વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાંસળી

વાંસળી

 

પૂરો ટાઉનહોલ સ્તબ્ધ હતો. જાણે હવામાં પણ સ્તબ્ધતા છવાઇ ગઇ હતી. કુમારભાનુની એ દર્દીલી ગઝલ પૂરી થઇ ગઇ છતાં શ્રોતાગણ એવા એકાકાર થઇ ગયેલ કે થોડી પળો માટે તેમને એ ખ્યાલ ન રહ્યો કે ગઝલ પૂરી થઇ ગઇ છે ! મંત્રમુગ્ધ અવસ્થામાંથી બહાર આવતાં જ પૂરો ટાઉનહોલ તાળીઓના અવાજથી કેટલીયે વાર ગુંજતો રહ્યો. પૂરી ગઝલના માર્મિક શબ્દો, પ્રિયતમાની બેવફાઈના પડઘા પાડતા હતા. કુમારભાનુએ પોતે જ લખેલી ગઝલમાં શબ્દોને જાણે ઝેર પાયું હતું અને કુમારભાનુ એ ગઝલને એવી રીતે ગાઇ રહ્યો હતો, જાણે ધીમે ધીમે ઝેર પી રહ્યો હોય ! ભગ્ન હદયનો નગ્ન ચિતાર હતી એ ગઝલ. કુમારભાનુના સુરમાં તુટેલા ઉરનું નાસૂર હતું. તેના સાદમાં બરબાદીનો વિષાદ હતો.

હવામાંથી એ ગઝલનો ભાર ધીમે ધીમે ઓગળી ગયો. ચારે તરફથી કુમારભાનુની વાહ વાહ થઇ રહી હતી અને એ વાહ વાહની પાછળ કુમારભાનુની આહ ઓઝલ થઇ ગઇ. ટ્રેજેડીકીંગ તરીકે ઓળખાતા કુમારભાનુના કંઠમાં ગજબની કસક હતી. તેના અવાજની ભિનાશ શ્રોતાવર્ગના શ્વાસમાં નિશ્વાસ ભરી દેતી. તેમાંય આજના શ્રોતાવર્ગમાં બિરાજમાન જાજરમાન વ્યકિતત્વ કરુણાબેનને જોઇને તો કુમારભાનુના હદયને જાણે વાચા મળી હતી અને અંદરના ઘુંઘવાટને વાટ મળી હતી. કુમારભાનુએ લગભગ ત્રણ વરસ બાદ કરુણાબેનને જોયાં અને તેની સામે ભૂતકાળ તરવરી ગયો.

છેલ્લાં ત્રણ વરસોથી ભોગવેલ પીડાએ તેને પીઢ બનાવી દીધો હતો. પણ એ દિવસોમાં તો કુમારભાનુ ઉગતો કલાકાર હતો અને તેની કલાને આકાર નહોતો મળ્યો. સમાજમાં તેની નામના થઇ ન હતી. સુખી ઘરના જવાન છોકરામાં જે બેપરવાઇ હોય તે તેનામાં હતી. ત્યારે તેના જીવનમાં આવ્યાં હતાં કરુણાબેન અને તેમની પુત્રી શિલ્પા. કરુણાબેન સંગીત અને અવાજની દુનિયાની માનીતી હસ્તી અને તેમની પુત્રી શિલ્પા સારી નૃત્યાંગના. કુમારભાનુને કરુણાબેનની કલા માટે ખૂબ આદર હતો અને પોતાને કરુણાબેન ગુરુ તરીકે મળ્યાં તેને પોતાનું અહોભાગ્ય માનતો. કરુણાબેનને ભાનુરુપી હીરાની પરખ હતી પણ હીરાને તરાસવાનું બાકી હતું. કરુણાબેને કુમારભાનુ પાછળ ખૂબ મહેનત કરી. લાંબો સમય સુધી તેની પાસે રિયાઝ કરાવતાં. દરમ્યાનમાં કુમારભાનુ અને શિલ્પા વચ્ચે સ્નેહનો સેતુ બંધાતો ગયો. કરુણાબેનને એ બન્ને વચ્ચે પનપી રહેલા કુદરતી પ્રેમનો ખ્યાલ આવી ગયો હતો. સૂર અને નૂપુરના એ સંગમને કરુણાબેનના મૂક આશીર્વાદ હતા. કુમારભાનુ અને શિલ્પાની આંખોએ ઘણાં બધાં સપનાં સમાવી લીધાં હતાં અને બંનેએ પ્રેમ અને વફાદારીના વાયદાથી સપનાંઓને વધાવી લીધાં હતાં. 

કરુણાબેનને કુમારભાનુના અવાજની નૈસર્ગિકતા, ઉંડાઇ અને ભીનાશનો પૂરો અંદાજ હતો. પરંતુ આટલી મહેનત છતાં કુમારભાનુનો અંદરનો અવાજ તે બહાર ન લાવી શકયાં. તેના અવાજમાં જે કશીશ, જે ભીનાશ જોઇએ તે પ્રગટાવી ન શકયાં. કરુણાબેનની પૂરી મહેનત, પૂરી લગન પણ કુમારભાનુના અવાજમાં જોઇતી લગન અને અગન ન લાવી શકી. કરુણાબેન થોડા નિરાશ થઇ ગયાં.

દરમ્યાનમાં કરુણાબેને મુંબઇ છોડી બેંગલોરમાં સેટલ થવાનું નક્કી કર્યુ. કરુણાબેન બેંગલોરમાં સેટ થયાં, પરંતુ કુમારભાનુ અપસેટ હતા. કુમારભાનુને દૂરી અને મજબૂરી બંને આવી પડ્યા. વફાદારીની વાત કરનારી શિલ્પાનો વ્યવહાર તેને આઘાત આપે તેવો થતો ગયો.

કુમારભાનુ તેને જ્યારે મુંબઇથી ફોન કરતો ત્યારે શિલ્પા તેને ટાળી દેતી. તેના પત્રનોયે જવાબ ન આપતી. કલાકોના કલાકો તે શિલ્પાના વિચારોમાં અટવાઇ જતો. તેને એક એક ક્ષણ, મણ જેવી લાગતી. મનમાં શિલ્પાની છાપ અને જીવનમાં સંતાપ વ્યાપી ગયા. તેનાથી રહેવાયું નહીં અને તેણે બેંગલોર જઇને શિલ્પાને મળવા માટે ટિકિટ બુક કરાવી.

પરંતુ, કુમારભાનુ બેંગલોરની ગાડી પકડે એ પહેલાં શિલ્પાની ગાડી ચૂકી ગયો. સમાચાર મળી ગયા કે શિલ્પાએ બેંગલોરમાં ત્યાંના મોટા ગજાના ફિલ્મ દિર્ગદર્શકના પુત્ર સાથે લગ્ન કરી લીધાં છે. સમયની એ થપ્પડે તેના સપનાઓમાં આગ લગાવી દીધી. તેણે બુક કરાવેલ બેંગલોરની ટિકિટ અને મુંબઇ હતી ત્યારે શિલ્પાએ લખેલ પ્રેમ-પત્રો બંનેને એક સાથે આગ લગાવીને બાળી નાખ્યાં. તેનું શેષ જીવન જાણે આગમાંથી બચેલ મેશના અવશેષ જેવું થઇ ગયું હતું.

શિલ્પા તેના જીવનમાંથી ગઇ પણ મનમાંથી ન ગઇ. કુમારભાનુને લાગેલ આઘાત એટલો સજ્જડ હતો કે જિંદગી ઉજ્જડ થઇ ગઇ. જાતને લાગેલ આઘાતને આત્મસાત કરી, દિન-રાત પોતાના રિયાઝમાં લાગી રહેતો. હવે તે ગાવાની સાથે પોતાની રચના પણ રચતો થઇ ગયો. દિલના દર્દને, કલમમાં ગાળીને અવાજમાં ઢાળી દેતો. ત્રણ વરસના સમયમાં કુમારભાનુ ટોચનો ગાયક થઇ ગયો. તેના અવાજની ભીનાશ લોકોને પલાળી જતી અને અંદરની વેદના અને સંવેદના લોકોને ઝંકૃત કરી નાખતી. કુમારભાનુની સમાજમાં ઉંચાઇ અને દિલમાં ગહરાઇ સાથે સાથે વધતી રહી.

ઓટોગ્રાફની માંગણીઓ, પત્રકારોની ફલેશ અને કોલાહલે તેને ભૂતકાળમાંથી વર્તમાનમાં પટક્યો. તે સ્વસ્થ થવા માટેનો પ્રત્યન કરતો હતો. એક પત્રકારે તેને પૂછયું, ‘ સર, તમે તો સાંભળ્યું જ હશે કે દરેક સફળ પુરુષ પાછળ કોઇ સ્ત્રી હોય છે. તમારા કિસ્સામાં એ ભાગ્યવાન સ્ત્રી કઇ છે? ' ત્યારે એક ક્ષણ માટે કુમારભાનુના મુખ પર કડવું સ્મિત આવી ગયું. તો બીજી ક્ષણે, લોકોમાં કરુણાબેનની સાથે ઉભેલી શિલ્પા સામે જોઇ લીધું અને પત્રકારને કહ્યું; 'તમે પણ સાંભળ્યું હશે કે સ્ત્રી તારું બીજું નામ બેવફા છે ! ' તેના પછી ઇન્ટરવ્યૂના રુટીન સવાલો પૂછાવા માંડયા. આસ્તે આસ્તે સૌ વિખેરાઇ ગયા. કુમારભાનુ પણ ડ્રેસીંગ રુમમાં ચાલ્યા ગયા.

થોડા સમય બાદ ડ્રેસીંગ રુમમાં કરુણાબેન અને શિલ્પાએ પ્રવેશ કર્યો. તેમની સાથે કઇ જાતનો વ્યવહાર કરવો તેની અસંમજસમાં કુમારભાનુ યંત્રવત ઊભો થયો અને કરુણાબેનને નમસ્કાર કર્યાં. કરુણાબેને કુમારભાનુની પીઠ થાબડીને તેને હાર્દિક અભિનંદન આપ્યા અને જણાવ્યું કે આજે મારી શિક્ષા રંગ લાવી ગઇ છે. તારા અવાજમાં જે કશીશ, જે ભીનાશ મને ગુરુ તરીકે જોઇતી હતી તે આજે જોવા મળી. આજે મને સંતોષ છે અને તારા અવાજ માટે ગૌરવ. પરંતુ, સ્ત્રી જાતિ માટેની તારી ગેરસમજ દૂર કરવા માટે, મારે તને સચ્ચાઇથી વાકેફ કરવો છે.

કરુણાબેને, કુમારભાનુને આખી બાબત સવિસ્તાર સમજાવી. તેમણે કહ્યું કે ગાયક તરીકે તારો અવાજ અજોડ હતો, તેને હું માપી ચૂકી હતી. પરંતુ, મારી બધી મહેનત છતાં તારા અવાજમાં જે દર્દ જોઇએ, જે ચોટ જોઇએ, જે સંવેદના જોઇએ તે ન જગાવી શકી. તારા જેવી સરળ અને સુખી જિંદગી જીવતી વ્યકિત, દર્દની અભિવ્યકિત ન લાવી શકે, જ્યાં સુધી વેદના – સંવેદના – ચોટ – ટીસ – વલોપાત – બેવફાઇ આ બધું અનુભવે નહીં, ત્યાં સુધી અવાજમાં તે લાવી શકે નહીં. નવલકથામાં વાંચેલ દર્દ, ફિલ્મોના પડદા પર જોવાયેલી કરુણાંતીકાઓ આપણને ભાવુક બનાવી શકે. પણ, હદયના તાર ઝણઝણતા ન રાખી શકે. તારને પણ જ્યારે ખેંચીને રખાય ત્યારે સિતાર બનતી હોય છે. વાંસ અને વાંસળી વચ્ચે ભેદ તો, છેદનો જ હોય છે. એટલે મેં નક્કી કર્યુ કે તારી જિંદગીમાં પણ એક તોફાન સર્જવું, તને સંવેદનાઓનો સાક્ષાત્કાર કરાવવા માટે શિલ્પાએ બેવફાઇનું નાટક કર્યું. અમારુ બેંગલોર શિફટ થવું, એ પણ આ નાટકનો જ એક ભાગ હતો. શિલ્પા તો તને ક્યારનીય મનોમન વરી ચૂકી છે. તેનાં બીજાં કોઇ સાથે લગ્ન થયાં નથી. તારી કલાને ઓપ આપવા, શિલ્પાએ ઘણો પ્રકોપ સહ્યો છે. જેને તું બેવફાઇ સમજી બેઠો છે, તે તો શિલ્પાની સવાઇ વફાઇ છે.

કરુણાબેનની મહાનતાએ એને ભાવ-વિભોર બનાવી દીધો અને આપોઆપ તેનું મસ્તક કરુણાબેનનાં ચરણમાં નમી પડયું. કરુણાબેને તેને આશીર્વાદ આપ્યા અને ડ્રેસીંગ રુમમાંથી બહાર નીકળી ગયાં. ડ્રેસીંગ રુમમાં હવે માત્ર કુમારભાનુ અને શિલ્પા હતાં. કુમારભાનુની આંખમાં સ્નેહની સરવાણીઓ પ્રગટી રહી. અતુપ્ત ધરાને તુપ્ત કરે તેમ બંનેની આંખોનો વરસાદ તેમના હૈયાંને તુપ્ત કરતો રહ્યો.

 

આમ તો નજરને જ આવરણ હતું;

બાકી તો કારણ જ નિવારણ હતું.

ભરત ડી ઠક્કર 'સૌરભ'

ગાંધીધામ - કચ્છ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ