વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

' સુખદ કે દુઃખદ ? '

          'એક વાત કહું??'

લેખક :- વિક્રમ સોલંકી 'જનાબ'


           જીવનમાં અમુક કિસ્સાઓ એવા હોય છે કે જે ના કહી શકાય કે ના સહી શકાય.. એ કિસ્સાઓ હ્રદયના એકાદ ઊંડા અને નાજુક ખૂણામાં પડ્યા રહીને અવાર - નવાર પોતાની હાજરીની આપણને પ્રતિતિ કરાવતા રહે છે. 


       મારા જીવનનો આ કિસ્સો સુખદ પણ એટલો જ છે અને દુઃખદ પણ.. ઘણી વાર પોતાનાઓ પારકા જેવો વ્યવહાર કરે છે અને પારકાઓ પોતાના બની જતા હોય છે.. બહુ ભાગ્યે જ હ્રદયના ઊંડાણમાંથી નિકળેલો મારો આ કિસ્સો 'શોપિઝેન'ના મિત્રો સમક્ષ રજૂ કરી રહ્યો છું..

           **********************************



      એ વર્ષ ૨૦૦૭ નું હતું. ધોરણ-૧૨ પછી મને શિક્ષક તાલીમ માટેની જૂનાગઢની શ્રેષ્ઠ કહી શકાય એવી ડો. સુભાષ પી.ટી.સી. કોલેજમાં એડમિશન મળી ગયું હતું. ૭૫% એ સમયમાં આવ્યા હોવા છતાં સરકારી કોલેજમાં એડમિશન ન મળ્યું એનો મનમાં રંજ તો હતો પણ પછી એડમિશન મળી ગયાની ખુશીમાં એ વિસરાઈ ગયો.


       એ વખતે અમારું કુટુંબ સંયુક્ત હતું, ૨૨ વ્યકિતઓનો અમારો પરિવાર હતો. મારા અભ્યાસનો ખર્ચ મારા દાદાજી કરતા હતા. નવમાં ધોરણથી હું બહાર હોસ્ટેલમાં અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ જીવનમાં દરેક સમય એકસરખો હોતો નથી અને જિંદગી પણ એટલી સરળ હોતી નથી, એ અનુભવ મને બહુ નાની ઉંમરમાં જ થઈ ગયો હતો. 


      કોલેજની ફી ખૂબ જ વધારે હતી એની સામે હોસ્ટેલમાં નહીંવત સુવિધાઓ હતી, ક્યારેક તો બહાર નાસ્તો કરીને પણ પેટ ભરવું પડતું. ૬ મહિનાના હપ્તે એક વર્ષનો ખર્ચ લગભગ ૭૫,૦૦૦ જેટલો હતો. એક પરિક્ષા સુધીનો સમયતો સરળતાથી પસાર થઈ ગયો પરંતુ નવરાત્રિ દરમિયાન એક એવી ઘટના બની જેણે ઓચિંતા સરળતાથી ચાલ્યા આવતા સમયના પ્રવાહને એક તોફાનમાં ફેરવી નાખ્યો.


       નવરાત્રિ દરમિયાન મારા દાદાજીનું અવસાન મારા માટે આંચકારૂપ હતું. અમારા પરિવારના તોતિંગ મોભ સમાન એ હતા. એ પછીથી એવી ઘટનાઓ ઘટી જેણે મારા જીવનને એક હતાશાની ગર્તામાં ધકેલી દીધું. 

                                 ******

      મારા દાદાજીના અવસાન પછી પરિવારનો નાનો - મોટો વ્યવહાર મારા કાકા સંભાળતા હતા. વ્યવસાય ખેતીનો હોવાથી મારા બાપુજી ખેતીનું બધું કામકાજ સંભાળતા હતા,  પરંતુ પરિવારમાં એની ઈજ્જત મજૂરથી વધારે નહોતી. એમની પાસે પોતાના ખર્ચના પૈસા જ ન હોય. બીડી - બાકસ રોજ પ્રમાણે દૂકાનેથી મળી જાય પરંતુ બહાર જવું હોય તો ઉછી - ઉધારા કરીને જાય પણ ઘરેથી માંગી ન શકે એવી એમની હાલત હતી. તેઓ ભજન ગાતા અને હાલ પણ ગાય છે એટલે કોઈ પ્રસંગે ઘણીવાર બહાર જવાનું થતું ત્યારે વગર પૈસે એ જઈ આવતા. દીવાળી કે જન્માષ્ટમી જેવા તહેવારોમાં માંડ થોડાક પૈસા વાપરવા મળતા, પરંતુ છોકરાઓ ભણે છે અને સારું જીવે છે એમનાથી એને સંતોષ હતો. 

                                    ******

    બીજા સત્રની ફી ભરવાનો સમય આવ્યો ત્યારે મને એવું કહી દેવામાં આવ્યું કે આટલી ફી ન હોય.. એવું કહીને માંડ અડધા પૈસા ઘરેથી મળ્યા. મેં મારા બાપુજીને આ વાત કરી ત્યારે એમની આંખોમાં મને લાચારી સિવાય કંઈ ના દેખાયું. જૂનાગઢ આવીને હું એકદમ હતાશ રહેવા લાગ્યો. અભ્યાસમાં પણ મન લાગતું નહોતું, હ્રદયમાં જાણે કે એક દાવાનળ સળગી રહ્યો હતો. ઘણાં મસ્તિખોર મિત્રોએ તો  ‌     ' દુ:ખી આત્મા' એવું નામ પણ રાખી દીધેલું બોલો..   આત્મહત્યા જેવા ભયંકર વિચારો પણ મગજમાં ચકરાવા લાગ્યા. મેં અભ્યાસ છોડી દેવાનો વિચાર પણ કરી લીધો, પરંતુ કહેવાય છે કે 'ધાર્યું ધણીનું થાય'...


     મારી સાથે અભ્યાસ કરતા અને સાથે જ રહેતા એક મિત્રને મારામાં આવેલા આ બદલાવનો અણસાર આવી ગયો. કોલેજમાં પણ સાહિત્યનો જીવ હોવાથી બધા સાથે સંબંધો સારા હતા પરંતુ કોઈ ખાસ કહી શકાય એવો મિત્ર નહોતો. 


   મહેશભાઈએ મારી પાસેથી મારી હાલત વિશે જાણવાની ઘણી કોશિશ કરી પરંતુ હું હ્રદયના ઘાવો દરેકને બતાવી દે એમાંનો નહોતો. આખરે એમની જીદ અને માતા - પિતાની સોગંદ આગળ હું ઝૂકી ગયો. મેં કોઈને પણ ના કહેવાની શરતે મારી બધી પરિસ્થિતિ એમને સમજાવી અને અભ્યાસ છોડી દેવાની વાત પણ જણાવી. એમની આંખો પણ છલકાઈ ગઈ. એમણે જરાપણ વિચાર કર્યા વગર મને કહી દીધું, આટલી નાની વાતમાં અભ્યાસ છોડવાની કોઈ જરૂર નથી. આપણાં માટે પહાડ સમાન લાગતી સમસ્યા કોઈને રાઈ સમાન છુલ્લક લાગતી હશે એ જાણીને મને નવાઈ લાગી. 


   એમણે મને સાંત્વના આપી અને કહ્યું કે તારી બાકી રહેતી ફી ની જવાબદારી મારી. મેં એમને ના પાડવા છતાં એમણે મને કદી ન તૂટે એવા બંધનમાં જકડી દીધો, એ હતું દોસ્તીનું બંધન. 


    બીજા વર્ષે વળી એક નવી સમસ્યા આવી. 'પાટણકાંડ' ને લીધે હોસ્ટેલમાં રહેવું ફરજિયાત ન રહેતાં અમે રૂમ ભાડે રાખીને રહેવા લાગ્યા. એમાં પણ માત્ર ફી ના પૈસા ઘરેથી મળ્યા બાકી જમવાના અને રૂમ ભાડાના તેમજ વાપરવાના પૈસા પણ મહેશભાઈ પાસેથી મળ્યા. એવા કપરા સમયમાં એ દોસ્ત મારા માટે તો ભગવાન સમાન જ હતો. 


    આ બધામાં ખાસ વાત એ હતી કે મેં ઘરે આ વાતની જાણ થવા દીધી નહોતી. મારા બાપુજી સુધ્ધાંને આ વાત ન કરી કારણકે એવા સમયમાં હું એમને વધારે દુઃખી કરવા માંગતો નહોતો. એ એટલે સુધી કે અમે સંયુક્ત પરિવારમાંથી અલગ થયા પછી પણ મેં એમનાથી તેમજ પરિવારથી આ વાત છુપાવીને રાખી છે. એક તો પરિવારનો ખર્ચ અને ઉપરથી ખેતીની ઓછી આવકને લીધે હું એમનાં પર બોજ બનવા માગતો નહોતો. 

                              ******

       હું આત્મનિર્ભર તો બન્યો પરંતુ કંઈક બચત કરી શકું એવી સ્થિતિ અત્યાર સુધી ક્યારેય આવી નથી. આટલાં વર્ષો પછી પણ મહેશભાઈની એ ૭૦'૦૦૦ જેટલી મૂડી મારા પર ઉધાર છે.  છેલ્લા ઘણાં સમયથી મહેશભાઈને પૈસાની જરૂર છે પણ હું એમને કોઈ જવાબ આપી શકતો નથી. આ બોજ તળે હું ખુદ દબાઈ ગયો છું. આ હતાશા અને બોજ મારા પર એટલો હાવી થઈ જાય છે કે મગજમાં અન્ય કોઈ વિચાર જ નથી આવતો, લખવું ઘણું હોય છે પણ લખી નથી શકતો. સલાહ તો અંગત કહી શકાય એવાં ઘણાંએ આપી છે પરંતુ જે રાહતની જરૂર છે એવી કોઈ પાસેથી હજુ સુધી મળી નથી.


      

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ