વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારીફ

~તારીફ


          "આજથી તારા આ બધા ગતકડા બંધ કરી દે, આખો દિવસ બસ ફેસબુકમાં લુખ્ખાઓનાં હાય-હેલોનાં જવાબ આપતી રહે છે. અને આ તારો નવો આશિક તો ખબર નહીં ક્યાંથી પાક્યો છે! જાણે છે કે મેરિડ છે તો પણ અજાણ બનીને પૂછે છે.. મેમ, એક વાર આપને મળવાની અદમ્ય ઈચ્છા છે! અરે એની ઇચ્છાને તો હિંચકે ટીંગાડું... મોટો મેમવાળો આવ્યો! તું પ્રોત્સાહન આપે છે ત્યારે જ આ બધા લુખ્ખાઓની આવું લખવાની હિંમત થાય ને? આ તને વધુ પડતી છૂટ આપી દીધી છે એનું આ પરિણામ છે. હું પણ શાયરીઓ લખું છું, પાંચસો છસો લાઈક્સ મળે છે મને, છતાં આજ સુધી કોઈએ મને તો એમ નથી કહ્યું કે સર, તમને મળવું છે!" અક્ષયે પેલો અજાણ કોમેન્ટકર્તા જાણે એની સામે ઉભો હોય તેમ એનાં ચાળા પાડતા અક્ષરાને ખખડાવી નાખી.


         કોલેજનાં બીજા વર્ષમાં અક્ષરાની વાતવાતમાં જોડકણાં બનાવવાની કળા પ્રત્યે આકર્ષાઈને પ્રેમમાં પડેલા શાયર અક્ષયને આજે ત્રણ વર્ષ પછી એની એ કળા પ્રત્યે અણગમો પેદા થયો. અક્ષરાનાં જોડકણા કવિતાનું રૂપ ધારણ કરી એને નામાંકિત કવયિત્રી બનાવી ચૂક્યાં હતાં. હજાર લાઈક્સ મેળવવી એની કવિતા માટે રમત વાત થઈ ચૂકી હતી. અક્ષરા દરેક ફેન્સની ટિપ્પણીનો વ્યવસ્થિત અને માપસરનો જવાબ આપતી. અક્ષય કવિતા નીચેની દરેક ટિપ્પણી અને અક્ષરાનાં જવાબ વાંચતો. આજે એક હરખપદુડા ચાહકની ચાહના ભરી ટિપ્પણી વાંચી એ ગિન્નાયો. જો કે એ ટિપ્પણીને અક્ષરાએ ઈગ્નોર કરી કોઈ જવાબ ન આપ્યો હતો. છતાં લઘુતાગ્રંથિથી પીડાતા અક્ષયને એક બહાનું મળી ગયું. પતિની વાત સર આંખો પર ચઢાવી અક્ષરાએ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી નાખ્યું.


         એક માસ પછી રસોડાનું કામ પૂર્ણ કરી ફ્રી બેસેલી અક્ષરાથી સાવ અજાણપણે અંતરવ્યથા ઉજાગર કરતી કવિતા મનોમન રચાઈ ગઈ. વખાણ ભૂખ્યા હૃદયનાં હાથોથી મજબૂર અક્ષરાએ ફેસબુક પર એક ફેક આઈ ડી બનાવી કવિતા પોસ્ટ કરી. લાઈક્સ મળતી ગઈ, ઉત્સાહ પ્રેરક ટિપ્પણીઓ આવતી રહી. થોડા દિવસોમાં મિત્ર સૂચિ ફરીથી છલકાઈ ગઈ. અક્ષયને ખબર ન પડે તેમ, તે છતાં એના રચેલા વર્તુળમાં રહીને જ એ પોતાનો સાહિત્યિક શોખ સંતોષતી રહી. અણછાજતી ટિપ્પણીને આંખ આડા કાન કરતી અને સતત એવી ટિપ્પણી કરતા વ્યક્તિને એ બ્લોક કરી નાંખતી. 


         અગાસી પર કપડા નાંખતી વેળા વરસાદનાં ફોરાં અક્ષરાને ભીંજવીને કવિતાનાં મૂડમાં લાવવા માટે નિમિત્ત બન્યા. વરસાદી માહોલ પર એક સરસ કવિતા રચી એણે પોસ્ટ કરી. કલાકમાં લાઈક્સ અને કોમેન્ટ્સનો ખડકલો થઈ ગયો. નોટિફિકેશન્સની લાંબી લાઈનની ડાબી બાજુએ હવે લોકલાડીલા બની ચૂકેલ શાયર અક્ષયની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી અને કોમેન્ટ્સનાં ઢગલામાં એની તરફથી 'સુપર્બ' લખાયું હતું! ઈનબોકસમાં એનો મેસેજ પણ આવ્યો હતો, "મેમ, આપની વરસાદી કવિતાની જેટલી 'તારીફ' કરું ઓછી છે, મિત્રતાની અરજ સ્વીકારશો તો આભારી રહીશ." ખૂબ લાંબા ગાળા પછી પરોક્ષ રીતે અક્ષયનાં પક્ષેથી વખાણ પામીને પણ અક્ષરાનું મોં કડવું થઈ ગયું. 


         

#સોલી_ફિટર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ