વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી 1980 સ્પર્ધા માટેની સમયયાત્રા

1980 સમય યાત્રા અને બીજા ઘણી બધી વાર્તાઓના પ્લોટ પર આધારિત.

(મારી આ વાર્તા મારી માઈક્રોફિકશન જન્મ-દીન,ઉંબરો,ઠાંય ઠાંય અને લઘુકથા મારી ચકલી સાથે સંકળાયેલી છે તો પહેલા એ વાંચવા વિનંતી જે થી તમે આ વાર્તાનો વધુ આનંદ માણી શકો.)  

***************************

 

એ હાંજા ગગડી જાય એવુ દ્રશ્ય જોઈને હું એકદમ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. આ તો હું હતો જે કઠણ કાળજાનો હતો બાકી બીજો કોઈ પોચા હૃદયનો માણસ હોય તો એની આંખોના ડોળા ફાટીને બહાર જ આવી ગયા હોય એવો ભયાનક દ્રશ્ય હતો એ. પવન પુરજોશમાં સુસવાટા મારી રહ્યું હતું. મારું હૃદય એટલી જોરથી ધબકી રહ્યું હતું કે જાણે હમણાં પાંસળીઓ તોડીને બહાર આવી જશે. હજી પણ એ ભયાવહ દ્રશ્ય મારી આંખો સામે તરવરી રહ્યું હતુંને ત્યાં જ ટક કરી ને અવાજ આવ્યો. ચકલીનો વળી પાછો એ ચિત્કાર સાંભળીને મારા શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. મારી નજર સામે ફરીથી એ જ દ્રશ્ય તરવર્યું.

 

દીવાલ પર એ અજગરની જેમ ભરડા લેતો ઉભો હતો અને મારા શરીરમાં ટક ટકના ઘડિયાળના એ અવાજે કંપારી છોડી દીધી. હા આજે એ જ દિવસ હતો, છેલ્લો દિવસ 1980 સમય યાત્રાની સ્પર્ધા માટે વાર્તા મુકવાનો. જેમ જેમ ઘડિયાળના સમયનો એ ભયાનક કાંટો મારી નજર સામે આવતો અને મારો હૃદય એક ધબકારો ચુકી જતો. મારા હાથની કલમ (હા ભાઈ મારો લેપટોપ બસ ...વાંચકોને ફક્ત ભૂલો જ કાઢવી હોય...) ધ્રુજવા લાગતી. મોટા ભાના એ શબ્દો યાદ આવવા લાગ્યા, " આ વાર્તાની સ્પર્ધામાં તમારી વાર્તા તો જોઈશે જ, નહીંતો..." (જો કે એવું કંઈ કીધું નહોતું આ તો માત્ર લખીને ખુશ થઈ લઇએ...)

 

ક્યારથી કલમ/લેપટોપ (હવે વાંચકોને શાંતિને...તો છાનામાના આગળ વાંચો અને મને લખવા દયો હવે...) હા તો હું શું કહેતો હતો.... આવા 'ભયના ઓથાર' નીચે ક્યારથી કલમ/લેપટોપ લઈને બેઠો હતો પણ કંઈ સૂઝતું નહોતું કે કયાંથી શુરુઆત કરું ત્યાં જ્યોતિન્દ્રભાઈની સંભવામિ યુગે યુગે પરથી આઈડિયા આવ્યો કે કાળા જાદુ અને સાધુ પરથી લખું પણ એમ થયું કે તો પછી એ શેના પર લખશે એથી એ વિચાર માંડી વાળ્યો. પછી એમ વિચાર્યું કે મારી ફેવરિટ કંગીને લઈને એના ભૂતિયા વિચારો પર લખું પણ એ હાર્દિકના ગંજીની કોપી લાગશે એટલે એ પણ વિચાર પડતો મુક્યો.

 

મગજ બહેર મારી ગયું હતું અને કોઈ પ્લોટ સૂઝતો જ નહોતો. એમ થયું કે કોઈક ભૂતિયા જગ્યાએ જઈ આવું પલ્લવીબેનના પાત્રની જેમ તો કૈંક સારો પ્લોટ મળે. બધી ઓષધિઓમાં ગુગળ વખણાય એ રીતે સર્ચ એન્જીનમાં પણ ગુગળને કોઈ ન પહોંચે એટલે હું એમની મદદ લઈને નજીકની ભૂતિયા હવેલીઓ શોધવા મથ્યો પણ મારા નસીબ પણ એવા કે માડા ગામમાં એવી ટે કોઈ હવેલી ની મલે...(આ ભરતભાઈએ તો વિચારો પણ સુરતી કરી નાખ્યા છે હવે તો...)

 

​થોડું વજન હલકું કરવા બાથરૂમ તરફ જતો હતો ત્યાં જ મારી નજર પલંગ પર સુતેલી મારી નનકી દીકરી અને અનાયાસે તેની બાજુમાં સુતેલી મારી પત્ની તરફ ગઈ અને ભયનું એક લખલખું મારામાંથી પસાર થઈ ગયું. પાછો આવીને ટેબલ પર બેઠો અને બાજુમાં મારી પત્નીએ મુકેલ દૂધ ભરેલા ગ્લાસમાંથી નાછૂટકે એક ઘૂંટડો પીધો ત્યાં એકદમ જ મગજમાં એક ઝબકારો થયો. હળવેકથી મારો કબાટ ખોલીને એમાંથી મેં અમુક કાગળિયાઓ ફંફોસ્યા અને એ કાગળિયું હાથમાં આવતા ખુશીથી સાધુબાવાની જેમ ધુણવા મંડ્યો. એ કાગળ એટલે મારી પ્રિય પત્નીનો જન્મનું પ્રમાણપત્ર જેને હાથમાં લઈને મને એ જ વિચાર આવ્યો કે મારા જેવા આટલા પ્રેમાળ પતિને દુધપીતો કરી નાખે એવી મારી અર્ધાંગિનીના જન્મસ્થાન જેટલું ભૂતિયું સ્થળ બીજું કયું...!! કપડાં બદલાવીને હળવેકથી હું દરવાજામાંથી બહાર સરકીને નીલમ હોસ્પિટલ તરફ જવા નીકળી પડ્યો.

******************************

રાજવંશી હોસ્પિટલની બહાર જઈને ઉભો રહ્યો અને ત્યાં લગાવેલી આરસની તકતીને વાંચીને મારી આંખો ચમકી ઉઠી. તકતી પર ઉદ્દઘાટનની તારીખમાં 1980 લખેલું હતું એટલે એમ થયું કે ચલો વાર્તાને અનુરૂપ જ જગ્યા મળી ગઈ આખરે.(આશા રાખું હવેલીની બદલે હોસ્પિટલ ચલાવી લેશો નિમિષાબેન...)

જેમતેમ કરીને કમ્પાઉન્ડરને પટાવીને મારા સાસુમાએ જ્યાં મારી બૈરીને જન્મ આપેલો એ 'ત્રીજા રૂમ'નો બેડ બુક કરીને એના પર લેટયો. લેટીને પહેલું કામ મેં એ કર્યું કે મારા બંને અંગૂઠાઓને આંખ પર મુક્યા અને બાકીના બધી આંગળીઓ ખુલ્લી રહે એ રીતે મગજની આસપાસ જેમ તળાવમાં નૌકા ચલાવવા જોર જોરથી હલેસા મારીએ એમ બધી આંગળીઓ માથાની બંને બાજુ ગોળગોળ ફેરવવા મંડ્યો કે જેથી મગજમાં નકારાત્મક વિચારોનો ઉદ્દભવ થાય અને વાર્તા લખવાનું શરૂ કરું.

થોડા જ સમયમાં ભૂત, પ્રેતાત્મા, લોકોની ચીસો બધું સાંભળવા માંડ્યું. હજી તો વિચારો આવવાના ચાલુ થયા કે 'ટીંગ' કરીને મોબાઈલમાં મેસેજ આવ્યો. મોબાઈલ ખોલીને જોયું તો બકુલભાઈનો મેસેજ હતો કે કોઈ જાગતું હોય તો વાત કરીએ. મેં મોબાઈલને સાઇલેન્ટ મોડ પર કરીને બાજુએ મૂકી દીધો અને વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવા હાથ એ જ રીતે ગોળગોળ ફેરવવા માંડ્યો પણ નકારાત્મક તો ઠીક સકારાત્મક વિચારો પણ દૂર દૂર સુધી ન આવ્યા. ત્યાં અચાનક જ કોઈકનું અટ્ટહાસ્ય સંભળાયું. મારા મોઢા પર રહસ્યમયી સ્મિત ફરી વળ્યું. હું એ ભયાનક અટ્ટહાસ્યને વધુ ધ્યાનથી સાંભળવા હાથની સાથે પગ પણ ઊંચા કરીને હલાવવા મંડ્યો અને એ અવાજ સાથે ધીમેધીમે મને એ ચહેરો પણ સ્પષ્ટ થવા માંડ્યો અને એના મોઢેથી એક વાક્ય નીકળ્યું, "હું આજે પણ સફળ રહ્યો..."

અચાનક મારી આંખ ખુલી ગઈ અને હવે એ રૂમમાં ત્રણમાંથી ફક્ત એક જ વસ્તુ ગોળગોળ ફરતી હતી...અને એ હતો છતથી લટકતો પંખો. ગુસ્સાથી મારા મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, "બકુલ..." હા એ હર વખતની જેમ આજે પણ વાર્તા લખવા સમયે મારો ધ્યાન બગાડવામાં સફળ રહ્યો.

કોઈપણ વિચારોનું સંક્રમણ ન થતાં થાકીને હું આખરે આંખ મીંચીને સુઈ ગયો. અચાનક જ અમિષાબેનની વાર્તાની જેમ એક કપાયેલું માથું હવામાં તરવરતું મારી સામે ગોળ ગોળ ફરવા લાગ્યું. નજીક આવતા ખ્યાલ પડ્યો કે એ મારી પત્નીનું હતું.સપનામાં પણ મગજ બહેર મારી ગયું હતું કે આ મારી બૈરી ગઈ એમાં એના માથાને જોઈને ડરવું કે ખુશ થવું. મારા સપનામાં મારી બૈરીનો સંચાર થવાથી હું ભયથી સફાળો બેઠો થઈ ગયો અને મારી ધર્મપત્નીની પ્રેરણા લઈ લેપટોપ ખોલીને વાર્તા લખવા માંડ્યો. મોટાભાઈની એ લાલ આંખો કી હોલમાંથી મને જોતી હોય એવા ભાસથી લખવાની ઝડપ વધી ગઈ.  

અચાનકથી કોઈની પાયલનો છનછન અવાજ સંભળાયો. આજુ બાજુ નઝર ફેરવી પણ કોઈ દેખાયું નહી. હું લખતો હતો ત્યાં ઓચિંતાનો પાછળની તરફથી કોઈક સ્ત્રીહાથનો મને સ્પર્શ થયો અને હું થોડો ગભરાયો પણ "દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય જ છે." એમ વિચારીને લખવાનું આગળ ધપાવ્યું. એ મારી પીઠ પાછળ અડપલાં કરતી હતી અને હું ભયની ધ્રુજારી સાથે આ 'હોસ્પિટલમાં કૈંક તો છે' એ વિચારી વાર્તા આગળ લખતો રહ્યો.

અચનાકથી જ ગોળીઓનો વરસાદ થવા લાગ્યો અને મને એવો ભાસ થયો કે હું જાણે સરહદ પર હોઉં. સિપાહીઓની વચ્ચે એ ગોળીઓથી બચતો બચતો દોડતો દોડતો મારી વાર્તા લખતો ગયો. એ ગોળીઓમાંની એક ગોળી મારા બાજુના સિપાહીને વીંધીને ગઈ. આ બધામાંથી માંડ છૂટો થયો ત્યાં ફટ્ટ કરીને અવાજ આવ્યો અને ફુગ્ગામાંથી જાણે તારલા ખરતા હોય એમ ઘણી બધી લોહીવાળી માંસપેશીઓ હવામાંથી નીચે પડવા લાગી. તે વચ્ચે જ ખાટલાની નીચેથી અડધા કચરાયેલા અને લોહીથી ખરડાયેલા બે નાના હાથ મારા પગ તરફ આવ્યા. એ હાથમાં ત્રણ જ આંગળીઓ હતી બાકીની તૂટલી આંગળીઓમાં કેટકેટલી ધર્મેશભાઈની ફેવરિટ ઈયળો પણ ફરતી હતી. બંને હાથથી મારા પગ પકડીને એ મને હવામાં ફંગોળવાની કોશિશ કરી રહ્યો હતો અને હું એ 'કહેર' નીચે એક હાથે લખી રહ્યો હતો આજે એક હાથે ગ્લુકોઝના બાટલાના સ્તંભને  પકડીને ખુદને ફંગોળતો બચાવી રહ્યો હતો. 

હવાના જોરથી રૂમની બારીઓ ખુલી ગઈ અને વાવાઝોડું ફંટાય એમ હવાનો વંટોળીયો રૂમમાં ફરી વળ્યો. બારીઓના દરવાજા એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા અને રૂમના પડદાઓ હવામાં ઉડીને જાણે કઈંક કુદરતી દ્રશ્યની પેઇન્ટિંગ બનાવવાની કોશિશ કરી રહ્યા હોય એમ ઝૂમી રહ્યા હતા. એ વંટોડીયાની વચ્ચે ક્યાંકથી એક ચકલી રૂમમાં આવી ચડી. એ ચકલીની એક આંખ ફુટેલી હતી અને એના માથામાંથી માંસનો લોંદો લટકી રહ્યો હતો. એની એક પાંખમાં કીડાઓ સળવળી રહ્યા હતા. એ ચકલી મારા તરફ આવી અને જે હાથથી મેં ગ્લુકોઝના બાટલાનો સ્તંભ પકડ્યો હતો એના પર ચાંચ મારી રહી હતી. હું ટસ નો મસ ના થયો અને વાર્તાના કલાઈમેક્સને આખરી ઓપ આપી રહ્યો હતો.

છેવટે જાણે બધાએ થાકી હારીને કંટાળ્યા હોય અને એમનો આખરી અસ્ત્ર એટલે બ્રહ્માસ્ત્ર અજમાવતા હોય એમ બધાં મારી નજર સમક્ષ આવીને ઊભા રહ્યા. એમાં એક છોકરી હતી જે ધૂળથી ભરેલી હતી જે જાણે અત્યારે જ જમીનમાંથી નીકળી હોય. બીજો ફાટેલા કપડાં પહેરેલો છોકરો જેના માથામાંથી મગજ બહાર નીકળીને લટકતું હતું. ત્રીજી એ લોહીલુહાણ ચકલી જે એક પાંખ ફફડાવીને ઊડતી હતી અને એની બાજુમાં એક સિપાહી જેના હૃદયના ભાગમાં ગોળી વાગેલી હતી અને એમાંથી લોહીની પિચકારીઓ ઉડી રહી હતી. 

આ બધાને સામે ઉભેલા જોઈને હું વિમાસણમાં પડ્યો કે ક્યાંક આ લોકો મારુ પિંડદાન તો નથી કરાવવા આવ્યાને પણ સંયમવાળા ભયથી ફફડતા બોલ્યો, "મિત્રો, તમે બધા ખૂબ જ સરસ લાગી રહ્યા છો પણ મારી વાર્તાના પાત્રો હોત તો કદાચ હું જીતી પણ જાત. કૃપયા કરી હે દાનવો...ઓ સોરી દેવો અને દેવિકાઓ, તમે તમારો રસ્તો ભૂલીને બીજા કોઈકની વાર્તામાંથી અહીં આવી ચડ્યા છો તો અહીંથી પ્રસ્થાન કરો અને મને મારી વાર્તા લખવા દયો." 

એમ કહીને હું મારી વાર્તાને એપમાં સુરક્ષિત કરી સંપાદિત કરવા જઈ રહ્યો હતો ત્યાં એ ચારેય સાથે બોલ્યા, "અમને હજી ન ઓળખ્યો...અમે તારો જ 'વારસો' એટલે કે તારી વાર્તાના જ પાત્રો છીએ." 

અને અચાનકથી રૂમની લાઈટ જતી રહી. ઉપરથી કેસરી રંગનો કેન્દ્રિય પ્રકાશ સિપાહી પર પડ્યો, "આ છે તારી વાર્તા ઠાંય ઠાંયનો પાત્ર. જેને તે ગોળીથી વીંધ્યો હતો."  

પછી લીલા રંગનો કેન્દ્રીય પ્રકાશ પડ્યો છોકરી પર, "આ છે તારી લખી જેને તે ઉંબરા નીચે દટાવી દીધી હતી." 

ત્યાર બાદ પીળા રંગનો કેન્દ્રીય પ્રકાશ પડ્યો ચકલી પર, "આ એ ચકલી જેને તેં સ્પર્ધામાં ટોપ-50 માં સ્થાન મેળવવા બારીમાંથી નીચે ફેંકાવી."

અને આખરે લાલ રંગનો પ્રકાશ પડ્યો એ છોકરા પર. અને  એ છોકરો બોલવા લાગ્યો "હું તો ફક્ત મારા જન્મદિવસનો સ્વપ્ન જોઈ રહ્યો હતો એમાં પણ તે પહેલો નંબર મેળવવા મને કારની નીચે કૂચલાવ્યો..?!!!... ખુશ છો ને સ્પર્ધામાં જીતીને ?!!"

"શું મળ્યું અમને મારીને....શું મળ્યું અમને મારીને..." એમ બોલતા બધા એકસાથે ક્રોધથી લાલ આંખો કરીને મારી તરફ આવી રહ્યા હતા. પરિસ્થિતિને ભાળી હું જલ્દીથી મારો લેપટોપ બેગમાં મુકવા જતો હતો કે મારો એક હાથ લક્ષ્મીએ, બીજો હાથ એ નાનકડા દીનીયાએ, બંને પગ સિપાહીએ પકડી લીધા. લોહીથી ખરડાયેલી ચકલી મારી તરફ આવતી જોઇ મેં ગભરાઈને આંખો બંધ કરી દીધી. આંખો બંધ કરીને મારી આખરી ક્ષણોમાં જીસસને યાદ કરી રહ્યો હતો.(ભગવાનને સાક્ષાત લાવવા માટે ઘણા તપ કરવા પડે છે યાર...) 

થોડી ક્ષણો પછી ક્લીકનો અવાજ સાંભળીને હું ચમક્યો અને આંખો ખોલીને જોયું તો ખુશ થયો અને મનોમન વિચાર્યું કે "સારું કર્યું ભગવાનની બદલે જીસસને યાદ કર્યા, પરિણામ જલ્દી મળ્યો અને હું જીવતો છું હજી." વળી પાછી ક્લિકના અવાજથી મારી વિચારશૃંખલા તૂટી અને જોયું તો ચકલી એની ચાંચથી મારી વાર્તાને 'કાઢી નાંખો' પર ક્લિક કરવા જઈ રહી હતી. હું તરફળિયા મારતો સ્લો મોશનમાં એને રોકવા જતો હતો પણ....

 

સમાપ્ત

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

(આ વાર્તામાંના અમુક અંશ બીજા કેટલાક લેખક/લેખિકા મિત્રોના છે જેમને આ વાર્તામાં મેં આવરયા છે. ઘણા રહી ગયા છે તો એમની માફી. આશા છે કે કોઈ લેખક/લેખિકા મિત્રોને એમાં કઈ ખોટું નહી લાગે. સાબીરભાઈ મુખ્ય પ્રેરણા છે આ વાર્તાના અમુક શબ્દો જેવા કે લખલખું, હૃદયનું પાંસળી તોડીને બહાર નીકળવું એના માટે. મોટાભા અને શોપિઝેન ટીમ તો ખરી જ.) 

જો આ વાર્તા તમને ગમી હોય તો 1980 સ્પર્ધાની વાર્તાઓ વાંચવાનું પણ ચુકતા નહીં. ઘણી સરસ અને વૈવિધ્યસભર વાર્તાઓ એમાં આવરેલી છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ