વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અપુન કા અગ્નિપથ

સફેદ રંગની મારૂતિ 800 ચોકડી પરથી વળાંક વાળીને પુર ઝડપે આગળ વધી રહી હતી. અચાનકથી જ રોંગ સાઇડથી એક ટ્રેક્ટર આવ્યો અને આ અકસ્માતથી બચવા જતાં ગાડી 400-1600 થઈ ગઈ (બેલેન્સ બગડયો) અને ગાડીના એક બાજુના બંને ટાયર ત્યાં પડેલા રેતીના ઢગલા પર આવી ગયા અને ગાડી જાણે કોઈ રમકડું હોય એ રીતે બે ત્રણ પલટી ખાઈને આખરે ઊભી રહી. એમના નસીબ કહો કે વડીલોના આશીર્વાદ, ગાડીમાં બેઠેલા બંનેને બીજી પલટી દરમયાન જ ગાડીએ ખુદના દરવાજા ખોલીને બહાર ફેંકી દીધા.


રાયચંદા પરિવાર પર તો જાણે આફતના વંટોડીયું ફરી વળ્યું. ખભા અને હાથ વચ્ચેનો હાડકો ટૂટી ગયો હતો એટલે ઓપરેશન કરાવવું જરૂરી થઈ ગયું હતું. મમ્મી અને પપ્પા ગુજરાતના ખૂબ જાણીતા જામનગરના ડોક્ટર પાસે ઓપરેશન કરાવવા તે જ સમયે એમ્બ્યુલન્સ લઈ નીકળી ગયા.


થોડા દિવસો પછી...


બહાર સોફા પર લેટતાં લેટતાં હું વાંચવાનો ડોળ કરીને ફેલાયેલો હતો. એક પગ નીચે લટકતો હતો અને બીજો પગ સોફાની ઉપર ચડાવીને બેઠો હતો. ભલે હાથમાં પ્લાસ્ટર હતું પણ સાલું લાગી તો એવું રહ્યું હતું કે જાણે કાલે જોયેલી ફિલ્મ અગ્નિપથનો વિજય દીનાનાથ ચૌહાણ મારામાં ઘુસી ગયો અને લથપથ લથપથ અગ્નિપથ કહી રહ્યો હોય. (બારમાંના બોર્ડની પરીક્ષાનું વાંચન ચાલતું હોય ત્યારે મારા જેવા દરેક ઠોઠ વિધાર્થીને એમાંય ખાસ કરીને વિજ્ઞાનના વિદ્યાર્થીને આવા જ કઈંક વિચારો આવવાનો વરદાન મળતો હશે...!!!)


હજી તો હું માંડ ફિલ્મના ઓપનિંગ સીનમાં ટક ટક કરતો ચાલતો પહોંચ્યો હતોને કોઈકના અવાજે મારા કાનના પડદાને જંજોડયો, "એ હી કુુરૂ થઈ વ્યો બ્રિજેશ...?!!! હેેડો વડો હેકસીડંધ કી થઈ વ્યો માં...??!! (આ શું થઈ ગયું બ્રિજેશ?!!! આટલો મોટો એક્સીડન્ટ કેમ થઈ ગયો માં ??!!)  


એટલે મેં મારા સ્વપ્નમાંથી બગાડવાવાળા અધર્મીઓને સજા બદલ અગ્નિપથના ડાયલોગ મારવાનું નકકી કર્યું. એટલે વળતા પ્રહારમાં મેં જવાબ આપ્યો. "વકત પે પહુચને કા અપના પુરાના આદત હૈ, માલુમ..." 


એમનું મોઢું જોઈને લાાગ્યું  કંઈ ગતાગમ નથી પડી એમને એટલે એમણે મોઢું વકાસીને બીજો પ્રશ્નન કર્યો, "ખાસો થયો બોરો લગો ન...પીડા બોરી હુંધી ને...??!!! (સારું થયું વધુ વાગ્યું નથી... પીડા બહુ હશેને...??!!) 


મમ્મીને હોલમાં આવતી જોઈ, મેં બીજું ડાયલોગ છૂટો છોડી દીધું... "યે પલાસ્ટર ખરીદ કે, છીન કે, ભીખ માંગ કે મિલ શકતા તુમકો...મગર પીડા મીટા દે યે જરૂરી નહીં હૈ..." 


એમને જોઈને મને એવું લાગ્યું કે એ લોકો મારા આ ફિલ્મી ડાયલોગ સાંભળીને એવું ચોક્કસ વિચારતા હશે કે આ છોકરો ભણવા સિવાય બધે આગળ વધશે!! (ત્યારે મને ભગવાન પણ ઉપરથી આવીને એ ભવિષ્યવાણી કરતાંને કે આગળ જઈને હું એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરીશ તો હું પણ હસ્યો હોત એમના ઉપર...)


મમ્મી કંચનબેેેનને અંદર લઇ જતાં બોલી કે આનેે મુકો એક્સિડન્ટ તો બિચારા હાર્દિકનો થયો છે. (આ આવ્યો ટ્વીસ્ટ...સસ્પેન્સ ખોલવા પહેલા હું હજી એક ડાયલોગ મારી આવું...)


મારા પ્રેક્ષકોને આમ હતાશ થઇ જતા જોઈ પાછા વાળવાના અસફળ પ્રયાસરૂપે હું એમની પાછળ જતા જતા એક બીજો ડાયલોગ વહેતો કર્યો, "એય કાંચા, સાલા પ્લાસ્ટર ભી દેખતા હૈ ઔર દૂર ભી ભાગતા હૈ, દૂર નહીં ભાગને કાચા, દૂર ભાગને સે હાથ લૌટકર નહીં આનેવાલા"  


પછી મમ્મીએ આંખ કાઢી એટલે મારા બીજા હાથે ગભરાઈને એને પણ પ્લાસ્ટર ન આવે એટલે મોઢા પર પોતાનો આધિપત્ય જમાવી મોઢું બંધ કરી દીધું અને મારી અંદરના વિજયને અંદર જ દબાવી દીધો.


હા...તો હવે આવી સસ્પેન્સ, ટ્વીસ્ટ, વળાંકની વાત કે  જો હું નહોતો કારમાં તો બીજો વ્યકિત કોણ હતો હાર્દિક જોડે...??!મારો અકસ્માત નહોતો થયો તો મને પ્લાસ્ટર કઈ રીતે આવ્યું??!! કે પછી મમ્મી એમને ખોટું બોલી?!!! 

હા, મમ્મી સાચું જ બોલતી હતી ભલેને એ કોઈની પણ મમ્મી હોય (તમારા કે તમારા દીકરા/દીકરીના), એ હંમેશા સાચું જ બોલે એ સ્વીકારી લેશો તો ભવ સફળ.

ગાડીમાં હું નહોતો, ભાઈનો એક મિત્ર હતો.(શું કહ્યું...!!! હદ કરો છો તમે પણ...મારા પ્લાસ્ટરની ચિંતા નથીને એ કોણ હતો એ પૂછો છો.)

હવે આવી મારા પ્લાસ્ટરની વાત. આગળ વાંચ્યું એમ અકસ્માત હાર્દિકનો થયો અને મમ્મી-પપ્પા એને જામનગર હોસ્પિટલમાં તુરંત જ લઈ ગયા. અહીં હું મમ્મી-પપ્પા વગરનો એકલો આખા ઘરમાં શું કરું...??!! આખો દિવસ રોયા કરતો અને ભાઈની ચિંતામાં કર્યા કરતો... વાંચવામાં ધ્યાન નહોતું લાગતું...શું કરવું ખબર નહોતી પડતી એટલે...(તમને લાગે છે મારા જેવા ખેપાનીને આવો મોકો મળે અને એ ઉપર લખેલું બધું કરે??!!! ના ને...)

ઘરમાં હું એકલો એટલે મને તો ભાવતું મળી ગયું... આમ પણ હું વાંચવાથી કંટાળેલો અને કેટલાય દિવસથી બધાની સામે વિજ્ઞાનની ચોપડીની અંદર છુપાઈ છુપાઈને કોમિક્સ વાંચીને થાક્યો હતો. આમ પણ આપણામાં કહેવત છે ને કે અવસરચૂક્યો મેહુલો શું કામનો ? એટલે આ તકનો લાભ મેં અને મારા લંગોટિયા મિત્રો મનીષ અને ઉત્પલ એ પુરેપુરો ઉઠાવ્યો. (ઉત્પલ અને મનીષ વિશે વિસ્તારથી બીજા કિસ્સામાં કહીશ.)આખો દિવસ અમે બધે રખડયા કરતાં અને સાંજ પડે એટલે અમારા આંગણમાં ક્રિકેટ રમતાં. અમને તો મોજો પડી ગયો હતો. 

એક દિવસ ક્રિકેટ રમતી વખતે દડાને કેચ પકડવા માટે હું એટલો ઝડપથી દોડ્યો કે જો એ જ ગતિથી એક કલાક દોડ્યો હોત તો એકાદ પ્રકાશવર્ષ જેટલું અંતર કપાઈ ગયું હોત પણ અફસોસ કે દોડવાની દસ જ સેકન્ડમાં જ વચ્ચે એક અડચણ આવી ગઈ. કેચ પકડીને મારી અદમ્ય ઈચ્છા તો આઉટ બોલવાની હતી પણ મોઢામાંથી નીકળ્યું આઉચ. થયું એવું કે ખૂબ જ ઝડપે દોડતાં બોલને તો મેં ગમે તેમ સંભાળી લીધો, પણ ખુદને ન સંભાળી શક્યો. એક હાથમાં દડો હતો જે પડી ના જાય એટલે છાતી સરખો ચાંપેલો અને ખુદને વચ્ચે આવેલી દીવાલથી બચવા બીજો હાથ મેં મારી અને દીવાલની વચ્ચે મુક્યો. મેં વિજ્ઞાન ખાસ વાંચ્યું નહોતું એટલે બળ = જથ્થો x પ્રવેગ થાય એ મને યાદ નહોતું પણ મારા હાથને હતું. એટલે વાગ્યું અને આવ્યો પ્લાસ્ટર.

એટલે જે પણ ભાઈને મળવા આવતું એ મને જોઈને હાય હાય શું થયું કરતો અને હું મફતમાં એની મજા લેતો. તો પડીને મજા મારા કારસ્તાન વાંચવાની?!!!


-બ્રિજેશ રાયચંદા



મિત્રો, આ જ કિસ્સો ગંભીર સ્વરૂપમાં હાર્દિક રાયચંદાની કલમે અને બીજા ઘણાં રમુજી કિસ્સાઓ (મારા કારસ્તાનો અને હાર્દિકના અનુભવો) “રાયચંદા બ્રધર્સ” નામના અમારા એકાઉન્ટમાં “પ્રયોગના સત્યો” સંગ્રહમાં થોડા જ સમય પછી જોઈ શકાશે.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ