બધા લોકો વચ્ચે રહેવા છતાં તે એકલી પડી ગઈ હતી.

હવે એ રીલ બનાવતી નહોતી.

ફોટા પાડતી નહોતી.

નવી જગ્યાના પ્લાન બનાવતી નહોતી.

મોબાઇલ હાથમાં હોય તોય એને આનંદ થતો નહોતો.

હતાશા, એકલતા અને અસંતોષે એને ઘેરી લીધી હતી.

એક સાંજે બાલ્કનીમાં ઊભી રહીને એ સામેથી આવેલા નવા પરિવારને જોઈ રહી હતી.

સામેના ઘરમાં નવા પાડોશીઓ રહેવા આવ્યા હતા,સૂચિ અને સાગર.

બે બાળકો હતાં અને બંને ભણવામાં ખૂબ તેજસ્વી. એમની દીકરીને મેડિકલમાં એડમિશન મળ્યું હતું એટલે પરિવાર અહીં રહેવા આવ્યો હતો.

સૂચિ ઘર સંભાળતી, બાળકોને ભણાવતી અને સમય મળે ત્યારે ટ્યુશન લેતી. આવક મર્યાદિત હતી, પણ ઘરમાં સુખની કોઈ કમી નહોતી.બહારનું ખાવાના બદલે ઘરે એક સારા બહેનને રસોઈ માટે રાખી લીધા હતા એટલે બાળકોને ઘરનું જમવાનું મળે ,અને ઘરકામ માટે કામવાળી એટલે એ પણ ટ્યુશન કરી શકે અને ઘર પણ સચવાય ઘરે ટીવી પણ હતુ નહીં જેથી એની દીકરી નો અભ્યાસ ન બગડે

નાનું ભાડાનું ઘર હતું, પણ એકદમ સ્વચ્છ અને સુઘડ.

સવારે ઘરમાં દીવો થતો.

પૂજા થતી.

બાળકો સમયસર ભણતા.

ક્યારેક પરિવાર સાથે બહાર જમવા જતા.

અને સૌથી મોટી વાત,ઘરમાં સતત ભણતર અને કેરિયર નું વાતાવરણ
સંભળાતું.

હેમા રોજ આ પરિવારને જોતી અને મનમાં વિચારતી,

“આ લોકો પાસે તો મારા કરતાં કેટલું ઓછું છે... ન કાર છે ન ટીવી ના પોતાનું ઘર છતાં આટલા ખુશ કેવી રીતે?”

એક દિવસ હેમાની અને સૂચિની સારી રીતે ઓળખાણ થઈ.

ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા બંધાઈ.

એક દિવસ હેમાએ મનની વાત કહી જ નાખી.

“સૂચિ, તારા ઘરમાં બધું કેટલું સરસ છે. બાળકો પણ સંસ્કારી, ભણવામાં હોશિયાર અને તું પણ હંમેશાં ખુશ દેખાય છે. તારી પાસે બધું કેવી રીતે મેનેજ થાય છે?”

સૂચિ હળવેથી હસી.

“હેમા, સુખ વસ્તુઓમાં નથી હોતું. સુખ તો આપણે વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એમાં હોય છે.”

હેમા ચૂપ રહી.

સૂચિ આગળ બોલી,

“આધુનિક બનવું ખરાબ નથી. મોબાઇલ વાપરવો, ઓનલાઈન શોપિંગ કરવું, બહાર ફરવા જવું, બહારનું જમવાનું મંગાવવું,આ બધું પણ જીવનનો ભાગ બની શકે. પણ જ્યારે આ વસ્તુઓ જીવનનો ભાગ રહેવાને બદલે આખું જીવન બની જાય, ત્યારે સમસ્યા શરૂ થાય છે.”

હેમા ધ્યાનથી સાંભળતી રહી.

“આધુનિકતા વિચારમાં હોવી જોઈએ, વર્તનમાં સમજદારી હોવી જોઈએ અને જીવનમાં પરિવાર માટે સમય હોવો જોઈએ. ટેક્નોલોજી આપણને મદદ કરવા માટે છે, આપણું જીવન ચલાવવા માટે નહીં.”

થોડી વાર મૌન રહ્યા પછી સૂચિએ હેમાનો હાથ પકડીને કહ્યું,

“હજુ મોડું થયું નથી હેમા. તું ફરીથી તારા ઘર તરફ વળી શકે છે. બાળકોને સમય આપ, ભાવેશ સાથે વાત કર, ઘરમાં થોડું પોતાનું કામ કર, પડોશીઓ સાથે સંબંધ બાંધ, અને સૌથી અગત્યનું,મોબાઇલને હાથમાં રાખ, પણ જીવનની લગામ એના હાથમાં ન આપ.”

હેમાની આંખો ભીની થઈ ગઈ.

એણે પહેલી વાર પોતાની જાતને અરીસામાં જોઈ.

એને સમજાયું કે આટલા વર્ષોથી તે આધુનિકતા પાછળ દોડતી હતી, પણ સુખ એની પાછળ છૂટી ગયું હતું.

એ જ સાંજે હેમાએ મોબાઇલ એક બાજુ મૂક્યો.

રસોડામાં ગઈ.

બાળકો માટે પોતે નાસ્તો બનાવ્યો.

ઘર ગોઠવ્યું.

પછી બાળકોને પોતાની પાસે બોલાવીને કહ્યું,

“ચાલો, આજે આપણે સાથે બેસીને ભણીએ.”

બાળકોને જાણે પોતાની જૂની મમ્મી પાછી મળી ગઈ.

અને ઘણા સમય પછી જ્યારે ભાવેશ ઘરે આવ્યો ત્યારે હેમાએ પહેલી વાર એને કહ્યું

“ભાવેશ, આજે બહારથી જમવાનું મંગાવ્યું નથી... આજે મેં આપણા માટે જમવાનું બનાવ્યું છે.”

ભાવેશ એને જોતો જ રહી ગયો.

હેમાના ચહેરા પર આજે કોઈ મેકઅપ નહોતો, કોઈ ફિલ્ટર નહોતો, કોઈ રીલ નહોતી...

પણ વર્ષો પછી સાચી ખુશી હતી.

એ દિવસે હેમાને સમજાયું,

આધુનિકતા ખરાબ નથી, પરંતુ આધુનિકતાની આડમાં જો આપણે ઘર, પરિવાર, સંબંધો, સંસ્કાર અને સ્વાસ્થ્ય ગુમાવી દઈએ તો એ પ્રગતિ નહીં, પતન છે.

સાચું સુખ મોંઘી વસ્તુઓમાં નહીં,
ઓનલાઈન શોપિંગમાં નહીં,
રીલની લાઈક્સમાં નહીં,
કે વારંવાર ફરવા જવામાં પણ નહીં...

સાચું સુખ તો પોતાના લોકો સાથેના પ્રેમમાં,
બાળકોના હાસ્યમાં,
ઘરની હૂંફમાં,
સંબંધોની મીઠાશમાં
અને સંસ્કારભર્યા જીવનમાં વસે છે.


હેમાએ હવે આધુનિકતા છોડીને જૂનું જીવન અપનાવ્યું નહોતું...

એણે માત્ર એટલું શીખ્યું હતું કે—

“આધુનિક બનો, પણ આધુનિકતાના ગુલામ ન બનો.”

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ