વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાહ

"બાય બાય નાની,"


"બાય બાય બેટા, જય શ્રીકૃષ્ણ, પહોંચીને ફોન કરજો. રસ્તો બહુ ખરાબ છે ને વાદળ છે ગમે ત્યારે વરસાદ પડશે." "હા મમ્મી."  રોનકે જવાબ આપ્યો અડધા કલાકનો રસ્તો છે ખાલી પોણો કલાક થવા આવ્યો હજુ કેમ ફોન ના આવ્યો ? અમીબેન મોબાઈલ હાથમાં પકડીને ઘરમાં આંટા મારી રહ્યા હતા. એમણે નિશાને ફોન જોડ્યો રિંગ પાસ થઈ રહી હતી. આ છોકરી ફોન કેમ નથી ઉપાડતી?  અરે હા, એનો ફોન તો પર્સમાં હશે ને રોનકકુમારે ડીકીમાં મૂક્યું હતું. અરે પણ ઘેર તો પહોંચી ગયા હશે. પર્સ તો કાઢ્યું જ હશે ને ? તો આ ફોન કેમ નથી ઉપાડતી? અમીબહેન એ રિંગ પાસ થઈ જાય કે તરત પાછો ફોન લગાડતાં પણ...


લાવ રોનકકુમારને ફોન લગાડું. થોડીવાર રિંગ પસાર થઈ ને પછી ફોન બંધ થઈ ગયો. રોનકકુમારે ફોન કટ કર્યો હશે? ના,ના, ફોન બંધ થયો લાગે છે. એમણે ફરી ફોન જોડ્યો. "તમે જે વ્યક્તિ સાથે સંપર્ક કરવા માંગો છો એ અત્યારે બંધ છે." અમીબહેને નિશાને ફોન જોડ્યો. થોડીવાર રિંગ વાગી અને પછી એનો ફોન પણ....


અરે હા, નિશા બોલતી હતી કે એના ફોનની બેટરી લો હતી અને મેં એટલા ફોન કર્યા કે એની બેટરી.... અમીબહેન આ ચિંતામાં પણ હસી પડ્યાં.


લાવ વોટ્સએપ કરી દઉં. ઘરે પહોંચીને ફોન તો ચાર્જ કરશે જ ને.. એમણે રોનક અને નિશા બંનેને મેસેજ મૂક્યાં.


વાદળછાઈ સાંજ તેમને બહુ ગમતી. ગરમ કોફી અને તીખા ભજીયાં બનાવી એ વાતાવરણને માણવા બાલ્કનીમાં બેઠાં પણ એમની નજર સતત મોબાઈલ પર મેસેજની રાહ જોતી હતી. જેવો કોઈ વોટ્સએપ મેસેજ સ્ક્રીન પર આવતો એ ખોલીને જોતાં કે.. અને નિરાશા સાંપડતી. આટલા બધા ગ્રુપમાં પોતે શા માટે જોડાયાં હશે? અને એ ગ્રુપમાં બધા આટલા ટાયલા શા માટે ઝીકતા હશે? રોજ સમય પસાર કરવા માટેના આ ગ્રુપસ અત્યારે એમને દુશ્મન જેવાં લાગતાં હતાં.


એમણે ફરી દીકરી-જમાઈને ફોન લગાડયાં. સ્વિચ ઓફ. આ ફોન ચાર્જ થતાં આટલી બધી વાર? ત્રણ કલાક? ડબલાં થઈ ગયાં છે બંનેના ફોન.. આ એનિવર્સરી પર બંનેને નવા ફોન અપાવવા પડશે. એમણે વોટ્સએપનું સ્ટેટસ ફરી તપાસ્યું. લાસ્ટ સીન સાંજે ચાર વાગે. એ તો અહીં હતાં ત્યારનો સમય છે. હવે તો રાત પણ પડી ગઈ છે.. આ જીગરને પણ આજે જ મુંબઈ જવાનું સૂઝ્યું. મારો તો કોઈને વિચાર જ નથી આવતો. પ્રેમાળ પતિ પર તેમને અકારણ જ ગુસ્સો આવ્યો.


"જીગર, ત્યાંથી બે લેટેસ્ટ ટેકનોલોજી અને લાંબી બેટરીવાળા બે ફોન લેતો આવજે."


"હલ્લો, ક્યાં છે ?"ના રોજિંદા સવાલને બદલે આવા ઓર્ડરથી જીગર હલી ગયો.


"અરે શું થયું? અને તારે બે ફોનનું શું કરવું છે?"


"તારા લાડકા દીકરી જમાઈને આપવા છે. આજે ઘરે આવયા હતાં. વરસાદી વાતાવરણ હતું. તને તો ખબર જ છે ને એ લોકોનો ઘરે જવાનો રસ્તો કેટલો ખરાબ છે. પાર્થ પણ તોફાની છે. પાંચ વાગ્યાના નીકળ્યાં છે રાતના દાસ વાગ્યા. એક ફોન નથી થતો કે અમે પહોંચી ગયા. હું ફોન કરું છું તો સ્વિચ ઓફ બતાવે છે.  ચિંતા થાય કે નહીં? આવું ઘણી વાર થાય છે. ફોન કરું ત્યારે એનો ફોન ચારજિંગમાં જ હોય. બંને કહેતાં હતાં એમની બેટરી જલ્દી પૂરી થઈ જાય છે. તું બસ ફોન લેતો અવાજે." અમીબહેન એક શ્વાસે બધું બોલી ગયાં." સામે છેડે જિગરનું અટ્ટહાસ્ય સાંભળી એમનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો. "હાડીયાભાઈને હસવું થાય ને દેડકભાઈના પ્રાણ જાય."


"અરે મારી વહાલી, તું જો આમ ગુસ્સો ના કર. હજુ ગયા મહિને હોસ્પિટલ જઈ આવી છે ફરી જવું પડશે. એ લોકો હવે નાના નથી. પોતાની કાળજી લઈ શકે એમ છે. નાહકની ચિંતા છોડ ને નિરાંતે સુઈ જા. હું લેટેસ્ટ ટેકનોલોજી વાળા બે ફોન લેતો આવીશ બસ? હવે શાંતિથી સૂઈ જા. ગુડ નાઈટ."


"ગુડનાઈટ." અમીબહેને રિસાયેલા સ્વરે કહ્યું. જીગરે સુઈ જવાનું તો કહ્યું પણ તેમની આંખોમાં ઊંઘ નહોતી. મનને બીજી દિશામાં વળવા તેમણે ટીવી ચાલુ કર્યું. શહેરનાં ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદના સમાચારે મન પાછું દીકરી જમાઈ પર ગયું. ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા છે સાથે બે વર્ષનો પાર્થ પણ છે. શું એ લોકો વરસાદમાં અટવાયા હશે? તો પણ પાંચ વાગ્યાના નીકળ્યાં છે હજુ પહોંચ્યાં નહીં હોય? આ લોકો મારી પરિસ્થિતિ સમજતાં જ નથી.


ફોન લગાડી લગાડીને એમના ફોનની બેટરી પણ ઉતારવા લાગી હતી. એમણે ફોન ચાર્જ કરવા મૂક્યો અને તેની નજીક જ ચેર લઈને શરીર લંબાવ્યું પણ જેવો મોબાઈલમાં મેસેજ ચમકે કે તરત જુએ. રાતના ત્રણ વાગે એમની બેટરી ફૂલ થઈ ગઈ પણ હજુ એ લોકોની બેટરી... એમણે ફોન લગાડયાં.. સ્વિચ ઓફ... જેમતેમ સવારના પાંચ વગાડ્યા.


પાંચ વાગે આછું અજવાળું હતું. રસ્તા થોડાં ભીનાં થોડા કોરા હતાં. અમીબહેને હોન્ડાની ચાવી લીધી અને પહોંચી ગયાં દીકરીને ઘરે. નિશાએ આંખો ચોળતાં બારણું ખોલ્યું. સામે મમ્મીને જોઈ અવાક થઈ ગઈ. પાછળ પાછળ જ રોનાકકુમાર પણ આવ્યાં. બંનેને હેમખેમ જોઈ અમીબહેન ખુશીથી રડી પડ્યાં.


"પાર્થ ક્યાં છે? ઠીક તો છે ને?" બોલતાં ઘરમાં ગયાં..


"અરે મમ્મી શું થયું? પાર્થ સારો છે અમે સારા છીએ. તું કેમ આમ કરે છે? આટલી સવારે અહીં?" નિશાએ અમીબહેનને પકડીને સોફા પર બેસાડયાં.


"આખી રાત તમારા ફોનની રાહ જોઈ. સામે ફોન કર્યા તો સ્વીચ ઓફ બતાવતા હતા. તો શું કરું ?" અમીબહેને ગુસ્સો કર્યો.


"મમ્મી, તમે શાંત થાઓ. અમારા ફોન વરસાદમાં પલળી ગયાં હતાં. આજે રિપેર કરાવીશું." રોનકે કહ્યું.


"તારે લેન્ડલાઈન પર ફોન કરવો હતો ને?" નિશા મમ્મીની બાજુમાં સોફા પર બેઠી.


"અરે હા, આ મોબાઈલ ફોને તો લેન્ડલાઈન ફોનને મગજમાંથી જાણે કાઢી જ નાખ્યો છે." મગજ શાંત થતાં અમીબહેને સ્મિત સાથે કહ્યું.


"સારું, સારું, ચાલ હવે હું જાઉં. જરા પાર્થને જોઈ લઉં." એ ઊઠીને બેડરૂમમાં ગયાં. પાછળ નિશા પણ ગઈ. ત્યાં તો લેન્ડલાઈન ફોન રણકી ઊઠ્યો.


"હલ્લો" રોનકે ફોન ઉપાડ્યો.


"રોનક, તમે બધાં જલ્દી ઘરે પહોંચો. તમારી મમ્મી.." જીગરનો અવાજ આવ્યો. "સવારે દૂધવાળાએ બહુ બેલ માર્યા પણ બારણું ના ખૂલ્યું.."


"હા, મમ્મી તો.."


"પછી બાજુવાળા પંકાજભાઈને ઉઠાડ્યા એણે. હું બહાર ગયો હતો એટલે એને જરા કાળજી લેવા કહ્યું હતું મેં. હજુ હમણાં જ ગયે મહિને હોસ્પિટલમાંથી..." જીગર રીતસર રડી જ પડ્યો.


"નિશા, નિશા.. જો તો આ પપ્પાનો ફોન છે. એ કહે છે કે મમ્મી..."


"હા, હલ્લો પપ્પા."


"નિશા, તારી મમ્મી બારણું જ નથી ખોલતી. આ પંકજભાઈએ તમને બંનેને બહુ ફોન લગાડયાં ના લાગ્યા પછી મને ફોન કર્યો. મેં પણ ફોન કર્યો એણે ફોન નહીં ઉપાડ્યો."


"અરે પપ્પા મમ્મી અહીં છે તો ત્યાં બારણું કઈ રીતે ખોલે? ને ફોન પણ કદાચ ઘરે જ ભૂલી ગઈ લાગે છે." નિશાએ ડ્રોઈંગરૂમમાં ફાંફાં માર્યા. અમીબહેનનું પર્સ નહીં દેખાયું.


"હેં શું કહે છે? સાચે? આટલી સવારમાં ત્યાં શું કરે છે?"


"હા પપ્પા, આખી રાત ફોન ના લાગ્યો એટલે સવાર  સવારમાં જ...પણ તમે છો ક્યાં અત્યારે?"


"હું રસ્તામાં છું. ત્યાં આવવા નીકળી ગયો છું. ક્યારનો તમને ત્રણેને ફોન લગાવું છું. પછી લેન્ડલાઈન યાદ આવ્યો. થયું લગાડી જોઉં કદાચ તમે વહેલા ઉઠ્યાં હોવ." જીગરે મજાકિયા સ્વરે કહ્યું. અમી ત્યાં હેમખેમ છે જાણીને તે થોડો હળવો થયો હતો.


""હા અમારા બંનેના ફોન.. કેટલીવાર કહ્યું છે મમ્મીને એક ચાવી પંકાજકાકાને ત્યાં મૂકી રાખે, પણ માને તો ને." નિશાએ ફરિયાદ કરી.


"તારી મમ્મી સાથે તો વાત કરાવ."


"મમ્મી.. પપ્પાનો ફોન." નિશાએ બૂમ મારીને પાછળ ફરીને રિસીવર એની તરફ લંબાવ્યું તો મમ્મી....



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ