સ્મૃતિવર્ષા
કલાક કાંટો ૬ ને પાર કરી ગયો હતો, રશ્મિ તેની ફાઈલો જગ્યા પર વ્યવસ્થિત ગોઠવીને ઓફિસની બહાર નીકળી. પગથિયાં ઉતરતા યાદ આવ્યું કે મમ્મીએ વરસાદની આગાહીના સમાચાર સાંભળીને આજે રેઇનકોટ આપ્યો હતો. ફરી પાછી અંદર ગઈ, રેઇનકોટ લઈને ઝડપથી બહાર નીકળી. દસેક મિનિટના રસ્તે ચાલતા બસ સ્ટોપ આવે. છેલ્લા કેટલાય સમયથી તે બસમાં જવાનું ટાળતી હતી મોટેભાગે રીક્ષામાં જ જતી હતી.
આજે રિક્ષાવાળાની સ્ટ્રાઇક અને વરસાદની આગાહી બંનેનાં જાણે એક જ લક્ષ્ય બની ગયા હતા. રશ્મિ ધીમે ધીમે બસ સ્ટોપ તરફ ચાલવા લાગી. બસનો સમય ૬:૩૦ નો હતો. આકાશમાં કાળાઘટ્ટ વાદળો ઘેરાવા લાગ્યા. તવી તપી ગઈ કે નહીં એ જાણવા માટે એકાદ પાણીના ટીપાં છાંટીએ એમ વાદળોએ રશ્મિની સ્મૃતિને ચકાસવા બે - ત્રણ બિંદુ પાડ્યા. એક બિંદુ તેના જમણા ખભે પડ્યો અને બીજો તેના ઘડિયાળ પર... રશ્મિની નજર એ ઘડિયાળ પરના બિંદુ પર પડી ને એ નદીની જેમ ત્રણ વરસ પહેલા વહી ગઈ...
ઘરની જવાબદારીઓને પોતાની ફરજ જાણીને ઓફિસની ફાઈલોનો ઢગલો લઈને રશ્મિ બેઠી હતી. પ્રીતિએ એના હાથમાંથી ફાઇલ લઈને ટેબલ પર મૂકી. એના અંબોડામાં ભરાયેલી પેનને ડેસ્ક પર ગોઠવી અને ઘડિયાળ બતાવતાં કહ્યું, "અરે ઓ મેડમજી,૬:૧૦ થઈ ગઈ ઘરે નથી જવું? બસ નીકળી જશે..." પછી આછું મલકીને ઉમેર્યું,"...કે પછી કોઈ રાજકુમાર ઘોડે ચડીને લેવા આવવાના છે?"
"તુંય પણ શું પ્રીતિ, આપણે તો બસનાં જ મુસાફર...! આપણે હકીકતમાં જ રહેવાનું, કલ્પનાના ઘોડા દોડાવતાં આપણને ન આવડે."
"ભલે મેડમ, તમે જીત્યા અમે હાર્યા. હું તો જાઉં છું. ચાલ બાય."
પ્રીતિને વળતો જવાબ આપવાની પણ રશ્મિને સુધ ન રહી. એ તો એક જ શબ્દ પર સ્થિર થઈ ગઈ- 'રાજકુમાર'
રશ્મિનો ફોન રણક્યો. તેની તંદ્રા તૂટી.સામેથી મમ્મીનો અવાજ હતો,"બેટા, આવતી વખતે થોડું શાક લેતી આવજે ને પપ્પાની ડાયાબિટીસની ગોળી પૂરી થઈ ગઈ છે એ પણ લેતી આવજે."
"ભલે મમ્મી" રશ્મિએ ટૂંકો જવાબ વાળ્યો. પિતાને અતિશય ડાયાબિટીસને લીધે કામ છોડવું પડ્યું. મમ્મીને પગની તકલીફ, વધુ ચાલી ન શકે , વધુ કામ પણ ન થાય. ભાઈ હજી દસમામાં હતો. એ ભણીને પગભર થાય ત્યાં સુધીમાં તો રશ્મિને જ ઘર સાચવવાનું.
ડેસ્ક પર બધું વ્યવસ્થિત ગોઠવીને ઓફિસ બહાર નીકળી. પગની ગતિ સાથે મનને પણ ગતિ મળી. તેની સામે એક ચહેરો તરવરવા માંડ્યો. એ ચહેરો દરરોજ એકથી બે સેકન્ડ માંડ જોવા મળતો છતાંય આટલી ઊંડી અસર કેમ? એ 'રાજકુમાર' જેવો વ્યક્તિ રશ્મિના સ્ટોપ પછીના સ્ટોપ પરથી ચડતો અને એ ઊતરે એ પહેલાં રશ્મિ ઉતરી જતી... આટલી જ ઓળખ...
જુલાઈ મહિનાનો એ વરસાદી દિવસ રશ્મિને જડમૂળથી બદલાવી ગયો.
આકાશમાં કાળાઘટ્ટ વાદળો ઘેરાવા લાગ્યા.રશ્મિ સ્ટોપ પરથી બસમાં ચડી. ડાબી બાજુએ બારી તરફ સીટ મળી. વરસાદ શરૂ થઈ ગયો.એણે બારી બંધ પણ ન કરી. વાંછટ તેના ચહેરાં પર મોતી બની ગયો. વર્ષો પછી જાણે એ પોતાને જ મળી રહી...પછીનો સ્ટોપ આવ્યો એટલે રશ્મિની નજર ડ્રાઇવરને ઓળંગીને સીધી એ 'રાજકુમાર' પાસે પહોંચી ગઈ. દૂરથી એને એક લેધરનો મરૂન લેપટોપ બેગ દેખાયો એટલે સમજી ગઈ કે આજે ફરી આ બસ જીવંત થઈ જવાની.
એ 'રાજકુમાર' રોજ કરતાં વધુ સ્ફૂર્તિથી દોડીને બસમાં ચડ્યો. આજે વરસાદને લીધે ઓછી ભીડ હતી. એ રશ્મિની બાજુની સીટ પર બેઠો. ખીસ્સામાંથી રૂમાલ કાઢ્યો, લેપટોપ બેગ પરના ટીપાંને સાફ કર્યા. પોતાના રેશમી સુંવાળા વાળને હાથથી ઝાટકો આપ્યો. તેનાં બે બુંદ રશ્મિ પર ઉડ્યા. એક બુંદ એના જમણા ખભા પર પડ્યો અને બીજું બુંદ એના ઘડિયાળ પર... તેની નજર ઘડિયાળ પર પડી. ૬:૪૦ થયા હતા. રશ્મિને થયું અહીં જ સમય રોકાઈ જાય તો કેટલું સારું...
તેણે સામેના કાચ પર નજર કરી. વરસાદને લીધે આછા અંધારું થયું. બસની લાઇટ ચાલુ થઈ.પેલા રાજકુમારનું પ્રતિબિંબ કાચમાં દેખાતું હતું. તે બાજુમાં નજર ફેરવવાની હિંમત ન કરી શકી એટલે પ્રતિબિંબને નિહાળી રહી.
"હાય, આઈ એમ રાજ...અને તમે?"
વીજળીનો એક જોરદાર કડાકો થયો. તેના પ્રકાશ થકી બસમાં પણ ક્ષણભર પ્રકાશનો લિસોટો થયો.
રશ્મિએ હવે ઝાટકા સાથે નજર ફેરવી અને એના તરફ જોતી જ રહી.
"હેલો..."
એ 'રાજકુમાર'ના બીજી વખતના સંબોધનથી રશ્મિ હોશમાં આવી.
"હં...હા... હાય... હું રશ્મિ..."
" નાઈસ નેમ... બાય ધ વે તમારું ધ્યાન ગયું હોય તો લગભગ રોજ આપણે આ જ બસ માં હોઈએ છીએ. મોસ્ટ ઑફ તમારી નજર બારી બહાર જ હોય છે સો..."
રશ્મિ તો એકીટશ એ 'રાજકુમાર' સામે... અરે નહીં, રાજ સામે જોઈ રહી હતી.
તેને ખોવાયેલી જોઈને રાજે તેની આંખો સામે ચપટી વગાડતાં કહ્યું,"હેલો, મિસ રશ્મિ ક્યાં ખોવાઈ ગયા? બારી તો પેલી બાજુ છે."
રશ્મિએ સ્મિત સાથે નજર ફેરવી લીધી. રાજે પણ સ્મિત સાથે વાળમાં હાથ ફેરવ્યાં અને ગીત ગણગણવા લાગ્યો.
ઘર સે નિકલતે હી... કુછ દૂર ચલતે હી... રસ્તે મેં હૈ ઉસકા ઘર...
રશ્મિને કંઇ સમજાયું જ નહીં કે શું વાત કરવી કેમ કે આ કાલ્પનિક લાગતા વ્યક્તિ સાથે વાત થાય એ તેના માનવામાં નહોતું આવતું.
રશ્મિનો સ્ટોપ આવ્યો, એ ઊતરી ગઈ. એ સાથે જ ધોધમાર વરસાદ શરૂ થયો. એને રેઇનકોટ કાઢવાનું પણ યાદ ન આવ્યું. ભીંજાતા-ભીંજાતા એ ઘરે પહોંચી.
એ દિવસ પછી એનાં માટે દરરોજ ચોમાસું આવતું. એ રાજના સ્મિતભર્યા નિખાલસ વ્યક્તિત્વમાં ભીંજાતી તો ક્યારેક તેના ગાલમાં પડતા ખંજનમાં ડૂબી જતી. જ્યારે રાજ પોતાના કોલરને અડતાં લાંબા વાળમાં હાથ ફેરવતો ત્યારે ગલગલિયાં થઈ જતાં.
રાજ પણ કેટલાય સમયથી રશ્મિને માત્ર નિહાળતો રહ્યો. તે હંમેશા ગંભીર ચહેરે બારી બહાર જોઈ રહેતી.તેનો પહેરવેશ અને હંમેશા બાંધેલા રહેતાં વાળ અને ચહેરા પર એક જ પ્રકારનો ભાવ...રાજને કંઈક અલગ લાગતું. રશ્મિ વિશે જાણવાની ઈચ્છા તેને નજીક લઈ ગઈ.
રોજના મુસાફરો રાજને ઓળખે. એ બસમાં ચડે એટલે આખી બસમાં એની નજર ફરી વળે, ઓળખીતાઓ તરફ સ્મિત કરીને ધીમે-ધીમે આગળ આવે અને રશ્મિની બાજુમાં બેસે. રોજ બને આઠથી દસ મિનિટ બસમાં મળતા. ઓફિસની વાતો થતી અને કામનો બધો જ ભાર ત્યાં જ ઓસરી જતો.
હવે ઘરની વાતો અને તકલીફોનો પણ ભાર ઓસરવા લાગ્યો. રશ્મિ ખિલખિલાટ હસતી થઈ ગઈ. તેની ચહેરા પર અનેક ભાવ રમવા લાગ્યા. વાદળોનું પાણી જમીન સોંસરવો નીકળીને પાતાળમાં ભળી રહ્યો હતો.આમ ને આમ જ બે વરસ પસાર થઈ ગયા.
ફરી એ જ જુલાઈ મહિનાની વરસાદી સાંજ આવી. રાજ રશ્મિની બાજુની સીટ પર બેઠો. બે-ચાર મિનિટ ઓફિસની વાતો થઈ, થોડી ઘરની. રાજ અચાનક બોલતા-બોલતા અટકી ગયો. તે પોતાની આંગળીઓને મરડીને ટચાકા ફોડવા લાગ્યો. રશ્મિએ તેના લેપટોપ બેગ પર હાથ રાખીને પૂછ્યું," શું થયું? ઑલ ઑકે?"
રાજે કહ્યું, "પાણી છે?"
રશ્મિ પોતાની બોટલ કાઢીને આપી. અનાયાસે બંનેની આંગળીઓ સ્પર્શી. રશ્મિએ વિચાર્યું આટલા સમયથી તે બંને મળે છે છતાંય રાજે કોઈ મર્યાદા નથી ઓળંગી. બસની ગતિ સાથે ક્યારેક બંનેના ખભા અથડાતાં,એ સિવાય...તેને રાજ માટે માન થયું.
બોટલ પાછી આપતાં રાજે કહ્યું," રશ્મિ એક વાત કહું?"
"હાં, બોલોને."
ક્યારેય પ્રસ્તાવના બાંધીને વાત ન કરનાર આ નિખાલસ વ્યક્તિ આજે કેમ અલગ વર્તન કરે છે...!રશ્મિ વિચારવા લાગી.
"તને એવું નથી લાગતું કે આપણે ઘરે વાત કરવી જોઈએ? આપણા વિશે... આઈ મીન લગ્ન વિશે..."
રશ્મિ પહેલા દિવસની જેમ જ ચહેરા પર સ્મિત અને આંખોમાં આશ્ચર્ય સાથે રાજને જોઈ રહી... આ હકીકત છે કે સ્વપ્ન! રશ્મિની આંખો ભીંજાઈ ગઈ પણ બીજી જ ક્ષણે એને પરિવાર આંખો સામે દેખાયો અને ગળામાં અધમણ ભાર લઈને કહ્યું,
"રાજ, હું મારી ફરજ પૂરી કર્યા વિના ઘરને છોડી શકું એમ નથી તમે જાણો જ છો.તમને તો કોઈ પણ સારી અને દેખાવડી છોકરી મળી જશે. મારી વાટ જોવામાં પણ સાર નથી...હું તમને જોઈને જીવનને સાચી રીતે જીવતા શીખી છું એ જ પૂરતું છે."
"સારી અને દેખાવડી ઘણી આંખો સામેથી પસાર થઈ છે, રશ્મિ. કોઈની સાદગી જ આંખોમાં વસી જાય તો શું કરવું...?"
"રશ્મિ, હવે આ દસેક મિનિટનો રસ્તો બહુ જ ટૂંકો લાગે છે, મને તારી સાથે લાંબી સફર પર નીકળવું છે, જે લાઇફ ટાઈમ ચાલે..." એમ કહીને રાજે તેની ખુલ્લી હથેળી રશ્મિ તરફ કરી. રશ્મિનો હાથ આગળ વધ્યો પણ બંનેની હથેળી સ્પર્શ થાય એ પહેલાં જ તેને હાથ પાછો ખેંચી લીધો.
" શું થયું ? જે પણ હોય ખુલ્લા મનથી કહી શકે છે હંમેશાની જેમ..."
"મારો સ્ટોપ આવી ગયો. હું જાઉં,મારી ઈચ્છા છે કે તમે ઘરે વાત કરો, શું કહે છે એ મને જણાવો પછી જ હું ઘરે વાત કરીશ..."
"ઓકે ઍઝ યુ વિશ..."
એ દિવસે રશ્મિના મનમાં ભારે વલોપાત થયો. એક તરફ સ્વપન હકીકત બનવા તરફ ડગ માંડી રહ્યો હતો. બીજી તરફ વાસ્તવિકતા અને ફરજ વચ્ચે મન ઝોલા ખાઇ રહ્યો હતો.
બીજે દિવસે વરસાદે પાછીપાની કરી અને સૂરજ નીકળ્યો.
કામની વ્યસ્તતા વચ્ચે આખો દિવસ પસાર થયો ને ધીમે ધીમે પગલાં ભરતી સાંજ થઈ.
રશ્મિની નજર રસ્તા પર જ હતી. આંટી વળાવીને એ મનગમતો સ્ટોપ આવ્યો. રાજ કંઈક બેધ્યાન હતો તેણે બસને હાથ આડો ન આપ્યો ને બસ સડસડાટ જતી હતી. રશ્મિએ એકાએક દોરી ખેંચી ને ઘંટડી વગાડી દીધી.બસ ઊભી રહી. ડ્રાઈવરે ફરીને પાછળ જોયું. ખંધુ હસીને નજર ફેરવી લીધી કારણ કે એ બે સીટ રોજની રિઝર્વ જ રહેતી.
રાજ આગળથી બસ નીકળી ત્યારે તેની તંદ્રા તૂટી ને એ દોડીને બસમાં ચડ્યો. રશ્મિની બાજુની સીટ પર બેઠો. રશ્મિએ બનાવટી ગુસ્સો કરીને કહ્યું,
"રોજ તો બસ સામેથી દોડતાં દેખાઓ છો આજે પાછળથી દોડવાનું શું સૂઝ્યું ?"
"રશ્મિ, હું પાછળ રહી ગયો... મારા મમ્મીએ એમના ભાઈની દીકરીને મારા માટે પસંદ કરી છે. મેં ઘરે ડિટેલમાં બધું કહ્યું તોય... મમ્મીએ રડતાં રડતાં એટલું જ કહ્યું કે જો એ સંબંધ તૂટશે તો ભાઈ બહેનના સંબંધનો અંત આવી જશે. હું શું કરું મને કંઇ સમજાતું નથી યાર ! મને વિશ્વાસ હતો કે મારો નિર્ણય બધા માની જશે પણ..." રાજ આંગળીઓને આમળવા લાગ્યો.
રશ્મિએ પાણીની બોટલ રાજને આપી અને કહ્યું,"જેવી માતા પિતાની ઇચ્છા હોય એમ જ કરજો." બારી બહાર જોવા લાગી. આજે બંને મૌન રહ્યા. રશ્મિનો સ્ટોપ આવ્યો, તેને રાજના લેધરના એ મરૂન લેપટોપ બેગ પર હાથ રાખીને કહ્યું, ચાલો, બાય, ધ્યાન રાખજો અને મમ્મી પપ્પાની વાત હંમેશા માનજો.
રાજે પહેલીવાર મર્યાદા વટાવીને રશ્મિનો દુપટ્ટો પકડી લીધો અને કેટલીયવાર બંનેની આંખો ટકરાતી રહી... કંડક્ટરે સ્ટોપનું નામ લઈને રાડ નાખી. રાજે દુપટ્ટો મૂકી દીધો. રશ્મિ પાછળ જોયા વિના સડસડાટ ઉતરી ગઈ.
આકાશમાં કેસરી લીસોટા છવાઈ ગયાં.
રશ્મિ ઘરે પહોંચી. સીધી રૂમમાં ગઈ ને પોતાના દુપટ્ટાની વ્યવસ્થિત ગડી કરીને કબાટના છેલ્લા ખાનામાં મૂકી દીધો.
એ દિવસ પછી એ બસમાં જવાનું ટાળતી રહી. આજે બારેક મહિના પછી એ બસમાં ગઈ. ડાબી તરફ બારી બાજુ બેઠી. આજે કુદરત એની પરીક્ષા કરવા બેઠી હોય એમ ઝરમર વરસાદ શરૂ થયો. એણે બારી બંધ કરી. કાચ પર છાંટા પડ્યા, રશ્મિને સ્પર્શી ન શક્યા.આગળનો સ્ટોપ આવ્યો.બસ ઊભી રહી. રશ્મિની આંખો આજે એ કાચ પરના ટીપાં ને જોઈ રહી. અચાનક પાછળની સીટથી કોઈએ હાથ લંબાવીને બેગ એ ખાલી સીટ પર મૂક્યું.રશ્મિએ એ તરફ નજર ફેંકી. એ રાજની બહેન જીયા હતી. રશ્મિ રાજના પૂરા પરિવારને ઓળખતી. બંનેની નજર અથડાઈ.
જીયા એ કહ્યું , " તમે...! તમે રશ્મિ ને ?"
"હા"
"ઘરમાં બધા કેમ છે જીયા?"
આ સાંભળીને જીયા ચોધાર આંસુએ રડવા લાગી.
"શું થયું જીયા? ઑલ ઑકે ? રાજ કેમ છે?"
"રશ્મિ, રાજનું એક્સિડન્ટ થયું અને ....
"... અને શું? મારા શ્વાસ મૂંઝાય છે ? જલ્દી કહે એ કેમ છે ? ક્યાં છે ? હું અત્યારે જ ઘરે આવું છું."
"તમને ઘરે લાવવાની આશ લઈને જ એ ચાલ્યો ગયો. એ દિવસે રાજે તમારા વિશે ઘરે વાત કરી હતી. મમ્મીને મામાની દીકરીને વહુ બનાવવી હતી, કેટલીય દલીલો થઈ, લગભગ એક મહિના સુધી ભાઈએ મમ્મીને સમજાવવાની કોશિશ કરી પણ એ થાકી ગયો કેમ કે તમે સાથે નહોતા. તમારા વગર આ બસ એને કરડી ખાતી કદાચ જીવન પણ કોરી ખાતું હશે... હંમેશા બસમાં જનાર ભાઈ એ દિવસે બાઈકથી ગયો અને...." જીયાના આંસુ રોકતા નહોતા.
બસ આગળ વધી રહી હતી પણ રશ્મિ ત્યાં જ જડાઈ ગઈ હતી. ગોરંભાયેલા વાદળને લીધે અંધારું છવાયું હતું , બસની આછી લાઇટ ચાલુ થઈ. રશ્મિએ સામેના કાચ પર રાજનું પ્રતિબિંબ દેખાયું. એ આછું મલકી રહ્યો હતો. જાણે રાજે એના કાન પાસે ધીમેથી કહ્યું હોય એવો આભાસ થયો, "રશ્મિ, મને યાદ કરીને ઘરના ઉંબરે પગ મૂકજે...હું તારી સાથે જ હોઈશ...હંમેશા..."
પાછલા વર્ષોના સંઘરેલા સંસ્મરણોની સ્મૃતિવર્ષા થઈ પણ રશ્મિની ભીતર પશ્ચાતાપની વીજળી કડાકા કરી રહી.
