વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિલ બેચારા ! - રીવ્યુ

દિલ બેચારા – મુવી રીવ્યુ : હોટસ્ટાર વેબ રીલીઝ વર્લ્ડવાઈડ –

 એક થા રાજા – એક થી રાની – દોનો મર ગયે – ખતમ કહાની !!!

હોટસ્ટાર દ્વારા વેબ ઉપર રીલીઝ કરવામાં આવેલી સુશાંત સિંહ રાજપૂતની આ છેલ્લી ફિલ્મ છે. સુશાંતના અપ મૃત્યુ પછી બહુ જ વિવાદો થયા અને બહુ બધી વાતો કરવામાં આવી છે પણ આપણે આ ફિલ્મ ઉપર વાત કરીશું આજે.

લાગણી – પોતાનાને છોડીને જતું રહેવાનો ભય-પ્રેમ-નિર્બળતામાં પણ સાહસ કરવું- આ બધું જ આમાં છે. શું છે દિલ બેચારા ?

ચાલો ટૂંકમાં પહેલા સ્ટોરી જોઈ લઈએ :

પાત્રો – ઈમાન્યુઅલ રાજકુમાર જુનિયર –સુશાંત સિંહ રાજપૂત

કીઝી – સંજના સાંઘી

આ બે મુખ્ય પાત્રો છે આ ફિલ્મ ના. આ સિવાય સ્વસ્તિકા મુખર્જી, સાસ્વત ચેટર્જી અને એક બીજું પાત્ર (એનું નામ નહિ લઉં – ફિલ્મ માં જોઈ લેજો – નાનકડો કેમિયો રોલ છે એનો) આ લોકોએ અભિનયનો ઓજસ પાથર્યો છે. રહેમાન નું મ્યુઝીક છે, મુકેશ છાબરા (સુશાંતનો ખાસ મિત્ર પણ છે આ) એ ડાયરેક્ટ કર્યું છે.

કીઝી બાસુ એવું વિચિત્ર નામધારી બંગાળી યુવતી કે જેને થાઇરોડનું કેન્સર છે અને કાયમ સાથે ઓક્સીજનનો બાટલો લઈને ફરવું પડે છે એવી યુવતી એક દિવસ ઈમાન્યુઅલ રાજકુમાર જુનિયર એવા નામધારી યુવકના પરિચયમાં આવે છે, આપણે એને ‘મેની’ ના હુલામણા નામે ઓળખીશું. મેની અને કીઝી જમશેદપુરમાં તાતા કેન્સર હોસ્પિટલમાં ચાલતા કેન્સર પીડિત કાઉન્સલર પ્રોગ્રામમાં ભેગા થાય છે. મેનીને પણ કેન્સરને લઈને પોતાનો એક પગ ગુમાવવો પડ્યો હોય છે. કીઝી શરૂઆતમાં મેનીને નફરત કરે છે. એના ફિલ્મીવેડા અને નાટકથી એ દૂર ભાગે છે પણ ધીરે ધીરે એને સમજાય છે કે એ પોતે જે લાઈફ જીવવા માંગે છે કે જે પ્રકારની લાઈફ એને જીવવી હોય છે એના માટે મેની એને મદદ કરી રહ્યો છે. કીઝીને ખબર નથી કે એ ક્યાં સુધી – કેટલું જીવશે. આખો દિવસ નાકમાં ઓક્સીજનની નળી અને ખભા ઉપર ઓક્સીજનનો બાટલો લઈને ફરતી કીઝીને જીવન જીવવું તો છે પણ કેવી રીતે એ ખબર નથી.

મેનીના પરિચયમાં આવ્યા પછી એની આખી લાઈફ બદલાઈ જાય છે અને જીવન જીવવાની એક અલગ જ દ્રષ્ટિ એને પ્રાપ્ત થાય છે. કીઝીનું એક સ્વપ્ન હોય છે કે પેરીસ જઈને એના ફેવરીટ સિંગરના એક અધૂરા ગીત વિષે માહિતી મેળવવી. મેની એને હેલ્પ કરે છે એ સ્વપ્ન પૂરું કરવામાં.

બસ આગળ નહિ, હવે થોડો રીવ્યુ વાંચો :

મેની ના રોલમાં આખરી વાર દેખાઈ રહેલો સુશાંત ખૂબ સરસ કામ કરી ગયો છે. એના હાવભાવ અને એક્ટિંગ કાબિલે તારીફ છે. કીઝીના રોલમાં પ્રથમ વાર જોવા મળતી સંજના સાંઘીએ પણ અદ્ભુત એક્ટિંગ કરી છે ! બંનેની જોડી જામે છે. ઈમોશનલ સીન્સમાં બંનેએ કમાલ કર્યો છે. કીઝીના પાપા અને મમ્મીના રોલમાં પણ એકટરોએ કમાલ કરી છે. મેનીના ખાસ દોસ્તના રોલમાં આવતો પાંડે પણ સરસ અદાકારી દાખવે છે. રહેમાનનું મ્યુઝીક બહુ જ નબળું છે અને હવે સમય આવી ગયો છે કે એ થોડું વિચારે અને પોતાની સ્ટાઈલમાં કૈંક ફ્રેશ વસ્તુ પીરસે. દિગ્દર્શન પણ ઠીક ઠાક છે. એકંદરે ડાઈલોગ અને સ્ક્રીનપ્લે પણ બહુ જ સુંદર છે. એક ફરિયાદ છે કે ડાઈલોગનું ડબિંગ બહુ જ ખરાબ કરવામાં આવ્યું છે અને અમુક ડાઈલોગતો બિલકુલ સંભળાતા જ નથી. બેકગ્રાઉન્ડ મ્યુઝીક સરસ છે.

શું થાય છે કીઝી અને મેનીની પ્રેમ કથા નું ? એકંદરે પ્રેમ અને લાગણીથી છલોછલ ભરેલી આ ફિલ્મ માણવી જ રહી. એક ફ્રેશનેશ છે આમાં, એક અપીલ પણ છે. સુશાંતની આ છેલ્લી ફિલ્મ છે એમ સમજીને નહિ પણ એક સુંદર મજાની પ્રેમકથા જોવી છે એમ સમજીને પણ આ મુવી ખાસ જોજો જ. હોટસ્ટાર પર ફ્રીમાં ઉપલબ્ધ છે.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ