વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

Compitesan

નોંધ : આ રચનામાં દેશી બોલીનો ઉપયોગ થયેલ હોવાથી ભાષાલક્ષી ભૂલો રહેલી હશે. જેનાં માટે અગાઉથી માફી માંગી લેવામાં આવે છે. (આ તો ખાલી કીધું હો, બાકી ભાષાલક્ષી ભૂલો તો મારે વાર્તાએ વાર્તાએ થાય છે.)




હા! તો એક વાત કઉં?


કઈ જ દઉં લ્યો ને... હવે આયા લગી આયવા હો ને ખોટો ધરમનો ધક્કો ખવડાવો... હા પણ ધરમની ગાયના દાંત જોતાં નઈ હોં!




હા તો વાતમાં એવું હતું કે હું હતો ટેણીયો, અને થોડીક ય દયા ખાતાં નઈ હો. એકદમ માથાભારે! વરહ માથે વરહ ગ્યું ને હું આવી ગ્યો ચોથામાં... હા ભાઈ હા... ધોરણની જ વાત કરું હું... પેલાં બે ધોરણ સરકારીમાં કાંઈ કેટલાંય કર્મકાંડ કયરાં. હાચું કઉં તો કરમ ઓછાં ને કાંડ ઝાઝા કયરાં તા. પછી મારાં ગામમાં પ્રાઈવેટ ચાલું થઈ. અને તીજાથી હું પ્રાઈવેટમાં ચાલું થ્યો.


આમ ભણવામાં હું માપે પણ અંધો મેં કાણાં રાજાની જેમ મને ય માન મળવાં મય્નડું. તીજામા બાપુ પેલાં આયવા ને પછી તો એવાં માન... અહાહા... એકવાર તો ભગવાનનાં છોકરાંને ય લેશન કરી દીધું તું. આ તો પછી મમ્મી બોયલાં કે ભગવાન નો કેવાય, ભગવાનભાઈ કેવાય.


અરે હા.. તમે યાર ક્યાં મેઈન મુદ્દાથી ભટકાવી દ્યો હો. હા તો હું આયવો ચોથામાં ને અંગરેજીનો પિરિયડ હતો. આમ આયખો ક્લાસ ભરેલો પણ માથાં અમે તણ જ ખંજવાળતાતા. ડફોળિયો હું, ડફોળણ બીજી એયક છોયકરી, અને અમારાં મહાડફોળ ટીચર. (શિક્ષક ભાઈઓ બેનોએ ખોટું લગાડવું નઈ , કેમ મહાડફોળ કીધું ઈ આગળ આય્વશે.)




શાકમાર્કેટમા થાય એવો (મચ્છી માર્કેટ નઈ હો, અમારી ઈસ્કુલ શાકાહારી હતી.) અવાજ આખાં ક્લાસમાં આવતો તો. પેન્સિલ, રબર ને પેન ચોરવાનો ધંધો ધમધોકાર હાલતો તો. અમુક તો એવાં વાયડીનાં કે કએક તો ઠેરીયું ય ઠોકી જાતાં. (લખોટીને જ ઠેરી કે હોં!) એવાં ગોબરમાં ડૂબેલી ચકલી જેવાં અમે તણ, વાંદરો આવીને બા'ર કાઢે એની રાહ જોતાં તા. ને વાંદરો આયવો ય તે.




"આ કોમ્પિટેશન હે એટલે kથી ચાલું થાય નઈ?" ટીચરે મહાગ્યાનનો ધોધ એવો તે વેતો મુયકો કે અમે બેય ય ડૂબી મયરા.




"વાત તો હાંચી હે ટીચર," ચાબરી ચીબરી વાયન્દરી બોયલી. એનો ધંધો જ આ. કોઈક કાંઈક બોયલું નથી કે વાત તો હાંચી. હોઠની હારે હારે એનું નાક ય કૂદતું હોય પાછું. એકવાર તો સેડાનો પરપોટો એવો બાર નિયકળો ને કે મેં તો ચિંગમ ખાવાની છોડી દીધી.




"એમ નો હોય ટીચર," મારી અંદરનો કારીગર જાગી ગ્યો તો. આમ ય બાજીગર આયવું તયુંનું હું કારીગર મેં કારીગર તો ગાતો જ તો. "આ કંપનીવાળા ય Comથીન ચાલું કરે હે... તો કોમ્પિટેશન ય Comથી જ ચાલું થાય ને?"


"વાત તો હાંચી હે," લ્યો કોણ બોયલું હશે ધારોતો. ધારોકે જે બોયલું એનું નામ x છે. xની આગળ પાછળ કેટલી ય ગણતરી માયરી તો એવું લાયગુ કે x એટલે ચાબરી ચીબરી વાયન્દરી. પયણ આપણી ધારણા ખોટી હે. આ તો ટીચર હતા." કોમ થઈ ગ્યું. હવે પિટેશન રયું. "


" પિ નું pi થાય... હાચું કઉં હું." હાં હવે ચાબરી ચીબરી વાયન્દરી હાંચી.




"ને ટેશન?"


"tesan" આટલું બોલતાં બોલતાં તો મારી છાતી ઘમંડમાં ને ઘમંડમાં ફાટું ફાટું થઈ ગઈ.




"આ કાંઈ શાકમાર્કેટ હે?" હા. ઈ ટીચર ય જૂનો પુરાણો ડાયલોગ જ વાપરતાં હો. ને તો ય શાક પૂરું થઈ ગ્યું હોય એમ એક જ મિનિટમાં હન્ધાય મૂંગા થઈ ગ્યાં. "નોટ ખોલો ને લખો COMPITESAN બોલાય કોમ્પિટેશન. એનું ગુજરાતી થાય સ્પર્ધા. કાલ બધાંય પચા વાર લખીને આવજો. નઇતર ટાટીયા ભાંગી નાખીસ."




"ટીચર મારે નય ને?" મેં તો બનાવડાયવો તો.




"તારે ય તે. પાકો થઈ જાય." ટીચરે કરેલાં આવાં વિશ્વાસઘાતથી હું તો રોઉં રોઉં થઈ ગ્યો.




***


"સીઈઈઈ"


"ઓઓઓઓ"


"એમમમમ"


"પીઈઈ"


"આઈઈ"


"ટીઈઈ"


"ઈઈઈ"


"એસસસ"




"એય! આમાં એસ કેમનો આયવો!?"


બાપ રે! દીદી સામભળી ગઈ. હવે ડુચ્ચા કાઢશે! દીદી એટલે હંધાયને ગમતું પ્રાણી. હું ભંણવામાં માં ઢ ને એને હારું આવડે. મોટાં બે ચોટલા વાંહે લટકતા હોય ને એમાં બે લોઇ પીધેલી હોય એવી લાલ રીબીનું! ટગર ટગર જોતી કોડિયા જેવડી બે આંખું ને એમાં ય જો હું... હું ભુયલો તો ભુક્કા. સીધી વાત જાય પપ્પા જોડે!


પપ્પા મારા એટલાં હારા કે કોઈ દી મારા ઉપર હાથ નો ઉપાડે. પણ મારી હાલત એવી ને કે એમને કોઈ દી જરુર ય નો પડે! પપ્પા પાંહે રિપોર્ટ પોચી ગ્યો. અને પચા વાર લખેલો સ્પેલિંગ ખોટો સાબિત થ્યો ને સજા મને મયળી. પચા વાર કોમ્પિટિશનનો સાચો સ્પેલિંગ લખવાનો ને એ ય દીદીની નિગરાનીમાં. મેં ના પાયડી કે કાલ ટીચરને સાચો સ્પેલિંગ કઈશ એટલે ઇ આપશે જ હો વાર લખવા. પણ મારું ક્યાં કોઈ સાંભળે!? છેલ્લે ઘાંચીના બળદની જેમ ઘુમેળા માયરા ને ગમે એમ કરીને પૂરું કયરૂ.




બીજા દિવસે ક્લાસમાં ખળભળાટ મચી ગ્યો. નો હોય કે.. આ કોમ્પીટેશનને કોમ્પિટિટીઓન કે હે! આ પચા વાર ખોટો સ્પેલિંગ લખાયવો ઇ કોણ! બાપેમાયરા વેર હોય એમ બધા મારી હામુ જોવા મયન્ડા!




ટીચરે ધમાકેદાર એન્ટ્રી માયરી. ને મેં આખો બનાવ કઈ સંભળાયવો.




"એમ!" ટીચરના મોઢા ઉપરની રેખાઓ બદલાઇ ગઈ તી. પ્રકાંડ પંડિતના કોઈકે વિવાદમાં ડુચ્ચા કાઢી નાયખા હોય એવાં મોઢે એમને ક્લાસમાં  જાહેર કરી દીધું.




"આ તમારા સંધાયની પરીક્ષા હતી. સંધાય બુદ્ધિના બારદાન ભટકાણા હે મને! જાવ સંધાય નો સ્પેલિંગ ખોટો. કાલ સંધાયને હમણાં હું લખાવું ઇ સાચો સ્પેલિંગ પચા વાર લખીને આવાનું હે." હા! એ ટીચરને અમે સંધાય સંધાય જ કેતા. ખાલી હામે નો કઈ હકી.




"ટીચર મારે નઈ લખવાનો ને! હું તો સાચો લખી આયવો પચા વાર!" મેં પુસી તો લીધું પણ પહી એમ થયું કે ખોટું થઈ ગ્યું.




"તે ઘરે પૂછીને ચિટિંગ કયરી એટલે તારે હો વાર!"




મને ખબર હતી કે આવું જ થાહે તો ય ડઘાઈ તો ગ્યો જ. આખો ક્લાસ આ હામભળીને હયસો.. મારા સિવાય!




***




હારું તે દી ખબર પયડી કે જીંદગીનું ય આવું જ હે. ખાલી બોલાય જ કોમ્પિટિશન... લખવું તો જખ મારીને કોમ્પીટીટીઓન જ પડે.


હારું... આવજો... જય માતાજી🙏🙏🙏

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ