વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક વાત કહું?

"એક વાત કહું?"

     ' મુંબઈ ' નામ સાંભળતા જ પ્રથમ જે વિચાર આવે તે છે અહીંની વસ્તી અને માનવ મેળો. ઘડિયાળના કાંટે દોડતી જિંદગી એટલે મુંબઈ , દરિયાથી ઘેરાયેલું શહેર એટલે મુંબઈ , ચોમાસાનો મુશળધાર વરસાદ એટલે મુંબઈ , ગીચોગીચ મકાનમાં વસ્તી એટલે મુંબઈ , તીખા વડાપાઉં અને ઉસળ મિસળ એટલે મુંબઈ , ફિલ્મ જગત એટલે મુંબઈ , ટ્રાફિક અને ઘોંઘાટ એટલે મુંબઈ , પબ અને ડિસ્કની નાઈટ લાઈફ એટલે મુંબઈ , માણસોથી ભરેલી લોકલ ટ્રેન એટલે મુંબઈ.

    મારો તો જન્મ જ મુંબઈમાં થયો છે અને સ્વભાવિક છે મોટી પણ અહીં જ થઈ છું, હા હા હા.... હવે જન્મી જ મુંબઈમાં તો મોટી અહીં જ થાવને, ખેર આ તો મજાક કરી.

      હવે તો અહીં માનવ મેળો અને ઘોંઘાટ ન હોય તો મને અધૂરું લાગે. કેટલાંય રાજ્યોમાંથી લાખો લોકો પોતાના સપનાં પુરા કરવા અલગ અલગ ક્ષેત્રમાંથી અહી આવે છે અને ખૂબ જ ટૂંકા સમયગાળામાં તે મુંબઈને અને હા મુંબઈ તેમને ખૂબ જ પ્રેમથી અપનાવી લે છે.

        જો હાલના તબક્કે વાત કરું તો મારું મુંબઈ રડી રહ્યું છે , અવનવી આપત્તિઓ અને વિપદાથી ઝઝૂમી રહ્યું છે અને અત્યારે તેમાંની જ કેટલી વસ્તી સ્વાર્થી બનીને તેમની સ્વપ્ન નગરીને તડપતી અને રડતી મૂકી પોતાને સુરક્ષિત કરવા મુંબઈને તરછોડી નાસી રહી છે.પણ મને મારા મુંબઈ પર પૂરો વિશ્વાસ છે. ભલે ગમે તેવી આફતો આવે મુંબઈ ક્યારેય નહિ હારે , હું અને મારા જેવા મુંબઈને મા સમાન ગણનારા તેમના સંતાનો તેને નહિ હારવા દઇએ , હું તેને ક્યારેય તકલીફમાં મૂકીને નહિ ભાગુ , ભલે થોડો સમય લાગે , આમ પણ મારી નસોમાં વહી રહેલ રક્ત તો ગુજરાતનું જ છે અને ગુજરાતી ક્યારેય પીછે હટ ન જ કરે , મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં મારું મુંબઈ ફરી પહેલાની જેમ જ દોડતુ થશે.

       મારા મુંબઈને તો આદત છે આફતોથી લડવાની પછી તે કોરોના વાયરસ હોય કે નિસર્ગ વાવાઝોડું કે પછી આતંકીઓ દ્વારા કરવામાં આવેલ બૉમ્બ ધડાકા. હા મિત્રો આજે હું આપ સહુને મારા જીવનમાં અને મુંબઈમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટના વિશે જણાવવા જઈ રહી છું.

      આજથી લગભગ ચૌદ વર્ષ પહેલા એટલે કે ૧૧ જુલાઈ ૨૦૦૬ ની સાલમાં , હું કોલેજમાં ભણતી હતી , સવારે બોરીવલીથી ચર્ચગેટની ટ્રેન પકડી કોલેજ જવું અને સાંજે ચર્ચગેટથી બોરીવલી પરત ફરવું તે મારું રોજનું રૂટિન રહેતું. આ જવા અને આવવામાં તમને બેસવા મળે તે તો ભૂલી જ જાવ , પણ જો ટ્રેનમાં પગ પણ મુકવા મળી જાય તો તમે નસીબદાર કહેવાવ , વળી તેમાં પણ જો તમે બે મિનિટ પણ મોડા પડ્યા તો સમજી લ્યો કે તમારી ટ્રેન ગઈ અને જો ચોમાસું બેસી ગયું હોય તો... અરે ! તો પણ ટ્રેન તો આજ રીતે ચાલવાની તેમાં કોઈ જ ફરક ન પડે અને ખરું કહું તો મને હવે આ રીતે જીવવાની આદત પડી ગઈ છે. આથી હવે વધુ તકલીફ પણ નથી પડતી. વળી રોજ એક જ સમયે , એક જ ડબ્બો પકડવાના કારણે અમારે એકબીજાની મિત્રતા પણ થઈ જતી અને અમે એકબીજાને તે ગિરદીમાં પણ સંભાળી લેતા. ક્યારેક ઘરેથી લાવેલો નાસ્તો પણ સાથે માણી લેતા અને સુખ દુઃખની વાતો કરી ગાઢ મિત્રતા પણ કરી લેતા, આ રીતે ટ્રેનમાં બનેલ મિત્રોને અમે ટ્રેન ફ્રેન્ડ કહીએ છીએ અને આટલા વર્ષો વીત્યા છતાં પણ હજી હું તેમના સંપર્કમાં પણ છું.

      ચાલો મિત્રો તો આપણે થોડું ભૂતકાળમાં ફરી આવીએ. ૨૦૦૬ ના જુલાઈ મહિનાની ૧૧ તારીખ મને જીવનમાં ક્યારેય ન ભૂલી શકું તેવો અનુભવ કરાવી ગઈ હતી. સવારે મેં રોજ મુજબ બોરીવલીથી ચર્ચગેટની ટ્રેન પકડી હું મારી કોલેજ પહોંચી તો ગઈ પણ સાંજે વરસાદના કારણે કોલેજથી ચર્ચગેટ સ્ટેશન પહોંચવામાં મને જરા વધુ સમય લાગી ગયો , હું ખૂબ ઉતાવળી ચર્ચગેટ સ્ટેશન પહોંચી તો ગઈ, પણ હું બે મિનિટ મોડી પડી હતી , ટ્રેન સ્ટેશન છોડી રહી હતી , મારી ટ્રેન ફ્રેન્ડ મને ગિચોગીચ ભરેલા ડબ્બામાંથી બહાર ડોકિયું કાઢી જલ્દી દોડીને ટ્રેનમાં ચઢવા કહી રહી હતી. મેં પણ વધુ સમય ન બગાડતા ટ્રેનના વેગ તરફ દોટ મૂકી પણ ટ્રેનનો વેગ વધી ગયો હતો આથી મેં મારા ડબ્બા સુધી જવાના બદલે ચાલુ ટ્રેનમાં કાંઈ જ વિચાર્યા વગર જે ડબ્બામાં ચઢવા મળ્યું તેમાં હું ચઢી ગઈ.

       ટ્રેનમાં ચઢી હું મનોમન ખુશ તો થઈ કે ચાલો ટ્રેન તો ન છૂટી. ડબ્બો બદલાયો એટલે આજે નવીન ચહેરાઓ જોવા મળી રહ્યા હતા. મેં તે ગિરદીમાં માંડ માંડ સ્થાયી થઈ મારો મોબાઈલ બહાર કાઢ્યો અને મારી ટ્રેન ફ્રેન્ડ રેશ્મા કે જે મને ટ્રેનમાં ચઢવા માટે કહી રહી હતી તેને ફોન લગાડ્યો , મને થયું કે તેને હું જણાવી દઉં કે હું ટ્રેનમાં ચઢી ગઈ છું આથી ચિંતા ન કરે , પણ તેનો ફોન લાગ્યો નહિ , મને થયું કદાચ તે ટ્રેનમાં અંદર જતી રહી હશે આથી નેટવર્ક નહિ પકડાતું હોય , તે સમયે આટલી એડવાન્સ ટેકનોલોજી વાળા ફોન ન હતા.

       ચર્ચગેટથી લઈને બોરીવલી સુધીની લગભગ એક કલાકની સફરમાં મેં થોડી થોડી વારે રેશ્માને ફોન કરે રાખ્યા પણ અમારો સંપર્ક થયો જ નહિ.

        ટ્રેન હવે લગભગ બોરીવલી સ્ટેશન આવી ચૂકી હતી, ભરચક ભરેલા ડબ્બામાં હું ઉતરવા માટે સજ્જ હતી ત્યાં જ અચાનક એક ખૂબ મોટો ધડાકો થયો અને ટ્રેન જાણે પાટા પર ડોલવા લાગી , મારા કાનમાં ધાડ પડી ગઈ હતી , કુકરની સિટી વાગે તેવો અવાજ કાનમાં વાગી રહ્યો હતો. 'શું થયું ?' તે પ્રશ્ન બધાંના ચહેરા પર સાફ સાફ દેખાઈ રહ્યો હતો , તેવામાં કોઈકે કહ્યું , "આગળના ફસ્ટ ક્લાસમાં બૉમ્બ ફૂટ્યો છે." આ સાંભળતા જ મારી આંખો મોટી થઈ ગઈ અને કોને ખબર ક્યારે તેમાંથી આંસુ નીકળવા લાગ્યા. બધા ડબ્બામાંથી ધક્કામુક્કી કરતા ઉતરી રહ્યા હતા.પણ મને તો યાદ જ નથી આવતું કે હું કઈ રીતે ટ્રેનમાંથી ઉતરી હતી કારણ તે સમયે મને ફક્ત રેશ્માનો જ વિચાર આવી રહ્યો હતો. અમે રોજ એ ફસ્ટ ક્લાસનો ડબ્બો જ તો પકડતા હતા.

     નીચે ઉતરી જોયું તો લોકો આમતેમ દોડી રહ્યા હતા. એક તરફ વરસાદ વરસી રહ્યો હતો , કદાચ એટલે જ મારા આંસુને વધુ વેગ મળી રહ્યો હતો. હું ગમે તેમ કરી ફસ્ટ ક્લાસના ડબ્બા તરફ ગઈ , ત્યાનું દ્રશ્ય જોઈ હું તો ભાંગી જ પડી , રમકડાંની ટ્રેન જાણે દબાઈને તૂટી ગઈ હોય તેમ આખો ડબ્બો વેરવિખેર થઈને પડ્યો હતો , આખા ડબ્બામાં લોહીના ધબ્બા ઉડેલા હતા , લોકોની ચીસો અને રુદનથી હૃદય કાંપી રહ્યું હતું. જ્યાં જોવ ત્યાં માનવ અંગો વિખરાયેલ પડ્યા હતા. બધા પોતાના સ્વજનોને વ્યાકુળ થઈ ગોતી રહ્યા હતા. અમુક નરાધમો આવા સમયે પણ મૃતકોના સામાનની ચોરી કરી રહ્યા હતા , હું જેને ગોતી રહી હતી , તે કે તેની કોઈ ભાળ મને નહોતી મળી રહી , ત્યાં જ પોલીસની ટુકડી ત્યાં આવી પહોંચી અને અમને ત્યાંથી હટાવી બચાવ કાર્ય કરવાનું શરૂ કર્યું. હું દૂર ઉભી ઉભી લાચાર બની બધું જોઈ રહી હતી ત્યાં જ મારો ફોન વાગ્યો. જોયું તો મારા મમ્મીનો ફોન હતો , સમાચારમાં થયેલ બૉમ્બ વિસ્ફોટના સમાચાર તેને મળી ચૂક્યાં હતા. મેં મારી સલામતી વિશે તેને જાણ કરી , મારી મમ્મીને પણ હાશકારો થયો , તે મને ઉતાવળી ઘરે બોલાવી રહી હતી , એક મા ના હૃદયની વ્યથા હું સમજી શકતી હતી પણ મારો જીવ તો હજી રેશ્મામાં જ હતો. ઘણી કોશિશ છતાં પણ મને રેશ્માની કોઈ ભાળ ન મળી , વળી તેનો ફોન પણ નહોતો લાગી રહ્યો. મને તેનું સરનામું પણ નહોતી ખબર કે હું તેના ઘરે પહોંચી તેના વિશે કાંઈક પૂછું. હું સ્ટેશન પર જ હારીને બાંકડા પર બેઠી હતી. મારી નજરો હજી રેશ્માને જ ગોતી રહી હતી. મને થયું કે આજે રેશ્મા મને ટ્રેનમાં ચઢવા બોલાવી રહી હતી ક્યાંક તે દ્રશ્ય છેલ્લું તો નહિ હોય ને? શું હું હવે રેશ્માને ક્યારેય નહિ જોઈ શકું? આ પ્રશ્ન મને અંદરથી ખાઈ રહ્યો હતો.

        મને બાંકડા પર બેસીને રડતી જોઈ એક હવાલદાર અંકલ મારા પાસે આવ્યા અને મારું રડવાનું કારણ પૂછી રહ્યા હતા , હું હીબકાં ભરતા ભરતા તેને રેશ્મા વિશે જણાવી રહી હતી , ત્યાં જ અચાનક પાછળથી બે હાથ મારા ગળા સાથે વળગી ગયા , હા... તે બીજું કોઈ નહિ પણ રેશ્મા જ હતી , અમે બન્ને એકબીજાને જોઈ રાહતનો ઊંડો શ્વાસ લઈ ખૂબ ખૂબ રડ્યા અને અમારા આ સ્નેહ મિલનને જોઈ હવાલદાર અંકલ પણ ખુશ થઈ ગયા.

"તું ઠીક તો છે ને , રેશ્મા?"

"હા હું ઠીક છું , આજે તારા કારણે જ તો હું જીવું છું."

"આવું કેમ બોલે છે , પાગલ."

"અરે મને થયું કે તારી ટ્રેન છૂટી ગઈ છે એટલે હું ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગઈ , અને જેવી નીચે ઉતરી મેં તને ટ્રેન પકડતા જોઈ , અને ચાલુ ટ્રેનમાં ઉતરવાના ચક્કરમાં મારો મોબાઈલ પડી ગયો અને બંધ થઈ ગયો , આથી તને સંપર્ક પણ ન કરી શકી."

" ઓહ ! તો તું આ ટ્રેનમાં હતી જ નહિ?"

"ના , હું તો આના પછીની ટ્રેનમાં આવી છું , અને જેવી બોરીવલી ઉતરી કે આ બૉમ્બ વિસ્ફોટ વિશે જાણ થઈ , મને ખબર ન હતી કે કયા ડબ્બામાં વિસ્ફોટ થયો છે , આથી તને ગોતવા અહીં આવી પહોંચી."

"ઓહ! રેશ્મા સારું થયું તું આ ટ્રેનમાંથી ઉતરી ગઈ હતી."

"અને સારું થયું કે વરસાદના કારણે તું મોડી પડી અને તે ફસ્ટ ક્લાસનો ડબ્બો ન પકડ્યો."

       અમે બન્ને એકબીજાને ભેટી , ઘર તરફ જવા લાગ્યા પણ બાંકડા પર બેસી સ્વજનોની ભાળ મેળવવા રડી રહેલા લોકો મારા અને રેશ્મા જેટલા નસીબદાર ન હતા , તે વાતનો અફસોસ અને દુઃખ મને હજી પણ થયા કરે છે.

      હું અને રેશ્મા આજે પણ એકબીજાની ખૂબ સારી સહેલીઓ છીએ અને હજી પણ જ્યારે અમારું મળવાનું થાય છે , ત્યારે અમે ૧૧ જુલાઈ ૨૦૦૬ નો દિવસ જરૂરથી વાગોળીએ છીએ.

અમી...(નિરાલી...)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ