વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અસુંદર કાંડ

અસુંદર કાંડ


જયારે કોઈ ઘરમાં બીજી બહેન જન્મે ત્યારે બંને આગળ જતાં ઝગડે નહીં એટલે ઘરના વડીલો મોટીને શુરુઆતથી જ અલગ અલગ પટ્ટી પડાવવાની કોશિશ કરે. ક્યારેક કહે કે "બેટા, હવે તારી પદવી ઊંચી થઇ ગઈ છે, તારી બહેનને તારે મમ્મી બનીને સાચવવાની છે", તો ક્યારેક કહે કે "બેટા તને તો તારી જિંદગીભરની મિત્ર મળી ગઈ બહેનના સ્વરૂપમાં". અને બીજું ઘણું ફલાણું-ઢીકણું. જે પટ્ટીથી અસર થાય એ લગાવે પડ્યા.


પણ જયારે ઘરમાં બીજો ભાઈ આવે ત્યારે બંને આગળ જતાં ઝઘડે નહીં એ માટે વડીલો વિચારવાનું જ મૂકી દે અને ગણિતમાં આવતા પ્રમેયની જેમ સાબિતી વગર સ્વીકારી લે કે બે ભાઈયો વચ્ચે તો ઝગડા તો થવાના જ.


હા, અમે બંને ભાઈઓ નપાવટ ખરા પણ એટલા પણ નહીં કે વડીલોને ખોટા પાડીયે. જયારે વડીલોએ પણ સ્વીકારી જ લીધું હોય કે અમે એકબીજા સાથે ઝગડીશું જ તો અમે એમનો વિશ્વાસ તોડીએ ખરા ??!!!!...ના, જરા પણ નહીં. એમનો અમારો પરનો વિશ્વાસ ટકાવી રાખવા અમે રોજ અવાર નવાર ઝઘડતા.(મોટે ભાગે તો હું જ ઝગડવાનું શરૂ કરતો.)


મારા ભાઈ વિશે કહું તો એ ખુબ જ શાંત સ્વભાવનો એકદમ ગે(અહીં ગાય સમજવું) જેવો. વાંચનનો અને સંગીતનો શુરુઆતથી જ શોખ. મારો ખુબ જ ખ્યાલ રાખે અને ન ગમે તો પણ મને ગમતી હોય એવી રમતો મારી સાથે રમ્યા કરે.અને બીજો હું…!! જન્માષ્ટમીના દિવસે મારો જન્મ. આપણી પાસે કાનુડા જેવા સુપરપાવર કે એવું તો કઈ હતું નહીં, એટલે પ્રશ્ન એ આવ્યો કે હવે મારે બધાને એ સિદ્ધ કેમ કરવું કે આપણામાં પણ કાનુડા જેવા ગુણ છે ખરા ?? એટલે રોજ ઘણાંય ખુરાફાતી વિચારો મગજમાં ઉદ્ભવતા કે કોઈ પણ રીતે, કોઈ પણ ભોગે પણ એકાદ ગુણ તો વિકસાવવો જ રહ્યો.


પછી એક દિવસ હું સોસાયટીના એક છોકરા સાથે ઝગડ્યો ત્યારે એની મમ્મી મારી ફરિયાદ લઈને આવ્યા એટલે મને મારો રસ્તો મળી ગયો. હવે હું રોજ કઈંક એવું કરતો કે જેથી જેમ કાનુડાની માખણચોરીની ફરિયાદ ગોકુલના ગામવાસીઓ કરવા આવતા એમ જશોદા જેવી મારી મમ્મીને પણ અમારી સોસાયટીના પાડોશીઓ ફરિયાદ કરવા આવે. 


કોઈક દિવસ  કોઈના ઘરના કાંચ તોડી નાખતો તો ક્યારેક વળી ખાલી પડેલા પ્લોટમાં પડેલા સૂકા બાવડમાં આગ લગાડી દેતો.(આગ લગાવવાના મારા શસ્ત્ર એવા નોટબુકના કાગળિયા અને માચીસ બેગમાં સાથે જ રાખતો. ટ્યૂશન જતી વખતે સુતા હોય ત્યારે ચુપચાપ કાગળ સળગાવીને ભાગી જતો અને સાંજે આવતો તો જાણે કશુંય ખબર જ ના હોય એમ આવીને આગ બુઝાવવામાં મદદ કરતો.)


હવે અંદાજો તો આવી ગયો હશે કે હું કેટલો ખેપાની હતો. તો હવે અમારા ઘણાંય કિસ્સામાંનો એક યાદગાર કિસ્સો કે જે હજી પણ ક્રિકેટનો બેટ જોઉં અને મનમાં મમળાવું, એ આપણી સમક્ષ અહીં રજુ કરું છું.


આ વાત છે નેવુંના દાયકાની. ત્યારે બધા મધ્યમ વર્ગના વ્યક્તિઓની જેમ અમારા આંગણામાં પણ દ્વિચક્રી વાહનના સ્વરૂપમાં દેવ સમાન ગાડી એવી વિકી લુના બિરાજમાન હતી. અમારા પપ્પા પહેલેથી દરેક કામ પદ્ધતિ મુજબ કરવા વાળા વ્યક્તિ, એટલે નવી આવેલી લુના માટે મસ્ત મજાનો કવર લઇ આવેલા. સફેદ રંગ તથા એની ઉપર વાદળી અને લીલા રંગના પટ્ટાથી ખુબ જ સરસ લાગતો એ કવર જાણે નવીનવેલી દુલ્હન શણગાર કરેલી હોય એવું સુશોભિત લાગી રહ્યું હતું.


એ રવિવારનો દિવસ હતો. રવિવાર એટલે અમે બધા સોસાયટીના મિત્રોનો ક્રિકેટ દિવસ. સવારે ઝટપટ નાસ્તો કરીને ઘરથી નીકળતા અને બપોર સુધી ક્રિકેટ જ ટિંચયા કરતા.એમાંય પપ્પાએ નવું નકોર લાકડાનું બનાવેલું બેટ અમને લઇ આપ્યું હતું. થોડાં ચોક્કા-છક્કા અને અમુક બોલના નરસંહાર પછી એ મારું  ફેવરિટ બની ગયું હતું. પણ આજે ખબર નહીં કેમ પણ ક્રિકેટ રમવામાં મારું ધ્યાન નહોતું લાગતું. આમ તો મારું એ તોફાન કરવાનું (કાચ તોડવાનું, આગ લગાવવાનું વગેરે વગેરે...) એ રૂટિન તો ચાલુ જ હતું પણ હવે એમાં મને પહેલા જેવી મજા નહોતી આવતી. કઈંક નવું ધીંગાણું કરવા માટે મગજ ઉછાળા મારી રહ્યું હતું. કદાચ એ જ કારણ હશે કે જેનાથી મારું મન અત્યારે ક્રિકેટમાં  નહોતું લાગી રહ્યું.


બપોરે ઘરે પાછા આવીને જમ્યા પછી હું બારી પાસે બેઠો બેઠો આંગણામાં અમારી વિકીના કવરને જોતો હતો. અચાનકથી જ મનમાં એક તોફાની વિચાર ઝબક્યો જેણે મારા મોઢા પર તોફાની સ્મિત લાવી દીધું. જેમ પાંડવો કોઈ પણ કાર્ય એના ભ્રાતાશ્રી એવા યુધિષ્ઠિરના સલાહ સૂચન વગર કરતા નહીં, એમ હું પણ મારા યુધિષ્ઠિર સમા મોટા ભાઈ હાર્દિક પાસે ગયો મારો બળવાખોર વિચાર એની સામે જણાવ્યો. કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ મારા ભાઈની એટલે એને એ જ હાલતમાં મૂકી અને હું મારા શસ્ત્રની ગોઠવણ કરવા પપ્પાના રૂમમાં ગયો અને ચુપચાપ એમના બાથરૂમમાંથી એ વસ્તુ સાથે લઈને નીચે આવ્યો અને હાર્દિકને બતાવી. 


શસ્ત્રની ચમક જોઈને મને કે કમને ભાઈ ઘણી આનાકાની પછી મારી સાથે મારા કામમાં જોડાવા માટે રાજી થયો. બપોરનો સમય હતો એટલે મમ્મી પણ થાકીને સુઈ ગયેલી એટલે અમે જરા પણ અવાજ ન થાય એની  તકેદારી રાખીને ઘરના આંગણામાં ગયા અને જેમ કોઈ સંગીતકાર, સંગીત કોન્સર્ટમાં અન્ય સંગીતકારોને લયબદ્ધ કરવા હાથમાં નાનકડી લાકડીને હવામાં વીંઝતો હોય એવી અનુભૂતિ કરતા કરતા મેં મારુ કામ સફળતાથી પૂર્ણ કર્યું અને અમે બંને ભાઈ શાંતિથી આવીને અમારા રૂમની સેટી પર બેસી બીજી રમતમાં પરોવાઈ ગયા.


થોડાં કલાકો પછી અચાનક પપ્પાની ગુસ્સાભરેલી બૂમ સંભળાઈ, "ક્યાં ગયા બંને નાલાયકો...??" એટલે અમે બંને સતર્ક થઈ ગયા કે પપ્પાને આપણા કાંડની ખબર પડી ગઈ છે. હવે આ કોઈ સુંદરકાંડ તો હતો નહીં કે અમે ખુશ થઈએ, તો પણ એની પ્રસાદી અમને મળવાની એનો અંદાજો અમને આવી ગયેલો. આમ તો અમારા પપ્પા  ખુબ જ શાંત સ્વભાવના, પણ  જયારે અમારા જેવા શિશુપાલ સાથે એમનો પનારો હોય તો શ્રીકૃષ્ણની જેમ એમની પણ સહનશીલતાની હદ તો પાર થવાની જ. 


જેવા પપ્પા રૂમમાં આવ્યા કે એમના ગુસ્સાથી અજાણ હોઉં એમ નિર્દોષતાથી મેં એમને પૂછ્યું, "શું થયું પપ્પા..??!!"     પપ્પાએ કહ્યું " વિકીના નવા કવર, મારા રેઝરની બ્લેડથી કાપી નાખ્યા અને પૂછશ કે શું થયું....???!!, ઊભ તારી ખેર નથી" અને એમ કહી અમને મારવા માટે કઈંક શોધવા લાગ્યા. ત્યાં પપ્પાની નજર રૂમના ખૂણામાં પડેલા પેલા બેટ પર પડી એટલે અમે પરિસ્થિતિ ભાળી સેટીની નીચે ઘુસી ગયા. અંદરની તરફ હું અને બહારની તરફ હાર્દિક. 


પપ્પાના બરાડા સાંભળીને મમ્મી પણ રૂમમાં આવી ગઈ હતી પણ પપ્પાનો આટલો ગુસ્સો જોઈ એ કંઈ બોલી શકી નહીં. હું અને હાર્દિક કૂકડો વળીને અંદર એવા ઘુસી ગયેલા કે પપ્પાના હાથમાં પણ આવતા નહોતા. પપ્પાએ બે-ત્રણ વખત પૂછ્યું, "સાચું કહી દયો કે કોણે આપણું નવું નક્કોર કવર ફાડ્યું" અને અમે બંને ઉવાચ. પપ્પાએ આવેશમાં આવીને બેટ અમારા પર વીંઝ્યું. એમાંથી પહેલી બે-ત્રણ વખત તો બેટ અમને લાગવાની બદલે સેટીમાં માં જ ભટકાઈ ગયું જે જોઈને હું હસવું ખાળી ન શક્યો. પછી જયારે બેટ વળી પાછો હવામાં ઉઠ્યો ત્યારે જેમ રામ ભગવાને લક્ષ્મણ પર આવતા તીરને ખુદની છાતી પર લઇ લીધું હતું એમ હાર્દિકે ખુદના પગ પર લઇ લીધો.અને મને બચાવવા બોલી ઉઠ્યો, "કે એ કવર..., મેં ફાડ્યો હતો પપ્પા...!!" 


એનો એ વાક્ય સાંભળીને હું ચોંકી ઉઠ્યો. મનમાં વિચાર ઝબકી ઉઠ્યો કે, "અરે આ મારો ભાઈ એટલે મારા જન્મતાની સાથેનો જ મારો સદાયનો સખા..." અને પછી મારી અંદરનો લક્ષ્મણ પણ જાગી ઉઠ્યો અને હું બોલી ઉઠ્યો કે "પપ્પા એ મેં કર્યું છે...હાર્દિકે કંઈ નથી કયુઁ. એણે ખુદે તો ના જ પાડી હતી" એટલે હવે બેટ ખાવાનો વારો મારો હતો. બીજી વખત મારતી વખતે બેટ છૂટ્યો અને તૂટી ગયો અને પપ્પા અમારો આ પ્રેમ જોઈને રૂમમાંથી નીકળી ગયા.  


અમે બહાર આવ્યા એટલે મમ્મીએ અમને બંનેને દવા લગાવીને ઘસી આપી. દવા ઘસવા સમયે મને અંદરથી ખુબ જ દુઃખ થયું. પછી એ ખબર નથી કે એ દુઃખ બેટ લાગવાની પીડાનું હતું કે પછી મારો ફેવરિટ બેટ તૂટવાનું. પણ એક વાત મને સમજાઈ ગઈ હતી કે હવે હું મારા ભાઈ સાથે ક્યારેય ઝગડીશ નહીં  અને એના પર ક્યારેય હાથ નહીં ઉપાડું.


એટલે પછી હું હાર્દિકની ખોટી ફરીયાદો પપ્પા-મમ્મીને કરી, એને માર ખવડાવતો.


- બ્રિજેશ રાયચંદા


મિત્રો, રાયચંદા બંધુઓના અને બીજા મિત્રોના રમુજી કિસ્સાઓ “એક વાત કહું” સ્પર્ધામાં મૂકીશ અને સ્પર્ધાનો સમય પૂરો થઈ જશે એના પછી લખેલા કિસ્સાઓ (મારા અને હાર્દિકના બંનેના) “રાયચંદા બ્રધર્સ” નામના અમારા એકાઉન્ટમાં “પ્રયોગના સત્યો” સંગ્રહમાં જોઈ શકાશે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ