વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શાલિની 4

શાલિનીએ બીજે દિવસે રામનો ઈમેઈલ જોયો. તેને વિશ્વાસ તો થાય જ નહીં કે આટલાં દિવસે રામનો ઈમેઈલ? ખોલતાની સાથે જ શોક લાગ્યો, ખુશી તો ગાયબ જ થવાની હતી એ નક્કી હતું, રામની હાલત જે હતી તે માની શકાય એમ ન હતી. એ પણ વિચાર કરવા લાગી. પહેલાં તો એણે રામ ને થોડાંઘણાં રૂપિયા ગુગલ પે જેવી અલગ અલગ એપ્લિકેશનથી મોકલાવ્યાં, ત્યારબાદ ઓનલાઇન જોબની શોધખોળમાં લાગી. અને છેલ્લે પોતાની જરૂર હોય તો આવવા ય જણાવ્યું એ પણ વોટ્સએપ દ્વારા. માનો કે પ્રભુ એની પરીક્ષા લઈ રહ્યાં હોય ! ફોન કરવાનો અને ફરી એનો સામનો કરવાનો એવી તાકાત હવે રહી નહોતી. આ બાજુ રામને થોડી રાહત થઈ, કે ચાલો કોઈ તો સાથે છે. રામને તો શાલિનીને ભૂલવાની હતી, ને આ તો જૂઓ પ્રભુની લીલા. રૂપિયા લીધાં તો લીધાં, પાછા આપવા હવે કમાવવા ય પડશે. એટલે કે મોંક બનવાનું માંડી વાળવાનું? હાલ પૂરતું તો ખરું જ ને! શાલિની ને પણ થોડી આશા બંધાઈ કે મારો પ્રેમ હવે તો મારી પાસે જ રહેશે. ત્યારબાદ થોડાં થોડાં વખતે હવે ફોન થવા લાગ્યાં, ખબરની આપ લે થાય પણ પ્રેમનો ઉલ્લેખ સુદ્ધાં નહીં !


આ બાજુ રામે પૈસા કમાવવા જાણે મુઠ્ઠીવાળી, ને ઓનલાઈન પ્રાણાયમ, મેડીટેશન અને યોગા કલાસ શરૂ કર્યાં. ઘેર ઘેર જઈને પણ યોગા શીખવવા લાગ્યો. શાલિનીને પૈસા ચૂકવવાનાં આવ્યાં ત્યારે એના નામથી જાણે એક જોશ મળ્યો. આમ ને આમ એક સ્કૂલમાં ઇવનિંગ કલાસ ચલાવવાની જોબ મળી ગઈ. અઢી મહિનામાં તો શાલિનીનાં તમામ રૂપિયા ચૂકવી દીધાં. મૂડી તો ક્યાં રાખવાની જરૂર જ હતી. આશ્રમમાં જવા જેટલાં જ તો પૈસા જોઈતાં હતાં. બાકીનાં ઘરખર્ચમાં વપરાયા, ભાઈ સાજો થઈ એના કલાસમાં જોડાયો એ નફામાં. એટલે કે, એ પણ કમાતો થયો. સોનામાં સુગંધ ભળી જ્યારે પાર્ટટાઈમ જોબ પણ મા શોધી લાવી. બંને ભાઈઓએ પિતાને સમજાવી સમજાવી માતા ભેગાં કર્યાં. ચલો એક સુખી કુટુંબ બન્યું. હવે તો રામ છૂટટો ને..! ઓહ, શાલિનીનાં હાલચાલ શું છે અને શું થશે..? રામે હૃદય પર પથ્થર મૂકી શાલિનીને વાત કરી, જે થયું એ બહુ જ ખોટું થયું. એમ નહીં કે તેં મને પૈસા આપીને જતાં રોકી લીધો. અરે, એમ નહીં. ઓહ ! મને ખબર નથી પડતી મારે તારો આભાર કેવી રીતે માનવો જોઈએ યાર. તેં મુશ્કેલીમાં આટલી અજાણી થઈને ય મદદ..! શાલિનીને પણ થોડી બીક હતી ને એ જ બન્યું કે રામ એને 'અજાણી'નું બિરુદ આપી બેઠો ! ને હવે ફરી મળવાનું તો થવાનું નથી જ. ફોન પર વાત પણ બંધ. શાલિનીને માથે ફરી આભ ફાટ્યું. તો શું આ જ અંત છે..? ! 


“ધ 'જર્ની' ઇટસેલ્ફ ઇઝ ઇન હેપ્પીનેસ...નોટ ધ 'એન્ડ' ઓન્લી”…આ વાક્ય એનું એટલે કે રામનું જ બોલાયેલું છે. અરે ! સોરી સોરી યાર ! હું મારો ઇન્ટ્રો આઈ મીન પરિચય આપવાનું જ ભૂલી ગઈ. પહેલો ભાગ શાલિનીનો, બીજો ભાગ રામનો અને વળી આ વાર્તા લખનાર હું ત્રાહિત વ્યક્તિ ? ગુસ્સો આવ્યો હશે તમને..કે ક્યાં પહેલાં બે ભાગ ને ક્યાં ત્રીજો. હા, હું રામ જોડે જ રહેનારી અનોખી. અમે એક જ આશ્રમમાં રહેતાં, સાથે જ સેવા આપી, સાથે જ પ્રાર્થના, સાથે જ ભોજન, એ પણ કોઈ અપેક્ષા વગર બીજા બસો જેટલાં અનુયાયી જોડે. માની લો એની મા તરીકે દેખરેખ રાખનાર ને એક બહેન તરીકે હેતનું ઝરણું વહેતું રાખનાર. એથી વધુ અમે ટ્વીન ફ્લેમ હોઈએ તેવી અનુભૂતિ કરાવનાર પ્રભુનાં અંશ. એ જ્યારે આશ્રમ આવેલો ત્યારે મારા ખોળામાં માથું મૂકી રડવા દીધેલો. એ જ વખતે અમને બંનેને લાગ્યું કે એક ભાઈ બહેનનો નાતો કોઈને કોઈ જન્મમાં હશે. ઋણ ચૂકતે કદાચ આ જન્મમાં કરવાનું હશે. ને મેં નાનાં ભાઈ તરીકે સાચવી લીધો. અમારા ગુરુ તો એક જ છે. પોઝિટિવ એનર્જીનો સ્ત્રોત તો માનો એ જ છે. એમનાં પ્રવચનો મિનિટે મિનિટે કામમાં આવે છે. રોજિંદી જિંદગીમાં કોઈ પણ ભગ્ન હોય તેની એ પીડા ક્ષણમાં દુઃખથી સુખમાં પરીવર્તે છે. સ્વને ઓળખતાં, સ્વનાં પ્રેમમાં પડી બીજા જીવોનો ઉદ્ધાર કરતાં શીખી જવાય છે. આ સૃષ્ટિનાં પાલક બની રહેવાય છે. 


બીજી બાજુ જોઈએ તો શાલિનીએ મન મનાવી અભ્યાસ પૂર્ણ કરી નોકરી ચાલું કરી. એ ઓછું હતું તો વળી જોડે જોડે, રામની યાદમાં એક એનજીઓ પણ ચાલુ કર્યું. નામ આપ્યું - શબરી કુટિયા. જાણે કે રામ ક્યારેક બોર ખાવા આવી પહોંચવાના હોય ને બદલામાં રાહ જોવાના મીઠાં ફળ આપવાનાં હોય. આગળ જતાં ઘણાં લોકો જોડાયાં. ડાબા હાથનાં દાનની ખબર ક્યારેય જમણાંને અને જમણાં હાથે દીધેલ દાનની ખબર ડાબાને ન પડે એમ મદદ પણ મળતી રહી. અને એ નામચીન થવાં જોડે લોકોને વધુ ને વધુ મદદ કરતી ગઈ. 


ત્યારબાદ ક્યારેય એણે રામનો કોન્ટેક્ટ ન કર્યો કે ન એની જિંદગીમાં દખલગીરી કરી. બસ રાહ જોતી રહી કે ફરી ક્યારેક કંઈક ચમત્કાર થાય અને રામને એની મદદની જરૂર પડે. ને આમ જ જિંદગી વહેતી ગઈ. યાદો પણ એનર્જીનો સ્ત્રોત બની શકે છે એ સાબિત કરી બતાવ્યું. આત્મા સાથે એકાકાર થઈ ગઈ હતી. 

 

જયારે હું સોશ્યલ મીડિયા દ્વારા આશ્રમનાં કામે શાલિનીને મળી ત્યારે મને ખબર ન હતી કે રામ જેની વાતો કરતો હતો તે એજ વ્યક્તિ છે. પ્રભુની લીલા પણ નિરાળી છે. ધીમે ધીમે ખબર પડી કે એ મેરેજ નથી કરવાની અને પછી દોસ્તી વધતાં કારણ પણ ખબર પડી. ત્યારે મને લાગ્યું દુનિયા બહુ નાની છે. પ્રેમ આટલો પ્રબળ કેવી રીતે હોઈ શકે કે જેને પ્રેમ કરે એ નજર સામે જ ન હોય ! શાલિનીએ સાચા અર્થમાં પ્રેમ કર્યો છે એ મને સમજાયું, કે પ્રેમી જ્યાં હોય ત્યાં એનું હિત ઈચ્છે. મનેય મનમાં થઈ આવ્યું કે મારો પ્રેમ પણ જ્યાં હોય ત્યાં સુખી થાય, ને મોક્ષ મળ્યો હોય તો તો જોઈએ જ શું? 

હું આશ્રમનાં પાઠ ભણી માતાપિતાની એકની એક વિધવા પુત્રી હોવાને નાતે એમની સેવા કરવા પાછી ફરી. અહીં નાના મોટાં તમામને આશ્રમનાં પાઠ વ્યવહારિક જીવનમાં કેવી રીતે કામ લાગે છે, હવે તે શીખવું છું.


અને, હા હું ‘અનોખી’ - ગુજરાતી, ‘રામ’ - તામિલિયન, ‘શાલિની’ - પંજાબી. બધાને ભાગ્યું-આખું-સારું ઈંગ્લીશ તો આવડ્યું.. પણ લાગણી, સંબંધ, પ્રેમમાં ભાષાની જરૂર હોય? કોણ, ક્યાં, ક્યારે, કેવી રીતે, શેના માટે, શું આપવા લેવાં મળતાં હશે જેવાં પ્રશ્નો, કારણો સાથે જ આવતાં જતાં શું શીખવી જાય છે, એજ તો જોવાનું છે ! અને શીખીને જીવનમાં ઉતારવાનું પણ છે ! પ્રેમ, ત્યાગ, ભાવના, લાગણી, લક્ષ્ય, સંબંધ અને ઘણુંબધું.

અસ્તુ 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ