વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટીખળ ભાગ - 2

   (હકુભા ધુળેટી રમવામાં મશગૂલ થઈ ગયા ત્યાં મગન આવ્યો )

      " એ હકુભા આ.... આ... રંગ તો ચચરે છે અલ્યા હું ભેળવ્યું તું એનમહી અલ્યા ખંજવાળ તો વધતી જ જાય છે "

     " ભુતડા તન ના પાડેલી તાંણે માથે પડતો હતો હવે હું કરવા લમણા લેવા હેંડ્યો આયો.. "

    " એ કંઈક ઉપાય બતાવો લ્યા હું કંટાળી જ્યો.. "

   " રે...  થોડીવાર હમણાં વાડીએ જઈએ તાણે ત્યાં છાણ ઘસીને નઈ લેજે હમુ થઈ રહેશે.. "

   " એ .. બાપુ તાણે હેંડો ને આ પાંચેયને ગાડામાં નાંખવા પડશે પાંચેય ભાંગ રેડીને બેઠા સે.. "

    " એ રામલા તારું ગાડું ડેલીએ પડ્યું સે કે વાળે..?.."

   " લે... લ્યા મારે ક્યાં ગાડું સે.. લ્યા મારે તો લઝગરી સે લઝગરી... એ મારી ડેલી આગળ પયડી લેતા આવો.. "

    " મારો હાળો બળદ એક માગેલું જોતે સે ને શમણાં લઝગરીના.... લે હાલ મગના લેતા આવી આની લઝગરી.. "

   ( હકુભા ગાડું લાવી સૌને પોટલાની માફક ગાડામાં જેમતેમ ગોઠવે છે.. ગાડામાં ભાત- ભાત ની ચર્ચાઓ ચાલી રહી છે... )

   " એ જીતલા જોયું લ્યા આ બે દી પેલા લજગરી માં ઓલુ એસી ફીટ કરાયવું જો કેવી ઠંડી હવા આલે સે... "

   " હા.. લ્યા રામલા મું બે દાડા પસે તારી ભાભી નું આણું વળાવવા જવાનું સુ તાણે આ લઝગરી દેજે... લ્યા.. "

   " એ હો... લઈ જજે પણ હાચવજે... "

   " એ.. બાપુ હટ હંકારો ને મું ગાંડો થઈ જવાનો ખંજવાળી ખંજવાળી ન.. "

    " તુંય શું હારા... હાચે લઝગરી હમજી બેઠો છ ક હું અલ્યા આ માતેલા બળધિયા હેંડે તાણે ને...  "

( વાડી આવતા વાડીના દરવાજા આગળ વાળ પર લાલ કપડું સુકાતું હતું બળદ ની નજર તેના પર પડતાં એ ભડક્યા ને દોટ મૂકી બંને વિરુદ્ધ દિશામાં દોડ્યા ગાડામાં આ બધા ફંગોળાઈને જ્યાં ત્યાં પડ્યા હકુભા એ એક પછી એકને પોટલાની જેમ ઉપાડીને વાડી માં બનાવેલા હોજમાં લઈ જઈને નાખ્યા પાણીમાં પડતા ધીમે ધીમે બધા હોશમાં આવતા બહાર આવતા ગયા અને હકુભા નો આભાર માનતા બેઠા પણ મગનો બહાર આવવા નું નામ નહોતો લેતો બધાએ સમજાવ્યા છતાં એ પોતાનામાં જ રચ્યોપચ્યો હતો આખરે હકુભાઇ એનું બાવડું ચાલી બહાર ખેંચી લઇ ખાટલા પર બેસાડ્યો.. )

  " બાપુ હું તમેય મને મોજ આવતી'તી હારું જવાદો સાંજ નો સુ પરોગરામ સે.. "

  " ખારી ભાત રીંગણાનો ઓળો અને બાજરીના રોટલા ને એય અહીજ બનાવવાના છે કરો તૈયારી.. "

  " વાહ બાપુ... ટેશડો પડી જવાનો હો.. લે હાલ રામલા જરૂરી સામાન ભેગો કરતા આઈએ.. "

  ( જીતુને રામજી ગામ તરફ ગયા આ બાજુ હકુભા ની મંડળી જામેલી હતી સૌ વાતોએ ચડ્યા હતા ત્યાં શેઠને ડરાવવાની વાત નીકળતા સૌ હકુભા ની વાહવાહી કરવા લાગ્યા ત્યાં મગન બોલ્યો.. )

  " એતો શેઠિયો ડરી ગયો બાકી મું હોત તો ના ડયરો હોત.. "

  " રેવા દે મગના હકુભા ડરાવી ને નો ડરે એ હજી જનમ્યો  જ નથી... "

   " બાપુ રેવાદો હો... ડરે ઇ બીજા હો... આ મગનો નહિ... "

   " હા.. હા.. હા... હા.. "

  ( બાપુ મૂછો પર તાવ દેતા હસવા લાગ્યા મનિયો એમને કળી રહ્યો હતો... કે.. બાપુના મગજમાં કઈક વિચાર જન્મી ગયો છે.. એ હકુભા સામે નજર મળતા જાણે પ્રશ્ન પૂછી રહ્યો હોય ને હકુભા એ મનીયા સામે આંખ મિચકારી.. તેને વાડીએ રહેવા કહ્યું ને મગના સામે ઈશારો કર્યો મનિયો સમજી ગયો.. ને.. )

  " હેં.. મગનાભાઈ આજે હું વાડીએ જ હુવાનો સું...તમેય આંઈ રોકાઈ જાવ તો હાયરું... શી ખબર મન આજે બીક લાયગે સે.. તો તમેં આજે મારી હાયરે રેશો ને... ?.."

" લે હેંડ તાણે તુંય શું યાદ કરવાનો... મુંયે આઇજ રોકાઉસું  ... બસ..  "

  ( ને એ બન્નેની રજા લઈ હકુભા સાથીઓ સાથે વાડીએથી નીકળ્યા ને મિત્રો સાથે ગામના વથાણ માં આવ્યાને મગનાને ડરાવવા નો પેંતરો ઘડી એક ઘાસનો પુડો લઈ ઠાઠડી તૈયાર કરી માટલીમાં કોલસા તૈયાર કર્યા ને પહોંચ્યા પાછા વાડીએ દૂર ઉભા રહી મનિયાને ને ઈશારો કર્યો.. એય મગન ના ઊંઘી ગયા બાદ મનું પણ આવી ગયો... ને એણે માટલી ઉપાડી લીધી.. ને આગળ ચાલ્યો.. હકુભા ને મિત્રોએ ઘાસના પૂડાને ઉપાડી ચાલવા માંડ્યું.. ને મગના ને મનીયા ના ખાટલા વચ્ચે મૂક્યું ને મનિયો પાછો ખાટલા પર સુઈ ગયાનો ડોળ કરવા લાગ્યો..)

  " એ મનિયા એ.. ઉઠ અલ્યા.. એ જો આ મડદું... એ આ ચયથી આયું.. આંઈ... એ... મનીયાયાયા.... લ્યા બચાય.. મને મારે ઘેર જાવું સે.. લ્યા.. એ ઉઠ ગધેડા... "

  " હેં... આ શું.. એ મગનાભાઈ તમે તો બળખમદાર સો લ્યા મારા તો ટાંટિયા કોમ નહિ કરતા હે માવડી... એ મગનાભાઈ મન બચાઈ લ્યો લ્યા... "

" લ્યા મું તો દોડું સું દોડ મારી વાંહે... લ્યા.. મું તો આ ભાગ્યો... "

( મગન ભાગ્યો ત્યાં હકુભા અને મિત્રોએ પેલા ઘાસના પૂળા ને ઉપાડી એની પાછળ દોડવા માંડ્યું... )

   " એ મનીયા... તું વાંહે સે ને લ્યા... આજે મન બચાઈ લે મું મારી ભેંહુ તન આલી દયે... લ્યા તું વાંહે સે કે નઈ લ્યા... "

   ( ત્યાં મગને જરા પાછળ નજર કરી ત્યાં એને સફેદ કપડું દેખાયું ને એ બેબાકળો બની દોડ્યો...  ત્યાં હકુભાએ મગના ને પાછળથી પકડયો ને મગનો માંડ્યો ધ્રુજવા ને સાથે જ એનું ધોતીયુ ભીનું  થઈ ગયું... )

  " જે હનુમાનડાડા.. હે કાળીયા ઠાકર.. મન બચાઈ લ્યો... એ... ડાડા.... "

     ( ત્યાંતો મગનો રડતો રડતો ચક્કર ખાઈને ઢળી પડ્યો... મિત્રોએ મળીને મગનને વાડીયે લાવી ખાટલા પર સુવડાવ્યો એને કળ વળતા એ ઝબકીને જાગી ગયો હકુભાએ એને વિગતવાર વાત કરતાં એ હકુભા ના પગમાં પડી ગયો... )

    " હકુભા લ્યા તમે હારા ખડમગજ સો... ભલામાણહ મનેય ના મેલ્યો...  કાન પકડ્યા.. તમારી હામેં નો પડું હો... "

  ( ને હકુભા મૂછે તાવ દેતા મિત્રો સાથે હસવા લાગ્યા... )



હેતલબા વાઘેલા " આકાંક્ષા "©


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ