વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઇલ્યુમિનાટી

 

1
ધડામ દઈને ગાડીનો દરવાજો પછડાયો. દોડતો દોડતો એક વ્યક્તિ ઘરમાં ઘૂસે છે. કંઈક 40-45 વર્ષની ઉંમર હશે પરંતુ સ્વસ્થતા એવી જાળવી રાખી છે જાણે ત્રીસકે વર્ષનો યુવક હોય. ઘરની અંદર જઈને જુવે છે તો ઓસરીમાં એક પ્રૌઢ વ્યક્તિની લાશ પડી છે. તેમાંથી વહી રહેલી લોહીની ધારા અંદરના રૂમના દરવાજાને ટકોરા માર્યા વગર જ પ્રવેશવાનું ઉચિત સમજે છે. રૂમ પોલીસવાળાઓની હાજરીથી ભરચક છે. કોઈ ફોરેન્સીક માટે સબુતો શોધી રહ્યા છે તો કોઈ વળી ગુનેગાર કોઈ બાતમી છોડી ગયો હોય તો એની શોધમાં જ છે. આ દોડતો આવેલ વ્યક્તિ એટલે ઇન્સ્પેક્ટર રાઠોડ. હવલદાર પાંડે એ રાઠોડ સાહેબને આવતાં જોયા એટલે એ તેમની પાસે પહોંચ્યો.
"શું થયું પાંડે!? ફરી એ જ વસ્તુ?"
"હા સાહેબ! આ વખતે પણ મૃતકનાં શર્ટનાં ખીચામાં તદ્દન એવો જ ફોટો છોડી ગયો છે. જુઓ!" કહીને હવલદારે તે ચિત્ર રાઠોડ સાહેબને બતાવ્યું.
"ઓહ માય ગોડ! આ ચિત્ર તો હવે મને ગાંડો કરી મુકશે કે શું? પાંડે, હવે તો રાતે સપનામાં ય આ જ ચિત્ર આવે છે."
"સાહેબ! સ્વસ્થતા કેળવો. આપણી પોલીસવાળાની જિંદગીમાં તો આવું બધું ચાલ્યા જ કરે."
"આ કઈ સામાન્ય ઘટના નથી પાંડે. આ તો ખૂલ્લો પડકાર છે. ચાર દિવસમાં ચાર ખૂન! એ પણ પાછો ચેલેન્જ ફેંકીની કરી ગયો."
"સાહેબ. હું સમજું છું તમારી વાત પરંતુ આ ઘટનાને વ્યક્તિગત પડકાર તરીકે લેવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય.ફક્ત માનસિક તણાવ જ રહેશે."
"સહુ થયું આ વખતે?"
"આ વખતે તો એને હદ કરી નાખી છે. બન્ને હાથનાં કાંડાની નસ કાપેલી છે. આપણને ખબર પડી એની કેટલી વાર પહેલાં આ કૃત્ય એ શેતાન કરી ગયો હશે એ ય ખબર નથી."
"કોઈ સબૂત છોડ્યા આ વખતે એણે?"
"ના સાહેબ! આ વખતે ય કોઈ ફિંગરપ્રિન્ટ નથી મળ્યા. ત્યાં સુધી કે હથિયાર પણ નથી મળ્યું. પુરોહિતનો પરિવાર તો વર્ષોથી ગામડે રહે છે એટલે કોઈ સાક્ષી ય નથી. ખૂબ ચાલાક છે આ કાતિલ સાહેબ."
"સારું પાંડે. હું ઓફીસ જવું છું. બને એટલા જલ્દી નવાં પુરાવાઓ મારી સમક્ષ રજુ કરજો. યાદ રાખો એ સિરિયલ કિલર હજું ખુલ્લેઆમ ફરી રહ્યો છે. એટલે ઝડપથી કામ કરશો તો કદાચ કોઈની જિંદગી બચી જશે."

આટલું કહી ઇ.રાઠોડ તેમની ઓફીસ ચાલ્યા ગયા. પરંતુ રસ્તામાં પણ તે સંકેતો જ એમનાં મગજમાં ઘૂમી રહ્યા હતાં.

 

2
ચાર દિવસ પહેલાની વાત છે. સવારમાં ઓફિસમાં કઈ ખાસ કામ ન હોવાથી રાઠોડસાહેબ ડેન બ્રાઉનની કિતાબ 'Angels and Demons' વાંચી રહ્યા હતાં. છેલ્લા 2-3 દિવસથી સમય મળે ત્યારે રાઠોડસાહેબ આ કિતાબ વાંચી રહ્યા હતા. હવે તો એટલો રસ પડ્યો હતો કે સાથે લઈને ફરતાં. જ્યાં સમય મળે ત્યાં વાંચવા લાગતા. એવામાં જ તેમનાં ટેબલ પર રહેલા ફોનની ઘંટડી વાગી. પહેલાં તો તેમને આ ઘંટડીની અવગણના કરી પરંતુ ઘંટડીએ ઢીલું ના મુકતા અંતે ફોન ઉપાડ્યો.
"હેલો! ઇન્સ્પેક્ટર રાઠોડ સ્પીકિંગ."
"હેલો સાહેબ. સાહેબ આપને જણાવા ફોન કરેલો કે જલધારા બંગલોઝના બંગલા નંબર 13ની છત પર કોઈનું ખૂન થઈ ગયું છે. ઝડપથી જજો સાહેબ. એક તો સોસાયટીમાં પાણીની ય અછત છે."
"તમે ત્યાં જ રહેજો હું પોલીસ મોકલું છું. શક્ય હોય તો લોકોને દૂર રાખજો જેથી પુરાવાઓ સાથે છેડછાડ ન થાય."
"કેવી વાત કરો છો સાહેબ! હું અહી રહીશ તો તમે પકડી નહી લ્યો! અને હા પૂરાવા તો મળી રહ્યા હો."
"કોણ બોલે છે આ? જુઓ પોલીસને ખોટી માહિતી આપવી એ પણ ગુનો છે એટલે જો મશ્કરી કાર્ય હોય તો સુધરી જાવ નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે."
"અરે સાહેબ હું ખૂની જ બોલું છું. અને મશ્કરી? મશ્કરી તો હજું મેં ચાલુ ય નથી કરી સાહેબ."
આટલું કહીં સામેથી ફોન કટ થઈ ગયો. રાઠોડસાહેબને આમ તો આ કોઈ પરેશાન કરતું હોય એવું જ લાગ્યું . કારણકે તેમનો વિસ્તાર ખૂબ શાંત હતો જ્યાં ચોરીની ઘટનાઓ પણ વર્ષમાં એકાદવાર બનતી હોય ત્યાં ખૂન!? તો પણ ખૂન જેવાં ગંભીર ગૂના વિશે સાંભળી તેમને એક વાર જગ્યાએ નિરીક્ષણ કરવું જરૂરી લાગ્યું. આથી રાઠોડસાહેબ તેમની ટીમ સાથે જલધારા બંગલોઝ પહોંચ્યા. બંગલા નંબર 13 અંદરથી લોક હતો. ઘણાં બેલ માર્યા પછી પણ કોઈ ઉત્તર ન મળતા રાઠોળસાહેબને વધારે શંકા ગઈ. આથી સિકયુરિટીવાળને બોલાવીને લોક ખોલાવી સમાગર ટીમ છત પર ગઈ. પરંતુ છત પર કોઈ લશ હતી નહીં એટલે મનમાં થોડો હાશકારો થતા સિકયુરિટીવાળાની પૂછપરછ ચાલુ કરી.
"કોનો બંગલો છે આ? અંદરથી લોક છે તો ઘરમાં કોઈ કેમ નથી."
"સાહેબ આ બંગલો તો વિનોદભાઈ શાહનો છે. તેઓ ઇન્સ્પેક્ટર છે એવું કહેતાં હતા છેલ્લે આવ્યા ત્યારે.પરંતુ એમણે તો હજી થોડા સમય પહેલા જ આ બંગલો ખરીદ્યો છે અને હજું અહીં રહેવા પણ નથી આવ્યાં."
"એટલે આ ઇન્સ્પેક્ટર વિનોદનો બંગલો છે? એ તો મારો મિત્ર છે. એને તો કઈ કહ્યું નહીં મને બગલાં વિશે. મને ફોન કરવા દે. શુ બબાલ છે આ?"
રાઠોડસાહેબે ઇ.વિનોદને ફોન લગાવ્યો. ત્યારે આજુબાજુ ક્યાંક ફોનની ઘંટડી વાગી. રાઠોડસાહેબે ફોન કટ કર્યો તો ઘંટડી બંધ થઈ ગયી. ફરી રાઠોડસાહેબે ફોન લગાવતાં ઘંટડી વાગી. આવું 2-3 વાર રાઠોડસાહેબ અને તેમની ટીમ આસપાસ બધે ફોન શોધવા લાગી. ત્યાં જ રાઠોળસાહેબને યાદ આવ્યું. "એક તો સોસાયટીમાં પાણીની ય અછત છે." આ યાદ આવતાં તેમનાં મનમાં ફાડ પડી. તેઓ જોરથી ચિલ્લાઈ ઊઠ્યા, "ટાંકી! પાણીની ટાંકી"
હવલદાર પાંડે તરત જ પાણીની ટાંકી તરફ ગયો. તેને ટાંકી ખોલીને જોયું તો ઇ.વિનોદની લાશ ટાંકીમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં પડી. હાથ-પગ મોઢું બાંધેલાં હતા. લાશ બહાર કાઢીને જોયું તો માથાં પર કોઈ ધારદાર વસ્તુથી વાર કરેલ હોય તેવું જણાયું. પોતાના મિત્રની આવી હાલત જોઈ ઇ.રાઠોડ ડઘાઈ ગયા. તેઓ ત્યાં જ નીચે બેસી ગયા. એક ઉપરીઅધિકારી તરીકેના તેમનાં હોદ્દાએ તેમને રડતાં તો અટકાવ્યા. પરંતુ દુઃખનાં ભાવ તેમનાં ચેહરાને ઘેરી ચૂક્યા હતાં.
"સાહેબ! વિનોદસાહેબનાં ખીચામાંથી આ ફોટો મળી આવ્યો છે. આ ઉપરાંત તેમનાં માથાના પાછળનાં ભાગ પર થયેલ ઘા પરથી પ્રાથમિક રીતે એવું પ્રતિત થાય છે કે તેમને બેહોશ કરીને પછી ટાંકીમાં ડુબાડીને મારવામાં આવ્યો હશે."
"કોણ હશે એ હરામખોર! આ કાંતિલને તો હું ઝડપીને જ રહીશ. જિંદગી હરામ કરી નાખીશ એની." રાઠોડસાહેબની આંખોમાંથી ગુસ્સો અંગાર બની વરસી રહ્યો હતો. તેમને પાંડેના હાથમાંથી ફોટો લીધો અને જોઈને એટલું જ બોલી ઉઠ્યા.
"આ ક્યાંથી શક્ય છે! ઈલ્યુમિનાટી!"

 

3
સાંજે રાઠોડસાહેબ પોતાની ઓફિસમાં બેઠા બેઠા લેપટોપમાં કંઈક શોધી શોધીને કાગળ પર ટપકાવી રહ્યા હતા. એવામાં જ પાંડે તેમની ઓફિસમાં આવ્યો. 
"આવ આવ પાંડે. આશા રાખું છું સારા સમાચાર જ લાવ્યો હોઈશ."
"માફ કરજો સાહેબ. પરંતુ સમાચાર ખરાબ છે."
"એટલે?"
"એટલે એમ સાહેબ... કે... ફોરેન્સિક તપાસ પછી પણ ઘરમાંથી કે છટપરથી ગુનેગારનાં કોઈ જ પુરાવા નથી મળ્યા. ત્યાં સુધી કે ફિંગરપ્રિન્ટ પણ નથી મળ્યા ક્યાંયથી એના. અને તમારા ઓફીસના લેન્ડલાઈન પર સવારે જે ફોન આવ્યો હતો તેની તપાસ પણ કરી. પરંતુ એ ફોન મુંબઈથી આવ્યો હતો એવું બતાવે છે. એ સીમકાર્ડ મુંબઈના જ કોઈ વ્યક્તિના નામે નોંધાયેલ છે. તથા એ ફોન કર્યા પછી એ સીમકાર્ડ ફરી એક્ટિવ નથી થયું."
"કઈ વાંધો નહીં. જરૂર હત્યારો મુંબઇ ભાગી ગયો હશે. મુંબઇ પોલીસને ફોન કરીને જાણ કરો કે આ સીમકાર્ડધારકની આગળ માહિતી મેળવે."
"કર્યો હતો સાહેબ! પરંતુ આ હત્યારો બહું હોશિયાર લાગે છે. આ સીમકાર્ડ જેનાં નામે છે એ વ્યક્તિ થોડા સમય પહેલાં જ મૃત્યુ પામેલ છે."
"બાસ્ટર્ડ! કોઈ જ પુરાવા ન છોડ્યા. બહું ચાલક છે. પણ એનો પનારો ય આ વખતે ઇન્સ્પેક્ટર રાઠોડ સાથે પડ્યો છે. પકડીને જ રહીશ એને." ઇ.રાઠોડ ગુસ્સામાં બોલ્યા.
"હા.. હા.. સાહેબ! બરાબરનો સબક શીખવીશું આ હત્યારાને. પણ એક વાત પૂછું! પેલો ફોટો જોઈને તમે જે ઇલુમનથી બોલ્યાં એ શું હોય?!"
"ઇલ્યુમિનાટી પાંડે ઇલ્યુમિનાટી! આ એક સમૂહ હતો જેને ધર્મની ખિલાફ જંગ છેડયો હતો. કોઈ લોકો એમને સમાજસુધારક માનતા હતાં તો કોઈના મતે એ શેતાનના પૂજારી હતાં. આ જે ફોટો મળ્યો છે ને એમાં રહેલું ચિહ્ન ઇલ્યુમિનાટીનું જ છે. જો હું ઓનલાઈન એ વિશે જ સર્ચ કરી રહ્યો છું. વધારે પડતાં ઉત્સાહમાં એ ખૂનીએ આપણને સામેથી પુરાવો આપ્યો છે."
"ઓહ! પણ સાહેબ તમને કેમની ખબર આ ઇલ્યુમિનાટી વિશે?"
"હાલમાં હું જે નોવેલ વાંચી રહ્યો છું એમાં થોડું ઇલ્યુમિનાટી વિશે આવે છે અને થોડું મેં ઓનલાઈન સર્ચ કર્યું છે."
"તો આ ઇલ્યુમિનાટી પાછા આવી ગયાં છે! એ પણ આપણાં શહેરમાં?"
"ના ના પાંડે! કેવી વાત કરે છે!  આ તો પશ્ચિમી દેશોમાં હતાં. સાચું છે કે ખોટું એ અંગે ય વિવાદ છે. પણ આપણો કાતિલ ઇલ્યુમિનાટીની નકલ કરતો હોય અથવા તો આપણને ગુમરાહ!"

 

4
બીજા દિવસની સવાર છે. હજું સુધી પણ કોઈ નિષ્કર્ષ પર ન આવેલાં રાઠોડસાહેબ એ ઇલ્યુમિનાટીનાં ચિહ્નને તાકી તાકીને જોઈ રહ્યા છે. ત્યાં જ એમનાં ઑફિસના લેન્ડલાઈનની ઘંટડી વાગે છે. રાઠોડસાહેબ ફોન ઉપાડે છે અને કઈ બોલે તે પહેલાં જ સામેથી અવાજ આવે છે..
"હેલો! ઇન્સપેક્ટર વિનોદનો કાતિલ સ્પીકિંગ..."
"હરામખોર! બહુ કુદકા મારસને ... જો તારા ટાંટિયા ન ભાંગી નાખું તો મારું નામ જગતસિંહ રાઠોડ નહીં!"
"હાહાહા! તો તો રાઠોડસાહેબ નવું નામ શોધવા લાગો. અરે જોવો તમે વાતો વાતોમાં ભૂલવી દેત હમણાં! ફોન એટલે કર્યો હતો કે મને જાણવાં મળ્યું કે ઇલ્યુમિનાટીનું ચિહ્ન તમને બહું ગમ્યું. એટલે મેં મિત્રતાને નાતે તમારા માટે એવું જ બીજું ચિહ્ન સીટી મોલનાં પાર્કિંગમાં રાખ્યું છે. બીજું કોઈ લઈ જાય એ પહેલાં લઇ લેજો. બસ યાદ કરતાં રહેજો આમ ને આમ!"
આટલું કહીં ફોન કટ થઈ ગયો. રાઠોડસાહેબે એક પણ પળનો બગાડ ન કરતાં પોતાની ટીમને જાણ કરી સીધાં સીટી મોલ તરફ ધસી ગયાં. ત્યાં જઈને ટીમને મોલમાં સર્ચ કરવાનું કહી પોતે પાર્કિગ તરફ ગયાં. હાથમાંથી પોતાની લોડેડ રિવોલ્વર પકડી છે અને પોતે એકદમ સચેત છે. પાર્કિંગમાં રહેલાં સિકયુરિટીવાળા ને પૂછતાં જાણ થઈ કે એ હાલ જ આવ્યો છે અને મોલ હજુ ખુલ્યો નથી. પાર્કિંગમાં અંદર જતા તેમને જોયું તો એક બેજાન શરીર પડ્યું હતું જેનાં માથામાંથી લોહીની લાંબી ધારા વહી રહી હતી.માથું આખું છૂંદાયેલું હતું. ગાડીનું ટાયર હજુ પણ માથા પર જ હતું. સિકયુરિટી તો આવું કંપાવી નાખે એવું દ્રશ્ય જોઈ ત્યાં જ બેભાન થઈ પડ્યો. રાઠોડસહેબે પોતાની ટીમને જાણ કરી અને પોતે સમગ્ર પાર્કિંગની છાનબીન કરવાં લાગ્યાં. પાર્કિગમાં કઈ જ ન મળતા તેમને તે લાશને ઓળખવાનો પ્રયાસ કર્યો પણ ચેહરો એકદમ છૂંદાઈ ગયું હોવાથી લાશની ઓળખ થઈ શકી નહીં. જ્યારે ખીચાને ફંફોળ્યા ત્યારે તેમાંથી એક પાકીટ મળ્યું અને એક મળ્યો ફોટો. પાકિટ તરફ વધારે ધ્યાન ન આપતા રાઠોડસાહેબે જોયું તો તદ્દન પ્રથમ હત્યામાં મળ્યો હતો એવો જ ફોટો હતો આ. રાઠોડસાહેબ ફોટોને નીરખી થયા હતા ત્યારે તેમની ટીમ ત્યાં આવી પહોંચી. પાંડેએ પાકીટ તપાસતા અંદરથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું.
"સાહેબ! આ તો આ મોલનાં જ માલિક નિરંજન પટેલ છે."

 

5
સાંજ પડવા આવી છે. રાઠોડસાહેબ ઇ.વિનોદ અને નિરંજન પટેલ વિશેની માહિતી એકઠી કરી બન્ને હત્યા વચ્ચેની કડી શોધવા પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યાં જ પાંડે તેમની ઓફિસમાં આવે છે.
"આજે તો સારા સમાચાર લાવ્યો છે ને પાંડે?"
"બહું અફઓસ સાથે કહું છું સાહેબ પણ આજ પણ સમાચાર સારા નથી."
"કેમ આજ પણ કોઈ પુરાવા ન મળ્યાં?"
"ના સાહેબ. ફોનનું તો કાલ જેવું જ થયું. બસ આ વખતે બેંગ્લોરથી આવ્યો હતો. સીમકાર્ડધારકનું સરનામું ય ત્યાં નું છે અને એ પણ થોડા સમય પહેલાં મૃત્યુ પામી ચુક્યા છે."
"હમમમ! આ કાતિલ આપણે ધર્યો હતો એનાં કરતા વધારે શાંતિર છે. મોલનાં નાઈટડ્યૂટી પરનાં ગાર્ડનું સ્ટેટમેન્ટ લીધું?"
"હા સાહેબ! પણ એ ગાર્ડ કામચોર નીકળ્યો. તે મોડી રાત્રે જ એની ડ્યૂટી છોડી ઘરે જતો રહ્યો હતો. મને તો લાગે છે આ હત્યારાએ એટલે જ મોલની પસંદગી કરી."
"હા.. બની શકે. અને એ ગાડી કોનાં નામે નોંધાયેલ છે?"
"સાહેબ એ ગાડી નિરંજન પટેલની જ છે. એની જ ગાડીથી એને મારી નાખ્યો બિચારાને."
"હમમમ.. મને એવું લાગે છે કે આ કોઈ સાયકોકિલર છે. હવે એને રમત રમવાની મજા પડી રહી છે. આપણો પહેલો પ્રયત્ન તેનાં આ પછીનાં શિકારને બચાવવાનો છે. આમ છતાં તેનો ફરીથી ફોન આવી શકે છે. આથી, મારા લેન્ડલાઈનનાં રેકોર્ડીંગની વ્યવસ્થા કરી દો. અને પૂરી ટીમને કહો અન્ય દરેક કામ છોડી આ ખૂનીની શોધમાં લાગી જાય."

 

6
ત્રીજા દિવસની સવાર છે. ઇ.રાઠોડને પૂરો વિશ્વાસ હતો કે કાંતિલનો ફોન આવશે. તેઓ તેમની ટીમ સાથે સજ્જ થઈને જ બેઠાં હતાં. અને મનમાં એક વસવસો પણ હતો કે હજું સુધી કાંતિલને પકડવામાં નિષ્ફળ રહ્યાં એટલે આ જ એક વધારે નિર્દોષ હોમાઈ જશે. એમની ધારણા પ્રમાણે જ ફોનની ઘંટડી વાગી. અધીરા બનેલા ઇ.રાઠોડે તરત જ ફોન ઉપાડ્યો.
"શું રાઠોડસાહેબ! રાહ જોઇને જ બેઠા હતા! આટલો ઇંતેજાર તો પ્રેમી પંખીડાઓને પણ એકબીજાના ફોનનો નથી હોતો."
"તારી લવારી બંધ કર. મારે તારા સિવાય ય ઘણાં મહત્વનાં કામ છે."
"સારું. સીધો મુદ્દા પર આવું છું. તમને તમારું ચિહ્ન મેયરની ઓફિસ પર મળી જશે. આ ગટરો કોઈ સાફ જ નહીં કરાવતું નઇ!"
પોતાની ટીમને રવાના થવાનો ઈશારો કરી પોતે સરખું સાંભળ્યું હોવા છતાં કોલ ટ્રેસિંગ માટે વધુ સમય લેવા માટે પૂછ્યું, "સહુ કહ્યું? કઈ જગ્યા એ?"
"અરે રાઠોડસાહેબ... રેકોર્ડ કરો જ છો ને! ફરીથી સાંભળી લેજો."
આટલું કહીં તેને ફોન મૂકી દીધો. રાઠોડસાહેબ તેમની ટીમને લઈને મેયર ઓફીસ તરફ દોડી ગયા. અગાઉના અનુભવ પરથી તેઓ જાણી ગયા હતા કે લાશ ગટરમાં જ હશે. પાંડેને લાશ બહાર કાઢવાનો ઈશારો કરી, પોતે બીજા થોડા સાથીદારો સાથે લઈને આજુબાજુ વિસ્તારમાં ચકાસણી કરવાં ગયા. પરંતુ કઈ શંકાસ્પદ ન જણાતાં ફરી મેયર ઓફીસ પાસે આવ્યા.
"સાહેબ! અંદરથી મેયર સાહેબની જ લાશ મળી છે. પરંતુ શરીર પર કોઈ ચોટ કે જખ્મનાં નિશાન મળ્યા નથી. હા.. પણ આ ફોટો મળ્યો છે. તદ્દન એવો જ!"
રાઠોડસાહેબે ફોટો હાથમાં લઈ જોયો. અને પોતે કેટલાં વિવશ છે એ જાણીને માથે હાથ રાખી ત્યાં જ બેસી ગયાં.

 

7
સાંજનાં સમયે ઇ.રાઠોડ પોતાની ઓફિસમાં બેઠાં છે. પોતે હાર તો નથી સ્વીકારી પરંતુ તો ય ઉદાસીનતા તેમનાં ચેહરા પર છવાયેલી છે. હાથમાં પેલો એ જ ફોટો લઇને એને તાકી તાકીને જોઈ રહ્યા છે. મગજમાં વિચારોનું વાવાઝોડું પોતાનો પ્રકોપ દેખાડી રહ્યું છે. ત્યાં જ નિત્યક્રમ મુજબ પાંડે હાજર થાય છે.
"આવ પાંડે. લેટ મી ગેસ! આજે ચેન્નાઇ?"
"ના સાહેબ. કોલકાતા!"
"બ્લડી સન ઑફ બાસ્ટર્ડ!"
"વધારે ચિંતા ન કરશો સાહેબ. પકડાઈ જશે. આમ ય તમે જ આ શહેરની આખરી આશા છો, તમે જ હાર માની લેશો તો લોકોનું શુ થશે?"
"સાચી વાત છે તારી પાંડે. મેયર સરનાં પરિવારનું શુ થયું"
"એમને જાણ કરી દીધી છે સાહેબ. એ લોકો મનાલી ગરબા ગયા હતાં. ત્યાંથી પાછા આવવાં નીકળી ગયાં છે. મેયર સાહેબની મૃત્યુનું કારણ ફોરેન્સિક મુજબ દમ ઘૂંટવો છે. મને તો લાગે છે મેયરસાહેબને પેલું પિક્ચરમાં બતાવે એમ પ્લાસ્ટિકની થેલીમાં ઘૂંટાઈ ઘૂંટાઈને મારી નાંખ્યા હશે."
"પાંડે! શું બોલે છે એનું ભાન છે તને!" ઇ.રાઠોડ તાડુંકી ઉઠ્યા.
પાંડે મૌનમાં જ શાણપણ છે એમ સમજી તેમની કેબીન છોડી જતો રહ્યો.

 

8
આજે ચોથો દિવસ છે આ વાતને. વહેલી સવારમાં પોતાના પલંગ પર સૂતા સૂતાં રાઠોડસાહેબ હજું પણ એ કાતિલ વિશે વિચારી રહ્યાં છે. તેમની લાલઘૂમ આંખો એ વાતની સાક્ષી છે કે તેઓ આખી રાત સૂતા નથી. ત્યાં જ તેમનાં મોબાઈલમાં રિંગ વાગે છે. આટલો વહેલો કોનો ફોન હશે એવું વિચારી રાઠોડસાહેબ ફોન જુએ છે તો કોઈ અજાણ્યો નંબર છે.
"હેલો! ઇન્સ્પેક્ટર રાઠોડ સ્પીકિંગ."
"હેલો રાઠોડસાહેબ! માફ કરજો આજે મોબાઈલ પર ફોન કરવો પડ્યો. પણ આજ થોડું વહેલી સવારે હતું એટલે ના છુટકે કર્યો પછી."
"તું! તારી હિમ્મત કેવી રીતે થઈ મને મારા મોબાઈલ પર ફોન કરવાની! યાદ રાખજે જે દિવસે મલી ગયો ને જીવતો નહી છોડું તને સાલા!"
"અરે.. અરે રાઠોડસાહેબ.. આટલો બધો ગુસ્સો સારો નહીં. બાકી બધી વાત છોડો. આજનો તમારો પ્રિય ફોટો શહેરના છેડે આવેલા ભોલેશ્વર મંદિર પર તમારો ઇંતેજાર કરે છે. આ પૂજારીઓ ય ખરાં છે. મંદિરની બાજુમાં શા માટે રહેતા હશે બોલો! અરે હા.. એક વાત તો કહેવાની રહી ગઈ.. ગુડ મોર્નિંગ."
આટલું કહી તે ફોન કટ કરી દે છે. રાઠોડસાહેબ ટીમને જાણ કરી પોતે પણ ફટાફટ કપડાં પહેરી મંદિર તરફ પુરપાટ ઝડપે ગાડી દોડાવે છે. ત્યાં પહોંચ્યા બાદ પાંડે તેમને પુરોહિતનાં મૃત્યુ વિશે જાણકારી આપે છે. પોતાનો ગુસ્સો સાતમા આસમાને છે. આજ કાં તો એ નહીં ને કા તો હું નહીં એવું વિચારી ઓફીસ બાજુ ગાડી દોડાવે છે. એકદમ ઝીણવટપૂર્વક કેસને લગતી દરેક માહિતીનું અવલોકન કરે છે. પરંતુ નિરાશા સિવાય કંઈ સાપડતું નથી. બપોર પડી ગઈ પરંતુ કઈ નવું જાણવાં ન મળ્યું. ત્યાં જ એમનાં લેન્ડલાઈન ફોનની ઘંટડી વાગે છે. જાણે જાણતા હોય કે કાતિલ નો જ ફોન છે એમ ફોન ઉપાડી ગુસ્સાભર્યા સ્વરે બોલી ઉઠે છે,
"હરામખોર! તને ખબર છે કે આજ હું વિવશ છું. પરંતુ યાદ રાખજે હવે મારી જિંદગીનું એક જ લક્ષ્ય છે. તને ફાંસીના માંચડે ચડાવાનો."
"અરે રાઠોડસાહેબ શાંત થઈ જાવ. આ છેલ્લું ખૂન હતું. હવે કોઈ ખૂન નહીં થાય અને આ મારો આપને છેલ્લો ફોન છે."
"ભલે છેલ્લું ખૂન હોય..તો ય તને તારા કર્મોની સજા તો મળશે જ."
"મને મારા કર્મોની સજા મળે કે ન મળે. એ ગુનેગારોને મેં એમની સજા આપી દીધી છે."
કાંતિલની આ વાત પર રાઠોડસાહેબને વિશ્વાસ તો નથી થતો. પરંતુ તો પણ આગળ શું કહે છે એ જાણવા પ્રયત્ન કરે છે, "ગુનેગારો! કેવાં ગુનેગારો?"
"મેં જે પણ લોકોનું ખૂન કર્યું છે એમાંથી કોઈ પણ નિર્દોષ નહતું સાહેબ. તમે શહેરની બહાર રહેતાં આદિવાસીઓની જમીન આ નિરંજન પટેલે ખરીદી એ તો સમાચારમાં વાંચ્યું જ હશે ને. એ ખરીદેલી નહતી પણ એ બિચારા બાપડાંઓ પાસેથી પડાવી લીધેલી હતી. આ મેયરે જ એને પરમિશન આપી હતું અને બદલામાં કરોડો રૂપિયા ઓહિયા કરી ગયો હતો. અને પેલો પુરોહિત! એ હરામખોરે એ આદિવાસીઓને એવું ઠસાવ્યું મગજમાં કે એ જમીન શ્રાપિત છે. આથી એ ડરી ગયેલાં ગરીબોએ નજીવા ભાવે જમીન આપી દીધી. જ્યારે મને ખનર પડી તો મેં ઇ.વિનોદને આના વિશે જાણ કરી. તો એને તો મને જ મારી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ હું બચી ગયો સાહેબ. પણ આ પ્રયસના બદલામાં એને એક બંગલો મળ્યો. હા એ જ બંગલો જેમાં એને મારી નાખ્યો. પહેલાં તો મને તમારી પણ શંકા હતી. પરંતુ તમે નિષ્ઠાવાન નીકળ્યા એટલે તમારી જિંદગી બક્ષ દઉં છું."
"મને તારી વાતો પર જરાય વિશ્વાસ નથી."
"અને કરાય પણ નહીં. એટલે જ મેં તમને એ જમીનના ગોટાળાને લગતા તમામ પુરાવા મોકલી આપ્યા છે. આવતા જ હશે હવે.આશા રાખું છું તમે યોગ્ય પગલાં લેશો."
"જો તારી વાત સાચી જ હોય તો તારે મને કહેવું હતું! હું તને ન્યાય અપાવત."
"ન્યાય તો મેં કરી દીધો સાહેબ. હવે મારો ન્યાય ઉપરવાળો કરશે."
"તો આ ઇલયીમીનનું શું નાટક હતું?"
"સમગ્ર દુનિયા ભલે જે માનવું હોય એ માને. મારા મતે તો ઇલ્યુમિનાટી સમાજ સુધારક હતાં. મારી જેમ જ. અને હા સાહેબ ખોટી મેહનત ના કરતાં.. સવારનો નંબર દિલ્હીનો હતો અને આ નંબર અમદાવાદનો જ છે. પરંતુ મારો નથી. આવજો ત્યારે મારા છેલ્લાં રામ રામ!"
"અરે! ઉભો રહે! મારા સવાલોનો...."
ત્યાં તો ફોન કટ થઈ ગયો. બરાબર એ જ ક્ષણે પાંડે અંદર આવ્યો.
"સાહેબ! આ કોઈક પાર્સલ આપી ગયું છે. તમારા નામે છે અને ઉપર confidential લખ્યું છે. અને હા.. પેલું તમે કહેતાં હતાં ને ઇલુમેથી એનું ચિહ્ન ય ઉપર લગાવેલું છે."
"ઇલ્યુમિનાટી પાંડે ઇલ્યુમિનાટી!"

***

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ