વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માધુ


શીર્ષક.માધુ...

આજ સવારથી જ મન ખૂબ ઉદાસ હતું.

બહાર વરસાદી વાતાવરણ હતું. આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને ઘરમાં હું એકલો હતો. બહાર વરસતો વરસાદ જાણે અંદર વરસતી યાદોને વધુ ભીની કરી રહ્યો હતો.

અને એમાં પણ આજે મારી વહાલી આરતીની યાદ કંઈક વધારે જ આવી રહી હતી.

હું એને પ્રેમથી ‘અરૂ’ કહીને બોલાવતો અને એ મને ‘માધુ’ કહીને બોલાવતી.

મારું આખું નામ માધવ એણે ક્યારેય બોલ્યું જ નહોતું.

એના મોઢેથી નીકળેલું “માધુ...” આજે પણ મારા કાનમાં ગુંજે છે.

યાદોથી બચવા માટે હું ઘરની બહાર નીકળી ગયો.

બહારનો માહોલ ખરેખર સરસ હતો. ચારે તરફ વાદળાં હતાં, ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. લીલાછમ ઝાડવાં પવનની લહેર સાથે જાણે કોઈ ધૂન પર નાચી રહ્યાં હતાં. વરસાદથી ભીની થયેલી માટીની સુગંધ વાતાવરણમાં પ્રસરી રહી હતી.

પણ આજે આ સુંદરતા પણ મને અરૂથી દૂર ન કરી શકી.

ઊલટું...

ભીની માટીની એ સુગંધ સાથે એની યાદ વધુ તીવ્ર બની ગઈ.

ચાલતો ચાલતો ઘણો આગળ નીકળી ગયો. ત્યાં અચાનક નજર એક સુંદર યુગલ પર પડી.

બંને એકબીજામાં મગ્ન હતાં. આસપાસની દુનિયાથી બેખબર, જાણે આ આખી પ્રકૃતિ પણ એમના પ્રેમની સાક્ષી બનીને ઊભી હોય.

એ દૃશ્ય જોઈને હું થંભી ગયો.

મારી આંખો સામે વર્ષો જૂનું એક દૃશ્ય જીવતું થઈ ગયું...

અરૂ મને પ્રેમથી આલિંગનમાં લઈને પૂછતી.

“માધુ... તું મને ક્યારેય છોડીને તો નહીં જાય ને?”

અને હું હસીને એને વચન આપતો.

પણ સમય કેટલો વિચિત્ર છે!

જે હાથને મેં ક્યારેય છોડવાનો વિચાર પણ નહોતો કર્યો, એ જ હાથ આજે મારા હાથમાં નથી.

એ મને છોડીને જતી રહી.

બસ... એક નાની એવી ગેરસમજે અમારા હસતા-રમતા સુખી સંસારને આગ લગાવી દીધી.

અરૂનો સ્વભાવ જ એવો હતો.

એ બધાની સાથે હસીને, બિન્દાસ રીતે વાત કરતી. એના મનમાં કોઈ કપટ નહોતું. મન એનું એકદમ ચોખ્ખું હતું.

પણ કદાચ પ્રેમમાં ક્યારેક વિશ્વાસ કરતાં શંકા મોટી થઈ જાય છે.

એની એ જ નિર્દોષ આદત ધીમે ધીમે મને ખૂંચવા લાગી.

મારા મનમાં શંકાના બીજ ઊગવા લાગ્યાં.

અને એક દિવસ...

મારા ગુસ્સાએ મારા પ્રેમને હરાવી દીધો.

મેં અરૂને ગુસ્સામાં જેમ ફાવે તેમ બોલી નાખ્યું.

એ ક્ષણે કદાચ મને લાગ્યું હશે કે ગુસ્સો થોડા સમયનો છે...

પણ શબ્દો ક્યારેક તલવાર કરતાં પણ ઊંડો ઘા કરી જાય છે.

એ દિવસે બધું જ ખતમ થઈ ગયું.

અરૂ મને એકલો મૂકીને ચાલી ગઈ.

ન તો એણે ફરી પાછળ વળીને જોયું...

ન મેં એને પાછી બોલાવવાનો પ્રયત્ન કર્યો.

કદાચ બંનેને લાગ્યું હશે કે પહેલું પગલું સામેની વ્યક્તિ ભરે.

પણ પ્રેમમાં “પહેલું કોણ બોલશે?” એવી જીદ રાખી શકાય?

આજે વર્ષો પછી સમજાય છે..

સંબંધો તૂટતા નથી, આપણે એને આપણા અહંકારથી તોડી નાખીએ છીએ.

એ દિવસે જો મેં એક ક્ષણ માટે મારો ગુસ્સો ગળી લીધો હોત...

જો મેં એની આંખોમાં જોઈને માત્ર એટલું કહ્યું હોત

“અરૂ, મને તારા પર વિશ્વાસ છે...”

તો કદાચ આજે આ વરસાદી સવારમાં હું એકલો ન હોત.

આજે પણ જ્યારે કોઈ મને પ્રેમથી “માધુ” કહીને બોલાવે છે, ત્યારે હૃદય એક ક્ષણ માટે ધબકવાનું ભૂલી જાય છે.

કારણ કે મારા માટે માધુ માત્ર એક નામ નહોતું...

એ અરૂના પ્રેમથી ભરાયેલું આખું એક જીવન હતું.

હવે વરસાદ પડે છે ત્યારે હું બારી પાસે ઊભો રહીને આકાશ તરફ જોઉં છું.

ક્યારેક મન થાય છે કે આ વાદળોની પાછળથી અરૂનો અવાજ આવશે

“માધુ...”

હું દોડીને બહાર નીકળીશ...

અને એને પૂછીશ.

“અરૂ, તું મને છોડીને કેમ ગઈ?”

પણ જવાબમાં ફક્ત વરસાદ વરસે છે.

અને વરસાદના દરેક ટીપા સાથે મને એક જ વાત સંભળાય છે

“માધુ... મોડું થઈ ગયું...”

કેટલીક ભૂલોની માફી મળી શકે છે,

કેટલાક સંબંધો ફરી જોડાઈ શકે છે,

પણ...

કેટલાક લોકો એકવાર જીવનમાંથી ચાલ્યા જાય પછી આખી જિંદગી યાદોમાં જ રહે છે.

અરૂ પણ એવી જ એક યાદ બની ગઈ છે.

મારી સૌથી વહાલી યાદ...

મારો સૌથી મોટો અફસોસ...

અને મારા જીવનનું એ અધૂરું વાક્ય,

જે આજે પણ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યું છે.

“અરૂ... તું મને ક્યારેય છોડીને તો નહીં જાય ને?”
પાછળ રેડિયોમાં ગીત વાગતું હતું .. "જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ વો ફિર નહીં આતે.... "

✍🏻 સુચિતા રાવલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ