વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્મવિશ્વાસ અને પ્રેમ

‘આર્યમાન… ક્યાં ગયો એટલી વારમાં ? લે આ પેકેટ લઈ જા.. કારમાં તારામંડળનાં પેકેટ પણ હજુ બીજાં છે, હોં.. ’. મોટી બૂમ સંભળાતા પાંચ વર્ષનો આર્યમાન દોડતો આવ્યો અને બીજું પેકેટ હાથમાં લેતાં તો ખુશ થઈ દાદા દાદી પાસે ઓફિસમાં દોડી ગયો. ત્યાંજ બીજો અવાજ સંભળાયો ‘જોયું મેં તને કીધું હતું ને, તારા ડેડી એક બે પેકેટ લાવે જ નહીં, તું ખાલી જીવ બાળતો હતો. ઓફિસમાં ચોપડા પૂજન હોય ને બે પેકેટ ફટાકડા થોડા લાવવાના હતાં !’ ને મનમાં જ બોલી મારો હસબન્ડ ભલે બિઝનેસમેન પણ પ્રેમમાં ઘણો દિલદાર, લોકોને પોતાનાં કરવાની સરસ આવડત અને આદત છે. ટચ વુડ. ફોનની રિંગ વાગી એટલે ધ્યાનભંગ થતાં ફોન ઉપાડ્યો, હેપ્પી દિવાલી કહીને વાત ચાલું કરીને પતિ પરમેશ્વરને ફોન પકડાવ્યો ત્યાં તો ‘ઓ..કે ડન, મળીયે સાંજે.’ કહી નમને ફોન મૂકતાં જણાવ્યું સાંજે ફ્રેન્ડ્સને મળવાં જવાનું છે અને ડીનર બહાર જોડે જ લઈશું. અને ત્રણેય મલકાયાં. 


‘નમન’ નાનપણથી જ સૌનો લાડકો. સ્કૂલમાં એટલો તોફાન કરતો કે ફરિયાદ ફરી ફરીને આવતી જ જાય. હા, પણ કોઈને નુકશાન કશું ન પહોંચે. દોસ્તારો ય એટલાં ને એ સૌ લાગે વ્હાલા. એમનાં માટે તો જાનની પણ શું વિસાત? અને એ અરસપરસ જ છે એનાં દોસ્તો માટે પણ રાજા સૌથી પહેલો એટલે કે નમન. શરમાળ પણ એવો જ. રિસ્પેક્ટ તો નાનાં મોટાં સૌને માટે એક સરખું. એમાં ક્યારેય કોઈની ય ફરિયાદ ન આવી શકે. મોટપણે ય એવો જ, જરીકે ફરક નહીં અને મોટાપો તો ક્યારેય ધર્યો જ નથી. માનપાન એ આપે પણ લેવાનું નહીં. ડાઉન ટુ અર્થ અને એટલે જ તો સૌનો વ્હાલો બની રહ્યો છે. જિંદગીને સંપૂર્ણ રીતે જીવવાનો નમનનો મૂળ મંત્ર. અંકિતા એટલે એનો જમણો હાથ. રાજાની રાની. રાજાનાં પ્રેમનો ધોધ રાની માટે ન હોય તો કોને માટે હોય? વેલેન્ટાઈન ડેનું ચલણ ભલે અહીં એટલું નહીં પણ હુ કેર્સ.. તો રાજા કહે મી કૅર્સ. પ્રેમનાં દિવસ ને રોમેન્ટિક બનાવવા અંકિતાને થાઈલેન્ડ ફરવા લઈ ગયો. પરિવાર બાકી ન રહી જાય એટલે સહપરિવાર દુબઈની ટ્રીપ એન્જોય કરી. નમનને એવું ખરું કે પોતે લાઈફ એન્જોય કરે એ ન ચાલે પરિવાર પણ એની ખુશીમાં શામેલ થવો જ જોઈએ. જીવનમાં એકસાથે બધું જ મળી ગયાનો અહેસાસ થયો. માની લો, એનો સુવર્ણકાળ જ ચાલતો હોય. નમન ને મન તહેવાર એટલે બધું જ કરી છૂટવાનું, મન ભરીને ઉજવણી કરવાની. 


દિવાળી એને મન મોટો તહેવાર. ભારતમાં રહેતાં હોય એને દિવાળી ન ગમે એવું ભાગ્યે જ હોય. દિવાળીનાં દિવસે નક્કી થયું કે સાંજે પાર્ટી કરીશું. ફટાકડા ફોડીને કલબમાં ડિનર કરીશું. દરેક ફ્રેન્ડ એનાં ફેમિલી સાથે નિયત સમયે, નિયત જગ્યાએ મળ્યાં, અને ધમાલમસ્તી ચાલું થયાં. ટાબરીયાઓ દોડાદોડી કરતાં હતાં એટલે નમન એલોકોનું ધ્યાન રાખવા ત્યાં જ ઊભો રહ્યો. કેટલી ય ગેમ્સ રમાડી. નાનાંમોટાંનો ભેદ ભૂલી સૌ કોઈ રમવામાં મશગુલ થઈ ગયાં, ભૂખ લાગે ત્યાં સુધી લોકો ટેસથી રમ્યા. ત્યારબાદ મન ભરી ડિનર કર્યું. ને એ પછી ફોડયાં ફટાકડાં. એક પછી એક નવા નવા ફટાકડાં ફોડે જ જાય. દસ વાગે તો છૂટાં પડવાનું નામ નહીં. પણ છોકરાંઓ થાક્યાં એટલે બીજા દિવસે કેટલાં વાગે મળવું એ નક્કી કરીને કમને છૂટાં પડ્યાં.


ઘરે પહોંચી ફરી લાગ્યાં ફટાકડા ફોડવા, તહેવારને દિલથી ઉજવવામાં પરિવાર ક્યાંથી બાકી રહે? એમને પણ કંપની આપવી જ રહી. રાત્રે મોડું થયું એટલે લોકો પોતપોતાનાં રૂમમાં ઊંઘવા ગયાં, પણ આ શું કેમે કરીને નીંદરરાણી આવવાનું નામ જ નથી લેતાં. પડઘા ઘસ્યા પણ ઊંઘ ના આવી. અને ભૂખ લાગી એ જૂદી. અર્ધાંગિનીને ખબર ન પડે એમ બેઠાં ક્યાંથી થવાય? નમન ઊભો થયો ને અવાજ આવ્યો.. કેમ ઊંઘ નથી આવતી કે શું? બાર વાગે કેમ બાવો જાગ્યો? ટીખળ કરતાં અર્ધાંગિની અંકિતા બોલ્યા. અને બંને હસી પડ્યાં. આમ બંને નીકળ્યાં નાસ્તો કરવા. ઓનેસ્ટ તો ખુલ્લું જ હોય ને ચાલો ભાજીપાઉ કે પુલાવ ખાઈશું વિચારીને આ બાજુ નમને બાઈક કાઢ્યું. ઘરમાં તો સૌ કોઈ ચેનથી ઊંઘતા હતાં. આર્યમાન પણ થાકને લીધે પડ્યો એવો જ સૂઈ ગયો. કારણ સવાર વહેલી પાડવાની હતી. બેસતાં વર્ષે તો વહેલા ઉઠવાનો નિયમ. તેથી કોઈને જાણ કરી નહીં. ને પુરપાટ હવા સાથે વાતો કરતાં તેઓ ઓનેસ્ટ પહોંચી પણ ગયાં. ફટાફટ પુલાવનો ઓર્ડર આપ્યો. આમતો પાવભાજી અને પુલાવ મંગાવીએ તો તરત હાજર થાય. એટલે ભૂખ લાગે ત્યારે જે જગ્યાની જે સ્પેશ્યાલિટી હોય એ જ મંગાવવાનો આગ્રહ રાખવો એ એમનો નિયમ. એકબીજાની આંખોમાં આંખો પરોવી બંને એક જ ડિશમાંથી ખાવા લાગ્યાં. પાછા ઘરે જવાની ય એટલી જ ઉતાવળ હતી ને.. સવારે વહેલાં ઉઠવાનું હોવાથી જ તો. 


આમને આમ સાડા બાર તો થયાં હશે. શું ખબર ઉતાવળ એટલી આવી ગઈ કે મેઈન રોડ પર જવા જતાં બીઆરટીએસનાં વચ્ચેનાં નાનકડાં રસ્તા પર બાઈક વળી ગયું. ને મનમાં થયું ઓહ! આ વળી શું થયું.. ઝોકું આવી ગયું કે !! કંઈ નહીં, કટ આવતાં બહાર નીકળી જઈશું. એમ વિચારી એ જ સ્પીડ પકડી રાખી. સ્પીડ વધારે હોવાથી અંકિતાએ પણ પાછળથી ખભે ટપલી મારી. પણ નમન દરકારે એ પહેલાં સામેથી એક કાર આવતી જોઈને બાઈક ધીમું કર્યું, ને પાછળથી પણ હોર્ન વાગતાં જ સ્પીડ નહીવત કરી રેલીંગ પાસે જ ઊભું રાખ્યું. હવે બીઆરટીએસનાં રસ્તે બે કાર અને એક બાઈક. જીવ તાળવે ચોંટ્યો, જ્યારે જોયું કે બંને કાર મોત લઈને જ આવે છે. સામેવાળી  કારની કે પાછળવાળી કારની અડફેટે જો ન પણ આવીએ તોય નક્કી એ બે કાર અથડાશે તો બાઈક ને તો અડફેટે લેવાની જ. વિચાર મગજને પહોંચતાની સાથે જ પાછળવાળી કાર નમનનાં પગ સાથે અથડાઈ. અને સામેથી આવતી કાર પેલી કાર ને નાની ટક્કર આપતાં પુરપાટ દોડી ગઈ. મોટાં ધડાકા સાથે બાઈક ઘસડાઈને પડ્યું. જોતજોતામાં આજુબાજુ શાંતિ છવાઈ ગઈ. વાહનની અવરજવર રોકાઈ ગઈ હતી. નમનને આંખે અંધારા આવી ગયાં, પગમાંથી લોહીની નદી વહી ચાલી. અંકિતા પણ ફંગોળાઈને રસ્તા પર પડી. એની નજર સામે જ નમન કણસતો બંધ થઈ ગયો. ને એનાં મોમાંથી ચીસ નીકળી ગઈ. આ દ્રશ્યએ એને ઊભા થવા જોર પૂરું પાડ્યું, જાણે કે સતી સાવિત્રી યમરાજને જોઈને ગાંડી બની દોડી હોય પોતાના પતિનાં પ્રાણ બચાવવા. પોતે પણ લોહીલુહાણ છે એ ધ્યાનમાં લીધાં વિના એ નમન પાસે પહોંચી ગઈ. ત્યાં સુધીમાં બે ચાર જણા આજુબાજુથી આવી ગયાં, ને જોયું તો નમન બેભાન હતો. પગની નસ કપાય તો આવું થઇ શકે એમ બોલતાં પગ જોયો ત્યારે તો ત્યાં ઊભેલ સૌ કોઈને સાપ સૂંઘી ગયો હોય એવી હાલત થઈ ગઈ. અંકિતાને માથે તો જાણે આભ તૂટ્યું. ફટાફટ બધાને ફોન કરી દીધાં..ને નજીકમાં રહેતાં બેન-બનેવી ગાડી લઈને આવી પણ ગયાં, કોઈએ ઓઢણી આપી તેને નમનનાં પગે બાંધીને કારમાં સુવાડયો અને નામચીન હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયાં.


 કોઈ કંઈ વિચારી ના શકે એવી હાલત નમનની હતી. ચારે બાજુ ફક્ત બ્લડ હતું. પણ કંઈક વધારે થયું છે બોલતાં બોલતાં નમનને સ્ટ્રેચર પર સુવાડીને બધા ગુમસુમ થઈ ગયાં હતાં. શું થશે એ વિચાર માત્રથી આંખમાં દરિયો ભરાયો હતો ત્યાં તો ડ્યુટી પરનો સ્ટાફ આવ્યો અને નમનનો પગ જોઈને હાજર ડોક્ટર બનેવી આગળ બોલી પડ્યાં, આમનો પગ તો કાપવો જ રહ્યો. આ સાંભળીને બનેવીને કાન પર વિશ્વાસ ન આવ્યો..પણ મગજને અસર પહોંચતા પગ નીચેની જમીન સરકી ગઈ, મનમાં ફાળ પડી. ડોક્ટર પાસે બે વાર કન્ફર્મ કરાવ્યું, ત્યારે સ્તબ્ધ થઈ ગયાં. આ શરૂઆત સાથે જિંદગી આખી બદલાઈ જશે ! ત્યાં અંકિતાને બોલાવી કહ્યું જલ્દી મમ્મી પપ્પાને અહીં બોલાવી લે. જેમ જેમ મિત્રો અને સંબંધીને ખબર પડી એમ હોસ્પિટલનાં ઇમરજન્સી વોર્ડમાં આવવાનાં શરૂ થઈ ગયાં. કોઈને એ વિચાર સુદ્ધાં ન આવ્યો કે બેસતું વર્ષ છે, બસ નમનની ચિંતા બધાને હોસ્પિટલમાં ખેંચી લાવેલી. બીજી બાજું નમનને આઈસીયુમાં લઈ ગયેલા પછી વાતાવરણ ગમગીન બનેલું હતું. એક પછી એક ડોક્ટર્સની ટીમ હોસ્પિટલમાં નમન પાસે પહોંચવા માંડી. આખરે ડોક્ટર્સ તરફથી જાહેર થયું કે ‘નમન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, ઢીંચણ નીચેનો પગ ડેડ થઈ ગયો છે, જો હવે તાત્કાલિક પગ નહીં કાપીએ તો સવાર સુધીમાં આખું શરીર ઇન્ફેકટેડ થઇ જશે. તાત્કાલિક નિર્ણય લેવા ઘરનાં વડીલ બોલાવો’નો આદેશ છૂટ્યો પણ કોઈ કંઈ નિર્ણય લઈ શકે એવી હાલતમાં ક્યાં હતું. ઘરે નમનનાં પપ્પા તો આર્યમાન જોડે મોબાઈલ સાયલન્ટ કરી સૂતાં હતાં, કે પૌત્રની ઊંઘ ડિસ્ટર્બ ન થાય. એમને તો ખ્યાલ સુદ્ધાં ન હોય ને કે એમની ઊંઘ કાયમ માટે બગડવાનાં દિવસો આવ્યાં છે. 


અચાનક શું થયું તો અંકિતાને રાતે એક વાગે પડોશીને કોન્ટેક્ટ કરવાનું યાદ આવ્યું. આમ પણ પહેલું સગું તો પડોશી જ ગણાય. એમને ફોન કરી પપ્પાને ઉઠાડીને ફોન કરાવવા માત્ર કીધું. ઘરેથી ફોન આવ્યા બાદ તો અંકિતાની આંખોનો બંધ તૂટી પડ્યો. આંસુ રોકાયે ના રોકાય એવી હાલત થઈ. શબ્દો તો માંડ આવ્યાં ‘ પપ્પા, નમન.. નો .. જીવ જાય… છે... ‘ પિતા પુત્ર માટેનાં એવાં સમાચાર સાંભળી રહ્યાં હતાં કે બે મિનિટ રહી ને એટલું જ બોલી શક્યાં ‘શું..કીધું..! શું થયું ..?’ અને અંકિતાએ આપવીતી કહી. તાત્કાલિક બીજું કંઈ વિચાર્યા વગર જ આર્યમાનને પાડોશી ને ત્યાં મૂકીને માબાપ બને એટલું જલ્દી હોસ્પિટલ આવી ગયાં. ત્યાં સુધીમાં હોસ્પિટલમાં ત્રણસો કરતાં વધારે મિત્રો આવી ચડ્યાં હતાં, તે આંકડામાં કોઈ અતિશયોક્તિ નથી. પણ માતાપિતા કોને કહ્યાં, તેમની તોલે કોઈ ન આવે. નિર્ણય તો આખરે એમણે જ લેવાનો હોય. મિત્રોએ પોતાનાં ઓળખીતા ડોક્ટર્સને પણ ફોન કરી બોલવા માંડ્યા. માતાપિતા આવ્યાં એવા જ બહેન બનેવી અંકિતાને પણ જોડે લઈને ડોક્ટરની કોન્ફરન્સ રૂમમાં ગયાં, જ્યાં ડોક્ટરની મોટી ટીમ હાજર હતી. એમણે ટૂંકમાં સમજાવ્યું જો પગ કાપીશું નહીં તો નમનનો જીવ બચાવવો મુશ્કેલ છે. આ બાજુ અંકિતાનાં પિતા આવ્યાં ત્યારે જિંદગીમાં ક્યારેય ન વિચારેલું દ્રશ્ય જોવા મળેલું. એ પોતે તૂટી પડ્યા તો અંકિતાને હિંમત ક્યાંથી આપે ! હિંમત રાખીને જમાઈને બચાવવાના પ્રયત્નો ચાલું કર્યાં. કાળ કોઈને જાણ કરીને નથી આવતો એ એમણે અનુભવ્યું. કપાતા હૃદયે આખરે નિર્ણય લેવાયો, પગ કાપીને પણ નમનનો જીવ બચાવો. રાતે અઢી વાગે સમય અટકી ગયો, ઓપરેશન થિયેટરની બહાર ટોળું વળ્યું. સૌની આંખોમાં ચિંતાએ ઊંઘનું વર્ચસ્વ પચાવી પાડ્યું. સતત ત્રણ કલાક ઓપરેશન ચાલ્યાં બાદ આશરે સાડા પાંચ વાગે ડોકટર્સ બહાર આવ્યાં. અને ટોળું એમને ઘેરી વળ્યું. સૌને આશ્વાસન આપતાં એ બોલ્યાં, નમનનો ઢીંચણ નીચેનો પગ કાપવો પડ્યો છે, પણ સ્થિતિ નાજુક છે. એટલે આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખ્યો છે, પણ ચિંતા વધે જતી હતી. ત્યાં નવા વર્ષનું સૂર્યનું પહેલું કિરણ ઊગ્યું. નવું વર્ષ હવે શું નવું બતાવશે એ તો ભગવાન જ જાણે. પણ નમન માટે તો અંધકાર જ હતો. જીવનની એક એક ક્ષણ જીવી લેવાવાળો મોત સામે લડી રહ્યો હતો. સજળ નેત્રે સૌ એકમેકને સાંત્વના આપતાં હતાં. આઇસીયુમાં જે પણ જાય એ નમન સાથે વાત ન કરતાં કારણ બધાને એક જ પ્રશ્ન સતાવતો કે નમનને કોણ કહેશે કે પગ કાપવો પડ્યો છે. ત્રણ દિવસ વીતી ગયાં હતાં, હજુ નમન પૂરું ભાનમાં નહોતો. તેનાં મમ્મીને મોકલ્યાં, અને જાણે કંઈજ ન થયું હોય એમ નમને તેનાં મમ્મીને જોઈને આદતવશ ખુશ થઈને સ્મિત આપ્યું પણ અનુભવ્યું કે મોં પર ઓક્સિજન માસ્ક પહેરાયેલું હતું. જ્યારે મમ્મીનાં હાવભાવ જોયાં ત્યારે લાગ્યું કે પોતાની સાથે કંઈક અજુગતું જ બની ગયું છે, અને એ ફરી બેભાન અવસ્થામાં જતો રહ્યો. બીજાં દિવસે તમામ સંબંધીઓની ના હોવાં છતાં અંકિતા હિંમત કરીને આઈસીયુમાં નમનને મળવાં ગઈ અને એને જોઈને રડી પડી. આ જોઈને નમન એને સાંત્વના આપવા લાગ્યો કે બધું સારું થઈ જશે. એમ કરતાં અંકિતના મોમાંથી નીકળી ગયું કે નમન તારો પગ કાપવો પડ્યો છે. આ સાંભળી નમન વિચારશુન્ય બની ગયો અને રડું રડું થઈ ગયો. અને અંકિતાએ બાથમાં લીધો ત્યારે નમનનાં આંસુનો બંધ તૂટી પડ્યો, જાણે કે એ પોતે જ તૂટી પડ્યો. એ દિવસે બંને ભેટીને ખૂબ જ રડ્યા. આંસુ રોકાવાનું નામ જ ન લે. અંકિતાએ ક્યારેય નમનને રડતાં જોયો ન હતો. આંસુઓનું પૂર આવી ગયેલું અને આ સારસ બેલડી ભવિષ્યની ચિંતામાં ડૂબી ! પણ આ તો નમન અંકિતા છે, હારવાનું તો શીખ્યા છે જ ક્યાં? 

એ વખતે આઈસીયુમાં પણ રડતાં રડતાં અંકિતાએ નમનને કીધું ‘ચિંતા ન કર, ખોટો પગ પહેરીને દુનિયા ફરતો કરીશ, જ્યાં જે બેસ્ટ હશે એ લાવીને પહેરાવીશ.’ આમ બંને એકમેકનાં આંસુ લૂછવા લાગ્યાં. ત્યાં જ નમનની આંખોમાં એક ચમક આવી અને  એજ સમયે અંકિતાને કીધું કે બહાર જઈને ગુગલ સર્ચ કર કે અહીં આપણને બેસ્ટ લેગ કોણ આપી શકે એમ છે. નમનમાં એક નવું જોમ આવ્યું ને બોલ્યો ‘બહાર બધાને કહી દે કે નમન જીવે છે અને હજુ હિંમત હાર્યો નથી.’ આ સાંભળી અંકિતાએ સ્વર્ગની સફર કરી લીધી હોય એવો નમનનો આત્મવિશ્વાસ જોયો અને ભાવવિભોર બની ગઈ. એણે આઈસીયુની બહાર આવીને સૌને નમનનાં આત્મવિશ્વાસનાં દર્શન કરાવતાં ખુશખબર આપ્યાં. સૌનાં ચહેરા દુઃખમાં પણ મલકી ઉઠ્યાં અને પ્રભુ પર વિશ્વાસ બેઠો કે હવે આ દુઃખ અને તકલીફમાંથી નીકળવાનો રસ્તો મળશે જ. આટલેથી અટક્યું હોત તો સારું જ હતું ને. આતો નજરે જોતાં મગજને ખબર પહોંચવા માંડી કે પગ તો કપાતા કપાયો જાણે પણ જમણાં ખભે ફેક્ચર હતું એટલે ખભે ઝોળી ભરવી એમાં હાથ રાખવો પડે. અને પાછો ડાબો હાથ મચકોડાયેલો એ તો ઠીક, એ જ હાથની આંગળીમાં ફેક્ચર હતું એટલે ત્યાંય પાટો હતો. કશુંય જાતે ન કરી શકે એટલે કે સો ટકા ડિસેબલ હતો, જે થોડા સમય પહેલાં દુનિયા જીતવા નીકળી પડ્યો હતો. તે હાલ મદદ વિના કંઈજ કરવા સક્ષમ ન હતો... ક્યારેય સ્વપ્ને પણ વિચાર્યું ન હતું એ કુદરતે બતાવ્યું. દિવસ વીત્યાં નમન આઈસીયુમાંથી બહાર રૂમમાં આવ્યો. એનાં મોં પરનું કાયમ રહેતું સ્મિત ઘરનાં બધાને આનંદમાં લાવવા સક્ષમ હતું. અને તમામ લોકો આશ્ચર્ય પણ પામ્યાં કે નમન આવી હાલતમાં પણ આટલો ખુશ કેવી રીતે રહી શકે? બસ એ અંકિતાનું એક વાક્ય ‘કૃત્રિમ પગથી પણ ફરીશું’ માત્રથી નમન પાછો ઊભો થવા તત્પર હતો. હોસ્પિટલમાં જાણે એક જ પેશન્ટ હોય એમ લાગતું હતું. માનવમહેરામણ હોસ્પિટલમાં રોકે રોકાતું ન હતું. કેટલાય લોકો નમન અંકિતાના પરિવારને મળવાં આવ્યાં કરતાં હતાં. આખો દિવસ બસ માણસ જ માણસ. નમન તો રડતાં સંબંધીઓને સાંત્વના આપતો હતો કે ‘હજુ હું જીવું છું, રડો છો શું કામ !’. . બિચારા બને એ બીજા, અહીં તો નમન હસતાં મુખે ઘર તરફ પ્રયાણ કરવા તૈયાર હતો. સેવા કરવા ભગવાને અંકિતાના આંસુને ય સૂકવી દીધાં, જો એ ઢીલી પડે તો નમનનું શું થાય ! ઘરનાં સૌએ દિલ પર પથ્થર મૂકી સ્વીકારી લીધું કે કોઈએ નમન આગળ ઢીલાં પડવું નહીં. ખરી પરીક્ષા તો રજા મળે અને ઘરે જવા મળે એ પછીની હતી એ તો સૌ કોઈ જાણતાં હતાં જ. ચઢાણ કપરાં જરૂર હતાં પણ અશક્ય નહીં. 


ઘર એ ઘર, હાશકારો તો થાય જ ને ! એક બાજુ ફાઈલ, દવાઓ, ઘોડી વગેરે મૂક્યાં ! અને યાદ આવ્યું કે બેડરૂમ તો ઉપર રહ્યો, ચડવાની તો ના પાડેલી છે. ને દિલમાં કંઈક તૂટ્યું, જ્યારે નમનનાં મોઢાના હાવભાવ પિતાજીએ આંખમાં ઝળઝળિયાં સાથે જોયાં. નજર મળતાં જ બંનેએ નજર ફેરવી લીધી ને પોતાનાં કામે લાગ્યાં. નહીંતો આંસુઓનું પૂર આવી જાત એ સૌને ખબર હતી. સવા મહિને ટાંકા તોડાવવા ફરી હોસ્પિટલ જવાનું છે, એમ કહી અંકિતાએ ઘરનાં ને પોતપોતાને કામે વળગવા ઈશારો કરી દીધો અને કીધું કે એક સિંગલ બેડ અહીં ડ્રોઈંગરૂમમાં જ મૂકી દઈએ. પણ એને ખબર ન હતી કે નમને મનમાં ગાંઠ વાળી લીધી છે કે બને એટલું જલ્દી ચડ ઉતર તો કરીશ જ. એકવાર મન મક્કમ કરીએ તો ધારીએ એ બધાં જ કામ પૂરાં કરી શકાય એનું જીવતું જાગતું ઉદાહરણ નમન પોતે જ છે. કારણકે, નમન બે દિવસમાં તો બેડરૂમ સુધી પહોંચી જ ગયો. કાળજા કઠણ કરીને ય કેટલાં કરવાં એ માપવાનું સાધન તથા એનું જ્ઞાન સંજોગો અનુસાર સમય શીખવી દે છે. એ પણ કુદરતની મહેરબાની જ કહેવાય. ઘરે આવ્યાં બાદ સતત એક જ રટણ હતું આમાં આપણો શું વાંક હતો? આપણને જ કેમ આમ થયું ? એક્સિડન્ટનાં દિવસે નમન ચાર વખત તે જ જગ્યાએથી પસાર થયેલો પણ કોને ખબર પાંચમી વાર નમન અને અંકિતાની રાહ જોતો કાળ સ્વયં ઊભો છે ! ઘરમાં રહ્યો નમન રોજ પોતાનાં હાથ આ પાટા પિંડીમાંથી મુક્ત થાય અને દૈનિક ક્રિયાઓ કરતો ક્યારે થાય તેની રાહ જોવા લાગ્યો. એ રાહનો અંત આવ્યો ને લાંબા ગાળા બાદ જ્યારે નમને પોતાનાં હાથે જમણનો પહેલો કોળિયો મોમાં મૂક્યો ત્યારે તેને અમૃતથી ઓછો ન લાગ્યો. આંખમાં ઝળઝળિયાં સાથે આનંદ અને સુખનો અનુભવ થયો એ શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હતો. . મજાની વાત તો એ છે કે એક પણ દિવસ ઘર અવરજવર વગરનું રહ્યું હોય એવો ન હતો. આ બે મહિના અંકિતાનાં ઘરનાં, કઝીન્સ, ફ્રેન્ડ્સ, વડીલો કોઈને પણ રોજ પાર્ટીઓ કરવા બોલાવવાનાં જ. કેરટેકર પણ રાખવામાં આવેલ. બે મહિનાની અંકિતાની ચાકરીએ નમનને જાતે ઊભો રહેતો કરી દીધો. અને સપોર્ટ લઈને જાતે જ ચાલતો કર્યો. જાણે કંઈ જ થયું નથી એમ ઘોડી લઈને રોજ ચાલવાનાં બહાને બહાર આંટો મારવાનો. આખરે નમનને હાથ મળ્યાં, ઘોડી લઈને ફરતો થયો પણ નમને નક્કી કર્યું હતું કે આ ઘોડી કે સપોર્ટ આખી જિંદગી નથી જ જોઈતાં. કૃત્રિમ પગ લાવવાનાં પ્રયત્નો અંકિતાએ પુરજોશમાં શરૂ કર્યાં. જિંદગીમાં આવું બનશે એવું તો કોઈ દિવસ વિચાર્યું પણ ન હતું એટલે કૃત્રિમ પગની ખરીદીની ખબર પણ ન પડે. પણ હારે એ બીજા. અંકિતા બહુ બધી જગ્યાએથી અલગ અલગ ઇન્ફર્મેશન લેવાં માંડી. અને યુએસએ, જર્મની, કેનેડાનાં કમ્પોનન્ટવાળા લેગ અહીં કેવી રીતે મળે એની વિગતો લેતી રહી. આખરે નમન અંકિતા એ વિચાર્યા મુજબનું બધું જ મળી ગયું. ડોક્ટરને જ્યારે એ બાબતે મળવા ગઈ ત્યારે ડોક્ટરે અંકિતાને કૃત્રિમ પગ પહેરીને ફરતાં, ડાન્સ કરતાં લોકોનાં વિડીયો બતાવ્યાં. અંકિતા એટલી ખુશ થઈ ગઈ કે એક એક વાતો જે ડૉક્ટર સાથે થઈ એ ઘરે આવી નમન અને ઘરનાં સભ્યોને કહેવા લાગી. ખુશીનો પાર ન રહેતાં એવું લાગ્યું જાણે આખું ઘર ખુશ થઈને નાચવા માંડ્યું ! 


જલસા તો કરવા અને કરાવવા જ પડે, એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી ન છોડાય એટલે ઘોડી લઈને પણ પાર્ટીમાં પહોંચી ગયાં. ઘરે બેઠાં તો કંટાળી જવાય એવું કોઈએ જ્યારે કીધું ત્યારે કીધું કે હું નવરો પડું તો કંટાળું ને..સવાર મારી એક્સર્સાઇઝ કરવામાં જાય, બપોર મારી વાંચવાની આદત છે એટલે વાંચવામાં જાય, શેર બજારનું પણ ઘેરબેઠાં સંભાળું જ છું. સાંજે આર્યમાન જોડે રમવાનું હોય તો બીજો ટાઈમ જ ક્યાં ફ્રી રહેવાનો ! રાતે તો તમે બધાં પાર્ટી કરો તો કંટાળવાની વાત જ ક્યાં રહી. હવે રહી વાત કૃત્રિમ પગ શોધવાની એમાં તો પૂરતો સમય લીધો. પગ અને તેની અંદરની વસ્તુઓ મંગાવવા માટે ડોક્ટરને ઓર્ડર આપ્યો. અરે નમને તો સાથે શરત પણ મૂકી કે ઉત્તરાયણ સુધીમાં પગ પર ઊભાં થવું જ છે. અંકિતા તો કહે જ પણ ડોક્ટરને ય નમન પર માન થયું અને સૌની મહેનત અને લગનથી નમન ઉત્તરાયણ પહેલાં ઊભો તો ઠીક કૃત્રિમ પગ સાથે ચાલતો ય થઈ ગયો.. આમ ને આમ તો ઉત્તરાયણ આવી, પતંગ ઉડાડે જે આનંદ મળે એ નીચે બેઠાં થોડો મળે ! દુઃખની વ્યાખ્યાને તો ક્યાંય પતંગ જોડે હવામાં ઉડાડી દીધી. હવે તો નમન ને પગની જગ્યાએ પાંખો મળી ગઈ હોય એમ ક્યાંય નહીં અટકવાનું નક્કી કરીને જ બેઠો હોય એવું લાગવા માંડ્યું હતું. 


હવે તો ભાઈ આવ્યો પ્રેમનો મહિનો ફેબ્રુઆરી. પાર્ટી તો કરવી જ પડે. એનું સેલિબ્રેશન ફિક્કું પડ્યું હોય એવું લાગ્યું જ્યારે નવું શિખર સર કર્યું. એ છે બુલેટ ચલાવવાનું. વિહિકલ રેગ્યુલર હોય અને ચલાવનાર નમન તો પછી પૂછવું જ શું. લોકો કહે બુલેટનું વજન બહુ હોય છે, આ કૃત્રિમ પગ સહન કરી ન શકે. પણ આ તો નમન, કે જેણે એક વાર મૃત્યુને નજીકથી જોઈ લીધું હોય એને એનો ડર જતો રહે છે, ડર શબ્દ જ ભૂલાઈ ગયો. બુલેટનો અવાજ મસ્તિષ્ક પર સવાર થઈ ગયો. એ એટલો ખુશ થઇ ગયો કે પાછી અંકિતાને પણ પાછળ બેસાડી. ખુશીનો લહાવો એને પણ મળવો જ જોઈએ ને. આખાં ય વિસ્તારનાં લોકો આ સારસ બેલડીને ક્યાંય સુધી ખુશીના માર્યા જોતાં જ રહ્યાં. 


પોતે હેન્ડીકેપ છે એ અનુભવ થયાં વગર ક્યાં સુધી રહેવાનો.. આખરે જ્યારે રાયફલ ક્લબ પહોંચ્યો શૂટિંગ કરવા ત્યારે નીચે વળીને શૂટિંગ કરવાનું હોય એ તો ભૂલાઈ ગયું. અરે, એમ કંઈ હાર થોડી મનાય, નમને શૂટિંગ કરવા હાથમાં લીધી એરપિસ્તોલ - દસ મીટર ચાલું કરી. હવે આવ્યું નવું જોમ. નમન ડિસ્ટ્રિક્ટ લેવલે રમવા પહોંચી ગયો..અમદાવાદ બરોડા. જોતજોતામાં સ્ટેટ લેવલ પર અવ્વલ. સિલ્વર મેડલ મેળવીને નેશનલ રમવા પહોંચ્યો. એક નહીં ચાર વાર નેશનલ રમ્યો અને નેશનલ શૂટર બન્યો  એનો આનંદ છે. અંકિતા જેને પિસ્તોલ શૂટિંગ વિષે કંઈજ ખબર ન હતી તે છતાં પણ એ દિલ્હી, કેરાલા, ભોપાલ, ચેન્નાઈ વગેરે જગ્યાએ નેશનલ લેવલ ઇવેન્ટમાં જોડે હતી. નમન પણ આગળ વધવામાં જ માનનારો હતો, એને એ ઓલમ્પિક લેવલની શૂટિંગ રેન્જ પર રમવું ખૂબ જ ગમતું. નમન અંકિતાને કાયમ કહે કે આ રેન્જની ઓરા(એટમોસ્ફિયર) જ કંઈક અલગ હોય છે, અને હોય જ ને ઈન્ડિયાનાં ટોપ લેવલનાં ઇન્ટરનેશનલ શૂટર્સ સાથે રમવાનો, હળવા- મળવાનો શોખ થોડો અલગ જ લાગે. હવે તો નમન ફાયર આર્મ્સ પણ રમતો થઈ ગયો. ઓલ ઇન્ડિયા લાયસન્સ પણ લઈ લીધું. પોતાની કળામાં એક વધુ પીંછું ઉમેરાયું એટલે પગમાં પણ જોર આવ્યું. 


હવે નમને નક્કી કર્યું કે આ વખતે મે મહિનામાં સાઉથ આફ્રિકા જ જઈએ અને જઈ પહોંચ્યા એનું નક્કી કરવા. ઘરે આવીને અંકિતાને ચિંતા થઈ ઉનાળામાં આફ્રિકા અને એ પણ ખોટાં પગ જોડે.. ચાલવાનું આવશે .. કેવી રીતે અજાણ્યા દેશમાં.. શું કરીશું. પણ નમન તો બિલકુલ ઊંધુ જ વિચારતો હતો. ખોટા પગને લીધે શોર્ટ્સ કમ્ફર્ટેબલ રહેશે. એની ખરીદી કરવી જ રહી. ને જોરશોરથી તૈયારીઓ ચાલી. અને બીજી બાજુ નમને ગરમીને લીધે ચાંદી પડવા માંડી. ખોટા પગનાં સિલિકોનને લીધે ગરમી વધી જતી હતી. કોઈ કોઈ વાર લોહી પણ નીકળતું, પણ નમને ગણકાર્યું જ નહીં. અરે એ તો થાય એમ સરળતાથી બોલીને બીજાને ખુશ રાખતો. કોઈ વાર ઘડીક પગ કાઢીને લંબાવ્યું હોય ને આર્યમાન આઈસ્ક્રીમનું નામ પણ બોલે તો તરતજ તૈયાર થઈ જાય. કે ક્યાંય પણ આંટો મારવાનું આવે કે કોઈ કામ આવે તો ક્યારેય એને પગનું બહાનું નથી કાઢ્યું. બીજા થાકે પણ જો એ થાકે તો નમન નામ બદલી નાખો એમ કહે. આર્યમાનની સ્કૂલ મિટિંગ હોય કે અંકિતાનાં સગા સંબંધી, ક્યારેય એ ગેરહાજર હોય એવું આજ સુધી બન્યું નથી. અને હવે પગમાં જૂતાં પહેરતો હોય એમ ખોટો પગ ચડાવી કામે લાગતો. આફ્રિકા તો મોજ જ કરવાની છે. તો અત્યારથી આદત પાડવી જ રહી. 


જ્યારે ડોક્ટરને ત્યાં જવાનું હોય ત્યારે દરવખતે અંકિતાને એક જ વાક્ય સાંભળવા મળે ‘પ્લીઝ અંકિતા, એક વાર તો ચલાવવા દે. બસ આટલે થી આટલે જ, ઘર સુધી ક્યાં કહું છું, એક આંટો તો આપ ચલાવવા..’ આ વખતે તો જાણે ગોલ નક્કી કર્યો હોય એમ નમન બોલવા માંડ્યો, ‘રાની(અંકિતા), તને ખબર છે ને મને કાર ચલાવવાનો કેટલો શોખ છે, તું ચલાવે એ મારાથી કેટલી વાર જોવાય.? ક્યાંક એવું તો નથી ને કે મારા પરથી ભરોસો જ ..’ વાક્ય પૂરું થાય અંકિતા આગળ ..? ‘ભરોસો’ શબ્દ સાથે જ ઈમોશનલ તીર નિશાન પર વાગ્યું ને કાર સાઈડમાં જઈ ઊભી રહી ગઈ. અંકિતાથી બોલી પડાયું ‘ નમન, પ્લીઝ સાચવીને હોં. જો કોઈ જોઈ જશે કે કોઈને ખબર પણ પડશે તો મારી ખેર નહીં રહે. તને મારી પડી હોય તો સંભાળજે.’ બીજું તીર નમન ને વાગ્યું પણ જાણે પોતાની જીત હાવી થઈ ને લગામ હાથમાં લઈ રથ હાંકયો હોય એમ મોં પર જે ખુશી ઉમટી પડી એ ખરેખર જોવાં જેવી હતી. રેગ્યુલર મેન્યુઅલ કાર પોતે એબનોર્મલ થઈને ચલાવે છે એ પણ એને ક્યાં યાદ જ રહ્યું ! કાર તો સીધી ડોક્ટરને ત્યાંથી ઘર સુધી આવી પહોંચી. ઓહ.. હાશ ! હેમખેમ ઘરે પહોંચ્યાંની હાશ અંકિતાએ ચહેરા પર આવવા ન દીધી. નમન પર શું વીતશે એ વિચારે નમન ને એક મોટી સ્માઈલ એની ખુશીને બમણી કરવા આપી. પણ બંનેની આંખોમાં ખુશીના ઝળઝળિયાં આવી ગયેલ એ એકમેકથી છૂપું ન રહ્યું. 


મે મહિનો આવ્યો અને સફર શરૂ થઈ આફ્રિકાની. ત્યાં નમન આર્યમાન અને અંકિતા ને લઈ બધી જ જગ્યાએ ગયો. છેક અહીં સુધી આવ્યાં ને પોતાને લીધે થઈને એલોકો જતું કરે એવો પ્રશ્ન જ ઊભો ન થાય. સાઉથ આફ્રિકામાં નમનને બંજી જમ્પિંગ કરવું હતું પણ એને ત્યાંની ઓથોરિટીઝ એ એલાઉ ન કર્યો, ત્યારે નમને પોતાનો શોખ પૂરો કરવા અંકિતાને બંજી જમ્પિંગ ને સ્કાય ડાઈવિંગ માટે મોકલી. અંકિતા એટલી રોમાંચિત થઈ ગઈ કે હજું પણ ફોટોઝ અને વિડિયોઝ જોઈને આનંદમાં આવી જાય. જે વસ્તુઓ સામાન્ય માણસ કરતાં ડરે એ નમન પહેલો કરવા તૈયાર થઈ જાય. ફેસબુક પર પણ રોજે રોજનું ફોટોઝનું આલ્બમ આવી જતું. રેગ્યુલર ડોક્ટર સાથે ટચમાં રહે. ઘરનાં સાથે આંતરે દિવસે વિડીયો કોલ થાય. શોપિંગ પર પણ જવાનું જ. ક્યારેય કશામાં ના ન હોય તો પણ આર્યમાન અને અંકિતા કશામાં અતિરેક ન કરતાં. ત્રણેય પોતાની મસ્તીમાં હોય પણ પોતપોતાની મસ્તીમાં ન હોય. વાહ! સંસ્કાર હોય તો આવા. દરેકને સ્પેસ પણ વગર માંગે મળી રહે પણ એનો દુરુપયોગ ન થાય. એક મોટી ટ્રીપ આમ કરતાં ક્યારે પૂરી થઈ એ ખબર પણ ના પડી. અને પછી તો નવી સફર કરવાની શરૂઆત પણ થઈ, આ વર્ષો દુનિયા જોવાનાં સ્વપ્નો આગળ વધારતાં વર્ષમાં એકાદ ફોરેન ટ્રીપ અને દર ચાર છ મહિને લોકલ ઈન્ડિયામાં ટ્રીપ તો કરવાની જ. જ્યાં જાય ત્યાં બધા વળી વળીને નમન ને અને એનાં પગને જોયાં કરે ભલે પછી એ બાલી હોય કે થાઈલેન્ડ કે પછી સિંગાપોર, પણ નમન ને કઈ ફરક ન પડે. એ તો બસ આર્યમાન અને અંકિતાને લઈને બધે ફરે જ ફરે. 


પાછા આવી પહેલાં ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ લીધી. જ્યારે એમને મળવા ગયાં ત્યારે ડોક્ટર ખુશ થઈ ગયાં અને બોલ્યાં, ‘કોઈને આટલાં ખુશ રહેતાં જોયાં નથી. કોઈ પેશન્ટ આવે ને જો ખોટા પગની સલાહ પણ આપીએ તો દુઃખના પહાડ પર એકલો જ ટોચ પર લટકી પડ્યો હોય એમ માની બેસે છે. જો મારી વાત માનો તો એક સલાહકાર તરીકે મારા પેશન્ટને તમારો દાખલો આપી શકો તો .. નમન તરત જ બોલી ઉઠ્યો નેકી ઔર પૂછ પૂછ, અને આ તો મારી ફરજ છે કહેતાં ડોક્ટર સાથે હાથ મિલાવ્યાં. સહારો બનવાનું સુખ તો કેમ કરી જતું કરાય. એ તો લેગ ટ્રાન્સપ્લાન્ટ સુધીનો વિચારી રહ્યો છે એ પણ એને આખરે ડોક્ટરને જણાવી દીધું. આમ ડોક્ટરને પણ કામે લગાડી દીધાં. આખરે ખોટો એ ખોટો જ પગ કહેવાય ને પણ એ તો એમાં પણ ખુશ જ છે. પણ ઊંડે ઊંડે એ ઈચ્છા થોડે ઘણે અંશે પણ હજું ય ધબકે જ છે. જેની અંકિતાને જાણ પહેલેથી જ છે અને એ પણ ઘણાં સાથે સંપર્કમાં છે જે આ અંગે એને માહિતી પૂરી પાડે છે. યુએસએમાં પણ તપાસ કરાવી છે કે લેગ ટ્રાન્સપ્લાન્ટેશન પોસીબલ અને સક્સેસફૂલ થયું હોય તો નમનનાં નામનું રજીસ્ટ્રેશન કરવાની તૈયારી રાખી છે.


અહીં હોલ અપંગો તથા તેમનાં સ્નેહીજનોથી ભરેલો છે. ત્યાં જ ડોક્ટર્સ ટીમે તાળીઓના ગડગડાટ સાથે એનાઉન્સમેન્ટ કર્યું ‘પ્લીઝ કમ ઓન સ્ટેજ નમન એન્ડ હિઝ વાઈફ અંકિતા ..વિથ બિગ રાઉન્ડ ઓફ અપલોસ’  નિયતિ એમ એન્ડ ટીમ ફાઉન્ડેશનનું ઓડિટોરિયમ સહર્ષ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું.  ‘વી આર વેઇટિંગ ફોર અ હોપ ફ્રોમ લાઈફ, ધેટ વન ડે નમન વુડ લિવ હિસ પ્રોસ્થેટિક લેગ એન્ડ વુડ બી સક્સેસફૂલ ઇન હિઝ લેગ ટ્રાન્સપ્લાન્ટ એન્ડ વોક વિથ હિસ ઓઉન લેગ. અ ન્યુ ડે વિથ બ્યુટીફૂલ સનશાઈન વુડ કમ વિથ લોટ્સ ઓફ હોપ એન્ડ ઓપ્ટિમિસ્ટિક એટીટ્યુડ. ડિસેબલ અને હેન્ડીકેપ આ શબ્દોને અર્થવિહીન સાબિત કરીને કોઈ પણ પ્રકારનાં કોમ્પ્રોમાઇઝ વગર નમને જીવવાનું શરૂ કરી દીધું છે. કેટલાંય લોકો માટે અત્યારે તે પ્રેરણારૂપ છે, દરેક દર્દનાક સૂર્યાસ્ત પછી એક આશાવાદી સૂર્યોદય પણ હોય છે એમ નમન પણ નવા ઉદય તરફ આગળ વધતો જાય છે, ‘એટલેજ કહેવાય રામ રાખે એને કોણ ચાખે !’ આટલું બોલતાં અંકિતાએ નમન ને માઇક ધર્યું. હોલમાં ટાંકણી પડે તો ય સંભળાય તેવી શાંતિ છવાઈ ગઈ. નમન માઇક પકડીને બોલ્યો, ‘વધુ કંઈ ન કહેતાં માત્ર એટલું કહીશ કે આ ચમત્કાર ભગવાન જ કરી શકે, એ ભગવાન ડોક્ટરનું રૂપ ધારણ કરીને આવી શકે છે, પણ એ ત્યારે જ આવે જ્યારે સ્વનું મજબૂત મનોબળ હોય અને પ્રેમ, સહારો, સાંત્વના આપનાર રાની જેવી નીડર વ્યક્તિ. (અંકિતાના ખભે હાથ મૂકીને) એ સાથે લાગણીથી તરબોળ પરિવાર તથા મસ્તીખોર મિત્રો હોય તો જ આ પુષ્પ તાજું ખીલેલું રહે. નહીતો સૂકાઈને પ્રભુની ચરણરજ પામે. અસ્તુ.’ આ સાથે અપંગોને પણ જાણે જીવવા પાંખો ફૂટી હોય એમ આશાનાં કિરણો સાથે ખુશીનાં મેઘધનુષની ઝાંખી થઈ. જાણે જગનો દરેક ખૂણો ખુશીથી ઝળકી ઉઠ્યો. પણ તાળીઓ બંધ થવાનું નામ ન લેતી હતી. ઘરે આવ્યા બાદ પણ નમનને ચારેકોર એજ તાળીઓનો ગડગડાટ સંભળાતો હતો. પ્રભુનું રાહ ભટકેલને રસ્તો બતાવવા આંગળી ચીંધવાનું કામ પૂર્ણ કર્યાનો અહેસાસ થયો, સાથે પ્રભુની લાગણી ઝીલવાનું કામ એના રુંવાડા કરતાં હતાં એટલે સઘળું ડાયરીમાં ટપકાવ્યું જે અહીં સાલ - તારીખ - વાર - સમય બાદ કરતાં વાચકો માટે ખુલ્લી મૂકાઈ છે. 


કહેવાય છે જો જીવનમાં દુઃખ દર્દ મળે તો તેમાંથી નીકળવા માટે, વિભીષણ અને વૈદ્યરાજ જેવા માર્ગદર્શક- મદદનીશ ભગવાન રામને મળેલ, તેવા આપણાં જીવનમાં પણ સહારો બનવા કોઈને ને કોઈને રત્ન બનાવી પ્રભુ મોકલી જ આપે છે. પછી એ એક પત્ની જ કેમ ન હોય જે સફળ પુરુષ માટે પ્રેરણાબળ, એની પૂરક થઈને દિલમાં ઘર કરેલ હોય. માત્ર પતિનાં જ નહીં સમગ્ર કુટુંબમાં કુટુંબનો પ્રાણ બનીને રહી હોય. આવી જ એક અદમ્ય સારસ બેલડીની આ વાત હતી. જ્યાં ફરમાન હક અને પ્રેમથી ભરેલું હોય, ને નિભાવનાર અડગ પ્રેમી. એટલે જ એ ફરમાન બંનેની અદમ્ય ઈચ્છા બનીને પ્રેમ અને જીવનમાં નવાં પ્રાણ પૂરે. થાક, કંટાળો, જીદ, ગુસ્સો કદાચ આ શબ્દોનો અર્થ એ ઘરનાં લોકોને ખબર જ ન હતી. એ શબ્દોથી જ જાણે અજાણ હતાં. ઘરમાં રહે તો માત્ર ખુશી, પ્રેમ, ભાવના, આશા, ધગશ … અને શબ્દોમાં વર્તાય નહીં તેવી લાગણી ! 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ