વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી નજરે!

અભિષેક:



"યારો દોસ્તી બડી હી હસીન હૈ" વાગ્યું ને બધા છોકરા ફ્લોર પર ગાંડા ની જેમ નાચવા માંડ્યા. એક બીજા ને હગ કરે ને હસે ને પછી નાચે!! આજે જ્યારે આ લોકો ને જોયા તો એ દિવસ યાદ આવી ગયો!! 




૫ વર્ષ પહેલાં જ્યારે આ જ દિવસે આ જ હોટેલ  માં આ ગીત વાગ્યું ત્યારે અમે પણ આમ જ બધા ફ્લોર પર દોડી ગયા હતા. એકબીજા ની આંખો માં જોઈ ને નાચતા હતા. કદાચ કોઈ દુર થી જુવે તો ગાંડા ગણતું હશે. પણ અમને બધા ને કોઈ ચિંતા ન હતી. સુખ અને દુઃખ બંને સાથે અનુભવાય એવી ક્ષણો હતી એ! 



એક મિનિટ... પણ તમે તો મને ઓળખતા જ નથી! હું છું અભિષેક. ના બચ્ચન નહિ ત્રિપાઠી! અને ત્યારે હું મારી કોલેજ ના છેલ્લા વર્ષ ની એક્ઝામ આપી ને પાર્ટી માં આવ્યો હતો અને આ ગ્રુપ માં જે સૌથી સુંદર ડાંસ કરે છે ને એને પ્રપોઝ કરવાનુ પ્લાન હતો.



ના સૌથી સુંદર લાગે છે એ નહિ સાહેબ, એ તો આપણી લીગ ની બહાર છે. હા, આ જે બ્લેક ટોપ અને નેવી બ્લુ જીન્સ માં ડાંસ કરે છે એ જ.  એનું નામ આમ તો ઉન્નતિ.  ઉન્નતિ ઉપાધ્યાય! ક્લાસ માં ટોપ ટેન માં હોય જ. અને ખતરનાક પણ એવી જ. એણે રોબિન ને વોટસ એપ ગ્રૂપ માં વલ્ગર મેસેજ માટે જે ધમકાવ્યો તો. બાપ રે! અરે એ આજે મને ધમકાવશે તો?? 



શું કરું? હું વિચારતો હતો કે શું કરવું ને શું નહિ? કેટલી રાતો કાઢી હતી શબ્દો ગોઠવવા માં... વાક્યો બનાવવા માં!! અને આ બધું જ ભૂલી ગયો જ્યારે એને એ દિવસે જોઈ! 



આખી વાત ગોઠવતો હતો ત્યાં તો રોબિન સ્ટેજ પર ચડી ગયો અને બોલ્યો "  ઉન્નતિ, આઇ લવ યુ" બધું જ સુન્ન થઈ ગયું. બધા ચૂપ થઈ ગયા. મને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ. મને લાગ્યું કે ઉન્નતિ હમણાં એને મારી ન લે! પણ આપણો પત્તો તો કપાઈ જ ગયો બોસ!! ઉન્નતિ પણ શોક થઈ ગઈ. બે મિનિટ માં પોતાની જાત ને સંભાળી ને સ્ટેજ તરફ ગઈ!



દરેક ની નજર તે તરફ જ હતી, કદાચ તે રોબિન ને હા પાડશે કે પછી ખેચી ને એક થપ્પડ મારી દેશે? મારા પગ ધ્રુજતા હતા. જો એને હા પાડી દેશે તો? મારી વાર્તા અધૂરી જ રહી જશે! અને જો એ ના પાડશે તો પણ આના પછી હું એને આજે કઈ રીતે વાત કરું? આખા એસી હોલ માં હું પરસેવે રેબઝેબ હતો. આવતી દસ મિનિટ મારી લાઇફ નક્કી કરવાની હતી. 



મારે ઉન્નતિ સાથે જીવવું હતું, એને ખુશ કરવી હતી, હનીમૂન થી લઇ બાળકો ના કેરિયર સુધી કેટલું વિચારી રાખ્યું હતું પણ સાલા રોબિને   બધું તહસ નહસ કરી દીધું!! ઉન્નતિ સ્ટેજ પર પહોંચે ત્યાં સુધી આ બધા વિચાર મને આવી ગયા! એક સેકંડ તો એમ પણ થયું કે હું પણ ત્યાં જઈ ને કહી દઉં કે " ઉન્નતિ આઇ લવ યુ" પણ એ વાત ને ગૂંચવી નાખત અને પછી જીવનભર અમે ત્રણે જણ આખી કોલેજ માટે મજાક નું પાત્ર બની જાત! હું ત્યાં જ ઊંધો ઉભો રહી ગયો હવે આગળ નું દ્રશ્ય મારા થી  જોવાય એમ નહોતું, ગમે તે થાય મારી જ હાર દેખાતી હતી!


ઉન્નતિ સ્ટેજ  પર પહોંચી ત્યાં સુધી તો હું સુન્ન હતો, એક સેકંડ અમારા બે ની નજર મળી ને મે તરત મોઢું ફેરવી લીધું ને  તેણે  માઇક લઇ લીધું અને કહ્યું " આઇ લવ.. " એ આગળ બોલે એના પહેલા તો મારા ગળે ડૂમો બાઝી ગયો આંખ માં થી આંસુ પડતા હતા. ને ત્યાં... તો મને શબ્દો સાંભળ્યા '... અભિષેક", મને લાગ્યું કે હું સ્વપ્ન માં છું અને ત્યાં જ બધા ફ્રેન્ડ મને ઉપાડી ને સ્ટેજ પર લઇ જવા માંડ્યા. મને નહોતું સમજાતું કે શું થાય છે. આંસુ રોકાતા નહોતા! 



હું સ્ટેજ પર ઉભો રહ્યો તો ઉન્નતિ એ તરત ડાબા ગોઠણ ને ટેકવી ને પ્રપોઝ કરવા બેઠી ને મને કહ્યું 



"પ્રેમ ના સથવારે ને હ્રદય ના અજવાળે,


ઊર્મિ ના આશ્લેષમાં ને ઉલ્લાસ ના શ્વાસ માં,


આ ક્ષણ થી જીવન ની છેલ્લી ક્ષણ સુધી,


ઉન્નતિ નો અભિષેક ને અભિષેક ની ઉન્નતિ"



આ તો મેં  લખ્યું હતું, મારી પહેલી ને એકમાત્ર કવિતા. એના માટે..  એ હસતી હતી, બધા હસતા હતા, હું હજી રડતો હતો ખુશી ના આંસુ થી, મે એ રીંગ પહેરી, પછી ઉતારી ને એને પહેરાવી... એ આખી રાત અમે ખૂબ વાતો કરી..



પછી તો ઘરે મનાવ્યા, લગ્ન કર્યા કેરિયર સેટ અપ કરી, અને આજે અમારી સગાઈ ની પાંચ વર્ષ થયાં છે.



આજે જ્યારે એ મારી સામે બેઠી છે ત્યારે મને ખરેખર એમ જ લાગે છે કે સ્વપ્ન પણ ક્યારેક સાચા પડે છે!



ઉન્નતિ::



" આપણે પણ આવા જ હતા ને અભિષેક" આજે સગાઈ ની ૫મી વર્ષગાંઠ ઉજવવા હોટેલ માં આવ્યા ત્યારે એક કોલેજ ની પાર્ટી ચાલુ હતી. 



"હા ઉન્નતિ એ દિવસ મારી જિંદગી નો શ્રેણી દિવસ હતો" અભિષેક એ જવાબ આપ્યો.અને હું ફરી ભૂતકાળ માં સરી એ  દિવસ ને યાદ કરી રહી હતી...



બ્લુ જીન્સ ને બ્લેક ટી શર્ટ માં હું બહુ સુંદર લાગતી હતી પણ રિયા જેટલી નહિ. રિયા અમારા ગ્રુપ માં સૌથી સુંદર હતી અને તે અને રોબિન એકબીજા સાથે રીલેશનશીપ માં હતા પણ આ વાત ની માત્ર અમને ૩ જણ ને જ ખબર હતી. 



તે દિવસે પાર્ટી માં આવી ત્યાં સુધી મને હતું કે અભિષેક પ્રત્યે નો મારો પ્રેમ વન સાઈડ લવ છે અને આમાં મુશ્કેલી સિવાય કંઈ નહિ થાય, મને ખબર હતી કે હું અભિષેક ને કદાચ ગમુ છું પણ તેને કહ્યું નહોતું ને હું સમજી નહોતી.



હજી બે દિવસ પહેલા જ્યારે ગ્રુપ માં રોબિન એ ગંદો મેસેજ મોકલ્યો ત્યારે જે ઝગડો થયો ત્યારે પહેલા અભિષેક એ મને મેસેજ કર્યો હતો કે રોબિન ને બ્લોક કરી દે, ખોટી ઝગડો ન વધાર. પછી એણે જ રોબિન ને સમજાવ્યો હતો. 



આજે  હું ખૂબ ખુશ હતી કારણ પાર્ટી માં પહોંચતા જ રિયા એ મને કહ્યું કે રોબિન કહેતો હતો કે આજે અભિષેક મને પ્રપોઝ કરવાનો છે!!હું એ જ ક્ષણ ની રાહ જોતી હતી. 



કેટલા રોમન્ટિક સોંગ આવ્યા, અમે એકબીજા સામે જોતા ને નજર ફેરવી લેતા, તે આગળ વધી શકતો ન હતો. કોઈ ડર, કોઈ પીડા કે પછી ક્યાંક ના ન સાંભળવાની ક્ષમતા. 



ત્યાં મને વિચાર આવ્યો કે રિયા ને રોબિન મારી મજાક કરે છે, રોબિન કદાચ ઝગડો નું બદલો લેતો હોય એમ બને. મને નથી સમજાતું કે હું શું કરું?  મારી આંખ માં આંસુ આવી ગયા. શું કામ મારી મજાક બનાવે છે??



ત્યાં તો "યારો દોસ્તી બડી..." ગીત વાગતા અમે સૌ નાચવા મંડેલા. બધા ની આંખો થોડી ભીની થઈ ગઈ હતી, અમે થોડા આગળ પાછળ થયા ત્યાં તો સ્ટેજ પર થી અવાજ આવ્યો .


" આઇ લવ યુ ઉન્નતિ"



મારા ધબકારા વધી ગયા પણ જોયું તો એ રોબિન હતો, એના ચહેરા પર એક હાસ્ય હતું!! મારા શરીર માં થી ધ્રુજારી છૂટી ગઈ.. હું સ્ટેજ તરફ દોડી, મને કોઈ ભાન ન રહ્યું, થપ્પડ મારવા મારો હાથ ઊંચો થયું ત્યારે એણે એક ચિઠ્ઠી આપી હતી જેમાં કંઇક લખ્યું હતું!!



"પ્રેમ ના સથવારે ને હ્રદય ના અજવાળે,


ઊર્મિ ના આશ્લેષમાં ને ઉલ્લાસ ના શ્વાસ માં,


આ ક્ષણ થી જીવન ની છેલ્લી ક્ષણ સુધી,


ઉન્નતિ નો અભિષેક ને અભિષેક ની ઉન્નતિ"



આ વાંચી ને મને થયું કે ખરેખર અભિષેક મને ચાહે છે પણ કહી શકતો નથી, તો શું થયું હું કહી દઉં. ત્યારે પહેલા મે અભિષેક ને શોધવા પ્રયત્ન કર્યો તો એક ખૂણા માં થોડો હતાશ અને થોડે ગુસ્સે થઈ ને ઉભો હતો.



મે કહ્યુ " આઇ લવ... " અને એણે આંખો ફેરવી લીધી, ઊંધો થઈ રડવા લાગ્યો.  ને મારું વાક્ય પૂરું કરતા જ  બધા ચોંકી ગયા ને પછી તો અમારી ગેંગ એને ઉપાડી ને સ્ટેજ પર મૂકી ગઈ.



મે ઝડપ થી મારી રીંગ ઉતારી ને નીઝ પર ગોઠવાઈ ગઈ, મે એને પૂછ્યું.. 


"પ્રેમ ના સથવારે ને હ્રદય ના અજવાળે,


ઊર્મિ ના આશ્લેષમાં ને ઉલ્લાસ ના શ્વાસ માં,


આ ક્ષણ થી જીવન ની છેલ્લી ક્ષણ સુધી,


ઉન્નતિ નો અભિષેક ને અભિષેક ની ઉન્નતિ".



એ રડી રહ્યો હતો ને હું પણ... એણે મને ઉપાડી લીધું અને મે એને પહેરાવેલી રીંગ એણે પછી મને પહેરાવી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ