ચટ્ટગાંવની એ સાંજે
બિપાશાની નજર ત્યાં જ ખોડાઈ ગઈ. બિલકુલ હાલી નહીં. એક, બે, ત્રણ.. ન જાણે કેટલીય વખત મોબાઈલની સ્ક્રીન ઉપર ઘટનાની વિગત વાંચી.. વારંવાર. વારંવાર માથામાં હથોડા વાગતાં રહ્યાં, ધમ..ધમ..ધમ. આંખો સામે કાળુંધબ્બ અંધારું છવાવા લાગ્યું. હૃદય તો જાણે ધક્..ધક્..ધક્..બુલેટની ઝડપે દોડતું મશીન!
તે અફવા ન હતી. એ સત્ય હતું અને તે સત્ય ઘટનાની સાક્ષી તેની પોતાની આંખો હતી.
'ઓહ! મન કઠણ કરવું જ પડશે નહીં તો..' પોતાની વૃદ્ધ કાયાના કથળતા સ્વાસ્થ્યને જોતાં થાળીમાં રહેલાં રોટલી શાકના બે બટકા.. 'નથી ભરવા. નથી ભરવા..' પણ ભરવા જ પડ્યાં. માંડમાંડ તેણે ગળેથી કોળીયા ઉતાર્યા. પાણી ગટગટાવ્યું. 'આ પાણી પણ અજીબ છે. આંખમાંથી વહ્યાં કરે અને હોઠેથી પીવું પડે.' વિચારતા ફરી વેદનાથી હૃદય દ્રવી ઉઠ્યું.
એકાએક આવી પડેલી વિપત્તિથી હતપ્રભ બની ગયેલી બિપાશા કઈંક અજીબ બની ગઈ હતી. અચાનક તેનો હાથ વાળ પર ગયો. ઊંચા અંબોડો વાળવા ગઈ અને અરીસો સામે આવી ઊભો રહ્યો. વિખરાયેલા વાંકડિયા વાળ અને છવાયેલો રાખોડી રંગનો ચળકાટ, તેની ઉંમરને કંઈક વધુ ઊંચાઈએ લઈ જતો હતો. આંખો તો હતી ભૂખરી અને થોડી લીલી પણ તેમાં હવે ઝાંખપ નામનું કાજળ છવાયું હતું. એક જમાનાનો સુંદર ચહેરો હવે પાનખરનું સૌંદર્ય ઓઢવા આતુર હતો. હોઠ અને હાસ્યને તો વર્ષો જૂનું વેર હતું. તે કદી હાસ્યને નજદીક આવવા જ દેતું ન હતું. કદાચ હાસ્ય આવે તો તે પહેલા કુદરત એવી કરામત કરી દેતી હતી કે હસવા માટે ખુલેલા હોઠ રુદન કરવાં, ચીસ પાડવાં આકળા થઈ જાય. ઠેરઠેર ફાટેલી બ્લાઉઝ અને કઢોણી સાડીનો પાલવ નાંખી, સ્લીપર પહેરી, ઓરડીનો આગળો વાસવા જતી હતી ત્યાં જ સામેની ભીંત પર ટીંગાડેલી નજરો વેધક બની તેને જોવાં લાગી. તે ઊભી રહી ઘડીકવાર. પાછી ફરી. ઘરમાં આવી બેઠી. આમતેમ જોયું. હૈયાને તો ચેન જ ક્યાં હતું! મુંઝારો અનુભવતું હતું. અર્ધબળેલા ઘરમાંથી આવતી વાંસ ઉબકા-ઉલટી કરવાં મજબૂર કરી દેતી હતી. કોઈક ઠેકાણે બળેલા કપડાં, બળેલા ચોખામાંથી હજી પણ ધીમું ધીમું બળીને સડવાની વાંસ આવી રહી હતી. આ વાંસ બિપાશાનાં સમગ્ર શરીરનાં અસ્તિત્વમાં ભળી ગઈ હતી.
તેણે બારી ખોલી. ઠંડી, તાજી હવા ઓરડીમાં પ્રવેશે તે પહેલાં તો માંસ સડવાની વાંસ આવી ગઈ. દૂર દૂર પડેલા શબ..
"ઓહ!" ફરી માથું ભમવા માંડ્યું. ભીંત ઉપર ટીંગાડેલી નજરો જાણે બેબાકળી બની ગઈ. હાલકડોલક થવા માંડી. "બંધ કર. બંધ કર. બારી બંધ કર."
જોરથી હવાનો ઝોકો આવ્યો અને બારી સજ્જડ બંધ થઈ ગઈ. તેની તિરાડમાંથી બિપાશાએ બહાર ઝાકવાનો પ્રયત્ન કર્યો. દૂર દૂર કાળો ધુમાડો આખાયે આકાશ પર સામ્રાજ્ય ફેલાવવા તત્પર બન્યો હતો. તેણે કાનને બારી પર સજ્જડ જડી દીધાં. કદાચ ક્યાંકથી કશુંક સંભળાય.
આ કાળો ધુમાડો અફવાનું ખંડન કરી રહ્યો હતો. તે સૂચિત કરી રહ્યો હતો કે હજી આજે પણ અસુરો ત્રાટક્યા છે.
'હું શું જોવા, સાંભળવા આતુર છું!' તેણે હૃદય પર હાથ મૂક્યો. 'હું કેવી થઈ ગઈ છું! એક જ વિચાર. બસ! એક જ વિચાર.' હૈયામાં કંઈક સળવળ જેવું થયું. ફરી ઉબકો કે ઉલટી! 'આ હનન્ થતી માનવતાનો નાચ આંખોથી હવે નથી જોવાતો. આંખ બંધ કરું છું તો પણ અંતરપટ પર તેનાં દ્રશ્યો આપોઆપ નાચવા માંડે છે. આપોઆપ.. હા આપોઆપ. આ દ્રશ્યો વેધક.. એવાં વેધક કે હૃદયમાં ખંજર ભોંકાઈ જાય, લોહી નીકળે પણ હોઠમાંથી એક ચીસ બહાર આવી ન શકે.'
ઝડપથી ઊભી થઈ બિપાશા બહાર આવી ગઈ. સુમસામ ગલીઓમાં નિરવતાનું ખૂન કરતી પગલાં ભરવા માડી.
"માતાજી, મરના હે ક્યા! ચટ્ટગાંવમે મેં યે વક્ત સૈર કરને કા નહીં, ભગવાન સે પ્રાર્થના કરનેકા હૈ. વાપસ ઘર જાઓ."
"મા" શબ્દ સાંભળતા જ બિપાશાનાં હોઠ ખુલી ગયાં. જોરજોરથી શ્વાસ લેવા લાગ્યાં. આંખમાં ધૂંધળી રેતી જેવું કંઈક ખૂંચવા લાગ્યું. બંદૂકધારી તે વ્યક્તિએ ખભે હાથ મૂકી, પાછળ ફેરવી, ઘર તરફ લઈ જવાં માંડ્યો.
"ઘર" ઘર જોતાં જ તે આભી બની ગઈ. જાણે પહેલીવાર જોઈ રહી હોય! કલાત્મક લાકડાની હવેલીના સ્થાને માત્ર રાખ. વિશાળ "બિપાશા સદન" માત્ર રાખ અને થોડાં અર્ધબળેલા..
અર્ધબળેલા શબના ટુકડાં. પતિ અને પુત્રનાં.
હજી..હજી એ નરાધમની આંખ, હાથ કશું નથી ભૂલી.. એ નરાધમે દીકરી ઉપર..
હૃદય જોરથી ધડકવા લાગ્યું. આસપાસ કોણ છે, શું છે, તે બધુંય ભાન ભૂલી ગઈ.
આતંકીઓની વિનાશકારી લીલામાંથી માંડ બચી ગયેલી પૂજાની ઓરડી અને તેની પાછળ આવેલાં અર્ધબળેલા રસોડામાં સાચવીને પગ મુક્યો. ખણખોતર કરતાં કરતાં તેની આંખો ચમકી. ઠેરઠેર રાખ અને અર્ધબળેલા ફર્નિચરમાંથી નીકળ્યું પોતાનાં અસ્તિત્વનું એક તૂટેલુંફૂટેલું, માંડમાંડ ઓળખાય તેવું નેમપ્લેટનું ચકતું. "બિપાશા સદન"
એક "આહ"ની સાથે નાભીમાંથી એક આંતરનાદ નીકળ્યો અને આખાયે ખંડેર બની ગયેલાં ઘરને ધ્રુજાવી ગયો. વેદનાથી છલોછલ આંખોમાં આંસુ સુકાઈ ગયાં. રુદન ડૂસકાંમા જ અટવાઈ ગયું. દાંત કચકચાવી, હાથ મજબૂત કરી, વૃદ્ધ શરીરને નીચે વાળી, રાખનાં આવરણથી લથબથ એક ધારદાર, મસમોટું ચપ્પુ જોયું અને ઝડપથી ઉઠાવ્યું. ચપ્પુ આમ તો ધારદાર લાગતું હતું, તો પણ તેની ધાર ચકાસવા બિપાશાએ પોતાની આંગળી પર કાપો મુક્યો. લોહીનો લાલ રંગ આંગળી પર છવાઈ ગયો. એ લાલ રંગમાં પેલાં નરાધમની આંખો સ્પષ્ટ દેખાવા માંડી.
ઓળખી ગઈ.
બિપાશા ઓળખી ગઈ એ નરાધમને, જેણે દીકરી પર દુષ્કર્મ કરી તેને સળગાવી દીધી હતી. તેણે કચકચાવીને ચપ્પુ પકડ્યું. પાછું જોયા વગર ખંડેરમાંથી બહાર નીકળી. પૂર્વ તરફ જતી કેડી પર પગલાં માંડ્યાં. ટપકતાં લોહીની બુંદબુંદ તેનાં આખાયે શરીરને ઝનૂન, જોમ આપી રહી હતી.
બિપાશાનું શરીર લોહી તરસ્યું બની ગયું હતું.. રક્તબીજ અસુરનું લોહી પીવા અધીરા બનેલાં મા કાળકા જેવું.
ચટ્ટગાંવની એ સાંજે પૂર્વ તરફથી વહેતી કર્ણફૂલી સરિતાના નીરનો રંગ..
****
