પારિજાત મહેંક પ્રેમની
દિવસ દરમ્યાન તપતી અવનીએ આખરે, અસ્તાચળ સમયે ગોરંભાયેલ વાદળોને પોતાના આગોશમાં સમાવી લીધા. ઝરમર વરસતી બુંદો પવન સંગ લહેરાઈ ભીની ધરાને વધુ મનમોહક બનાવી રહી હતી. પાંદડા પર બાઝેલ પાણીના ટીપાં સોનેરી સંધ્યાની ચુનર ઓઢી ઝળહળતા હતા.
પોતાના ઘરના વિશાળ ગાર્ડનમાં બેઠેલી રિદ્ધિમા, વરસાદી સાંજના આ અહલાદક વાતાવરણમાં પણ બેચેન હતી. તેની નજરો સતત ગાર્ડનમાં રહેલ પારિજાતના ફૂલો પર હતી.
ટીપોઈ પર પડેલ મગમાં રહેલ કોફી રિદ્ધિમાને તરોતાજા કરવા અને આટલા ઠંડા વાતાવરણમાં પોતાની હાજરી પૂરવા મથી રહી હોય તેમ, હવામાં પોતાની આગવી સોડમ પ્રસરાવી તેના શ્વાસમાં ભળી જવા તત્પર હતી!
કોફીની આ કથાને જાણે કોઈએ વાચા આપી હોય તેમ, એક મધુર અવાજ રેલાયો, "ઓય રિદ્ધિમા ક્યાં સુધી આ બિચારી કોફીને પરેશાન કરીશ? તે ઠંડી થવા કરતા તારી ગરમ ગરમ ચૂસ્કીમાં ઓગળવાનું વધુ પસંદ કરશે!"
મીરાનો આ ડાયલોગ સાંભળતા જ કોફીનો એક ઘૂંટ ભરી અકળાતા બોલી,
"તું પણ શું મીરા ! બે મિનિટ પણ મને શાંતિથી બેસવા નથી દેતી. દોસ્ત છો કે દુશ્મન?"
"રિદ્ધિમા, ગરમાગરમ કોફી અને ઝરમર વરસાદ આ બન્નેની જુગલબંધી છે તો જોરદાર પણ શું કરું તારી ખામોશી આમાં ત્રિકોણનો ત્રીજો ખૂણો બનવા જાય ત્યારે મને ડર લાગે છે!"
બન્નેની વાતો ચાલતી હતી એવામાં રિદ્ધિમાના મોબાઈલ સ્ક્રીન પર એક નામ ઝળહળ્યું, નામ વાંચતા જ આંખોમાં એક સાથે કેટલાય અહેસાસ ઉમટ્યા. તેણે એક ઊંડો શ્વાસ લઈ ફોન ઉપાડ્યો. સામે છેડેથી ખૂબ જ લાગણીસભર સુર રણક્યો,
"રિદ્ધિમા, બે દિવસ બાદ હું મુંબઈ પરત આવી રહ્યો છું. કેનેડામાં કાઢેલ આ બે મહિના ખૂબ વ્યસ્ત રહ્યા. હવે તારી જોડે નિરાંતનો શ્વાસ લેવો છે."
સમીરના શબ્દો સાંભળી રિદ્ધિમા એક ક્ષણ વિચલિત થઈ પણ ખુદને સંભાળી તે એ જ સ્નેહભર્યા સ્વરે બોલી, "હું રિસિવ કરવા આવું એમ જ ને?"
"હા મેડમ! તારા જેવી બિઝનેસ વુમન પાસે અપોઈમેન્ટ તો લેવી જ પડે ને! રખે ને વળી તું કોઈ મિટિંગમાં વ્યસ્ત થઈ જાય તો મારા ઈંતઝારની અવધી લંબાઈ, ઈચ્છાઓ અભેરાય ચડી જાય!"
"સમીર, તું વિદેશોમાં ફરે છે પણ તારા શિષ્ટ ગુજરાતી લઢણની ફિલોસોફી સાંભળનારને હંફાવી દેતી હશે!"
"એ બધું છોડ, બે મહીનાની કસર પૂરી કરવા તારા માટે એક સરપ્રાઈઝ છે!"
સમીરના શબ્દો રિદ્ધિમાના મનમાં વિચારોના કેટલાય વમળો સર્જી રહ્યા હતા. રિદ્ધિમાંની સ્થિતિને પામી જતા મીરાએ એક્ઝિબિશનની વાત કાઢી એટલે રિદ્ધિમા અકળાઈને બોલી,
"તું જે આર્ટ એક્ઝિબિશનમાં જવાનું કહે છે તેનો મને સમય નથી."
"રિદ્ધિમાં, મને તો સમયના નામે ચૂપ કરીશ પણ આ વરસાદી ઝાપટા, આ પારિજાત, તારા હૃદયમાં કંડારાયેલી અસંખ્ય સ્મૃતિઓ અને તારી આંખોએ નીતરતો નેહ! તેને કેમ અવગણીશ? હું તારી સેક્રેટરી જ નહીં સખી પણ છું! છેલ્લા કેટલાય વર્ષોથી જોઉં છું. ચોમાસુ તો વરસમાં એકવાર આવે છે પણ તારી ભીતર બેઠું ચોમાસુ તો તને હર ક્ષણ તરબોળ કરે છે!"
"મીરા સમીરનો ફોન હતો બે દિવસ બાદ તે આવે છે." રિદ્ધિમા ચિંતિત સ્વરે બોલી.
"તું તો એવી રીતે ટેન્સ થાય છે જાણે એ તને પ્રપોઝ કરવાનો હોય."
"તેના શબ્દોમાં જે ખુશી ઝળહળતી હતી તે કંઈક એવો જ ઈશારો કરે છે." રિદ્ધિમા વિચારોમાં પડી ગઈ. એ વાતથી બેખબર કે વર્તમાનની ચોપાટ પર અતીતના ચોકઠા ગોઠવાઈ રહ્યા છે!
એક્ઝિબિશન ગેટમાં પ્રવેશતા જ રિદ્ધિમાંને હવાની મીઠી લહેરો સાથે એક અનોખો અહેસાસ ઘેરી વળ્યો. દિલની ધડકનો જાણે સિતાર બની મીઠા સ્પંદનોમાં રણકવા લાગી. કોઈની અદૃશ્ય હાજરી તેનામાં જોમ પૂરી રહી.
ધડકતા હૈયે તે જેમ જેમ આગળ વધી રહી તેમ તેમ તેનું દિલ બેચેન થવા લાગ્યું. નજરો જાણે કશુંક શોધવા મથી રહી હતી. કદમો આપોઆપ ત્વરાથી ઊઠવા લાગ્યા. મનના આ ઉધામાને મંઝિલ મળી અને નજરોની પ્યાસ પૂર્ણ થઈ.
એક્ઝિબિશનમાં ગોઠવાયેલ એક ચિત્ર જોતા જ તેનું દિલ એક ધડકન ચૂકી ગયું! કેટલીય વાર સુધી તે દિગ્મૂઢ બની જોયા કરી. આખરે તેણે હિંમત એકઠી કરી એ ચિત્રને પોતાના હાથમાં લીધું. જેમ જેમ આંગળીઓનો સ્પર્શ ચિત્ર પર ફરી રહ્યો તેમ તેમ અતીતની આરસી પર કોઈ પ્રતિબિંબ ઉપસી ઊઠ્યું. લાગણીઓનું ઘોડાપુર ઉરના આંગણે હિલોળા લે એ પહેલા જ એ દરેક અહેસાસ પર કોઈએ વજ્રઘાત કર્યો હોય તે બરાડી, "ના ... એ શક્ય નથી!" અત્યંત ગુસ્સા સાથે એ ચિત્રને નીચે પટકી દોડતી બહાર નીકળી ગઈ.
ક્યારથી તેને સ્કેન કરનાર એ નજરો એક અનોખી ચમક અને ચહેરા પર રહસ્યમય સ્મિત રેલાવતી એ ભીડમાં ઓગળી ગઈ.
ત્યાંથી આવ્યા બાદ રિદ્ધિમાં આવીને કશું પણ બોલ્યા વગર છેલ્લા ત્રણ કલાકથી પોતાના રૂમની બાલ્કનીમાં બેઠી હતી. બહાર વરસી રહેલ વરસાદી ઝાપટા તેની અંદર વલોવાઈ રહેલ દર્દને શીતળતા આપવાને બદલે વધુ દાહક કરી રહ્યા. કેટલાય સમય બાદ આજે તે પારિજાતના ફૂલોને હાથમાં સહેલાવી મનોમન કોઈ ગોષ્ઠી કરી રહી.
"આમ ક્યાં સુધી બેસી રહીશ? ખબર છે ને એક કલાક બાદ નવા ક્લાઈન્ટ સાથે તારી મિટિંગ છે." મીરાની વાત સાંભળી તે ઊભી થઈ.
આખરે શહેરના એક સુંદર કેફેમાં રિધ્ધિમાં પોતાના ક્લાઈન્ટને મળવા પહોંચી, પણ પોતે બુક કરેલ ટેબલ પરનું દૃશ્ય જોતા જ તે સ્તબ્ધ થઈ ગઈ! આખા ટેબલ પર પારિજાતના ફૂલો ચાદર બની મહેંકી રહ્યા હતા. વર્ષોથી છોડી દીધેલ પોતાની પ્રિય આઈસ કોફી વિથ ચોકલેટનો ગ્લાસ જોઈ તેના રહ્યા સહ્યાં હોંશ પણ ઉડી ગયા. તે કશું વધુ રિએક્ટ કરે તે પહેલા એક આદમી ત્યાં આવી અદબથી બોલ્યો," મેડમ સરને એક ઈમરજન્સી કામ આવી ગયું છે તે નવો ટાઈમ સ્લોટ તમને મેસેજ કરશે."
"આજે મારી સાથે શું થઈ રહ્યું છે! કોણ છે જે આ બધું કરી રહ્યું છે?" તે ઊભી થઈ આસપાસ જોવા લાગી.
"કોણ છે જે મારી આ સ્વીટ પરીને પરેશાન કરી રહ્યું છે?" સમીર સ્મિત રેલાવતા બોલ્યો.
"ઓહ સમીર તું? તું તો બે દિવસ બાદ આવવાનો હતો ને?" રિદ્ધિમા આશ્ચર્યથી બોલી.
"વાત તો એવી કરે જાણે મને રિસિવ કરવા આવવાની હોય!" ટેબલ સામે જોઈ સમીર મનોમન હસતા ફરી બોલ્યો, "કોઈ સાથે ડેટ કરી રહી છો કે શું? કોઈને પસંદ જ કરવો હોય તો આ સમીર શું ખોટો છે?"
"સમીર તું મને કહે તું અહીંયા ક્યાંથી? સરપ્રાઈઝના નામે તારો આ નવો ખેલ તો નથી ને?"
"મુંબઈ શહેરમાં શું ફૂલોનો તૂટો પડ્યો છે તો હું વાહિયાત પારિજાતને અહીં લાવું? સમીરની સરપ્રાઈઝ પણ સમીરની જેમ એક્સકલુઝીવ હોય! આટલા સસ્તામાં નહીં પતાવું. હું તો એરપોર્ટથી સીધા તારા ઘરે ગયો તો મીરાએ મને અહીંનું એડ્રેસ આપ્યું. બે મહિના બાદ મળ્યો છું પણ તારી શિકાયત એની એ જ છે." સમીરે નકલી ગુસ્સો કર્યો.
"સમીર ખૂબ થાકી ગઈ છું. કાલે ઓફિસ મળીએ."
"ઓકે, પણ એક કોફી તો સાથે પી શકીએ ને?"
રિદ્ધિમાના ચહેરા પર સ્મિત જોઈ સમીર મનોમન બોલ્યો, "તારા આ સ્મિત પર તો બધું કુરબાન!"
ઘરે પહોંચતા જ રિદ્ધિમાની નજરો સામે આખો દિવસનો ઘટનાક્રમ ઘૂમવા લાગ્યો. વર્ષોથી ધરબાયેલ કેટલાય અહેસાસ એકસાથે અતીતની અટારીએથી આળસ મરડી બેઠા થયા. હાથની આંગળીઓ અલમારીના ખૂણે સંતાયેલ એક તસ્વીરને ઉઠાવવા તત્પર બની. તસ્વીર જોતા જ અતીતનું આંગણું મહેંકી ઊઠ્યું.
"તમે આટલા વરસાદમાં આ પારિજાતના ફૂલો વીણી રહ્યા છો? પહેલીવાર કોઈ પુરુષને આમ ફૂલો વીણતા જોયું!" બસ સ્ટોપની બાજુમાં એક પરિચિત ચહેરાને જોઈ રિદ્ધિમા બોલી.
"તો શું ફૂલો પર ફક્ત સ્ત્રીઓનો ઈજારો છે? સુગંધ અને સૌમ્યતા જેટલી સ્ત્રીને સ્પર્શે છે તેટલી જ અમને પણ! બસ જરૂર હોય છે એ અહેસાસમાં ખુદને ઓગાળવાની! મને તો એ નથી સમજાતું લોકો ફક્ત ગુલાબ પાછળ શા માટે પડે છે. આ પારિજાત જો, કેટલું મનમોહક! તેની આ નાની કેસરી દાંડલીઓ હાથમાં આવતા જ તેનો રંગ વિખેરી જાય છે! બાય ધ વે હું રિદ્ધમ! બસ સ્ટોપ પર ઘણીવાર તમને જોયા છે."
રિદ્ધિમાં, રિદ્ધમને અપલક નજરે જોઈ રહી. ફૂલોની આવી સુંદર વ્યાખ્યા અને તેની આંખોમાં છલકતી નિખાલસતા તેને સ્પર્શી ગઈ.
પારિજાતના ફૂલો સંગ પ્રથમ મુલાકાતમાં જ બન્ને વચ્ચે મિત્રતાની મહેંક પ્રસરી ઊઠી.
રિદ્ધમ જે કંપનીમાં કામ કરતો હતો તે કંપનીમાં જ રિદ્ધિમાને નોકરી અપાવી દીધી.
"રિદ્ધમ, મને આ નોકરીની ખૂબ જરૂર હતી. મારી મમ્મીને હૃદય રોગ છે અને તેના ઓપરેશન માટે મને ઘણા પૈસાની જરૂર છે. પપ્પાને તો નાનપણથી ખોઈ ચૂકી છું. બસ હવે મમ્મીનો સહારો બનવું છે."
"રિદ્ધિમાં કંપનીની માલિક સિયા મારી ફ્રેન્ડ છે. તું ચિંતા ન કર બધું સરખું થઈ જશે. તારી આ લડાઈમાં હું તારી સાથે છું. "
રિદ્ધમ અને રિદ્ધિમા બન્નેને એક જ પ્રોજેક્ટ પર કામ કરતા હોવાથી મોટાભાગનો સમય સાથે જ રહેતા.
એક દિવસ ખૂબ વરસાદ હતો. બન્ને ભીંજાતા જ બસ સ્ટેશન સુધી ગયા, પણ ભારે વરસાદના લીધે કોઈ વાહન મળતું ન હતું.
જોરદાર વીજળી થતા રિદ્ધિમા, રિદ્ધમને વળગી પડી. રિદ્ધમે પણ તેને પોતાના આલિંગનમાં ભીંસી લીધી. બન્નેની નજરોમાં એકબીજા માટે બેશુમાર ચાહતની રોશની ચમકતી હતી. કોઈ શબ્દ વિના જ નજરોથી કેટલાય અહેસાસ એકમેકમાં સમર્પિત થઈ ગયા.
એ દિવસે રિદ્ધિમાનો બર્થડે હતો. ગુલાબી ડ્રેસમાં તેની સુંદરતા અને કમનીય કાયા અત્યંત નિખરી રહી હતી. તે જ્યારે ઓફિસમાં આવી ત્યારે રિદ્ધમ તેને જોતો જ રહી ગયો.
"રિદ્ધિમાં હેપી બર્થડે! યુ આર લુકિંગ સો બ્યુટીફુલ!"
"રિદ્ધમ થેન્ક્સ! પણ તું આટલો રોમેન્ટિક છે એ તો આજે ખબર પડી!" પોતાને અપલક જોઈ રહેલ રિદ્ધમને જોઈ તેનું દિલ પણ ધડકવા લાગ્યું. તેને થયું આજે તો રિદ્ધમ જરૂર એકરાર કરશે. એમ પણ વરસાદની તે સાંજ બાદ બન્ને વચ્ચે સરખી વાત કરવાનો મોકો જ નહોતો મળ્યો.
"રિદ્ધિમાં તારું ગિફ્ટ!"
એક ગિફ્ટ પેક આપતા રિદ્ધમે ઉમેર્યું, "તું આ ગિફ્ટ ખોલે એ પહેલા તને કશું કહેવું છે."
રિદ્ધમ કશું બોલે એ પહેલા જ એક પ્યુન ત્યાં આવ્યો. "તમને સિયા મેડમ તેમની ચેમ્બરમાં બોલાવે છે."
"રિદ્ધિમાં ઓફિસ બાદ આજે સાંજે તારા ફેવરિટ કોફીશોપમાં મળીએ." બોલતા બોલતા તે સિયાની ચેમ્બરમાં જતો રહ્યો.
રિદ્ધિમાને ખૂબ ગુસ્સો આવ્યો, "રિદ્ધમ બહુ થયું હવે, આ સિયા બોસ છે કે જલ્લાદ! જ્યારે પણ જોડે હોઈએ તને બોલાવી લે છે. મને બર્થડે વિશ પણ નથી કર્યુ તેણે. તારા દિલમાં શું છે તે આજે સાંજે હું જાણીને જ રહીશ."
રિદ્ધિમાંએ ઘરે જઈ ગિફ્ટ ખોલ્યું તો તેમાં રિદ્ધમે જાતે બનાવેલું પેઇન્ટિંગ હતું. જેમાં વરસાદમાં બંનેની પારિજાત પાસે થયેલી એ પહેલી મુલાકાત અને પારિજાતના ફૂલોમાં મહેકતા બે દિલ!
પેઇન્ટિંગ જોતા જ રિદ્ધિમાં ખુશીથી ઉછળી પડી. દિલની જે લાગણીઓ અવ્યક્ત હતી તે કેનવાસ પર છવાયેલ આ રંગોમાં ચમકતી હતી.
રિદ્ધિમાં પેઇન્ટિંગને લઈ ખુશીથી નાચતા બોલી,"રિદ્ધમ આઈ લવ યુ. તારી આ ગિફ્ટ અનમોલ છે. બસ જલ્દીથી તારા ઈઝહારનો ઇન્તજાર છે."
તે દિવસે સાંજે રિદ્ધિમા કોફીશોપમાં રિદ્ધમનો ઈંતજાર કરતી રહી પણ તે ન આવ્યો.
બીજા દિવસે અચાનક રિદ્ધિમાના મમ્મીની તબિયત ખરાબ થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા.
"રીદ્ધિમાં, હવે વધુ સમય રાહ જોવાય તેમ નથી. તારા મમ્મીનાં હાર્ટનું ઓપરેશન કરવું પડશે. એ માટે તારે બે દિવસમાં દસ લાખ જમા કરવા પડશે. અત્યારે તો તેમને આઈ.સી.યુ. માં રાખ્યા છે."
આ વાત સાંભળતા જ રિદ્ધિમાં સાવ ભાંગી પડી. તે રડતા રડતાં બોલી, "ડોક્ટર અંકલ તમે મારી પરિસ્થિતિ જાણો છો. મારી મમ્મી સિવાય આ દુનિયામાં કોઈ નથી. આટલી મોટી રકમ હું બે દિવસમાં ક્યાંથી લાવું? પ્લીઝ કોઈ હેલ્પ કરો."
"બેટા, હું બધું સમજું છું. પણ મારા હાથ પણ બંધાયેલ છે. હોસ્પિટલના નિયમ મુજબ મારે ચાલવું રહ્યું."
રિદ્ધિમાએ તરત રિદ્ધમને કોલ કર્યો પણ ફોન બંધ આવતો હતો. પૈસાની દોડાધામમાં તે બે દિવસ ઓફિસ ન જઈ શકી.
બે દિવસ બાદ તે ઓફિસ ગઈ. તેણે દૂરથી રિદ્ધમને સિયાની ચેમ્બરમાં જોયો. તેને જોતા જ તે દોડતી ગઈ અને એક ઝાટકે દરવાજો ખોલી, સીધી રિદ્ધમને વળગી પડી.
રડતા રડતા તેને વળગીને જ બોલી, "રિદ્ધમ તું ક્યાં હતો? મમ્મીની તબિયત ખૂબ ખરાબ છે. મને તાત્કાલિક દસ લાખની જરૂર છે."
"રિદ્ધિમાં, આ શું નાટક છે? આ કોઈ મેનર્સ છે ઓફિસમાં આવવાની? એક તો બે દિવસ કોઇ લિવ વગર ગાયબ રહી." સિયા ખૂબ ગુસ્સાથી બરાડી.
રિદ્ધમે પણ તેની વાત સાંભળી જ ન હોય તેમ તરત જ તેને પોતાનાથી દૂર કરતા કહ્યું, "રિદ્ધિમાં, મને પ્રમોશન મળ્યું છે. સિયાની દિલ્હીની ઓફિસ હવેથી મારે સંભાળવાની છે. હું આજે જ નીકળું છું. સારું થયું તું અહીં મળી ગઈ. મારો નંબર પણ ચેન્જ થશે ત્યાં પહોંચી નવો નંબર મોકલીશ."
જાણે કોઈ જ સંબંધ ન હોય તેમ એકદમ સપાટ અને લાગણીવિહીન સ્વરે રિદ્ધમને બોલતો જોઈ રિદ્ધિમાને ખૂબ મોટો આંચકો લાગ્યો.
સિયા પોતાના ચહેરા પર એક તીખી હસી લાવતા બોલી,"રીદ્ધિમાં, તું ખૂબ સારા મોકા પર આવી છે. આવતા અઠવાડિયે મારી અને રિદ્ધમની સગાઈ છે. અમે બંને દિલ્હી શિફ્ટ થઈ રહ્યા છીએ. હું પણ તેની સાથે જ જાઉં છું. પેન્ડીંગ કામ પૂરું કર. અને હા તું ચાહે તો ઓફિસમાંથી લોન લઈ શકે. ફોર્માલિટી પૂરી કરી દેજે પૈસા તારા એકાઉન્ટમાં આવી જશે."
સિયાની વાત સાંભળી રિદ્ધિમાના પગ તળેથી જમીન સરકી ગઈ. આંખો સામે અંધકાર છવાઈ ગયો. તેની આ હાલત જોઈ રિદ્ધમે તરત જ તેને પકડતા કહ્યું," રિદ્ધિમાં તું ઠીક તો છે ને? ચાલ હું તને ઘરે છોડી દઉં."
ખુદને સંભાળતા રિદ્ધિમાએ રિદ્ધમના હાથને દૂર ખસેડતા બોલી,"તું તો મને ખૂબ પહેલા જ છોડી ચૂક્યો હતો. બસ મને જ સમજતા વાર લાગી. તારું એ બર્થડે ગિફ્ટ જોઈ મને લાગ્યું કે તું.."
તેની વાતને વચ્ચેથી જ કાપતા રિદ્ધમ બોલ્યો," તને શું લાગ્યું હું તને ચાહુ છું. રિદ્ધિમાં તું મારી દોસ્ત બની શકે હમસફર નહીં. મારા સ્વપ્ન ખૂબ ઊંચા છે અને તે ફક્ત સિયા જ પૂરા કરી શકે. એમ પણ હું અને સિયા એકબીજા માટે પરફેક્ટ છીએ રાઇટ સિયા?"
"રાઇટ માય ડાર્લિંગ!" સિયાએ રિદ્ધમનો હાથ ચૂમતા કહ્યું.
રિદ્ધિમાં ભારે પગલે માંડ માંડ ઓફિસની બહાર નીકળી. જેને ખુદથી વધુ ચાહ્યો તેની આટલી નિષ્ટુરતા જોઈ તે સાવ ભાંગી પડી. બે દિવસમાં તેને પૈસા તો મળી ગયા. તેની મમ્મીનું ઓપરેશન પણ થઈ ગયું. પણ કુદરત જાણે તેની પાસેથી બધું છીનવા બેઠી હોય તેમ ઓપરેશનના થોડા સમય બાદ જ તેની મમ્મી મૃત્યું પામી. તે સાવ સુન્ન થઈ કેટલાય દિવસો સુધી અંધકારમાં પૂરાઈ રહી. ઘરનો દરેક ખૂણો પારાવાર દર્દ અને તેની મૌન ચીસોની સાક્ષી પૂરતો રહ્યો.
આખરે એક દિવસ તેની મુલાકાત મીરા સાથે થઈ. જે તેની હમદર્દ જ નહીં તેનો સહારો બની. તેણે બધું ભૂલી ખુદની સામે એક નવી જંગ છેડી. બન્નેએ મળી બિઝનેસ ચાલુ કર્યો.
સમય વહેતો ચાલ્યો. બિઝનેસની એક મિટિંગમાંથી પરત આવતા તેની ગાડી બંધ થઈ ગઈ. ધોધમાર વરસાદ ધરાને પોતાનના તરબોળ કરી રહ્યો હતો. રીદ્ધિમા રોડ પર મદદ માટે ઉભી હતી. અચાનક એક બ્લેક રોલ્સરોય આવીને ઊભી રહી. ગ્લાસ નીચે ઊતારી એક ડેશિંગ યુવાન એક નજર રિદ્ધિમા પર કરતા બોલ્યો, "રિદ્ધિમાં જી હું સમીર મહેરા ! નામ તો સાંભળ્યું હશે" બોલતા બોલતા તે ખડખડાટ હસવા લાગ્યો.
રિદ્ધિમાં થોડા સંકોચ સાથે બોલી,"સમીર મહેરા તમારું નામ ઘણું સાંભળ્યું છે. બસ કદી મુલાકાત નહોતી થઈ."
"તમે બેસી જાવ એટલે મુલાકાત પણ થઈ જશે. હું તમને ડ્રોપ કરી દઉં. એમ પણ મુંબઈ અને વરસાદ ક્યારે પાગલ થાય કશું કહેવાય નહીં!"
રિદ્ધિમાં સમીરને અપલક તાકી રહી. તેના દિલમાં કંઈક હલચલ થવા લાગી. એક અનોખો અહેસાસ તેને બેચેન બનાવી રહ્યો.
"રિદ્ધિમા જી તમે આવી જ રીતે મને નિહાળ્યા કરશો તો હું ગાડી કેવી રીતે ચલાવીશ?"
"ઓહ! સોરી.."
"લાગે છે કોઈની યાદ આવી ગઈ..જોકે હું છું જ એટલો હેન્ડસમ!"
સમીરે પહેલી જ મુલાકાતમાં રિદ્ધિમાને હસાવી હસાવી એકદમ હળવી કરી દીધી. ધીમી ધીમે બન્ને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ. સમીર તેને ખૂબ પસંદ કરવા લાગ્યો હતો. તે હંમેશ રિદ્ધિમાને ખુશ રાખવાની કોશિશ કરતો. રિદ્ધિમાં બધું સમજતી હતી પરંતુ તેણે પોતાના દિલમાં દર્દને એટલી હદે દફન કર્યું હતું કે ત્યાં કોઈના દિલની પુકાર પહોંચે જ નહીં!
"રિદ્ધિમાં ક્યાં સુધી તું અતીતના એ અધ્યાયને જીવીશ જે કદી તારો હતો જ નહીં!"
મીરાના શબ્દોએ રિદ્ધિમાને અતીતના ઉંબરેથી વર્તમાનમાં ખેંચી.
"મીરા.. જે અતીતને હું દિલના સંદુકમાં દફન કરી ચૂકી હતી એ છેલ્લા કેટલાક સમયથી જાણે મારી આસપાસ જ ભમે છે."
રિદ્ધિમાએ સવારે આર્ટ ગેલેરીમાં જોયેલ પેઇન્ટિંગ અને કેફેમાં પથરાયેલ પારિજાતના ફૂલોની વાત કરી.
"કારણ કે એ પેન્ટિંગ તે ગુસ્સાથી રિદ્ધમને પરત મોકલી દીધું હતું. તે આજે પણ તારી પ્રતીક્ષા કરે છે. રિદ્ધિમે હમેંશ તને જ ચાહી હતી રિદ્ધિમા ! બસ તેનો દોષ એટલો કે તેણે તને એટલી હદે પ્રેમ કર્યો કે તને આબાદ કરવા ખુદ બરબાદ થઈ ગયો!" હમણાં જ ત્યાં આવેલ સમીર બોલ્યો.
"સમીર..તું..! તું રિદ્ધમને કેવી રીતે ઓળખે?" રિદ્ધિમા અત્યંત આશ્ચર્ય સાથે બોલી.
"હા..રિદ્ધિમા"
"અને આ શું બોલે છે? રિદ્ધમે ક્દી મને પ્રેમ નથી કર્યો. તેના માટે સિયા જ સર્વસ્વ હતી!" રિદ્ધિમા બોલતા બોલતા રડી પડી.
રિદ્ધિમા સિયાના એક તરફી પ્રેમના ઝૂનુન સામે રિદ્ધમે તારી મુહબ્બતમાં ખુદને વેચી દીધો!"
"મતલબ? તું સાફ સાફ કહે!" રિદ્ધિમા અત્યંત બેચેનીથી બોલી.
"રિદ્ધિમા સિયાને ખબર પડી ગઈ હતી કે તમે બન્ને એકબીજાને ચાહો છો એટલે તેણે રિદ્ધમને ધમકી આપી કે જો તે સિયાના પ્રેમને નહીં અપનાવે તો તને નોકરીમાંથી જ નહીં તારું ઘર પણ ખાલી કરાવી તને બર્બાદ કરી દેશે. જરૂર લાગશે તો તને મારતા પણ નહીં ખચકાય. વળી એ દરમ્યાન તને તારા મમ્મીનાં ઓપરેશન માટે પૈસાની જરૂર પડી. એ લોન નહોતી તમારી ચાહતની કિંમત હતી જે
રિદ્ધમે તારું દિલ તોડીને ચૂકવી, જેથી તારી છત્રછાયા અકબંધ રહે. એટલું જ નહીં તું આ સફળ બિઝનેસ વુમન બની છે એની પાછળ પણ રિદ્ધમના જ કોન્ટેક હતા."
સમીરના એક એક શબ્દ પર પસ્તાવા અને ગ્લાનીની ભાવનામાં રિદ્ધિમાનું રોમ રોમ પીગળી રહ્યું.
"જેને અપરાધી માન્યો તે દેવતા બની મને ઉગારી ગયો. સમીર.. મારો રિદ્ધમ ક્યાં છે?"
આ સવાલ પર સમીર પણ ધ્રુજી ઉઠ્યો. શબ્દો જાણે તેનો સાથ છોડી રહ્યા. તે નિરુત્તર થઈ પૂતળાની માફક સ્તબ્ધ હતો.
"સમીર..મે પૂછ્યું..રિદ્ધમ ક્યાં છે?" રિદ્ધિમાએ બેબાકળી થઈ ચીસ પાડી,
જવાબ આપવામાં તેને કેટલુંય દર્દ થતું હોય તેમ બધી હિંમત એકઠી કરી તેણે પોતાના હાર્ટ પર હાથ રાખી કહ્યું, "રિદ્ધિમા તારો રિદ્ધમ અહીંયા છે! જતા જતા મને જીવનદાન આપતો ગયો!"
સમીરનું આ વાક્ય સાંભળતા જ રિદ્ધિમાંના શ્વાસ રૂંધાવા લાગ્યા. તેના શરીરનું બધું સત્વ સુકાવા લાગ્યું હોય તેમ તે લથડિયા ખાતી ત્યાં જ ફસડાઈ પડી.
અત્યાર સુધી આશ્ચર્ય થઈ સાંભળી રહેલી મીરાએ તેને સંભાળી પૂછ્યું," સમીર તું શું કહે છે?"
"રિદ્ધિમા સિયા સાથે લગ્ન થવાના હતા તેના બે દિવસ પહેલા રિદ્ધમનું જોરદાર એક્સિડન્ટ થયુ. રિદ્ધમને એ જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો જ્યાં મારી હાર્ટ સર્જરી થઈ હતી પરંતુ મને ટ્રાન્સપ્લાન્ટ કરેલ હાર્ટ મારા શરીરને સપોર્ટ નહોતું કરતું. ચોવીસ કલાકમાં મને અન્ય હાર્ટ સર્જરી કરવાની હતી. એ જ સમયે રિદ્ધમને ત્યાં લવાયો. જેનું બ્રેન ડેડ થતા તે મૃત્યું પામ્યો. તેનું હાર્ટ મારામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. અચરજની વાત તો એ છે કે મારા હોંશમાં આવ્યા બાદ સિયાએ ખુદ મને આ કહ્યું. તેને ખૂબ પસ્તાવો હતો. તેણે મને આ એક ડાયરી પણ આપી જેમાં તમારી પ્રથમ મુલાકાતથી લઈ છેલ્લા દિવસ સુધીનું બધું જ લખ્યું છે."
રિદ્ધિમાએ ડાયરીને છાતી સરસી એવી રીતે વળગાડી જાણે તે રિદ્ધમને ભેટી હોય! "રિદ્ધમ એકવાર મને માફી માંગવાનો મોકો તો આપ્યો હોત! હું તને કોસતી રહી અને તું મારા માટે ખુદને તબાહ કરતો રહ્યો! રિદ્ધમ.."ચીસ પાડતા તે ત્યાં જ બેહોંશ થઈ ઢળી પડી.
ઘણા સમય બાદ રિદ્ધિમાંએ આંખો ખોલી. સમીર કશું પણ વિચાર્યા વગર તેને ભેટી પડ્યો.
સમીર ભીના અવાજે બોલ્યો,"રિદ્ધિમાં જ્યારથી રિદ્ધમની કહાની જાણી ત્યારથી જીંદગીનો એક જ મકસદ હતો, તને ખુશ રાખવી અને રિદ્ધમની ચાહત પૂર્ણ કરવી.
"સમીર આજે મને સમજાયું કેમ તને જોયા બાદ હું તારાથી ખેંચાઈ રહી હતી. એ પેન્ટિંગ, એ પારિજાત બધું તે જ કર્યું હતું ને?"
"હા, હું હંમેશ તારી આસપાસ પડછાયો બની ફરતો જેથી ફરી એકવાર રિદ્ધમની ચાહતની જ્યોત પ્રગટાવી શકું. જો તારો રિદ્ધમ કેટલો ખુશ છે! સમીરે રિદ્ધિમાનો હાથ પોતાના ધડકતા દિલ પર રાખ્યો.
"મારો રિદ્ધમ પોતાની ચાહત પૂરી કરવા બીજું ખોળિયું લઈ શકતો હોય તો હું એ ચાહતને અધૂરી કઈ રીતે રહેવા દઉં!"
રિદ્ધિમાંની વાત સાંભળી મીરા ખુશીથી ઉછળી પડી.
રિદ્ધિમા, સમીરનો હાથ પકડી બહાર વરસાદમાં ખીલી ઉઠેલા પારિજાત પાસે લઈ આવી," મારું પારિજાત અને હું બન્ને વર્ષોથી તારો ઈંતજાર કરતા હતા. સાચી ચાહત કદી નાશ નથી પામતી બસ સ્વરૂપ બદલે છે. હવે પારિજાત જ નહીં મારી જીંદગીનો આખે આખો બગીચો તારી ધડકનમાં મહેંકશે રિદ્ધમ!"
રિદ્ધિમા, સમીરને ભેટી પડી ક્દી ન છૂટા પડવાના કોલ સાથે! સમીરની આંખમાં છલકતી ખુશીમાં રિદ્ધમની ચાહત, પારિજાતની મહેંક બની મહેંકી ઊઠી!
©️Bhumi joshi
✍️સ્પંદન
