વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમનો વરસાદ

શબ્દાંકન- રિદ્ધિ પટેલ


" હું ઓફિસથી નીકળી ગઈ છું અને શિવજીના મંદિર પાસે તો પહોંચી પણ ગઈ છું, પણ વરસાદ ખૂબ જ છે. અંધારામાં કંઈ દેખાતું પણ નથી. રસ્તા પર ખૂબ જ પાણી ભરાઈ ગયા છે. આગળ જવાય તેમ નથી એટલે હું અહીં જ રોકાઈ ગઈ છું.  મને પહોંચતા મોડું થશે. ઘરની નજીક છું એટલે તમે ચિંતા ન કરતા. હું વરસાદ રોકાય એટલે પહોંચી જઈશ." નિશાએ વાત ટૂંકાવીને ફોન મુક્યો. ફોનની બેટરી ડેડ થવાની તૈયારીમાં હતી. છેલ્લા કલાકથી અનરાધાર મેઘો વરસી રહ્યો હતો. નિશા એક બસસ્ટેન્ડ પર ઉભી હતી. રાતના 10 વાગી ચુક્યા હતા. આજે ધાર્યા કરતાં તેને મોડું થયું હતું. નિશાની જેમ એકલ દોકલ વ્યક્તિ કોઈ દુકાનના છાપરાં નીચે કે કોઈ વૃક્ષ નીચે ઉભા હતા. વરસાદ રોકાવાનું નામ નહોતો લઈ રહ્યો. એટલામાં એક વાઈટ સ્ક્વૉડા પુર ઝડપે નિશાની નજર સામેથી પસાર થઈ. નિશાને આશ્ચર્ય થયું. 'કારચાલક આંધળો હશે અથવા તો અક્કલ વિનાનો..આટલા પાણી ભરાયા છે તો કેવી રીતે જઈ શકશે!' નિશાએ મનોમન વિચાર્યું. તેનું ધ્યાન એ કાર પર જ કેન્દ્રીત હતું. થોડે આગળ જઈને કાર પરત વળી, પણ બંધ પડી ગઈ. નિશાને હસવું આવી ગયું. કારમાંથી કોઈ નીચે ઉતર્યું નહીં એટલે નિશાએ ધ્યાન બીજી તરફ વાળ્યું.

વરસાદનું જોર વધ્યું. નિશાને ચિંતા થવા લાગી કે, ''વરસાદ રોકાશે નહીં તો તે ઘરે કેવી રીતે પહોંચશે?'' રસ્તા પર હવે વાહનોની અવરજવર સદંતર બંધ થઈ ચૂકી હતી. તેની આસપાસ એકલ-દોકલ વ્યક્તિઓ હતા તેઓ પણ વાહનો ત્યાં જ મુકીને ચાલ્યા ગયાં. નિશાને હવે ડર લાગવા લાગ્યો. તેને થયું તે ઘર તરફ ચાલવા લાગે પણ વરસાદ એટલો હતો કે તેને હિંમત થઈ નહીં. એટલામાં પેલો કારચાલક તેની પાસે આવીને ઉભો રહ્યો. નિશાએ તેની તરફ જોયું. વાઈટ શર્ટ, બ્લેક ફોર્મલ પેન્ટ, મરૂન ટાઈમાં યુવાન કોઈ બિઝનેસમેન હોય તેમ લાગ્યું. નિશાએ કારચાલક યુવાનના ચહેરાને ધ્યાનથી જોયો. તે યુવાનને ઓળખતી હતી.

"સૌમ્ય...!" નિશાના આશ્ચર્યનો પાર નહોતો. બંને કોલેજમાં સાથે ભણતા હતા. સારા મિત્રો જ નહીં એકસમયના પ્રેમી હતા. પાંચ વર્ષ પછી અચાનક જ બંને એકબીજાની સામે ઉભા હતા. બંને થોડી ક્ષણો એકબીજાને જોઈ રહ્યાં. જાણે એકબીજાની આંખોમાં ફરીથી અતીતને માણી રહ્યાં હતા. થોડીવાર પછી નિશાએ નજર ફેરવી. સૌમ્ય તો હજુ નિશાને જ નિહાળી રહ્યો હતો. સ્કીનટાઈટ બ્લૂ જીન્સ અને ઓરેન્જ કુરતામાં સજ્જ નિશા પહેલા કરતાં વધુ સુંદર લાગતી હતી. 


"કાર બંધ પડી ગઈ છે?" આખરે નિશાએ મૌન તોડ્યું. નિશાના રૂપની મોહિનીમાં લીન સૌમ્યને વર્તમાનનું ભાન થયું.

"હા, બંધ પડી ગઈ. રસ્તા પર પાણી ખૂબ હતું. આ રસ્તાઓથી હું ખાસ પરિચિત નથી એટલે...."

"મને ખબર છે કે તને આ તરફ આવવું પસંદ નથી." નિશા વચ્ચે જ બોલી. નિશાના શબ્દો સાંભળીને સૌમ્યનો ચહેરો ફિક્કો પડી ગયો. નિશાએ સૌમ્ય તરફ જોયું. તેને સૌમ્યનો ચહેરો આજે પણ એટલો જ આકર્ષક લાગ્યો. નિશાના શરીરમાં એક કરંટ પસાર થઈ ગયો. જોકે તરત જ તેણે પોતાની જાતેને સંભાળી લીધી.

"તું હજુ મને જ દોષી માને છે?" સૌમ્યએ પૂછ્યું.

"ના, એવું નથી. હું ત્યારે પણ તને દોષી માનતી નહોતી." નિશા અને સૌમ્યની આંખો મળી. બંનેની આંખોમાં અતીતનું એક સંભારણું જીવંત થયું. પાંચ વર્ષ પહેલા આવી જ એક વરસાદી રાતે નિશા એક રેસ્ટોરાંની બહાર ઉભી હતી. સૌમ્ય તેને મળવા આવવાનો હતો. અનરાધાર વરસાદમાં પણ નિશાને મળવાની તાલાવેલી હતી. સૌમ્યને મળવા નિશા પોતાના ઘરેથી 13 કિલોમીટર દૂર આવેલી. એ સમયે સૌમ્ય પીજીમાં રહેતો. મોટાભાગે સૌમ્ય પોતાના ઘરની આસપાસ મુલાકાત ગોઠવતો. નિશાને ઘરેથી નીકળવા ઘણી તકલીફ સહન કરવી પડતી. એટલે જ ઘણીવાર તે ગુસ્સે થતી, પણ પ્રેમને કારણે તે સૌમ્યની હઠ ચલાવી લેતી.  તે દિવસે નિશાએ ઘણીવાર સુધી રાહ જોઈ પણ સૌમ્ય આવ્યો નહીં. નિશાએ તેને ફોન લગાવ્યો. તે રસ્તામાં હતો. વરસાદ ખૂબ જ હતો એટલે તેણે મળવા નહીં અવાય તેમ કહીને ફોન મુકી દીધો. નિશા કંઈ કહેવા માગતી હતી પણ કહી શકી નહીં. સૌમ્યના ઘરેથી તે રેસ્ટોરેન્ટ માત્ર 3 કિલોમીટર દૂર હોવા છતાં તે આવ્યો નહીં. નિરાશ થઈને નિશા વરસતા વરસાદમાં ઘરે ચાલી ગઈ. બીજા દિવસે જ્યારે બંને મળ્યા ત્યારે નિશા ચુપ હતી. સૌમ્યએ તેને પૂછ્યું પણ તે કંઈ બોલી નહીં. સૌમ્યએ તેને બોલવા મજબૂર કરી ત્યારે તે એટલું જ બોલી, "હું તને મળવા નહીં આવી શકું. પ્લીઝ તું મને ફોન ન કરતો." બંને વચ્ચે એ મુલાકાત છેલ્લી હતી.


"વરસાદ હતો, હું ભીંજાઈ ગયો હતો એટલે ન આવી શક્યો, પણ તું એટલી વાતમાં મને છોડીને ચાલી ગઈ, તો શું કહું?" સૌમ્યની વાત સાંભળીને નિશાને હસવું આવી ગયું. તેણે સૌમ્યની સામે નજર કરી. થોડીવાર પહેલા સૌમ્યને જોઈને જે આકર્ષણ તેને અનુભવાયું હતું તે હવે ગાયબ થઈ ગયું. નિશાએ નજર હટાવી લીધી. તેની નજર રોડ પર સ્થિર થઈ. તેને સામેથી કોઈ આવતું દેખાયું. એ વ્યક્તિ નજીક આવી કે નિશાની આંખો હર્ષથી ચમકી. તેણે સૌમ્યને કહ્યું, "તું તે દિવસે ભીંજાયો જ નહોતો. તું ત્યારે પણ ભ્રમમાં હતો અને આજે પણ ભ્રમમાં જ છે."

"તું કહેવા શું માગે છે નિશા?" સૌમ્ય નિશાની વાતથી મુંઝવણમાં પડ્યો. તેને કંઈ સમજાયું નહીં.

"એટલું જ કે, તું ખરેખર મારા પ્રેમમાં ભીંજાયો હોત તો તે દિવસે તને વરસાદ નડ્યો ન હોત." નિશાના શબ્દો તીરની જેમ સૌમ્યના હૃદયમાં ભોંકાયા. તે કંઈ બોલે તે પહેલાં જ ત્યાં એક યુવાન તેમની સામે આવીને ઉભો રહ્યો. યુવાનને જોઈને નિશાની આંખમાં પ્રેમ ઉભરાયો. એ દ્રશ્ય જોઈને સૌમ્ય અંદરથી હચમચી ગયો. તેને ઉભા રહેવા ટેકો લેવો પડ્યો. નિશા યુવાનનો હાથ પકડીને ત્યાંથી ચાલી ગઈ. વરસતા વરસાદમાં બંને અંધારામાં ગુમ થયાં કે એકબીજાના પ્રેમમાં તે સૌમ્યને સમજાયું નહીં. તેની આંખો ભીંજાઈ. તે તરત જ કાર તરફ ચાલવા લાગ્યો. આંસૂ વરસાદમાં ભળી ગયા. આજે તે ખરા અર્થમાં ભીંજાયો હતો, પણ પ્રેમમાં નહીં વિરહની વેદનામાં...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ