પ્રારંભ
દરિયાકીનારાના મોજા કિનારે રહેલી પથ્થરની શીલાને અથડાઈને પાછા જતાં હતાં..પૃથ્વી પરથી વિદાય લેતો સુરજ જતાં જતાં ભૂરા આકાશને કેસરીયા રંગમાં રંગી રહ્યો હતો.. આખું આકાશ સિંદૂરી રંગમાં રંગાઈ ગયું હતું.આવી સુંદર સલૂણી સાંજ પણ મીરાના ચહેરા પર એક નાનું સ્મિત લાવી ના શકી. ક્યારની ય એકલી અટુલી બેઠેલી મીરા ઉદાસ આંખે પથ્થરની શીલાને જોતી વિચારોમાં ગરકાવ થઇ ગઈ હતી. મારી પણ હવે પછીની જિંદગી આ ડૂબતા સુરજ જેવી જ હશે ને, એમાં અંધારું જ હશે, બીજું કઈ નહિ હોય.સુરજ તો બીજા દિવસે સવારે પોતાનો પ્રકાશ ફેલાવતો પૃથ્વી પરનો અંધકાર દૂર કરવા આવી જશે પણ મારી જિંદગીમાં ફેલાયેલું અંધારું ક્યારેય દૂર નહિ થાય..
મીરા એક સરકારી સ્કૂલમાં ટીચર હતી.. મમ્મી પપ્પાએ શોધેલા, સમાજના પ્રતિષ્ઠિત કુટુંબના એકના એક છોકરા મનન સાથે લગ્ન કરીને સાસરે આવી ગઈ હતી..
લગ્નજીવનની શરૂઆતથી જ એની નોકરીને લઈને સાસુ અને મનન સાથે અવારનવાર ઝઘડા થયા કરતાં હતાં. મીરા નોકરી કરે એની સામે સાસુ અને મનનને સખત વાંધો હતો. બંને જણ મીરાને સમજાવ્યા કરતાં હતાં કે નોકરી છોડીને ઘર પરિવાર સંભાળી લે, પણ મીરાને આટલી સરસ નોકરી છોડવી નહોતી કારણ કે આ એની ગમતી નોકરી હતી.. નાનપણથી જ ટીચર બનવાનું સપનું જોયું હતું, જે એની મહેનતથી સાકાર થયું હતું..
ઘરમાં ઝગડા ન થાય એટલે સવારે વહેલી ઉઠીને મીરા રસોઈનું અને બીજું બધું કામ પતાવીને સ્કૂલ જતી અને આવીને બધું કામ ઝડપથી પતાવી લેતી જેથી ઘરમાં કોઈને ઝઘડવાનું કારણ ના મળે.. પણ મીરાની સાસુ કારણ શોધી જ લે.ત્રણ દિવસથી મનન એની ઓફિસના કામથી બહારગામ ગયો હતો.આજે પણ એવુ જ થયું, મીરાને એની સાસુ સાથે ઝઘડો થઈ જ ગયો. એની સાસુએ ફોન કરીને બધી જ વાત મનનને કરી દીધી એટલે મનને ફોન પર મીરાને ધમકી આપી દીધી કે આજે તુ નક્કી કરી લે કે .. "તારે શુ જોઈએ... કાં તો હું કે પછી તારી સ્કૂલની ફાલતુ નોકરી. "
મીરા તો સ્તબ્ધ થઈ ગઈ આવી વાત સાંભળીને..મનન સાવ આમ છેલ્લે પાટલે બેસી જશે એવી કલ્પના નહોતી.. એક બાજુ એનું નાનપણનનું સપનું તો બીજી બાજુ પોતાને ક્યારેય ના સમજતો પતિ... કરું તો શુ કરું?
આમ વિચારતાં વિચારતાં ક્યારે સુરજ ડૂબી ગયો અને રાતનું કામણ પાથરવા રજનીનું આગમન થઈ ગયું એની ખબર જ ના પડી..
પણ, હવે કંઈક નક્કર નિર્ણય લેવો જ પડશે, અને આ રોજનો કકળાટ દૂર કરવો જ રહ્યો એવું વિચારતાં ઘર તરફ ચાલવા લાગી..
ઘરે પહોંચતાં જ મીરાએ પોતાના કપડાં અને જરૂરી વસ્તુઓ બેગમાં ભરીને મનનને ફોન કરીને કહી દીધું કે એ જઈ રહી છે કાયમ માટે... એક નવી જિંદગીનો પ્રારંભ કરવા.
તૃપ્તિ પટેલ
