વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શૈવલ

એક જીવ, જેણે ભાગ્યના લખેલા લેખ ભૂંસીને જાતેજ લખેલ છે. એની જ આ સાંભરેલી આત્મકથા, જેની સાથે હું નિરાલી પણ બાળપણથી ગુંથાયેલી છું.
        સામાન્ય ઘરમાં એક દીકરી ઘણાં વર્ષે જન્મે ને આનંદ ઉલ્લાસથી ઘરનું વાતાવરણ તો બદલાય પણ દીકરો જ ઘરનો દિપક એ વલણ કેમ કરીને બદલાય. વળી ભગવાન પાસે નસીબમાં ના હોવા છતાં માગેલું મળે તો કેવું મળે? એમ માગેલાં પ્રસાદ રૂપે થેલેસેમિયા ગ્રસ્ત બાળકનો જન્મ થયો. પહેલા તો ખુશીની લહેર ફરી વળી પણ આ જીવને લોહી ચઢાવવું પડશે જેવા શબ્દો વારંવાર સાંભળવા મળતાં. જેનું અસલ નિદાન છેક 6 મહિને થયું. વર્ષો સુધી લોકોના લોહીના સહારે મોટો તો થયો પણ આ સામાન્ય જીવન કેવું હોય વળી!? છતાંય જ્યોતિષના કહેણ ખોટા પણ પડતો રહ્યો. સામાન્ય જીવો હરીફો બન્યા,માર્ગમાં ય પથ્થરો જ મળ્યા. પણ જીવને શું ખબર જિંદગી અને મોતની વ્યાખ્યા. એ તો લોહી પોતાના શરીરમાં ફરતું હોય તો ખુશ અને ઓછું થાય તો મરણતોલ પથારીમાં.
        છેવટે પ્રભુને દયા આવતા મુંબઈમાં લોહીમાંથી આયર્ન કાઢવાની દવાની શોધ થઇ છે ને દર્દીઓને મફત દવાના ટ્રાયલ શરૂ થયાની જાણ થાય છે. સદભાગ્યે તે દવા લેતા તેને રાહત પણ થાય છે પણ લોહીની જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે. મહિને એકવાર લોહી ચઢાવું પડતું હતું એ વધીને દસ દિવસે એક વાર થયું. જીવનું હલનચલન વધે અને મોટો થાય તો લોહીનો વપરાશ વધું થાય એ ત્યારે ખબર પડી. ખર્ચા પણ વધ્યા, મુંબઈ દર મહિને જવા આવવાના.
        ફરી પ્રાથનાઓએ ભાગ ભજવી ચમત્કાર કર્યો. ને જાણ થઈ કે વેલોર (મદ્રાસ પાસે) BMT ઓપરેશન થાય છે જેમાં બોનમેરો આપવી પડે જે ચારમાંથી એક જણ સાથે મેચ થાય જે એજ કુટુંબમાંથી હોય. ને મને પ્રભુએ જાન બચવાની તક આપી જે મારા ભાઈની હતી તો ના તો કેમ પડાય ! બે ત્રણ વાર તો ભગવાન ઉપરથી ભરોસો ય ઉઠ્યો અને જીવ તાળવે ય ચોંટ્યો જ્યારે ડોક્ટરો એ કીધું જીવ આજ છે ને કાલ ના પણ હોય એવું બનેય ખરું. અમારા તરફથી કોઈજ ગેરેન્ટી નહીં. અને બન્યું પણ એવું જ. એક વાર તો મને અમદાવાદ ગયેલી પછી બોલાવી ઓપરેશન પછી ફરી ઓપરેશન કરવા. અને મારી રાખડીએ વગર ઑપરેશન ઠીક કરી બતાવ્યું. ચમત્કારની યાદી લાંબી થતી ગઈ. અનેક ઠોકરો ખાઈને લાખ પ્રયત્નના અંતે ઓપરેશન, દેખરેખ અને દુઆઓની અસરથી એ નિરોગી બન્યો. 

અને ફરી ખુશીની લહેર ફરી વળતાં લોહીના ડોનર, ડોક્ટર્સ અને નજીક ના સાગામાં મીઠાઈ અને ભગવાનની છબી અર્પણ કરાઈ અને કહ્યું “આપ અમારા માટે દેવસમાન છો, ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો સ્વીકાર તો કરવો જ રહ્યો.”
        જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ ચૂકેલો જીવ હોવા છતાં વિધાતા એ જીવની પરણવાની વિધિ એ લખી જ દે છે. પરણાવા માટે છોકરીઓ શોધવા માંડ્યા, પણ ભૂતકાળના રોગીને પોતાનું નિરોગી ફૂલ કોણ આપે, એમ વિચારી ખોડખાંપણવાળી વ્યક્તિઓની ફાઇલ જોવા મથ્યા. મનમેળ સાથે દવાનોય મેળ ખાતી જોડી તો કદાચ આ એક જ હશે. મેઘના નામની છોકરી કિડનીની દર્દી હોવા છતાંય એને જ જીવનસાથી બનાવવાનું અઘરું પગથિયું એ ચડી ગયો. બંને એકબીજામાં ઓતપ્રોત રહેવા લાગ્યા. લોકોની નજરે તો લેલા-મજનુ નું તાદ્રશ્ય ઉદાહરણ હતું. 

          જીવન ને નવી દિશા અને ગતિ મળી, બેઉ એકમેકમાં ખોવાયેલ રહેતા. મેઘનાને એનું C.A. પૂરું કરવું હતું એણે ભણવાનું ચાલુ કર્યું. એની જીદગીમાં પણ ચમત્કાર ઓછા નહોતા થયા. એ પણ પડતાં આખડતાં જ અહીં સુધી પહોંચી હતી. બંનેને એકબીજાનો ભૂતકાળ ખબર હતી એટલે બંને વર્તમાનમાં જ જીવતા. એક એક પળ જાય લાખની એમ માનીને મનભરી જીવતા. લોકો ને પણ ઈર્ષ્યા આવે એવું મહાલતા. જાણે કે ખૂટતી કડી મળી ને રમત પુરી કરી જીત મેળવી હોય. એક બાજુ જોબ ચાલુ કરી અને ઘરે જ ભણાવા માટે ટ્યૂશન ચાલુ કર્યા . ને પોતાનું અધૂરું ભણતર પૂરું કરવા મથી. આ બાજુ ભાઈએ પણ પોતાનું અધૂરું સપનું પૂરું કરવા અમુલ નું પાર્લર ખોલ્યું. બેય એકબીજા ને મદદ પણ કરતા. હવે તો વાર્તા પુરી કરવી જોઈએ પણ..
                નજર લાગવા જેવું કંઈક કામ તો કરતું જ હશે. મેઘનાને એક પછી એક તકલીફો પડવા માંડી. વંશવેલો એ તો વળી વિચારવાનું જ શું? ફરી પાછા ડોક્ટરો જિંદગીમાં આવી ચડ્યા. લીવર સાચવીએ કે કિડની એવો પ્રશ્ન કદી કોઈએ પૂછ્યો છે? અરે,શરીરના અવયવો છે બંને જોઈએ જ. પણ બેમાંથી એકજ બચાવી શકાય એવું બને તો? અને એક એક અવયવ બંધ પડતું જાય તો શું થાય? પહેલા ગર્ભાશય, પછી કાન , આંખો,  ...  આ બધું જાણવા છતાંય આંખમાં એક આંસુ પણ નહીં ને મોં પર હાસ્ય!!! ભલે એ લાલીત્યમય જાજરમાન સ્મિત ના હોય પણ એનું દર્દ તો છુપાવી દેતી હતી. બાકીના અડધા અંગનેય ખબર સુદ્ધાં નથી પાડવા દીધી કે શું અનુભવાય છે. ભલે ને લોકો બધું જાણતાં હોય.
                એકબાજુ ડાયાલિસિસ ચાલતું ને બીજી બાજુ ભાગવત ગીતા. પૈસા કમાવા કરતા વ્યક્તિ મહત્વનું લાગ્યું એટલે ખાણીપીણીનું પાર્લર બંધ કર્યું. જ્યારે કોઈ મૃત્યુશૈયા પર હોય તો મહામૃતયુંજય જાપ કરતા જોયા છે પણ ગીતા? પૂછતાં જાણવા મળ્યું કે જ્યારે આત્મા પીડાતો હોય ને મોક્ષ ના મળતો હોય તો ભગવદ ગીતા વંચાય. હાય રામ, આ હું શું સાંભળું છું..હું તાડુકી ઉઠી..એટલે શું ,તું મોક્ષ અપાવાની વાત કરે છે, એના છતે શ્વાસે!  દ્રઢ મક્કમ મન કરી હું એક વાર તો ભાભીને યમરાજ થી છીનવી લાવી. પણ નક્કી કરેલી ઘડી? ભલે થોડો સમય યમરાજ પણ થંભી ગયા અમારા પ્રેમને જોઈ. પણ શરીર સાથ ના આપે તો ઝૂકે જ છૂટકો. અને અંતે એક રાતે એમ્બ્યુલન્સ બોલાવી દાખલ કરી. એટલે મારો ફોન રણક્યો ને ત્યાં પહોચતાંવેંત હોસ્પિટલવાળાએ કહી દીધું. She is no more. આખી જિંદગીના એ ખુશીની ટોચના પાંચ વર્ષ વીત્યા પછીએ પ્રભુને આંખમાં એ ટોચ ખૂંચી, ને ફરી પાસું ફેરવી સાથીના શ્વાસ ધીરે ધીરે કરી છીનવી જ લીધા.
        ફરી એકાકી જીવન જીવતો માબાપના ને દીદીના પ્રેમને સહારે ઉભો થયો. પ્રભુની લાખ અવગણના છતાંયે ગીતા ભાગવતને ભગવાન ગણી પોતે એમનો જ અંશ છે માની, વર્તમાનમાં થેલેસેમિયાથી પીડિત અસહાય દર્દીઓનો સહારો બની ગયો છે. CIMS હોસ્પિટલમાં એ 'પ્રોજેક્ટ કોર્ડીનૅટોર' છે અને BMT સેન્ટરમાં ફરજ બજાવે છે, જે બૅંગ્લોરની સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન જોઈન્ટ થયેલ છે. આ એજ જીવ , જે જીવનમાં પર્વત ની જેમ અડગ રહે છે. નામે શૈવલ કમલભાઈ ગાંધી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ