વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પરબત જીવાનું ડહાપણ

“ પરબત જીવાનું ડહાપણ ”

લેખક :- મુકેશ સોજીત્રા

 

             ગામનાં પાદરની  બરાબર ઉગમણી કોર્ય  પાણી શેરડો આવેલો. અત્યારે તો ત્યાં અવેડો જ વધ્યો છે અને પરચૂરણ લોકોના બકરાં કે ઢોર ઢાંખર કવચિત જ પાણી પીવા આવે બાકી એક વખત આ પાણી શેરડો એટલે ગામ આખાનું જાગતું પડ ગણાતું.  વહેલી સવારથી લઈને મોડી રાત સુધી ગામની તમામ  બહેન દીકરીયું અને વહુવારીઓ  પાણી ભરતી, પહેલાં લાંબા લાંબા કાથીના  સિંચણ આવતાં એનાથી પાણી સીંચીને ભરતાં. કુવાના કાંઠે આવેલ ગરેડીઓનો વહેલી સવારે સુમધુર અવાજથી જ આડોસ પાડોશ જાગી જતા. સમય ચાલતો  રહ્યો. કુવાની પડખે ટાંકો થયો, હવે ત્યાં બે અવેડા બન્યા અને નળ દ્વારા પાણી આવવા લાગ્યું. પછી એ નળેય બંધ થયાં અને ઘરે ઘરે પાણીની લાઈનો પોગી ગઈ. અમુકે તો ઘરમાં જ બોરીગ કરાવ્યાં. પાણી શેરડે રખડતાં ઢોર સિવાય ભાગ્યે જ કોઈ રડ્યું ખડ્યું તમને જોવા મળે તો.

         પાણી શેરડા ની બરાબર સામે પણ  બે નાડાવા  આઘેરા પાંચ જેટલા મોટા વડલા હતા. ગામના એક નગરશેઠે વરસો પહેલા એને પાકા ઓટલાથી બંધાવી લીધેલા એટલે લગભગ ત્રીસેક માણસો આરામથી બેસી શકે એટલી જગ્યા  ખરી. નગરશેઠ તો મુંબઈ ઠરી ઠામ થઇ ગયાં પણ પહેલાનું બાંધકામને એટલે આ બાંધેલા ઓટામાંથી એક કાંકરી પણ ખરી નહોતી. પેલાના જમાનામાં માણસો અને બાંધકામ  બને  સાબુત અને મજબુત હતાં.

       પાણી શેરડો જીવંત હતો ત્યારે આ ઓટલા માણસોથી ભરચક રહેતાં. બાળકો  ત્યાં રમતાં લગભગ આખો દિવસ અને મોટેરાઓ ત્યાં વાતોના વડા કરતાં. બાળકો હવે રમવાનું ભૂલી ગયા હતાં. ફ્રી  ફાયર અને પબ્જીમાં ભેરવાયેલા બાળપણને  હવે વડલે બેસવામાં પણ નાનપ લાગતી હતી. અને ગામમાં વધેલા આઠથી દસ ભાભલાઓ સિવાય લગભગ  આ ઓટાઓ પર કોઈ બેસતું નહિ. સવારના આવી જાય તે બાર વાગ્યા સુધી અને પછી બે વાગ્યાથી   ઝાલર  ટાણા સુધી ભાભલાઓ બેસે અને ગામ આખાની ચિંતા કર્યે રાખે.

           “ એય નાનજીડા કાઈ નવીન સાંભળ્યું કે નહિ?? આમ તો બીજા ગામની પણ ખબર્ય રાખશો તો ભેગા ભેગી ગામની પણ ખબર્ય રાખતો જા ને જરાક” વાળા દાદા એ નાનજી ભાભાને ઠોંસો મારતાં કહ્યું.

           “ તમે વાત કરો તો ખબર પડે વાલા  દાદા મને , બાકી તમને બંધમાં હાલવાની ટેવ ને એટલે મને શું ખબર પડે કે તમારી પાસે ત્રણ ગોલા છે કે ફૂલીનો કલર?”

           “ નાનજીડા ને તમે શું માનો છો?? ઈ જેટલો દેખાય છે ને એટલો તો ભો માં છે ભો માં?? બધીય ખબર હોય નાનડીયાને પણ કોઈ દી મોરાગ ન આપે” ફૂલો ભાભો ઉધરસ ખાતા ખાતા બોલ્યો.

           “ તમારા સામ ફૂલા દાદા હમણા મને  કાઈ જ ખબર નથી.. તમારું મોઢું નો ભાળું બસ જો મને કાઈ ખબર હોય તો..  મને ખબર હોય તો હું  કહું નહીં. આજથી ત્રણ દિવસ પહેલા જ હું જ વાત લાવ્યોતો ને હકલાની છોડી એની ઘરે પ્લાસ્ટર કરવા વાળા આવ્યાં તા ને ઈની હારે ભાગી ગઈ. પછી ગામમાં શું થયું એ મને ખબર નથી તમારા સામ ફૂલા દાદા હું ખોટું નો બોલું “ નાનજીદા એ ખુલાસો કર્યો.

        “હવે વાલા દાદા જે હોય ઈ ભસી મરોને હાથે કરીને શું કામ ચીકણું કરો છો.. ગામમાં જે કાઈ નવીન હોય કહી દેવાય અને નો કહેવું હોય તો પછી વાત જ ન ઉચ્ચારાય આફરડું ગાતું ગાતું માંડવે આવે ત્યારે ખબર પડે, અને આહી બેઠેલા બધાયને ખબર છે કે  મીંદડીના પેટમાં ખીર ટકે તો વાલાના પેટમાં વાત  ટકે  એટલે તમે હવે કહી જ દો” ઘુસા આતા એ વાલાને હલબલાવીને કીધું.

          “ ગામમાં બહુ હજુ જાહેર નથી થયું અને વાત આમ તો આપણા ગ્રુપની જ છે. પરબત જીવ હમણા સુરત ગયો છે એ તો તમને ખબર જ છે ને??  પરબતના ત્રણે છોકરાંના છોકરાં ના વેવિશાળ પરબતે બે દિવસ પતાવી દીધાં.  મોટાના બે છોકરા અને બીજા ના એક એક એમ ચારેય છોકરાનું સગપણ પરબતે ચાર જ દિવસમાં પતાવી દીધું. નો કોઈ એના ભાયુંને કીધું કે નો કોઈ સગા વહાલાને કીધું, સીધો ધડાકો જ થયો. આ તો રામજીનો મધુ મને કાલે રસ્તામાં ભેગો થયો હતો એણે બળાપો કાઢ્યો કે મોટા બાપાએ અમને અંધારામાં રાખ્યા અને સગપણ ઝીંકી દીધું. એકનું હોય તો માનીએ આ તો ચારેય છોકરાનું સગપણ ઝીંકી જ દીધું” વાલા આતા એ વાત કરીને સહુ ચોંકી ઉઠ્યા અને માનવા તૈયાર જ ન થયા કે પરબત જીવા  ઉઠીને આવું કરે એ કોઈ કાળે બને જ નહિ.

                   પછી તો મધુએ આવીને ભાભલા મંડળને વાત કરી ત્યારે સહુ માન્યા પણ ગામ આખું ચર્ચાને ચકડોળે ચડ્યું કે પરબત જીવ જાતિ જિંદગીએ આવું કરી શકે ખરા?? એક સોપારી બજારમાંથી લેવી હોય તો  એને પણ ફેરવી  ફેરવી ને સાત વખત જોનાર પોતાના કુટુંબમાં ચાર છોકરાનું સગપણ ચાર જ દિવસમાં કેમ નક્કી કરી શકે અને એ પણ એની  બેન્યું દીકરીને પણ જાણ નો કરી. છોકરાના મામા કે માસીયુંને પણ જાણ નો થઇ ઈ તો ઠીક પણ પરબત જીવાના બે સગા ભાઈ ને પણ જરા જેટલી ગંધ નો આવવા દીધી તે આટલી  બધી એને શી ઉતાવળ ફાટી જાતી  હતી કે  ચાર દિવસમાં ચાર સગપણ ઝીંકી જ દીધાં.

                   ગામ લોકોને નવાઈ લાગી કારણ કે આજ ગામમાં વરસોથી પરબત જીવા આ  સંબંધ જોવાની બાબતમાં એક્ષ્પર્ટ. સંબંધ જોવા જાય તો આજુબાજુના ઘરોમાંથી પણ વાત વાતમાંથી માહિતી મેળવી લે. જે ઘરે ચા પાણી પીવા જાય એ લોકોના ટકા પણ કાઢી લ્યે. ગામ લોકોમાં આ કુટુંબનું કેટલું બકે છે.કુટુંબની આબરૂ  કેવી છે. કુટુંબમાં ભૂતકાળમાં કોઈએ આબરૂના ધજાગરા કર્યા છે કે નહિ એ બધી જ વિગતો એ મહિના બે મહિનામાં જાણી લે અને પછી જ એ લીલી ઝંડી આપે કે હવે આમાં પડવામાં વાંધો નથી. ખાસ તો પરબત જીવાના ત્રણ છોકરાની સારથના ગામના જેટલા છોકરાં હતાં એમાંથી નેવું ટકા છોકરા માટે આજુબાજુના ગામમાંથી સંબંધ પરબત જીવા એ જ ગોતી દીધેલ. એમાંથી તમામનું ઘર વ્યવસ્થિત ચાલતું. એ એવી જ દીકરીને પસંદ કરતાં કે જે કુટુંબ સાથે ભળી જાય. આબરૂ વધારે નહિ તો કાઈ નહિ પણ આબરૂ ઘટાડે એવી તો લાવવાની જ નહિ આ એનું જીવન સૂત્ર!! અને આવો જાણતલ માણસ આટલી ઉતાવળ કેમ કરી હશે?? સહુને નવાઈ લાગતી હતી.

                    ચારેક દિવસે સમાચાર આવ્યાં કે સુરતની બસમાં પરબત આતા આવી ગયા છે ત્યારથી વડલે બેઠેલ ભાભલા મંડળ ઊંચું નીચું થાતું કે કયારે પરબત આવે ને ક્યારે એ આ વાતનો ફોડ પાડે!! નાનજીડો તો બોલ્યોય ખરો.

             “પોણા ગામના દીકરાઓના સંબંધમાં મોટો ભા થઇ ને ફર્યો છે. સહુથી આગળના ગાદલે બેઠો છે. અને હવે બધાને સંબંધ જોવા લઇ જાવા પડે એટલે બળ પડ્યું. ખરચ થાયને ખરચ પહેલા તો સસ્તામાં પતતું અને હવે ડેબો સોજી જાય પચાસ જણાને લઈને જાવ તો એટલે મૂળ છે પરબત જીવનો રાંકો થઇ ગયો છે એટલે”

           “ હવે એ વાતમાં માલ નહિ નાનજીડા.. રાંકાની વાત તું રેવા દે જે.. તું ક્યા મોટો લક્ષ્મીચંદ ભગાજી નો દીકરો છે. તારા જેવું રાંકાપણું કોઈને નથ્ય. ભૂલી ગયો તું પરણવા જેવો થયોતો ગામમાંથી કોઈ બુંગણ નોતું આપતું આવી તારી અને તારા બાપા કેશાની આબરૂ હતી. આ તો તારા ભાગ્ય સારા કે પરબત ના બાપા જીવા લાધા વચ્ચે પડ્યા અને તારો પ્રસંગ ઉકેલી દીધો બાકી  બિયારણની જેમ તું પણ રહી જાત. સાળા  જેનું ખાધું એનું જ ખોદે એ જ આ દુનિયામાં મોટા માં મોટો રાંકો” ફૂલાએ નાનજીડા ને ખીજ્વ્યો અને નાનજીડો જવાબ આપવા જતો જ હતો ત્યાં આઘેરા પરબત જીવ કળાણા એટલે વાત આગળ નો વધી. પરબત જીવા આવ્યાં બધાના ખબર અંતર પૂછ્યા. થોડી આડા અવળી વાતો કરી. અને પછી વાલા ભાભાએ પોતાના પેટનો દુઃખાવો જે હમણા વકરી ગયો હતો એ રજુ કર્યો.

        “ આ વાત સાચી પરબત આતા કે તમે તમારા દીકરાના દીકરાઓના  તાત્કાલિક સગપણ કરી નાંખ્યા અને મહિના દિવસમાં પરણાવી પણ દેવાના છો. અમે તો એવું પણ સાંભળ્યું છે કે તમે કોઈને પૂછ્યું પણ નથી કે દીકરીઓનો સ્વભાવ કેવો છે. એનું મોસાળ ક્યાં ગામ છે?? મોસાળ કેવું છે?? ગામમાં આબરૂ કેવી છે?? પેલા તો તમે આવું બધું બહુ પુંછતા પણ આ અચાનક આમ કર્યું સાચી વાત?? જોકે અમને ખબર નથી પણ આ તો ગામમાં વાતો થાય છે એટલે પૂછું છું”

                   “મને ખબર જ હતી કે હું સુરતમાં આ બધું કરું છું એનો પડઘો મારા ગામમાં પડશે જ. હું જે સંબંધ જોવા જાતો એ આજથી વીસ વરસ પહેલા જ જાતો ને પછી આપણે સાવ બંધ જ કરી દીધું છે લગભગ. કોઈ બહુ આગ્રહ કરે તો જ જાવાનું પણ હવે જમાનો બદલાયો છે એટલે એ પ્રમાણે ચાલવું પડે ને!!  છોકરાએ પસંદ કરી જ લીધી હતી છોકરીઓ પછી આપણે શું કામ આડું આવવું?? મેં તો છોકરાના બાપા અને એની માનેય સમજાવી દીધું કે તમે ખોટા ઉધામા કરો છો. આ લોકોએ પ્લોટ લઇ જ લીધો છે તો પછી ત્યાંજ ભલે ને મકાન બાંધે. તમારે શું કામ ઉપાધિ કરવાની એમાં. છોકરાને એની ભેગું રહેવું છે અને એ પસંદ કરે ત્યાં ભલેને પરણે” પરબત આતા બોલ્યા બધાને આ વળી નવીન લાગ્યું.

                 વાલા દાદાએ સામો પ્રશ્ન કર્યો.

              “ તો પછી અત્યાર  સુધી તમે ઘર ખોરડું વેવાઈ વેલા એનું મોસાળ ચેક કરતા હતા એ બધું હવે ઘાસલેટ થઇ ગયું એમજ ને??” થોડી વાર પછી પરબત આતા બોલ્યાં.

            “ એક રીતે જોવા જઈએ તો વાત તો તારી વાળા સોળ આની સાચી છે પણ સમય પરિવર્તનશીલ છે. આ સામે જ મોજૂદ દાખલો છે. ગામ આખાનો પાણી શેરડો આ કૂવો અત્યારે સાવ ઉજ્જડ છે ને??  આપણે બધા દસ બાર વરસના હતા ત્યારે યાદ કરો તો કેવો હતો આ કુવાનો જમાનો.. પછી સમય ગયો એમ ટાંકો બાંધ્યો.. અહી અવેડા અને નળ થયા.. વળી સમય બદલાયો.. એમ ઘરે  ઘરે નળ  દ્વારા પાણી પોગ્યું.. વળી સમય બદલાયો મિનરલ વોટરના જગ આવવા લાગ્યાં.. અને હમણાં સુરતમાં કેંગન વોટરની વાહે પડી ગયાં છે. મિનરલને મૂક્ય પડતું!! આવું તમારી નજર સામે થયું કે નહિ.. હવે કોઈ અત્યારે કહે કે પાણી તો સીંચીને જ લાવવાનું ઘરે અમારા વખતે અમે સીંચીને લાવતાં?? તો કોઈ અત્યારની વહુવારું ગોળી અને માથે હાંડો અને કાખમાં ગાગર લઈને ખાલી નો હાલી શકે. ભરેલાની તો વાત જ જવા દો” કહીને પરબત આતા થોડી વાર અટકયા અને પછી બોલ્યાં. સહુ એની વાત શાંતિથી સાંભળતા હતાં,

              “બસ આવું જ થયું છે આ સંબંધો ગોતવામાં!! પેલા વડીલો એટલા માટે સંબધો ગોતતા કે દીકરી જયારે પરણીને આવે ને પછી એ જ કુટુંબમાં અને એજ ઘરમાં એ આખી જિંદગી કાઢતી. કદાચ એનો ઘરવાળો બહાર કમાવવા જાય તો પણ બે વરસ કે ત્રણ વરસ એ પિયરિયામાં ગયા વગર સાસરિયામાં જ કાઢી  નાંખતી અને નોખા થવાનું નામ જ ન્હોતુને. કદાચ રસોડા નોખા થાય પણ  સંબંધો તો કાયમ ભેગા જ!! એટલે વડીલો સારું ઘર શોધતા કે દીકરી આ ઘરને આ વડીલોને સાચવે એવી તો છે ને ઘડપણ પાળે એવી તો છે ને એટલે એ બધું જોવું પડતું. પણ હવે ભેગા રહેવાનો અને સાચવવાનો સ્પેરપાર્ટ જ ઉડી ગયો. છોકરા લગ્ન થાય એટલે તમારી ભેગા રહેવાના નથી એ લાખ ટકાની વાત છે. તમે દેશમાં રહેતા હશો તો એ લગ્ન થયા એટલે સુરત કે  અમદાવાદ ભેગીના થઇ જાવાના છે. કદાચ તમને ફાંકો હોય કે  અમે સુરતમાં જ રહીએ છીએ તો છોકરા અમારી ભેગા જ રહેવાના છે તો ઈય કાઢી નાંખજો. તમે વરાછા રહેતા હોવ તો એ કતારગામ રહેવા જાશે.. તમે કતારગામ રહેતા હશો તો એ લગ્ન પછી અબ્રામા બાજુય જતા રહે પણ તમારી ભેગા નહિ રહે. તો પછી આ બધી શીદને પળોજણ!! એને ભેગા રહેવું છે તો ઈ એની મેળે ગોતી લે!! તકલીફ પડે તો જવાબદારી એની!! હું સુરત ગયો ને છોકરાએ મને વાત કરી કે હવે આ ચારેયનું સગપણ  ગોતવું છે એટલે મેં ચારેય છોકરાને રાતે એક વખત કીધું કે હાલોને મને મોટા વરાછા લઇ જાવ ને પુલ પર ભજીયા ખાવા. અમે બધા હાલીને ગયાં. થોડીક મેં પૂછપરછ કરી ત્યાં મારા બેટા  ચારેય ખીલ્યા અને કહે દાદા અમે તો અમારા વાળિયું ગોતી લીધી છે.  મોબાઈલમાં ફોટા પણ બતાવ્યા. ચારેય ભેગા જ ફરવા જાય બોલો. છોડિયું પણ છોકરાને વધે એવી અને વળી આપણી જ નાતની હતી એટલે મેં કીધું કે તમે પાકે પાયે સુથી આપી જ દીધી છે ને?? પછી કોઈ તકલીફ પડે તો  અમારી જવાબદારી નહિ. એમાય એ સહમત થઇ ગયાં. બસ પછી મેં એના બાપાઓને  વાત કરી કે તમે ધંધામાં રહ્યા અને છોકરાઓએ પોતાની મેળે પ્લોટ રાખી લીધાં છે.  ઘડીક તો એ ઊંચા નીચા થયા પછી મેં તમને આહી સમજાવ્યા ને એમ જ મારા ત્રણેય દીકરાને સમજાવ્યા. અને એ સમજી ગયા. પછી હું એક દિવસમાં એ દીકરીયુંના બાપાને મળ્યો. વાત કરી કે આમાં આપણું કાઈ હાલે એમ નથી આ લોકો ઉપરથી જ નક્કી કરાવીને આવ્યાં છે. આપણે દસ્તાવેજ પર સહી સિક્કા કરી દઈએ એટલે વાંધો નહિ. અને સહી નહિ કરીએ તો પણ આ લોકો રહેશે તો ભેગા જ. પછી એ પણ  તૈયાર અને  પછી ચાર જ દિવસમાં ચાર છોકરાનો સંબંધ ઝીંકી દીધો બોલો આમ થયું. ગામમાં બધી શરૂઆત હું જ કરતોને તો અ શરૂઆત પણ મેં એટલા માટે કરી કે તમે સાઈંઠ વરસના થયા ને તો હવે ખસી જાવ છોકરાની જિંદગીમાંથી.. એને જે કરવું હોય ઈ કરવા દો તો નફામાં જ રહેશો. જો આ છેલ્લા દિવસ સગાઈના દિવસ પછી આ ચારેય છોકરા અને એની થનાર વહુઓ મને એક મોટી  હોટેલમાં જમવા પણ લઇ ગયાતા અને આ ફોન પણ લઇ દીધો અને મારી  હારે ફોટાઓ પણ પડાવ્યા ”  પરબત જીવાએ વાત કરી અને કેડીયાના ખિસ્સામાંથી નવો નકોર  સેમસંગ એમ ૩૦ ફોન પણ કાઢ્યો અને બધા ભાભલાને દેખાડ્યો અને ફોટા પણ બતાવ્યા. બધા મોમાં આંગળા નાંખી ગયા.

               “વાત તો તારી સોળ વાલને એક રતિ સાચી હો પરબત આમેય આપણે માથું મારીએ તો ધાર્યું તો એ લોકો એનું જ કરવાના છે?? ખબર જ છે કે કચ્છમાં  સફરજન કોઈ કાળે ઉગે એમ નથી તો મહેનત જ શું કામ કરવી?? તારી પાસેથી ઘણું શીખવા જેવું છે હો  પરબત “ વાલા દાદા એ પરબત આતાનો વાહો થપથપાવ્યો.

             “ એવું કરવું જ પડશે નહીતર માઠા પરિણામો ભોગવવા પડશે. હું તો કહું છું કે દીકરીઓ બાબતમાં પણ આપણે આવું વિચારવું પડશે. એને લાયક ઘર મળે અને દીકરીને પસંદ હોય ત્યાં પરણાવી જ દયો!! નહિતર આ ગામમાં પંદર દિવસ પહેલા જ બન્યુંને કે હકલાની છોડી એની ઘરે પ્લાસ્ટર કરવા વાળા આવ્યા ઈની હારે ભાગી ગઈ. આમાં ભૂલ  હકલાની છે. ત્રીસ વરસ થઇ ગયા છોડીને. સારા સારા માગાં જાતા કર્યા. હવે જે જોવા આવે એને એમ કહે હું મારી દીકરી તો દઉં પણ મારા દીકરા માટે પણ દીકરી તમે ગોતી દ્યો એટલે હારોહાર લગ્ન કરી દઈએ , એમ કોઈ મંડાય?? અને વળી પૈસાદાર  કુટુંબ હોય તો ય કોઈ વળી લાલચમાં આવે અને હકલાને ત્યાં ઉંદરડા ય આપઘાત કરે એવી પોઝીશન. મકાન કર્યા એને બારેક વરસ થયા હશે. આ વરહે પ્લાસ્ટરનો વેંત થયો. પછી ઉમર છાંડી ગયેલ છોડી ભાગી નો જાય તો કરે શું??  પરબત આતા એ વાત પૂરી કરી. ત્યાં જ ભીમો ભાભો બોલ્યો.

               “ તમે સુરત ગયા પછી હકલા માથે પાછી રોઝડી થઇતી. ઈ પ્લાસ્ટર વાળા હારે ઇણે છ મહિના પહેલા લગ્ન કરી લીધેલા હતા બોલો. તમને ખબર હોય તો પ્લાસ્ટર વાળા આઠ મહિના પેલા શંભુ પ્રગજીના નવા મકાને પ્લાસ્ટર કરતાં હતા. ત્યાંથી જ આ બધી લાઈનો ગોઠવાઈ ગયેલી. હક્લાની ઘરે કાગળ આવ્યો ને કોર્ટનો ત્યારે ખબર પડીકે જન્મતારીખનો દાખલો છોડીએ સાત મહિના પહેલા જ કઢાવી લીધેલો અને પછી એ કોર્ટમાં લગ્ન પણ કરી લીધેલાં અને પછી છ મહિના પછી ભાગ્યા એટલે તમે એને કાઈ પણ ન કરી શકો. હકલો તો ગયો નિશાળે કે મારી છોડીનો દાખલો મને પૂછ્યા વગર કઢાય જ કેમ?? આચાર્ય સાહેબે એને    શાંતિથી  સમજાવ્યો કે ભાઈ હકા ભાઈ કોઈ અઢાર વરસની ઉપરનું અને અમે જેને ઓળખતા હોઈએ એવી કોઈ પણ છોકરી આવે અને એ જન્મતારીખનો દાખલો માંગે તો અમે એને ના ન પાડી  શકીએ. તમારી દીકરી અમારી પાસે જ ભણી ગયેલી છે. અમને થોડી ખબર હોય કે એ આવું કરવા લઇ જાય છે. એની સહી પણ છે જન્મતારીખનો દાખલો લઇ ગઈ ને એ રજીસ્ટરમાં એટલે અમારો કોઈ જ વાંક નથી. પણ હકલા ને જેમ ભાઈ ભાઈ કરે એમ હકલો મંડ્યો એલફેલ બોલવા અને કહેવા લાગ્યો કે માસ્તર તારી નોકરી જાશે હો અને પછી તો માસ્તરનો ય બાટલો ફાટ્યો તે હકલા ના ગાલ પર એક લાફો ઝીંકીને માસ્તરેય બોલ્યા કે મારી નોકરી જાહે ત્યારે જોયું જાશે  અત્યારે તો તારી છોકરી ગઈ એનું કર્ય કોડા!! જેમ તને ભાઈ બાપા ભાઈ બાપા કરીએ એમ તું પેધતો જ જાશ!! અર્ધું ગામ નિશાળે ભેગું થઇ ગયું હતું. પણ પછી તો બે દિવસ સુધી નિશાળમાં બધા વાલીઓ આવી આવીને ભલામણ પણ કરતા હતા કે અમારી છોકરીયુંના જન્મ તારીખના દાખલા અમને પૂછ્યા વગર કાઢવા નહિ. બોલો તમે સુરત ગયાને વાંહે આવું ફારસ થયેલું” સહુ વિખરાયા ઝાલર ટાણું થઇ ગયું હતું.

                     જમાનો  પરિવર્તનશીલ છે. પરબત આતાની જેમ  જીવનમાં જેટલા  બંધન વહેલા છોડતા શીખી જશોને એટલા તમે  વહેલા સુખી થશો અને ફાયદામાં  રહેશો ફાયદામાં!!

લેખક :- મુકેશ સોજીત્રા

૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.

મુ, પો ઢસા ગામ તા, ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦ 

     

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ