વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અલ્લાહ તેરો નામ.....

સલીમ અને હું પાકા મિત્રો. અમારા બંનેનો એક જ ધર્મ-'દોસ્તી'. અમારી દોસ્તી એવી કે એકબીજા વગર જરાયે ચાલે નહીં. અમે બંને આધુનિક વિચારોવાળા એટલે ક્યારેક અમારા બંનેની ક્રાંતિ વડીલોની શાંતિ ભંગ કરી નાખે અને બે પેઢી વચ્ચે ચકમક ઝરે ખરી. જે થવું હોય તે થાય પણ કોઈ વાત અમારી દોસ્તીની આડે આવી જ ન શકે.

            પણ એક પ્રસંગ અમારી જિંદગીમાં એવો આવ્યો કે તેમાં અમારી દોસ્તીની જબ્બર કસોટી થયેલી.

             મારા કાકાનાં લગ્ન હતાં. સલીમ અને હું આકાશમાં ઊડતા હતા. આ આમ શણગારીશું, તે તેમ ગોઠવીશું. આ પહેરીશું, તે ખાઈશું. આ લાવીશું, પેલું કરીશું અને અગણિત આયોજન....પણ આપણે ધારીએ તે પ્રમાણે જ જો બધું થતું હોત તો પછી 'તેને' કોણ માનત!

              મારા ઘરે મંડપ મુહૂર્ત હતું અને બરાબર તે જ દિવસે જ સલીમના અમ્મી સકીનાચાચીનું હાર્ટ ફેઈલ થઈ જવાથી સવારે સાડા સાતે અવસાન થયું. મને ખબર પડી. મેં મમ્મીને પૂછ્યું,"મમ્મી, હું થોડીવાર સલીમ પાસે......" પણ મારી વાત અધવચ્ચેથી જ કાપીને મમ્મીએ ખૂબ કડક શબ્દોમાં મને કહી દીધું,"જે ઘરે લગ્ન લેવાયાં હોય તે લોકોને જ્યાં મરણ થયું હોય તે બાજુ જોવાય પણ નહિ તો જવાની તો વાત જ ક્યાં રહી? ગાંડો નહીં થા અને છાનોમાનો નાહી-ધોઈને તૈયાર થઈ જા. હમણાં મંડપ મુહૂર્ત છે."

               મેં પછી પપ્પાને પૂછ્યું તો પપ્પાએ પણ એ જ  રીતે કહ્યું,"તારે જવું હોય ત્યાં જા, પણ લગ્ન પૂરાં ન થાય ત્યાં સુધી પાછો આ ઘરમાં પગ નહીં મૂકતો. તારા અકબરચાચાને ત્યાં જ રહેજે. શું અમને સકીનાબહેનનાં મર્યાનું દુઃખ નહીં હોય? પણ આ બધાં રિવાજ કંઈ અમસ્તા થયા હશે? મરણવાળાને ઘરે જવું એ કેવડું મોટું અપશુકન ગણાય એનું કશું ભાન છે?"

મેં દ્રઢતાથી કહ્યું,"રીત ન હોય તો આજથી શરૂ થશે અને આ પહેલો પ્રસંગ આજે બનીને જ રહેશે. હું સલીમના ઘરે ગયો. અકબરચાચા અને એનાં સંબંધીઓ પણ અચંબામાં પડી ગયાં."તારે અહીં ન અવાય. જા, ચાલ્યો જા...",વગેરે વાતો આ કાનેથી સાંભળીને પેલા કાનેથી કાઢી મેં માત્ર એટલું જ પૂછ્યું,"સલીમ ક્યાં છે?"

               અત્યાર સુધી સૂનમૂન પથ્થરની જેમ બેઠેલો સલીમ મારી જ રાહે હતો. મારો અવાજ સાંભળતાંવેંત દોડીને આવ્યો અને મારા ગળે બાઝી પડ્યો. અમે બંને ઘણી વાર સુધી રડ્યા. સકીનાચાચીની દફનવિધિ પતાવીને અમે ઘરે પાછા ફર્યા.

                અચાનક સલીમે એક રૂમમાં જઈને બારણું અંદરથી બંધ કરી દીધું. બધા ડરી ગયાં. બધાં બારણું ખટખટાવવા લાગ્યાં. થોડીવાર પછી તેણે બારણું ખોલ્યું.  સલીમે સફેદનાં બદલે રંગીન કપડાં પહેરી લીધાં હતાં! બધાંને અચરજ થયું. હું કંઈ પૂછું કે બોલું તે પહેલાં સલીમે મારો હાથ પકડ્યો અને મને લઈને બહાર જતાં-જતાં અકબરચાચાને કહ્યું,"હવે મારો વારો છે ફરજ નિભાવવાનો. હું કાકાનાં લગ્નમાં જાઉં છું." લોકોમાં હો-હા થવા લાગી. અકબરચાચાએ કંઈ બોલ્યાં વગર સલીમને એક થપ્પડ લગાવી દીધી. હું તો બાઘાની જેમ જોતો જ રહી ગયો. એ સમય જ એવો હતો કે શું બોલવું કે શું કરવું તેની કશી ખબર જ પડતી નહોતી. અમે ઘરે આવ્યા. સલીમ મને કહેવા લાગ્યો,"ખબરદાર, જો હવે એક પણ આંસુ પાડ્યું છે તો. અને આ દિવેલ પીધાં જેવું ડાચું સરખું કર.''

              લગ્નમાં સલીમ જાણે કશું બન્યું જ નથી તેમ પીરસવા માંડ્યો. તેણે મીઠાઈ પણ ખાધી! બીજે દિવસે જાનમાં પણ આવ્યો, ફટાકડાં પણ ફોડયાં અને ખૂબ નાચ્યો અને મનેય નચાવ્યો. લગ્નનું બધું કામ પૂરું ન થયું ત્યાં સુધી તેના ઘરે પણ ન ગયો. અંતે તે જયારે ઘરે જવાની રજા લેવા આવ્યો ત્યારે પછી મારાથી ન રહેવાયું અને હું ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. મને જોઈને તે પણ રહી ન શક્યો. આખું ઘર હિબકે ચડ્યું. છેવટે મારાં મમ્મી અમને રડતાં-રડતાં કહેવા લાગ્યાં,"લાલુ, સકીનાબહેન તારા અમ્મી હતાં તો હું સલીમની મમ્મી નથી?" મમ્મી આટલું બોલ્યાં ત્યાં તો સલીમ તેની ગોદમાં ઢગલો થઈ ગયો.

                ત્યારબાદ અમારું આખું ઘર અકબરચાચાને ત્યાં ખરખરે ગયું. અકબરચાચા થોડા નારાજ હતા, પણ  સલીમની અને મારી દોસ્તી આગળ છેવટે તેઓ પણ પીગળ્યા. સલીમ અને હું હવે હસતાં-હસતાં રડતાં હતા  આખરે અમારી બંનેની દોસ્તી સામે એક ખોટા રિવાજને તૂટવું જ પડ્યું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ