વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું થોડો રાજકારણી છું, ભલાદમી!!

“ હું થોડો રાજકારણી છું, ભલાદમી!!”

લેખક : - મુકેશ સોજીત્રા

   “ ભોલુ ક્યાં મરી ગયો છે?? આ તારું સગું શાક સુકાઈ જાય છે!! પાણી છાંટીને ઢાંકી દે હાલ્ય ફટાફટ”

      “આમ મરચા કપાય કોડા?? આટલા વરસથી છોલાવ્ય છો અને હજુ મરચા કાપતા નથી આવડતું??”

       “ હાલ્ય એ ઉભો થા સામું જોઇને શું બેઠો છે?? ચુલ્યમાં લાકડા કોણ તારો બાપ નાંખવા આવશે, એક સળીના બે કટકા કરવા નથીને સામું જોઇને બેસી રહેવું છે??”

                 “હાલ્ય મંડ્ય સમોસા તળવા આમ જો અ તેલ આવી ગયું છે જો એકેય કાચું ન રહેવું જોઈએ અને કાળુંય ન પડવું જોઈએ”

       “ આ બધા  બોકસમાં બરફી ભરીને પેકિંગ કરવાની છે મારે સવારે ચાર વાગ્યે જોઈએ છે. જો મોડું થયું ને તો તારો ખાખરો ખરી જાશે પછી શેઠ વચ્ચે પડશેને તો પણ હું નહિ માનું હો”

                      રતનશી  રસોઈયો લગભગ ભોલુંને આખો દિવસ ખીજાયા રાખતો.  શેઠ મણિશંકરને ક્યારેક દયા આવતી અને કહેતા રતનશી ને કે નાનો છોકરો છે થાય ભૂલ બિચારો હજુ નાનો છે. અને જવાબમાં રતનશી બોલતો કે,

              “ તો પછી બેસાડો ખોળામાં અને હાલરડાં ગાવ એના.. મને તો મારા કામથી મતલબ છે.. મને મોળું કામ ન પાલવે શેઠ.. કાં તો મૂંગું રહેવાનું અને કાં તો હું બોલું એ સાંભળી રેવાનું.. નો પોહાતું હોય તો ભોલુ ને રાખી લો રસોઈયા અને મને કરી દો છૂટો” રતનશીનું આ મિસાઈલ બરાબર  મણિશંકરના દિલ પર વાગી  જતું.

              રતનશીને છૂટો કરવાનો વિચાર પણ મણિશંકર સપનામાં પણ ના વિચારી શકે. એનું કારણ એ હતું કે આ મીઠાઈની દુકાન રતનશી પર જ હાલતી હતી. નાના એવા નગરમાં બીજી આઠેક દુકાનો મીઠાઈની હતી પણ અર્ધામાં આ  મણિશંકર ની “ એમ ડી મીઠાઈ એન્ડ ફરસાણ” અને બાકીના અર્ધામાં પેલી આઠ દુકાન આવી જાય એટલો વકરો થતો હતો. જ્યાં સુધી “ એમ ડી મીઠાઈ અને ફરસાણ”  ખુલ્લું  હોય ત્યાં સુધી લોકો બીજી દુકાને જવાનું ટાળતા અથવા એ બીજી દુકાને એવા જ લોકો જાય કે તેમને ઉતાવળ હોય અથવા આ નગરથી અજાણ્યા હોય બાકી તો આટલા પંથકમાં “એમ ડી મીઠાઈ એન્ડ ફરસાણ” ની બોલબાલા એટલે કેવી પડે!!

                    મણિશંકર દામાશંકર એટલે એમ ડી મીઠાઈ વાળા!!  રતનશીના પિતાજી ઉજમશી રાજસ્થાન સિરોહી બાજુના હતાં. દામાશંકર ને દુકાન હતી નાની એવી અને હજુ મણિશંકરનો જન્મ પણ નહોતો થયો ત્યારના ઉજમશી આ દુકાનમાં રસોઈયા હતા. ઉજમશીના અવસાન પછી રતનશી એ રસોઈયાનો કારભાર સંભાળ્યો. આમ તો રાજસ્થાની રસોઈયા  એમની રસોઈ માટે પ્રખ્યાત હોય એમ લખણમાં પણ પ્રખ્યાત હોય જ છે. રતનશી અફલાતુન આઇટેમ બનાવતો. એમાય ખાસ અહી આવીને રાજસ્થાની તડકા સાથેનું ઊંધિયું એ એની ખાસ ઓળખ હતી. આ ઉપરાંત એ ગુલાબ કતરી , કાજુ કતરી અને માવાની તમામ આઈટેમો આંગળા ચાટી જાય એવી બનાવતો હતો. લગ્ન વખતે મેસુબના તમામ ઓર્ડર “ એમ ડી મીઠાઈ  એન્ડ ફરસાણ વાળાને જ મળતાં. ભોલુ આમ તો આઠ વરસની ઉમરથી આ મીઠાઈની દુકાનમાં કામ કરતો અને લગભગ દરરોજ રતનશીના હાથની એકાદ બે થપાટ ખાતો.

                 ભોલુની મજબુરી હતી. ઘરે એ એકલો કમાવવા વાળો હતો. એનાથી નાની બે બહેનો હતી અને એક વિધવા મા હતી. શેઠ એને આમ તો રોજના ત્રણસો રૂપિયા આપતાં, પણ બસો ખાનગીમાં આપતાં અને સો રૂપિયા રતનશીને  ભાળતા  આપતા. અને ક્યારેક રતનશી આડો અવળો થાય કે તરત જ શેઠ કહેતા.

           “ ભોલુ એના લખણ જ એવા છે કે એને વધારે કહીએને તો એને બીજે જતો રહે અને મારો ધંધો ભાંગે એટલે તું મારા વતી સહન કરી લે જે.. તને ડેઈલી હજી વધારે જોઇએતો બીજા સો રૂપિયા આપી દઉં પણ એ રત્નીયાનું ખોટું ન લગાડતો. “ પણ ભોલુ સંતોષી જીવ હતો. એને દરરોજના ૩૦૦ રૂપિયા પોતાના કુટુંબના જીવન નિર્વાહ માટે પૂરતા હતા. આ ઉપરાંત રતનશીને ખબર ન પડે એમ મીઠાઈ અને ફરસાણ પણ  કયારેક મણિશંકર ભોલુંના ઘરે પહોંચાડી દે અને  પરિણામે રતનશી  રસોઈયાની દાદાગીરી અને  અપમાન સહીને ગાળો અને માર ખાઈને પણ ભોલુ એક ત્યાં ટકી ગયો હતો. 

                  આમ તો હવે કામ વધી ગયું હતું એક રસોઈયા અને એક કામવાળાથી દુકાનમાં તાણ પડતી હતી. પણ બીજા ગમે એટલા કામવાળા રાખો પણ રતનશીનો સ્વભાવ જ એવો કે કોઈ કામવાળો બે દિવસ કરતા વધારે ટકે જ નહિ. સાઈડમાં ઘણી વાર બે ત્રણ રસોઈયા રાખી જોયા પણ આ રતનશી એને એવા ઘચકાવે અને પટ્ટી ઉતારે કે સ્વમાની એવા નવા રસોઈયા શેઠ ને કહે.

               “ આટલી ગુલામી તો અમે અમારી બાયડીની પણ નથી કરતાં.. તમને પોહાય આવી ગુલામી આવી.. અમને નો પોહાય લાવો બે દિવસનો હિસાબ એટલે આજથી આ દુકાનનો ઓટલો ચડે એ બે બાપનો હોય” અને આવા સ્વભાવના કારણે હવે કોઈ બીજું આ “ એમ ડી મીઠાઈ એન્ડ ફરસાણ” માં કોઈ રસોયા તરીકે અને કામ કરવા આવતું જ નહિ.

                    બધી જ વસ્તુઓ રતનશી અને ભોલુ જ બનાવે. ખાસ તો તહેવાર હોય ને ત્યારે બરાબર કપાણ થાય પણ રતનશી અને ભોલુ રાતપાળી કરીને પણ જરૂરી મીઠાઈ અને ફરસાણ બનાવી જ લે એટલે મણિશંકર શેઠને કોઈ જ વાંધો નહોતો. બીજા મીઠાઈ વાળાએ રાખેલ રસોઈયા કરતા રતનશી ત્રણ ગણો પગાર લેતો પણ તોય શેઠને પોહાય એનું એક જ કારણ કે બીજા મીઠાઈ વાળા કરતા શેઠને પાંચગણી કમાણી વધારે હતી.

                     દુકાનનું નામ વધતું ગયુ.. કામ વધતું ગયું.. એમ એમ રસોઈયાના લખણ વધતા ગયા. ખાસ કરીને રાતપાળી હોય ને ત્યારે ભોલુ ને બહુ જ કામ રહેતું. પણ હા એ દિવસે ભોલુને રતનશી ગાળો ન આપતો પણ ભોલુ જાણે એનો સગો દીકરો હોય ને એમ સાચવે એ પણ રાતના અગિયાર વાગ્યા સુધી. રાતના દસ વાગે એટલે રતનશી ભોલુંને કહે.

                   “ ભોલુ અપ્સરા પાન વાળાને ત્યાં જા એ એક કીન્લી બોટલ આપશે.. એક કીન્લી સોડા આપશે.. ચાર મીઠા પાન આપશે અને એમ સિગ્નેચરની બોટલ આપશે. એ આ બધું મીઠાઈના ખોખામાં ભરીને લેતો આવ્ય જા. અને આલે તને આ વાપરવાના સો રૂપિયા..ના પાડ્યને તો મારા સોગંદ છે.. અત્યારે ભિંહ છે પોલીસવાળાની બધાની સાઇકલ રોકશે પણ તારી સાયકલ નહિ રોકાય!!

                  ભોલુ જાય સાઇકલ લઈને. જે કીધું હોય એ લઇ આવે. મીઠાઈની દુકાનનું શટર પડે. અને રતનશી રાજા પાઠમાં આવી જાય.

             “ ચલ ભોલુ એક પેગ બના. કીન્લી કમ ડાલના. માલ જ્યાદા ડાલના” દરરોજ દુકાનના સમયે શુદ્ધ ગુજરાતી બોલતો રતનશી પીવા બેસે ત્યારે હિન્દી મંડે બોલવા અને પછી વાત કઈ દિશામાં જાય એ નક્કી નહિ.

           “ દેખ ભોલુ જબ ઘેબર બનાના હૈ ને તબ ઉસકો ચીની ડાલને સે પહલે ચીની કો અસ્સી તરહ મિક્સરમેં બારીક કરના ચાહિયે”

          “ દેખ ભોલુ ઘારી બનાને લિયે અગર  દૂધ મેં સે માવા બનાના હૈ તો ચીની કમ ડાલના લેકિન માવા બાજારમે સે લાના હૈ ફિર ઘારી બનાની હૈ ચીની જ્યાદા ડાલના પડેગા. ઔર માલુમ હૈ ઘારી બનાને કે લિયે સ્પેશ્યલ ઘી આતા હૈ ના વોહ  જામ ખંભાલીયા સે આના ચાહિયે વો ઘી કલર હૈના વો હરા હોતા હૈ ઘારી હરી હોની ચાહિયે.

         “ ચલ ભોલુ અબ સતાર કી લારી પર જાકે દો બોઈલ ઓર તીન અંડે કી આમલેટ લે કે આના મેરા નામ દેનેકા ઔર ઉનકો કહના કી તેરે બાપકે ચાચા હૈના રતન ચાચા ઉન્હોને ભેજા હૈ ફટાફટ  ગ્રીન ચીલીમે આમલેટ બના દે વરના રતન ચાચા આયેગાના તો યહ તેરી કેબીન બેબીન સબ ઉખેંડ દેંગે!! ચલ ભોલુ જા કે લે આના” વળી ભોલું ઉપાડે સતારની આમલેટની દુકાને. સતાર એને ભાળીને તરત જ વસ્તુ બનાવી દે. સતાર ક્યારેય પૈસા ન માંગે કારણકે રાતે બે વાગ્યે એ ઘરે જાય ત્યારે મીઠાઈ શોપમાં થી ચારેક કિલો મીઠાઈ લેતો જાય!! અને પછી લગભગ ત્રણેક વાગ્યે ભોલુ ઘરે જાય અને રતનશી દુકાનમાં જમાવી દે.

              પીવાના લખણની સાથે જ બીજા  લખણ પણ ઝડપથી આવી ગયા. આમેય અપ લખણ બીકણ હોય એ ક્યારેય એકલું ન આવે બે ત્રણ અપ લખણ ભેગા જ આવે. એમ ડી મીઠાઈ એન્ડ ફરસાણની સામે જ એક કુટુંબ ભાડે રહેવા આવ્યું. રાજસ્થાન બાજુનું કુટુંબ હોવાના કારણે રતનશી સાથે ઘરોબો બંધાઈ ગયો. ભાઈ દિવસે રંગ કરવાનું કામ કરે અને બાઈ બની ઠનીને ગેલેરીમાં ઉભા રહેવાનું કામ કરે. રતનશી ભાઈ ને કામ અપાવ્યે જાય અને બાઈને થોડી થોડી ચણ નાંખતો જાય. ધીમે ધીમે પરિચય ગાઢ બન્યો. રતનશી હવે દિવસમાં એકાદ વાર દુકાનમાંથી છટકીને સામે ભાડુઆતને ત્યાં જતો રહે ખાસ કરીને બપોર વચાળે કે જયારે મણિશંકર ઘરે જમવા ગયાં હોય. થોડાક મહિના આમ ચાલ્યું પછી આખી બજારમાં ખ્યાલ આવી ગયો અને એક દિવસે બપોરે બે વાગ્યે ભાંડો ફૂટ્યો અને થયો ભવાડો. આમેય બીજી મીઠાઈ વાળાને તો દાઝ હતી એટલે એણે પણ ટેકો આપ્યો અને બાઈના ધણી અને બીજા એના સાગરીતોએ રતનશીને લમધાર્યો.પોલીસ આવી રતનશી પાસેથી નાણાકીય વસુલાત કરી. દાટી આપીને છોડી મુક્યો. રતનશી ને શેઠે કાઢી મુક્યો . પેલો ભાડુઆત પણ મકાન ખાલી કરીને ચાલ્યો ગયો અને ‘એમ ડી મીઠાઈ એન્ડ ફરસાણ’ની ઘરાકી ઘટી ગઈ.

                   શેઠે રતનશી ને છૂટો કર્યો અને બીજા બે રસોઈયા રાખ્યાં. પણ પહેલા જેવી જમાવટ ન થઇ એકાદ મહિના પછી ભોલું બોલ્યો.

              “ શેઠ મને તક આપો . મને બધું જ આવડે છે. આટલા વરસોથી જોવ છું. રતનશી કરતા પણ સારી વસ્તુઓ બનાવીશ” અને શેઠે હા પાડી અને ભોલુ એ મેઈન રસોઈયાની જવાબદારી સ્વીકારી. અને વળી બે જ મહિનામાં ગયેલી નામના એમ ડી મીઠાઈ એન્ડ ફરસાણ વાળાએ મેળવી લીધી. હવે તો ઘણા કામ કરવા વાળા શેઠને ત્યાં આવી ગયા. શેઠનો ધંધો પુર બહારમાં વિકસ્યો. હવે તો લગ્નમાં પણ એમ ડી મીઠાઈ એન્ડ ફરસાણની વાનગીઓ જવા લાગી. શેઠે ઉપર માળ પણ લીધો. એક બપોરની વાત છે ભોલો દુકાનના થડા પર બેઠો છે અને પાછળ ના દરવાજેથી સેઠ આવી ગયેલા એ એને ખ્યાલ નહિ. એક બીજી મીઠાઈની દુકાન વાળો ભોલુ પાસે આવી ને કહે.

            “ ભોલુ એક વાત કહેવી છે. તારા કામની છે અને  ફાયદાની પણ””

             “ બોલો નાગર ભાઈ શું  વાત છે” ભોલુ બોલ્યો.

             “ તું કહે એટલો પગાર.. અથવા ભાગીદારી કરવી હોય તો ભાગીદારી.. નવી દુકાનમાં તું આવી જા.. પૈસા મારા અને રસોઈ તારે બનાવાવની.. આ શેઠ આપી આપીને શું આપી દેશે.. બોલ્ય આ તો રતનશી ગયો એટલે તને ચાન્સ મળ્યો બાકી ઈ હતો ત્યાં સુધી તે ગાળ્યું ખાધીને??” નાગર ભાઈ બોલ્યા.

             “ ગાળ્યું જ નથી ખાધી પણ બધી વસ્તુ એની પાસેથી જ શીખ્યો છું ને, અને રહી બીજી વાત હું થોડો રાજકારણી છું ભલાદમી !!  હું રાજકારણી નથી રસોઈયો છું!! ખૂટલાઈ અમારી સાત પેઢીમાં નથી અને આવતી સાત પેઢીમાં નહીં હોય નાગર ભાઈ તમે સરનામું ભૂલ્યા ભાઈ!! જે દુકાનેથી હું રોટલો રળતા શીખ્યો એ દુકાનને અને  એ રોટલાને હું પાટું ન મારી શકું!! હું ખૂટલ નથી.. ખૂટલના પેટના રાજકારણીઓ આવું કરી શકે.. એ પાર્ટી ફેરવે પણ રસોઈયો થોડો પાર્ટી ફેરવે.!! ” નાગરભાઈ જતા રહ્યા અને દુકાનની અંદર શેઠ આ બધું સાંભળતા હતા.

                    શેઠ ગદગદ થઇ ગયા અને ભોલુંને બાથમાં લીધો અને કહ્યું.

               “ ભોલું આજ થી આ દુકાનમાં તારો ભાગ છે. તું અર્ધો માલિક છો આ દુકાનનો!! બોલ તું જે કહે એ આપું.. આજ હું તારા પર ખુશ છું બહુ જ ખુશ” મણિશંકર ખુબ ખુશ હતાં. ભોલું બોલ્યો.

             “ એક કામ કરો શેઠ રતનશી ને શોધીને કોઈ દુરના સ્થળે એને દુકાન બનાવી આપો. હવે એ કદાચ સુધરી ગયો હોય..  આ નગરમાં કે આજુબાજુ તો હવે એ ના આવે . ઈ ગમે એવો હોય ભલે ગાળ તો ગાળ અને માર તો માર મને આપતો  પણ એ જ્યારે પીવા બેસે ને ત્યારે હોલ દોલ થઇ જાતો અને મીઠાઈ અને ફરસાણ બનાવવાની ખાનગી ખૂબીઓ એમની પાસેથી સાંભળી છે જોઈ છે. એને ગોતો શેઠ તમે જાવ હું દુકાન સંભાળી લઈશ. એને લાઈન પર ચડાવો એટલે હું ખુશ પછી મારે દુકાનમાં ભાગેય નથી જોતો. અત્યારે તમે જે આપો છો એમાં હું ખુશ છું.” શેઠ વળી વધારે ખુશ થયા.

                પંદરેક દિવસની મથામણ પછી રતનશી મળી આવ્યો. સાવ ભિખારી અવસ્થામાં એક બસ સ્ટેન્ડ પરથી. શેઠે એને સમજાવ્યો એ સમજ્યો પણ ખરો. અને એ અજાણ્યા શહેરમાં એને મીઠાઈની દુકાન પણ કરી આપી. અત્યારે રતનશીની દુકાન સારી ચાલે છે અને એની દુકાનનું નામ છે

                           “ ભોલુ સ્વીટ  માર્ટ ” જે ભોલુંને એણે ગાળો આપેલી વગર વાંકે મારેલો પણ એ જ ભોલુ એની પાસેથી બધું જ શીખ્યો. અને રતનશીને મુશ્કેલીના સમયે ઉગાર્યો પણ ભોલુએ જ!!                     

                          બસ એ જ ઋણ ચુકવવા રતનશી એ દુકાનનું નામ  ભોલુ સ્વીટ માર્ટ રાખ્યું.

                    જો તમારામાં  સારી બાબતો ગ્રહણ કરવાની  પુરેપુરી તમન્ના હોય તો ખરાબમાં ખરાબ માણસમાંથી પણ તમે સારી બાબત શીખી શકો અને બીજી વાત નાના માણસો જ મોટી વાતો શીખવાડતા હોય છે.

લેખક :- મુકેશ સોજીત્રા

૪૨ . “ હાશ “ શિવમ પાર્ક સોસાયટી , સ્ટેશન રોડ.

મુ.પોસ્ટ ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ