રોહિણી
રોહિણી આજે રોજ કરતાં વહેલી ઓફિસ જવા નીકળી હતી. રોજ થોડું મોડું થતું અને ઓફિસમાં સાહેબની ટકોર સાંભળવી પડતી. તેમને એની ટકોર જરાય ગમતી નહોતી, પરંતુ ઘરની જવાબદારીઓ જ એટલી બધી હતી કે સમયસર નીકળવું તેના માટે પણ સહેલું નહોતું.
સવારે બાળકોને કોલેજ જવાનું હોય એટલે તેમના માટે નાસ્તો અને ટિફિન બનાવવાના. પછી રસોઈ, ઘરનાં કામ અને ઉપરથી તેના આળસુ પતિ ચંદન માટે અલગ નાસ્તો. ઝઘડાળુ સાસુ-સસરાની દવાઓ, નાસ્તો અને બીજી વ્યવસ્થા... બધું પૂરું કરતાં કરતાં ઘડિયાળ જાણે દોડી જતી.
રોહિણીને મનથી તો એક આદર્શ ગૃહિણી બનીને રહેવું હતું. લગ્ન પહેલાં તે માર્કેટિંગમાં માસ્ટર હતી અને સારી નોકરી કરતી હતી. પરંતુ લગ્ન પછી તેણે વિચાર્યું હતું કે ઘર સારી રીતે સચવાય એ વધારે જરૂરી છે. એટલે પોતાની કારકિર્દી છોડીને તેણે આખું ધ્યાન પરિવાર પર કેન્દ્રિત કરી દીધું હતું.
પણ ધીમે ધીમે તેને સમજાવા લાગ્યું કે પોતાનું બધું જ આપી દીધા પછી પણ કદાચ ઘરમાં તેનું મૂલ્ય એટલું નહોતું.
જ્યારે પણ તેને પોતાના માટે કે ઘરની કોઈ જરૂરિયાત માટે પૈસાની જરૂર પડતી અને તે ચંદન પાસે પૈસા માંગતી, ત્યારે ચંદનનું એક જ વાક્ય સાંભળવા મળતું,
“પૈસા ઝાડ પર નથી ઉગતા. કમાવા માટે મહેનત કરવી પડે છે.”
દરેક વખતે એ શબ્દો રોહિણીના હૃદયમાં કાંટાની જેમ ખૂંચતા.
‘હું આખો દિવસ ઘરમાં મહેનત કરું છું એ મહેનત નથી? બાળકો, ઘર, તમારા માતા-પિતા... બધાની જવાબદારી ઉઠાવું છું એ કામ નથી?’
પણ તે ક્યારેય બોલતી નહીં.
તેનું સ્વમાન અંદરથી ઘવાતું રહ્યું.
એક દિવસ વાત એટલી વધી ગઈ કે રોહિણી આખી રાત ઊંઘી ન શકી. સવારે અરીસામાં પોતાનો ચહેરો જોતા તેને લાગ્યું કે વર્ષો પહેલાંની એ આત્મવિશ્વાસથી ભરેલી રોહિણી ક્યાંક ખોવાઈ ગઈ છે.
એ જ દિવસે તેણે એક નિર્ણય લીધો.
તેણે પોતાની જૂની કંપનીમાં ફોન કર્યો. માર્કેટિંગ ક્ષેત્રમાં તેનો અનુભવ અને આવડત જોઈને તેને ફરી નોકરી મળી ગઈ.
ચંદનને જ્યારે ખબર પડી ત્યારે તેણે કહ્યું,
“હવે ઘર કોણ સંભાળશે?”
રોહિણી શાંતિથી બોલી,
“ઘર હું સંભાળીશ. પણ હવે મારી જાતને ગુમાવીને નહીં.”
“એટલે?”
“એટલે કે આ વખતે હું મારી નોકરી નહીં છોડું. કારણ કે આ નોકરી માત્ર પગાર માટે નથી. આ મારી મહેનતની કમાણી છે, મારી ઓળખ છે અને સૌથી વધારે... મારું સ્વમાન છે.”
ચંદન કંઈ બોલી શક્યો નહીં.
રોહિણીને ખબર હતી કે આગળનો રસ્તો સરળ નહીં હોય. ઘર, બાળકો, ઓફિસ,બધું સંભાળવું પડશે. કદાચ ફરી મોડું થશે, કદાચ ફરી કોઈ ટકોર કરશે. પણ હવે તેને એક વાતનો સંતોષ હતો કે જીવનમાં પહેલી વાર તેણે પોતાના માટે પણ નિર્ણય લીધો હતો.
ઓફિસ તરફ જતી વખતે રોહિણીના ચહેરા પર આજે એક અલગ જ આત્મવિશ્વાસ હતો.
આજે તે માત્ર વહેલી ઓફિસ પહોંચવા માટે ઘરેથી નીકળી નહોતી...
આજે તે પોતાનું સ્વમાન જાળવવા નીકળી હતી.
✍🏻સુચિતા રાવલ
