વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બ્લ્યૂ શેફાયલ

બ્લ્યુ શેફાયલ


આજેતો માલો ફોર્થ બર્થડે! હવેતો હું... મો...ટો....થઈ ગયો. હવે હું ટોપ ફાઇવમાં કાઉન્ટ થઈસ. આજે માલા બર્થડેની ખુસીમાં, હું માલી દીદી, અને માલા મમ્મી પાપા,અને માલા દાદા દાદી એમ અમાલુ તીનબગલુ ફેમિલી, ના એવું તો દાદી બોલે, પણ અમે તો સિક્સ પીપલ થયા ને!... હા, તો અમાલુ સિક્સબગલુ ફેમિલી બોટમાં ફલવા ગયા. મનેતો બોટમાં ફલવાનું બવ ગમે. બોટમાં જવાનું હોયતો હું હેપ્પી હેપ્પી થઈ જાવ. સું કામ ખબલ છે? દલીયામાં ડોલ્ફીન જોવા મલેને! એટલે... . યુ નોવ? 

          "અલે! હું તો તમને માલુ નામ કહેવાનું ભૂલી જ ગયો. "માલુ.... નામ..... છે  *નીલ....., નટખટ નીલ. "nill"*  ખાલીખમ વાલો નહિ.... પણ *NEEL*  મતલબ  *બ્લ્યુ શેફાયલ,* પેલો  ડાયમંડ આવેને... મમ્મીને  અને દાદીને બવ ગમેને .. ઈ વાલો, 

અને *ચેમ્પિયન* વાલો, નીલ." 

    

અમે છીએ અમીલજાદા, એટલે મમ્મી પાપા કલતાં ગાડીના ડ્રાઈવલ અંકલ પાસે કે બોટના કપ્તાન અંકલની પાસે વધાલે હોઈએ . બધી વાતનાં આન્સલ મલેને, એટલે......બોટમાં જઈને હું તો બાયનોક્યુલલ લઈને ડોલ્ફીન જોવા બેસી ગયો. હજુતો આમ તેમ જોવને ત્યાંતો ડોલ્ફીન દેખાય ગઈ, પણ પાણીમાં નહિ.... બીજી બોટમાં....

હે!આ સું, એ બોટમાંતો એક અંકલ અને એક આન્ટી છે. આ...ખી....બોટ હાર્ટ સેપ વાલા લેડ(રેડ) બલુનથી ફાઇન ડેકોલેટ કલી છે. અને ઓલુ બોર્ડ? એમાં સું લખ્યું છે?  અલે! લૂકો, હું કપ્તાન અંકલને પુછી લવ, અંકલ મને આન્સલ આપસે જ. અલે, એની ઉપલ તો  "નો એન્ટ્રી" લખેલુ છે. પણ... એવું કેમ લખ્યું હશે? આમતો ભલ દલીયામાં બોટમાં છે. જાને દો, હમે ક્યાં? પણ, આ સું? અંકલતો આન્ટીને દિકો કલે છે..... , ઉમ્મા પણ કલે છે.....અને આન્ટી તો જો, ભાગમભાગ કલે છે. લાગે છે કે પકડાપકડી લમે છે. અલે, આન્ટીતો ભા....ગી.... ને ડેક પલ આવી ગયા, હવે અંકલ સું કલસે? આ અંકલ પણ બવ નોટી છે હો, ઈ પણ આવીને આન્ટીની પાછલ ઉભા લઈ ગયા. બન્ને પોતાના હેન્ડસ ફેલાવીને ઉભા લઈ ગયા. ખબલ નહીં કેમ? પણ હા, કદાચ દલીયાનું માપ લેતા હોય! હા, હું કહું છું ને એમજ હોય. આન્ટીતો  કેવા ડલી ગયા લાગે છે, અંકલનાં તો હાથજ પકડી લીધા છે. હવે તમે જ કયો,અંકલે આગલ ઉભા  લેવું જોઈએને? ઓ... એમ.... જી... , પડસો... તો કોન બચાવસે? ધીસ ઈઝ નોટ ફેલ....  ધીસ ઈઝ ચિટીંગ...  હું તો ખાલી આન્ટીને જ બચાવીસ, અંકલને નહીં. 

         

અલે! આન્ટીને જોવામાં હું ડોલ્ફીન તો ભુલી જ ગયો. કોઈ બાત નહીં. નેક્સ્ટ ટાઈમ. હવેતો હોટલમાં ડીનલ કલવા જવાનું છે. 

       " પાપા, માલી માટેતો ચીઝ ઢોસા જ મંગાવજો હો. " કહીજ દીધું , મેં તો પાપાને, ગભલાયા વગલ. "હા! ચટની દીદીને  અને  સાંભાલ તમને આપીસ.તમે જ તો સેલીંગ (શેરિંગ) કલવાનું સીખાડ્યું છે ને!" હું બધુંજ યાદ લાખુ છું. (આ બધું મને ભાવે નહિ, એટલે સેલ કલી દેવાનું, યુ  નોવ?) 

        અલે બાબા! તમે ખોટુ સમજો છો, તમાલી સાથે હું સેલ કલુ છું ને..... ઈતો બધી....વાતો સાચી જ છે. મને ગમે છે. 

   એક દિવસતો બીગ પોબ્લેમ થઈ ગયો બોલો! હું તો છે ને, તે માલા બધા ફ્રેન્ડનાં, કે અમાલા ફેમિલીમાં કોઈનો પણ હેપી બર્થ ડે હોય, કે હેપી વર્સલી (એનીવર્સરી) હોયનેતો વિડીયો કોલ કલીને જ વીસ કલુ, પણ તે દિવસેતો છે ને તે માલા મમ્મી પાપાની હેપી વર્સલી હતી, તો વિડીયો કોલ કેવી લીતે કલુ ? એ તો માલી સાથે ઘલમાં જ હોય! આખો દિવસ સોચ્યુ, સું કલુ....સું કલુ?... પણ એમતો હું સ્માર્ટ બોય છું ને? પાપા ઓફિસ થી  આવ્યાને..... એટલે પેલા હેન્ડ વોસ કલ્યા, એટલે વેટકીમ (નેપકીન) આપીને હાથ પકલી.... ને સોફા પલ બેસાલ્યા, હવે કોલોના (કોરોના) છે તો હેન્ડ વોસ તો કલવા જ પડેને? અને પહોંચી ગયો મમ્મી પાસે, મમ્મી કિચનમાંથી પાણી લઈને આવીને, એટલે મમ્મીને પણ પકડીને પાપાની બાજુ માં બેસાડી દીધી. (એમ તો હું છોટા ભીમ જેવો સ્ટ્રૉંગ બોય.) પછી બેઉની વચ્ચે બેસી ગયો અને બન્નેને એક એક ઉમ્મા.. આપીને હેપી વર્સલી વીસ કલી દીધુ, વો.... ટ.... એન આઈડિયા સલજી ..... પોબ્લેમ સોલ. યસસસસ. 

         

પી જે માસ્ક, પી જે માસ્ક… અલે, તમે સું સમજ્યા? હું તમને માસ્ક પેલવાનું કવ છુ? ના.... ના..... હવે, હું તો છે ને માલા ફેવલીટવાલા કાર્ટુનનું નામ બોલતો હતો. મને છેને.. 


તે કાર્ટુન જોવાનું બવ ગમે. હું તો જમવા બેસુને તો પણ મોબાઇલમાં કાર્ટુન જોયા કલુ. મને જમવામાં સું ભાવે તમને ખબલ છે? બધું માલ માલ જ ભાવે, મને ચુલમુ (ચુરમુ) અને સીલો (શીરો) બવ ભાવે. સુખડીતો માલી ખાસંખાસ. સીલો તો ખબલ છે કેવો હોય? સ્લાઈડમાં આપણે ઉપર બેસીને સલલલલલ… સટ્ કલતા નીચે ઉતલી જાઈએને, એમ જ સીલો મોઢામાં મુકી જ દેવાનો, એની જાતે જ સલલલલલ સટ્ કલતો પેટુમાં પહોંચી જાય, આપણે ચ્યુ કલવાની જલુલત જ ન પડે. હેલ્ધી ફૂડ ખાઈએ તો જ *હલ્ક* જેવું સ્ટ્રૉંગ બોય બનાયને?


તમને સાવ નવી જ વાત કલુ. મને છે ને.... તો મેગી બવ ભાવે હો! આમતો એને બનાવતા ટુ મીનીટ્સ નહીં, પણ.... ટેન મીનીટ્સ થાય… એક વાલ તો મમ્મીએ માલી સાથે મજાક કલી. મમ્મી એ મને મેગીનાં મમ્મી પાપાનું નામ પુછ્યું. મનેતો મેગીનું નામ ખબલ હોય, એના મમ્મી પાપાને હું થોડો ઓલખતો હોવ? એમતો હું નાનો બાબુ છું ને? પણ મને નવું નવું જાણવાનું તો બવ ગમે. પેલા ડોક્ટલ સ્ટ્રેન્જલ છે ને... એની જેમ. આખો દિવસ સોચ્યું પણ કાંઈ સમજ જ નહીં પડી. માલા દાદાને અને પાપાને સેવ મમલા બવ ભાવે. બન્ને કાયમ સેવ મમલા ખાય. તે દિવસે છે ને તો હું પણ બાજુમાં જ બેઠો હતો. હું તો જોયા જ કલુ, જોયા જ કલુ… આ સેવ કેટલી નાની... નાની.. છે! જો ઈ ... મોટ્ટી થાય... તો મેગી બની જાય... અને સેવની સાથે તો મમલા જ મેચ થાય... હા, તો...... તો... તો..... સાયદ.. મેગીના મમ્મી પાપા... હા,.. હા...એકદમ સાચી વાત, જલ્દી થી મમ્મી પાસે ગયો અને દિકો કલીને કહીજ દીધુ, "મમ્મી, મેગીનાં મમ્મી પાપાનું નામ *સેવ-મમલા* છે." જોયું! કેવું આવડી ગયું? મમ્મી પણ મને ઉમ્મા... કલીને હસવા લાગી. અને એટલે જ હું આખો દિવસ બે બે દાના મમલા ખાયા જ કલુ. રોજે કાંઈ મમ્મી મેગી થોડી બનાવી આપે? 

   

હું કાર્ટુન જોયા કલુને, તો માલા પાપા મને એમ કહીને ગુસ્સો કલે, "માલુ બચપન તો ટાયલ ટ્યુબની લમત લમવામાં ગયું, પણ તાલુ બચપન જાય છે ઘલમાં બેસીને મોબાઇલમાં યુ ટ્યુબ જોવામાં!" પણ  પાપા નાના હતા ત્યાલે યુ-ટ્યુબ નહોતું, ખાલી ટાયલ - ટ્યુબ હતા એમાં માલો કોઈ વાંક? ના, ના, તમેજ કહો, મેં થોડી યુ ટ્યુબ વાલા અંકલને ના પાડી હતી? 

          

હમણાંતો વલસાદ બહુ આવે. અલે! પણ એની સીઝન હોયતો આવેતો ખલોને? પણ જેવો વલસાદ બંધ થાયને..... તો બવ ગલમી લાગે. મને તો ટી-શર્ટ પેલવુ જલાક પણનો ગમે. પણ હે ભગવાન! આ મમ્મી સમજે નહીંને, મને કહે કે બધાય, કપડાં પેલીને જ ફલતા હોય. એક વાલતો એવો ગુસ્સો આવ્યો, ને મમ્મીને કીધું, જો માઉન્ટેન  કપડાં પેલે છે? લિવલ(રીવર ) પણતો નથી પેલતી, હા.... હા.... હા..... એનેતો કેટલા મોટા કપડાં જોવે!  અને આ કબુતલ, કાગડા બ.. ધા.. ને જોઈ લો… કોઈએ પેલ્યા છે કપડાં? અલે, સલમાન અંકલ પણ ક્યાં ટી-શર્ટ પેલે છે? પણ માલી મમ્મી... માલી વાત માને જ નહીંને. મને પકડીને ટી-શર્ટ પેલાવી દે. પેલુ કાંગાલુ એના બચ્ચાને પકડી લે ને એમ. 

         

એક દિવસ છે ને, તો અમે ગાર્ડનમાં ગયા. હું, માલી દીદી અને માલી મમ્મી. અમે ભાઈ બહેને તો બવ મજા કલી. હિંચકા ખાધા..  સ્લાઈડ કલી, સીડી ચડીને ઉપલ  જવાનું અને પછી તો સલલલલલ સટ્ કલતા નીચે આવવાનું. મજ્જા પડી જાય હો... ગાર્ડનમાં છે ને એક બીજો નાનો બાબુ પણ આવ્યો'તો. એ સીડી પકડીને ઉપલ ચડી તો ગયો… પણ નીચે આવવામાં છેને તો બાબુની કલતા પેલા એની ચડ્ડી સલલલલલસટ કલતી ઉતલીને નીચે આવી ગઈ! પછી બાબુ લોતો... લોતો....(રોતો  રોતો ) નીચે આવ્યો.મનેતો એજ નહીં સમજાયું... કે એમા લડવાનું સું કામ? (બધા બાબુતો એને જોઈને હસતાં હતા, એ એકલો જ લડતો હતો) ફટાફટ ચડ્ડી પેલી લેવાયને........ પણ હું કોઈને,જો મને કાય પુછે નહીંતો, સું કામ કંઈ કહું? માલુ પણ કંઈ ઇમ્પોર્ટન્ટ હોય ને! 


એક દિવસ પાપા ચોકલેટ લઈ આવ્યા. એક માલી માટે અને એક દીદી માટે. બીજી પણ થોડી વધાલે હતીતો મમ્મીએ સાચવીને મૂકી દીધી. તે દિવસે અમે ભાઈ બહેને એક એક ચોકલેટ ખાઈ લીધી, પણ બીજા દિવસે.....  મમ્મીએ ચોકલેટ આપવાનીના પાડી દીધી. એવુ કંઈ ચાલે? કેટલી વખત મમ્મીને કીધું ,પણ માને ઈ બીજા… મનમાં તો એવું થાય કે હું જલ્દીથી મોટો થઈ જાવને તો મમ્મીને કાંઈ પુછવું જ ના પડે, પણ અત્યાલે સું કલવું? છેલ્લે હું ને દીદી પહોંચી ગયા પાપા પાસે, પણ પાપાની તો એકજ વાત, "જેમ મમ્મી કહે એમજ કલવાનું હોય."


"પણ પાપા, એ તો બધુ નાના હોય એને કલવું પડે, તમેતો મમ્મીથી મોટા છો ને? તો મમ્મીએ તમાલી વાત માનવી જોઈએ કે નહીં?" 

 

પણ તમને ખબલ છે પાપાએ સું કીધું? મને કહે કે, "મમ્મી માલી વાત માનેને એટલો મોટોતો હું પણ નથી થયો… " બોલો કેટલું જુઠ્ઠુ બોલ્યા પાપા અમાલી પાસે. આવુ કલાય કોઈ દિવસ? 

        

આમતો કંઇ નવુ લેવુ હોયને તો પાપા બસ એક જ વાત કલે, "જે વસ્તુ લેવાની હોયને તેને બલાબલ ચેક કલીને જ લેવાની." હા, પાપાની વાત તો એકદમ જ સાચી છે, આપણે કાંઈ ફ્રી માં થોડી લેવાનાં છીએ, પૈસા આપીને લેવાનાં છીએ તો ચેકતો કલી જ લેવાનું, એમાં કાય સલમાવાનું નહીં. એક દિવસ મમ્મીને તપેલીઓનો સેટ લેવો હતો, તો અમેતો પહોંચી ગયા શોપમાં. મમ્મી મને બધી જગ્યાએ સાથે જ લઈને જાય. યુ નોવ! માલી ચોઈસ જ એવી ફાઈન છે ને! અંકલતો તપેલીઓ બતાવવા માંડ્યા,બીગ સાઇઝ… સ્મોલ સાઇઝ… મમ્મીને જે જોઈએ તે ચેક કલીને લઈ લીધી. મે પણ ધી... મે... થી હાથ લગાવીને ચેક કલી લીધી, પણ... આ સું? આ તો સાવ ઠંડી છે, તો પછી તપેલી (ગરમ) કેમ કહેવાય? જવાદોને, એ તો બધી મોટા લોકોની વાત છે, અમને બચ્ચાઓને નહીં સમજાય. (એવું મમ્મી કહે છે.) એક કામ પતી ગયું. ત્યાંજ મમ્મીને યાદ આવી ગયું, અલે, નાઈફ પણ લેવાની જલુલત છે. અંકલેતો બતાવી દીધી ઘની બધી નાઈફ. પણ મમ્મીને પાપાની વાત યાદ આવી ગઈ. "જે વસ્તુ લઈએતે ચેક કલીને જ લેવાની… "  પછી સું? મમ્મી એ નાઈફને બલાબલ ચેક કલી, અને અમે ઘલે જવાને બદલે સીધા પહોંચ્યા ડોક્ટલ અંકલને ત્યાં, મમ્મીને ફિંગલ પલ સ્ટીચ લેવા પડ્યા! બોલો, આવું થયું. નાઈફને એટલી બધી ચેક કલવાની સું જલુલ હતી? પણ મેં ચેક નહીં કલી, મમ્મી કલે એ બલાબલ જ હોયને?  


માલી દીદી છે ને, એ પણ બવ નોટી છે. અમે છીએ તો ભાઈ બહેન, પણ  અમાલી ચોઈસ સાવ અલગ અલગ છે. મને *પી જે માસ્ક* નું કાર્ટુન ગમે, તો દીદીને *અર્થ ટુ લ્યુના* નું કાર્ટુન ગમે. પણ ફોનતો અમાલી પાસે એક જ હોય.... તો સું થયું? અમે બંને સાથે બેસીને ટન બાય ટન (વારાફરતી) કાર્ટુન જોઈએ. હું નાનો છુંને, એટલે પહેલા માલો ટન… અને પછી દીદીનો ટન આવે. પણ દીદી એને ગમતું કાર્ટુન જોવેને, ત્યાલે પણ હું કંપનીતો આપુંજ. છે તો માલી જ દીદી, એમ કાંઈ એકલી છોડીને થોડી જતુ લેવાય? દીદી મને લાખડી (રાખડી) બાંધે છે તો માલી પણ  ફલજ બને ને… સાથ આપવાની. 

    

 હવે તો માલી પાસે પણ ફોન છે, માલો પોતાનો… તમાલે માલા ફ્રેન્ડ બનવું હોયનેતો મને ફોન કલજો. માલો નંબલ છે, *6335*. નહીં સમજાયુંને..... જોયું! માલી સ્માર્ટનેસનું લેવલ! કલો કલો તમાલુ કોલીંગ કીપેડ ચેક કલો એટલે બધું સમજાય જસે. જો ના સમજે વો..... 

        

એક દિવસતો .... માલુ નોઝી છેને, તે એકદમ જ બંધ થઈ ગયું. અને ઉધલી ( ઉધરસ) પણ બવ આવતી હતી. મમ્મીએ તો સ્પુનમા મને પીવડાવવા માટે દવા તૈયાલ કલી, હવે હું સું કલુ? હું તો જેટલા કાર્ટુન જોતો હતો ને, જેમાં બધા સુપલ હીલો બધાને હેલ્પ કલતા હોય, *સુપલમેન...સ્પાયડલમેન.... હલ્ક....વિલ ધ લોબો બોય,*( વિર ધ રોબો બોય) બધાને માલી હેલ્પ કલવા માટે બોલાવવા લાગ્યો, પણ ..... કોઈ મને હેલ્પ કલવા આવ્યા જ નહીં! (તો સું એ બધું કાંઈ સાચું ન હોય?) પણ મમ્મીએ તો મને પકડીને દવા પીવડાવી જ દીધી. બ.... વ.... કડવી હતી. પાછા કહે છે કે, "કડવી દવા તો મમ્મી જ પીવડાવે."  હા! વાત તો સાચી છે, મમ્મી સિવાય કોનામા હિંમત છે, મને પકડવાની? એમ કોઈના હાથમાં આવે એ બીજા. પછી મને દીદીએ કીધું, કે ફોનમાં કાર્ટુન ચાલુ હોયને તો જ ઈ બધા આવી સકે, ફોન બંધ હોય તો કોઈ કેવી લીતે આવી સકે? એ વાત પણ સાચી છે. એટલે જ હું આખો દિવસ કાર્ટુન જોયા જ કલુ. 

       

એક દિવસ છેને... તો અમે માલા પાપાનાં ફ્રેન્ડનાં ઘલે જવા માટે તૈયાલ થયા. પણ પહેલાં અંકલને ફોન કલી દીધો, કાંઈ કોઈને બતાવ્યા વગલ એમને એમ થોડી જવાય? એ અંકલતો છે ને બવ ... ફની છે હો.પાપાએ અંકલને પુછ્યું  "કેમ છે?" તો અંકલે સું કીધું ખબલ છે? લ્યો હું જ તમને કહું.

 "લે... લ... મ... લે.. લ અને જમવાનું ઘેલ" હા, એ વાતતો સાચી છે. પાપા એ અંકલને  પાછું પુછ્યું, "બીજુ શુ ચાલે છે? " તો અંકલનો સું જવાબ હતો, કહી જ દવ… "માલા હાથ પગ, અને લીનાની જીભ. "(આન્ટીનું નામ લીના આન્ટી છે.)  હવે આવા ફની આન્સલ આપેતો હસવું જ આવેને? અને પાપા પણ હસતા હસતા અંકલની બાજુમાં જઈને સાંતીથી બેસી ગયા. થોડી વાલ થઈને તો અંકલની નાની બેબી આવી. (હવે હાઈટમાં માલાથી નાની હોયતો નાની જ કહેવાય ને?) 

પાપા એ એને પુછ્યું, " બેટા તું શું ભણે છે"?

 "સીનિયલ કેજી, અંકલ" 

" ગયા વર્ષે શું ભણતી હતી?"

 " જુનિયલ કેજી." 

"વાહ, હવે આવતા વર્ષે?" 

ફટાક દઈને જવાબ આપ્યો, "ડીનીયલકેજી,અંકલ." હવે મનેતો ખબલ જ નહીં કે આવું કઈ ભનવાનું પણ આવતું હોય. 

   

બધા વાતો કલતાતાને ત્યાં જ પેલી બેબી ડિસમાં સુખડી લઈને આવી. હવે એ તો માલી ભાવતી વસ્તુ. મેં તો મમ્મીની સામે જોયું, પણ ચુપચાપ હો! કાંઈ... બોલ્યો નહીં. પણ બેબી તો સીધી માલી બાજુમાં જ બેઠી. અને મેં પણ કહેવાની વાટ જોયા વગલ એક પીસ લઈ જ લીધો. અને ફટાફટ મોઢામાં મુક્યો, પણ.... ટુકડો થયો નહીં! મેં તો મમ્મીને આપ્યો,ટુકડા કલી દેવા માટે, પણ મમ્મીની કોસીસ પણ બેકાલ, હવે આવ્યો પાપાનો ટન, પાપાએ તો બે હાથેથી ટુકડા કલવાની કોસીસ કલી,પણ કાઈ અસલ જ નહીં. અને અચાનક જ મને યાદ આવી ગયું, ઘલે છેને તો અખલોટ તોડવા માટે મમ્મી યલો હેમલ, (પીતળનો નાનો દસ્તો) યુઝ કલે. મેં ધીમેથી મમ્મીનાં કાનમાં કહ્યું હેમલ લેવાનું, પણ મમ્મીએ માલી સામે એવી આંખ કલી.... , હું તો ચુપચાપ બેસી જ ગયો.  છેલ્લે ડીસમાં જોયું, તો એક નાનો ટુકડો પણ હતો.. મેં જલ્દીથી લઈને મોઢામાં મુકી દીધો. પણ આ સુખડી... કદાચ ખાવા માટે બની જ નહોતી. ખાલી જોઈને જ ખુસ થવાનું હતું. થોડી વાલ ચગલીને પણ ટ્રાઈ કલી જોય, સાયદ સોફ્ટ થઈ જાય, પણના, માલી કોઈ કોસીસ કામ ન આવી. છેલ્લે સુખડીનો એ પીસ મોઢામાંથી કાઢીને છુપી રીતે ડીસમાં  પાછો મુકી દીધો. નહીંને માલો ટીથ તુટી જાય તો? લીસ્કી (રીસ્કી) કામ હું કલુ જ નહીંને..... 


હું કાયમ સવાલે ઉઠીને મમ્મીને પુછી લવ, આજે જમવામાં સું બનાવ્યું છે? અને મમ્મી જવાબ આપેને એ પહેલાં જ હું કહી દવ, હું એવું કાંઈ ખાઈસ જ નહીં. માલા માટે આજે ચુલમુ કે સીલો જ બનાવી દેજો,મને ચાલસે. અને મમ્મી તો એવો ગુસ્સો કલે... " તાલે ખાવું છે તો તાલી જ પસંદનું, તો પછી  લોજ અમાલી લસોઈનું સું કામ પુછે છે?" પણ ઘલમાં સું બનવાનું છે ઈ મને ખબલતો હોવી જોઈએને ? કદાચ મને ભાવતું હોય એવું પણ બને ને?

 

અલે! સુનો સુનો, તમને એક એવી વાત કલુ જે તમે ક્યાલેય.....  ક્યાંય પણ સાંભલી નહીં હોય.. ફની છે, એકદમ જ ફની.  લાસ્ટ યલ દિવાલી ટાઈમે માલા દાદાના એક ફ્રેન્ડ અમાલા ઘલે અમને મલવા આવ્યા હતા. બવ બધી વાતો કલી... બધા સાથે બેસીને જમ્યા... 

 

પણ ફકડાટા (ફટાકડા)ની વાત થઈને તો મને કહે "ફકડાટા ક્યાલેય લેવાય જ નહીં. કોઈ ફકડાટા ફોડતુ હોયને એની બાજુમાં જઈને ઉભુ લઈ જાવાનું. મોઢામાં એક મોટ્ટો સાકલનો ટુકડો મુકી દેવાનો, અને જેવો ફકડાટો ફુટેને એટલે એ..... ફુટ્યો... એ... ફુટ્યો.... એમ બોલતા જવાનું અને મોઢામાં મુકેલી સાકલનો કડાકો બોલાવતા લસ ગલે ઉતાલવાનો."

એમાં આપણને કેટલા બધા ફાયદા  થાય… એક તો આપણા પૈસા બચે, બીજું આપણને દાઝવાનો બીકલુલ ડલ નો લાગે . આપણું મોઢુ પણ મીઠુ થઈ જાય… અને કોણે ફકડાટો ફોડ્યો ઈ ખલેખલતો  કોઈને ખબલ જ નથી હોતી! આપણેતો ઓન્લી તાલીઓ જ પાડવાની હોય… એટલે આપણે પણ ખુસ. સું તમે આવી વાત ક્યાલેય પણ સાંભલી હતી? નહીં ને? જોયું, આપણે બધા હેપી થઈએ એવી વાત છે ને! હા, તો હેપી થઈએ તો સું કલાય? 

           

સ્માઇલ પ્લીઝ.....

...................... અલકા કોઠારી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ